દાળ તો દઈ દીધી! (વાર્તા) ~ નિમિષા મજમુંદાર, મહેસાણા
શિયાળાની સાંજના સાડા ચાર થયા હતા. હવામાં શરણાઈના સૂર ભરપૂર મીઠાશ રેલાવી રહ્યા હતા. એક તરફ દિવસના અજવાળાની પાછળ માર-માર કરતી કાળી રાત પડી’તી અને બીજી તરફ ‘આસોપાલવ’ પાર્ટી પ્લોટમાં સુનિલભાઈની પાછળ બધાં સગાંવહાલાં પડ્યાં હતાં.
મોટાભાઈ પિયુષકાકા, ”એ..! સુનિલ..! ઈશિતા પાર્લરમાંથી નીકળી કે નહિ? હમણાં જાન તોરણે આવી પહોંચશે. જલદી ફોન કર.”
“હા, ભાઈ, કરી દીધો. પહોંચવામાં જ છે. તમે ચિંતા ના કરો.”
નાના સાળા જતિનમામા, “એ જીજાજી, જાન આવે એટલે તરત કઢેલાં દૂધ આપવાનાં છે ને? એને માટે ડિસ્પોઝલ ગ્લાસ ક્યાં મૂક્યા છે?”
“અરે! એ તો બધું પૂનમાજી મહારાજને સોંપેલું જ છે. તું ચિંતા ના કર.”
“જાનના સ્વાગતની જવાબદારી તો મારી છે, ચિંતા તો મારે જ કરવી પડે ને!”
ત્યાં તો બેઠી દડીનાં સુરેખાબેન પાર્લરમાંથી ધારણ કરેલા નવા કલેવરમાં પોતાની જાતને અને માથાના અંબોડાને માંડ સાચવતાં, હાંફળાંફાંફળાં આવ્યાં.”એ! કહું છું..? રાહુલકુમારને માયરામાં પહેરાવવાનો ચેન જડતો નથી!”
અત્યાર સુધી પકડી રાખેલું સુનિલભાઈનું બ્લડ પ્રેશર ધડાક દઈને કૂદ્યું, એમનું બોઈલર ફાટ્યું, “શું..? શું.. બોલે છે? એક લાખનો ચેઈન જડતો નથી? ક્યાં જાય? શોધો.. શોધો.. હમણાં જાન આવીને ઊભી રહેશે! જમાઈને પહેરાવશો શું? આટઆટલું કર્યા પછી મારું તો નાક કપાશે!”
“ભાઈશા’બ, હું પાર્લરમાં ગઈ ત્યારે મીનાબેનના હાથમાં સોંપીને ગઈ’તી, એમનાથી ક્યાંક મૂકાઈ ગયો છે, એમને યાદ નથી આવતું.”
“મારી એ બેનમાં વે’તા નથી, એની તને આટલે વર્ષેય ખબર નથી? આટલી અગત્યની વસ્તુ એને સોંપાય? ક્યાં ગઈ એ નઘરોળ?”
ત્યાં તો મીનાબેન દોડતાં આવ્યાં, “ભાઈ! ભાભીએ મને જ સોંપ્યો હતો. મને બરાબર યાદ છે કે આ ગૌરીનો ભાણો રડતો હતો તે વખતે મેં એનું બોક્સ કો’કને સોંપ્યું. અં.. ના ના, કો’કના ખીસામાં મૂક્યું ને પછી એમને કહીને જ હું ભાણાને લઈને રૂમમાં ગઈ’તી! અં.. કોણ હતું એ..? ક્યારની યાદ કરું છું, ગુલાબી શેરવાનીના ખીસામાં..!”
એ બોલતાં બોલતાં અચાનક મીનાબેનની આંખ ચમકી અને ફટ કરતો હાથ સુનિલભાઈની શેરવાનીના ખીસામાં નાખ્યો. હાથ બોક્સ સાથે બહાર આવ્યો. સુનિલભાઈના ઝંખવાયેલા ચહેરા પર રાહતનું લીંપણ થઈ ગયું.
“તે આટલા કામમાં હું આ બધું ક્યાં યાદ રાખતો ફરું? મળી ગયું ને? જા હવે દોડ અને પિયુષભાઈને કહે કે રસોડામાં નજર કરે, બધું તૈયાર છે ને?”
મીનાબેન દોડતાં ગયાં ને પાંચ જ મિનિટમાં આગળ એ ને પાછળ પિયુષભાઈ બમણી ઝડપે આવી પહોંચ્યા. પિયુષભાઈ સુનિલભાઈનો હાથ પકડીને ખૂણામાં ખેંચી ગયા, “સુનિલ, આ પૂનમાજીએ તો દાટ વાળ્યો.”
“અરે! એમણે વળી શું કર્યું? આપણે તો ગામના સહુથી સારા રસોઈયાને રસોડું સોંપ્યું છે, કે પ્રસંગ સચવાઈ જાય! રસોઈ હજુ તૈયાર નથી?”
“રસોઈ તો બધી તૈયાર છે, પણ..!”
સુનિલભાઈની નજરમાંથી પ્રશ્નોનું ધાડું છૂટ્યું પણ ટેન્શનમાં હોઠ એટલા જોરથી ભીડાઈ ગયા કે એમાંથી એક શબ્દ બહાર ના આવ્યો.
“વાત એમ છે ને કે.. દાળ..!”
“દાળ માટે તો ખાસ એ ડોસાને રસોડું સોંપ્યું હતું, મારે તો રસોઈયો અમદાવાદથી લાવવો હતો, તમે આગ્રહ કરીને પૂનમાજીને અપાવ્યું! ‘પૂનમાજી જેવી દાળ કોઈની નહિ.. કોઈની નહિ..’ એવું તમે જ કહેતા’તા ને! હવે દાળની શું મોકાણ થઈ?”
“વાત એમ છે ને, કે.. દાળ જ નથી! કઢીનું તપેલું ઉકળે છે.”
“અરે! દાળનો બધો સામાન આપ્યો છે ને કઢી શેનો કરે? એ ડોસાનું ફટકી તો નથી ગયું ને? ચાલો, એને ખખડાવવો પડશે! એણે લીસ્ટમાં માંગેલું એ બધું સીધું આપ્યું છે અને ઠરાવી ઠરાવીને કહ્યું હતું કે અમારે તમારા હાથની દાળ વેવાઈયોને જમાડવાની છે. એ તો કેટલી આનાકાની કરતો હતો ‘હવે હું મોટાં રસોડાં કરતો નથી, મારી ઉંમર થઈ..!’ એણે કમને કર્યું એમાં જ લોચો માર્યો લાગે છે!”
બેય ભાઈઓ પાર્ટી પ્લોટની પાછળના ભાગે પહોંચ્યા ત્યારે ગેસના ચાર ચૂલા ધમધમાટ ચાલતા હતા. એક બાજુ ટેબલ પર બુંદીના લાડુનાં પતરાં પ્લાસ્ટિકથી ઢંકાયેલાં પડ્યાં હતાં, એક ચૂલા પર લીલા નારિયેળનો હલવો બનતો હતો, ત્રણ બહેનો પૂરી વણતી હતી અને એક યુવાન મહારાજ એમની સાથે ખિખિયાટા કરતો તળતો હતો.
પાર્ટી પ્લોટની નીચી કમ્પાઉન્ડ વૉલને અડીને એક આધેડ મહારાજ ઉકળતી કઢીના તપેલામાં કડછો હલાવતો હતો એ જોઈને સુનિલભાઈની છટકી, “અલ્યા એય..! ક્યાં છે પૂનમાજી? દાળ બનાવવાની વાત થઈ હતી ને કઢી કેમ ઉકળે છે? તમને ખાસ દાળ માટે તો રસોડું આપ્યું છે. મારું નાક કપાવશો!”
“સાહેબ…! મહારાજ તો..!”
“મહારાજ તો શું..? આ બધું મૂકીને ક્યાં નાસી ગયા? આટલી બેજવાબદારી..?”
“એ તો.. મને કઢી ઉકાળવાની સોંપીને.. દાળનું તપેલું લઈને રીક્ષામાં… ક્યાંક..!”
“અલ્યા તને કંઈ ભાન છે? તપેલું લઈને ડોસા ગયા ક્યાં?”
એમનો અવાજ એટલો મોટો થઈ ગયો કે શરણાઈના સૂરોની ઉપરથી કૂદીને, સાડીઓ અને દાગીનાની ચર્ચામાં ગળા સુધી ડૂબેલી ચાર-પાંચ સ્ત્રીઓને કાન સુધી પહોંચી ગયો.
“અલી, આ સુનિલભાઈએ ખાસ દાળ માટે પૂનમાજીને બોલાવ્યા છે? લે, કર વાત! હવે એ શું દાળમાં ભેગા હીરા-મોતી ઉકાળે છે તે આટલું બધું કરવાનું? એક વાર મારી દાળ ચાખી જુએ તો ખબર પડે કે દાળ કોને કહેવાય! હંહ્!”
“અરે મારી દાળ તો પિન્કીના પપ્પા જે વખાણી વખાણીને ખાય.. કે ના પૂછો વાત! મારાં સાસુ પણ વખાણે એટલે તો હદ થઈ ગઈ ને!”
“તમે બધાં ગમે તે કહો! મને તો પૂનમાજીની દાળ બહુ જ ભાવે. એમનું રસોડું હોય ત્યારે હું એક પૂરી ઓછી ખાઈને દાળ તો પી જ જઉં. નહિ ખારી ને નહિ ખાટી, નહિ તીખી ને નહિ મોળી, એકદમ પ્રમાણસરનું ગળપણ ને ખટાશ.
મહીં સીંગદાણા, સૂરણના કટકા, ટામેટાં, તમાલપત્ર ને ગરમ મસાલો. ઉપરથી ઉકાળી ઉકાળીને જાડી રગડા જેવી બનાવે! આ હા.. હા..!
એવું કહે છે કે પૂનમાજી દાળના મસાલા હાથે ખાંડીને તૈયાર કરે છે. એ જ્યારે વઘાર કરે ને, ત્યારે તો બધી રસોઈની સોડમ એક બાજુ અને એમનો વઘાર એક બાજુ; બધાથી ઉપર એમના વઘારની સોડમ! મને ખબર છે, તમે બધાં ભેગાં થઈને એમની પાસે દાળ શીખવા ગયાં હતાં, પણ એમના જેવી દાળ તો આજ સુધી કોઈથી બની નથી ને બનશે પણ નહિ! આ તો તમે ‘દ્રાક્ષ ખાટી છે’ જેવી વાત કરી.”
ત્યાં તો માર-માર કરતી આવેલી રીક્ષામાંથી, પ્લોટના પાછળના ઝાંપે ઉતરતા પૂનમાજી બધાની આંખોમાં ઝડપાયા. બેઠી દડીનું શરીર, ગોરો વાન, ટૂંકી પોતડી, સદરો અને બન્ને ખભે એક-એક લાલ ગમછો. કાબરચિતરા વાળ અને મૂછોથી શોભતા એમના છ દસકા વટાવી ગયેલા પાકટ ચહેરા પર મોડા પડ્યાનો જરા પણ ક્ષોભ દેખાતો નહોતો, એ તો ખુશખુશાલ દેખાતો હતો.
“એ સાયેબો.., હું પૂગી ગ્યો. ઈ.. તમતમારે હખેથી જાનને આવકારો, બાપલા..! રસોઈ રેડી-મેડી ટાઈટ છે! તમે ક્યો ઈ ટાણે ટેબલ ગોઠવા’ઈ દઈસું.”
સુનિલભાઈનો પારો ઉછળ્યો, “ટેબલ ઉપર શું ધૂળ ગોઠવશો? આ દાળની વાત થઈ હતી ને કઢી કેમ બનાવી? ને દાળ ક્યાં છે? ક્યાં ગઈ દાળ.?”
મહારાજ ગરીબ ગાય જેવા અવાજે, કમરેથી ઝૂકી, બે હાથ જોડીને બોલ્યા, “બાપલા, દાળ તો દઈ દીધી!”
“શું..? દઈ દીધી? કોને? મારી દાળ કોને આપી આવ્યા? કંઈ ભાન પડે છે, જાન તોરણે આવી પહોંચી છે!”
મૂળ સૌરાષ્ટ્રના પણ ત્રણ પેઢીથી ગામમાં વસેલા એ ગરવા બ્રાહ્મણે, સુનિલભાઈનો ગુસ્સો ગળી જઈ, એની ઠાવકાઈ જાળવીને કાઠિયાવાડી છાંટમાં જવાબ આપ્યો,
“હા બાપલા, કન્યાના બાપને અટાણે ટાણું હાચવવાની ચંત્યા હોય. મનેય તમારા ભેગી એટલી જ ચંત્યા છે હોં! પણ તમતમારે ટાઢે જીવે જાવ. આ કઢી ખાઈને વેવઈ આંગળાં નોં કૈડી ખાય તો મને ફટ કે’જો! ટાણું પતે ને દીકરી વળાવો, પછે તમુંને હંધુંય હમજાઈ દઈ’શ.”
ત્યાં તો બેન્ડવાજાંના કર્કશ સૂરો છેક નજીક આવી પહોંચ્યા. સુનિલભાઈ અને પિયુષભાઈ ઉચાટભર્યા જાનના સ્વાગત માટે દોડ્યા.
આખી લગ્નવિધિ પૂરી થઈ ત્યાં સુધી બાપ અને કાકો બેય ચિંતાના માર્યા અધમૂઆ જેવા, પરાણે બધા સામે હસતા, ફરતા રહ્યા. જાન જમવા બેઠી ત્યારે રસોઈ તો ખૂબ વખણાઈ. બધાને આગ્રહ કરી-કરીને જમાડ્યા, એ સાથે બેયના જીવ અડધા તો હેઠા બેઠા.
કન્યાવિદાય થઈ અને મહેમાનો વિદાય થયા એ સાથે પિયુષભાઈએ સુનિલભાઈને આંખથી ઈશારો કર્યો. બેય દોડતા પાછળ રસોડાના ભાગમાં પહોંચ્યા ત્યારે મહારાજના મદદનીશો બધું સમેટતા હતા અને મહારાજ ધોયેલા હાથ ગમછાથી લૂછતા લૂછતા ઊભા રહીને બધાને સૂચનો આપતા હતા. એમને આવેલા જોઈને ખુશખુશાલ ચહેરે બોલ્યા, “મેં નો’તું કી’ધું, વેવાઈ આંગળાં કૈ’ડીને ખાઈ જશે? હું હાચો પઈડો ને?”
પછી મોટી બૂમ પાડી, “એલાવ.. બે ખુરસી લાવો. આ બાપડા થાકી’ન ઠુસ થઈ જ્યા હઈસે. ઈમનાથી ઊભા નં’ઈ રે’વાય!”
બેય જણા અધ્ધર જીવે ખુરશી પર બેઠા એટલે પોતે સામે જમીન પર બેસી ગયા, “હવ.. તમન.. માંડી..ને વાયત કરું. હું આંય બેઠો બેઠો દાળ ઉકાળતો’તો તાંણ એક પાંચેક વરહનો છોકરો, આ દીવાલની ઓલી બાજુ આઈ’ન ઊભો રયેલો ભાળ્યો. ઈવડો ઈ આંખ્યો બંધ કરી.. ન.., આ..મ આ..મ બેય હાથેથી હવા ઈના શવાસમાં ભરે.
મન થ્યું ‘આ હાળું કેવું કૌતક? આ છોકરો હું કરે છે?’ મેં પૂઈછું, ‘એલા આ હું કરે છે?’ તાણ ઈવડો ઈ આંખ્યો ખોલીન કે’ ‘આ હું સે?’ મીં કીધું, ‘દાળ છે, ખાધી નથી?’ તાણે બાપડો નીમાણું મુંઢું કરીન બોઈલો ‘ના.. મીં તો ભારી હો નથી. આ તો બઉ મે’કાય સે.”
“પછે તો ઈને હંધુંય પૂઈછું. ઈવડો ઈ, પાછળ ઓ…લી ઝોંપડપટ્ટીમાં ર્યે છે. ઈના વાહમાં એકય ઝૂંપડામાં ચૂલે દાળ ચઢતી જ નથ. ઈ કે’તો’તો, ઈ કે ઈનાં વાહનાં છોકરાંઓએ, કોઈએ હચોડી દાળ ચાખી હો નથ. ઈમના ઘરમાં રોજ રોટલા ને શાક જ થાય.
ગામનું લોક મોહનથાળ, બુંદી, બરફી, લાડવા ઈમ જાય્ત જાય્તનું વેંચવા વાહમાં આવે છે પણ કોઈ દાળ-ભાત વેંચે? તમીં જ વચાર કરો કે આપડે ગરીબ ગુરબાંને કોંય ખવડાબ્બું હોય તોય મીઠઈ જ ખવડાઈએ ને? આપડા મનથી ‘ગળ્યું એ ગળ્યું ને બીજું હંધુંય બળ્યું’ આપડે કોઈને દાળ-ભાત ખવડાઈએ?”
પેલા બેય જણા ઉભડક જીવે, થોડી અકળામણ સાથે એમની વાત સાંભળતા રહ્યા.
“ઈ ટાણે.. મનમાં થ્યું.. એલા પૂનમા.. તારા ધોળામાં ધૂળ પઈડી. તારા ગામનાં કેટલાં છોકરાંએ દાળ ચાઈખી જ નથી ને તું હેનો ફૂલઈને ઢોલ થઈન દાળનો કારીગર બનીન ફર’છ?”
“પછે તો બાપલા, તમન પૂછ્યા-ગાછ્યા વગેર્ય દાળ ને ભાય્તનાં તપેલાં રીક્સામાં ઉપાડ્યાં ને ઠામુકો ઈના વાહમાં પૂગી ગ્યો! એ..ય ને હંધાંય છોકરાંને ભેળાં કરીન, તાયણ કરી-કરીન મારા હાથે દાળ-ભાત ખવડાઈવા.
ઈમના મોંઢાં પર તો કાંય.. હર..ખ.. કાંય.. હર..ખ! વાય્ત કરો માં! મારે તો બત્રીસે કોઠે દીવા થઈ ગ્યા. આવાં ગરીબ-ગુરબાંને ખવડાબ્બાનું કેટલું પુન્ય મળે, ખબર છે?”
હવે આગ-આગ થઈને બેઠેલા સુનિલભાઈની જીભ થકી કડવો રસ હવામાં વહીને એ પામર ડોસાના કાનમાં ઝીલાયો, “એટલે તમે અમારે ખર્ચે પુન્ય કમાઈ આવ્યા, એમ જ ને? પેલાં ઝૂંપડપટ્ટીનાં છોકરાંના હરખની લ્હાયમાં અહીં પ્રસંગ બગડશે એની તમને જરાય ચિંતા ના થઈ? પુન્ય કમાવું જ હોત તો અમને ક્યાં નો’તું આવડતું?”
“બાપલા, એમ હાવ મોળા મનના કાં થઈ જાવ? મેં તમારું ટાણું બગાડ્યું નથ હોં! નવા ભાત ને કઢીથી ટાણું તો હચવાઈ ગ્યું બાપલા! અન.. તમારી દાળથી આટલાં છોકરાંવની આંતરડી ઠારી, તે દીકરીને ઈના આશરવાદ મળે કે નઈ’? ઈમનાં મુંઢાં જોયા પછે.. મીં લગીરેય ખોટું કર્યું હોય.. એવું મન તો નથી લાગતું, બાકી તમે ક્યો ઈ હાચું!”
અચાનક મહારાજની આંખમાં ખારો દરિયો ઉભરાયો. રુંધાતા અવાજે એ બોલ્યા, “હા, આપડે દાળ બનાબ્બાની વાત થઈ’તી, હું તમારો ગુનેગાર છઉં. તમાર જેટલા પૈશા કાપી લેવા હોય એટલા કાપી લેજો, હું ચૂં નઈ કરું પણ મારા ગામનાં છોકરાંવે દાળ ચાઈખી નોં હોય તે મારે, આ પૂનમા મા’રાજને, જાતી જિંદગીએ લાજી મરવા જેવું થાય, હોં!
મેં દાળ તો દઈ દીધી, ઈનું હવ કોંય નોં થાય! મન.. એક રૂપિયોય નહિ આલો તોય વાંધો નથ, દીકરીને ચાંલ્લો કઈરો એમ હમજી લઈશ.” ગમછાથી આંખ લૂછતા એ ઊભા થઈ ગયા.
થાકીને લોથ જેવા થઈ ગયેલા પેલા બેય જણા ચૂપચાપ ગજરાજની અદાથી ચાલ્યા જતા મહારાજની પીઠને તાકી રહ્યા! મહારાજની આંખના દરિયાની ખારાશ, બેયના મનમાં પેસીને એમના આત્માને ઝંઝોડતી, ખટ-મીઠો પોકાર પાડી રહી “દાળ તો દઈ દીધી!”
~ નિમિષા મજમુંદાર, મહેસાણા
[email protected]
