દરિયાનો લાલ: પ્રકરણ: ૯ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા
(શબ્દો: ૧૬૮૭ )
`આચાર્ય સ્મૃતિગ્રંથ’માં એમના સહકાર્યકરો, મિત્રો વગેરેના અઠ્યાવીસ-ત્રીસ જેટલા લેખો છે જેમણે મારા પિતાનાં સંઘર્ષ અને ઝિંદાદિલી, એમની વેગીલી કલમ અને નિર્ભીકતા માટે ઘણાએ સ્મૃતિપ્રસંગો લખ્યા છે.
એક પ્રસંગ અત્યંત હૃદયસ્પર્શી છે, એ પહેલી જ વાર મેં અંકમાં વાંચ્યો ત્યારે ભીની આંખે હું સ્તબ્ધ થઈ ગયેલી.
રાજકોટમાં નવજીવન પ્રકાશનગૃહના જમનાદાસ રેવાશંકર દોશી. પિતાને રાણપુરના સમયથી ઓળખે, પછી તો ગાઢ મિત્રો બન્યા અને પ્રકાશક પણ. પિતાની કલમના ચાહક. એમણે `આચાર્યભાઈની સરફરોશી’ શીર્ષકથી લેખ લખ્યો છે.
`આચાર્યભાઈ, પત્નીની માંદગી અને `ફૂલછાબ’ પેપરના મેટરની જવાબદારીઓ છતાં પણ સમય મળે ખૂબ ઉલ્લાસપૂર્વક આપણે ખુશખુશાલ થઈ જઈએ તેવી વાતો કરે. એમણે કદી દુઃખ ગાયું નથી.
તેમનું વાચન ખૂબ વિશાળ અને યાદશક્તિ ઘણી સતેજ. ક્યારેય કોઈ વાત ન ભૂલે, ન કોઈનીયે શેહમાં આવે, તોય ભાઈઓના ભાઈ. સહુના મદદગાર.
બીજી ખાસ વાત. જે ખાસ કોઈને ખબર નહીં હોય.
તે એ કે આચાર્યભાઈ સાપ પકડવામાં ભારે કુશળ.’
એ વાંચી મને નવાઈ લાગી. એમણે અમને તો કદી કહેલુંય નહીં! જાણે કે સામાન્ય વાત હોય! ધરપકડના વૉરંટનીયે વાત કદી કહી નથી તો સાપની વાત તો સામાન્ય લાગી હશે ને! એ સમયે કંઈ નાનાં ગામો વિકસેલાં નહીં એટલે જંગલઝાડીયે વધુ હશે ને! જમનાદાસભાઈ લખે છે,
`કોઈનેય ત્યાં સાપ નીકળ્યાનું સાંભળે એટલે એ પહોંચી જ ગયા હોય. એક વખત બાજુના જ ઘરમાં સાપ નીકળ્યો હતો અને એ લોકો ધીમેથી બોલતા હતા કે આચાર્યભાઈને ન કહેશો નહીં તો સાપને મારી નાખશે, એ જ સમયે પિતાના નાનાભાઈ ચોકડીમાં નહાતા હતા. પિતા એ વાત સાંભળી ગયા અને ગુસ્સાથી ધસી જઈ, મોટો સાપ પૂંછડેથી પકડી સાણસા વિના હાથથી જ ઉપાડી અને ઘડામાં પૂરી દીધો, ઘડો દૂર મૂકી આવ્યા. એમને રોષ એટલે હતો કે એમના નાના ભાઈના જીવનું જોખમ હતું છતાં પાડોશી ચૂપ!
આવંુ તો અનેક વખત બન્યું હતું. અમે કહીએ આ સાહસ કહેવાય આવું ન કરો, તો એમનો જવાબ સહજ રીતે આપતા, `અરે, આમાં શું છે? આ પણ સાહસ અને કળા છે. ખબરદાર ? માણસ માટે શું મુશ્કેલ છે?’
રાણપુરમાં આવા પ્રસંગો ઘણી વાર બન્યા છે. એમણે ઘણા સાપ, કોઈ વાર જોખમ ખેડીને પણ પકડ્યા છે. બા કહેતી, પછી મેં એમને સમજાવ્યા, જ્યાં જરૂર હોય ત્યાં જ સાપ પકડજો. તોય કોઈને ત્યાં સાપની પધરામણી થાય કે એ સાણસા સાથે હાજર.
પત્રકાર અને લોકપ્રિય લેખક, તંત્રીનું પદ છતાં માત્ર પ્રતિષ્ઠિત કે મોટા માણસને મળવાનો મોહ નહીં. જમનાદાસભાઈ લખે છે, `કોઈ પણ પાન-બીડીવાળા કે કરિયાણાવાળાની નાની દુકાનમાં જમાવીને બેસીને વાતો કરતા, ભીડેતીડે મદદ કરતા.’
હવે આવે છે પેલા હૃદયસ્પર્શી પ્રસંગની વાત;
પિતા રાજકોટ જમનાદાસભાઈને ત્યાં હતા ત્યારે એમણે કહ્યું,
“હું નીલાને લગ્ન પછી કંઈ આપી શક્યો નથી એનું દુઃખ છે. સોનાની બે બંગડી આપવા ઇચ્છું છું. તમને એક પુસ્તક લખી આપું, તમે મને બંગડી આપજો.”
બંને સાંજના સાથે ફરવા ગયા હતા. તે દિવસે એમણે નક્કી કર્યું કે, આજે લખવા બેસું છું. શિયાળાની ઠંડી રાત અને દસ વાગે એમણે કલમ હાથમાં લીધી. `કોરી કિતાબ’નો અક્ષરદેહ ઘડાવા લાગ્યો. દોઢ-બે કલાકે જમનાદાસભાઈ ચા બનાવવા ઊઠે. પિતાની કલમ સડસડાટ, વણથંભી ચાલી. મેટર લખાતું જાય જમનાદાસભાઈ વાંચીને પાનાં ગોઠવતા જાય.
બરાબર સવારના આઠ વાગ્યે મારા પિતાએ પેન નીચે મૂકી. નવલકથાનાં 192 પાનાંની વારતા એક બેઠકે, મેરેથોન રનમાં પૂરી કરી.
ગુજરાતી સાહિત્યની–કદાચ–બીજી ભાષામાં પણ એક બેઠકે, એક રાતમાં નવલકથા લખાઈ હોય એવી આ એકમેવ ઘટના હશે. ફરી જોઈ જવાનું પણ ન હોય ત્યાં ફરી લખવાનું તો ક્યાંથી હોય!
સુધારવું, મઠારવું જેવી લક્ઝરી પિતાને કદી પરવડી નહીં. એક જ બેઠકે લખવાનું. પાનું ફર્યું તે ફર્યું!
જમનાદાસભાઈ અને વિજ્યાબહેન પછી અમ ભાઈબહેનોનાં પણ માસા-માસી બની ગયાં હતાં. નિઃસંતાન દંપતીએ અમને ખૂબ પ્રેમ આપ્યો. મારી મોટીબહેન બિંદુબહેન તો એમને ત્યાં વરસદહાડો રહીને ભણ્યાં હતાં.
પિતાએ છેલ્લા કલમ નીચે મૂકતાં કહ્યું હશે, આ રહ્યું પુસ્તક, હવે આપો બે બંગડી.
એ કેવી અણમોલ ભેટ હશે, પિતા માટે અને બા માટે પણ! જાણે ત્રાજવાનાં પલ્લામાં મૂકેલી રુક્ષ્મણીની નથ. આવી રૉયલ્ટી ભાગ્યે કોઈ લેખકને મળી હશે.
*
રાણપુરથી મારા પિતા અમદાવાદ આવ્યા, અને અમદાવાદના લેખકમિત્રો સાથે સંબંધ તો હતો, પણ અહીં આવ્યા પછી બધા ઘનિષ્ઠ મિત્રો બન્યા. અનૌપચારિક ગપ્પા-ગોષ્ઠીમાંથી `ચા-ઘર’નો જન્મ થયો.
`ચા-ઘર’ના ડાયરાની વાત જાણીતી થઈ ગયેલી. પ્રિય લેખકોને એકસાથે મળવાનું થાય અને વાતો પણ સાંભળવા મળે એટલે બીજા લોકો ખેંચાઈ આવતા. ખૂફિયા ટોળીની જેમ અડ્ડો બદલાય એમ અમદાવાદની જુદી-જુદી હોટેલમાં બેઠકો બદલે.
`ચા-ઘર’ પુસ્તક તો ધીરજલાલ ધનજીભાઈ શાહે લખ્યું. તા. 7/2/37થી એક મહિનાની રોજબરોજની ગોષ્ઠી અક્ષરસઃ લખી હતી. `ચા-ઘર’ને નામે સાતેય લેખકોએ નવલિકાસંગ્રહ પ્રગટ કર્યો હતો અને 1937માં હાસ્યલેખોનો સંગ્રહ પણ પ્રગટ કર્યો હતો.
એ બંને પુસ્તકમાંથી મારી પાસે એકપણ પુસ્તક નથી. જાણવાની ખૂબ ઇચ્છા રહી કે બધા જાણીતા અને લોકપ્રિય લેખકો, કોણે કેવી નવલિકાઓ લખી હશે? `ચા-ઘર’ના બધા જ સભ્યોની લેખિનીમાં જુદા-જુદા વિષયો હતા.
આ વિવિધરંગી નવલિકાસંગ્રહ અને હાસ્યલેખોનો સંગ્રહ, તે સ્વરૂપનાં સમય સાથેના વિકાસમાં અભ્યાસ માટે પણ એક વિશિષ્ટ સામગ્રી બની શકી હોત.
`ચા-ઘર’ સાતેક વર્ષ ધબકતું, જીવતું રહ્યું હતું. પછી વિવિધ કારણોસર સહુ વિખરાયા. મેઘાણીનું મૃત્યુ થયું પણ દૂર હતા ત્યારે પણ મિત્રતાની આ ગાંઠ અતૂટ રહી હતી.
લેખક જયભિખ્ખુ સાથે પણ મારા પિતાને ગાઢ સંબંધ રહ્યો હતો. જયભિખ્ખુએ જૈનદર્શનનું ઊંડું અધ્યયન કર્યું હતું. એટલે પોતાના લેખનમાં મારા પિતાને જ્યારે જૈન ધર્મ કે પાત્રોની વાત આવે ત્યારે એ જયભિખ્ખુનું ખાસ માર્ગદર્શન માગતા. જયભિખ્ખુ કલમજીવી હતા એ મારા પિતાના ખુદ્દાર સ્વભાવને ગમતી વાત હતી. એમણે પણ રાણપુર પછી અમદાવાદનાં જુદાં-જુદાં અખબારોમાં નોકરી કરી, મુંબઈ ફિલ્મઉદ્યોગમાં પણ કામ કર્યું પણ પછી એમણે પણ આજીવન કલમજીવી જીવન પસંદ કર્યું. નોકરીઓ સદા માટે છોડી.
આ બધા જ મિત્રો સાથે મારા માતા-પિતાને આજીવન કૌટુંબિક સંબંધો રહ્યા હતા અને અમ સંતાનો માટે હરખની વાત એ છે કે, સ્નેહની સુગંધી વેલ મહોરતી રહે, મહેકતી રહે એમ મારો પણ સંબંધ જયભિખ્ખુના પુત્ર કુમારપાળ સાથે અને શંભુકાકા–ગોવિંદકાકાના ગૂર્જર પ્રકાશનના મનુભાઈ સાથે એવો જ લીલોછમ્મ રહ્યો છે. અમદાવાદમાં વિશ્વકોશ, મનુભાઈ અને આર.આર. શેઠનો ચિંતન – આ બધાં માત્ર પ્રકાશનગૃહો નથી, મારું ઠરવાનું ઠેકાણું છે, આજે પણ!
*
ડાયરો વિખરાયો પણ સાથે સંબંધો વીખરાયા નહોતા.
મારા પિતાનો 1900માં જન્મ અને 1937-38માં મુંબઈની પ્રખ્યાત ફિલ્મ કંપની રણજિત મૂવીટોનના માલિક સરદાર ચંદુલાલ શાહનું એમને મુંબઈનું તેડું આવ્યું.
ત્યારે એમની વય 38 જ હશે ને! ત્યાં સુધીમાં તો જીવનના અનેક રંગ એમણે જોઈ લીધા હતા. પણ હજી જીવનના ઘણા નવા અધ્યાયો લખવાના છે એમ કોઈ પ્રખર જ્યોતિષીએ કહ્યું હોત તોપણ એમણે માન્યું ન હોત. આમ પણ એમને પુરુષાર્થમાં જ શ્રદ્ધા.
અમદાવાદમાં જ સ્થાયી થવાની ઇચ્છા. મિત્રોની, `ચા-ઘર’ના સાથીઓની ખાસ અત્યાર સુધી અનેક નાની-મોટી નોકરીઓ, ગામઠામ બદલ્યાં હતાં. રાણપુરમાં સ્થિર થયા કે એય છૂટ્યું અને અમદાવાદ આવ્યા. થયું, અબ અઠે હી દ્વારકા.
ત્યાં રણજિત મૂવીટોનનું કહેણ. ત્યારે ચંદુલાલ શાહ સરદાર કહેવાતા અને એમના નામના ફિલ્મની દુનિયામાં ખણખણતા સિક્કા પડે, એમનો મધ્યાહ્ન તપે. એમનો આગ્રહ મારા પિતા માટે, કારણ કે એમની તેજાબી કલમથી એ આકર્ષાયા હતા. સારી-સારી પ્રતિભાઓને વીણી-વીણીને સરદાર પોતાની કંપનીમાં રાખતા.
લાંગરેલી નાવનું ફરી લંગર ખેંચાયું અને નાવ મુંબઈ બંદરે પહોંચી. રણજિત મૂવીટોનમાં, વાર્તાવિભાગમાં જોડાવાનું સરદારનું આગ્રહભર્યું નિમંત્રણ સ્વીકાર્યું.
જીવનનો આ નવો જ અણધાર્યો વળાંક. એમણે કદાચ ધાર્યું હશે કે, મુંબઈ એ સમયે પણ અનેક શક્યતાનું શહેર હતું, અહીં હવે ઠરીઠામ થઈ કુટુંબ સાથે મુકામ. લેખનની આ નવી જ દિશા, દૃશ્યશ્રાવ્ય કલા હતી.
એક વળાંક, અનેક ગલીકૂંચીમાં થઈ ક્યાં લઈ જશે એવી તો કોને ખબર હોય! ક્યારેક એક પંથમાંથી અનેક કેડી ફૂટી નીકળે છે.
સરદારના આગ્રહથી પિતા અમદાવાદ છોડી મુંબઈ આવ્યા. રણજિત સ્ટુડિયો દાદરમાં, એટલે એમણે માટુુંગામાં, આજે મહેશ્વરી ઉદ્યાન. એ સમયનું કિંગ્સ સર્કલ એની પાસે, મોટા ચોગાનમાં ત્રણ બિલ્ડિંગ ભૂતા નિવાસ (આજેય અડીખમ છે) ત્યારે પાઘડી સિસ્ટમ હતી, ત્યાં ચાલીમાં ઘર લીધું. મોટા ભાગે ગુજરાતીઓ અને એક વિંગમાં દક્ષિણ ભારતીય લોકો આમ પણ માટુંગા દક્ષિણ ભારતીય લોકોનો ગઢ.
અહીંથી એમને ગુરુજીનું બિરુદ મળ્યું. ફિલ્મી દુનિયામાં, મુંબઈના નાટ્યવર્તુળોમાં એ સહુના ગુરુજી. એ જ સંબોધનથી બધા બોલાવે. ગુરુજી એટલે એક જ – ગુણવંતરાય આચાર્ય.
સરદારના ભાણેજ રતિભાઈ પુનાતર, જેમણે પોતે પણ પછી ફિલ્મો બનાવી, તે વર્ષો અગાઉ તેમના હાથ નીચે ભણેલા એટલે એ ગુરુજી કહેતા અને રણજિતમાં જોડાયા પહેલાં, કદાચ સરદારનાં બાળકોને પણ ભણાવતા હશે. જે હોય તે, પછીથી ફિલ્મજગત, નાટ્યવર્તુળ અને પત્રકારજગતમાં એ ગુરુજી. ભાગ્યે કોઈ આચાર્યભાઈ કહેતા. હા, અમદાવાદના મિત્રો માટે આચાર્યભાઈ.
પણ મારી બા માટે તો સદાના ગુરુજી. બાના મોઢે કદી આ નામ સુકાયું નહીં.
એ સમયે અભિનેતા-અભિનેત્રીથી માંડી બધાં જ માસિક પગાર ધોરણે કામ કરે. રણજિતની ફિલ્મમાં લેખક તરીકે વાર્તા, પટકથા સંવાદ બધું જ મારા પિતા લખતા. ફિલ્મકથા પણ તરત સાધ્ય થઈ ગઈ.
મને આશ્ચર્ય એ વાતનું છે કે લાંબી લેખણે નવલકથાઓ લખતા. જેમાં વર્ણનો હોય તેમાંથી કશા જ અનુભવ કે તાલીમ વગર એમણે એક પછી એક સફળ ફિલ્મોની કથા-પટકથા-સંવાદ સાથે લખવાની કળા શી રીતે હસ્તગત કરી હશે! હા, એમની નવલકથામાં ગતિ, નાટ્યાત્મક વળાંકો અને જોમદાર સંવાદ અચૂક જ હોય. છતાં પટકથાલેખન એ ફિલ્મનું હાર્દ હોય છે, એમાં પણ એ સફળ હતા.
કેટલી ફિલ્મો લખી, એનાં નામ વગેરે એમણે ન તો ક્યાંય લખ્યાં હતાં કે ન નોંધ્યાં હતાં. એમની કૉલમોમાં પણ અંગત જિંદગી કે પોતાની સિદ્ધિ કે શું કર્યુંં, શું-શું લખ્યું, સંઘર્ષ એવું કશું લખતા નહીં. એમની કૉલમો એટલે નિર્ભીકતાથી સમાજના છડીદારની જેમ સમાજની સારીનરસી વાતો, રાજકારણના પ્રવાહો, ઘટનાઓ વિશે વિશ્લેષણ, એનાં આંતરપ્રવાહો, સરકારની ભૂલચૂક કે ઢાંકપિછોડો ખુલ્લી રીતે લખતા. મને એમના ઘણા મિત્રો, વાચકો, મારા કૉલેજકાળ દરમિયાન મળતા ત્યારે કહેતા, `તમે આચાર્યભાઈની દીકરી? ઓહો, અમે તો એમની કૉલમનાં ચાહક. કોઈની શેહશરમ નહીં, એમને.’
એ સમયે તો મારી મુગ્ધવયે શું સમજ પડે પણ અમને ગર્વ હતો કે અમે એમની દીકરીઓ, ભાઈ તો મોટો. એમનું બધું જ વાંચે.
વર્ષો પછીનો અેક નાનો પ્રસંગ મને યાદ રહ્યો છે. ભાઈ-બહેનો પરણીને બીજે ઠરીઠામ થઈ ગયાં હતાં. હું સહુથી નાની. એક સવારે બાએ ચા-નાસ્તો કર્યાં. અમે ત્રણેય બેઠાં વાતો કરતાં હતાં. પિતા તો સવારે ચાર વાગે ઊઠે, ચારથી છ ઘરમાં ચાલતા રહે અને આખા દિવસના લેખનનું વિચારતા હોય પછી કલમ હાથમાં લે, જમ્યા વિના સાંજ સુધી લખે, પછી સવારનું રાંધીને ઢાંકેલું પડ્યું હોય તે જ હાથે લઈને જમી લે. આ એમનો નિયમ.
તે દિવસે ટપાલી કાગળો આપી ગયો. એ હતો પત્રયુગ. પિતાને પત્રો ખૂબ આવે. એમાં બે-એક પત્ર જરા જુદા સૂરના હતા. એમની તેજાબી કૉલમ સતત લખાતી, છપાતી. તેમાં બાએ એક વખત કહ્યું હશે, આખી જિંદગી તમે તીખા લેખો લખ્યા છે. કોઈ સુધરે છે! જોકે એ જોવાનું કામ આપણું નથી, પણ તમે હવે આ કૉલમોમાં હૈયાવરાળ ઠાલવવી રહેવા દો.
એમણે બાની વાત માનીને થોડો વખત કશુંક બીજું જ લખતા હશે. એટલે એમના વાચકે પત્રમાં લખ્યું હતું,
`અમને તો એમ કે તમે બધાથી અલગ છો, તમારી કૉલમ અમારો રોષ પ્રગટ કરતો, સધિયારો હતો. હવે તમને પણ સોનાની ગોળી વાગી કે શું?’
આટલાં વર્ષેય એ દૃશ્ય, એ વાક્ય મને બરાબર યાદ છે. તરત પિતાએ એ પત્ર બાને આપ્યો, જો નીલુ, લોકો તો એમ જ માનશે કે મને સત્તાધારીની બીક લાગી કે મેં પછી લાંચ લીધી હશે!
બા તરત બોલી,
“ના.. ના.. ગુરુજી, એ તો ન ચાલે. તમે તો આખી જિંદગી તપ કરતા હોય એમ જીવ્યા, હવે આયુષ્યને છેવાડે આ તો મહેણું કહેવાય!”
બંને વચ્ચે ઊંડી સમજણનાં આવા નાના-મોટા અનેક પ્રસંગો આ લખતાં સાંભરી આવે છે.
(ક્રમશ:)