દરિયાનો લાલ ~ પ્રકરણ: ૨ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા
પ્રકરણ: ૨
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે બહારવટિયાઓ અને લૂંટારાઓના સગડે પીછો કરતા. એ સમયે ગામો તો વિકસેલાં ક્યાંથી હોય? જંગલો, જાનવરો અને મગરનાં જડબાં જેવાં કોતરોમાં બહારવટિયાઓનું પગેરું દબાવતાં ભમવું પડે.
એવાં જંગલોમાં રાતવાસો કરવા દાદા પડાવ નાંખતા. જનાવરોને દૂર રાખવા મશાલો સળગાવવી પડતી. તાપણાં ફરતે આખી રાત ડાયરો કસુંબાની જેમ ઘૂંટાતો. વાઘેર અને ચારણ, રાજપૂત અને બારોટ સાથે મારા દાદા એક ગઢવીની જેમ ડાયરો જમાવતા હતા.
સાહસો અને જવાંમર્દીની, સરફરોશી અને સ્વાપર્ણની, શૌર્ય અને ટેકની વાતોના રસના ઘૂંટડા મારા પિતાએ શૈશવમાં જ પીધા. દાદાને ચાર પુત્રો પણ એક માત્ર કિશોર ગુણવંતને એના પિતા સાથે જવાનો ખૂબ ઉત્સાહ અને આવા જોખમી ધિંગાણામાં દીકરાને સાથે લઈ જવામાં મારા દાદાને જરાય વાંધો નહીં!
ઇતિહાસ, ઘૂઘવતો દરિયો અને સાહસનો દેશી અલખો આમ ગળથૂથીમાં જ પિતાને ઘૂંટડે પીવા મળ્યો. અને ત્યારથી જ મળ્યું નિર્ભયતાનું વરદાન. જંગલી પ્રાણીઓ સામે હોંકારા-પડકારા અને બહારવટિયા, લૂંટારાઓ સામેની મૂઠભેડમાં છેક મોં-સૂઝણું થતું.
દાદાએ દીકરાની કસોટી પણ કરી. એમણે કિશોર ગુણવંતને મધરાતે જંગલમાં એકલા દૂર સુધી દોડી આવવાનો આદેશ આપ્યો. જો ડરીને પાછો ફર્યો તો ધિંગાણામાં આવવાનું બંધ. સાથીદારોના જીવ મુઠ્ઠીમાં અને પિતાનો પડકાર ઝીલી પુત્ર જંગલમાં એકલો દોડ્યો. સતત, જય અંબેનો જાપ. દાદાની એક જ વાત, દીકરો બીકણ થશે તો જીવનમાં જંગ ક્યાંથી જીતશે!
ત્યારથી મર્દાનગી સાથે મહોબ્બત થઈ ગઈ. રખડપાટે શરીરનું જબરું કાઠું ઘડ્યું, શૌર્ય અને સાહસની કથાએ લોહી ધગાવ્યું, અનેક ચડ-ઊતરના અનુભવોએ હૈયાને પ્રાણવાન બનાવ્યું. જિંદગીભર એ મિજાજ અને મીઠી તીખાશ કાયમ રહ્યાં.
વાઘેરો અને મેર, ચારણ અને બારોટની વાતો અને નિર્ભયતાનાં વરદાન, પછીની જિંદગીના સંઘર્ષના દિવસોમાં હથિયાર બની કામમાં આવ્યાં. કહેણીની કળા એમને સ્વયં વરી, જાણે સ્વયં ગઢવીનો અવતાર!
`ગ્રંથાગાર’ના જુલાઈ, 1958ના અંકમાં મારા પિતાએ `સિંહ અને શિકાર’ નામે લેખ લખ્યો છે. જેમાં એમના પિતા–મારા દાદા–નો જાંબાઝ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો દિલધડક પ્રસંગ લખ્યો છે.
મારા પિતાનું બચપણ જેતલસર કૅમ્પમાં વીત્યું, જે એજન્સીના સોરઠ પ્રાંતના ગોરા હાકેમની રાજધાનીનું નગર. ગોરો હાકેમ, સિપાઈસપરાં, અદાલતો, વકીલો ગામમાં એટલે બહારથી મોભાથી મોટું લાગતું શહેર આમ તો નાનું ગામ.
ગીરના જંગલનો વિસ્તાર છેક કૅમ્પનાં પાદરને અડે. ગીરનાં જંગલી જનાવરો ઘણી વાર રાત્રે શેરીમાં ફરતાં, ડણકથી ગામ ધ્રુજાવી દેતાં. રોજ રાત્રે ગામ અંધારપટ ઓઢી લઈ જંપી જાય.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી કાર્નેગી પોલિટિકલ અને એજન્ટની અહીં નિમણૂક. સ્વભાવ તીખો અને અક્કડ. ગામમાં એમના નામનો છાક પડે. કાર્નેગી એક વાર જૂનાગઢથી જેતલસર આવે, રાત ઘેરાયેલી. બે ઘોડાની બગીમાં આગળ-પાછળ ફાનસ ઝૂલે.
અરબી ઘોડાની ગાડીની પાછળ સાઈસ શંકર ઊભો રહે, ઘોડાના ગળાની રૂપેરી ઘંટડીઓના પડઘા નીરવ રાત ઝીલે.
રાતના દસેકનો સુમાર. અંધકારનાં પૂર ઘૂઘવતાં હતાં. કાર્નેગીની ઘોડાગાડી પુલ પાસેથી પસાર થઈ ગામમાં જવા વળાંક લે ત્યાં જ પુલ પર જાજરમાન ડાલામથ્થો બેઠેલો. સિંહની ગંધે ઘોડા ભડક્યા. ગગનમાં હાથિયો ગાજે એવી ભયંકર ડણક દેતો વનરાજ ઊભો થયો. શિકાર સામે ચાલીને આવ્યો.
ગાડીવાન, શંકર સાઈસ અને કાર્નેગી પણ ભાગ્યા. ગાડીના બંધ તોડીને ભાગવાનું કરતાં એક ઘોડો સિંહની ઝપટમાં આવી ગયો. એને ઘસડતો એ જંગલમાં ઊતરી ગયો અને મારણ પર બેઠો.
કાર્નેગી ભાગીને બંગલે તો પહોંચ્યો પણ એનું અભિમાન ઘવાયું. એ ડરીને ભાગ્યો! એમાં ગામ પાસે એની આબરૂ શી! તરત ભીંતેથી બંદૂક ઉતારી, મૅડમે બહુ વાર્યો પણ મોત એને ખેંચી જ ગયું. જંગલ નજીક જતાં ઘોડાનું ચામડું ચિરાયાનો, રાતની ઘેરી નીરવતામાં અવાજ પડઘાયો.
એ અવાજની દોરી પકડી કાર્નેગીએ ગોળી છોડી. મારણ પર બેઠેલો અને સંભોગ કરતો સિંહ ખૂંખાર હોય છે. સિંહે એક છલાંગે કાર્નેગીને ઉપાડી લીધો, ધડ રઝળતું રહ્યું અને માથું લઈ જંગલમાં ઊતરી ગયો.
મૅડમ કાર્નેગીની ચીસો અને છાતીફાટ આક્રંદ ગામમાં ઘરે-ઘરે સંભળાયું. મારા દાદા નિવૃત્ત પણ બંદૂકનું લાઇસન્સ રાખેલું. દાદા ભીંતેથી બંદૂક ઉતારે ત્યાં તો મૅડમ દાદા પાસે રડતી-પછડાતી દોડી આવી. રડતાં, કકળતાં વાત કરી.
તરત મારા દાદાએ મકાનના ઝીણા પગીને ફોજદાર પાસે દોડાવ્યો અને એ જંગલ તરફ ગયા. ફોજદાર અને સિપાઈઓ આવી પૂગ્યા પણ તેમને બહાર જ રાખી દાદાએ કાન માંડ્યા. ધોરિયામાં પાણી પીવાનો અવાજ સંભળાયો. અચૂક નિશાનબાજ દાદાની ગોળી સિંહને વાગી. એણે ઘૂરકીને ત્રાડ પાડી અને બીજી ગોળીએ ઢળી પડ્યો.
અંદર જઈ કાર્નેગીનું લોહી નીંગળતું માથું લઈ દાદા ઘરે આવ્યા, ત્યારે રડી-રડીને મૅડમ મારી દાદીના ખોળામાં બેભાન પડી હતી… પિતા લખે છે, `આજ પણ મારી નજરે એ દૃશ્ય ચડે છે. મૃત્યુએ રંગભેદને કેવો ભૂંસી નાખ્યો હતો.’ આ પ્રસંગ – ઈશ્વરનો કાળો કોપ કાર્નેગી ઉપર ઊતર્યો હતો, પણ એ જ પ્રસંગ અમારે માટે ભાગ્યનું વધુ એક સોપાન બન્યો!
મૅડમ કાર્નેગી તો વિલાયત ચાલી ગઈ પણ એના પત્રો મારા દાદા પર અવારનવાર આવતા અને કેટલી વાર એ પત્રોએ એમનાં કામ પણ કર્યાંં હતાં. દર વર્ષે કાર્નેગીની મૃત્યુતિથિ વખતે તમામ ગોરા અમલદારોનો એક ભલામણપત્ર મારા દાદાને મળતો.
થોડાં વર્ષો કુદાવી જઈએ. ૧૯૩૫નું વર્ષ…
મારા પિતા રાણપુરમાં `સૌરાષ્ટ્ર’માં પ્રખર પત્રકાર. બ્રિટિશરાજ વિરુદ્ધ એમનાં તાતાં તીર જેવા લેખોથી એજન્સી એમની પર બરાબર ગિન્નાયેલી હતી. એજન્સીનું એમની પર એકસ્ટ્રાડિશન કામ ચાલે.
બ્રિટિશ હદમાંથી એમને એજન્સીને સોંપવા માટે જે મંજૂરી આપે તે મુંબઈ સરકારમાં રાજપ્રકરણી મંત્રી. આ મંત્રી `સૌરાષ્ટ્ર’ પત્ર અંગેની અને પિતાની કૉંગ્રેસતરફી પ્રવૃત્તિઓથી પિતાના અંગત દુશ્મન જેવા બની ગયેલા. આચાર્યને સાણસામાં લેવા તત્પર. આ બરાબરનો લાગ હતો.
મારા પિતાએ, મારા દાદાની જૂની ફાઈલો ફંફોસી ભલામણપત્ર શોધી કાઢ્યો. વાગે તો તીર નહીં તો ધરપકડ નક્કી. મૅડમના અવસાનને અને દાદાની વિદાયનેય દાયકાઓ વીતી ગયેલા. પપ્પાએ અરજી સાથે એ ભલામણપત્ર જોડ્યો. ધરપકડને બે વેંતનું છેટું. જેલ બહાર રહીને ઘણાં કામ કરવાનાં હતાં.
ત્યાં ચમત્કાર થયો.
હા, ચમત્કાર. મારા પિતાને એક તાર મળ્યો, તમારી સામેની ધરપકડનો આદેશ મને મળતાં જ રદ થઈ જશે. ખબર મળ્યા છે કે હવે તમારા પિતા નથી. પણ માતુશ્રી ક્ષેમકુશળ હશે એવી આશા રાખું છું.
વર્ષો પહેલાં મંત્રી કાર્નેગીને મળ્યા પણ નહીં હોય, ન એમના વિશે કંઈ જાણતા હશે પણ ગુલામદેશના એક માણસે, જાનના જોખમે સિંહના મોંમાંથી એના દેશવાસીનો શિકાર લઈ એને એક માનભર્યું મૃત્યુ આપ્યું. મૅડમને સહાયરૂપ થયા, એ ઘટનાના એક જૂના કાગળે દુશ્મનાવટ ભુલાવી દીધી.
આજના રાજકારણના પ્રદૂષિત વાતાવરણમાં આવું કલ્પનામાં પણ બને!
*
પિતાની પોલીસખાતામાં નોકરી, બદલીઓ થયા કરે. એટલે એમણે પિતાની સાથે જુદાં-જુદાં ગામોમાં નાનપણથી રખડપટ્ટી કરી હતી. માધ્યમિક શિક્ષણ થોડું અહીં, થોડું ત્યાં એમ ભણવાનું ચાલે. તોપણ તીવ્ર બુદ્ધિમત્તાથી બધી જ પરીક્ષાઓમાં ઊંચા ગુણાંકે ઉત્તીર્ણ થતા. સ્મરણશક્તિ તો તીખી ધાર જેવી.
પિતાનો વિદ્યાનુરાગ મોટા પુત્ર મહાશંકર અને મારા પિતામાં ઊતરેલો. મહાશંકર-મનુભાઈ નાગરબ્રાહ્મણ જ્ઞાતિમાં સંસ્કૃત સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થનાર પહેલા જ યુવાન. પિતાની જેમ ઠરીઠામ થવાનું એમના નસીબમાં પણ નહોતું.
કચ્છ-માંડવીમાં શ્રી ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મળતાં મોટાભાઈ સાથે નાના પુત્ર ગુણવંતને પણ મારા દાદાએ મોકલ્યો.
આમ તો આ સાધારણ દેખાતી નાની ઘટના હતી, પણ આ ઘટનાએ મારા પિતાના જીવન પર એવો પ્રચંડ પ્રભાવ પાડ્યો કે એમનું જીવન સમૂળગું બદલાઈ ગયું. ગુજરાતી સાહિત્યમાં નવી કેડી કંડારવાની એ ઘટના.
ગાઢ જંગલો, બીકાળવાં કોતરોમાં લૂંટારા, બહારવટિયાનાં ધિંગાણાં જોયેલાં. તાપણાં ફરતે ડાયરામાં મંડાયેલી ઇતિહાસનાં પ્રતાપી પાત્રો અને સાહસશૌર્યની કથાઓનો એમને જબરો નેહ લાગેલો.
પણ માંડવીમાં શાળાએ આવતાં-જતાં બંદરને ધક્કે ઊભા રહી એ કિશોર ગુણવંતે હિલોળા લેતો દરિયો પહેલી વાર જ દીઠો અને સાગરમંથન વખતે અમૃતકુંભ લઈ પ્રગટ થતી હોય એવી દરિયાની મોહિની એમને લાગી ગઈ. દરિયાની ભરતી લોહીમાં ભળી ગઈ.
જીવનપરિવર્તનની આ ક્ષણ, અનૂઠી અને અદ્ભુત. રોજ આવતાં-જતાં એ દરિયાને મનભરીને જોયા કરે અને એની નસેનસમાં દરિયાનાં લોઢ ઉછાળા મારે, જાણે પૂર્વજનમની પ્રીત. ખારવાઓને નવાઈ લાગતી, એક ભદ્ર સમાજનો કિશોર જેને દરિયો કે વહાણ સાથે દૂરનોય નાતો નહીં, એ એમનામાં ભળી ગયો!
એનાં કુતૂહલનો કોઈ પાર નહીં, ખલાસીઓની ભાષા, એમનાં વસ્ત્રો, ઢબછબ, જીવનરીતિ અને એમની સાહસભરી જિંદગીનું એને અદમ્ય આકર્ષણ. એટલું જ નહીં માંડવીથી બસરા જતાં વહાણમાં ખલાસીઓ સાથે દરિયાઈ જીવનનો અનુભવ પણ લીધો.
કિશોર ગુણવંતના જીવનની પણ અનોખી સફરનો આ આરંભ હતો.
એક બીજો સુલભ સંયોગ કહો કે ઈશ્વરી સંકેત, મારા પિતા માંડવીમાં જે તેજપાલ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે એ જ શાળામાં મુગટરાય માસ્તર શિક્ષક હતા. આમ તો એ ચિત્રકામના શિક્ષક અને પિતાનો વર્ગ પણ નહોતા લેતા પણ એ ખરા અર્થમાં ગુરુ અને વિદ્યાવ્યાસંગી. વિદ્યાર્થીઓને ઘરે એકઠા કરી, ઇતિહાસની, વાણિજ્યની અને દરિયાઈ વાતોનો અઢળક ખજાનો ખુલ્લો મૂકી દેતા. સ્મરણશક્તિ અદ્ભુત. વિદ્યાર્થીઓ રસતરબોળ થઈ જતા.
રસભરી રીતે અને નાટ્યાત્મક અંદાજથી કહેણીની કળા, જંગલમાં ભાંગતીરાત્રે તાપણા ફરતે ચારણ-બારોટો પાસેથી એમને મળી હતી. એ વાર્તારસ અહીં પોષાઈને પુષ્ટ બન્યો.
દરિયાલાલની પ્રસ્તાવનામાં પિતા લખે છે.
“અમે જ્યારે એકચિત્તે આ વાર્તાઓ સાંભળતા ત્યારે ભવિષ્યમાં રામજી, પરાગજી, આભા પટેલ કે રહેમતુલ્લા હેમાણી થવાની કલ્પનાના ઘોડાઓ કુદાવતા. ત્યારે તો આ અરેબિયન નાઇટ્સની વાર્તા સમું હતું. પણ આજે જ્યારે વસાહતની તવારીખ માટે મારા દિલમાં સાચો રસ પેદા થયો છે, ત્યારે થાય છે એ બુઝુર્ગ માનવીના અવસાનથી ગુજરાતને ભારે ખોટ ગઈ છે!”
*
મોટા ભાઈની બદલી નડિયાદ થઈ, ભારે હૈયે પિતાએ પણ માંડવી છોડવું પડ્યું. દરિયાને આખરી સલામ કરતાં જાણે કૉલ દીધો, “હે દરિયાદેવ! તારા પેટાળમાં છલોછલ ૨ત્નભંડાર સાથે અનેક સાગરી સાહસકથાઓ ધરબાયેલી પડી છે, આશીર્વાદ આપો કે હું સાહસકથાઓ લખી ગુજરાતના ભવ્ય ભૂતકાળનાં વિસરાયેલાં પૃષ્ઠોને ઉજાગર કરીશ. આપણી દરિયાખેડને જીવંત કરીશ. ગુજરાતનું નામ ઉજાગર કરીશ.”
હોડીનું લંગર ખેંચાયું, ફરી નવી સફરનો આરંભ.
નડિયાદની હાઈસ્કૂલમાંથી 1971માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં પ્રવેશ લીધો, પણ ત્યાં તાવ અને ચામડી જેવી વ્યાધિથી કૉલેજ છોડવી પડી. ત્યાંથી ભાવનગર શામળદાસ કૉલેજમાં ગયા, પણ આખરે અભ્યાસ છોડી દેવો પડ્યો.
ગણિત અને ઇતિહાસ પ્રિય વિષયો. સાલવાર સાથે આખું પુસ્તક કડકડાટ બોલી શકે. ગણિતના અઘરા દાખલાઓ પણ મોઢે જ ગણી શકતા હતા.
જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં હતા ત્યાંથી ક્રિકેટનો જબરો શોખ લાગ્યો. ઘણી મૅચ રમેલા. આમ પણ બીજાં બધાં રજવાડાં કરતાં જામનગરમાં જામ રણજિતને લીધે ક્રિકેટની રમતનો ખૂબ મોભો. પિતા કૉલેજની ટીમના કૅપ્ટન. ગાયકવાડ કપ માટે રમાયેલી મૅચમાં ઑપનિંગ બૅટ્સમૅન તરીકે લાંબા સમય સુધી ધુંઆધાર બૅટિંગ કરતા રહ્યા ત્યારે પ્રિન્સિપાલે ચિઠ્ઠી મોકલી, આચાર્ય લેટ અધર્સ સ્કોર.
ક્રિકેટનો શોખ આજીવન રહ્યો. જામનગરમાં કુમાર રણજિતને ત્યાં એમ.સી.સી અને ઑસ્ટ્રેલિયા જેવી નામાંકિત ટીમ રમવા આવતી ત્યારે પીચ તપાસવાથી માંડી છેલ્લા બૉલ સુધી એમની હાજરી રહેતી.
જીવનનાં છેલ્લાં વર્ષો સુધી દેશભરમાં રમાતી ક્રિકેટની કૉમેન્ટ્રી રેડિયો પર સાંભળે. ત્યારે અમારા ઘરમાં જાણે કરફ્યૂ. એક-એક ખેલાડીનો આગલો-પાછલો સ્કોર, સ્થળ, તારીખો બધું જ મોઢે. બધી જ માહિતી સિલસિલાબંધ તરત જ આપે. બ્રીજ અને ક્રિકેટનાં કેટલાંય પુસ્તકો વસાવેલાં. એ સમયે માહિતીનાં સ્રોતો કે ટી.વી. ક્યાં હતાં!
જીવનનાં છેલ્લાં વર્ષોમાં મુંબઈ જ્યાં રહેતા, ત્યાં નજીક મોટું આઝાદ મેદાન. ત્યાં શાળાના છોકરાઓ, જુનિયર ક્લબ કે નાનાં બાળકો રમતાં હોય ત્યાં એ ઘણી વાર પહોંચી જાય.
વસુબહેન આકાશવાણીમાં નિયામક હતાં ત્યારે આઝાદ મેદાન પર લેખ/વાર્તાની ઉઘરાણી કરવા પહોંચી જતાં, ત્યારે એ બાળકોને બૉલિંગ, બૅટિંગની તાલીમ આપતા હોય. કુમારપાળે પણ એમના ક્રિકેટશોખ વિશે નોંધ લીધી છે.
(ક્રમશ:)