સુખપુર (વાર્તા) ~ ડૉ. રીતા ત્રિવેદી, સુરત

શાંતિકુંજમાં દસ વાગ્યા સુધીમાં તો સૂર્યનો રૂઆબ આકરો બનવા લાગ્યો. આસ્તિક નગરની બરોબર વચ્ચે આવેલો આ બાગ ખરેખર વૃદ્ધો માટે નામ પ્રમાણે જ શાંતિદાયક હતો. આસપાસનાં વૃદ્ધો સાંજ પડ્યે સાથે બેસીને જાતજાતની ચર્ચાઓ કરતા ને સુખ-દુઃખ વહેંચતા રહેતા.

સમવયસ્કોનો આ સથવારો એકમેક માટે શારીરિક, માનસિક, સામાજિક દુઃખોને ભૂલવા માટે ઉપયોગી નીવડતો હતો. તેમાં સૌથી વધુ સક્રિય હતાં હરજીકાકા. બધાની સમસ્યાનાં મૂળ-કૂળ અને ઉપાય બધું જ તેમને હસ્તગત રહેતું. જાણે કે વૃદ્ધસભાનો શ્વાસ હતાં તે! ને વળી રામભાના પાડોશી! એટલે રામભાને ઘણી હિંમત રહેતી.

સૂર્યની સત્તા આકરી બનીને આ વૃદ્ધસભાએ વિખેરવાનું શરૂ કર્યું, જેમ ચણવા આવેલાં પારેવડાંઓ કોઈનો પગરવ સાંભળીને ધીરેધીરે ખસતા જાય!

આજે સાંજે ગીતાચિંતનનો એજન્ડા નક્કી થયો હતો. આમ, છતાં શિવરામકાકાએ પૂછીને ખાત્રી કરી લીધી, “એલા ભાઈ! સાંજે ગીતા જ ને! પાકું ને!” કનુકાકા બોલ્યા, “હા! ભાઈ! ગીતા જ! આમેય આજથી શ્રાવણ શરૂ થાય છે. એ બહાને ધર્મ, ધ્યાન, ચિંતન બધું ભેગું! બીજું શું વળી!”

બધા હકારમાં ડોકું હલાવતા વિખેરાવા લાગ્યા. કનુકાકાનું ધ્યાન ગયું કે રામભા હજુ પણ બેસી જ રહ્યાં હતાં. તેમની ટેકણલાકડીએ માથું ટેકવીને! કનુકાકાએ બૂમ મારી “રામભા! શું વિચારમાં પડ્યા! ઉઠો! ઉઠો! હવે સાંજે આપણે મળીએ છીએ! આમ માથે તો જુઓ! તડકો તપવા લાગ્યો છે. ચાલો! ઘરભેગા થઈએ.”

રામભાએ ચમકીને ઉપર જોયું અને લાકડી લઈને ઉઠ્યા, બોલ્યા “હા! સાંજે મળીએ ત્યારે! મારે પણ આજે તો ટીફિન લેવા જવું પડશે. ટીફિન દેવાવાળો આજે આવવાનો નથી.”

બાજુમાં જ ઉભેલા નરપતલાલ રામભાને ખભે હાથ ટેકવીને બોલ્યા “ચાલો! આજે મારા ઘરે જમવા ચાલો! અમારી નાની વહુ બહુ હોંશથી જમાડશે.”

રામભા અપલક નેત્રે તેમને જોઈ રહ્યા. નરપતલાલના હાથમાં ત્રિકોણિયા લાકડી હતી. એટલે નરપતલાલ ટટ્ટાર ચાલી શકતા હતા. રામભા મનોમન બબડ્યા, પત્ની, દીકરો, વહુ બધું જ છે આ નરપત પાસે. કેટલો સુખી છે તે! ભલેને લકવાથી થોડોક પગ લંધાય, પણ સાચવવાવાળા તો છે ને આટલાં બધા!

નરપતલાલ બોલ્યા “શું વિચારો છો રામભા! ચાલો ઘરે! સાથે જમીએ!” ચમકીને રામભા જાગ્યા ને બોલ્યા, “અરે! ના! ના! મારું ટીફિન પડ્યું રહે! બાંધેલું જ હોય આખા મહિનાનું. ફરી ક્યારેક આવીશ.” કહીને રામભા હાથ વિદાય માટે ઊંચો  કરી ચાલવા લાગ્યા. શાંતિકુંજ છોડ્યું ને રામભાને લાગ્યું કે ચારેબાજુ અંધારું ઘેરાઈ ગયું છે.

એક જ ગલી પસાર કરવાની હતી રામભાએ ટીફિન માટે. ત્યાંથી પાછા શાંતિકુંજના બાગ પાસેથી જ રામભા ચાલીને ઘરે પહોંચવાના હતાં. હવે ટીફિન લઈને રામભા પાછા ઘર તરફ ચાલવા લાગ્યા. આજે વારંવાર ખોવાઈ જતું હતું રામભાનું મન!

કાલે ભાવસિંહનો ફોન આવ્યો ને તરત કપાઈ ગયો હતો. આખી રાત વિચારવલોણું ચાલતું જ રહ્યું હતું. ભાવસિંહનો ફોન ફરીથી ન જ આવ્યો તે રહી રહીને રામભાને યાદ આવતું હતું.

એટલામાં તો યંત્રવત્ શાંતિકુંજ આગળથી પસાર થતાં રામભા સાથે પાછળથી ફુલસ્પીડમાં જતો હોન્ડાવાળો ઘસાયો અને આગળ નીકળી ગયો. ગભરાટમાં રામભાના હાથમાંથી ટીફિન છૂટી દડી પડ્યું અને છેક કચરાના ઢગલા પાસે જ ઊભું રહ્યું.

બાજુમાંથી પસાર થતાં રાહદારીએ રામભાને પકડી લીધા ને બાજુની દુકાનના ઓટલે બેસાડ્યા. બીજો જુવાનિયો દોડીને ટીફિન લઇ આવ્યો. પેલો જુવાનિયો બોલ્યો, “કાકા! સાઈડમાં જ ચાલવું. આ હોન્ડાવાળાનો ભરોસો નહીં ને પાડી દે તમારા જેવાને ઘડીકવારમાં તો.”

રામભા હવે મનથી સ્વસ્થ થઈ ચૂક્યા હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો, રાહદારી સામે હસ્યા અને પછી ટીફિન પકડી ધીરે-ધીરે ચાલવા લાગ્યા, ને મનમાં બબડ્યા, “બહુ બધું પડી ગયું છે ભાઈ! તને ક્યાં ખબર છે.”

ઘરે પહોંચતા જ તેમણે ટીફિન રસોડાનાં પ્લેટફોર્મ ઉપર નહીં પણ નીચે મુક્યું અને પડતું નાખ્યું આરામખુરશીમાં. તેમની બંધ આંખો સામે વારંવાર એ દ્રશ્ય આવી જતું હતું કે તેમનું ટીફિન દડતું દડતું કેવા ગંદામાં જઈ પડ્યું હતું! હવે તેને કેમ કરી ને ખવાય?

રામભા કડવાટ ભર્યું હસી પડ્યા ને બબડ્યા, “મારી જેમ વળી બીજું શું? મઝાનો સુખી સંસાર હતો જ ને! કઈ વાતની ખોટ હતી? ને સમયે ફેંકી દીધો આ ટીફિનની જેમ જ એકલવાયી જિંદગી ભોગવવા! કોણ છે જે મારી રાહ જોતું હોય! કોણે મારી કાળજી કરવાની છે! છે કોઈ મને ટેકો કરવાવાળું!”

રામભાએ નીચે પડેલાં ટીફિન તરફ જોયું. ટીફિનમાંથી દાળ છલકાઈને જરાક બહાર આવી હતી. રામભાએ તિરસ્કારમાં મોઢું ફેરવી લીધું. “હવે આવું ટીફિન ખાવાનું!”

આમ પણ રામભા ગરમ ખાવાનાં શોખીન! શાંતાબા હતાં ત્યારે તેમણે હંમેશા ઉતરતી રોટલી ખાધેલી. નાના દીગુની વહુ પણ ગરમાગરમ જ જમાડતી. પણ વિદેશની સગવડો આ જુવાનિયાઓને ખેંચી ગઈ! ને હવે આવે છે ક્યારેક ફોન! ટીફિન જેવા જ ઠંડાઠંડા!

રામભાને યાદ આવી ગયું કે ભરાવદાર શરીરવાળો નાનકડો ભાવસિંહ આ ટીફિનની જેમ જ રસ્તા વચ્ચે ગબડી પડેલો! રામભાએ દોડીને વિજળીવેગે ભાવુને છાતીસરસો ચાંપી દીધેલો! ને ગભરાયેલો ભાવુ પણ બાપુની છાતીમાં કેવો ચોંટી પડેલો! જાણે કૂતરીના આંચળમાં વળગેલું ગલુડિયું! રામભાના નાકમાં ભાવસિંહના વાળની તેલની સુગંધ તરી રહી! ને પછી શરૂ થયું મહાસાગરનું વલોણું!

“કેવા બધા પોતપોતાનામાં મસ્ત છે! કોઈને પડી છે મારી! યાદ પણ કોઈને આવતો હોઈશ!” રામભાએ તિરસ્કારમાં મોં ફેરવી લીધું અને હિંચકે ધબ કરતા બેસી પડ્યા.

જમ્યા પહેલાંની દવા લેવાનું યાદ કરાવતું અગિયાર વાગ્યાનું આલારામ વાગ્યું. કચકચાવીને રામભાએ તે બંધ કરી દીધું. “શું કામ દવા લેવી જોઈએ? જરૂર જ શું છે જીવવાની? બહુ જીવ્યા! હવે આ આંખ મીંચાઈ જાય તો સારું!” બબડતા રામભાએ કપડા બદલીને પલંગ ઉપર ફેંક્યાં.

વરંડાના તાર ઉપર કાગડો જોરભેર બોલવા લાગ્યો. રામભાએ ગુસ્સામાં તેની ઉપર નેપકીન ફેંક્યો ને કાગડો કો… કો… કરતો ઉડી ગયો. અકળાતા અકળાતા તે હિંચકા ઉપર લાંબા થયા ને હિંચકો જોરથી ઠેલાવ્યો. તંદ્રાસ્થામાં ક્યારે સરી પડાયું તેની રામભા ને જાણ જ ન રહી, પરંતુ છાતીમાં ફરતા મધુર સ્પર્શથી રામભા ઝબકી પડ્યા. એ તો શાંતાનો સ્પર્શ હતો! શું કહેતી હતી એ! શું તે મારી બાજુમાં જ હતી!

રામભા ધુસકે ને ધુસકે રડી પડ્યા. જરાક મન હળવું થયું ને તેમને યાદ આવ્યું. બારીઓ બધી જ ખુલ્લી હતી, ને ગરમીનો પારો ચડતો જતો હતો. રામભા બારી બંધ કરવા લાગ્યા, ને તેમનું ધ્યાન ગયું કે બાજુવાળા હિમતલાલ એકીટશે તેમને જોઈ રહ્યાં હતાં.

રામભાને યાદ આવ્યું કે હિમતલાલ થોડા દિવસથી દેખાતા ન હતા. તેમણે સદ્દભાવે કહ્યું “હિંમતલાલ! આપણી મંડળીમાં કેમ દેખાતા નથી! તમારી વગર રોનક નથી આવતી! ક્યાં છો તમે!”

હિંમતલાલ ખૂબ સરસ ગાતા હતાં એટલે એ હોય ત્યારે શેર, શાયરી, પિક્ચરના  જૂના ગીતોની રમઝટ બોલી જતી.

હિંમતલાલ કહે, “અરે ભાઈ! કાલે સાંજે મળીએ ત્યારે વાતા!” રામભા કહે “સારું! સારું! પણ તમે ચોક્કસ આવજો હોં!” કહીને રામભા ઘરમાં આવ્યા, ને હિંચકે પડતું મૂક્યું. તેમની નજર ટીફિન ઉપર ફરી વળી. પણ પેટ કરતા મન જ જીત્યું. તે બબડ્યા, “આજે તો ખાવું જ નથી ને!”

સાંજે ગીતા ઉપર ચર્ચા છે તે યાદ આવતા તેમણે લાઈબ્રેરીમાંથી “ગીતા પ્રવચનો” પુસ્તક બહાર કાઢ્યું, પણ પાના ઉથલાવતા પાછા બબડી પડ્યા, “જ્ઞાન-કર્મ-ભક્તિ… ભગવાનને શું? લીલા માત્ર! અહીં અમારી જેમ જીવી બતાવે તો ખબર પડે કે કેટલી વીસે સો થાય છે!

પેટે પાટા બાંધી બાંધીને આખો યુગ જીત્યા અને હવે એ આનંદનું ભાગીદાર કોઈ નહીં! અરે! માંદા હોય ત્યારે પાણી પાવાવાળું પણ કોઈ નહીં!”

મુંઝારો થતો હોય તેમ રામભા ઊભા થઈ ગયા. ઘડિયાળ હજુ તો બે જ વાગ્યા છે તેમ બતાવતી હતી. ટી.વી. ચાલુ કરીને ફરી તેમણે હિંચકે ઝંપલાવ્યું અને થોડીવારમાં તેમની આંખો ઉંઘથી ઘેરાવા લાગી.

જાગ્યા ત્યારે પાંચ વાગી ગયા હતાં.આકાશ કાળું ઘેઘુર બની ગયું હતું. સફાળા જાગીને તેઓ બહાર આવ્યા અને બાલ્કનીમાંથી ડોકાઈને નીચે જોયું તો મોટું ઝાપટું વરસી ગયું હતું. હવે આમાં મંડળી મળે કેવી રીતે?

તેમને હિમતલાલ યાદ આવ્યા, બારી પાસેથી તેમણે હિંમતલાલને બૂમ પાડી. તરત જ હિમતલાલ બહાર આવ્યા અને બોલ્યા, “બે વાર જોઈ ગયો પણ તમે દેખાયા નહીં. આ આવ્યો! ચાલો!” કહી હિંમતલાલ ધીરે ધીરે પોતાના ફ્લેટના પગથિયા ઉતરવા લાગ્યા, ને રામભાના હિંચકે આવીને હાંફતા-હાંફતા બેસી પડ્યા.

રામભાએ પંખો તેજ કર્યો ને બોલ્યા, “હિંમતલાલ! કેમ બહુ સુકાઈ ગયા છો! માંદાબાંદા તો ન હતા ને!”

હિંમતલાલ ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા, “જવા દો ને એ વાત!” પણ રામભાએ જાણવાનો આગ્રહ રાખ્યો જ! છેવટે હિંમતલાલ હાર્યા! બોલ્યા, “રામભા! ઝાડાઉલટી થઇ ગયેલા! કપડાં બગડી જાય તેવી સ્થિતિ બે કલાકમાં તો આવી ગયેલી.”

રામભા ચમકી ગયા! પછી બોલ્યા “તમારે તો વાસુદેવ હોય એટલે ચિંતા નહીં. ” હિમંતલાલ હસી પડ્યા ને કહે ઘરે ભલા માણસ! એ તો નોકરીએ હોય ને! ઘરે મારી પાસે થોડો હોય! મારું કોણ કરે!

રામભા અત્યંત નવાઈથી જોઈ રહ્યા ને બોલ્યા, “તમારી વહુ, તમારો કોલેજિયન પૌત્ર! તમારે તો એક કરતા એકવીસ માણસ!”

વળી હિંમતલાલ હસ્યાં ને કહે, “ઝાડા ઉલટીમાં તો ચેપ લાગી જાય! કોણ સેવા કરે! ને હોસ્પિટલમાં લઈ જવા જેવું એ લોકોને નહીં લાગ્યું હોય ત્યારે ને!”

રામભા નર્યા ત્રાસથી અવાક બની રહ્યાં ને પછી ધીરેથી બોલ્યા, “મારા જેવા એકલવાયાને આવું થાય, તમે તો ભર્યા કુંટુંબવાળા! તમને આ તકલીફ!”

હિંમતલાલ રામભા સામે એકીટશે જોઈ રહ્યાં ને પછી બોલ્યા, “એમાં તકલીફ શી? ભીંતને ટેકટેકે બગડેલી ચાદર ડોલમાં નાખી નળ ખુલ્લો મુકી દીધો. બીજી વાર ડોલમાં નાખી અડધી બોટલ ડેટોલ ઠાલવી દીધું! એટલે કોઈને ઇન્જેક્શનની બીક જ નહીં!” કહી ને તે હો… હો… કરતા હસી પડ્યા.

રામભાએ ગુસ્સામાં મારવા માટે હાથ ઊંચો કર્યો ને બોલ્યા. “કંઈ અક્કલ છે કે નહીં! પડ્યા હોત તો ફ્રેક્ચર થઈ જાત! તે દિ તમારી બુદ્ધિ ઠેકાણે આવત!” પણ હિંમતલાલ એમ ગાંજ્યા જાય તેવા ક્યાં હતાં? કહે કે “હું થોડો પડું? મેં તો દીવાલનો ટેકો લીધેલો. મારું તો મારે કરવું ને! એમ થોડું સૂઈ રહેવાય?”

રામભા ઉઠીને હિંમતલાલની બાજુમાં બેઠા અને ખભે હાથ મુકી બોલ્યા, “રસીલાભાભી યાદ આવતા હશે ખરું ને!”

હિંમતલાલ કકરા અવાજે બોલ્યા, “જનારા તો જતા રહ્યા ભાઈ! આપણી લેણાદેણી પૂરી થઈ! તેને યાદ કરીને રડવાનું શું કામ? હા!! રસીલા પાસેથી હું આત્મસન્માન શીખ્યો! ને તે પ્રમાણે કર્યું,”

રામભા હિંમતલાલ સામે જોઈ રહ્યાં, ને બોલ્યા, “ખરા કર્મવીર છો તમે તો!” હિંમતલાલ ચૂપચાપ હિંચકાને ઠેસ મારતા રહ્યાં. પછી બોલ્યા, “ગીતામાં કૃષ્ણ પણ આમ જ કહે છે ને! તમારી સામે જે કર્મ ધર્મસ્વરૂપે આવીને ઊભું રહે તે તો કરવું જ પડે! ને જીતવું પણ પડે. ત્યાં તમારો વિષાદયોગ ચાલે જ નહીં!

અહીં તો અર્જુન ગણો તોય હું ને સારથિ પણ હું! આ યુદ્ધ હું હારું તો મારું ભણતર લાજે ભણતર! ઉપરવાળો શું કહે? કે આ માણસ ભણ્યો પણ ગણ્યો જ નહીં ને! સ્વધર્મે તો મૃત્યુ ભલે ને આવે! તે ચાલે! પણ પારોઠનાં પગલા તો નહીં જ! રહેવું વહુ સાથે તો પછી કકળાટ શેનો કરવાનો?”

રામભા વિસ્ફારિત નેત્રે હિંમતલાલને તાકી રહ્યા. આ માણસ! ઘોડી વગર ચાલી તો શકતો નથી ને ઝાડાઉલટીમાં પોતાની ચાદર પોતે… એને કોઈની અપેક્ષા જ નહીં! રામભાનું ધ્યાન અનાયાસે જ સવારના ટીફિન તરફ ગયું. શિસ્તબદ્ધ સૈનિકની જેમ ટીફિન સવારની પોઝિશનમાં જ ઊભું હતું. રામભાની અંદર કશુંક ડખોળાયું.

હવે રામભાને યાદ આવ્યું કે સવારનું કશું જ ખાધું ન હતું ને પેટમાં ડૂચા વળતા હતા. તેમણે હિંમતલાલ ને કહ્યું, “જરાવાર બેસો હિંમતલાલ! ચા બનાવતો આવું. ચા ચડે પછી તમારા ગીતો સાંભળીએ.

વળી હિંમતલાલનો હો.. હો.. કરતો અવાજ બધે ફરી વળ્યો. કહે, “જુઓ રામભા! હું તમને મસ્ત કોફી પાઉં છું આજે તો! જોયા કરો તમે!” હિંમતલાલે મોબાઈલથી ગલીના નાકે ચાવાળાને બે કપ કોફીનો ઓર્ડર કર્યો. પાંચ મિનિટ, ને કોફી હાજર!

હિંમતલાલ લહેરાઇ ઉઠ્યા જાણે કે! કહે, “જોયું! જલસાથી જીવવાની મઝા પડે મને તો! એ કોણ રડી-રડીને દિવસ કાઢે! પણ ભાઈ! આ કોફી એકલી જ પીવાની છે કે! ડબ્બા શોધો ડબ્બા!”

રામભા હસી પડ્યા ને બોલ્યા, “ખાખરા ને ગાંઠિયા બન્ને છે ભાઈ!” દસ મિનિટ પછી હિંમતલાલનો બુલંદસ્વર હિંચકાની સાથોસાથ રૂમમાં ફેલાતો ગયો. યે શામ મસ્તાની! મદહોશ કી એ જાય….

છેક મોડી સાંજે બંને મિત્રો જુદા પડ્યા ત્યારે આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું હતું ને કાળાવાદળો સાવ વિખરાઇ ગયા હતાં. ડોરબેલ રણક્યો. રામભાએ વિચારમાં જ બારણું ખોલ્યું, જોયું તો ટીફિનવાળો સાંજનું ટીફિન લઇને ઉભો હતો. રામભાએ સવારનું ટીફિન પાછું આપ્યું.

તેનું વજન જોઈને છોકરો વિચારમાં પડ્યો અને બોલ્યો, “દાદા! મસ્ત વઘારેલી ખીચડી છે. જલદી જલદી ખાઈ લેજો હોં!”

રામભા અનાયાસે જ મલકી પડ્યા, બોલ્યા, “અરે હા! વઘારેલી ખીચડી તો મને બહુ જ વહાલી છે.”

છોકરાના જતાં જ રામભાએ ડાઇનીંગ ટેબલ ઉપર બે થાળી ને બે વાડકા ગોઠવ્યા ને બોલ્યા, “પધારો મહારાણી! તમારા સુખપુરમાં! તમારા ભાવતા ભોજન તૈયાર રાખ્યા છે.”

દીવાલ ઉપરની છબીમાં શાંતાબા મંદમંદ મલકી રહ્યા હતાં.

~ ડૉ . રીતા ત્રિવેદી, સુરત
[email protected]

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.