શ્રી ગૌરાંગ વ્યાસને શ્રદ્ધાંજલિ: લેખક વિજય ભટ્ટ
ગૌરાંગ વ્યાસ એટલે ગુજરાતનું ગૌરવ. ખૂબ જ મોટું સંગીત-પ્રદાન!
એમ કહેવાય છે કે બ્રહ્માંડ ની શરૂઆત સૌથી પહેલા એક અવાજથી થઈ હતી. એ ધ્વનિ, એ જ પરમનો સ્વર, એજ બ્રહ્મનાદ! કદાચ તેથી હું શબ્દ રમત રમી ને લખી શકું કે પ્રથમ સ્વરને લીધે જ ઈશ્વર ઈ-સ્વર ( ઈશ્વર) બન્યો. શબ્દ તો ઘણો પાછળથી આવ્યો. પહેલા ધ્વનિ પછી સ્વર પછી શબ્દ. મારે મન સ્વરના સાધક એ ઈશ્વર ના સાધક કરતાં જરા પણ ઊણાં નથી. બંનેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.
એવા જ એક સ્વર અને શબ્દના આજીવન સાધક અવિનાશ વ્યાસના ઘરે એક બીજો સ્વર સાધક જન્મ્યો 1936 માં, એ ગૌરાંગ.

અવિનાશ ભાઈ ફિલ્મ ગીત- સંગીત અને સ્વરની દુનિયામાં એકદમ વ્યસ્ત. નમ્ર સ્વભાવના ગૌરાંગ મુંબઈમાં ડિપ્લોમા ઈન એન્જિનિયરીંગ ભણ્યા અને મુંબઈ માં એન્જિનિયરીંગ નું કામ પણ કર્યું. કૌટુંબિક કારણોસર મુંબઈ અને અમદાવાદ વચ્ચે આવજા કરે.
આશા ભંસલે, ગૌરાંગભાઇ અને નયનાબહેન
નયનાબેન સાથે લગ્ન. નયના બેનને સંગીતની કોઈ તાલીમ નહિ, છતાં પણ ગૌરાંગભાઈની સંગીત સાધનામાં ઊંડો રસ લઈને તેઓ સતત મદદ અને સહકાર આપતાં રહ્યાં
ગૌરાંગભાઈને સંગીત તો ગળથુથીમાંથી જ મળેલું. નાનપણથી જ એમને સંગીતમાં રસ અને રુચિ હતી. હાર્મોનિયમ વગાડતા પિતાને શબ્દ અને સંગીતની સાધનામાં ગળાડૂબ જોઈ અને સાંભળીને તેઓ પણ અંગત રીતે પોતાનું સંગીત સાથેનું અનુસંધાન (પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે) સશક્ત કરતા રહેતા.
એમણે પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’ માં સહાયક તરીકે, વ્યાવસાયિક સંગીતકાર તરીકે શરૂઆત કરી હતી. પણ આમ જુઓ તો આંતરિક રીતે સંગીતયાત્રાનો પ્રારંભ કર્યો. પછી તો ‘લીલુડી ધરતી’, ‘લાખો ફૂલાણી’, ‘પારકી થાપણ’, ‘નસીબની બલિહારી’, ‘ભવની ભવાઈ’ અને અનેક ફિલ્મો માં પોતની આગવી છાપ સંગીત નિર્દેશક તરીકે ઉપસાવી.
તેમના સંગીત નિર્દેશનમાં લતા મંગેશકર, આશા ભોંસલે, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, ભૂપિન્દર સિંહ, પ્રફુલ્લ દવે સહિત અનેક દિગ્ગજ ગાયકોએ ગુજરાતી ગીતોને પોતાનો કંઠ આપ્યો.
આ બધા ઉપરાંત ગૌરાંગ વ્યાસના અંગત વર્તુળમાંથી જાણવા મળ્યું કે તેમની સેન્સ ઓફ હ્યુમર અદભૂત હતી. તેમની સાથે જો ટ્રેન માં કે ઘરે લાંબો સમય બેસો તો હસીહસીને પેટ દુખી જાય એવી મૌલિક વાતો કરે. એક સારા અને સાચા કલાકાર, જેમના પર ફિલ્મી દુનિયાના ચહેરાનું મ્હોરું કદી ન ચડ્યું! અનાયાસે જ, મળતાંવેંત જ ગમી જાય તેવું સાલસ, સહજ વ્યક્તિત્વ..!
આજે ગૌરાંગભાઈ જે પ્રકારના સંગીતના સંગીતકાર હતા, તે ગુજરાતી સંગીતની વાત કરવી જ પડે. જો ના કરીએ તો ગુજરાતી સંગીત અને ગૌરાંગભાઈ માટેની અંજલિ અધૂરી રહે.
છેલ્લા કેટલાક સમયથી હું ૧૯૫૦-૨૦૦૦ ની સાલના ગુજરાતી ચલચિત્રોના ગીતોનું ( પોસ્ટ અને રીલ, યુટ્યુબ ગીતો વગેરે દ્વારા ) પૃથક્કરણ કરું છું. કેટલાં સુંદર ગીતો! જેમાંનાં કેટલાંક તો સંગીત અને બંદિશની લયબદ્ધતાને કારણે લોકગીતોમાં ખપી જાય છે, પણ ના, એ લોકગીતો નથી તે મૌલિક ગીતો છે અને તે અવિનાશભાઈ, ગૌરાંગભાઈ, પુરુષોત્તમભાઈ, દિલીપકાકા, નીનુભાઈ , મહેશ-નરેશ અને એવાં બીજાં કેટલાંક ઉત્તમ કલાકારોની ગુજરાતી ભાષાને ચરણે ધરેલી અમૂલ્ય અને અમર ભેટ છે. આ ભેટ આપીને આ બધા ધુરંધરોએ ગુજરાતી ચલચિત્રોના સંગીતને નવા આયામ અને નવી દિશાઓનો ઉઘાડ કરીને લોકપ્રિય પણ કર્યું. એવું કોઈ પણ છોછ વિના કહી શકાય કે, ચલચિત્રોના સંગીતની સાથે ગુજરાતી કાવ્યસંગીત-સુગમસંગીતને Classes અને Masses, બેઉની વચ્ચે લઈ જવાનું શ્રેય આ બધાને તો જાય છે જ, અને ગૌરાંગભાઈએ આ જ વારસાને પોતાની છાતીના ધબકાર સાથે છેલ્લા શ્વાસ સુધી જીવિત રાખ્યો હતો.
હાલના સમય સુધીના ગુજરાતી ફિલ્મોના વિષયવસ્તુ ગ્રામ્ય જીવન, ઐતિહાસિક લોકવાર્તાઓ ઉપર આધારિત હોવાના કારણે આપણે સૌ શિષ્ટ શહેરી (urban and English medium લોકોએ તે ફિલ્મોની ઉપેક્ષા કરી. વળી production quality હિન્દી ફિલ્મો કરતાં સહેજ ઉતરતી હોવાથી , આપણમાંના કહેવાતા “ઈલિટ”વર્ગમાંના અનેક લોકો કદાચ ઉપહાસ કરતું હસ્યા પણ હશે અને ખાસ જોવા પણ ગયા નહિ હોય, કદાચ એમ કહીને કે; “આવું તો ગામડાના લોકોને જ ગમે!”
પરંતુ, એનું સંગીત કેટલું માતબર, રેકોર્ડિંગ પણ ઉત્તમ, અને ગીતોની રૂમઝૂમ તો દિલમાં વસી જાય એવી. સાચું કહો તો તદ્દન મૌલિક રીતે ગુજરાતી ભાષાની ગરિમા અને એની ગરવી મહેક એ ગીતોમાં નીતરે છે! ઘણાંને ખ્યાલ નહીં હોય પણ આપણાં એ ગુજરાતી ગીતોમાંથી ઘણા ગીતોની કોપી હિન્દી ફિલ્મી ગીતોમાં પણ થઈ છે.
હવે જ્યારે અત્યારના સારા ગણાતાં, સુધરેલા, શહેરી વિષયવસ્તુવાળા ગુજરાતી ચલચિત્રોનું મહત્વ વધ્યું છે, ત્યારે તેમાંના મોટાભાગના (અમુકને બાદ કરતાં) ગીતોનું, ક્યારેક બેહુદુ લાગતું સંગીત, Bollywood music ની/,અરિજીત સ્ટાઇલ ની copy જોઈને – સાંભળીને, થાય કે .. કે; તેના કરતાં ૧૯૫૦-૨૦૧૦ ના ગુજરાતી ફિલ્મી ગીતો કેટલા organic અને original હતાં અને એ પણ પાછા ગુજરાતની માટીની સોંઘી મહેકવાળા અને ઉચ્ચ ગુણવત્તાવાળા હતાં!
હાલ ગુનીજરાતી ફિલ્મોના મોટાભાગના ગીતો Bollywood ની નકલી કોપી જેવાં જ છે. તેનું કારણ પણ આપણા દર્શકો અને શ્રોતાઓ નું Bollywood અને પશ્ચિમી સંસ્કૃતિનું આકર્ષણ છે.
એ સરસ જૂનાં ગીતોનો શ્રેય મુ. અવિનાશ ભાઈ, ગૌરાંગ ભાઈ, પુરુષોત્તમ ભાઈ અને મહેશ-નરેશ, દિલીપભાઈ, નીનુભાઈ, અજીતભાઈ વગેરે અનેકને તો જાય જ છે પણ મારા હિસાબે, કદાચ, સ્વ. ગૌરાંગ વ્યાસ એ ધરોહરના છેલ્લા વારસદાર હતા.
તેમને યોગ્ય રીતે બિરદાવવા માં આપણે ઉપેક્ષા કરી તેનો મને રંજ હોવો જ જોઈએ અને તે આવી પળે સુધારી લેવું જોઈએ. જરા સમય કાઢીને, એ ચલચિત્રો અને સુગમસંગીતના જૂનાં ગીતો ( ૧૯૫૦-૨૦૧૦) ધ્યાનથી સાંભળીએ તો ગુજરાતી ભાષા, અને સંગીતકારો, બેઉ માટેના આદરથી શીશ ઝૂક્યા વિના રહેશે નહિ.
સૌ ગુજરાતીઓને વિનંતી કે આપણી સંગીતમય સંસ્કૃતિ ના આવા મહાન કલાકારો ને તેમના યોગદાન માટે યોગ્ય સન્માન અને આદર આપીને ગૌરવ તો લઈએ જ પણ એમના પ્રદાનને સાંભળીને, બિરદાવીને, આવનારી પેઢીઓ માટે સં-જીવિત રાખીએ. ગુજરાતી પ્રજા તરીકે, કદાચ આજના સમયમાં, વિલુપ્ત થતાં સાહિત્ય, કળા અને સંગીતના વારસાને સાચવવાની જવાબદારી આપણાં પર આવી છે. તો હવે એ આપણું કર્તવ્ય છે કે એને સજાગતાથી સ્વીકારીને સુપેરે નિભાવીએ.
આજે ગૌરાંગભાઈની વિદાય ટાણે તેમનાં ‘મણિયારો, સાવરિયો, ‘મણિયારો તે હળુ હળુ થઈ રે વિયો…’ ‘દીકરી તો પારકી થાપણ કહેવાય…’ ‘હુ તુ તુ તુ, જામી રમતની ઋતુ…’ ‘સાંવરિયો રે મારો…’ ‘હજુ રસભર રાત બાકી…’ ‘હું તો ગઈ’તી મેળે…’ ‘આંખો ભીની, હૈયું ભીનું…’કાનમાં પવન ..અને એવાં અનેક અમર ગીતો માટે તેમને સ્વરાંજલિ આપતાં તેમના ગીતોનાં મોં-ફાડ વખાણ કરતાં હું ગર્વ અનુભવું છું.
ગૌરાંગભાઈના સંગીતને મારા સ્વર પ્રણામ!

**************
(એક – બે ખાસ વિગતઃ ગુજરાતી સુગમ સંગીતના નવી પેઢીના ગાયક પ્રહર વોરા કહે છે, “ગૌરાંગભાઈ એક કમ્પલીટ પૅકેજ છે. સામાન્ય રીતે કમ્પોઝર અને ઍરેન્જર અલગ હોય છે. ગૌરાંગભાઈ પોતે કમ્પોઝર અને ઍરેન્જર બંને હતા. અવિનાશભાઈ પણ પોતે કમ્પોઝર હતા ઍરેન્જર નહોતા. હું હોય કે સંગીતકાર શ્યામલ – સૌમિલ હોય અમે લોકો ગૌરાંગભાઈ પાસેથી સંગીત ઍરેન્જમેન્ટ વિશે ઘણું શીખ્યા છીએ.”
સ્વતંત્ર – એકલ સંગીતકાર તરીકે ગૌરાંગ વ્યાસની પ્રથમ ફિલ્મ ‘લાખો ફુલાણી’ હતી જે 1975માં રજૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે ગુજરાતી પાર્શ્વ ગાયક પ્રફુલ્લ દવેએ સૌ પ્રથમ વખત એ જ ફિલ્મમાં પોતાનું પહેલું ફિલ્મી ગીત ગાયું હતું અને એ ગીત આજે પણ ગુજરાતીઓને હોઠે અને હૈયૈ છે. તે ગીત એટલે ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’ એ જ ફિલ્મમાં કિશોર કુમાર પાસે તેમણે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત ગીત ગવડાવ્યું હતું. તે ગીત હતું, “ગાવો સૌ સાથે તમને બજરંગબલીની આણ છે.” અભિનેત્રી તરીકે રીટા ભાદુરીની પ્રથમ ફિલ્મ પણ ‘લાખો ફુલાણી’ હતી. એ જ ફિલ્મમાં મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેએ ગાયેલું ‘એક પાટણ શહેરની નાર પદમણી…’ દરેક નોરતામાં ઠેર ઠેર ગવાય છે. તે ફિલ્મનાં ગીતો અવિનાશ વ્યાસે લખ્યાં હતાં.)