‘પંખી ઊડી ગયાં છે’ ~ કવયિત્રીઃ પારૂલ ખખ્ખર ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
***
ઘર, બાર, યાર મેલી પંખી ઊડી ગયાં છે,
થડ, મૂળ, પાન મેલી પંખી ઊડી ગયાં છે.
કઈ દિશથી જવાનું, કયે દેશ પ્હોંચવાનું,
સઘળા વિચાર મેલી પંખી ઊડી ગયાં છે.
ઊગતાં સૂરજની સાખે, ઊગી જવાને કાજે,
અડધી બિસાત મેલી પંખી ઊડી ગયાં છે.
પંખીપણું ભૂલીને, જીવવાપણું ભૂલીને,
સોનેરી ખાલ મેલી પંખી ઊડી ગયાં છે.
કીડીના પગની પાયલ જ્યાં સ્હેજ સાંભળી ત્યાં,
ડંકા-નિશાન મેલી પંખી ઊડી ગયાં છે.
પૂરણ થયાં અપૂરણ, પૂરણ થવાં ફરીથી,
અધકચરી ભાળ મેલી પંખી ઊડી ગયાં છે.
લઈ લાકડી કબીરા આવી ઊભા બજારે,
બળતું મકાન મેલી પંખી ઊડી ગયાં છે.
સી-ગલ જમાત આખી જોયા કરે છે કૌતક,
જૂની ઊડાન મેલી પંખી ઊડી ગયાં છે.
શેરી છે સાંકડી તો ભેટી પડ્યાં ચસોચસ,
જગની મલાજ મેલી પંખી ઊડી ગયાં છે.
– પારુલ ખખ્ખર
આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટઃ ‘પંખી ઊડી ગયાં છે’ — છોડતાં છોડતાં ઊડી જવું અને ઊડીને પામેલું પણ છોડી જવાની ગઝલ
આ પ્રથમ શેરમાં જ કવયિત્રી છોડવાની આખી ભૂગોળ રચી આપે છે—ઘર, બાર, યાર; પછી થડ, મૂળ અને પાન. ‘ઘર’ આશ્રય છે, ‘યાર’ સંબંધ છે, ‘મૂળ’ ઓળખ છે અને ‘પાન’ કદાચ જીવનના વિસ્તરણનું પ્રતીક છે. પંખી આ બધું છોડીને ઊડે છે. પંખીની પાંખોને ફરફરાટ ગળથૂથીમાં મળ્યો છે. ઝાડ પર બાંધેલો માળો, વસંતમાં મ્હોરેલા એ વૃક્ષના પર્ણોનું લીલુંછમ રેશમ, અને ‘હું હજુ કડે-ધડે’ ઊભો રહેવાનો છું એની યાદ અને વિશ્વાસ અપાવતા, ઘરના મોભી સમી સલામતી આપતા એ વૃક્ષનાં મૂળિયાં અને થડ -કશું જ ઊડવાની મોસમ આવતાં, પંખીને ઊડી જતાં રોકી શકતાં નથી.
ઘરની બહાર નીકળવાની મોસમ આવે છે ત્યારે બીજી કોઈ વ્યક્તિ કે હયાતીની સલામતી કે અન્ય મનોહર પ્રલોભનો રોકી શકતાં નથી. જવું છે તો આંખ મીંચીને, ખભે હિંમતનો થેલો નાખીને અચકાયા વિના નીકળી પડો. રાહત ઈન્દોરીએ આ જનારાઓના મુખે કહેવડાવ્યું પણ છે કેઃ
“લોગ હર મોડ પે રુક રુક કે સંભલતેં ક્યું હૈ?
ઈતના ડરતે હૈં તો ફિર ઘર સે નિકલતે ક્યું હૈ?”
પંખીનું આકાશ સાથેનું સગપણ જન્મજાત છે. એકવાર અનંતતા ઈજન આપી દે પછી કંઈ ફેર નથી પડતો કે એ જાણવાની કોશિશ પણ કરે કે, ક્યાંથી જઈશું અને ક્યાં પહોંચીશું.
“ના રાસ્તોં સે ઉમ્મીદેં હૈ કોઈ, ના મંઝિલોં સે ભી
હમ ખુદ લો રાસ્તા બનકર ચલતે રહેં, બસ યું હી ..!”
એક અજાણી મુસાફરીનો આગવો કેફ હોય છે. ક્યારેક તો પોતાનું ‘પંખીપણું’ પણ છોડીને એવી કોઈ અજાણી દિશામાં નીકળી પડવાનું છે. ગંતવ્યનું કોઈ સરનામું કે નકશો નથી. પંખીપણું છોડવું એટલે પંખીઓને સ્વભાવગત ચણનું પણ :”Safety Network” – વળગણ છોડીને નીકળી જવાનું, નિર્વિકાર, નિર્વિચાર…!
સૂરજ ડૂબી જતાં પંખીઓ પાછા માળામાં ફરે છે પણ અહીં તો ઊગતા સૂરજના કિરણો સાથે, બધું જ યથાવત છોડીને નીકળી જવાવાળા ફરી ડૂબતા સૂરજની સાખે, કદી પાછા માળામાં નથી આવવાના. કોઈ નવા આકાશની શોધમાં, નવા સૂરજની શોધમાં, આ પંખીઓ એકવાર જો નીકળી ગયા તો પછી નીકળી જ ગયા…! એમને માટે, “જાને મન, જો યહાં રહ ગયા, રહ ગયા” એમ જીવવાનો કોઈ વિકલ્પ છે જે નહીં…! સામાન્ય રીતે આપણે પહેલાં મુકામ નક્કી કરીએ અને પછી પ્રવાસ શરૂ કરીએ. જ્યારે અહીં તો પહેલાં ઊડવાની વાત છે; એ પણ ક્યાં પહોંચવું એની તમા વિના..!
ઊગતાં સૂરજની સાખે, ઊગી જવાને કાજે,
અડધી બિસાત મેલી પંખી ઊડી ગયાં છે.
‘ઊગતાં સૂરજની સાખે’ અત્યંત સુંદર કલ્પન છે. સૂર્ય ઊગે છે અને એની સાક્ષીએ પંખી પણ ‘ઊગી જવા’ નીકળે છે. અહીં કવયિત્રી ‘ઊડવું’ અને ‘ઊગવું’ને એકબીજાની નજીક લાવે છે. વળી ‘અડધી બિસાત’ છોડીને નીકળવું મહત્ત્વનું છે. જીવનની બધી ગોઠવણ પૂરી થાય, બધા પ્રશ્નો ઉકેલાય, બધી અનુકૂળતા મળે પછી જ શરૂઆત કરીશું—એવી રાહ પંખી જોતું નથી. ક્યારેક અધૂરી રમત છોડીને જ નવી રમત તરફ જઈ શકાય. જિંદગીનું કદાચ આ જ સાચું સૌંદર્ય છે. ઉર્દૂના પ્રખર નાટ્યકાર હસીના મોઈન અખ્તર કહે છે કે “જિંદગી કે સારે મોડ અંધે હોતેં હૈં, ઔર યહી શાયદ જિંદગી કા હુસ્ન હૈ!”
પારુલ ખખ્ખરની આ ગઝલમાં, ‘ઊડવું’ કોઈ ઘટના કરતાં વધારે તો પ્રકૃતિગત અવસ્થા છે અને આમ આ અવસ્થામાં કંઈક પાછળ રહી જાય છે અને પંખી આગળ નીકળી જાય છે. આ પંખીઓમાં ક્યાંક માણસપણાનો માહ્યેલો પણ સમાયેલો હોઈ શકે. પાછળ રહીને કચવાતાં મને જિંદગી જીવવાનો ભાર ઉતારવાનો અને જિંદગીની રોજિંદી ઘટમાળમાં પીસાવાનું જેને મંજૂર નથી, એને રોકી પણ કેમ શકાય?
અહીં કબીરની પ્રસિદ્ધ વાણી યાદ આવે—
“चलती चाकी देख के, दिया कबीरा रोय।
दो पाटन के बीच में, साबुत बचा न कोय॥”
સંસારની ચક્કી વચ્ચે અખંડ રહી શકવાનું અઘરું છે. પણ જરા હટ કે જીવનારા પંખીઓ તો આ રોજિંદી ચક્કીમાંથી બહાર નીકળવાનો પોતાનો રસ્તો શોધે છે. કેટલીક યાત્રાઓના અતિશય વિચારો યાત્રામાં નથી પરિણમતા પણ પાંખનો ભાર બની જાય છે. વિચારોના વમળોમાં અટવાતાં રહીને માત્ર સ્થગિત થઈ જવાય છે.
અહીં “મજાજ” યાદ આવે છેઃ
“ઈસ મહેફિલ કૈફો મસ્તી મેં, ઈસ અંજુમને ઈરફાની મેં
સબ જામ વકફ બૈઠે હી રહે, હમ પી ભી ગયે છલકા ભી ગયે!”
એક સમય તો એવો આવે છે કે, કવયિત્રીને કીડીના પગની પાયલની રૂમઝૂમ સંભળાય છે. જે અવાજ સામાન્ય કાન સાંભળી જ ન શકે તે સાંભળવાની સંવેદનશીલતા પ્રાપ્ત થાય પછી ‘ડંકા-નિશાન’ની જરૂર ક્યાં રહે? એક તરફ અત્યંત સૂક્ષ્મ ધ્વનિ છે અને બીજી તરફ જાહેર ઘોષણાનો ઘોંઘાટ. પંખી ઘોંઘાટ છોડીને સૂક્ષ્મ તરફ જાય છે. બહારનો અવાજ જેટલો વધે છે એટલો અંદરનો અવાજ સંભળાવવો મુશ્કેલ બને છે.
પણ જીવન તો એની ગતિમાં વીતતું જાય છે. ‘પૂર્ણ’ અને ‘અપૂર્ણ’ વચ્ચે ઝૂલતા જીવનને દિશા મળતાં સમજાય છે કે પૂર્ણ થવું કોઈ અંતિમ સ્થિતિ નથી. આજની પૂર્ણતા આવતીકાલની અધૂરપ પણ લાગે. એટલે પંખી ‘અધકચરી ભાળ’—અપૂર્ણ સમજ, અડધું જ્ઞાન, અધૂરી ઓળખ— સર્વસ્વ છોડી દે છે.
ઈશાવાસ્ય ઉપનિષદનું પ્રસિદ્ધ પૂર્ણતાસૂત્ર અહીં ભાવસગપણ ધરાવે છે—
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥
પૂર્ણતામાંથી પૂર્ણતા નીકળે છતાં પૂર્ણતા શેષ રહે—બહેન પારુલના આ શેરમાં પણ પૂર્ણતા સ્થિર મુકામ નહીં, સતત થતી રહેતી પ્રક્રિયા બની જાય છે.
લઈ લાકડી કબીરા આવી ઊભા બજારે,
બળતું મકાન મેલી પંખી ઊડી ગયાં છે.
અહીં કબીર સીધા ગઝલમાં પ્રવેશે છે. આ શેર પાછળ કબીરની જાણીતી સાખીનું સ્પષ્ટ સ્મરણ છે—
“कबिरा खड़ा बाज़ार में, लिये लुकाठी हाथ।
जो घर फूँके आपना, चले हमारे साथ॥“
કબીરનું ‘બજાર’ માત્ર વેપારનું સ્થળ નથી; તે સંસારનું પ્રતીક છે. અને ‘ઘર બાળવું’ ભૌતિક ઘર બાળવાની વાત નહીં, પરંતુ અહંકાર, મોહ અને આસક્તિના ઘરથી મુક્ત થવાનું રૂપક છે.
કવયિત્રી આ પરંપરાગત પ્રતીકને પોતાના પંખી સાથે જોડે છે. મકાન બળી રહ્યું છે, પરંતુ પંખી આગ બુઝાવવા અટકતું નથી; ‘બળતું મકાન’ પણ પાછળ મૂકી ઊડી જાય છે. અહીં ત્યાગનો અર્થ આસક્તિમાંથી બહાર નીકળવું છે.
જો ઘરેડમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ? દરેક પંખીની જમાતની પોતાની રીત છે, જેમાં ઊડવાના, રહેવાના અને ટહુકાના ધોરણો નક્કી હોય છે. પણ જેને મુક્તિ પામવી છે એના માટે માત્ર પિંજરો છોડવાથી મુક્તિ પૂરી થતી નથી; ક્યારેક આપણે જે રીતે મુક્ત થવાનું શીખ્યા છીએ એ રીત પણ છોડવી પડે. જૂની પાંખ નહીં, જૂની ‘ઊડાન’ છોડવી—આ સૂક્ષ્મ તફાવત આ ગઝલને વિશેષ બનાવે છે. સાદી દેખાતી આ વાતનો મરમ ગહેરા છે. અહીં કવયિત્રી આત્મવિશ્વાસને નવા ઉન્મેષના કવચ પહેરાવે છે.
અહીં ‘મરીઝ’ યાદ આવે છે.
“નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણપોષક છે;
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતાં”
અને હવે આવે છે ગઝલને ૩૬,૦૦૦ ફૂટ ઊંચે લઈ જતો, અત્યંત સુંદર, શિરમોર સમો અંતિમ શેર—
શેરી છે સાંકડી તો ભેટી પડ્યાં ચસોચસ,
જગની મલાજ મેલી પંખી ઊડી ગયાં છે.
અહીં આખી ગઝલ એકાએક પ્રેમની સાંકડી શેરીમાં આવી પહોંચે છે. ‘શેરી સાંકડી’ સાંભળતાં જ કબીરનો દોહો યાદ આવે—
“जब मैं था तब हरि नहीं, अब हरि हैं मैं नाहिं।
प्रेम गली अति साँकरी, तामें दो न समाहिं॥“
અર્થાત્ – જ્યાં સુધી ‘હું’—અહંકાર—હતો, ત્યાં સુધી હરિનો અનુભવ નહોતો. હવે હરિનો અનુભવ થયો છે તો ‘હું’ રહ્યું નથી. કારણ કે પ્રેમની ગલી એટલી સાંકડી છે કે તેમાં બે સમાઈ શકતા નથી. પણ કવયિત્રી અહીં રસપ્રદ કાવ્યાત્મક ફેરફાર કરે છે. કબીરની ગલીમાં બે સમાતા નથી; અહીં શેરી સાંકડી હોવાથી, ‘ભેટી પડ્યાં ચસોચસ’! આ ભેટમાં દેહની નજીકતા કરતાં અહં છૂટી ગયેલા અંતરની વાત છે. ‘જગની મલાજ’—લોકલાજ, સામાજિક સંકોચ, દુનિયા શું કહેશે તેની ચિંતા—બધું છોડ્યા પછી જ આવી નિઃસંકોચ રીતે એકમેકમાં ઓગળી જવાની વાત ખુલ્લે આમ થઈ શકે. કેવું સુંદર રૂપાંતર! જે સાંકડાશ સામાન્ય જીવનમાં અસુવિધા બને, એ જ પ્રેમમાં દ્વૈત મટતાં, એકમેકમાં ઓગળવાનું કારણ બને છે. પણ એવી ભેટ માટે છેલ્લું એક વસ્ત્ર ઉતારવું પડે છે—‘જગની મલાજ’ નું
બહેન પારૂલની આ ગઝલ, છોડવાની નહીં, એકલા પડી જવાની પણ નહીં, ગંતવ્યથી મુક્તિની પણ નહીં, પણ પોતાના થકી પોતાને પામવાની ગઝલ છે. એક સિદ્ધહસ્ત કવિનો આ જ કમાલ છે.