“એકાંતિક મૌન સાથે શબ્દોની ગોષ્ઠિ” ~ (૧) ~ પૂર્વી મોદી મલકાણ
૨ ડિસેમ્બર, ૨૦૨૫
કેટલીક યાત્રાઓ પગલાંથી શરૂ થતી નથી. તે તો મનના કોઈ અજાણ્યા ખૂણામાંથી ધીમે ધીમે જન્મ લે છે. બહારથી જોતા તે માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાની પ્રક્રિયા લાગે છે, પરંતુ અંદર ક્યાંક એક આખું વિશ્વ પોતાનો માર્ગ શોધી રહ્યું હોય છે.
ભારત તરફ જતી તે યાત્રા પણ એવી જ હતી. વિમાન આકાશમાં આગળ વધી રહ્યું હતું, પરંતુ મારી અંદર અનેક દિશાઓમાં વિચારોની યાત્રા શરૂ થઈ ચૂકી હતી. એક તરફ પરિવારના આનંદભર્યા પ્રસંગોનો ઉમંગ હતો, બીજી તરફ વર્ષોથી હૃદયમાં સાચવેલા ગંગા સંશોધનના સ્વપ્નને સાકાર કરવાની તીવ્ર ઈચ્છા હતી અને ત્રીજી તરફ એક લેખક તરીકેનો પડકાર—દરરોજના અનુભવને શબ્દોમાં રૂપાંતરિત કરવાનો.
ક્યારેક જીવન આપણને એકસાથે અનેક જવાબદારીઓ સોંપે છે. ત્યારે પ્રશ્ન એ નથી હોતો કે રસ્તો કેટલો લાંબો છે, પ્રશ્ન એ હોય છે કે મનમાં ચાલતો દીવો કેટલો પ્રજ્વલિત છે.
મારી સામે પણ એક લાંબી યાત્રા હતી. શરીર પોતાની મર્યાદાઓ યાદ અપાવતું હતું, થાક ક્યારેક પગલાં ધીમા કરતો હતો, પરંતુ મનમાં રહેલું સર્જનનું ઝરણું અટકવા તૈયાર નહોતું. મને વારંવાર લાગતું કે દરેક માણસ પોતાના જીવનમાં કોઈને કોઈ મોરચે લડી રહ્યો છે.
કોઈની લડાઈ સરહદ પર હોય છે, કોઈની પરિસ્થિતિ સામે, કોઈની પોતાના સ્વપ્નો માટે. સૈનિક પાસે દેશની રક્ષા માટે શસ્ત્ર હોય છે, જ્યારે લેખક પાસે સત્યને સ્પર્શતી કલમ. બંનેની શક્તિ બહાર દેખાતી નથી, પરંતુ બંનેનું યુદ્ધ અંદરથી જ જીતાતું હોય છે.
યુદ્ધ સિવાય રહી હિન્દી ભાષા. જે ક્યારેક મારી યાત્રાની સાથી બની જાય છે, તો ક્યારેક વહન કરનાર વાહન. આથી જ જ્યારે હિન્દીમાં કોલમ લખવાનો પ્રોજેક્ટ મળ્યો ત્યારે લાગ્યું કે શબ્દો સરળતાથી વહેશે. પરંતુ કલમ હાથમાં લેતાં જ મારી અંદરની ગુજરાતી મારી સાથે વાત કરવા લાગી. કોઈ ભાવ હિન્દીમાં જન્મ લેતો, તો કોઈ લાગણી ગુજરાતી શબ્દનો સહારો શોધતી.
આમ જુઓ તો આ ગુજરાતી ને હિન્દી બે ભાષાઓ વચ્ચેનો સંવાદ કોઈ સંઘર્ષ નહોતો; તે તો મારી જ ઓળખના બે પ્રવાહોનું મિલન હતું જે એક જ હૃદયમાં પોતપોતાની બે સંસ્કૃતિઓ સાથે પોતાની રીતે અભિવ્યક્ત થવા માગતી હતી.
વિમાનની બારીમાંથી બહાર જોયું ત્યારે અનંત આકાશ દેખાતું હતું. વાદળોની સફેદ ચાદર નીચે પૃથ્વી ક્યાંક દૂર રહી ગઈ હતી. બહાર શાંતિ હતી, પરંતુ અંદર વિચારોનું એક આખું બ્રહ્માંડ ધબકતું હતું.
કેટલીક ક્ષણોમાં એટલા બધા શબ્દો હોય છે કે મૌન જ એકમાત્ર ભાષા બની જાય છે. તે સમયે કહેવા માટે ઘણું હોય, છતાં કહેવાનું શું અને કેવી રીતે—એ શોધવાની પ્રક્રિયામાં જ લેખકની સાચી યાત્રા સમાઈ જાય છે.
વિમાનમાં ઊડતા ઊડતા તે દિવસે સમજાઈ ગયું હતું કે શબ્દો માત્ર લખાતા નથી; તેઓ પહેલાં પોતાની અંદર લાંબી તપશ્ચર્યા કરે છે. પછી કોઈ ફલશ્રુતિ પામે છે. ને કોઈ વિચાર તરત કાગળ પર ઉતરતો નથી – તે તો અનુભવમાંથી પસાર થાય છે, પછી મૌનમાં પાકી પોતાની અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે.
કદાચ એ જ કારણ છે કે ક્યારેક કલમ હાથમાં હોવા છતાં પાનું ખાલી રહે છે. પણ આ ખાલી પાનું લેખકને ડરાવતું નથી, બસ પોતાની અંદર ઊતરવાનું આમંત્રણ આપે છે.
ટૂંકમાં કહું તો આ યાત્રા માત્ર અંતર કાપવાની નહોતી. તે તો અંદરના અજાણ્યા રસ્તાઓ પર ચાલવાની મારી શરૂઆત હતી. વિમાન આકાશમાં આગળ વધતું રહ્યું, પરંતુ વિમાનની સીટ
પર બેસેલી એક લેખિકા પોતાના મનના આકાશમાં નવી નવું ક્ષિતિજો શોધતી રહી. કારણ કે કેટલીક યાત્રાઓ ગંતવ્ય સુધી પહોંચવા માટે નથી હોતી. કેટલીક યાત્રાઓ પોતાના અંતર સુધી પહોંચાડવા માટે હોય છે.
મારી અંદર એક અનંત સંવાદ ચાલે છે,
મૌન પણ ક્યારેક મારી સાથે વાત કરે છે.
વિચારોના વાદળો ઘેરાય છે,
પણ શબ્દોની વરસાદી ઋતુ આવતાં પહેલાં
મન લાંબી રાહ જુએ છે.
કલમ પૂછે છે—
“આજે તું શું લખવા માગે છે?”
અને હું શોધવા લાગું છું—
વિષય નહીં,
પણ મારી અંદર છુપાયેલું સત્ય.
ક્યારેક લાગે છે,
બધું લખી નાખીશ પણ
બધું એકસાથે લખી નાખીશ તો
મારી અંદરના રહસ્યો રહેશે ક્યાં ?
કદાચ લેખકનું અસ્તિત્વ જ એમાં છે—
જે પોતાને થોડું થોડું ખોલવામાં,
અને પાના પર ઉતરેલા શબ્દોમાં
પોતાને શોધવા સમય કાઢે છે.
પૂર્વી મોદી મલકાણ (હવાઈ), © કૉપીરાઇટ ૨૦૨૬