પીડા સતરંગી ~ વાર્તા ~ કુશલ ખંધાર
આથમતો સૂરજ. પક્ષીઓનો કલરવ. સંગીત. અને વીતતો સમય.
કેટલી રઢિયાળી ક્ષણ છે આ – પ્રિમરોઝ હિલ પાર્કના ટોચ પર બેઠાં, એક નજરમાં આખું લંડન જોતાં કુણાલે વિચાર્યું. આજુબાજુ પ્રવાસીઓનાં ટોળાં ફોટા લઈ રહ્યાં હતાં. જુવાન યુગલો ચુંબન કરી રહ્યાં હતાં. બાળકો મસ્તીમાં દોડી રહ્યાં હતાં. હવામાં અંગ્રેજી ઉનાળાની ઉષ્મા હતી અને દેશી ગાંજાની ગંધ. બધાં જ પોતાની મજામાં મગ્ન હતાં.
પ્રશાંતે એનો હાથ ઘાસ પરથી ઉપાડીને કુણાલના હાથ પર મૂક્યો – એક અપરિચિત, નિર્જીવ સ્પર્શથી એક પરિચિત હૂંફના આલિંગનમાં. એ બંનેની આંખો મળી, ભૂતકાળના એ બિંદુ પર જ્યાં એમના રસ્તા મળ્યા હતા.
“ઘરની યાદ આવે છે?” પ્રશાંતે સસ્મિત પૂછ્યું.
“ના,” કુણાલે તટસ્થ જવાબ આપ્યો. આ તટસ્થતામાં એક ધારદાર તીવ્રતા હતી જેમાં સંવાદની દોરી કાપી નાખવાની ક્ષમતા હતી.
કુણાલે દોરી કાપી નહીં, “યાદ તો નથી આવતી. બસ થોડું દુઃખ થાય છે. ત્રીસ વરસની જિંદગી પચાસ કિલોની બે બેગોમાં બાંધીને એક પારકા દેશમાં આવી જવું આ તો…” ન બોલાયેલા શબ્દોના ભારથી એની ડોક નમી ગઈ.
પ્રશાંતે સંવાદની દોરી ખેચી લીધી, “પ્રેમ માટે વતન છોડવું કોઈ નવો ત્યાગ નથી, કુણાલ. દાયકાઓ જૂની પ્રથા છે. અનાદિકાળથી શરૂ થતી વતનઝુરાપાની આ નદીમાં ડૂબકી મારવાની પણ એક અનોખી મજા છે. સમય પડતાં તને ખબર પડશે.”
કુણાલે પ્રશાંતની આંખોમાં આંખ નાખી. સપાટ કહ્યું, “તારા પ્રેમ માટે વતન નથી છોડ્યું, પ્રશાંત. મારાં અસ્તિત્વ માટે છોડ્યું છે.” સ્વાયત્તતાના આ એલાને પ્રશાંતને ચોંકાવી દીધો. એ સાંભળતો રહ્યો… “જે દેશમાં મારી પ્રેમપદ્ધતિને જ અપરાધ રૂપે જોવાય ત્યાં રહેવું જ કેમ?” એણે નજર ફેરવીને રાતમાં તણાતા લંડન તરફ જોયું. ધીરે ધીરે અજવાળાંના આકાર અંધારામાં ભળતા જતા હતા.
“સારું! અસ્તિત્વ બચાવી લીધું ને? હવે કહે, મારી સાથે લગ્ન ક્યારે કરીશ?” પ્રશાંતે સ્મિત કર્યું. આલમ ગંભીરતા છોડી દેવાની અનુમતિ માગી રહ્યું હતું.
“બસ, જ્યારે તું મારા બાપને મારું કન્યાદાન કરવા માટે મનાવી લઈશ ત્યારે!” અનુમતિ મળી ગઈ! બંને હસવા લાગ્યા.
પ્રશાંતે ખિસ્સામાંથી રોલ કરેલી સિગારેટ કાઢી. સળગાવી. કુણાલને આપી. એ પોતે સિગારેટ નતો પીતો. પણ એણે સિગારેટ રોલ કરવી ગમતી. એ અને ફૂંક્યા પછી શેષ રહી જતી કુણાલના શ્વાસમાં તમાકુની ગંધ.
“એક્સ્ક્યૂઝ મી, બેટા. હમારા..” એક મહિલાએ હિંદીમાં પૂછવાનું શરૂ કર્યું જ હતું કે એની નજર કુણાલના હાથમાં સિગારેટ પર પડી. એ મૂંઝાઈ. પછી વાક્ય પૂરું કર્યું, “બેટા. હમારા ફોટો લોગે?” અજાણ્યા શહેરમાં ન જાણીતી વ્યક્તિ પણ ચામડીના રંગ માત્રથી પરિચિત બની જતી હોય છે. એટલી પરિચિત કે માનો એના વ્યસનથી અચંબિત થવાનો હક પણ મળી જતો હોય છે.
“હાં. જરૂર,” કુણાલ પ્રશાંતને સિગારેટ આપતાં ઊભો થયો.
એણે હાથ ખંખેર્યા. કેમેરો ચાલુ કર્યો. અને વીતતા સમયની કેટલીક ક્ષણો રોકતા ફોટા લીધા.
“હકણો ઉભો રહે,” મહિલા એના નાના છોકરા પર ચિડાઈ, “ઇન્સ્ટાગ્રામ પર નાખવાના છે.” બાળક અચાનક સાવધ થઈ ગયો.
“પાંચ-છે તસ્વીરેં લે લો,” મહિલાએ હુકમનુમા આવેદન કર્યું. “અબ લૅન્ડસ્કેપ મોડ મેં લો.”
ક્લિક. ક્લિક. ક્લિક.
“આ લો તમારો ફોન. જોઈ લો. ઠીક આવ્યા છે ને? પાછાં લેવાના હોય તો કહેજો,” કુણાલ નીરસ સ્વરમાં બોલ્યો.
“અરે! તમે ગુજરાતી છો? શું વાત છે!” પછી પાછળ જોતાં હાક મારી, “સાંભળો છો. આ ભાઈ પણ ગુજરાતી છે.” ઉત્સાહ સાથે એણે કુણાલ સાથે વાત આગળ વધારી, “એ મારા વર છે. તમારું નામ શું? રહેવાનું ક્યાં? ગામ કયું?” અચાનક પ્રશ્નોની વર્ષા થઈ.
“હું કુણાલ. આમ તો ગામ જોબાળા. પણ જન્મ અને ઉછેર મુંબઈમાં જ. હમણાં જ અહીં રહેવા આવ્યો છું. અહીંથી નજીક જ સેંટ જૉન્સવુડમાં રહું છું.” એણે પ્રશાંત તરફ જોતાં ઉમેર્યું, “એ સાંભળો છો. આ બહેન પણ ગુજરાતી છે!” એણે પ્રશાંતને આંખ મારી. “આ મારો પ્રેમી છે, પ્રશાંત. એની વાંહેવાંહે હું અહીં આવ્યો.”
મહિલા ડઘાઈ ગઈ. બાળકની નજર અચાનક ફોન પરથી હટીને કુણાલ પર પડી. મહિલાએ તરત બાળકનો હાથ ખેંચ્યો અને વર તરફ ઝડપભેર ચાલવા લાગી.
“આવ જો,” કુણાલે હાથ હલાવતાં કહ્યું. પ્રશાંત અને એની આંખ મળી. એ બંને હસવા લાગ્યા.
“શું તું પણ, ફોગટ ડ્રામા સર્જતો હોય છે..!” કુણાલને સિગારેટ પાછી આપતાં પ્રશાંત બોલ્યો.
“નવો દેશ જોવા આવી છે. મેં તો થોડા સેકેંડોમાં નવી દુનિયા દેખાડી દીધી. અને સાથેસાથે એની જિંદગીના ખાલીપાને ચોવટથી ભરવા માટે એક વધુ મસાલેદાર વિષય આપી દીધો,” ધુમાડાને વીંધતા એના શબ્દો સંભળાયા.
“નમન કરો બધા – સ્વઘોષિત સમલૈંગિક સમાજસેવી કુણાલ બાબા પધાર્યા છે….!” એણે નાટકીય અદાથી માથું ઝુકાવ્યું.
કુણાલે આંખનાં ખૂણાથી જોયું કે મહિલાનો દીકરો એને ઊંડી જિજ્ઞાસા સાથે તાકી રહ્યો હતો. “કાશ, મને મારા બાળપણમાં કોઈ સમલૈંગિક યુગલોનાં દૃષ્ટાંત જોવા મળ્યાં હોત. અસ્તિત્વને પરિભાષિત કરવાની ભૂલભૂલૈયામાંથી જલદી નીકળત તો પીડાની યાત્રા ટૂંકી રહી હોત. મારાં સત્યને શબ્દ અને સમાજના ઢાંચામાં બેસાડવામાં એક દાયકો ગુમાવી દીધો.”
“આટલી લાંબી યાત્રામાં નાખેલો સમય ગુમાવ્યો ન કહેવાય, કુણાલ. અસ્તિત્વની સ્પષ્ટતા ધુમ્મસમાંથી જ ઊપજે છે. યાત્રા બહુ શીખવતી જાય છે.”
કુણાલે સિગારેટનો એક કશ લીધો. એક ક્ષણ પસાર થઈ. એણે શ્વાસ છોડ્યો. બીજી ક્ષણમાં ધુમાડામાંથી એનો અવાજ સંભળાયો. “દરેક માણસને અંગત રીતે અસ્તિત્વના દરેક આયામને પરિભાષિત કરવા માટે પૃથક યાત્રા કરવી પડે તો સમાજ અને ઇતિહાસનો ફાયદો જ શું?” ધુમાડો ગાયબ થઈ ગયો. “દરેક પેઢી નવેસરથી એ ને એ જ પ્રશ્નો સાથે સંઘર્ષ કરશે તો પીડા પણ કેવી એકવિધ અને એકવર્ણી થઈ જશે? મારી આદર્શ પીડા સતરંગી છે, પ્રશાંત. શ્યામ-શ્વેત નહીં.” બસ, ધુમાડાનો એક પાતળો પ્રવાહ શેષ રહી ગયો હતો, જે સિગારેટના છેડેથી ઉપજતો હતો.
પ્રશાંતે નિસાસો નાખ્યો. બૅગમાંથી બીયરની બે કૅન કાઢી. એક કુણાલની સામે રાખી. “તું રાતે ઍલિક્સને મળવા જવાનો છે?”
“ઍલિક્સ નહીં. આજે રોજરને.”
“રાત એની સાથે જ કાઢીશ?” કુણાલે ડોક ધુણાવી.
“જાણું છું, તને નથી ગમતું. ગુમાવેલા દાયકાના ન જીવેલા અનુભવ હવે જીવું છું. લગ્ન પછી તો આમેય આના પર રોક મુકીશ જ. તું પણ જાણે છે, પ્રશાંત. મારે તારી સાથે હેટરો-નોર્મેટિવ મેરેજ જોઈએ છે. પણ હેટરો-નોર્મેટિવ લવ અફેર નહીં.”
“યુ મીન યુ ડોન્ટ વૉન્ટ અ વિષમલૈંગિક, રૂઢિચુક્ત પ્રેમપ્રકરણ?” બંને હળવું હસ્યા.
“તૂટેલા માણસને હજી તૂટવા દે, પ્રશાંત. બસ, હવે તૂટવામાં બહુ બચ્યું નથી. પછી તારી સાથે નવેસરથી જીવન બાંધીશ.”
ફોનની ઍલાર્મ રણકી. અને ભવિષ્યની કલ્પના વર્તમાન સાથે અથડાઈ. “કાલે સવારે મળીશું.” પ્રશાંતની આંખમાં જોતાં એણે એને ચુંબન કર્યું, “આય લવ યુ”. એ ઊભો થયો અને પ્રશાંતને ત્યાં જ મૂકીને ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં લંડનના અંધારામાં એકરસ થઈ ગયો.
પ્રશાંતે પ્રિમરોઝ હિલપાર્કના ટોચ પરથી સામેનું દૃશ્ય જોયું. શહેર અંધારાંમા તણાઈ ગયું હતું. રંગ હતો એકવર્ણી કાળો, લંડનનો. અને એની પીડાનો.
**********
કુશલ ખંધાર
Address: 18 Warner House, Abercorn Place, NW8 9YA, London, United Kingdom
Phone: +91 900 422 8848Email: [email protected]
*****************
[“ગમતાંનો ગુલાલઃ વાતમેળો” – (ડાયસ્પોરા ગુજરાતી સર્જકોની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ) – ૨૦૨૬માં ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રસિદ્ધ કરાયેલા પુસ્તકમાંથી સાભાર.]