“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૮) ~ લેખકઃ ડૉ. અશોક વિદ્વાંસ ~ સંપાદકઃ રેખા સિંઘલ
અશોક વિદ્વાંસ
અમેરીકામાં વસતા ગુજરાતી લેખકોમાં અગ્રગણ્ય એવા શ્રી અશોક વિદ્વાંસનો જન્મ વડોદરામાં(૧૯૪૩) અને બાળપણ સોનગઢમાં વીત્યું છે.એમના પિતા ગોપાળરાવ સિદ્ધહસ્ત લેખક હતા. શૈશવકાળથી જ એમને સાહિત્યમય વાતાવરણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અમદાવાદમાં અભ્યાસ કરી મિકેનિકલ એન્જિનીયરની ડીગ્રી મેળવી ભારતના વિવિધ શહેરોમાં માર્કેટીંગ એન્જિનીયરની સફળ કારકીર્દી સુધી પહોંચ્યા. ૧૯૮૩માં અમેરિકા આવ્યા પછી સિદ્ધિના જે સોપાનો સર કર્યા તેમાં તેમના પત્ની શૈલાનો અમૂલ્ય ફાળો છે. વ્યવસાય સાથે સાહિત્ય સર્જનની પ્રવૃતિ પણ તેઓ કરતા રહ્યા. માતૃભાષા મરાઠી સાથે ગુજરાતી અને અંગ્રેજી તો ખરી જ પણ બંગાળી ભાષાનો પણ એમણે અભ્યાસ કર્યો છે. લાંબા સમયથી અમેરીકાથી પ્રગટ થતા ત્રૈમાસિક સામયિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ની પ્રગતિમાં એમનો સહયોગ નોંધપાત્ર છે. મૌલિક વાર્તાઓ, મનનીય લેખો અને કુશાગ્ર વિવેચક બુદ્ધિથી એમણે ઉમદા સાહિત્યસર્જન કર્યું છે. હાલ તેઓ ન્યૂજર્સીમાં નિવૃત જીવન ગાળે છે. પ્રવાસના શોખને કારણે અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં તેઓ ફર્યા છે.
Email: [email protected]
સેકન્ડ ઈનીંગ્સ ~ લેખકઃ અશોક વિદ્વાંસ
પ્રસ્તાવનાઃ
મુખ્યત્વે તો આ મારી વાત છે. પણ પાછલાં પચાસ વર્ષમાં મારી જિંદગીમાં જે કાંઈ બન્યું છે એમાં મારી પત્ની શૈલા સંપૂર્ણપણે ભાગીદાર રહી છે. મારી જિંદગીમાં જે કાંઈ સારું, શુભ બન્યું છે એમાં નિઃશંક મારા કરતાં શૈલાનો ફાળો વધુ, અને વધુ મહત્વનો રહ્યો છે. એટલે આ મારી વાત ક્યારેક કેવળ ’મારી’ છે તો ઘણીવાર એ ’અમારી’ છે.
કોઇ વ્યક્તિની આત્મકથા એ માત્ર એના જીવનની તવારીખ – જીવનના બનાવોની ઘટમાળ – હોય એટલું પૂરતું નથી. એ તવારીખ તો હોય જ, પણ સાથે-સાથે એમાંથી કથા-નાયકનાં વ્યક્તિત્વનો વિકાસ કરનારાં કયાં પરિબળો હતાં, અથવા એના વિકાસને રૂંધનારાં કારણો શું હતાં, એ અંગેની હકીકતો પણ ઉજાગર થવી જોઇએ. માણસની જિંદગીનું પરમ ધ્યેય છે સુખી થવું; “Pursuit of Happiness”. તેથી પ્રત્યેક વ્યક્તિની જિંદગીની કથા એટલે સુખી થવા માટે એણે કરેલા પ્રયત્નોની વાત. મારી વાતમાંથી વાંચનારને આવું કાંઇક સાંપડે તો હું મારો પ્રયત્ન લેખે લાગ્યો માનીશ.
ભારત છોડી અમેરિકા આવી વસવાટ કર્યાને મને હવે લગભગ ૪૦ વર્ષ થશે, અને એ પહેલાંના ૩૮ વર્ષ ભારતમાં. આમ તાર્કિક રીતે કહીએ તો હું ભારત કરતાં અમેરિકામાં વધુ રહ્યો છું. વળી શૈશવના પાંચેક વર્ષ છોડી દઈએ, તો એમ ચોક્કસ કહી શકાય કે આયુષ્યનો મોટો ભાગ મેં અમેરિકામાં ગાળ્યો છે. પણ સાથે જ મારી બાબતમાં એ હકીકત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મિકૅનિકલ ઍન્જિનીઅર થયા પછી મેં સત્તર વર્ષ ભારતમાં જવાબદારીપૂર્વક કામ કર્યું છે. ભારતથી અહીં આવી વસવાટ કરનારાં મારી પેઢીનાં મોટાભાગનાં સભ્યો વિદ્યાભ્યાસ પૂરો કરી તરત જ અહીં આવી વસ્યાં છે. પરિણામે આ બાબતમાં એ બહુમતી-સભ્યો કરતાં મારું અમેરિકા-આગમન મોડું અને જુદી પરિસ્થિતિમાં થયું છે. એક વધુ સ્પષ્ટતા: અમેરિકામાં આવ્યા પછી મેં આગળ અભ્યાસ નથી કર્યો. પરિણામે અહીંના મહાવિદ્યાલયમાં ભણવાનો લ્હાવો, અને એમ કરતાં અહીંના સમાજની વધુ પ્રત્યક્ષ ઓળખ; એ બંને વાતથી હું વંચિત રહ્યો છું.
આમ, અમેરિકા આવવા પહેલાં જવાબદારીપૂર્વક કામ કરનાર સ્વતંત્ર ભારતના એક નાગરિક તરીકે મેં ભારતીય જીવન અનુભવ્યું છે. અમારાં લગ્ન પછી અમે બાર વર્ષ ભારતમાં રહ્યાં અને નોકરી કરી. આનો મને અમેરિકાનિવાસમાં સતત ફાયદો થયો છે. આમ ભારતમાં લગભગ અડધી જિંદગી વીતાવી બાકીની અડધી માટે હું અમેરિકા આવ્યો છું. આથી જ, ’ટેસ્ટ મૅચ ક્રિકેટ’ની પરિભાષા વાપરી મેં મારી વાતને “સેકન્ડ ઇનીંગ્સ” નામ આપ્યું છે.
સોનગઢનાં વર્ષો
મારો જન્મ ૧૯૪૩ના નવેમ્બરની ૫મી તારીખે વડોદરામાં. ત્યારે ’ભાઉ’ એટલે મારા પિતાજી (શ્રી ગોપાળરાવ ગ. વિદ્વાંસ) ત્યાં નોકરી કરતા હતા. ઘરમાં અમે સહુ તેમને ’ભાઉ’ કહી બોલાવતાં; એ જ રીતે મરાઠી રિવાજ પ્રમાણે મારાં બા (સુમતિબેન)ને અમે ’આઈ’ કહેતાં અને હવે પછી તેઓ બંનેનો ઉલ્લેખ હું એ સંબોધનો વાપરીને કરીશ. અમારાં કુટુંબમાં એ સમયે મારાથી મોટા ત્રણ ભાઈઓ (આનંદભાઈ, શિશિરભાઈ અને ભરતભાઈ) અને એક માત્ર નાની બેન શોભાબેન, હતાં. પણ એ ઉપરાંત મારા કાકા શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ (જેમને ઘરમાં સહુ ’દાદા’ કહી સંબોધતા) પણ અમારાં કુટુંબનાં એક અવિભાજ્ય અને સહુથી વધુ મહત્વના સભ્ય હતા. સારી-નરસી બધી પરિસ્થિતિમાં ’દાદા’ અમારાં કુટુંબનો આધાર હતા અને અમારાં સહુ પર એમના અગણિત ઉપકાર છે.
વડોદરાની ઝાઝી વાતો મને યાદ નથી. એકવાર શિશિરભાઈ મને ખભે બેસાડી દોડતા’તા અને પડી ગયા. ત્યારે મારા કરતાં એમને જ વધુ વાગ્યું હતું, તેમ છતાં હું જ વધારે રડતો’તો! એકવાર હું રસ્તાપર રમતો હતો અને દોડાદોડીમાં એક કારની નીચે ’લગભગ’ આવી ગયો, પણ બચી ગયો; એવા એકાદ-બે પ્રસંગ હજી સાંભરે છે. એ વર્ષોમાં ભાઉ અમને સહુને હાલરડા તરીકે શ્રીમદ્ ભાગવતમાં આવતી, (इति मतिरूपकल्पिता वितृष्णा …….. ) એ શબ્દોથી શરૂ થતી ’ભીષ્મસ્તુતિ’ મીઠા, લયબદ્ધ સ્વરે ગાઈ સંભળાવતા. આજે અનેક દસકા પછી પણ એ સ્તુતિ અને ભાઉનું ગાન, મારાં સુખદ સ્મરણોમાંનું એક છે. જે ખાનગી પ્રકાશન સંસ્થા (આર. આર. શેઠની કંપની)માં ભાઉ વડોદરામાં કામ કરતા હતા એનું કામ ત્યાંથી સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસેના સોનગઢ નામના એક નાનકડા ગામડામાં ફેરવવાનું નક્કી થયું. એ સાથે અમારું કુટુંબ વડોદરા છોડી સોનગઢનું રહેવાસી બન્યું. ૧૯૪૮થી એપ્રિલ ૧૯૬૦ સુધીના ૧૧-૧૨ વર્ષ અમે ત્યાં જ રહ્યાં અને હું એસ.એસ.સી. થયો પછી મારા કૉલેજના અભ્યાસ માટે અમે અમદાવાદ રહેવા ગયાં. આજે જ્યારે સિત્તેર વર્ષ પછી સોનગઢનાં એ વર્ષોનો વિચાર કરું છું ત્યારે સમજાય છે કે મારાં જીવનમૂલ્યો ઘડવામાં વિદ્યાર્થીકાળનાં એ વર્ષોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.
અમે સોનગઢ ગયાં અને તરત જ હું એ ગામની ’ગુરુકુળ હાઈસ્કૂલ’ નામની નિશાળમાં દાખલ થયો અને ત્યાંથી જ ૧૯૬૦માં એસ.એસ.સી. પાસ થયો. એ શાળાનાં, ત્યાં થયેલા અનેક મિત્રોનાં, નિષ્ઠાપૂર્વક શિક્ષણના કામને વરેલા ત્યાંના શિક્ષકોનાં, અભ્યાસની સાથે અનુભવેલી અનેક વિવિધ પ્રવૃત્તિઓનાં, એમ અસંખ્ય મીઠાં સ્મરણો આજે પણ મારા મનમાં તાજાં છે. આજે પણ પ્રત્યેક ભારત-મુલાકાત દરમિયાન શૈલા અને હું અચૂક ગુરુકુળ જઈ ત્યાંના શિક્ષકો સાથે હળીમળી એમની વાતો સાંભળીએ છીએ અને એમના પ્રશ્નો હલ કરવામાં શક્ય તેટલા સહભાગી બનીએ છીએ. પહેલા ધોરણથી ૧૧મી સુધી એક જ વર્ગમાં મારી સાથે ભણેલા છ મિત્રો (ભગત શેઠ, ઘનશ્યામ ખસિયા, ચંદ્રકાન્ત મહેતા, શશિકાન્ત પારેખ, બળવંત દેસાઈ, અને શામજી વાણિયા)નાં નામ અને ચહેરા આજે પણ મને સ્પષ્ટ યાદ છે. આમાં શામજી હરિજન હતો છતાં વર્ગમાં અમારી સાથે જ બેસતો! આશ્ચર્ય એ વાતનું છે કે એ સમયનું સોનગઢ તો આજથીયે વધુ રૂઢિચુસ્ત ગામડું હોવા છતાં માત્ર શામજી જ નહીં શાળાના અન્ય વર્ગોમાં બીજા પણ હરિજન વિદ્યાર્થી હતા અને એ બધા પોતપોતાના વર્ગમાં બીજા ’સવર્ણ’ છોકરાઓ સાથે જ બેસતા!!
અમારી શાળાનું સંચાલન વડોદરા સ્થિત ’આર્યસમાજ ટ્રસ્ટ’ને હસ્તક હતું. આજે એમ લાગે છે કે ધર્મ અને રીતિરિવાજ પરત્વે એનું વલણ હિંદુ ધર્મની અન્ય પેટાશાખાઓ જેટલું સંકુચિત નહીં હોય એટલે જ આ શક્ય બન્યું હશે. ગુરુકુળમાં ખૂબ મોટી સંખ્યામાં આદરણીય શિક્ષકો હતા અને એમણે સહુએ મારું તથા અન્ય સેંકડો વિદ્યાર્થીઓનું જીવન સમૃદ્ધ બનાવવા પોતાનું આખું આયુષ્ય શિક્ષણ અને કેળવણીના ઉમદા ધ્યેય પાછળ ખર્ચી નાખ્યું. વળી, એ બધું એમણે એટલી સહજતાથી કર્યું જાણે એ જ એમનો ધર્મ હતો, એમનું કર્તવ્ય હતું. માણસ જેટલું પ્રત્યક્ષ ઉદાહરણથી શીખે છે એટલું શિખામણથી નથી શીખતો. આજે વર્ષો પછી મને મારા વર્તનમાં ક્યાંક-ક્યારેક એ ગુરુજનોમાં જે જોયેલું એનું પ્રતિબિંબ દેખાય છે. કેમ બેસવું, કેમ ચાલવું, અક્ષર શી રીતે સુધારવા, એવી નાની વાતોથી શરૂ કરી કોઇ કઠિન પ્રશ્ન આવે તો એનો ઉકેલ શી રીતે વિચારવો, લાંબી મુસાફરી માટે શી તૈયારી કરવી, વડીલો સાથે મતભેદ થાય તો શું કરવું? ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ-ભૂગોળ ભણાવવા સાથે જ, સાર્થ અને સફળ જીવન જીવવાના આવા અનેક પાઠ એમણે અમને શીખવ્યા.
એ સમયમાં સોનગઢ સાવ નાનકડું ગામડું હતું અને આજે પણ લગભગ એવું જ રહ્યું છે. હું શાળાના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યાં સુધી એ ગામમાં વીજળી નહોતી. સૂરજ આથમે પછી ઘરનાં બધાં કામ ફાનસના અજવાળે જ થતાં. આઈની રસોઇ, ભાઉનું મરાઠી પુસ્તકોના અનુવાદ કરવાનું કામ, અને અમારો બધાનો અભ્યાસ, આ બધી પ્રવૃત્તિ ફાનસના અજવાળે જ થતી. આઈ રોજ બપોરે ફાનસના કાચ (ફોટા) રાખથી ઘસીને ઉજળા કરતા જેથી રાતે એમાંથી ચોખ્ખું અજવાળું મળે. અમે ગરીબ ન હતા, પણ એ સમયમાં બધાનાં જ ઘરમાં સુવિધા કે સગવડ વધે એવાં સાધન બહુ ઓછા હતાં. ત્યાંનો વેપારીવર્ગ જતો કરીએ તો કદાચ આખા ગામમાં ભાઉનો મહિને ૨૫૦ રૂપિયા પગાર સહુથી વધારે હશે. છતાં અમારા ઘરમાં ચાવી આપવાથી ચાલતું ઘડિયાળ અને રસોઇ માટેનો કૅરોસીન-સ્ટવ, એ બે જ ’મિકૅનિકલ’ સાધન હતાં! અમારા કે ગામમાં બીજા કોઇના ઘરોની ભીંત પર લક્ષ્મી, ગણપતિ, કે એવા જ કોઇ ભગવાનના ચિત્રવાળા કૅલેન્ડર સિવાય શોભાની બીજી કોઇ જ ચીજ જોયાનું મને યાદ નથી. અન્યોન્ય પર વિશ્વાસ એ ત્યાંની બહુ મોટી મૂડી હતી. ઘરનાં મુખ્ય બારણાંને અંદરથી બંધ કરવા સાંકળ તો હતી પણ એ માત્ર રાત્રે જ વસાતી. દિવસ આખો માત્ર અંદરથી તેમ જ બહારથી પણ બારણું ઉઘાડી કે બંધ કરી શકાય એવો ’આગળિયો’ જ ઘરનું રક્ષણ કરતો. બાર વર્ષનાં અમારા વસવાટ દરમિયાન, અમે બહારગામ જઈએ ત્યારે જ ઘરને તાળું મરાતું; બાકી કાયમ રામ ભરોંસે!
સોનગઢમાં મેં જોયું અને અનુભવ્યું કે ગ્રામીણ સમાજને એક આગવી આચારસંહિતા અને મૂલ્ય-પ્રણાલી હોય છે: જેમ કે દરેક જણ એકબીજાને ઓળખે. લોહીના સંબંધથી આપણા વડીલ ન હોય એ પણ આપણને દબડાવી કે ઠપકો આપી શકે; અને એ જ રીતે મુશ્કેલીમાં આપણને મદદ પણ કરે. ઋણાનુબંધ એવો કે દરેક વ્યક્તિનો અન્ય સહુ પર વિશિષ્ટ હક્ક અને એવી જ અન્ય સહુ પ્રત્યેની ફરજ. આપણા પિતાજીને જે લોકો ’ભાઈ’ કહી સંબોધતા હોય એ સહુ આપણા કાકા કે ફોઇ. જે જુવાનિયા કૉલેજમાં ભણવા ગામ છોડી ભાવનગર, અમદાવાદ કે મુંબઈ ગયા હોય એ વેકેશનમાં પાછા આવે ત્યારે જે વડીલ મળે એને નીચે નમીને પગે લાગે. બહારગામથી ગામ પાછા ફરનારા ભેટ માટેની વસ્તુ ભાગ્યે જ લાવે, પણ સાચા હેતનું મોટું પોટલું જરૂર બાંધી લાવે. અમારાં કુટુંબ જેવાં બહારથી આવી વસેલાં દસ વર્ષ રહ્યા પછી પણ ’બહારનાં’ જ ગણાય. ’ગામનો માણસ’ હોય એનું તો ગામમાં ઘર અને સીમમાં ખેતર હોય! જ્ઞાતિનાં અને ચાતુરવર્ણનાં નિયમો અને બંધનોનું સરકારી કાયદા કે દંડસંહિતાથી પણ વધુ વર્ચસ્વ.
એ સમયમાં તો ચોક્કસ, અને કદાચ આજે પણ, ગામડામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી અંધશ્રદ્ધા અને વહેમનું સામ્રાજ્ય જોરદાર છે. અમારા પડોશી સોનગઢની એક જાણીતી શિક્ષણ સંસ્થાના મુખ્ય કાર્યકર હતા. પરંતુ એકવાર એમને ઘેર કોઇ કારણસર ગામનો ભૂવો ’બેસાડેલો’. એ ભૂવો ધૂણતો હતો ત્યારે લોકોએ એને ઘણાં વિચિત્ર સવાલ પૂછેલા અને એ બધાના એણે એથીયે વધુ બેહૂદા જવાબ આપેલા. દીકરો અવતરે એ માટે ભૂવાએ એક બહેનને ટોપરાની બાધા રાખવાની સલાહ આપેલી! એ બધું આજે યાદ કરૂં છું ત્યારે મને એ સમગ્ર સમાજ પ્રત્યે હમદર્દીની લાગણી થાય છે.
ભાઉ જ્યાં કામ કરતા ત્યાં આર. આર. શેઠની કંપનીનો ’પ્રિંટીંગ પ્રેસ’ હતો અને એ જગ્યા ’પ્રેસ’ તરીકે ઓળખાતી. પુસ્તકો છાપવાનું કામ ત્યાં સતત ચાલતું અને ત્યાં જ પુસ્તકોનું ઘણું મોટું ’ગોડાઉન’ પણ હતું. બાળ, કિશોર અને યુવા વયના સહુને વાંચવા ગમે એવાં અસંખ્ય પુસ્તકો ત્યાં હતાં. ત્યાં બેસીને મેં શ્રી ગિજુભાઈ બધેકાનાં બધાં જ પુસ્તકો; ઍડગર રાઈઝ બરોની ટારઝનની દીર્ઘ કથાનું ગુજરાતી ભાષાંતર; ’સાહસિકોની સૃષ્ટિ’, ’પાતાળ પ્રવેશ’, ’ખજાનાની શોધમાં’, ’એંશી દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા’, જેવાં જુલ વર્નનાં પુસ્તકોનાં અનુવાદ, ’ગોળીબારની મુસાફરી’, એવું-એવું ઉમદા કિશોર સાહિત્ય; તેમ જ શ્રી ર. વ. દેસાઈ, ક. મા. મુનશી, વિ. સ. ખાંડેકર, ઝવેરચંદ મેઘાણી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મોટા ગજાના લેખકોની રસિક નવલકથાઓ, એવું અઢળક સાહિત્ય વાંચ્યું. આ બધામાંથી મને ગુજરાતી ભાષા તથા સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને થોડીક કલ્પકતા મળ્યાં. ભવિષ્યમાં હું પણ આમના જેવો મોટો લેખક થઇશ એવી અભિલાષા એ સમયે જાગી હોય તો નવાઈ નહીં.
’પ્રેસ’નું મકાન ’આર. આર. શેઠ’ના માલિક આદરણીય શ્રી ભુરાભાઈ શેઠની વિશાળ એવી ’ભગતવાડી’માં હતું. વાડીમાં મોટો કુવો હતો અને એમાંથી કોસ વડે પાણી કાઢવામાં આવતું, એથી વાડી કાયમ શાકભાજી, રજકો, અને પપૈયાનાં ઝાડથી લીલીછમ રહેતી. કોસ ચાલતો હોય ત્યારે એના થાળામાં નહાવાની અનેરી મજા પડતી ત્યાં મિત્રો સાથે વીતાવેલા સમયનાં બહુ મીઠાં સ્મરણો આજે પણ તાજાં છે. પોતાની વાડી કરતાં પણ ભુરાભાઈનું દિલ ઘણું વધારે વિશાળ હતું. એ મહામના વડીલનાં પણ મને એવાં જ મીઠાં સ્મરણ છે.
વીસમી સદીના ગુજરાતના અગ્રિમ કેળવણીકાર આદરણીય શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી બે ગ્રામ-શિક્ષણસંસ્થાઓ ’ગ્રામ દક્ષિણામૂર્તિ’ અને ’લોકભારતી’, સોનગઢની નજીકનાં ’આંબલા’ અને ’સણોસરા’ ગામમાં છે. ભાઉના જીવનનાં શરૂનાં વર્ષો શ્રી નાનાભાઈ ભટ્ટ તથા શ્રી ગિજુભાઈ બધેકા સાથે વીતેલાં, અને આખર સુધી ભાઉને એ બંને પ્રત્યે અતિશય આદરભાવ હતો. એટલે અમે સોનગઢ ગયાં ત્યારથી ભાઉની સાથે એ બંને સંસ્થાની મુલાકાત લેવાનો લહાવો મને પણ મળ્યા કર્યો. ત્યારે એ સંસ્થાનું મહત્વ મને નહોતું સમજાયું, પણ એ પછીનાં વર્ષોમાં સમજાયું કે કોઈ પણ સમાજની પ્રગતિ સાધવા માટે પ્રજાની કેળવણી, અને એમાંયે ગામડાનાં લોકોનું સાક્ષરપણું ખૂબ મહત્વનાં છે. પરિણામે આજે ૩૫-૪૦ વર્ષથી શૈલા અને હું એ બંને સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલાં છીએ. ભારતની મુલાકાત દરમિયાન એક-બે દિવસ એ સંસ્થાઓમાં ગાળીએ ત્યારે મનને જે સંતોષની લાગણી થાય છે એ શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી છે.
ગુરુકુળમાં મારી પ્રગતિ નિયમિત અને સંતોષકારક હતી. મને યાદ છે બીજા ધોરણની પરીક્ષામાં હું ૮મે નંબર પાસ થયો. ભાઉ વઢ્યા તો નહીં પણ પોતાની પાસે બેસાડી મને અભ્યાસનું મહત્વ સમજાવ્યું. આજુબાજુ રહેતા લોકોમાંથી કોણ ભણેલા છે અને કોણ નથી એ બતાવી એમનાં જીવનમાં શું વિશિષ્ટતા કે ઉણપ છે એ પણ બતાવ્યું. ત્યારે મને ખબર ન હતી કે ભાઉ મદ્રાસ પાસેના અડિયાર ગામમાં ખુદ મૅડમ મૉન્ટેસોરિ પાસે શિક્ષણપ્રથાના પાઠ ભણ્યા હતા! એ સમજાવટને પરિણામે ત્રીજા ધોરણમાં હું ૪થે નંબર અને ચોથા ધોરણમાં બીજે નંબર પાસ થયો. ચોથા ધોરણ સુધી અમે પ્રાથમિક શાળામાં હતા ત્યાં સુધી બધા જ વિષય અમને એક જ શિક્ષક ભણાવતા. પાંચમા ધોરણથી અમે શાળાની એ જ ઇમારતમાં માધ્યમિક શાળાનાં વિદ્યાર્થી બન્યા. દરેક ’પિરીયડ’માં જુદાજુદા શિક્ષક આવી અમને અલગ-અલગ વિષય શીખવવા લાગ્યા. હિંદી ભાષા, અને ગણિતના એક ભાગ તરીકે ભૂમિતિ, એ બે નવા વિષય શરૂ થયા. વર્ષના અંતે પરીક્ષા આવી અને હું પહેલા નંબરે પાસ થયો! ત્યારથી અગિયારમી (એસ.એસ.સી.) પાસ થયો ત્યાં સુધી મારું એ સ્થાન મેં કાયમ ટકાવી રાખ્યું.
પ્રાથમિકશાળા પૂરી કરી અમે માધ્યમિક શાળામાં આવ્યા ત્યારે આજુબાજુનાં જે ગામમાં આગળ ભણવાની સુવિધા નહોતી ત્યાંના વિદ્યાર્થીઓ પણ નવા ચહેરા સાથે પાંચમા ધોરણમાં અમારા સાથી બન્યા. વર્ગમાં પહેલી જ વાર છોકરીઓ આવી. એ ઉંમરે તો અમ સહુ મિત્રોના મનમાં બાળસહજ કુતૂહલથી વધુ એનું કશું મહત્વ ન હતું. અમને ક્યાં ખબર હતી કે લગભગ એ ઉંમરમાં જ હૃદયમાં ક્યાંક અણકથ્યા સંવેદનો (Hormones)નો ઉદ્ભવ થતો હોય છે. કમનસીબે માત્ર એ ઉંમરે જ નહીં, એ પછી ક્યારેય અમને એ અતિશય અગત્યના વિષયનું વિધીસર જ્ઞાન આપવાનું કોઇને સૂઝ્યું જ નહીં! આ ને પરિણામે કેટલાક મિત્રોએ, અને કેટલાક અમારા હિતેચ્છુ નહીં એવા વડીલોએ, એ વિષય અંગે અમને જે સમજાવ્યું એને જ અમે સાચું માની બેઠા! ખબર નહીં શી રીતે પણ આગળ ક્યારેક એ અજ્ઞાનમાંથી હું સાચી વાતો સમજતો થયો. મને લાગે છે કે આજે હવે ’જાતીયજ્ઞાન’ આપણા સમાજમાં આવો ’આભડછેટ’નો વિષય નથી રહ્યો.
પાંચમા ધોરણથી વર્ગમાં, મને જેમાં ખૂબ રસ પડ્યો એવી એક પ્રવૃત્તિ શરૂ થઈ. વિજ્ઞાનના શિક્ષક અમને અવનવા પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ માહિતી અને જ્ઞાન આપવા માંડ્યા, તો ભૂગોળના શિક્ષક વર્ગમાં નકશા તથા પૃથ્વીનો ગોળો લાવી અમને ઈંગ્લેન્ડ કે જાપાન જેવા દેશ, તથા વિષુવવૃત્ત અને કર્કવૃત્ત ક્યાં આવેલા છે એ દેખાડવા લાગ્યા. બસ, પછી તો અમારું કુતૂહલ અમને ક્યાંનું ક્યાં લઈ ચાલ્યું. ડાહ્યાભાઈ કિકાણી, ઘનશ્યામભાઈ દેસાઈ, ભોથાભાઈ ખસિયા જેવા પ્રગત માનસના શિક્ષકોએ અમને પ્રશ્નો પૂછવા ઉત્તેજીત કર્યા અને કદીયે ટોક્યા નહીં. ગામડાની એ શાળામાં મને આ બધું મળ્યું એ ખરેખર બહુ મોટો યોગાનુયોગ હતો.
અમારા ઘરની સામે એક ખુલ્લું, મોકળું મેદાન હતું. ગામના લોકો એને પાદર કે ’પાદરડું’ કહેતા. અમારા મિત્રોની ટોળી માટે એ મેદાન એટલે અમારું બીજું ઘર હતું. લાકડાના પાટિયાનું બેટ અને રબરનો કે ગાભાનો બૉલ લઈ અમે ત્યાં ક્રિકેટ રમતા. ગેડી-દડો, ગિલ્લી-દંડો (કે મોઇ-ડાંડિયો), લખોટી, નારગોલ, અને એવી અનેક રમતો હું ત્યાં શીખ્યો અને સોનગઢ છોડ્યું ત્યાં સુધી નિયમિતપણે રમ્યો. રમત એટલે બે સામસામી પાર્ટી વચ્ચેની સ્પર્ધા અને હાર-જીત; અને એ બધા સાથે અટળપણે આવતી ખટપટ અને પૉલિટીક્સ. બાળક મટી કિશોર બનતી વ્યક્તિને આ બધું ’વ્યવહારુ’ અને ’સમજદાર’ બનાવે છે; પણ સાથે જ બાળમાનસની નિર્દોષ લાક્ષણિકતા ધીમે-ધીમે અલોપ થતી જાય છે. એ પાદરડામાં જ હું ગાળો બોલતાં, દેતાં અને ખાતાં શીખ્યો. જાણ્યે-અજાણ્યે દરેક વ્યક્તિ પુખ્ત જીવનનાં આ વરવા રંગઢંગ દરેક ગામના આવા ’પાદરમાંથી’ શીખતી હોય છે. અંગ્રેજ કવિ આલ્ફ્રેડ લૉર્ડ ટૅનિસનની એક કવિતાની લીટી છે: “Strife comes with manhood and waking with the Day.” મારો દિવસ જાણે ધીરે-ધીરે ઊગતો જતો હતો.
અપવાદરૂપે, જવલ્લે જ કોઇક એવા નસીબદાર વીરલા નીકળે છે કે જેમની નિર્દોષતા પુખ્ત વયે પણ એમનો સાથ નથી છોડતી કે જગતનું ’વહેવારુપણું’ એમને નથી વળગતું. જગત એમને ’ઓલિયા’, ’અવ્યવહારુ’, કે ’મૂરખ’ સમજે છે. કાશ હું એવા લોકોની ન્યાતમાં ભળી શક્યો હોત!
મારા પિતાજી અને કાકા (ભાઉ અને દાદા) બંને ચૂસ્ત ગાંધીવાદી હતા અને બંનેએ ૧૯૩૦ અને ’૩૨ના સત્યાગ્રહમાં ભાગ લીધેલો, જેલમાં ગયેલા, અને દાદાએ તો મીઠાના સત્યાગ્રહ સમયે પોલિસનો લાઠીમાર પણ ખાધો હતો. અમારાં ઘરનાં વાતાવરણ પર, અને પરિણામે અમારાં બધાંના સંસ્કાર-ઘડતરમાં આ વિચારધારાની પ્રબળ અસર છે. ભાઉ ’મેથેમૅટીશીઅન’ હતા. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ગણિત વિષય સાથે તેઓ ગ્રૅજ્યુએટ થયા હતા. ગુજરાતી અને મરાઠી ઉપરાંત સંસ્કૃત ભાષાપર પણ તેમનું સરસ પ્રભુત્વ હતું. સોનગઢનાં શરૂઆતનાં વર્ષોમાં રોજ સવારે અમને ત્રણેને (ભરતભાઈ, શોભાબેન અને હું) વહેલાં ઉઠાડી તેઓ અમારી પાસે ગાંધીજીની ’આશ્રમ ભજનાવલી’ના શ્લોક બોલાવતા, એનો અર્થ સમજાવતા, અને ગોખાવતા.
હજી આજે પણ અનેક સંસ્કૃત સુભાષિત મને યાદ છે. એ જ રીતે રોજ રાત્રે અમારી પાસે ’આંકના ઘડિયા’ પાઠ કરાવતા. હું સાતમા ધોરણમાં આવ્યો પછી રોજ એમની નજીક બેસી તે દિવસનું ’Times Of India’ વાંચવાનું કામ અમારા નિત્યક્રમમાં ઉમેરાયું. આમ બધી રીતે અમારો વિકાસ થાય એ માટે એ વર્ષોમાં ભાઉએ જે કર્યું એનો આગળના આયુષ્યમાં અમને ખૂબ લાભ થયો. સોનગઢમાં ગાળેલાં એ વર્ષો એ મારો ’બ્રહ્મચર્યાશ્રમ’ કાળ હતો અને એ સમયમાં મેં ઘણું-ઘણું પ્રાપ્ત કર્યું, પણ બે અગત્યની બાબત તરફ મેં ધ્યાન ન આપ્યું. એક એટલે મેં સારું શારીરિક સ્વાસ્થ્ય ન કેળવ્યું. બીજું, પરીક્ષાના મૂલ્યાંકન પ્રમાણે વર્ગમાં સતત સફળ રહેવા છતાં મારું સ્વભાવગત શરમાળપણું – ક્ષોભ – હું ન છોડી શક્યો. પરિણામે કાંઈક અંશે આત્મવિશ્વાસનો અભાવ રહ્યો. આ બંને ઉણપનાં પરિણામ મેં આખી જિંદગી બરદાશ્ત કર્યાં.
એ સમયની જ એક વાત છે: એક સવારે ભાઉ ઑફિસે જવા નીકળ્યા અને એમણે જોયું કે અમારા ઓટલા પર ૧૨-૧૩ વર્ષનો એક છોકરો રડતો બેઠો હતો. એમણે છોકરાને રડવાનું કારણ પૂછ્યું, રડતાં-રડતાં છોકરો બોલ્યો, “કાકા, હું પાંચવડા (નજીકનું ગામ)થી દળણું દળાવવા આવ્યો હતો, લોટ ભરીને પાછો જતો’તો ને લોટની થેલી ફાટી ગઈ.” કહી એણે ફાટેલી થેલી ભાઉને બતાવી. ભાઉએ જોયું કે એક ગરીબ કુટુંબના રોટલા ધૂળમાં મળી જવાની શક્યતા હતી. બૂમ મારી એમણે મને બહાર બોલાવ્યો અને ઘરમાંથી સોયદોરો તથા થીગડું મારવા માટે કાપડનો ટુકડો લાવવા કહ્યું. પાંચ મિનિટમાં ભાઉએ એ છોકરાની થેલી લોટ ન ઢોળાય એ રીતે બરાબર સાંધી આપી, અને મને “આ છોકરાને એક ગોળનો ગાંગડો અને પીવાનું પાણી આપજે.” એમ સૂચના આપી ઑફિસ તરફ ચાલવા માંડ્યા. ઘટના ખૂબ નાની હતી, પણ એ આખું ચિત્ર આજે પણ મારા સ્મૃતિપટ પર સ્પષ્ટ છે.
સાતમા-આઠમા ધોરણથી અમારા અબ્યાસક્રમમાં ઇંગ્લીશ, સંસ્કૃત, અને બીજ-ગણિત, એમ ત્રણ નવા વિષયો આવ્યા. ’સામાન્ય વિજ્ઞાન’નો એક વિષય હવે અમે પદાર્થ-વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને જીવ-વિજ્ઞાન એમ ત્રણ ભાગમાં ભણવા માંડ્યા. આ બધા વિષયોમાં હું બહુ સહેલાઈથી ’પ્રવીણ’ થતો ગયો. મેટ્રિક સુધીના શિક્ષણનો મને કદી ભાર લાગ્યો જ નહીં, કે મેટ્રિકના વર્ષમાં પણ ક્યારેય રાત્રે દસ વાગ્યાથી વધુ સમય જાગીને મારે અભ્યાસ કરવાની જરૂર ન પડી. શાળાનો અભ્યાસ મેં સહેલાઈથી પતાવ્યો એ ખરું, પરંતુ એ પછીનાં વર્ષોમાં ઘણીવાર એમ થયું કે અગિયારમા ધોરણમાં મેં વધુ મહેનત કરી હોત તો વધુ સારા માર્ક્સ મળ્યા હોત અને મારી નિશાળ કાયમ અભિમાન લઈ શકે એવું કશુંક કરીને શાળાનું થોડું ઋણ હું ફેડી શક્યો હોત.
સામાન્ય રીતે અબોલ, બોલે ત્યારે ધીમા પણ પ્રેમાળ અવાજે બોલનાર મારાં બા ઉર્ફે ’આઈ’ વિષે શું લખવું સમજાતું નથી. આઈ ક્યારેય અમારામાંથી કોઇને પણ વઢ્યાં હોય એવું મને બિલકુલ યાદ નથી, પછી શિક્ષા કરવાની તો વાત જ ક્યાં રહી? ઉલટાનો હું જ ક્યારેક રીસાઈને ’જા મારે નથી જમવું’ એવી હઠ કરું તો ’અશોક, બાપુ હવે જમીલે ને.’ એવી વિનવણી કરતાં. અક્ષરશઃ તેઓ કાયમ અમારાં સુખે સુખી અને અમારાં દુઃખે દુઃખી થતાં. મને નથી લાગતું એમને એમનું પોતાનું અન્ય કાંઈ સુખ હોય! પ્રેસિડંટ લિંકનનું એક વાક્ય છે: “God cannot be everywhere, therefore He made mother.” મારા માટે જિંદગીનો એક મોટો વસવસો એ છે કે આઈનાં સુખ માટે હું ખાસ કશું નથી કરી શક્યો.
આ વર્ષો દરમિયાન એકવાર ભાઉ પક્ષઘાતની બિમારીમાં ઝડપાયા. મારા મામા ત્યારે સોનગઢથી નજીક ભાવનગર રહેતા’તા. તેઓ તરત જ આવી ભાઉને પોતાને ત્યાં લઈ ગયા, અને પછી દાદાની સલાહ મુજબ ભાઉને અમદાવાદ લઈ ગયા. યોગ્ય સારવારથી ભાઉ પૂરા સાજા થઈ સોનગઢ પાછા આવ્યા. એ માંદગીમાં ભાઉ કાયમ માટે પરવશ થઈ જાય એવી શક્યતા હતી. એવું તો ન થયું પણ ગંભીર માંદગી, હોસ્પિટલ, દવા અને વિટામીન્સ, વગેરે અવનવી વાતોથી મારા કાન ટેવાયા. એ પછી રોજ રાત્રે અમે ત્રણે ભાઈઓ ભાઉને પગે માલિશ કરતા એ યાદ છે. કુટુંબની આર્થિક પરિસ્થિતિની વાતો પણ હવે મારા ધ્યાનમાં આવવા માંડી. ઘરખર્ચનો હિસાબ ભાઉ કાયમ બહુ ચીવટપૂર્વક લખતા અને એ એમણે માંદગી પછી પણ ચાલુ રાખ્યું, પણ હવે એની કેટલીક વિગત તેઓ મને બતાવતા થયા.
ગુરુકુળની વાતોમાં એક અગત્યની નોંધ બાકી છે. અનુક્રમે સાતમા અને આઠમા ધોરણમાં અમારા વર્ગમાં રીટા નામની છોકરી અને દેવરાજ નામનો છોકરો દાખલ થયાં. એકાદ-બે વર્ષમાં આ બંને સાથે મારે મૈત્રી થઈ, અને અમે નવમા-દસમા ધોરણામાં આવ્યાં ત્યારે એ મૈત્રી ગાઢ બની. એ સમયમાં કોઈ છોકરો કોઈ છોકરીને મળે, એની સાથે વાતો કરે, કે એ બંને વચ્ચે મૈત્રી થાય; એને સમાજ માત્ર એક જ દ્રષ્ટિથી મૂલવતો: “આ બંને વચ્ચે પ્રેમ છે, અને એવું કરી એ બંને પારંપરિક મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.” સોનગઢના રૂઢિચુસ્ત સમાજને અમારી એવી મૈત્રી કબૂલ ન હતી. એટલે સુધી કે વર્ગમાં, શાળામાં, અને ગામમાં મારા અને રીટાના નામે ટિખળ, કૂથલી અને ચણભણ શરૂ થયા. પરિણામે મારું દસમીનું વર્ષ માનસિક તાણ અને ચિંતામાં ગયું. સદ્ભાગ્યે એ બધું વધુ સમય ન ચાલ્યું. પણ એ કપરા સમયમાં સતત મારી પડખે ઊભા રહી દેવરાજે મને ખૂબ સહારો આપ્યો.
એ દિવસોમાં ફરી એક વખત મને “કોના ઉપર વિશ્વાસ મૂકવો અને સ્વાર્થી તથા અવિશ્વાસુ કોણ થઈ શકે?” એ સમજવાનો પાઠ મળ્યો! ૧૯૬૦માં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી અમે ત્રણે છૂટાં પડ્યાં, પણ આજે ૬૦ વર્ષ પછી પણ રીટા અને દેવરાજ મારાં નિકટતમ મિત્રો છે. શાળા પછી દેવરાજ ભારત છોડી કેન્યા જઈ વસ્યો અને ખૂબ કમાયો. ૧૯૯૫માં અમે કેન્યામાં એના મહેમાન બની ભરપુર મજા કરી હતી. પચાસેક વર્ષથી રીટા અને એનાં પતિ શ્રીધર લૉસ એંજેલિસ પાસે રહે છે, અને અમે વખતોવખત મળીએ છીએ. છેક પાંચમા ધોરણથી મને મળેલો એક ત્રીજો મિત્ર જીવરાજ સુતરિયા. એની સાથેની દોસ્તી સોનગઢ છોડ્યા પછી, અને વધુ તો હું અમેરિકા આવ્યો પછી, ગાઢ થતી રહી છે. ભારત જઈએ ત્યારે અમે અચૂક એની વાડી પર રહેવાનો મોકો ઝડપીએ છીએ. એ જબરો ફિલોસૉફર છે. દેવરાજ અને જીવરાજ બંને ઈતરવાચનના રસિયા હતા. અમે નવમા-દસમા ધોરણમાં હતા ત્યારે જ જીવરાજે લિઓ ટોલ્સટોયનાં ’વૉર ઍન્ડ પીસ’ નું ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું, તો દેવરાજે ક. મા. મુનશીનું ’ગુજરાતનો નાથ’ અને ચુનીલાલ મડિયાનું ’લીલુડી ધરતી’ પુસ્તકો વાંચ્યાં હતાં. એ બંને આ પુસ્તકોની વાતો કરતા. એ દિવસોમાં હું વિ. સ. ખાંડેકર તથા ર. વ. દેસાઈનાં પુસ્તકો વાંચવામાં મશગૂલ હતો.
૧૯૫૯ના માર્ચ સુધી ગુરુકુળમાં સહશિક્ષણની પ્રથા હતી. છોકરાઓ અને છોકરીઓ એક જ વર્ગમાં સાથે ભણતાં. હા, સામાન્ય રીતે એવું થતું કે છોકરા-છોકરીઓ પરસ્પર સાથે ભાગ્યે જ બોલતાં. છોકરીઓ વર્ગના એક ખૂણામાંની બેન્ચ પર બેસતી. વર્ગમાં આવતાં-જતાં ભાગ્યે જ કોઇ છોકરી છોકરાઓ બેઠા હોય એ દિશામાં નજર પણ નાખતી. ટૂંકમાં બંને પક્ષ, વર્ગમાં જાણે બીજા પક્ષની હાજરી છે જ નહીં એ પ્રમાણે વર્તતા. ૧૯૨૮માં શાળા પ્રથમ શરૂ થઈ ત્યારથી ૧૯૫૯ માર્ચ સુધી, એક અવાચ્ય (પરસ્પર વાત પણ ન કરે એવા લોકો વચ્ચેના) સહઅસ્તિત્વમાં અમારી શાળામાં સહશિક્ષણ ચાલ્યું આવ્યું હતું. પણ જુન ૧૯૫૯માં શાળાનું નવું વર્ષ શરૂ થયું ત્યારે વર્ષો જૂની આ પ્રથા ફગાવી દઈ શાળાના અધિકારીઓએ તાત્કાલિક વ્યવસ્થા કરીને અમારી શાળાથી અડધો માઈલ દૂર, છોકરીઓ માટે ’દયાનંદ કન્યા ગુરુકુળ’ નામની નવી શાળા શરૂ કરી!
જુન ૧૯૫૯માં એક તો આ વાતનું સામાજિક ગાંભીર્ય સમજવા જેટલો હું સમજણો ન હતો, અને બીજું એસ.એસ.સી. નો અભ્યાસ ત્યારે મારા માટે સહુથી વધુ અગત્યની બાબત હતી. એ વર્ષ પૂરું થયું, હું સારા માર્ક્સ સાથે પાસ થયો, અમારું કુટુંબ સોનગઢ છોડી અમદાવાદ ગયું; અને જાણે ’ગુરુકુળમાં સહશિક્ષણ’ એ વાત મારા મગજમાં ક્યારેય હતી જ નહીં એમ વીસરાઈ ગઈ. પણ, આજે ૬૨ વર્ષ પછી પણ સોનગઢ જેવા નાના ગામમાં છોકરાઓ અને છોકરીઓ બે જુદી-જુદી નિશાળમાં ભણે છે એ વાત મારા મનને છળે છે. શિક્ષણનું કામ કરતી કોઇપણ સંસ્થા વિદ્યાર્થીને માત્ર વિજ્ઞાન, ગણિત, ભાષા કે ભૂગોળ ભણાવવા માટે નથી હોતી. એનું મુખ્ય કામ તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવાનું હોય છે. એ દિશામાં કુમળાં માનસનાં છોકરા-છોકરીઓ સાથે ભણે, સાથે રમતગમતમાં ભાગ લે, સાથે પ્રવાસ કરે, અને સાથે નાટક જેવી પ્રવૃત્તિમાં સામેલ થાય; એ બધું ખૂબ અગત્યનું છે.
આ બધી પ્રવૃત્તિમાં સહુ ખેલદિલીપૂર્વક સહભાગી થાય, તેમ જ એમાંથી કશું અયોગ્ય વર્તન ન ઉદ્ભવે એ જોવાની જવાબદારી શિક્ષકો અને શાળાના સંચાલકોની છે. આમ કરતાં ૧૬-૧૭ કે ૧૮ વર્ષનાં કોઈ છોકરો અને છોકરી એકમેક પ્રત્યે આકર્ષાય અને પ્રેમમાં પડે તો એ એમની સહજ અને નૈસર્ગિક ઊર્મિનો પ્રાદુર્ભાવ છે. પણ આવી બધી શક્યતા ટાળવા માટે સહશિક્ષણ બંધ કરી દેવું એ તો મેદાન છોડી ભાગી જવાની વાત છે. ગુરુકુળમાં સહસિક્ષણ બંધ થયું એ બાબતે મને ત્રણ હકીકતનો અફસોસ છે; એક, જે શાળા પ્રત્યે મને અતિશય લાગણી અને માન છે એના એ સમયના અધિકારીઓ આ જવાબદારી સ્વીકારવામાં ઊણા ઊતર્યા, બીજું, એ અધિકારીઓએ આવો અઘટિત નિર્ણય લીધો એનું પ્રત્યક્ષ કારણ મારી અને રીટાની મૈત્રી હતું એટલે કે કાંઈક અંશે એ નિર્ણય માટે હું જવાબદાર હતો, અને ત્રીજું, આજે ૬૦ કરતાં વધુ વર્ષો પછી પણ પરિસ્થિતિમાં કશો ફરક નથી થયો. અમારા ગુરુકુળનું નિષ્ઠા-વાક્ય છે: सा विद्या या विमुक्तये, અર્થાત, માણસને બધા પ્રકારના બંધનમાંથી જે મુક્ત કરે એનું નામ વિદ્યા. મને અફસોસ છે કે અમારી શાળાના સંચાલકો જ એમની કેટલીક માનસિક નબળાઈઓમાંથી મુક્ત નહોતા થયા.
૧૯૫૯નું વર્ષ અમારા કુટુંબ માટે ખૂબ દુઃખદ નીવડ્યું. ૧૯૪૨થી જેમની કંપનીમાં અને સાંનિધ્યમાં ભાઉએ કામ કર્યું એ શ્રી ભુરાભાઈ શેઠ બહુ ટૂંકી માંદગી પછી, ૨૭મી જુનના દિવસે અચાનક ગુજરી ગયા. હજી એ ઘાવ તાજો જ હતો ત્યાં માત્ર ચાર દિવસ પછી, ૧લી જુલાઈને દિવસે સમાચાર આવ્યા કે મારા મોટાભાઈ આનંદભાઈનું મહારાષ્ટ્રના ’બેળગામ’ નામના ગામ પાસે કાર ઍક્સિડન્ટમાં અવસાન થયું છે. ભાઉ અને આઈ માટે આ ઘા અસહ્ય હતો. એ પછી ભાઉ વીસ વર્ષ જીવ્યા, પણ ફરી કદી એમના મોં પર મેં પ્રસન્ન-હાસ્ય ન જોયું. ’પુત્રશોક’ની ઘેરી કાલિમા જાણે કાયમ ત્યાં છવાયેલી રહેતી. ભાઉ ફરી માંદા પડ્યા અને દાદા ફરી એમને સારવાર માટે અમદાવાદ લઈ ગયા. ૧૯૬૦ના માર્ચ મહિનામાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી અને ૨જી એપ્રિલ ૧૯૬૦ના દિવસે, બાર વર્ષના વસવાટ પછી સોનગઢ ગામ કાયમ માટે છોડી અમે અમદાવાદ રહેવા ચાલ્યાં ગયાં.
અમદાવાદ – કૉલેજ – અને આગળ
એ સમયમાં અમદાવાદ ગુજરાતનું પાટનગર અને ખૂબ ધીકતું મહાનગર હતું. સોનગઢ જેવાં નાનકડાં ગામડાંની સરખામણીમાં તો એ અતિશય મોટું હતું. દાદાએ (મારા કાકા શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ) નવરંગપુરામાં મોટો બંગલો બંધાવ્યો હતો. સોનગઢમાં અમે બધે ચાલીને જ જતા, મારા પહેલાં અમદાવાદ આવેલા મારા બંને મોટાભાઈઓ બધે સાઈકલ પર ફરતા. સોનગઢમાં મારી પાસે પગરખાંની માત્ર એક જોડી હતી, અહીં બધા પાસે ’શૂઝ’ અને ચંપલ બંને હતાં. સોનગઢમાં મારી પાસે બે કે ત્રણ ભૂરી ચડ્ડી અને ત્રણ કે ચાર સફેદ શર્ટ હતા. અહીં બધા પાસે પેન્ટ-શર્ટની અનેક જોડ, ઉપરાંત પણ ઘણાં કપડાં હતાં. અમદાવાદ મારા માટે અનેક રીતે મોટું હતું!
દાદાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. ત્યાંની પ્રસિદ્ધ ’શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર’ હાઈસ્કૂલમાં વીસ વર્ષથી તેઓ ભૂગોળ-ઇતિહાસ-સમાજશાસ્ત્ર વિષયો શીખવતા હતા. એક આદર્શ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં તેઓ આદરણીય અને સાથે-સાથે જ પ્રિય હતા. અમે અમદાવાદ ગયાં અને એક જ અઠવાડિયામાં જ્યારે એક રવિવારે સવારે મુરબ્બી શ્રી ઝીણાભાઈ (સ્નેહરશ્મિ) દેસાઈની સાથે મુ. શ્રી ઉમાશંકરભાઈ જોશી તેમને અને ભાઉને મળવા આવ્યા ત્યારે મને એ હકીકતનું ભાન થયું કે અમદાવાદના ભદ્ર સમાજમાં તેઓ કેવા પ્રતિષ્ઠિત હતા એમની ઉત્સાહભરી વાતોથી મારા ધ્યાનમાં આવ્યું કે મીઠાનાં સત્યાગ્રહ વખતે દાદા અને ઉમાશંકરભાઈ જેલમાં ચક્કી પીસવામાં સાથી હતા! કલાકેક વાતો કર્યા પછી ચારે જણા ઝીણાભાઈની ગાડીમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને મળવા ગયા. વળી એ પછીની એક સાંજે ’આર. આર. શેઠ’વાળા શ્રી ભગતભાઈ (હા, મારો ગુરુકુળનો સહપાઠી ભગત) એ સમયના ગુજરાતીના પ્રખ્યાત વાર્તાકાર શ્રી ઇશ્વર પેટલીકરને લઈ ભાઉને મળવા આવ્યા. પછી તો જેને ’જ્ઞાન-ચર્ચા’ કહી શકાય એવી વાતો અમારા જ ઘરમાં મને અવારનવાર સાંભળવા મળી. ’ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ તો રોજ, અને ક્યારેક ’લંડન ટાઇમ્સ’ પણ મને અમારા ઘરમાં જોવાની ટેવ પડી. અચાનક હું ખાબોચિયામાંથી મોટા સરોવરમાં આવી ગયો હતો. એ દિવસોમામ દાદા ગુજરાતના અને ભારતના ઍટલાસ માટે નકશા તૈયાર કરવામાં વ્યસ્ત હતા. એ જ સમયમાં ચીને ભારત પર આક્રમણ કર્યું અને અમદાવાદમાં અનેક જગ્યાએ એ ઘટના અંગે દાદાએ દીર્ઘ વ્યાખ્યાન આપ્યા. ૧૯૬૩માં દાદા નિવૃત્ત થયા એ સમયે ઝીણાભાઇએ, ત્યારના ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાએ દાદા વિષે, તેમ જ દાદાએ પોતે શિક્ષકની નિષ્ઠા વિષે આપેલાં વક્તવ્ય અતિશય મનનીય હતાં. પછીના પાંચ વર્ષ હું દાદાના સાંનિધ્યમાં રહ્યો એને કારણે મારા ચારિત્ર્યને એક વધુ ઉજળો વળાંક મળ્યો.
જૂન મહિનાની શરૂઆતમાં અમારું એસ.એસ.સી.નું પરિણામ જાહેર થયું અને હું સરસ માર્ક્સ સાથે પાસ થયો. વડીલોની સલાહ પ્રમાણે મારે આગળ સાયન્સ અને પછી ઍન્જિનીઅરીંગ કૉલેજમાં ભણવું એમ નક્કી થયું, અને હું એમ. જી. સાયન્સ ઇન્સ્ટીટ્યુટમાં દાખલ થયો. મારે સાયન્સ વિદ્યાશાખામાં ભણવું અને ઍન્જિનીઅર બનવું; કે ’આર્ટ્સ’ કૉલેજમાં જઈ અંગ્રેજી-સાહિત્ય, અર્થશાસ્ત્ર, કે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવો? એ ખરેખર તો મારા ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની વાત હતી. પણ વક્રોક્તિ એ હતી કે આવો અગત્યનો નિર્ણય લેવા માટે મારી પાસે બહુ જૂજવી માહિતી હતી મને લાગે છે એ દિવસોમાં આમ જ થતું હતું. જેનાં ભવિષ્યનો સવાલ હોય – પછી એ અભ્યાસ અને કારકીર્દી પસંદ કરવાની વાત હોય કે લગ્નસાથીની પસંદગી કરવાની હોય – એ વ્યક્તિને ભાગ્યે જ નિશ્ચિત મત હતો.
આપણી સમાજવ્યવસ્થા એવી હતી કે કિશોરવયમાં વ્યક્તિ પોતા વિષે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે એવી તાલીમ એને ભાગ્યે જ મળતી. એવો નિર્ણય કોઈ લે અને એ ખોટો નીવડે તો એને બદલી કે સુધારી શકાય એવી સવલત પણ ન હતી. આવા સંદર્ભમાં વ્યક્તિસ્વાતંત્ર્ય એટલે શું એ અમેરિકા આવ્યો પછી જ મને સમજાયું. ખેર, હું સાયન્સ કૉલેજમાં દાખલ થયો. પહેલે જ દિવસે હું જે બેન્ચ પર બેઠો હતો ત્યાં જ મારી બાજુમાં એક ગોરો, રૂપાળો, અને નિખાલસ સ્મિત ધરાવતો યુવાન આવીને બેઠો. અમે એકબીજાનાં નામ પૂછ્યાં અને તે દિવસે મારી ’ભરત કામદાર’ સાથે ઓળખાણ થઈ. આજે એ વાતને ૬૦ ઉપર વર્ષ વીતી ગયાં છે અને અમે બંને ’દાદા’ બન્યા છીએ. તે દિવસથી આજ સુધી ભરત ઉર્ફે ’નાનુ’ મારો જીગરજાન મિત્ર રહ્યો છે. સાયન્સ કૉલેજમાં પણ મારો અભ્યાસ સરળતાથી અને સફળતા સાથે થયો, પરિણામે બે વર્ષ પછી મને અમદાવાદની (ત્યારે) એકમાત્ર એન્જિનીઅરીંગ કૉલેજમાં, મારી પસંદગીના ’મિકૅનિકલ’ વિભાગમાં સહેલાઈથી પ્રવેશ મળ્યો. ખાસ વાત એટલે આ વખતે એ મારી પસંદગી હતી. કિશોરવય વટાવી હવે હું યુવાન થયો હતો.
એન્જિનીઅરીંગ કૉલેજના ત્રણ વર્ષ પણ સરસ પસાર થયા. બીજા વર્ષની અમારી પરીક્ષાનું પરિણામ ખૂબ કડક આવ્યું અને માત્ર ૧૧% વિદ્યાર્થીઓ જ પાસ થયા. એ ૧૧%માં હું પણ હતો એ મારે મન આનંદ અને અભિમાનની વાત હતી. નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. આખરે સત્તાધારીઓએ પરિણામ બદલી વધુ વિદ્યાર્થીઓને ’પાસ’ જાહેર કર્યા અને અમારું નવું સત્ર શરૂ થયું! પણ હવે અમે બધા જ પુખ્ત થયા હતા અને અમારા મિત્ર વર્તુળમાં ’આ હડતાળ યોગ્ય હતી કે અયોગ્ય?’ એ પ્રશ્ન પર ઘણી ચર્ચા થયેલી. મહત્ત્વના પ્રશ્નનો સર્વાંગી વિચાર કરવા અમે હવે તૈયાર થયા હતા.
એ સમય દરમિયાન શિશિરભાઈ અને ઈલાભાભીએ પ્રેમલગ્ન કરવાનો નિર્ણય જાહેર કર્યો. એ આંતરજાતીય લગ્ન હતું અને અમારા ઘરમાં એની ચર્ચા થઈ. એ વિષે મેં જ્યારે આઈને પૂછ્યું કે એમનો શું મત છે? ત્યારે એક સરળ સ્વભાવની પ્રેમાળ માતા જ આપી શકે એવો એમનો જવાબ હતો, “મારો શિશિર સુખી, તો હું સુખી.” ખૂબ ધામધૂમથી એ લગ્ન ઉજવવામાં આવ્યાં. એ જ વર્ષે ભરતભાઈ ’ગ્રેજ્યુએટ’ થયા અને બૅંકમાં કામે લાગ્યા. બીજી બાજુ એ દિવસોમાં જ ભાઉને ’માઈલ્ડ હાર્ટ ઍટૅક’ આવી ગયો, પણ એમાંથી તેઓ ઝટ સાજા થયા અને અગાઉના જ મનોબળ સાથે પાછું પોતાનું અનુવાદનું કામ કરવા માંડ્યા. આ બધા સાથે ૧૯૬૫ના જુન મહિનામાં હું બી.ઈ. મિકૅનિકલ થયો. જિંદગીનો એક અગત્યનો તબક્કો મેં ગાંઠ્યો હતો. પોતાના પગપર ઊભો રહેવા હવે હું સજ્જ થયો હતો અને તત્પર હતો.
જીવનમાં મિત્રોની બાબતમાં હું ખૂબ નસીબદાર રહ્યો છું. દરેક તબક્કે મને હોંશિયાર, પ્રામાણિક અને હિતેચ્છુ મિત્રો સતત મળતા રહ્યા છે. અમે ત્રણે શાળામાં હતા ત્યારથી જ રીટા અને દેવરાજ મારા ઘનિષ્ટ મિત્ર થયા હતા. ઍન્જિનીઅરીંગના અભ્યાસ દરમિયાન મને ભરત કામદારમાં એવો જ આજન્મ-મિત્ર મળ્યો. એની અને પંકજ કોઠારીની મૈત્રી થઈ એ મારા જીવનની મોટી મૂડી છે.
૧૯૬૦ના દાયકામાં પોતાની પસંદગીના ક્ષેત્રમાં સારા માર્ક્સ સાથે સ્નાતકની ડીગ્રી મેળવનારા યુવાનો અને યુવતીઓ જો આર્થિક રીતે પરવડતું હોય તો વધુ અભ્યાસ અને પ્રગતિ માટે અમેરિકા જતાં. મારી બાબતમાં દાદા કે ભાઉના પૈસા ન વાપરતાં એમ કરવું લગભગ અશક્ય હતું, અને એમની પાસે પૈસા માગવાની મારી ઇચ્છા ન હતી. એટલે ઍન્જિનીઅર થયા પછી તરત ભારતમાં જ કામે લાગવું એમ મેં ઠરાવ્યું; અને સાથે એમ પણ ઠરાવ્યું કે અમદાવાદમાં દાદાની ઘણી ઓળખાણ હોવા છતાં બને ત્યાં સુધી નોકરી મારા પોતાના પ્રયત્ન વડે જ મેળવવી અને હવે ઘરમાંથી બહાર નીકળી સ્વતંત્ર જીવન શરૂ કરવું. હું સંતોષપૂર્વક કહી શકુ છું કે એ પછી મેં જે જે નોકરી મેળવી એ બધી મારા પ્રયત્નોથી જ મેળવી.
૧૯૬૫માં બી.ઈ. થયો ને મેં વડોદરામાં એક સ્ટીલ રોલિંગ મિલમાં પહેલી નોકરી મેળવી. એ કંપનીના માલિક સરદારજી હતા એટલે ત્યાં કામ કરનારા મોટાભાગના માણસો પણ સરદારજી હતા. ત્યાં એક ગુરુદ્વારા હતું જ્યાં રોજ સવારે ’કડા પ્રશાદ’ એટલે ભરપુર ઘીમાં બનાવેલો શીરો મળતો. દિવસ શરૂ કરવાની આ પ્રથા મને બહુ ગમી! જ્યાં ૩૦૦ માણસો કામ કરતા હતા એ મિલમાં એકમાત્ર હું જ ’ભણેલો’ ઍન્જિનીઅર હતો. ત્યાં મને ૧) અન્યની મદદ સિવાય મહત્વની ટૅકનિકલ બાબતોના નિર્ણય કેમ લેવા તે: ૨) સરદાર કોમની શિસ્ત અને મહેનતુપણું; તથા ૩) શીખ ધર્મની થોડી માહિતી; એમ ત્રણ નવી વાતો શીખવા મળી.
વડોદરામાં મને એક વધુ ’અચ્છો’ મિત્ર જનાર્દન ઉર્ફે જે. સી. શુક્લ મળ્યો એની પાસેથી મને ઘણું બધું મળ્યા જ કર્યું છે. એ ચાર વર્ષ દરમિયાન ’યંગસ્ટર્સ કૉર્નર’ નામની, મારા જેવા તરુણોની એક સંસ્થાનો હું સક્રિય સભ્ય હતો. એ સમયમાં શ્રી ભોગીલાલ ગાંધી નામના એક પ્રેમાળ અને માત્ર વયોવૃદ્ધ જ નહીં પણ સાચા અર્થમાં જ્ઞાનવૃદ્ધ વડીલ સાથે મારે ઓળખાણ થઈ. એમની પાસેથી ’સમાજવાદ’ તથા ’સામ્યવાદ’ વિચારધારાના મૂળ સિદ્ધાંત તથા સામ્યવાદનાં ભયસ્થાન વિષે હું ઠીક-ઠીક માહિતગાર થયો. વડોદરાના એ ચાર વર્ષ ખૂબ સરસ પસાર થયા. પણ પછી મને ખ્યાલ આવ્યો કે સરદારજીની રોલિંગ મીલમાં મારા માટે વધુ પ્રગતિની શક્યતા ન હતી.
વડોદરા છોડી હું દૂર દુર્ગાપુર, ’વેસ્ટ બેંગાલ’માં એક ખૂબ મોટા સ્ટીલ પ્લાંટમાં જોડાયો. કાચી ધાતુ (ખનિજ) શુદ્ધ કરી એમાંથી લોખંડ (પોલાદ) અને પછી એમાંથી માણસને ઉપયોગી વસ્તુઓ બનાવવાની એ એક અતિવિશાળ ફૅક્ટરી હતી. ત્યાં ૩૦,૦૦૦ માણસો કામ કરતા હતા અને એમાં મારાથી ખૂબ વધારે ભણેલા અને અતિશય હોશિયાર અસંખ્ય ઍન્જિનીઅર હતા. સ્ટીલ ટૅક્નોલોજીનું એ ’મક્કા’ હતું. એ ક્ષેત્રનું જ્ઞાન મેળવવા માટે એ અમૂલ્ય તક હતી અને મેં ઉત્સાહથી એનો પૂરો લાભ લીધો. ખૂબ ગરમ કરવાથી લોખંડ પણ પીગળીને પ્રવાહી બને છે એ ત્યાં મેં પહેલીવાર જોયું. ત્યાંના મારા ઉપરી અમિતવ દાસગુપ્તા એક અદ્ભૂત માણસ હતા. માત્ર કામ અંગેની જ વાતો નહીં પણ એમના પાસેથી જે ’માણસાઈ’ના પાઠ હું શીખ્યો એ બદ્દલ આજે પણ મને તેઓ યાદ છે. માણસ જિંદગીમાં ક્યાં-ક્યાંથી કેટલું બધું શીખતો હોય છે! દુર્ગાપુરમાં રહેવાના મને ઘણાં લાભ મળ્યા. દૂધ ફાડીને બનાવેલી બંગાળી મીઠાઈની મજા ચાખવા મળી. હું બંગાળી ભાષા બોલતાં અને લખતાં શીખ્યો, બંગાળી છાપાં વાંચતો અને બંગાળી ફિલ્મ જોતો થયો. ત્યારે જોયેલી સત્યજીત રેની ’પ્રોતિદોંદી’ અને ’ચારુલતા’ ફિલ્મ મને આજે પણ યાદ છે. મૃણાલ સેન અને બાસુ ભટ્ટાચાર્ય જેવા નામાંકિત દિગ્દર્શકોએ સર્જેલી ફિલ્મ પણ એ દિવસોમાં જ જોઇ. એકવાર અમે મિત્રો ટેક્સી કરી શાંતિનિકેતનની એક દિવસની મુલાકાતે પણ જઈ આવ્યા. જો કે તીર્થક્ષેત્ર કહી શકાય એવી જગ્યાની માત્ર એક દિવસની મુલાકાત તો શું ન્યાય આપી શકે? પણ દુર્ગાપુર નિવાસ દરમિયાન બંગાળી સંસ્કૃતિનો ભલે ટૂંકો, પણ પરિચય કરી લેવાની તક મળી એનો આનંદ છે.
આ વર્ષોમાં અમારા કુટુંબમાં ત્રણ-ચાર વાત બની. ભરતભાઈ અને નીલાભાભીનાં, તથા શોભાબેન અને શશિકાન્તનાં સમયાનુસાર લગ્ન થયાં; અને શિશિરભાઈ તથા ભાભી બે વર્ષના મૌલિનને લઈ ૧૯૬૮માં કાયમ માટે અમેરિકા ગયાં.
દુર્ગાપુરમાં હતો ત્યારે જ મારા જીવનમાં એક નવું સુંદર, સુખકારી પ્રકરણ શરૂ થવાનું હતું.
લગ્ન – ભાવનગર – અને વડોદરા
લગ્ન એ માનવીના જીવનની સૌથી વધુ અગત્યની ઘટના છે. ૭૫ વર્ષનું આયુષ્ય મળ્યું હોય એવા પરિણીત સ્ત્રી અને પુરુષ આશરે ૫૦-૫૫ વર્ષ સુખ-દુઃખમાં પરસ્પરનાં સાથી તરીકે રહે છે, જીવે છે. આમાંથી થોડાં જ યુગલ એવાં હોય છે કે જેમનો સંસાર સદા-સર્વદા સુખી, અને પરસ્પરના સ્નેહથી ઉભરાતો હોય છે, એમ છતાં પાછલા આશરે ચાર-પાંચ હજાર વર્ષથી ’પતિ-પત્ની અને બાળકોવાળું કુટુંબ’ એ માનવ સમાજનું મુખ્ય ઘટક રહ્યું છે. સ્ત્રી-પુરુષની જોડી વિનાનું કુટુંબ અને એવા કુટુંબ વિનાનો સમાજ હજી સુધી તો આપણી કલ્પનામાં નથી.
એ જ અગત્યની ઘટના અમારા જીવનમાં પણ બની અને ૬ જુન ૧૯૭૧ના દિવસે શૈલા અને હું લગ્નવિધિથી જોડાયાં. અમારાં લગ્ન ’આયોજિત’ હતાં. પહેલાં બંનેનાં કુટુંબથી પરિચિત અને હિતેચ્છુ એવા સંબંધીએ અમારાં વડીલો પાસે દરખાસ્ત મૂકી, પછી અમે બંને બે વખત રૂબરૂ મળ્યાં અને પરસ્પર માટે અમારી પસંદગી જાહેર કરી. એ દિવસોમાં શૈલા વડોદરામાં અને હું દુર્ગાપુરમાં હતો એટલે લગ્ન પહેલાં એથી વધારે વાર મળવાનું શક્ય ન હતું. આમ અમારો પ્રત્યક્ષ પરિચય ખૂબ ઓછો હતો. પણ પત્રદ્વારા અમે એકબીજાનાં સંપર્કમાં રહ્યાં. એ છ મહિનામાં અમે દર અઠવાડિયે અરસપરસને એકથી વધુ પત્રો લખતા. શૈલાનાં પત્રોમાંથી મને એનું જે વ્યક્તિત્વ દેખાયું એ પ્રત્યેક ક્ષણે જીવન માણવા ઇચ્છતી, એક અતિશય ઉલ્લાસ અને ઉત્સાહથી ઊભરાતી નવયૌવનાનું હતું. એ એટલું યથાર્થ હતું કે આશરે ત્રીશ વર્ષ પછી અમેરિકામાં અમારા એક મિત્રે શૈલાનું નામ “ઉત્સાહમૂર્તિ” પાડ્યું! એ સમયમાં દૂર દુર્ગાપુરમાં હું એકલો હોવા છતાં ખૂબ ખુશ હતો.
લગ્નપ્રસંગે મેં કરેલી બે વાત મને બરાબર યાદ રહી ગઈ છે. જૂના જમાનાથી મરાઠી સમાજમાં પ્રચલિત, માંડવામાં જ પતિ પોતાની પત્નીનું નામ બદલી એને નવું નામ આપે, એવો એક બેહૂદો રિવાજ છે. પુરુષપ્રધાન સંસ્કૃતિનું એ એક વરવું ઉદાહરણ છે જેમાં લગ્ન પહેલાંનું સ્ત્રીનું અસ્તિત્વ સંપૂર્ણપણે મીટાવી દેવાની ઘેલછા રહેલી છે. મેં એ રિવાજ અનુસાર શૈલાનું નામ બદલી ’શીલા’ કર્યું હતું. સાહજિક જ શૈલાને એ માટે બહુ માઠું લાગ્યું હતું. જ્યારે એણે અમેરિકન નાગરિકત્વ અંગીકાર કર્યું ત્યારે શૈલાને મારી એ ભૂલ સુધારવાની તક મળી અને તેણે એનો યોગ્ય ઉપયોગ કર્યો. તે દિવસથી કાયદેસર રીતે ’શીલા’ પાછી ’શૈલા’ બની. બીજું એટલે લગ્ન પ્રસંગે મને કશુંક સારું કરવાની મળેલી તકનો મેં ઉપયોગ ન કર્યો એ વાત. શૈલાના બાળપણમાં જ એના પિતાજીનું અવસાન થયેલું, પરિણામે અમારાં લગ્ન વખતે એનાં બા વિધવા હતાં. મારાં એક માશી પણ ’બાળવિધવા’ હતાં. અમારા લગ્ન હિંદુ વિધી પ્રમાણે થયાં હતાં. ત્યારે મારે આગ્રહપૂર્વક એમ કહેવું જરૂરી હતું કે વિધી શૈલાનાં બા અને મારાં માશી કરે. આજે તો કદાચ આવું બનવું સામાન્ય હશે પણ અમારા લગ્ન સમયે એવું ન હતું. એ વખતે મેં એમ કર્યું હોત તો એ બે સ્ત્રીઓની જીવનભરની તપસ્યાની કદર થઈ હોત. મારા માટે મારાં માશી અને શૈલાને માટે એનાં બા જેટલું હિતેચ્છુ અન્ય કોઇ ન હતું. અફસોસ, મને એમ કરવાનું ન સૂઝ્યું.
અમારાં લગ્ન પ્રસંગે નીરખેલો એક મરાઠી રિવાજ મને ખૂબ ગમ્ય઼ો છે. લગ્ન પછી પહેલી જ વાર શૈલા અમારાં ઘરમાં પ્રવેશી ત્યારે બારણામાં ચોખા ભરેલો એક પ્યાલો મૂક્યો હતો. રિવાજ પ્રમાણે શૈલાએ એને પગથી ઠોકર મારી ચોખા ઢોળી નાખવાના અને મારાં ભાભી (શૈલાનાં જેઠાણી) એ ચોખા પાછા પ્યાલામાં ભરી દે. શૈલાએ અને નીલાભાભીએ આ વાત બે-ત્રણ વાર કરી અને પછી શૈલાએ ગૃહપ્રવેશ કર્યો. આ રિવાજમાં સૂચન એ છે કે અમારાં ઘરમાં પહેલી જ વાર આવનાર યુવતી ભૂલ તો કરશે પણ અમે – ઘરના વડીલો – એ ચલાવી લઈશું, એને સુધારી લઈશું અને સંભાળી લઈશું. આવા સરસ, અર્થપૂર્ણ, રિવાજનું આપણાં આખા સમાજમાં પાલન થતું હોય તો કેવું સારું? સાસુ-વહુનાં સંબંધો કેટલાં મીઠાં બની જાય!
આપણાં હિંદુ લગ્ન વિષે એક વધુ વાત અહીં નોંધવી છે. લગ્નવિધી ચાલતી હોય ત્યારે પ્રેક્ષકોનું વર્તન કેમ તદ્દન બેશિસ્ત હોય છે? એકાદ કલાકની વિધી દરમિયાન પણ આપણે શાંત અને સ્વસ્થ બેસી પ્રસંગની આમન્યા કેમ જાળવી નથી શકતા? અમેરિકા આવ્યા પછી મેં જોયું કે આપણે જ્યારે ક્રિશ્ચીયન વિધીથી ચર્ચમાં થતાં લગ્નમાં હાજરી આપીએ ત્યારે ચૂપચાપ બેસી પ્રસંગની ગરિમા જાળવીએ છીએ. તો, એવી જ શિસ્ત આપણે આપણાં લગ્ન પ્રસંગે કેમ નથી જાળવી શકતાં?
શૈલા મારા જીવનમાં પ્રવેશી અને એકાદ અઠવાડિયામાં મને ભાવનગરમાં નવા શરૂ થતા એક ’મિનિસ્ટીલ પ્લાન્ટ’માં લગભગ બમણા પગારની નોકરી મળી !! આ કદાચ કાકતાલીય ન્યાય હશે. પણ અમારાં ઘરમાં સહુએ શૈલાને શુકનવંત કહી ખૂબ ખુશી વ્યક્ત કરી. અમારા ઘરથી દુર્ગાપુર ૧૧૦૦ માઈલ દૂર હતું. ભાવનગર અમારે મન ઘરસમાન હતું. મારો સ્ટીલ ઇન્ડસ્ટ્રીના કામનો અનુભવ લેખે લાગ્યો હતો. મેં તરત જ એ નોકરી સ્વીકારી અને શૈલા અને હું અમારું પહેલું ઘર વસાવવા ભાવનગર પહોંચી ગયાં.
એ પછીના સાત વર્ષ અમે ભાવનગરમાં ગાળ્યાં. ખાનગી માલિકીની – એકાદ વ્યક્તિ જ જેની માલિક હોય અને બધો કારભાર ચલાવતી હોય એવી – કંપનીમાં કામ કરવાનો આ મારો બીજો અનુબવ હતો. આવી કંપનીને ’માલિકની મરજી’ એ એક માત્ર ’કલ્ચર’ હોય છે. તન તોડી નાખે એવું કામ અને સાથે એવો જ સારો પગાર, અને જો તમે શેઠની મરજીમાં આવી જાવ તો તો ઘી-કેળાં. અમેરિકા આવવા પહેલાં ભારતમાં મેં ત્રણ જગ્યાએ થઈ કુલ ૧૪-૧૫ વર્ષ આવી ખાનગી કંપનીમાં કામ કર્યું. બધે લગભગ આવો જ અનુભવ થયો વફાદારીને ખૂબ કિંમત પણ નીતિમત્તાનો ખાસ ભાવ નહીં. મહેનતુ, સાહસી, ખંતીલા, પણ સાથેસાથે જ જરા ’જાડી ચામડીવાળા’ લોકો આવા વાતાવરણમાં ખૂબ ખીલી ઊઠે. આવી જગ્યાએ હું આટલો સમય શી રીતે ટકી શક્યો એ મારે મન એક કોયડો છે. એ બધા વર્ષોમાં મને કામ અંગે ભારતભર ખૂબ ફરવા અને જોવા-જાણવા મળ્યું.
ભાવનગર એ સોનગઢ કરતાં ખાસું મોટું પણ અમદાવાદ કરતાં ઘણું નાનું અને જૂની વિચારસરણીવાળું શહેર છે. આઝાદી પહેલાં ભાવનગર એક સંસ્થાન હતું અને એ સમયનું સ્મરણ કરાવે એવાં અવશેષો ત્યાંની પ્રજાની રહેણીકરણીમાં હજી પણ મોજુદ હતાં.
અમે ભાવનગર હતાં એ દરમિયાન શૈલાને ફ્રાન્સ અને મને અમેરિકા ફરવા જવાની સરસ તક મળી જે અમે બંનેએ ઝડપી લીધી. ૧૯૭૪માં શૈલા અને હું એક “ફ્રૅન્ચ ઇન્ટરનૅશનલ ઍક્સચેન્જ ગ્રુપ”માં જોડાયાં અને ભાવનગરમાં પહેલીવાર પાંચ ફ્રૅન્ચ પરોણાં આવ્યાં અને અમારી સહિત પાંચ કુટુંબમાં એકએક જણ ત્રણ અઠવાડિયા રહ્યાં. અમારા બધાં માટે એ એક સાવ નવતર અને ખૂબ આહ્લાદક અનુભવ હતો. ત્યારથી, ૧૯૮૩માં ભારત છોડી અમેરિકા આવ્યાં ત્યાં સુધી અમે બંને એ પ્રવૃત્તિ સાથે પૂરા ઉત્સાહથી જોડાયેલાં રહ્યાં. એના જ નેજા હેઠળ ૧૯૭૬માં શૈલાને એક મહિના માટે પેરિસ સહિત ફ્રાન્સના જુદા જુદા ભાગમાં રહેવા-ફરવાની સુંદર તક મળી. એ પ્રવૃત્તિને કારણે અમારે કેટલાંક ફ્રૅંચ કુટુંબ સાથે જે મૈત્રી થઈ છે એ આજે પચાસ વર્ષ પછી પણ ખૂબ ઘનિષ્ટ છે. ૧૯૭૬માં ’ગ્રુપ સ્ટડી ઍક્સચેન્જ’ નામના રોટરી ક્લબના એક પ્રોગ્રામના સભ્ય તરીકે ભાવનગર રોટરી ક્લબ તરફથી મારી પસંદગી થઈ અને બે મહિના માટે મને અમેરિકાના ’વેસ્ટ વરજિનીયા’ રાજ્યમાં જુદાજુદા કુટુંબ સાથે રહેવા મળ્યું. આ બંને પ્રવાસ પછી અમને એક ખાતરી થઈ કે દુનિયા ઘણાં બધાં સજ્જન, પ્રમાણિક, અને શાંતિપ્રિય માણસોથી ભરેલી છે.
મારા અમેરિકાના પ્રવાસ માટે ’વિઝીટર વિસા’ મેળવવો જરૂરી હતો અને એ કરતાં એક અણધાર્યો અનુભવ થયો. અમારી ટીમ માટે વિસા મેળવવાનું કામ જે ’ટ્રાવેલ એજન્સી’ કરતી હતી એણે મને જણાવ્યું કે મારા સિવાય બધાને વિસા મળી ગયો છે પણ મુંબઈના કૉન્સલ મને પ્રત્યક્ષ મળવા માગે છે. એ મુલાકાતમાં મને કૉન્સલેટના અધિકારીએ જણાવ્યું કે દસ વર્ષ અગાઉ મેં કરેલી ’ઇમિગ્રેશન વિસા’ની અરજી એમના દફતરમાં હજી ’ખુલ્લી’ છે એટલે તેઓ મને વિઝીટર વિસા નહીં આપી શકે; પણ હું જો વિઝીટર વિસાની અરજી રદ કરું તો તેઓ મને તરત જ ઇમિગ્રેશન વિસા આપશે. એવી અરજી કર્યાનું મને તો યાદ પણ ન હતું! મેં કહ્યું, “ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરી મને વિઝીટર વિસા આપો.” પેલા અધિકારી આશ્ચર્યથી મારા સામે જોઇ રહ્યા. આ ૧૯૭૮ની વાત હતી જ્યારે ’ઇમિગ્રન્ટ’ તરીકે અમેરિકા જવા લોકો એક પગે તત્પર હતા. અધિકારીએ મને બે વાર પૂછ્યું, “તમે ખરેખર મને તમારી ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરવા કહો છો?” મેં બંને વાર સ્પષ્ટ ’હા’ કહ્યું. ખૂબ આશ્ચર્ય સાથે એમણે મને એક જગ્યાએ સહિ કરવા કહ્યું અને એ ફાઇલ ’ક્લોઝ’ કરી તરત જ મને વિઝીટર વિસા આપ્યો. આ આખો પ્રસંગ લખવાનાં બે કારણ છે. એક, આ પરથી ખ્ય઼ાલ આવે છે કે અમેરિકન સરકારનું ’પરદેશખાતું’ કેટલું બધું વ્યવસ્થિત અને ધોરણસર કામ કરે છે! બીજું, કે એ સમયે કાયમ માટે અમેરિકા જવાની મારી જરાપણ ઈચ્છા ન હતી. સદંતર વિરોધાભાસ એ છે કે પછીના માત્ર પાંચ જ વર્ષમાં અમે ભારત છોડી કાયમ માટે અમેરિકા રહેવા આવ્યાં.
ભાવનગરના અમારાં સાત વર્ષના રોકાણમાં અમને એક અતિશય સરળ સ્વભાવના, પરગજુ, અને ઉષ્માભર્યા દિલવાળા વડીલની શીળી છાંયમાં રહેવાનો મોકો મળ્યો. એમનું આખું નામ તો મૂળશંકરભાઈ મો. ભટ્ટ, પણ એમને નજીકથી ઓળખનાર સહુ ’ભાઈ” ના હુલામણા નામે સંબોધે. લગભગ અકિંચન હોવા છતાં ભાઈનું જીવન એવું ભર્યું-ભર્યું હતું કે એ દેખીને ભલભલાને અચંબો થાય. જાણે જીવન સાચી રીતે જીવવાની જડીબુટ્ટી એમને મળી ગઈ હતી. એમનું કે એમના જીવન સાફલ્યનું આથી વધારે શબ્દોમાં વર્ણન કરવા હું અસમર્થ છું. મારા કાકા શ્રી ભાસ્કરરાવ (ઉર્ફે અમારા દાદા) અને ભાઈ, એ બે વડીલો મારા જીવનમાં આવ્યા એ માટે હું પોતાને ધન્ય સમજું છું.
ભાવનગરમાં બે જૂની ઓળખાણ પાછી તાજી થઈ. એક મહેન્દ્રભાઈ મેઘાણી, અને બીજો મારો શાળાનો મિત્ર જીવરાજ સુતરિયા. ખોબો ભરીને ખારીશીંગ લઈ ચાવતા-ચાવતા રોજ સવારે મહેન્દ્રભાઈ અમારા ઘર પરથી ચાલીને ’લોકમિલાપ’ કામે જતા. આખો દિવસ કર્મયોગીની નિષ્ઠાથી મિલાપના કામમાં ડૂબેલા રહેતા. ’લોકોને સારું વાચન-સાહિત્ય પીરસવું’ એ એક માત્ર ધ્યેય પાછળ એમણે પોતાની આખી જિંદગી આપી છે. એક હાથલારીમાં પુસ્તકો ભરી એકાદ શાકભાજીવાળાની જેમ ઠેલતા ઠેલતા ભાવનરના મુખ્ય ચોકમાં જઈ તેઓ ત્યાં દિવસભર ઊભા રહેતા. વેચાણ તો કેટલું થતું હશે કોણ જાણે, પણ એમની લગનને સો-સો સલામ છે. રોજ પરોઢિયે ઊઠી ઘંટી પર બેસી આખા ઘરની લોટની જરરિયાત માટે તેઓ ઘઉં-બાજરી જાતે દળતા. ભાઉનો ૭૫મો જન્મદિન ઉજવવા અમે એમના કેટલાક મિત્રોને જમવા નોતરેલા એમાં મહેન્દ્રભાઈ પણ હતા. મહેન્દ્રભાઈએ મને કહ્યું, “તે દિવસના લાડવા માટે ઘઉંનો લોટ હું આપી જઈશ.” અલબત્ત એ લોટ એમણે જાતે દળેલો હતો! મહેન્દ્રભાઈ એક તપસ્વીનું જીવન જીવ્યા છે. આજે લગભગ ૧૦૦ વર્ષની વયે, અનેક શારીરિક વ્યથા વચ્ચે તેઓ સન્યસ્ત મનથી શરીરનો મોહ છોડીને બેઠા છે.
મેં ઉપર લખ્યું છે તેમ મારો મિત્ર જીવરાજ એક ફિલસૂફ છે. એણે મારી સાથે જ ઇન્ટર-સાયન્સની પરીક્ષા આપી અને ’પ્યૉર ફિઝીક્સ’માં પીએચ. ડી કર્યું ને અમે ભાવનગરમાં હતા ત્યારે જ ત્યાંની કૉલેજમાં પ્રોફેસર બન્યો. પણ એ જન્મજાત ખેડૂત અને એની રગેરગમાં ખેતીપ્રેમ ભરેલો હોવાથી ૩-૪ વર્ષમાં જ ’પ્રોફેસરગીરી’ છોડી એક વિશાળ વાડી વેચાતી લીધી અને આનંદથી ખેતી કરવા માંડ્યો. ત્યારથી આજે પચાસ વર્ષ પછી પણ તનથી અને મનથી એ ખેડૂત જ છે. અવારનવાર એની વાડી પર જઈ ઋતુ પ્રમાણે બોર, જમરૂખ, શેરડી આરોગવાનું શૈલા અને મારા માટે સામાન્ય બની ગયું છે. તે સમયથી અજવાળીભાભીએ જે પ્રેમથી અમને રાખ્યાં છે એ આજે પચાસ વર્ષ પછી પણ સતત ચાલુ છે. અજવાળીભાભીનો નિર્મળ પ્રેમ એટલે એમના હૃદયની આરસી. પરંતુ જીવરાજ સાથેની એ મુલાકાતો માત્ર મજા પુરતી મર્યાદિત ન હતી. પોતે જે દીર્ઘદૃષ્ટિથી ખેતી કરતો’તો એ જીવરાજ મને વિગતથી સમજાવતો. ખેડૂતને વૈજ્ઞાનિક સમજ કેવી રીતે આપી શકાય, એને સક્ષમ કેમ બનાવી શકાય, અને સમાજમાં એનું શોષણ થતું કેમ અટકાવી શકાય; એ વાતો હું જીવરાજ પાસેથી સમજ્ય઼ો. એની સાથેની ચર્ચામાં “માણસ દુઃખી કેમ થાય છે?” જેવા અટપટા પ્રશ્નોનાં જવાબ વિષે વિચારતો થયો. દુનિયાના કેટલાક મહાન તત્વચિંતકોના વિચાર મેં એની પાસેથી જાણીને સમજ્યા છે. એમાં જીવરાજની ખાસિયત એ કે એ આવા તત્વચિંતકોના પ્રગલ્ભ વિચાર રજૂ કરે ત્યારે માત્ર પોપટિયું જ્ઞાન નથી હોતું પણ સમજીને આત્મસાત કરેલી માહિતી હોય છે. મિત્રોની બાબતમાં હું સાચે જ નસીબદાર રહ્યો છું.
અમે ભાવનગર ગયાં અને તરત જ શૈલાએ ત્યાંની કૉલેજના આંકડાશાસ્ત્ર વિભાગમાં નોકરી મેળવી. એ વખતે એની ઉંમર આશરે ૨૨ વર્ષ હતી, ત્યારથી અમેરિકા આવ્યા પછી ૨૦૧૩ની સાલમાં નિવૃત્ત થઈ ત્યાં સુધી એણે કામ કર્યું. પોતાની વ્યાવસાયિક કારકિર્દી એ શૈલાનાં જીવનનો અગત્યનો, છતાં માત્ર એક ભાગ હતો. ભાવનગરનો નાનો પણ એકજૂથ મરાઠી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ હતો. ગણપતિ-ઉત્સવના નાટકોમાં ભાગ લઈ શૈલાએ એમાં પોતાનું સ્થાન મેળવ્ય઼ું. સાથે જ અનેક નવી ઓળખાણ કરી અમારા કૌટુંબિક જીવનને ભર્યુંભર્યું બનાવ્યું. નીડરપણે પોતાનો મત રજૂ કરવામાં શૈલાને સંકોચ નથી થતો. એકવાર ભાવનગરની કૉલેજમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી, તોફાન કર્યું, અને એક પ્રોફેસર પર ખુરશીનો ઘા કર્યો. આખરે સમાધાન થયું અને થોડા દિવસમાં ગુરૂપૂર્ણિમા આવી ત્યારે વિદ્યાર્થીઓએ ગુરૂજનોનું પૂજન કર્યું. એ પ્રસંગે શૈલાએ વિદ્યાર્થીઓને સંબોધી કહ્યું, “તમે અમારું પૂજન કરો એ સારી વાત છે. પણ તો પછી અમારામાંના એક પર ખુરશીનો ઘા કરો એ કેવું?” એ સાંભળી પ્રિન્સીપાલ સહિત ત્યાં હાજર હતા એ સહુ સ્તબ્ધ બની ગયા. દયાજનક વાત તો એ કે ખાનગીમાં પ્રિન્સીપાલે શૈલાને સલાહ આપી, “આપણે આવું ન બોલવું.” આવું હતું અમારું ભાવનગર!
૨૯મી મે ૧૯૭૪ના દિવસે અમારા દીકરા રણજિતનો જન્મ થયો; અમારા સંસારમાં પૂર્ણતા આવી અને સાથે જ એક નવું સોપાન ખુલ્યું. એને માટે નવાંનવાં કપડાં અને રમકડાં લાવવામાં શૈલાનો હરખ માતો ન હતો. “રણજિત અમારું એક માત્ર સંતાન છે.” એટલું કહું તો વાચક એના પ્રત્યેની અમારી લાગણી સમજી શકશે. સમય ઝટપટ પસાર થવા લાગ્યો અને અમારા ધ્યાનમાં આવે એ પહેલાં જ ત્યાંની ’કૉન્વ્હૅન્ટ સ્કૂલ’માં રણજિતનો અભ્યાસ શરૂ થયો. ત્યાંના ’પ્રિન્સ સ્ટુડિઓ’માં પડાવેલો રણજિતનો ફોટો આજે પણ મારા ડેસ્કની બાજુમાં છે. બાળપણમાં એને સંભાળનારાં, ગરીબ પણ અત્યંત પ્રેમાળ અને સરળ સ્વભાવનાં નંદકુંવરબાની ખાનદાની અમે બંને આજે પણ યાદ કરીએ છીએ.
૧૯૭૬માં અચાનક ખબર પડી કે દાદાને ’રૅક્ટમ’નું કૅન્સર છે અને એ ભાગ શસ્ત્રક્રિયા કરીને કાઢી નાખવો પડશે. એ ઑપરેશન મુંબઈની ટાટા હૉસ્પિટલમાં કરવાનું નક્કી કર્યું. એ પ્રસંગે દાદાની મદદમાં અને સારવાર માટે હું પણ એકાદ મહિનો ત્યાં રહ્યો. ઑપરેશન નિર્વિઘ્ન પાર પડ્યું, અને દાદા એ પછી આઠ વર્ષ તંદુરસ્તપણે જીવ્યા. એ માંદગી દરમિયાન દાદાની સેવા કરવાની મને તક મળી એ મારું મોટું સદ્ભાગ્ય હતું. ભાઉના કુટુંબ પર એમના એટલા બધા ઉપકાર છે કે એમ કહી શકાય કે એમના વગર અમે કોઇ કશું ન હોત. અહીં એક અગત્યની નોંધ કરી લઉં. હૉસ્પિટલમાં, પોતે જાણે ત્યાંના રાજા છે એવો ડૉક્ટરોનો રૂઆબ, અને અભિમાનભર્યું વર્તન કોઇપણ શિક્ષિત વ્યક્તિને છાજે એવું ન હતું. દરદીના પ્રશ્નોના એ લોકો જે ઉદ્દતાઈથી જવાબ આપતા એ જોઇ એમની અને દરદીની, બંનેની દયા આવે એવું હતું.
સાતેક વર્ષ પછી મારી પ્રગતિ માટે મેં નવી નોકરી મેળવી, અને અમે ભાવનગરથી વડોદરા સ્થળાંતર કર્યું. એ પછીના અમારાં પાંચ વર્ષ બહુ સરસ પસાર થયાં. વડોદરા શૈલાનું પિયર હોવાથી ત્યાં એનાં સગાં અને મિત્રોનો પાર ન હતો અને ત્યાંની ગલ્લીએ ગલ્લી એની જાણીતી હતી. બહુ ટૂંકા સમયમાં જ પોતે ભણી હતી એ કૉલેજમાં, પોતાના ક્ષેત્રમાં જ શૈલાને ’લૅક્ચરર’ની સરસ નોકરી મળી ગઈ. રણજીત હવે ચાર વર્ષનો થયો હતો અને અમે એને ’ભારતીય વિદ્યા ભવન્સ’ની શાળામાં ’ડે બોર્ડર’ તરીકે દાખલ કર્યો.
મારા કામનો પ્રકાર બદલાયો હતો. હવે હું ’માર્કેટીંગ એન્જિનીઅર’ તરીકે મોટી મોટી કંપનીને, જેમાં અનેક યંત્રો તથા પ્રક્રિયા સમાયેલાં હોય તેવા અટપટા ’પ્લાન્ટ્સ’ વેચવાનું કામ કરતો હતો. ભારતભર મારે ફરવું પડતું હતું તથા મહત્વના નિર્ણયો અને મોટી રકમના સોદામાં ભાગ લેવો પડતો હતો. આ બધું મને ખૂબ ગમતું હતું અને હું ઉત્સાહથી બધી દોડાદોડ કરતો હતો. પ્રવાસ દરમિયાન મને વાંચવાનો ભરપુર સમય મળતો, એથી મારો એ શોખ ખૂબ ફુલ્યોફાલ્યો. થોડો સમય બધું સરસ ચાલ્યું, પણ ધીમે ધીમે એક વાત મારા ધ્યાનમાં આવી કે આવા સોદામાં “એન્જિનીઅર” તરીકેના જ્ઞાન કરતાં “વહેવારુ” જ્ઞાનની જરૂર અને ઉપયોગ વધારે હતાં. શરૂના બે-ત્રણ વર્ષ તો મારે એ “વહેવારુ” ભાગ સંભાળવાનો ન હતો પણ સમય સાથે એ પણ મારી જવાબદારી બનવા માંડી. મારા માટે એ સાવ અજાણ્યો પ્રદેશ હતો અને એમાં વિચરતાં મને બહુ અકળામણ થતી હતી.
બાકી બધી વાતે વડોદરાનું જીવન અમારે ત્રણે માટે મજા જ મજા હતી. દિલચસ્પ મિત્રો અને મનગમતી પ્રવૃત્તિઓનો તોટો ન હતો. લગ્ન પહેલાં હું વડોદરામાં ત્રણ વર્ષ રહ્યો હતો એ સમયના દોસ્તો ફરી મળ્યા હતા. વડોદરામાં ગુજરાતી તેમ જ મરાઠી બંને ભાષી સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ હતી. સ-રસ મરાઠી નાટકો અને શાસ્ત્રીય સંગીતનાં કાર્યક્રમ માણવાનું ત્યાં સહજ શક્ય હતું. આમ વડોદરામાં અમે બધી વાતે ખુશખુશાલ હતા.
૧૯૭૬ થી ’૮૦ એ ભાઉની છેલ્લી માંદગીના ચાર વર્ષ હતાં. એ વર્ષોમાં તેઓ સાવ પથારીવશ અને પરવશ રહ્યા અને દાદાએ લક્ષ્મણને ઈર્ષા આવે એવી નિષ્ઠાપૂર્વક એમની સેવા કરી. આશરે ૧૯૪૨-૪૩થી શરૂ થયેલું મરાઠી સાહિત્ય કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું એમનું કામ ૧૯૭૬ની માંદગી સુધી સતત ચાલ્યા કર્યું. એ વર્ષોમાં તેઓએ પચીસેક નવલકથા, પિસ્તાળીસ ઉપરાંત વાર્તસંગ્રહ, અને કેટલાક જીવન-વૃત્તાંત મળી કુલ ૭૬ પુસ્તકો અનુવાદીત કર્યાં. એમાંનો મોટાભાગનો સમય મેં ભાઉને એ પુરુષાર્થ કરતા ખૂબ નજીકથી નિહાળ્યા છે. એમાં મને કોઇ પણ ભગીરથ કામ કરનાર વ્યક્તિનાં એકાગ્રતા, ધગશ, શિસ્ત અને મનોનિગ્રહ જોવા મળ્યાં છે. અસ્તુ. આખરે ૨૩ મે, ૧૯૮૦ના દિવસે એ માંદગીમાંથી ભાઉને સદા માટે મુક્તિ મળી. આયુષ્યભર તેઓ અમારા સહુના પિતા તરીકે પોતાનાં જવાબદારી અને કર્તવ્ય નિભાવતા રહ્યા, અને ૩૭ વર્ષ સુધી સતત મને એમનો પ્રેમ, વાત્સલ્ય, અને હૂંફ મળતાં રહ્યાં. મને લાગે છે પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ પિતા માટે ક્યારેક તલવારની ધાર પર ચાલવા જેવો કઠિન હોય છે. સંતાનનું હિત અને એની પ્રત્યેનો પ્રેમ, એ બે વચ્ચેની ખેંચતાણ પિતાને ક્યારેક કઠોર તો ક્યારેક કર્તવ્યચ્યુત બનાવતી હોય છે. અફસોસ એ વાતનો છે કે પિતાની આવી દ્વિધા સ્થિતિનું જ્ઞાન સંતાન પોતે જ્યાં સુધી પાલ્ય મટી પાલક નથી બનતું ત્યાં સુધી નથી આવતું! ભાઉ ગુજરી ગયા ત્યારે એમની સ્થાવર મિલકત બહુ ઓછી હતી. પણ મને એમની પાસેથી જે મળ્યું છે એનો અંદાજ લઉં છું ત્યારે ભાન થાય છે કે કુબેર જેવા પિતા પાસેથી પણ હું એટલું ન પામ્યો હોત.
ભાઉ ગયા ત્યારે શિશિરભાઈ અમેરિકા હતા. અમે એમને સમાચાર જણાવ્યા અને છ મહિના પછી તેઓ સહુને મળવા અમદાવાદ આવ્યા. બીજી વાતોની સાથે એમણે જણાવ્યું કે પોતે તેમ જ ઇલાભાભીએ અમેરિકાનું નાગરિકત્વ લીધું છે અને અમારામાંથી કોઇને જો ત્યાં કાયમ રહેવા આવવાની ઇચ્છા હોય તો તેઓ અમારા માટે ’ઇમિગ્રન્ટ વિસા’ મેળવી શકશે. શૈલાએ અને મેં તરત જ હાથ ઊંચો કર્યો. અમેરિકા પાછા ફર્યા પછી શિશિરભાઈએ અમારાં માટે અરજી કરી અને ત્રણ વર્ષ પછી ૧૯૮૩ના મે મહિનામાં અમને ’ગ્રીનકાર્ડ’ માટે વિસા મળ્યો અને અમે ભારત છોડવાની તૈયારીએ લાગ્યાં.
ભારતમાં અમારું ત્રણનું કુટુંબ બહુ સુખી હતું. એટલે સ્વસ્થાન હવે છોડવું પડશે એનો ખેદ, અને સ્વજનોથી દૂર થવું પડશે એનો ઝુરાપો મને સતાવતાં હતાં. પણ એ બધાથીયે વધુ મારું કાળજું કપાતું હતું વૃદ્ધાવસ્થામાં હું દાદાને ભરતભાઈના હવાલે સોંપીને જઈશ, એ જાણકારીથી. ભરતભાઈ અને દાદાના સ્વભાવ વચ્ચે બહુ અંતર હતું, અને જે દાદા જિંદગીભર સ્વમાન સાથે જીવ્યા તેમને હવે વૃદ્ધાવસ્થામાં કદાચ પોતાનાં મૂલ્યો સાથે તડજોડ કરવી પડશે; એ વિચાર મારા માટે અસહ્ય હતો. છતાં મારા, શૈલાના અને અમારા દીકરાના ભવિષ્ય ખાતર હું દાદા પ્રત્યેની મારી ફરજ વિસારે પાડવા તૈયાર થયો હતો. આવી મનોદશામાં હું ભારત છોડવા સજ્જ થયો.
સેકન્ડ ઇનીંગ્સ
ભારતથી અમેરિકા સ્થળાંતર કરવા માટે શું તૈયારી કરવી જોઇએ એનો મને બહુ ઓછો ખ્યાલ હતો. એ અંગે જાતઅનુભવ વગર જ સલાહ આપનારા ઘણાં હતા. અમેરિકાથી બે મિત્રોએ એ દિવસોમાં મને લખેલા પત્રોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ભરત કામદારે ઉમળકાભર્યું સ્વાગત કરતાં લખ્યું કે “અહીં અત્યારે મંદીનું વાતાવરણ છે પણ તું ચિંતા કર્યા વગર ચાલ્યો આવ. કાંઇપણ થશે તો હું બેઠો છું.” પછી ત્રણ જ વર્ષમાં સમય આવ્યો અને ભરતે પોતાનું વેણ અક્ષરશઃ પાળ્યું. બીજો પત્ર ઉમેશ ધોળકીયાએ લખ્યો જેમાં એમણે સમગ્ર પરિસ્થિતિનું સચોટ વિશ્લેષણ કરી અમેરિકા આવવાના ફાયદા અને તોટા સ્પષ્ટ કરી બતાવ્યા. અમેરિકા આવવાનો નિર્ણય આખરે શૈલાએ અને મારે જ લેવાનો હતો, પણ એમાં આ પત્રોએ ઘણી મદદ કરી.
૧૭ જુલાઈ ૧૯૮૩ની સાંજે ફિલાડેલ્ફિઆના હવાઈ મથકે ઉતરી હું અમેરિકા આવ્યો ત્યારે એક આંખ ઉઘાડનારી ઘટના બની. મારા સામાનમાં એક સૂટ-કેસ અને એક પતરાની ટ્રંક, બે દાગીના હતા. જે કસ્ટમ અધિકારીએ મારો સામાન તપાસ્યો એ બહુ સરસ માણસ હતો. મારી કાયા સામે જોઇ મારી ભારે ટ્રંક એણે જ ઊંચકીને બેન્ચ પર મૂકી. વાતચીતમાં એણે જાણ્યું કે હું ’ઇમિગ્રંટ’ તરીકે અમેરિકામાં કાયમ રહેવા આવ્યો છું એટલે મારા વ્યવસાય વિષે પૂછ્યું. મેં જ્યારે કહ્યું કે હું મિકૅનિકલ એન્જિનીઅર છું ત્યારે મારી ટ્રંક તરફ આંગળી કરી સાવ સહજતાથી પૂછ્યું કે એ ટ્રંક મેં જાતે બનાવી છે? મેં ચોંકીને ’ના’ કહ્યું, પણ ત્યારે મારા મગજમાં વીજળી ઝબૂકી કે અમેરિકામાં એન્જિનીઅરને કેવળ સૈદ્ધાંતિક જ્ઞાન જ નથી હોતું પણ એ ખાસ્સો ’હૅન્ડ્સ ઑન’ પણ હોય છે. તરત જ અહીં ભવિષ્ય માટે મારે શી સજ્જતા કેળવવાની છે એનો મને ખ્યાલ આવી ગયો!
મને લેવા આવેલા શિશિરભાઈ મને જોઈને ભેટી પડ્યા ત્યારે એમની આંખોમાં જે ચમક આવી’તી એ આજે પણ મને યાદ છે. અમે ઘેર પહોંચ્યા ને બારણામાં જ ઇલાભાભીએ પોંખીને હેતથી મારું સ્વાગત કર્યું. સત્તર વર્ષનો મૌલિન અને પાંચ વર્ષની એમીના મોં પર આનંદ અને કુતૂહલ હતાં. જમવામાં ભાભીએ ખાસ રસ-પુરી બનાવેલા. ચોવીસ કલાકના પ્રવાસ પછી રાત્રે હું ઘસઘસાટ ઊંઘી ગયો. ભાભીની ઓળખાણથી મને એક નોકરી મળી ગઈ; અને શિશિરભાઈની મદદથી મેં ’ડ્રાઈવર્સ લાયસન્સ’, ’સોશિયલ સીક્યોરીટી કાર્ડ’ પણ મેળવી લીધાં. શિશિરભાઈના સ્વભાવની બે વાત અહીં નોંધવી જરૂરી છે. એક, તેઓ ખૂબ પ્રેમાળ વડીલ છે, બીજું, તેઓ કદી ગુસ્સે થતા જ નથી. ગુસ્સા અંગે એમણે મને કહેલું આ વાક્ય સહુએ યાદ રાખવા જેવું છે: “Ashok, when one is right there is no need to lose temper, and when one is wrong one cannot afford to lose temper.”
અમેરિકા આવવાનો નિર્ણય કર્યો ત્યારે અમે વિચાર કરીને ઠરાવ્યું કે પહેલાં મારે એકલાએ જવું અને છએક મહિના પછી શૈલા અને રણજિત જોડાય. શિશિરભાઈ ન્યુ જર્સીમાં રહેતા હતા અને શરૂમાં ચારપાંચ મહિના હું એમને ત્યાં જ રહ્યો. પોતાના ઘર સિવાય અન્યના ઘરે રહેવા માટે માણસે મનથી તૈયારી કરવી પડે છે એ વાત મને સમજાઈ. શૈલા-રણજિત આવે એ પહેલાં મેં સ્વતંત્ર ઍપાર્ટમૅન્ટ મેળવી લીધું, એ બંને આવ્યાં અને અમે સાવ નજીવા રાચ સાથે અમેરિકામાં અમારું પોતાનું પહેલું ઘર શરૂ કર્યું. પહેલાં બે વર્ષ બહુ આકરાં ગયાં. વડોદરાનું કેવું સરસ જીવન છોડી અમે અહીં આવી ભરાણાં છીએ, એવો નિરાશામય વિચાર મને ઘણીવાર અસ્વસ્થ કરી મૂકતો, અને હું શૈલા અને રણજિતને પણ બેચેન બનાવી દેતો. અમે રહેતા’તા એ જ ગામમાં એક ફૅક્ટરીમાં મને ’ડ્રાફ્ટ્સમૅન’ તરીકે નોકરી મળી હતી, પણ ખૂબ પ્રયત્ન છતાં શૈલાને ત્યાં કશું જ કામ ન મળ્યું. હું અને રણજિત કામ પર અને નિશાળમાં હોઇએ ત્યારે આખો દિવસ કામ વગર, કેવળ “આપણે માટે પાછા જવાનો વિકલ્પ બંધ છે” એવા દ્રઢ નિર્ણયને લીધે જ શૈલા બધું સહન કરતી રહી. ’તપ’ શબ્દના અર્થનો વિસ્તાર કરીએ તો શૈલા ત્યારે તપ કરતી હતી. એ દિવસોમાં મીના દેવધર, ભરત કામદાર, અને ઉમેશ તથા કલ્પનાબેન ધોળકીયા જેવા મિત્રોએ વખતોવખત ઉત્તેજન અને સધિયારો આપ્યાં જે અમને આકરા સમયમાં ટકી રહેવામાં ખૂબ મદદરૂપ થયાં.
૨જી ડિસેમ્બર ૧૯૮૪ની સાંજે સમાચાર આવ્યા કે દાદાનું અમદાવાદમાં અવસાન થયું છે. એમની ઉંમર એંશી ઉપર હતી એટલે એમાં આશ્ચર્યકારક તો કશું ન હતું છતાં હું હતપ્રભ થઈ ગયો. એમના અંતિમ દિવસો કેવા ગયા હશે? અંત વેદનામય હશે કે તેઓ સ્વસ્થતાથી ’ગયા’ હશે? આખરના મહિનાઓમાં પણ તેઓ સ્વમાન સાથે જીવ્યા હશેને? વગેરે પ્રશ્નોના ઉત્તર મને આજ સુધી નથી મળ્યા, અને કદી મળશે પણ નહીં. જિંદગીમાં મેં પાછું ન લઈ શકાય એવું એક કદમ ભર્યું હતું. હવે આગળ ચાલ્યા કરવું એ જ એક વિકલ્પ હતો. જાત સાથે થોડી સમજાવટ કરી મેં એ વિકલ્પ અપનાવ્યો.
એ ગામમાં બે વર્ષ કાઢી અમે ન્યુ-જર્સીના ’પ્રિન્સ્ટન’ ભાગમાં ’પ્લેન્સબરો’ નામના ગામમાં, મિત્ર સમુદાય વચ્ચે રહેવાં ગયાં. ત્યાં અમને બંનેને સરસ નોકરી મળી ને તત્કાલ અમારા જીવનમાં સ્થિરતા આવી. અમેરિકામાં શિક્ષણની સગવડ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે એનો અમને આ પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો. રણજિત સહેલાઈથી અમારા ગામની સ્કૂલમાં દાખલ થયો. હવે અમારે બંનેને નોકરી પર જવાનું શરૂ થયું એટલે બીજી કારની જરૂર ઊભી થઈ અને અમે પહેલી નવી કાર ખરીદી. એ પછી ’અમેરિકન ડ્રીમ’ એટલે કે પોતાનું ઘર હોવું એ અમારી જરૂરિયાત બની, અને અમને આ દેશમાં ત્રણ વર્ષ થવા પહેલાં અમે એ સપનું પણ સાધ્યું. બસ, એ પછી અમે કદી પાછું વળીને જોયું નથી. ઘર લીધું ત્યારની આ વાત છે. અમારા બંનેની આવક ઘરનો હપ્તો સહેલાઇથી ભરી શકીએ એટલી હતી, પણ ઘર લેવા માટેનું ’ડાઉન પેમૅ’ન્ટ’ કરી શકીએ એટલી અમારી બચત ન હતી. એ સમયે ભરત કામદાર અમારી પડખે ઊભો રહ્યો અને સામેથી ફોન કરી એ માટે પૈસા મોકલી આપ્યા. આમ ભરતની મદદથી અમેરિકામાં અમે પહેલીવાર ઘરમાલિક બન્યાં.
ધીમે ધીમે અમને અમેરિકામાં પાંચ વર્ષ થયાં. અમારા લગ્ન પહેલાં ભારતમાં જ શૈલાએ ’સ્ટૅટિસ્ટિક્સ’માં એમ. એસસી. કર્યું હતું. અહીં એણે ’કમ્પ્યુટર સાયન્સ’માં એમ.એસ. કર્યું. આ દેશમાં આવી વસેલા બધા જ પરદેશીઓ કરે છે એ પ્રમાણે એણે પણ કામની સાથે સાથે જ એ ડીગ્રી મેળવી. એથી એને વધુ સારી નોકરી મળી, બધી રીતે અમારી ’મોકળાશ’ વધી, ઘણી બધી નવી ઓળખાણ થઈ અને અમે અહીંના મરાઠી તેમ જ ગુજરાતી, બંને સમાજમાં સ્થાન મેળવ્યું. વ્યાવસાયિક ક્ષેત્રે શૈલાની પ્રગતિ ચાલુ રહી, અને છેલ્લા દસેક વર્ષ એણે ’કન્સલ્ટન્ટ’ તરીકે સ્વતંત્રપણે કામ કર્યું. દરમિયાન, મેં બધાં જ વર્ષ એક જ નોકરી કરી. રોજ ટ્રેનમાં ’કમ્યુટ’ કરતાં મળતો સમય મેં અંગ્રેજી, ગુજરાતી, અને મરાઠી પુસ્તકો વાંચવામાં પસાર કર્યો. નવલકથા કે વાર્તા-માસિક ન વાંચતા એ સમયમાં મેં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, તથા સામ્યવાદ અને મૂડીવાદને લગતાં પુસ્તકો વાંચ્યાં. એ બધું જ સમજાયું એમ તો હું ન કહી શકું પણ થોડુંક સમજાયું અને ન સમજાયું એમાંથી પણ આનંદ ખૂબ મળ્યો.
અમેરિકા-વસવાટના પાંચ વર્ષ પૂરાં થયાં કે તરત જ શૈલાએ અહીંની ’સીટીઝનશીપ’ મેળવી અને પોતાનાં બાને બે મહિના ફરવા અહીં બોલાવ્યાં. દર બે વર્ષે બાને મળવા શૈલા ભારત આંટો મારી આવતી હતી તો રણજિત પણ ઉનાળાની રજામાં ભારતની મુલાકાતે જતો. આથી ભારતમાં રહેલાં સગાં અને મિત્રો સાથે અમારો ઘનિષ્ટ સંપર્ક, અને પરિણામે ભારત જવાનું આકર્ષણ, કાયમ રહ્યાં. નિવૃત્તિનાં વર્ષોમાં અમને આ સંબંધોનો ખૂબ લાભ મળ્યો છે.
૧૯૮૭-૮૮માં ન્યુજર્સીના મરાઠી સમુદાયે “अलीबाबाची हीच गुहा” નામનું સંગીતનાટ્ય તૈયાર કર્યું જેમાં રણજિતને એક નાની ભૂમિકા કરવાની તક મળી. એનાં અમેરિકામાં ચાર અને ભારતમાં દસ ’શો’ થયા. ચારેક મહિના એ પ્રવૃત્તિમાં ૩૫-૪૦ લોકો સાથે રહેવાથી ૧૩-૧૪ વર્ષનો અંતર્મુખ સ્વભાવનો રણજિત જાણે પોતાની બખોલમાંથી બહાર નીકળી આવ્યો હોય એમ મોકળો અને ’બોલકણો’ થઈ ગયો. અમારે મન એણે ’અલીબાબાની ગુફા’માંથી બહાર નીકળવાનો પોતાનો રસ્તો શોધી કાઢ્યો હતો!
એ જ સમયમાં ત્રણેક મહિના મને એક ન કળાય એવી માંદગી આવી ગઈ. એક દિવસ અચાનક મારા ડાબા ઘૂંટણની નીચેના ભાગની સંવેદના જતી રહી. શૉવરમાં પગ પર પડતું પાણી ગરમ છે કે ઠંડું એ સમજાતું ન હતું. તપાસમાં જણાયું કે મારા કરોડરજ્જુ પર કશુંક લીશ્ઝન (Lesion) હતું. આખરે દવા-સારવાર પછી હું એમાંથી પૂરો બહાર આવ્યો અને પાછો કામે લાગ્યો. પરંતુ એ દરમિયાન હું કદાચ કાયમ માટે પરાધીન થઈ જાઉં એવી શક્યતા ડોકિયું કરી ગઈ, અને પછીના થોડાં વર્ષ સુધી એ તલવાર મારા માથા પર લટકતી હોય એવા માનસિક ભાર નીચે હું રહ્યો.
અમેરિકામાં મેં પહેલા જે બે બૉસના હાથ નીચે કામ કર્યું એ બંને પૂરેપૂરા ’પ્રોફેશનલ’ હતા. બંનેને ખબર હતી કે હું અહીં નવો છું અને એમણે મને એ રીતે સ્વીકારીને કામ સોંપ્યું, અને લીધું. જ્યાં ક્યાંક મારી ભૂલ થઈ ત્યાં તેમણે એની જવાબદારી પોતાના માથે લીધી પણ જ્યાં મેં કાંઈક સારું કામ કર્યું ત્યાં એનો બધો યશ મને આપ્યો. એમાંના એક પાસેથી અમેરિકાના ઇતિહાસ વિષે, ને એથીયે વધુ અગત્યનું એટલે ’અમેરિકન કૉર્પોરેટ કલ્ચર’ વિષે મને ઘણું જાણવા મળ્યું. એકંદર મેં ૨૩ વર્ષ નોકરી કરી એમાં બીજા બે એવા જ ઉમદા બૉસ મને મળ્યા. પણ એ સાથે જ એક ’સાધારણ’, અને એક બિલકુલ ’ખડ્ડુસ’, સ્વાર્થી અને ટૂંકી બુદ્ધિના બૉસ નીચે પણ મેં કામ કર્યું. આ બધું અનુભવ્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે જે બૉસ પોતે કામ બરાબર જાણતો હોય, પોતાનાં જ્ઞાન અને આવડત પર જેને પૂરો વિશ્વાસ હોય, એ જ પોતાના હાથ નીચેના માણસથી નિશ્ચિંત રહી શકે છે. જે બૉસ પોતે જ કાચો અને ઉણો હોય એ પોતાના મદદનીશથી કાયમ ડરતો હોય છે ને તેથી જ સતત મદદનીશને દબાવી રાખવા પ્રયત્નશીલ હોય છે. આ હકીકત માત્ર અમેરિકન બૉસને જ લાગુ પડે છે એવું નથી, આ બંને પ્રકારના બૉસ, મેં ભારતમાં પણ જોયેલી અને અનુભવેલી વસ્તુસ્થિતિ છે.
ઑફિસમાં, રોજ ટ્રેનમાં જતાં-આવતાં, પડોશમાં, અમારી ’સૉક્રેટીસ ક્લબ’માં, કાળા અને ગોરા બંને પ્રકારના અમેરિકનોને નિહાળ્યા પછી મેં કેટલાંક અવલોકન તારવ્યાં છે. એની થોડી વાતો અહીં નોંધવી યોગ્ય લાગે છે.
ઉપરના બધા સંદર્ભમાં મેં નિહાળ્યું છે કે અમેરિકન સમાજનો ઘટક ’વ્યક્તિ’ છે. આથી વેગળું, ભારતીય સમાજનો ઘટક ’કુટુંબ’ છે. ભારતથી અહીં આવી વસેલા આપણસહુ માટે આ ખૂબ મહત્ત્વનો અને સમજવો જરૂરી ફરક છે. અહીં વ્યક્તિની વિચાર કરવાની દિશા અને એનાં નિર્ણયો મુખ્યત્વે પોતાને કેંદ્રમાં રાખીને લેવાતાં હોય છે, એ જ એની તાસીર છે. ભારતમાં આપણે એ નિર્ણયો સમગ્ર કુટુંબ, અને ક્યારેક તો આખા સમાજને લક્ષમાં રાખીને લઈએ છીએ. અહીંના વાતાવરણમાં ઉછરેલાં આપણાં બાળકોના નિર્ણય ક્યારેક આપણને સમજાતાં નથી, અગર અકળાવે છે એનું એક કારણ એમની વિચાર કરવાની આ જુદી ભૂમિકા છે. આપણે, પહેલી પેઢીના સભ્યો આ હકીકત સમજીને સ્વીકારીએ તો બે પેઢી વચ્ચેનો તણાવ થોડોક નિવારી શકીશું.
બીજી બે ખાસ વાત પણ અમેરિકનોના સ્વભાવ વિષે મારા ધ્યાનમાં આવી છે. પહેલી, તેઓ કોઇપણ કામને હલકું નથી સમજતા. આપણે ભારતીયો હાથે કરવાનાં, મહેનતનાં કામને ઉતરતાં માનીએ છીએ, ત્યાં સુધી કે સુથારીકામ, લુહારીકામ, કડિયાકામ, જેવાં હાથે કરવાનાં કામની આવડત માટે આપણાં શાસ્ત્રોમાં ’અવિદ્યા’ શબ્દ છે અને કેવળ બ્રહ્મજ્ઞાનને લગતી વાતોને જ શાસ્ત્રોમાં ’વિદ્યા’ કહ્યું છે. આ વિચારધારાને લીધે જ આપણો સમાજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરવામાં પશ્ચિમના દેશો કરતાં પછાત રહી ગયો. અહીંની ઑફિસોમાં કામ કરતાં આપણે સહુએ જોયું છે કે મોટો અધિકારી પણ નાનાં-નાનાં કામ જાતે જ કરે છે. અમેરિકાની ભૌતિક સમૃદ્ધિનાં અનેક કારણ છે, પણ પૂર્વજોએ કરેલી પાછલા ત્રણસો વર્ષની તનતોડ મહેનત એમાંનું મુખ્ય છે એ નિર્વિવાદ છે. વક્રોક્તિ તો એ છે કે આ દેશમાં લાંબો સમય રહ્યા પછી આપણે આવાં મહેનતનાં કામનું મહત્વ સ્વીકારીએ છીએ પણ જ્યારે ભારતની મુલાકાતે જઈએ છીએ ત્યારે પાછો આપણો પેલો ’અસ્સલ સ્વભાવ’ ઉપર આવી જાય છે ને આપણે આપણી સૂટકેસ ઉંચકતાં પણ ખચકાઈએ છીએ!
અમેરિકનોના સ્વભાવની બીજી ખાસિયત એમની નિખાલસતા છે. સામાન્ય રીતે કોઇ વાત વિષે પોતાનો અભિપ્રાય તેઓ નિઃસંકોચપણે, કશી ઔપચારિકતામાં અટવાયા સિવાય આપે છે. એમાં સામેની વ્યક્તિનાં માન કે મોભાને તેઓ બિનજરૂરી મહત્વ નથી આપતા. આને લીધે અહીંનું સમાજજીવન કશાપણ આડંબર વિનાનું થયું છે. ખેદની વાત છે કે આ બાબતે આપણું વર્તન ક્યારેક દંભી લાગે એટલું ઔપચારિક હોય છે.
”અમેરિકનો લાગણીશીલ છે, ઓછા છે, કે નથી?’ એ સવાલ ઘણીવાર ઊભો થાય છે. મને લાગે છે તેઓ લાગણીશીલ છે, માત્ર એમની વ્યક્ત કરવાની રીત જુદી હોય છે. મારા એક મિત્ર ત્રણેક વર્ષથી ’અલઝાઈમર’થી બીમાર છે અને સાવ પરવશ અવસ્થામાં છે. એમના અમેરિકન જમાઈ દર ત્રણ દિવસે એમની દાઢી કરી આપે છે! આને એમની શ્વસુર પ્રત્યેની લાગણી નહીં તો બીજું શું કહેવું? સાત-આઠ વર્ષ પહેલાં શિયાળામાં અમે ભારતથી પાછા આવવાના હતાં એના આગલે દિવસે જ અહીં ૮”-૧૦” સ્નો પડ્યો. શૈલાએ અમારી પડોશણને ફોન કરી અમારું ’યાર્ડ-વર્ક’ કરનાર માણસ પાસે સ્નો સાફ કરાવી લેવા વિનંતી કરી. જવાબમાં એણે કહ્યું, “તું ચિંતા ન કરતી, મારા દીકરાએ તારો ’ડ્રાઈવ-વે’ સવારે જ સાફ કરી નાખ્ય઼ો છે.” શૈલા શું બોલે? આવા અમેરિકામાં આવી રહેવાનું કોને ન ગમે? પણ વતનથી દૂર જઈ વસનારાં સહુની જેમ અમને પણ વતન-ઝુરાપો, શરૂમાં અતિશય અને હવે ઓછો, પણ સાલે છે જરૂર. અહીં આવ્યા પછી થોડાં વર્ષ પછીની ભારત મુલાકાતમાં એક મિત્રે પૂછ્યું, “તમને ભારત ઘર લાગે કે અમેરિકા?” એકપણ મટકું માર્યા વિના અમે કહ્યું, “ભારત”. પરંતુ ધીમેધીમે એ લાગણી ક્યારે બદલાઈ એ ખબર નથી, પણ આજે હવે દુનિયામાં ગમે ત્યાં ફરીને પાછા જ્યારે ’નુઅર્ક’ના લીબર્ટી એરપોર્ટ પર ઉતરીએ ત્યારે “હાશ, ઘરે આવ્યા!” એવી લાગણી જરૂર થાય છે. ખરે જ, માયામાં માણસનું મન કેવું અટવાઈ જતું હોય છે!
અલબત્ત, પરદેશને પોતાનું વતન બનાવનારાં બધાંની જેમ અમારાં માટે પણ આ એક ’પડીકે બાંધી જણસ’ છે. અહીં આવી ઘણું પામ્યાં છીએ અને એની સામે ઘણું જતું કરવું પડ્યું છે. વળી એ હિસાબ એવો છે કે એનાં જમા-ઉધાર પાસાં કરી આખર નફો થયો કે ખોટ ગઈ? એવું સરવૈયુ નથી કાઢી શકાતું. એમાં તો પેલા હિંદી ગીતની માફક, “જો મિલ ગયા ઉસીકો મુક્કદર સમજ લિયા, જો ખો ગયા મૈં ઉસકો ભૂલાતા ચલા ગયા.” કહીને મનને મનાવી લેવાની જ વાત હોય છે.
અમારાં ’જૉબ’ સરસ ચાલતા હતા. એકંદરે અમે ’ખાધેપીધે સુખી’ અને નિશ્ચિંત થયાં હતાં. એટલે ધીમેધીમે આજુબાજુ નજર કરવાની Iચ્છા થવા માંડી; અને જોયું તો ખ્યાલ આવ્યો કે આ દેશ માત્ર આર્થિક સંપત્તિ મેળવવા માટે જ ’લૅન્ડ ઑફ ઑપોર્ચુનિટિ’ છે એમ નથી. અહીં તો મહેનત કરવાની તૈયારી હોય એવી દરેક વ્યક્તિ બધા જ પ્રકારની સિદ્ધિ પામી શકે છે. બહુ સાદી વાત એટલે દેશવિદેશમાં પ્રવાસ. અમે ડૉલરમાં કમાતાં થયાં અને તરત જોયું કે આખી દુનિયા ખરેખર આપણાં પગતળે કરવાનું સામર્થ્ય આપણને સાંપડ્યું છે. ત્યારથી લગભગ પ્રત્યેક વર્ષે અમે પરદેશ-પ્રવાસ કરીએ છીએ, ને અમે જાણીએ છીએ કે એમાં કાંઇ મોટો વાઘ મારવાની વાત નથી; એમ કરવું બધાને સહજ પોસાય છે.
છતાં એ બધા પ્રવાસોમાં અમારાં મિત્ર જિજ્ઞેશ અને વર્ષાબેન સાથે અમે કરેલા બે પ્રવાસ વિશિષ્ટ છે. એક એટલે ’ફેરબૅન્ક’ અલાસ્કાથી ’બૅરો’ અલાસ્કા સુધીનો કાચા રસ્તા પર આશરે ૮૦૦ માઈલનો મોટર પ્રવાસ, જેમાં અમે ’શિતવૃત્ત’ ઓળંગીને ’શિત કટિબંધ’માં પ્રવેશ્યાં અને ત્યાં જુન મહિનામાં ચોવીસ કલાક ન આથમનારો સૂર્ય દીઠો. ઉત્તર અમેરિકાખંડને છેડે ’શિત મહાસાગર’માં પગ ઝબોળી આવ્યા. આ પ્રવાસમાં ઘણું અવનવું જોયું, પણ એમાં ’આગળનો પેટ્રોલ પંપ ૨૧૩ માઈલ’ એવો નિર્દેશ કરતી રસ્તા પરની સૂચના સૌથી ચિત્ત-થરારક હતી એ જ મિત્રયુગલ સાથે ૨૦૧૮માં વાહનમાર્ગે કરેલો ૧૧,૦૦૦ માઈલનો -અમેરિકાના પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારા સુધી અને વાપસ- પ્રવાસ પણ જિંદગીભર યાદ રહી જાય એવો છે. એ પ્રવાસમાં અમે ૫૫ દિવસમાં આડાઅવળા ઘણું ફર્યાં અને આ દેશ કેટલો રળિયામણો છે, રસ્તા કેવા બધી સગવડથી સજ્જ છે, જોવાનાં સ્થળોની માહિતી કેવી સરળતાથી મળી રહે છે, અને લોકો કેવા મળતાવડા તથા મદદશીલ છે; એ બધું અનુભવ્યું.
પાછલા ૨૫-૩૦ વર્ષમાં અમેરિકામાં રહેવાનો મને એક મોટો ફાયદો એ થયો છે કે હું માત્ર વાચક જ ન રહેતા થોડું-થોડું લખતો થયો. આ માટે હું બે વ્યક્તિ અને એક સંસ્થાનો ખૂબ-ખૂબ ઋણી છું. એ બે વ્યક્તિ એટલે કિશોરભાઈ રાવળ અને કિશોરભાઈ દેસાઈ, તથા એક સંસ્થા એટલે આપણું ’ગુર્જરી’ ત્રૈમાસિક. કિશોરભાઈ રાવળ જેટલા સરળ અને સજ્જન માણસો મેં જીવનમાં બહુ ઓછા જોયા છે. “સામા માણસને પોતે ઉપકૃત થયો છે, એવી લાગણી થવા દીધા સિવાય પણ એને મદદ કરી શકાય છે” એ તો કોઇ કિશોરભાઈ રાવળ પાસેથી જ શીખે! સજ્જનતા, નિખાલસતા, અને સરળતામાં આ બે કિશોરમાં કોણ ચડે? એ નક્કી કરવું સક્ય નથી. એ માટેનો ચાંદ આપવાનો હોય તો એ કરવતથી કાપીને આ બંને વચ્ચે અડધો-અડધો જ કરવો પડે. કિશોરભાઈ દેસાઈએ ’ગુર્જરી’ ચલાવીને આપણામાંથી અધધધ કેટલા બધાને લખવાની પ્રેરણા આપી! એમનો માતૃભાષાપ્રેમ અને ભલભલા કર્મયોગીને શરમાવે એવી નિરપેક્ષ વૃત્તિ, તથા હંસાબેન જેવાં ખરાં અર્થમાં સહધર્મચારિણી, આ ત્રિવેણી સંગમને લીધે જ આપણને આજે સતત ૩૫ વર્ષથી ’ગુર્જરી’ મળ્યા કર્યું છે. ને કિશોરભાઈની સંપાદકના ધર્મ બદલની નિષ્ઠા વિષે તો શું કહેવું? આ લખતાં કિશોરભાઈને એક વિનંતી કરવાનું મન થાય છે કે તેઓ “સંપાદકનો ધર્મ” વિષે એકાદ લેખ લખે.
અમેરિકામાં મને ગુજરાતી ભાષાનો મહાવરો કરવાની તક આપવા માટે હું ’ગુજરાતી લિટરરી ‘ઍકેડૅમી ઑફ નૉર્થ અમેરિકા’, હરનિશભાઈ જાની, આચાર્ય મધુસૂદનભાઈ, મધુ રાય, અને રામભાઈ ગઢવી; એ બધાનો પણ આભારી છું. અમને બંનેને ઉમાશંકરભાઈ જોશી તથા મનુભાઈ પંચોળી જેવા મૂર્ધન્ય સાહિત્યકારોને સાંભળવાની તક ’ઍકૅડૅમી’ને લીધે જ મળી. રામભાઈએ અધિવેશનમાં ’પઠન’ સત્રનું સંચાલન કરવાનું કામ મને સોંપ્યું તેથી લેખકોનાં સ્વાભિમાન, અભિમાન, અને મિથ્યાભિમાન સમજવાની સરસ તક મળી.
અમેરિકામાં અમારા માટે ગુજરાતી નાટકો તૈયાર કરી ભજવવાની વધુ એક પ્રવૃત્તિ કરવાનું શક્ય બન્યું. ૧૯૮૭ થી ૧૯૯૫ના ગાળામાં મેં ચાર મરાઠી નાટકોનું ગુજરાતી કર્યું, અને અમે પંદરેક જેટલા મિત્રોએ ભેગાં થઈ એ બધાંને રંગભૂમિપર રજૂ કર્યાં. એ પ્રવૃત્તિ કરતાં મને ’ટીમવર્ક’ તથા ’ટીમલીડરશીપ’ એટલે શું એ જાતઅનુભવથી શીખવા મળ્યું. શૈલાએ દિગ્દર્શનના કામમાં તો મને સહાય કરી જ, પણ સાથે જ દરેક નાટકમાં અગત્યના પ્રવેશ ભજવ્યા અને પડદા પાછળનાં કામની મોટાભાગની જવાબદારી ઉપાડી. એક વખત તો એણે પ્લેન્સબરો-ન્યુજર્સીથી હૅરિસબર્ગ-પેન્સીલવેનિયા સુધી નાટકનો સામાન ભરેલી ટ્રક સુદ્ધાં ચલાવી! આ પ્રવૃત્તિને લીધે ઘણાં જૂના મિત્રો સાથેની અમારી મૈત્રી વધુ ઘનિષ્ટ બની. આજે બે દાયકા પછી પણ એ મિત્રો સાથે નાટકનાં મીઠાં સ્મરણો અમે વાગોળીએ છીએ. ખૂબ કામ પણ સાથે એટલો જ નિજાનંદ, એ મારે મન આ પ્રવૃત્તિની બહુ મોટી દેણગી હતી.
ઉત્તર અમેરિકામાં મરાઠીભાષિકોનાં જુદાં જુદાં ત્રણ મંડળ સાથે અમે સંકળાયેલાં છીએ. એમાંનું પ્રથમ એટલે ન્યુજર્સી સ્થિત ’મરાઠી વિશ્વ’, બીજું સમસ્ત ઉત્તર અમેરિકાના મરાઠીભાષિકોને દર બે વર્ષે ભેગા કરનારું તથા વર્ષ દરમિયાન ભેગા રાખનારું ’બૃહન મહારાષ્ટ્ર મંડળ’, ત્રીજું મરાઠી લોકોને દાન કરવાની તક આપતું ’મહારાષ્ટ્ર ફાઉન્ડેશન’. પોતાનાં ઉત્સાહી સ્વભાવ, કામ કરવાની સૂઝ તેમ જ ધગશ, અને રાત-બેરાત જાગીને કામ પાર પાડવાની ક્ષમતા તથા તૈયારી; આ બધા ગુણોને લીધે ૧૯૯૫થી ૨૦૦૮ સુધીમાં ક્રમશઃ શૈલા આ ત્રણે સંસ્થાની પ્રમુખ બની અને સફળ નીવડી. એ સાથે જ શૈલા અનેક જગ્યાએ સ્વયંસેવક તરીકે પણ વ્યસ્ત રહી. હવે બધેથી નિવૃત્ત થયા પછી પણ સ્વયંસેવક તરીકેનું એનું સમાજકાર્ય સતત ચાલે છે. મારી ખાતરી છે કે શૈલા માટે આ બધું કરવું શક્ય બન્યું કારણ અમે અમેરિકામાં રહીએ છીએ.
૨૦૦૫ની સાલમાં અમારાં કુટુંબમાં સોનાનો સૂરજ ઊગ્યો. એ વર્ષની ૧૫મી ઑક્ટોબરે અમારો દીકરો રણજીત, અને આનંદ તથા સુવર્ણા જોશીની દીકરી સંજીવની લગ્નગ્રંથિથી જોડાયાં. યોગાનુયોગ, એક વાત એ કે સંજીવની માત્ર મહારાષ્ટ્રીઅન જ નહીં પણ એમાંયે અમારી પેટા જ્ઞાતિની છે, અને આપણી દેશી ભાષામાં કહીએ તો ’દીવો લઈને શોધવા નીકળ્યા હોત તો પણ અમને આવી રૂપાળી અને ગુણવાન પુત્રવધૂ ન મળી હોત.’ અસ્તુ. લગ્ન અમે ખૂબ ધામધૂમથી કર્યાં અને ૨૦૧૦માં અમારી પૌત્રી અનામિકા અને ૨૦૧૩માં પૌત્ર તાલીન,નાં જન્મ થયા. એ સહુને કારણે આજે અમારું ઘર ભર્યું-ભર્યું અને પ્રફુલ્લિત છે.
૧૯૮૩ના ડિસેમ્બર મહિનામાં શૈલા અને રણજીત ભારતથી અહીં આવ્યાં. એ પછી ૧૯૮૪માં પ્રથમવાર શૈલાએ અમારા ઘેર કૌટુંબિક દિવાળી ઉજવી. ત્યારથી આજ સુધી દર વર્ષે સગાં અને મિત્રો મળી આશરે ૩૦-૩૫ જણાંની સાથે અમે આપણો એ તહેવાર, પૂરા ઉત્સાહથી ઉજવીએ છીએ. અન્ય કોઇ બાબતમાં અમે હવે હિંદુ નથી રહ્યાં કે ઘરમાં કોઇ ભગવાનની પૂજા નથી કરતાં, પણ શૈલાએ હોંશેહોંશે સ્વીકારેલી આપણી એ પરંપરા અમે બરાબર પાળીએ છીએ.
આ બધી પ્રવૃત્તિ સાથે મારો વાચનનો શોખ પણ ખીલતો રહ્યો છે. ગુજરાતી ઉપરાંત મેં ઘણાં મરાઠી પુસ્તકો પણ વાંચ્યાં છે, જેમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનાં પુસ્તકો મુખ્ય છે. જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા મને વધુ ’પોતાની’ લાગે છે, પણ મારે કબૂલ કરવું જોઇએ કે આજે ગુજરાતી કરતાં મરાઠી ભાષામાં વધુ મૌલિક, વધુ પ્રગલ્ભ, વિવિધ દિશા ખેડનારું, વધુ તાજા વિચાર રજૂ કરનારું સાહિત્ય લખાય છે. કાવ્ય, નાટક, લલિત તેમ જ ગંભીર સાહિત્ય; બધા જ ક્ષેત્રમાં મરાઠીની મજલ મોટી છે. મારા વાંચવાના શોખ અંગે એક વાતનો ખેદ છે કે મેં અંગ્રેજી સાહિત્ય ખૂબ જ થોડું વાંચ્યું છે. પણ હવે તો “અબ પછતાતે હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત’ જેવી પરિસ્થિતિ છે.
છેલ્લાં ૨૦-૨૫ વર્ષમાં મેં થોડું આપણું પુરાતન સાહિત્ય વાંચવા પ્રયત્ન કર્યો છે. એ વાંચતાં મારી વૈચારિક ભૂમિકામાં મહત્વનો બદલ એ થયો છે કે હું લગભગ નાસ્તિક, અથવા અજ્ઞેયવાદી, બન્યો છું. માનવીના અસ્તિત્વ માટે મને આત્મા કે ઈશ્વરની જરૂર જણાતી નથી. ઉલ,ટું, હું એમ માનતો થયો છું કે ઈશ્વરની કલ્પના કરીને માણસે માણસને ગૂંચવાડામાં નાખ્યો છે. આવી માન્યતા દ્રઢ કરતા પહેલાં મેં ભગવદ્ગીતા પરનાં ત્રણ વિવરણ વાંચ્યાં. ગીતામાં મોક્ષપ્રાપ્તિના જ્ઞાન, કર્મ અને ભક્તિ એવા મુખ્ય ત્રણ માર્ગ ચીંધ્યા છે. આશરે આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે જ્ઞાનમાર્ગ પર સંસ્કૃતમાં વિવરણ લખ્યું; પછી ૧૩મી સદીમાં મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વરે ભક્તિમાર્ગ પર, અને આજથી આશરે સવાસો વર્ષ પહેલાં બાળ ગંગાધર ટિળકે કર્મમાર્ગ પર વિવરણ લખ્યું. મેં એ ત્રણે, અને કઠોપનિષદ, ઈશાવાસ્યોપનિષદ, પ્રશ્નોપનિષદ, તથા માંડુક્યોપનિષદ, એમ ચાર ઉપનિષદ પણ વાંચ્યા છે. આ બધું વાંચી એ વિષે વિચાર કર્યા પછી હું ઉપરના નિષ્કર્ષ પર આવ્યો છું.
જેમ જીવન એક મુસાફરી છે એમ જ માણસનું વૈચારિક ઘડતર પણ એક સતત ચાલતી મુસાફરી છે. મારી એ મુસાફરી ધીમી ગતિએ, પરંતુ અટક્યા વગર અત્યારે તો ચાલી રહી છે. હવે જે થોડો સમય મારા હાથમાં છે એમાં એ મુસાફરી મને ક્યા મુકામે લઈ જશે એ હું શાંત ચિત્તે જોયા કરું છું.
બસ હવે ઉતાર છે
૨૦૦૮ના ડિસેમ્બરમાં મેં કામ પરથી નિવૃત્તિ લીધી. છતાં દિવસનો ઘણો સમય મને ગમતાં કામમાં વ્યસ્ત રહેવાનું મેં ચાલુ રાખ્યું. નિવૃત્તિના પહેલા વર્ષમાં જ મેં ઋગ્વેદ સંહિતા વાંચી. ઋગ્વેદ એ માત્ર આર્યોનો જ નહીં પણ સમસ્ત માનવજાતનો આદિ ગ્રંથ માનવામાં આવે છે. અવારનવાર મેં એનો ઉલ્લેખ સાંભળેલો પણ વધુ કશી જ માહિતી ન હતી, એથી જિજ્ઞાસાથી પ્રેરાઈ મેં ઋગ્વેદ વાંચવાનું ઠરાવ્યું. એમાં દસ મંડળ છે, પ્રત્યેક મંડળમાં અનેક સૂક્ત છે, અને પ્રત્યેક સૂક્તમાં અનેક ઋચા છે. એમાં ઘણી જગ્યાએ ઉષઃકાલનું સુંદર વર્ણન છે. ઇન્દ્ર, વરુણ, ઇત્યાદિ કુદરતી બળો-તત્વો એ સમયનાં આર્યોનાં આરાધ્ય દેવ છે. સોમરસ અને સોમપાનને પણ ત્યાં સ્થાન છે. એકંદરે મને ઋગ્વેદ વાંચતા આનંદ થયો.
એ સાથે જ મારું ઇતર વાચન ચાલુ રહ્યું છે. ત્રણ વર્ષ પહેલાં મેં એક મરાઠી મિત્રે લખેલા ૪૫૦ પાનાંના પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો, અને એ સાથે જ એક મારો લઘુકથા સંગ્રહ પણ પ્રસિદ્ધ કર્યો.
૨૦૨૧માં શૈલા અને હું એક “૫૫+ કમ્યુનિટિ”માં રહેવા આવ્યાં એથી અમારી રહેણી થોડી બદલાઈ છે. જીવનમાં સ્થિરતા અને સ્વસ્થતા વધ્યાં છે, પણ ગતિ ઘટી છે. અત્યાર સુધીના જીવન અંગે એકંદરે સંતોષ છે. બેએક વર્ષ અગાઉ આ મનઃસ્થિતિનું વર્ણન કરતું એક અછાંદસ કાવ્ય મેં લખ્યું હતું. અત્યારની મારી વાત એમાં સારી રીતે રજૂ થઈ છે. એટલે એ કાવ્ય સાથે મારી વાત હું અહીં પૂરી કરું છું.
“બસ હવે ઉતાર છે…..!”
બસ હવે ઉતાર છે.
ચઢાણ તો ચડી ગયો, ને મથાળાનો સપાટ પ્રદેશ પણ ઓળંગ્યો.
હવે તો બસ ઉતાર આરંભાયો છે.
’ચઢાણ’ કે ’ઉતાર’ પર મારો અધિકાર નથી.
સમયની સીડી પરનાં એ સહુ સોપાન છે.
ચઢાણ અઘરું, આકરું હતું,
છતાંયે ઝડપભેર હું વટાવી ગયો.
સપાટ મથાળે પણ ન થંભ્યો,
ને જિંદગીનાં બે સોપાન શીઘ્ર પછવાડી ગયો.
પણ હવે ઉતાર છે,
….. ને છતાં મારી ગતિ ધીમી થઈ છે.
વચ્ચે-વચ્ચે અટકીને ચાલું છું.
અટકું છું તો થાક ખાવા માટે,
પણ અટકીને આજુબાજુ નીરખું છું.
ને, અહાહાહા …… કેટલું બધું જોવાનું છે !
અધસૂકા બાવળીયે હોલાનો માળો છે,
ડાબે દૂર દેખાતો ગુલમહોર રૂપાળો છે,
થાક ખાવા બેઠો ’તો એ પથરો પણ સુંવાળો છે,
શિયાળાની સવારનો તડકો બહુ હૂંફાળો છે.
આવળના ફૂલ સંગે આંકડાની હાર છે,
’આવ આવ’ સાદ દેતી ડુંગરાની ધાર છે,
કદિ ન’તું કાને ધર્યું, એવું પંખીઓનું ગાન છે’
શબ્દ એના પકડી લેવા અધીરા મારા કાન છે.
ઘણાં સાથી છોડી ગયા, પણ દિલ ભરીને યાદ છે.
ઉતારમાં નિરાંત છે, પણ એની ક્યાં ફરિયાદ છે?
…… ફરિયાદ બસ આટલી છે –
ચઢાણની અધીરાઈમાં યે ઘડીક રોકાઈને,
નીરખી હોત આંખ ભરી, દુનિયા ધરાઈને,
તો ….
જોમ હતું અંગે ત્યારે હૈયું છલકાઈને,
વધાવી હોત જિંદગી, ગીત નવાં ગાઈને!
****************