“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૭) ~ લેખિકઃ ડૉ. દિનેશ ઓ. શાહ ~ સંપાદકઃ રેખા સિંઘલ

                                                                     ડૉ. દિનેશ ઓ. શાહ

ઉદાર અને ઉદ્દાત્ત વ્યક્તિત્વ ધરાવતા એક સફળ વૈજ્ઞાનિક તરીકે ડૉ. દિનેશ ઓ. શાહનું નામ અમેરીકાના ગુજરાતીઓમાં જાણીતું છે. ૧૯૩૮માં મુંબઈમાં જન્મેલા દિનેશભાઈની અમેરિકાની જીવન યાત્રા ૧૯૬૧માં શરૂ થઈ. સામાજિક પ્રગતિ માટેના કાર્યોમાં ગુજરાતમાં તેમણે ઘણો ફાળો આપ્યો છે. જેમાં શાહ-શૂલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેક્નોલોજી મુખ્ય છે. તેમના પત્ની સુવર્ણાની યાદમાં “સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ”નું આયોજન દર બે વર્ષે થતું રહે છે તે તેમના પ્રેમાળ અને ઉદાર દિલનું પ્રમાણ છે. સાહિત્ય પ્રત્યેનો એમનો રસ ઘણો ઊંડો છે. કલમના જાદુથી એક તરફ રીસર્ચ પેપર્સમાં એમનું બુદ્ધિ કૌશલ્ય તો બીજી બાજુ કવિતાઓમાં સંવેદનાથી ભરપૂર હ્રદય છલકાય છે. એમના લખેલા ગીતોના પુસ્તક ઉપરાંત સીડી ઓ પણ ઉપલબ્ધ છે. એમની લખેલી કવિતા ગુજરાતની શાળાઓ માટેના પાઠ્યપુસ્તકમાં પણ પસંદગી પામી છે. જાણીતા ગાયકો અને સંગીતકારોની ઉપસ્થિતિમાં એમના ગીતોના કાર્યક્રમો મુંબઈ, અમદાવાદ, વડોદરા વિગેરે શહેરોમાં યોજાયા છે. તેમની કહેલી વાર્તાઓનો ઈગ્લીશમાં અનુવાદ કરીને કિશોરવયના પૌત્રને પુસ્તક પ્રગટ કરવાની પ્રેરણા થઈ. દાદાનો વારસો અને પ્રભાવ પૌત્રએ લખેલા “વોકિંગ વિથ માય દાદા” પુસ્તકમાં પ્રગટ થાય છે. નિવૃત લોકો માટેની ફ્લોરિડાની શાંતિ નિકેતન કોલોનીમાં રહીને સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન તેઓ કરતા રહે છે.
www.dineshoshah.com પર એમને મળી વાંચી શકાશે.

Email: [email protected]

જીવન ઝરમર -ડૉ. દિનેશ ઓ. શાહ

અમેરિકાની જીવન યાત્રા
તારીખ 7 સપ્ટેમ્બર 1961 ના રોજ હું મુંબઈથી ક્વોન્ટાસ એરલાઈનની  ફ્લાઈટ  લઈ મુંબઈથી  નીકળ્યો  ત્યારથી શરુ થઈ.  એરપોર્ટ ઉપર મારા ભાઈઓ, બહેનો, સગાવહાલા, મિત્રો  મને વળાવવા આવેલા. ઘણા મારા માટે હારતોરા લઈને આવેલા. હું સ્વપ્નોની દુનિયા અને હકીકતની દુનિયાની વચ્ચે ઝોલા ખાતો હતો.  જાણેલી દુનિયા છોડી એક અજાણી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો.  ભાવિના સ્વપ્નો પણ હતા અને એ સાચા પડશે કે નહિ તેનો ગભરાટ પણ અનુભવતો હતો.  મારી પૂર્વ ભૂમિકા જોતા વાચકને મારી પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે.

કપડવંજ નામના એક નાના ગામમાં મારો ઉછેર થયો.  મારા પિતાશ્રી હું દસ વર્ષનો હતો ત્યારે દેવલોક પામ્યા.  મારા માતુશ્રી શારદાબેનના માથે બે દીકરીઓ તેમજ ત્રણ દીકરાઓને મોટા કરવાની જવાબદારી આવી પહોંચી.  તેમણે ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા રાખી હિંમતથી બાળકોને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી.  સારા નસીબે મારા મામા શ્રી ચંદ્રકાન્ત પરીખ ગાંધીજી ના અનુયાયી હતાં. આ પણ એક આકસ્મિક બનાવ છે કે આજે ઓક્ટોબર 2, ગાંધીજીની પુણ્યતિથિના દિવસે મારા જીવનની વાર્તા લખવાની શરૂઆત કરું છું.  તેમને મને કહ્યું કે તું સુતરની એક આંટી કાંતી આપે તો તને ત્રણ આંટીનો એક રૂપિયો આપીશ.  દર રવિવારે સવારથી સાંજ સુધીમાં હું ઘરના એક જુના રેટિયા ઉપર ત્રણ આંટી કાંતીને બનાવી શકતો.  દિવાળીના સમયે હાથથી દોરીને રંગીન ગ્રીટિંગ કાર્ડ બનાવતો.  તે સમયે ઘણા ઓળખીતા લોકો મને મદદ કરવા એક એક રૂપિયાનું કાર્ડ ખરીદતા.  આગળ જતા મારા એક પાડોશીએ તેમના બે નાના છોકરાઓનું ટ્યુશન કરવા મને કહ્યું. મારે એમના બને બાળકોને ગણિત અને  વિજ્ઞાન શીખવાડવાનું હતું.

આઠમા ધોરણમાં હતો ત્યારે એક હરિજન જે અમારી વ્યાયામ શાળાનો કચરો વાળતો  હતો. તે કામ છોડી ને બીજે જતો રહ્યો.  તો મેં અમારા વ્યાયામ શિક્ષક નરહરિભાઈને કહ્યું કે હું દરરોજ કચરો વાળીશ અને તમે મને જે પગાર પેલા હરિજનને આપતાં  હતા  તે મને આપજો.  તેમણે મંજૂરી આપી અને મને દર મહિને પાંચ રૂપિયાનો પગાર મળતો.

દરરોજ સાંજે શાળા છૂટે  એટલે હું વ્યાયામશાળા સાફ કરતો, તેમજ થોડી કસરત કરી ઘેર આવતો.  એ સમયે મને હાઈ જમ્પ અને લોન્ગ જમ્પમાં ખુબ રસ હતો અને કોઈક દિવસ ઓલમ્પિક હરીફાઈમાં ભાગ લઈશ તેવા સ્વપ્ન પણ સેવતો.  થોડા સમય બાદ અમારી શાળાના સંચાલક શ્રી શંકરલાલ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા.  તેમણે એક વાર શાળાની મુલાકાત દરમ્યાન એક ભાષણમાં કહ્યું કે હવે આપણે આઝાદ થયા છીએ અને આપણા વિદ્યાર્થીઓએ મહેનત કરી પોતાના પગ પાર ઉભા રહેતા શીખવું જોઈએ.  તો મેં એમને કહ્યું કે તમે શું કામ આપો? તો એમણે કહ્યું કે મારા ખેતરમાં દરરોજના બે રૂપિયા આપીશ. એ સમર વેકેશનમાં અમે ત્રણ  વિદ્યાર્થીઓએ એમના ખેતરમાં કામ કરવાનું નક્કી કર્યું.  બીજા દિવસે એક વિદ્યાર્થી ના આવ્યો કે મારા પાડોશીઓ વાતો કરે છે કે બ્રાહ્મણ થઈને ખેતરમાં કામ કરવા જાય છે.  ત્રણ દિવસ પછી બીજો વિદ્યાર્થી ના આવ્યો કે મારી જૈનોની નાતવાળા કહે છે કે જૈનનો દીકરો થઈને ખેતરમાં મજૂરી કરવા જાય છે. મેં એકલાએ બે મહિના શંકરભાઈના ખેતરમાં કામ કર્યું. મને મારા પગાર કરતા 25 રૂપિયા વધારે આપ્યા.  મેં પૂછ્યું કે શા માટે વધારે આપો છો?  તો તેમણે કહ્યું કે આ 25 રૂપિયા તારી નૈતિક હિંમતના આપું છું.  તેં બીજા છોકરાઓની જેમ ડરીને બીજા વાતો કરશે એમ ગભરાઈને જોબ છોડી ના દીધી .  ગાંધીજીની વિચારસરણી  જાતમહેનત કરવાની મને ખુબ કામ લાગી.  આ માટે ગાંધીજીનો જેટલો આભાર માનું  તેટલો ઓછો છે.

આમ અનેક કામ કરી જીવનમાં અનેક નવા સ્વપ્નો ઉમેરી જોતજોતામાં એસ.એસ.સી. ની પરીક્ષા આપી દીધી.  ત્યાર બાદ બે મહિનાના વેકેશનમાં મારા એક મિત્ર પ્રભુચરણ સાથે હિમાલયના પ્રવાસે જવાનું નક્કી કર્યું.  ગુજરાતમાં  રહેલા વ્યક્તિને ખ્યાલ જ ના આવી શકે કે હિમાલયમાં બરફ પડતો હોય છે  અને ઉનના કપડાંની જરૂર પડે છે.  અમે તો ચાલુ કોટનના કપડાં લઈને હિમાલયના પ્રવાસે નીકળ્યા. હરદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, તુંગનાથ વી. જોઈ આનંદ અને સંતોષ થયો.  આટલું જોયા પછી મને તાવની બીમારી લાગી.  તરત હું ઘેર પાછો આવ્યો.  ડોક્ટરે કહ્યું કે ટાઈફોઈડની બીમારી છે.  ત્યાં સુધીમાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું.  કપડવંજ કેન્દ્રમાં મારો પહેલો નંબર આવ્યો હતો. બધા શિક્ષકો મને મળવા મારી ઘેર આવ્યા હતા.  શાળામાં મારી તબિયત સારી થઈ જાય તે માટે સમૂહ પ્રાર્થના થઈ હતી.  આ બધાની મારા મન ઉપર ઘણી અસર થઈ અને હું થોડા સમયમાં સારો થઈ ગયો.  મારા મોટાબેન પદ્માબેન તેમજ બનેવી કનુભાઈએ મારુ એડમિશન એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું  તેમજ રહેવા માટે ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગમાં લીધું.  આ હોસ્ટેલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હતી. તેમાં ખુબજ ઓછા ખર્ચથી રહેવાતું.

મારી કોલેજ શરુ થઈ ગઈ.  ગુજરાતી કવિતાની હરીફાઈમાં મેં મારુ લખેલું એક મુક્તક આપ્યું.  પરિણામ જાહેર થયું તેમાં મારા મુક્તકને બીજું ઇનામ મળ્યું.  આ કારણથી મારી છાપ “કવિ” તરીકે બધા મિત્રો ઓળખવા લાગ્યા.  અંગ્રેજીમાં બોલવું કે લખવું મારા માટે ખુબ ભારે હતું પરંતુ બધાને ફાવે છે તો મને કેમ ના ફાવે તેવો વિચાર કરી પ્રયત્ન કરતો.  એક સેમેસ્ટરમાં જે કંઈ ઈનામના પૈસા મળેલા તે વપરાઈ ગયા.  એક સાંજે દરિયાકિનારે ચાલતો હતો અને વિચાર કરતો હતો કે કઈ રીતે જરૂરિયાત જેટલા પૈસા ભેગા કરી ભણતર ચાલુ રાખવું?  અચાનક મારી નજર એક બંગલાના દરવાજા ઉપર પડી. ત્યાં નાના બોર્ડ ઉપર લખ્યું હતું કે બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈ તેમજ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ.  આ બંને વિષે મેં શાળા દરમ્યાન વાંચ્યું હતું.

બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈની આગેવાની નીચે આઝાદ હિન્દ ફોજના ત્રણ જનરલોને દેશ દ્રોહની સજામાંથી મુક્ત કરાવેલા. ગાંધીજીએ તેમને “દેશભક્ત ભુલાભાઈ દેસાઈ ” તરીકે બહુમાન કરેલું.  આ રોડનું નામ પણ ભુલાભાઈ દેસાઈ રોડ હતું.  મેં બારણાં પાસે જઈ બેલ વગાડ્યો. એક નોકરે બારણું ખોલ્યું અને  પૂછ્યું કોનું કામ છે?  મેં કહ્યું કે ઘરમાં જે હોય તેમને આ ચીઠી આપશો?  એક કાગળમાં મેં લખ્યું કે હું અહીં એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણું  છું અને ગોકુલદાસ હોસ્ટેલમાં રહુ છું .  મારે કંઈ પાર્ટટાઈમ કામની જરૂર છે. આપ કઈ મદદ કરી શકો તો મારો અભ્યાસ ચાલુ રહે.  નોકર અંદર ગયો અને થોડીવારમાં બારણું ખોલી મને ઘરની અંદર આવવા કહ્યું.

ખૂબ પ્રભાવશાળી એક બહેન ખુરશીમાં બેઠા હતા . તેમણે મને પૂછ્યું કે ક્યાંથી આવો છો અને હાલમાં શું કરો છો?  મેં મારી પુરી કથની કહી . તેઓ દેલવાડાના દેહરાની મુલાકાતે ગયેલા ત્યારે મારી શાળાના વિદ્યાર્થીઓને મળેલા અને તેમના પર સારી છાપ પડેલી.  તેમણે કહ્યું આવતીકાલે આવજો અમે વિચાર કરીને તમને કંઈક  કામ આપીશું.  આ બેનનું નામ હતું માધુરીબેન દેસાઈ.  તેમના પતિ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ સ્વિટઝર્લેન્ડ ખાતે ભારતીય એલચી હતા.  તેમનું અચાનક સ્વીટ્ઝરલેન્ડમાં અવસાન થયું એટલે માધુરીબેન ભારત આવી મુંબઈમાં બિચકેન્ડી ઉપર બંગલો બનાવી સ્થાયી થયા.  તેઓ અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈના કુટુંબીજન હતા. બીજે દિવસે મળવા ગયો ત્યારે તેઓ ઘરમાં નહોતા પરંતુ તેમના પારસી સેક્રેટરીએ  કહ્યું કે તમે અમારા બે નોકરોના બાળકોને ટ્યુશન આપવા આવજો અને અમે તમારી કોલેજ અને હૉસ્ટેલની ફી ભરી દઈશું.  મારા માટે તો આ ન માની શકાય તેવો પ્રસંગ હતો.  મારી આર્થિક ચિંતા બિલકુલ મટી ગઈ.  મારુ બી.એસ.સી. પતી ગયું અને પછી મેં કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરુ કર્યું.  દર સેમેસ્ટરમાં એકવાર મળવા જતો અને મારા અભ્યાસ વિષે તેમને માહિતગાર કરતો.  એમ.એસ.સી. પતાવ્યા બાદ મારે અમેરિકા પી.એચ.ડી  કરવા જવું હતું.  મને કોલંબિયા યુનિવર્સીટીમાં એડમિશન મળ્યું અને  વિઝા લેવા માટે મારી સાથે તેઓ અમેરિકન કોન્સુલેટમાં  આવ્યા .

મુંબઈમાં મારા મિત્રોએ એક રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી. અમારી જ્ઞાતિના કુટુંબોએ સન્માન સમારંભ ગોઠવીને હારતોરા કર્યા. પહેલા પાને લખ્યું તે પ્રમાણે મારી અમેરિકાની યાત્રા થોડા સ્વપ્નો અને થોડા ગભરાટ સાથે શરુ કરી.  હવાઈ જહાજમાં એરહોસ્ટેસે મને મારી સીટ ઉપર બેસાડ્યો અને એક ટ્રેમાં ગરમ પાણીની કીટલી, ટીબેગ, સુગરની પડીકી, ચમચી અને બિસ્કિટ વિ હતા.  મેં ટીબેગ તોડી ચાનો ભૂકો ગરમ પાણીમાં નાખ્યો.  પણ ચા ગાળવાની ગરણી  ના દેખાઈ.  તો મેં એરહોસ્ટેસને બોલાવી ચા ગાળવા માટે કંઈક લાવવા કહ્યું.  તો એણે મને સમજાયું કે સર, તમારે ટીબેગ તોડાવાની નહોતી પણ આખી જ પાણીમાં નાખવાની હતી.

મારી બાજુમાં એક જનરલ મોટર્સના  એક્ઝિક્યુટિવ બેઠેલા અને તેમણે મને સમજાવ્યું કે અમેરિકા બહુ જ આગળ પડતો દેશ છે.  અમે બધુજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે કરીએ છીએ.  અમે ટીબેગ એવી બનાવી છે કે ટી ના મોલીક્યુલ પેપરબેગમાંથી  નીકળી ગરમ પાણીમાં આવી જાય અને ટીબેગ અને ચાના કુચા અમે ગારબેજમાં ફેંકી દઈએ છીએ.  પછી એ ભાઈ તેમનું વોલસ્ટ્રીટ જર્નલ વાંચવા માંડ્યા.  ધીમેધીમે મેં ચમચી વડે ચાના કૂચ બહાર કાઢી લીધા.  હવે મારે સુગર ચાના કપમાં નાખવાની હતી.  તો મને વિચાર આવ્યો કે આ એડવાન્સ સોસાયટી ટીબેગમાંથી ટીના મોલીક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવે છે તો સુગરબેગ પણ સુગર મોલેક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવી હશે.  એમ સમજી મેં સુગર બેગ આખીને આખી ચાના કપમાં નાખી. મારી બાજુમાં બેઠેલા પેલા એક્ઝિક્યુટિવ મને કહે, “યંગમેન, વોટ આર યુ ડુઇંગ?  મેં કહ્યું કે તમે મને કહ્યું કે અમે ટીબેગ એવી ડિઝાઇન કરી છે કે ટી મોલીક્યુલ બહાર પાણીમાં આવી જાય તો તમે સુગર બેગ પણ એવીજ ડિઝાઈન કરી હશે કે જેમાંથી સુગર મોલીક્યુલ બેગમાંથી બહાર પાણીમાં આવી જાય!  એમણે કહ્યું કે યંગમેન, યુ વિલ નીડ અ લોટ ઓફ હેલ્પ ઈન અમેરિકા!   હું જરૂર કબૂલ કરું છું કે મારા અમેરિકાના વસવાટ દરમ્યાન મને અનેક વ્યક્તિઓએ ખુબ મદદ કરી છે.

બે દિવસની લાંબી મુસાફરી બાદ ન્યુયોર્ક એરપોર્ટ આવ્યું.  મારા ખીસામાં સંબંધીઓએ આપેલા હજાર જેટલા રૂપિયા હતા.  ત્યારે મને ખબર પડી કે અહીં ડોલર નામની કરંસી વપરાય છે.  અહીં રૂપિયા કોઈ સ્વીકારતું જ નથી.  મારી પાસે એરપોર્ટથી જવા માટે ડોલર હતા જ નહિ.  તે સમયે વિદેશી વિદ્યાર્થીઓને મદદ કરવા માટેની સંસ્થા હતી.  તેના વૉલીનટીયર બધે બેસતા અને માર્ગ દર્શન આપતા. એ વોલિન્ટિયરે મારી એરપોર્ટથી ન્યૂ યોર્કના સેન્ટ્રલ બસ સ્ટેશન સુધીની ટિકિટ કઢાવી આપી. ત્યાંથી બસ લઈ મારે મોરિસટાઉન,  ન્યુજર્સી જવાનું હતું.  બસમાં મારી બાજુમાં એક માણસ ખુબ દારૂ પીને બેઠેલો.  તે મોટે મોટેથી ગીત ગાતો અને મને પૂછે કે યંગમેન, વુડ યુ લાઈક તો હેવ એ ગર્લફ્રેન્ડ ?  રસ્તામાં  એક બસ સ્ટોપ ઉપર તે ઉતરી ગયો ત્યારે મને કંઈક શાંતિ થઈ.  મોરિસટાઉન આવ્યું ત્યારે રાતના 8 વાગી ગયેલા.  મારે કોઈ અમેરિકન કુટુંબ સાથે હોમ હોસ્પિટાલિટી માટે બે દિવસ રહેવાનું હતું .

મને ખૂબ ગભરાટ થતો કે મારો સમાન ઉંચકીને આ કુટુંબનું ઘર કઈ રીતે શોધીશ?  બસમાંથી નીચે ઉતર્યો ત્યારે એક અમેરિકન આવીને મને પૂછે. કે આર યુ મિસ્ટર દિનેશ શાહ?  મેં હા પાડી તો એણે  પોતાની ઓળખાણ આપી કે મારુ નામ યુજીન ડેન્ટન છે અને એણે એની પત્ની અને બે નાની દીકરીઓની ઓળખાણ કરાવી.  એણે  કહ્યું કે પેલા વોલિન્ટિયરે તેમને ફોન કરી હું બસમાં બેસી ગયો છું તેમજ મારી બસ કેટલા વાગે મોરિસટાઉન આવશે તે જણાવેલું.  આ જાણીને મને અમેરિકામાં કઈ રીતે ફાસ્ટ કમ્યુનિકેશન થાય છે તેનો પહેલો અનુભવ થયો.  રાત્રે થાકી ગયેલો તેથી ખુબજ ગાઢ નિદ્રા આવી ગઈ.  મનમાં થતું કે  હાશ,  હવે અમેરિકા આવી ગયો.

સવારના ઉઠ્યો ત્યારે મિસિસ ડેન્ટને મને અમેરિકન  બ્રેકફાસ્ટ આપ્યો.  એક વાડકામાં કોર્નફ્લેક્સ, કાપેલું કેળું અને દૂધ આપ્યું.  મને પૂછ્યું કે તમે બોઈલ્ડ એગ લેશો તો મેં ના  પાડી કે હું વેજીટેરીઅન છું અને અમે ઈંડા  નથી ખાતા.  એમને ખુબ મૂંઝવણ થતી કે આ ભાઈને શું ખાવા આપવું?  મને ઈન્ડિયાના ગાંઠિયા, ખારી પુરી, ચવાણું, સેવો અને ગરમ ગરમ મસાલા વાળી  ચા યાદ આવી ગઈ. મેં ખુદ પોતાને યાદ કરાવડાવ્યું કે દિનેશ શાહ આ નવો દેશ છે, નવું ખાવાનું છે અને  નવું ભણવાનું છે એટલે જૂની વસ્તુ નહિ પકડી રાખવાની. સ્વાદના ગુલામ નહિ થવાનું. ગાંધીજી લીમડાના પાનની ચટણી ખાતા હતાં તે મેં યાદ કર્યું.

આ ઘરમાં મોટી બાથરૂમ તેમજ 10 બાય  4 ફૂટનો અરીસો અને લાઇટોની ઝમક મને સ્વર્ગ જેવું લાગ્યું.  ભારતમાં બાથરૂમને સજાવવાની કલ્પના જ નહોતી.  તેમજ હું તો ધર્માદાની હોસ્ટેલમાં રહીને ભણ્યો હતો એટલે બાથરૂમ સાવ સાદી  હતી. ત્યાર પછી બીજા બે દિવસ મારે મિસ્ટર અને મિસિસ હર્મેન્સની ત્યાં રહેવાનું હતું. એટલે એ લોકો મને એમની ઘેર લઈ ગયા.

અહીં પણ ખાવાનાનો મારે મોટો પ્રશ્ન હતો.  ભારતમાં મોસંબીનો રસ માંદા પડો ત્યારે પીવાનો થાય.  ભારતમાં મોસંબીના રસમાં મરી, મીઠું નાખીને મા પીવા આપે કે રસ વાયડો ના પડે.  તો મેં સવારના બ્રેકફાસ્ટમાં ઓરેન્જ જ્યુસમાં મરી અને મીઠું નાખ્યું તો ખૂબ આશ્ચર્યથી મારા યજમાન જોઈ રહ્યા કે હું શું કરી રહ્યો છું?  મેં તેમને ઇન્ડિયાની ગરમ અને વાયડો ખોરાક વિષે આપણી માન્યતાઓ સમજાવી.  બહાર સ્નો પડતો હોય તો પણ ઘરમાં બેસી અમેરિકનો આરામથી આઈસ્ક્રીમ ખાય તે મેં અહીં અનુભવ્યું. ઘરમાં એક કૂતરું પણ હતું અને બધા એને ખૂબ જ લાડ લડાવતા. અહીં કૂતરાની હોસ્પિટલ, મોટેલ, તેમજ દફન માટેના અલગ લોટ હોય છે.  ત્યારે ભારતના કૂતરાની ખરાબ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. એમની 8 માં ધોરણમાં ભણતી દીકરીને શનિવારે પાર્ટીમાં જવું હતું અને માબાપની ઈચ્છા નહોતી.  તો એની મમ્મીએ ઘણા કામ બતાવ્યા કે તારે હોમવર્ક કરવાનું છે, તારે પિયાનોની પ્રેકટીસ કરવાની છે, વગેરે, વગેર. લગભગ 45 મિનિટ રક્ઝક કરી. ત્યારે મને લાગ્યું કે ભારતમાં તો મા કે બાપ ના પડે એટલે પતી ગયું, આગળ વધારે કોઈ દલીલ કે વાત જ ના હોય.

એમની સાથે રવિવારે હું ચર્ચમાં ગયો.  પ્રાર્થના અને લેક્ચર પતિ ગયા પછી દરેક લાઈનમાં લોકો ઊભા થઈ સ્ટેજ ઉપર જાય એટલે પ્રિસ્ટ એક પ્યાલામાંથી કશુંક પીવડાવે. અને એક પ્લેટમાંથી કશું ખવડાવે.  મેં ધીમે રહીને મિસિસ હર્મેન્સને પૂછ્યું તો તેમને ખૂબ ધીમા અવાજે જવાબ આપ્યો. મને માત્ર એટલું સંભળાયું કે લોકો ફ્લેશ અને બ્લડ ઓફ જીસસ મોમાં મૂકી રહ્યા છે. તો મેં કહ્યું; “આઈ એમ નોટ કમિંગ ટુ  ધ પ્રિસ્ટ બિકોઝ આઈ એમ વેજીટેરીઅન!” મિસિસ  હર્મેન્સ તેમનું હસવાનું રોકી ના શક્યા . તેમણે પોતાના મોં પાર હાથ દબાવી રાખ્યો.  ચર્ચની બહાર  નીકળી તેમણે મને સમજાવ્યું કે પ્રિસ્ટ વાઈન તેમજ પોટેટો ચિપ્સ જીસસના ફ્લેશ અને બ્લડ તરીકે લોકોને આપતા હતાં .

રવિવારે સાંજે તેઓ મને કોલંબિયા યુનિવર્સીટીની હોસ્ટેલમાં મુકવા આવ્યા.  હું લિફટમાં મારા સામાન સાથે દાખલ થયો.  મિસિસ હરમેન્સે ગુડબાય કહેવા હાથ લંબાવ્યો. મેં શેકહેન્ડ કર્યું પણ મારો હાથ છૂટતો નહોતો. જેમ કોઈ મા પોતાના બાળકને બાલમંદિરમાં મુકવા જાય અને બાળક માનો હાથ ના છોડે તેવી મારી હાલત હતી. ચાર દિવસ જે ઉષ્મા અનુભવી હતી તે ખોવાની  હતી અને ફરીથી એકાકી જિંદગી  જીવવાની હતી.  નવી મુસીબતોનો સામનો કરવાનો હતો.  અકલ્પીત બનાવોનો અનુભવ કરવાનો હતો.

મારી રૂમની બારી એમસ્ટરડમ એવેન્યુ ઉપર પડતી. આખી રાત પોલીસ કારની સાયરન સંભળાયા કરતી. વેજીટેરીઅન હોવાથી મને કોલેજના કાફેટેરિયામાં ખુબ મુસીબત પડતી.  ભાત, બ્રેડ, બાફેલા ગાજર અને મેશ્ડ પોટેટો એટલું પ્લેટમાં લઈ ભોજન પૂરું કરતો. મુંબઈના મારા બાયોફિઝીક્સના પ્રોફેસર ડો. કે. એસ. કોરગાંવકરના એક અમેરિકન મિત્ર ડો. સીમોર લિવાઇન  ન્યૂયોર્ક ની નજીક કામ કરતાં હતા. તેમણે મને આ મિત્રનો ફોન નંબર આપેલો.  મેં  તેમને ફોન કર્યો અને અમે શનિવારે મળવાનું નક્કી કર્યું.  ડો. લિવાઇન કહે કે ક્યાં ડીનર  માટે જવું છે?  તેમણે મને ઇટાલિયન, ચાઈનીઝ, ઇન્ડિયન વગેરેની ચોઈસ આપી.

તે વખતે મેનહટ્ટનમાં માત્ર બે ભારતીય રેસ્ટોરન્ટ હતા. એક નું નામ કાશ્મીર અને બીજું હતું મહારાજા.  તો અમે કાશ્મીરમાં ગયા. દોઢ મહિના પછી પહેલી વાર ભારતીય મસાલાવાળું જમીને ખુબ આનંદ અને સંતોષ થયો.  એક મહિના પછી ડો. લિવાઇન ફરીથી મને મળવા આવ્યા અને પૂછ્યું કે ક્યાં જમવા જવું છે? તો મેં કહ્યું ચાલો ઈન્ડિયન રેસ્ટોરન્ટ માં જઈએ.  તો એમણે કહ્યું કે દિનેશ તને ખબર જ નહિ પડે કે બીજા દેશોના જમણ કેવા સ્વાદિષ્ટ હોય છે.  મને ખબર છે કે તું વેજીટેરીઅન છે તો હું તને જ્યુઈશ વેજીટેરીઅન રેસ્ટોરન્ટમાં લઈ જાઉં છું.  અમે આ રેસ્ટોરન્ટમાં બીટરૂટનો સૂપ, ચીઝઃબ્લિન્ટચીસ અને ચીઝ  કેક ખાધો.  આ બધી ડીશો મને ભાવી .  આ રીતે ડો. લિવાઇને મને બીજા દેશોનું ખાવાનું ખાતો કર્યો.  મને કહેતા કે બીજા લોકોને એ જે ભાવે છે તો તને કેમ ના ભાવે?  જીભને બીજા દેશનું જમવાનું એપ્રિસિએટ કરતા શીખવાડો.  અમેરિકામાં જન્મેલા મારા બાળકો તેમજ પૌત્રો અને પૌત્રીઓ બીજા દેશોનું જમવાનું મારા કરતા વધારે એપ્રિસિએટ કરે છે.   ભારતમાં હું માત્ર ગુજરાતી ખાવાનું ખાઈને રહેલો તેથી બીજા દેશોના જમણનો મને અનુભવ જ નહોતો. હું 45 દેશોમાં લેક્ચરો આપવા ફર્યો છું અને બધાજ દેશોનું ખાવાનું ખાધું છે તે મારું અમેરિકામાં રહીને થયેલું પરિવર્તન બતાવે છે.  દરેક દેશોમાં સારી સારી વેજીટેરીઅન વાનગીઓ  હોય છે.

બીજી સેમેસ્ટરમાં અમે બધા ક્યાં સમર જોબ કરવી તેના પ્લાન કરવા માંડ્યા.  મારા બન્ને રૂમપાર્ટનરોએ બ્રુકહેવન નામની પ્રખ્યાત નેશનલ લૅબોરેટોરીમાં એપ્લાય કર્યું. મને થયું કે આવી પ્રખ્યાત લેબ ફોરેન સ્ટુડન્ટને લેવાને બદલે અમેરિકન સ્ટુડન્ટ્સને લેશે. એટલે મેં એપ્લાય ના કર્યું.  મારા બન્ને રૂમ પાર્ટનરોને ત્યાં સમર જોબ મળી અને ખૂબ સારો અનુભવ મળ્યો.  આ બનાવથી મેં મનમાં ગાંઠ વાળી કે જિંદગીમાં કદાપી નેગેટિવ ના વિચારવું.  આ ગાંઠ હજુ સુધી મેં ઉકેલી નથી. સફળતાનાં વિચારો કરવાથી મને ઘણી જગાએ સફળતા પ્રાપ્ત થઈ છે.  એક અમેરિકન કહેવત જે મને ખૂબ ગમે છે તે અહીં ટાંકુ છું.   “વેન ગોઈંગ ગેટ્સ ટફ ઈટ ઇસ ટફ ગેટ્સ ગોઈંગ “.

હવે મેં કેમ્પસમાં જ કોઈ પ્રોફેસરની લેબમાં કામ શોધવા માંડ્યું. એક પ્રોફેસરે બીજાનું નામ સૂચવ્યું, બીજાએ ત્રીજાનું નામ સૂચવ્યું અને છેવટે પ્રોફેસર શૂલમનની લેબમાં સમર જોબ મળી.  એ વખતે તો મને ખબર પણ નહોતી કે આ બહુ પ્રખ્યાત અને જાણીતા પ્રોફેસર છે.  તેઓ મને ડો. જ્યોગ્રાફીની ગાઈડન્સ પ્રમાણે રિસર્ચ કરવાનું સમજાવી યુરોપ સમર માટે જતા રહ્યા.  આ પ્રોજેક્ટ મોનોમોલેક્યુલર ફિલ્મનો હતો.  મારી જાતે જૂના પ્રગટ થયેલા પેપરો વાંચીને આગળ કામ કરવાનું હતું. જયારે પ્રોફેસર શૂલમન યુરોપ થી પાછા આવ્યા ત્યારે મારા કામથી અને રિઝલ્ટથી ખુબ પ્રભાવિત થયા અને મને કામ ચાલુ રાખવા કહ્યું.   મેં મારી પી.એચ.ડીની રિસર્ચ ઉપર એક પ્રપોસલ લખી નેશનલ ફાઉન્ડેશનને સબમીટ કર્યું. એ ગ્રાન્ટ મંજુર થઈ ગઈ.  ચાર વર્ષમાં તેમના હાથ નીચે મેં પી.એચ.ડી નું સંશોધન પતાવ્યું.
******

અમે પાંચ, બે  બહેન તેમજ ત્રણ નાના ભાઈઓ એકબીજાની ખુબ નજીક હતા.  મારા માતુશ્રીના સંસ્કારસિંચનથી પરસ્પર ખૂબ પ્રેમ હતો.  બીજા ભાઈબહેનોને કેમ જલદી અમેરિકા બોલાવવા તે જ મારી ઝંખના હતી.  મારા અહીં આવ્યા પછી, ત્રણ વર્ષમાં મારો નાનોભાઈ ભુપેન્દ્ર અહીં કેમિકલ એન્જીનીયરીંગની ડિગ્રી લેવા આવ્યો.  મેં મુંબઈ 7 સપ્ટેમ્બર 1961 માં છોડેલું .  તેણે પણ 7 સપ્ટેમ્બર 1964 નાં દિવસે મુંબઈ છોડ્યું.  અમે બંને ભાઈઓ સાથે ન્યુયોર્કમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યાર પછી મારા બા અને સૌથી નાનોભાઈ વીરેન્દ્ર મુંબઈ છોડી  સપ્ટેમ્બર 1966માં  ન્યુયોર્ક આવ્યા. આ રીતે અમે ત્રણ ભાઈઓ અને મારા બા અહીં પાંચ વર્ષના ગાળામાં આવી ગયા.

મને પી. એચ. ડી મળી ગયા પછી મારા બાની  ઈચ્છા મને કોઈ સારી જીવનસાથી મળી જાય તે હતી.  મને કહે તું ભારત જઈને કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી આવ.  મને કોઈની સાથે અડધો કલાક વાત કરી, ‘હા’ અથવા ‘ના’  જવાબ આપી દેવો તે પસંદ નહોતું.  મારી ઓળખાણ કોઈ મિત્રને ત્યાં, સુવર્ણા  નામની છોકરી સાથે થઈ.  સુવર્ણા પેન્સિલ્વાનિયા સ્ટેટ યુનિવર્સીટીમાં પી.એચ.ડી  કરતી હતી.  મારા માતુશ્રીને આ છોકરી ખૂબ ગમી ગઈ.  તેનો હસમુખો ચહેરો, આનંદી સ્વભાવ, તેમજ ઘરકામની કુશળતા મારા બાને  સ્પર્શી ગઈ.  અનેક મુલાકાતને અંતે અમારા લગ્ન કોલંબિયા યુનિવર્સીટીના અર્લ હોલ માં લગભગ 125 વ્યક્તિઓની હાજરીમાં હિન્દૂ વિધિ પ્રમાણે તારીખ 6 એપ્રિલ 1968ના રોજ થયા . મારા પ્રોફેસરો, સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો ભારતીય તેમજ અમેરિકન આ પ્રસંગે હાજર હતા.  મારા બા માટે આ અવર્ણનીય આનંદનો પ્રસંગ હતો.

અચાનક એક દિવસ પ્રોફેસર શુલમન ઉપર નાસાના એક અધિકારીનો પત્ર આવ્યો.  તેમાં લખેલું કે અમારી સરફેસ કેમિસ્ટ્રીની બહુ પ્રતિષ્ઠિત લેબોરેટરી છે પણ તેના મુખ્ય વૈજ્ઞાનિક નિવૃત થયા છે.  અમારે કોઈ વ્યક્તિની જરૂર છે કે જે આ ફેસિલિટી વાપરી શકે અને સારું સંશોધન કરી શકે. તમારી લૅબોરેટરીના ડો. દિનેશ શાહના તાજેતરમાં પ્રગટ થયેલા પેપરો અમે વાંચ્યાં  છે અને જો તેમને અહીં નાસામાં કામ કરવાની ઈચ્છા હોય તો અમે તેમને રેસિડન્ટ રિસર્ચ અસોસિએટશીપ આપવા તૈયાર છીએ.  પ્રોફેસર શુલમને કહ્યું   કે નાસામાં તમને ઘણું નવું શીખવાનું મળશે તેમજ તમે સરફેસ કેમિસ્ટ્રીને લગતા નાસાના પ્રશ્નો ઉકેલી શકશો. એટલે મેં નાસામાં જવાનું નક્કી કર્યું.

સપ્ટેમ્બર 1967 માં હું નાસાના એમ્સ રિસર્ચ સેન્ટર, કેલિફોર્નિયામાં જોડાયો.  અહીં મને ખૂબ નવું શીખવાનું અને જાણવાનું મળ્યું.  ખાસ કરીને પૃથ્વીની જીવનકથા જાણવાની તક મળી.  પૃથ્વીની શરૂઆત ક્યારે થઈ, તેમજ પ્રાણવાયુ કઈ રીતે પેદા થયો, તેમજ જીવંત પ્રાણીઓની શરૂઆત ક્યારે થઈ.  પૃથ્વીના શરૂઆતના તબક્કાને  વૈજ્ઞાનિકો કેમિકલ ઈવોલૂશન કહે છે. મેં નાસામાં કઈ રીતે પૃથ્વી પર મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર પેદા થયા હશે તેના ઉપર સંશોધન કર્યું.  તે ઉપરાંત પાણીનું બાષ્પીભવન ઓછું કરવું તેના ઉપર સંશોધન કર્યું. આ માટે મેં એક મોલીક્યુલ ઊંચાઈની  ફિલ્મ પાણીની સપાટી ઉપર પાથરી હતી.

એમ્સ રિસર્ચ સેન્ટર, સ્ટેનફર્ડ યુનિવર્સીટીના કેમ્પસથી લગભગ ત્રણ મેલ દૂર હતું.  આને લીધે હું ઘણીવાર સ્ટેનફોર્ડ યુનિવર્સીટીની મુલાકાતે જતો. ત્યાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં ઘણા ભારતીયો મારા મિત્રો બની ગયા. દર રવિવારે હું આ કેમ્પસમાં ન્યુયોર્ક ટાઈમ્સનું છાપું લેવા જતો. એક પારસી મિત્રે મારા લગ્ન માટે ફાઈન બ્લુ સૂટ ખરીદવામાં મદદ કરી હતી.  અહીં એરોસ્પેસ અને ફાર્મસીમાં કામ કરતા અનેક મિત્રો થઈ ગયા. લગ્ન પછીનું પહેલું વર્ષ અમારું બહુ આનંદભર્યું અહીં પસાર થયું. દરેક વીકેન્ડમાં ક્યાં તો અમારી ત્યાં ડીનરપાર્ટી થતી અથવા કોઈ બીજા મિત્રની ત્યાં થતી.  બીજા વર્ષે કોલંબિયા યુનિવર્સીટીએ મને બાયોલોજિકલ ઓસનોગ્રાફી ડિવિઝન માં હેડ ઓફ સરફેસ કેમેસ્ટ્રી લૅબોરેટરીની ઓફર આપી.  તેમજ મારા માતુશ્રી અને બંને ભાઈઓ અમને મિસ કરતા હોવાથી અમે નાસા છોડી ન્યુયોર્ક પાછા ફરવાનું નક્કી કર્યું.  અમે 3500  માઈલ કર ચલાવી આખું અમેરિકા જોતાંજોતાં તેમ જ વચ્ચે અનેક મિત્રોને મળતાં ન્યુયોર્ક આવી ગયા.

બાયોલોજીકલ ઓસનોગ્રાફી ડિવિઝનમાં મારે નવી લેબ સેટ કરવાની હતી.  સંશોધન માટેના ટેબલો તેમજ મારી ઓફિસ અને સેક્રેટરીની ઓફિસ વી મારી દેખરેખ નીચે કરાવ્યું. આ પણ ઘણો સારો અનુભવ હતો.  પેટ્રીસીયા કિલિઅન નામની સેક્રેટરીને મારી ઓફિસનું  કામ કરવા રાખી.  બે ટેક્નિશિયન સંશોધન કરવા રાખ્યા.  તે સમયે દરિયામાં ઓઈલથી ભરેલા બે વહાણો તૂટી ગયા  હતા અને દરિયામાં માઈલો સુધીની ઓઈલ સ્પીલ થઈ હતી.  તો આ ઓઈલને કઈ રીતે એકદમ નાના બિંદુ કરી તેને કઈ રીતે બાયો ડિગ્રેડેશન કરવું તેના માટે મેં રિસર્ચ પ્રોપોસલ ઍન્વીરેન્ટલ એજન્સીમાં મોકલ્યું.  ત્યાર બાદ છ સપ્તાહનું વેકેશન લઈ અમે પહેલી વાર 1969માં ભારત ગયા.  આઠ વર્ષમાં ભારત બહુજ બદલાયેલું લાગ્યું. મુંબઈ ખૂબ  જ ગીચ વસ્તીવાળું લાગ્યું.

અમે ફોન કરી માધુરીબેન દેસાઈને મળવા ગયા કે જેમની મદદથી હું કપડવંજથી નાસા સુધી પહોંચ્યો હતો.  તેમણે ઘણાં પ્રેમથી અમને આવકાર્યા . વાતવાતમાં તેમણે કહ્યું કે અમારા માનવામાંજ નથી આવતું કે 8 વર્ષ પહેલા તમે કૈંક કામ શોધવા અમારી ત્યાં આવ્યા હતા અને આજે તમે કોલંબિયા યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી થઈ નાસા સુધી પહોંચી ગયા.  અમે તમારા માટે ખુબ ગૌરવ અનુભવીએ છીએ.  તેમણે સુવર્ણાને સાડી તેમજ થોડા સોનાના દાગીના આપ્યા તેમ જ મને બેરિસ્ટર ભૂલાભાઈનું હાથમાં પહેરવાનું ઘડિયાળ ભેટમાં આપ્યું.  મને કહે કે આ ઘડિયાળ પપ્પા માટે લંડનથી ખરીદેલું. થોડા સમય પછી એમની સાથે કારમાં અમને વલસાડ તેમની વાડી જોવા લઈ ગયા. ચણવાઈમાં આ વાડી ભુલાભાઈ દેસાઈની વાડી તરીકે ઓળખાય છે. આ વાડીના ચીકુ તેમજ કેરી તાજમહાલ હોટેલમાં મુંબઈ મોકલવામાં આવતી હતી.

મારા સાસરિયા પક્ષે કોઈએ મને જોયેલો નહિ. મુંબઈથી દાહોદ અમે ટ્રેનમા ગયા.  દાહોદ સ્ટેશને ઉતર્યા ત્યારે સુવર્ણાના મામા હારતોરા લઈને મારુ સ્વાગત કરવા આવેલા. સુવર્ણાના અનેક સગાઓ મને લેવા દાહોદ સ્ટેશને આવેલા.  એક કારમાં  બેસી 18 માઈલ દૂર અમે ઝાલોદ નામના ગામમાં પહોંચ્યા.  સુવર્ણાના પપ્પા મમ્મીએ મને આવકાર્યો. સુવર્ણા આ ગામની હાઈસ્કૂલમાં એસ.એસ.સી. સુધી ભણેલી.  એના ચહેરા ઉપર પણ આનંદ ઉભરાતો હતો. સુવર્ણાના મામા મોટી ટ્રકમાં બધા સંબંધીઓ સાથે ઘણા પિક્નીકના સ્થળો જોવા લઈ ગયેલા.

ત્યાર પછી અમે કપડવંજ ગયા અને ત્યાં પણ અમારું ભાવભીનું સ્વાગત થયું.  મારી શાળામાં વિદ્યાર્થીઓ માટે નાસાને લગતું એક પ્રવચન ગોઠવાયેલું.  અમે મારા બાને સાથે લઈ ગયેલા અને પાછા આવવા માટે તેમને નવો વિઝા લેવો પડે.  અમેરિકન ઓફિસરે પાસપોર્ટ જોઈને કહ્યું કે તમે ગઈ વખતે છ મહિનાના વિઝા ઉપર ત્રણ વર્ષ રહી આવ્યા એટલે હવે તમને નવો વિઝા ના આપી શકાય. વાતવાતમાં ઓફિસરે પૂછ્યું તમે ત્યાં શું કરો છો?  તો મારી પાસે આગલા દિવસે ટપાલમાં મારી સેક્રેટરીએ મોકલેલું ન્યુઝપેપરનું કટિંગ હતું. જેમાં મારા ફોટા સાથે ન્યુઝ હતા  કે મને સરકાર તરફથી નેવું હાજર ડોલરની રિસર્ચ ગ્રાન્ટ મળી છે. આ કટિંગ મેં તેમને બતાવ્યું.  તેમનો ટોન એકદમ બદલાઈ ગયો. મને કહે, “ડોક્ટર શાહ, આઈ નો યોર ક્લચર.  યુ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ.  આઈ વિલ ગીવ યુ ધ ફોર્મ્સ ફોર પરમેનન્ટ રેસિડેન્ટ વિઝા ફોર યોર મધર સો શી કેન સ્ટે વિથ યુ એસ લોન્ગ એસ શી વોન્ટ્સ. ” ત્યારે મને એક કહેવત યાદ આવી,  સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સરવતે પૂજ્યતે!  મારા બાને બે મહિનામાં પરમેનન્ટ રહેવાનો વિઝા મળી ગયો અને અમેરિકા અમારી સાથે રહેવા આવી ગયા.

મારુ સંશોધનનું કામ સારું ચાલતું હતું.  પરંતુ મારા એક મિત્રે સલાહ આપી કે જો તારે ભવિષ્યમાં પ્રોફેસર થવુ હોય તો તું કોઈ યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઈન થઈ જા .  તારા બહુ રિસર્ચ પેપરો પ્રગટ થશે તો તને ટીચિંગ પોઝિશન નહિ મળે.  યુ વિલ બે ઓવર ફવોલિફાઈડ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર પોઝિશન.  મેં મારી સેક્રેટરીને વાત કરી કે મારે સો યુનિવર્સીટીમાં ટીચિંગ જોબ માટે એપ્લાય કરવું છે.  આ વાત ખાનગી રાખવાની છે.  નહીં તો મારા પર જોબ ના છોડવા માટે બહુ દબાણ આવે.  મેં જુદાજુદા વિષયોમાં લગભગ સો ડિપાર્ટમેન્ટ્સમાં એપ્પ્લીકેશન મોકલી.  80 ના જવાબ જ ના આવ્યા. 19 જગાએથી તમારું રેઝ્યુમે ખુબ ઈમ્પ્રેસીવ છે પરંતુ અમારી પાસે કોઈ ઓપનિંગ નથી.

એક ફ્લોરિડા યુનિવર્સીટીમાંથી એવો જવાબ આવ્યો કે અમારી પાસે બજેટ નથી પરંતુ તમારું રેઝ્યુમે અમને ખુબ ગમ્યું અને તમે ભવિષ્યમાં આ બાજુ આવો તો અમારા ડિપાર્ટમેન્ટમાં સેમિનાર આપજો.  મેં તરત જવાબ આપ્યો કે હું ફ્લોરિડા વિઝીટ કરવાનો છું અને તમારા બંને ડિપાર્ટમેન્ટમાં સેમિનાર આપીશ.  તો હું મારા ખર્ચે ગેઈન્સ્વીલ, ફ્લોરિડા ગયો અને  ત્યાં એનેસ્થેસિઓલોજી અને કેમિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં બે લેક્ચર આપ્યા.  તે લોકોને મારા સેમિનાર ખુબ ગમ્યા.  એક અઠવાડિયામાં મારા ઉપર મારી નિમણૂંક આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ એનેસ્થેસિઓલોજી અને કેમિકલ એન્જીનીયરીંગ થઈ છે તેવો પત્ર આવી ગયો.  મારી સેક્રેટરી પેટ્રીસીયા કિલિઅન હજુ પણ દર વર્ષે મારા જન્મદિવસે મને ફોન કરે છે અને શુભેચ્છા પાઠવે છે.  એને ખબર હતી કે હું જઈશ તો એની જોબ જતી રહેશે તો પણ એણે  મારા માટે સો એપ્લિકેશન ટાઈપ કરી. એનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે.

મેં પી.એચ.ડી  બાયોફિઝીક્સમાં કોલંબિયા યુનિવર્સીટીમાં કરેલું.  મારા માટે કેમિકલ એન્જીનીયરીંગ અને એનેસ્થેસિઓલોજી બંને નવા વિષયો હતા.  મેં મારા નાનાભાઈ ભુપેન્દ્ર સાથે કેમિકલ એન્જીનીયરીંગના મુખ્ય વિષયો અંગે ચર્ચા કરી અને કઈ રીતે સરફેસ કેમિસ્ટ્રીનો ઉપયોગ કેમિકલ એન્જીનીયરીંગમાં થઈ શકે તે માટે વાર્તાલાપ કર્યો.

લાઈબ્રેરીમાંથી કેમિકલ એન્જીનીયરીંગની ટેક્સટબુકો વાંચવા  ઘેર લઈ આવ્યો.  મને જે ભણાવવાની તક મળી હતી તેનો પુરે પૂરો સદુપયોગ કરવો હતો.  મેં પહેલો કોર્સ ઈન્ટરફેસિઅલ ફીનોમેના  ઈન એન્જિનિરીંગ ઉપર આપ્યો.  તેમાં સરફેસ ટેન્શન અને સર્ફેક્ટન્ટ ટાઈપના કેમિકલનો શું ઉપયોગ થાય છે તે સમજાવ્યું.  વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન બતાવતો કોર્સ ભણવાની ખુબ મજા આવી.  તેમજ હું પુરેપુરા ઉત્સાહથી બધું સમજાવતો હતો.  કોર્સના છેલ્લા લેક્ચરમાં એક વિદ્યાર્થીની ડીનની ઓફિસમાંથી ફોર્મ લઈ આવી  અને બધાં વિદ્યાર્થીઓને ભરવાનું કહ્યું.  તેમાં લગભગ 25 સવાલો હોય અને શિક્ષકનું મૂલ્યાંકન કરવાનું હોય.  દરેક સવાલના જવાબમાં 1 થી 5 માર્ક આપવાના હોય.  પછી બધા ફોર્મ ભેગા કરી એ વિદ્યાર્થી ડિનની ઓફિસમાં આપી આવે.

આ કોર્સ પત્યા પછી હું મારી કારમાં સુવર્ણા તેમજ મારી બે વર્ષની બેબીને લઈ સેન્ટલૂઇસ કેમિકલ એન્જીનીયરીંગની વાર્ષિક મિટિંગ એટેન્ડ કરવા ગયો.  આ મિટિંગમાં મારે મારુ રિસર્ચ પેપર રજુ કરવાનું હતું. મિટિંગના બીજા દિવસે મારી સેક્રેટરીનો ફોન આવ્યો કે પ્રેસિડેન્ટની ઓફિસમાંથી ફોન આવ્યો છે કે આખી યુનિવર્સીટીમાં તમારા વિદ્યાર્થીઓએ તમારા ટીચિંગને સૌથી વધારે માર્ક આપ્યા છે અને તમને સ્ટાન્ડર્ડ ઓઈલ ઓફ ઈન્ડિયાના ફાઉન્ડેશનનો એક હાજર ડોલરનો ચેક અને પ્લેક યુનિવર્સીટી સેનેટની મિટિંગમાં આપવામાં આવશે.  વચ્ચે માત્ર 30 કલાક હતા પણ હું અને સુવર્ણા બેબી બીજલ સાથે કારમાં ગેઈન્સવિલ જવા નીકળી ગયા. પાંચ હજાર પ્રોફેસરોમાં મને મારા પહેલા જ કોર્સમાં  બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો તેનો અદભુત આનંદ હતો.  વીસ કલાક સતત કાર ચલાવી ઘેર આવી ગયા. ત્રણ કલાક ઊંઘ લઈ સેનેટની મિટિંગમાં હું, સુવર્ણા અને બીજલ ગયા.  મને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યો.  તો મારી પાછળ બીજલ પણ દોડીને સ્ટેજ ઉપર આવી ગઈ અને મારી બાજુમાં ઊભી રહી. પ્રેસિડેન્ટે  મને ચેક અને પ્લેક આપ્યા ત્યારે બધાંએ તાળીઓ પાડી અને મારી બાજુમાં ઊભી રહીને બીજલે પણ તાળીઓ પાડી. મારા વિદ્યાર્થીઓને પણ અનહદ આનંદ થયો. મને 5 માંથી 4.9 એવરેજ માર્ક ટીચિંગ સ્કિલ માટે મળ્યા હતા.  બીજા દિવસે લંડનના એક પ્રખ્યાત પ્રોફેસર મને મળવા આવ્યા હતા.

તેમણે આ એવોર્ડ મારા ટેબલ પર જોયો તો મને કોંગ્રેચ્યુલેશન કહ્યા.  પછી મને કહ્યું કે ડો. શાહ હું તમને શાને માટે અભિનંદન આપું છું તે જાણવું છે?  એટલે મેં હા પાડી.
તો એમણે કહ્યું કે; “તમારી માતૃભાષા ગુજરાતી છે અને છતાં તમે અંગ્રેજીમાં ભણાવી બેસ્ટ ટીચરનો એવોર્ડ મેળવ્યો.  તમારા કોઈ અમેરિકન પ્રોફેસર ઈન્ડિયા જઈ ત્યાં ગુજરાતીમાં ભણાવી બેસ્ટ ટીચરનો એવોર્ડ લાવે? આ કારણથી તમને અભિનંદન આપું છું.”

આ રીતે જોતજોતામાં 35 વર્ષ નીકળી ગયા.  આ ગાળાના મુખ્ય બનાવો નીચે ટૂંકમાં લખ્યા છે.
૧. મને દર વર્ષે કોઈને કોઈ એવોર્ડ મળતા જ રહ્યા . મને પાંચ વર્ષના ટૂંક સમયમાં ફૂલ પ્રોફેસરની પદવી મળી કે જેના માટે 10 થી 14 વર્ષ લાગે.  આખી યુનિવર્સીટીના ઈતિહાસમાં મારુ પ્રમોશન સૌથી ઝડપી હતું.
૨. 1974માં અમેરિકા સામે આરબ ઓઇલ એમ્બારગો થયો.  ઓઈલની ખોટ દૂર કરવા મેં એક પ્રપોસલ નેશનલ સાયન્સ ફાઉન્ડેશનને લખ્યું.  આ રિસર્ચ પ્રોજેક્ટને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તેમજ 30 ઓઇલ અને કેમિકલ કંપનીઓનો આર્થિક સહકાર મળ્યો.  આ પ્રોજેકટ થી અમારી યુનિવર્સીટી તેમજ અમારું ડિપાર્ટમેન્ટ આખા દેશમાં ખુબ પ્રસિદ્ધિ પામ્યા.
૩. 1988માં મને ફ્લોરિડા સાયન્ટિસ્ટ ઓફ ધ ઈયર એવોર્ડ મળ્યો. 1992માં મને ફ્લોરિડા બ્લુ કી એવોર્ડ મળ્યો અને મને હોમકમીંગ પરેડના ગ્રાન્ડ માર્શલ બનાવી પરેડમાં મને તેમજ સુવર્ણાને ગામમાં ફેરવ્યા.
૪. એક મલ્ટી ડિસીપ્લીનરી સેન્ટર ફોર સરફેસ સાયન્સ અને એન્જિનિયરિંગ ની સ્થાપના 1984 કરી. યુનિવર્સીટીએ મને આ સેન્ટરનો ડાયરેક્ટર બનાવ્યો.
૫. 1987 થી 1991સુધી મેં કેમિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી.
૬. 1996માં મને ઘી ફર્સ્ટ ચાર્લ્સ સ્ટોક્સ પ્રોફેસરનું શીર્ષક અથવા બહુમાન મળ્યું. ચેર પ્રોફેસર એ સૌથી ઊંચું ટાઈટલ એકેડેમિક દુનિયામાં છે.
૭. 1989માં બે મહિનાના ટૂંકા ગાળામાં અમારી યુનિવર્સીટીના ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો. આ બનાવોથી ગામના બધા ભારતીયો હચમચી ઉઠેલા.

અમે એક મિટિંગ બોલાવીને નક્કી કર્યું કે આપણે ઈન્ડિયા સ્ટુડન્ટ સેન્ટર બનાવીએ. મને આ સંસ્થાનો પ્રમુખ બનાવ્યો અને પાંચ વ્યક્તિઓની કારોબારી નીમી. અમે આઠ વર્ષ ખૂબ મહેનત કરી આઠ લાખ ડોલર ભેગા કરી, એક મોટું મકાન વિદ્યાર્થીઓને મળવા માટે બનાવ્યું. આ મકાનમાં પહેલો પ્રસંગ બીજલના લગ્નનો હતો. તેનું ખાતમહૂર્ત  ભારતના એમ્બેસેડર સિદ્ધાર્થ શંકર રે ના હસ્તે થયું હતું અને ઉદ્ઘાટન ડો. સી. કુમાર પટેલના હસ્તે થયું.  આ મકાનમાટે ફંડ ભેગું કરવા હું અને સુવર્ણા ફ્લોરિડાના ઘણા ગામોમાં ફરેલા. આ કારણથી જયારે કોઈ ભારતીય પોતાના દીકરા કે દીકરીને અમારા કેમપસ ઉપર મુકવા આવે ત્યારે અચૂક મને મળવા આવે અને પોતાના દીકરા કે દીકરીને અમારા સંપર્કમાં રહેવા કહે.

પ્રોફેસરની  કારકિર્દીનો એક પ્રસંગ મને કાયમ યાદ રહેશે.  મારા એક વિદ્યાર્થીની સાથે બેસીને તેની પી.એચ.ડી. નો નિબંધ હું વાંચી રહ્યો હતો.  મેં તેને થોડા સુધારા કરવા કહ્યું તે એને ના ગમ્યું. તો એણે કટાક્ષમાં મને કહ્યું કે ડો. શાહ તમે આટલા સ્માર્ટ છો તો તમને હજુ સુધી  કેમ નોબેલ પ્રાઈઝ નથી મળ્યું?  હું તો ડઘાઈ જ ગયો.  મેં એવું વર્તન કોઈ વિદ્યાર્થીનું જોયું જ નહોતું.  મેં શાંતિથી એને જવાબ આપ્યો, કે ભારતમાં એક કહેવત છે કેઃ ગુરુ કરતાં ચેલા સવાયા.  મને નોબેલ પ્રાઈઝ ભલે ના મળ્યું પણ આશા રાખું છું કે ભવિષ્યમાં તને મળે.  તારા સવાલનો બીજો જવાબ એ છે કે ભવિષ્યમાં આવું વાક્ય તારા કોઈ પણ બોસને ના કહેતો. મારા જેટલી સહનશક્તિ, ધીરજ અને સંયમ બીજાનામાં હોય તે શક્યતા ઓછી છે.  બાકી બીજા કોઈ પ્રોફેસરે તને કહ્યું હોત  કે જા,  તું બીજો કોઈ પ્રોફેસર શોધી લે હું તારી થીસીસ પર  સહી નહિ કરું.  તો તું શું કરતો?  બીજા કોઈ પ્રોફેસર તને ના લેતા કારણ કે બધાને મારો સ્વભાવ ખબર છે કે મારા બધાં જ વિદ્યાર્થીઓને  હું સારી રીતે ગાઈડ કરું છું.”

એનું પી.એચ.ડી. પતી  ગયું અને જોબ પણ એક મોટી કંપનીમાં મળી ગઈ. વર્ષો પછી મારી યુનિવર્સીટીએ મારા માર્ગદર્શન નીચે થયેલા વિદ્યાર્થીઓને  મારા વિષે અભિપ્રાય લખવા જણાવ્યું.  દર વર્ષે અમારી યુનિવર્સીટી પાંચ હજારમાંથી એક પ્રોફેસરને ટીચર-સ્કોલર ઓફ ધ ઈયર એવોર્ડ આપે છે.  તેના માટે દરેક કેન્ડિડેટના વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરે અને અભિપ્રાય મેળવે. તે વર્ષે મને ટીચર-સ્કોલર ઓફ ધ ઈયર નો એવોર્ડ મળ્યો. યુનિવર્સીટીએ મને મારા બધા વિદ્યાર્થીઓએ લખેલા પત્રોની એક કોપી મોકલી. એમાં સૌથી સારો અભિપ્રાય આ વિદ્યાર્થીનો હતો. તેણે લખ્યું હતું કે ડો. શાહ માત્ર વિજ્ઞાનના જ ટીચર-સ્કોલર નથી પણ જીવનના દરેક પાસાના  ટીચર સ્કોલર છે.

1986 માં ગુજરાતના પ્રખ્યાત ગાયક અને સ્વર નિયોજક પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે મારી ત્યાં પ્રોગ્રામ આપવા આવેલા.  મેં તેમને મારા લખેલા ગીતો બતાવ્યા. એમને મારા બે ગીત ખૂબ ગમ્યા અને સાંજે પ્રોગ્રામમાં સુંદર સ્વરનિયોજન કરી ગાયા.  મારે એમની સાથે માધુરીબેને મને મદદ કરેલી તે વાત પણ થઈ.  ત્યારે તેમણે મને કહ્યું કે 1986માં તમારે અમેરિકા આવે 25 વર્ષ પુરા થાય છે તો તમે મુંબઈમાં માધુરીબેનની સ્મૃતિમાં તમારા જ લખેલા ગીતોનો એક કોન્સર્ટ કરો.  મને આ વિચાર ખુબ ગમ્યો. મેં કહ્યું કે અમે ચારે, હું, સુવર્ણા , બીજલ અને પ્રેરક મુંબઈ આવીશું અને કોન્સર્ટની બધીજ વ્યવસ્થા તમે કરજો.

ઓગસ્ટ. 9, 1986 ના રોજ “પરબ તારા પાણી” નામનો કોન્સર્ટ મુંબઈમાં ભારતિય વિદ્યાભવનમાં થયો.  પરુષોત્તમભાઈ, આશિત દેસાઈ અને સુરેશ દલાલે ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો.  મુંબઈ સમાચાર, જન્મભૂમિ, વગેરે ન્યુઝપેપરોમાં કોન્સર્ટના ખુબ વખાણ સાથે માહિતી આવેલી.  માધુરીબેનને અંજલિ આપવા અમેરિકાથી ફેમિલી સહીત હું મુંબઈ આવ્યો તેની પણ નોંધ થયેલી.

કોઈ પણ વ્યક્તિ એક ગામથી બીજે ગામ ઉનાળામાં જતી હોય ત્યારે રસ્તામાં પાણીની પરબ આવે. લોકો ત્યાં બેસી પાણી પી આગળ વધે. પાણી બધાને મફત અપાતું. મને એમાં છુપાયેલું રહસ્ય સમજાયું.  દરેક માનવી જીવનમાં બે ગામ વચ્ચે મુસાફરી કરે છે.  એક ગામનું નામ જન્મ અને બીજા ગામનું નામ મૃત્યુ.  આ મુસાફરીમાં આપણે સૌ ઘણી પરબના પાણી પીતાં હોઈએ છીએ.  એ પાણી સગા, સ્નેહી, મિત્રો કે અજાણ માણસની મદદ રૂપે હોઈ શકે જેમ માધુરીબેને મને મદદ કરેલી.  આ કોન્સર્ટના બધા ગીતો મારા લખેલા હતાં . જયારે આપણે કેરીનો મીઠો રસ માણતા હોઈએ ત્યારે એટલું યાદ રાખવાનું. કે આ આંબા બીજાએ વાવેલા અને આપણે એના ફળોનો આનંદ માણીએ છીએ.  આપણે પણ ભાવિ પેઢી માટે આંબા  વાવવા જોઈએ.  યોગ્ય સમયે આપણે પણ પરબ બેસાડવી જોઈએ મુસાફરોની તરસ છીપાવવા.
1995 અને 1996 માં અમારા બંને બાળકોનાં લગ્ન થયાં. પ્રેરકના લગ્ન સલિના મેહતા સાથે થયા અને બીજલના લગ્ન અસીમ મહેતા સાથે થયા.  બે વર્ષમાં અમે દાદા અને દાદી થઈ ગયા.

1999માં અચાનક સુવર્ણને કેન્સર થઈ ગયું.  આ બ્રેઈન ટ્યૂમર ન મટે તેવું હતું.  સર્જરી, કિમોથેરાપી બધું જ કરાવ્યું પણ અંતે ઓગસ્ટ 28, 2000 ના રોજ એનો સ્વર્ગવાસ થયો.  અમારા જીવનમાં જે આનંદનો નાયગરા ધોધ હતો તે કાયમ માટે બંધ થઈ ગયો.  હવે માત્ર એ આનંદના ધોધની યાદોથી જીવવાનું થયું.  મને થયું કે હવે સુવર્ણા  નથી તો મારે બધી જવાબદારી ઉપાડવી જોઈએ.  તેથી 2005માં મેં જૉબમાંથી નિવૃત્તિ લીધી. જેથી બાળકોને ત્યાં ગમે ત્યારે જવામાં સરળતા રહે.  બંનેને ત્યાં ત્રણ ત્રણ બાળકો થયા. પ્રેરકને ત્યાં ત્રણ દીકરા અને  બીજલને ત્યાં બે દીકરી અને એક દીકરો છે.

ભારતમાં હું બાલમંદિરથી એમ.એસ.સી સુધી ભણ્યો.  મારી આ વર્ષોની ફી સો ડોલર કરતા પણ ઓછી હતી. તો આ શાળાઓં અને કોલેજો ચલાવવાનો ખર્ચ સરકાર અને જાહેર સંસ્થાઓ ઉપર પડતો. દાતાઓ મોટામોટા દાન શાળા અને કોલેજો સ્થાપવા આપતા. મને હંમેશા ડંખતું કે મેં ભારતનું આ ઋણ ચુકવ્યું નથી. હજુ મારી તંદુરસ્તી સારી હતી, મને સંશોધનના સારા સારા વિચારો આવતા હતા.  એટલે મેં નક્કી કર્યું કે ભારતમાં કંઈક એજ્યુકેશન માં ફાળો આપું.  મેં ભારતની મુલાકાત લીધી અને મને ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટી સારી લાગી.  મેં એના પ્રમુખ સાથે વાત કરી કે હું તેમના કેમ્પસ ઉપર એક સરફેસ સાયન્સ અને નેનોટેક્નોલોજીનું રિસર્ચ સેન્ટર બનાવી આપું. તે ઉપરાંત મારે પગાર નથી લેવો.  યુનિવર્સીટી મારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપે.

અમેરિકા આવી મારા બાળકોને વાત કરી તો બંને બાળકોએ મને છ મહિના ભારતમાં અને છ મહિના અમેરિકામાં  રહેવા  સૂચન કર્યું કે જેથી થોડો સમય એ લોકો સાથે  પણ   રહી  શકું.  આ રીતે 2007 થી 2017 સુધીના દસ વર્ષ ગેઇન્સવિલ અને નડિયાદ વચ્ચે છ છ મહિને આવજા કરી. ડો. પી. એ. જોશી અને શીતલ પટવા નામની બે વ્યક્તિઓએ મને ઘણી મદદ કરી.  મારે આ સેન્ટર કરવા માટે નવ કરોડ રૂપિયાની જરૂર હતી. આ માટે અમે ત્રણ ભાગીદાર ઊભા કર્યા.  ગુજરાત સરકાર, ડી.ડી. યુનિવર્સીટી  અને દસ મોટી કંપનીઓ. આ દસ કંપનીઓ સલાહકાર સમિતિ બનાવી સેન્ટરને સલાહ સૂચન આપે. યુનિવર્સીટી મકાન, સ્ટાફ અને ફેકલ્ટી મેમ્બરો અને વિદ્યાર્થીઓ  આપે. ગુજરાત સરકાર સાડા ત્રણ કરોડ રૂપિયા જુદા જુદા ઈન્સ્ટ્રુમેન્ટસ ખરીદવા આપે. સારા નસીબે આ ત્રણે ભાગીદારો સંમત થયા અને ત્રણ વર્ષમાં સેન્ટર સ્થપાઈ ગયું.  મારા કામની કદર રૂપે યુનિવર્સીટીએ આ સેન્ટરને મારુ નામ આપવાનું સૂચન કર્યું તો મેં સાથે મારા પ્રોફેસર શૂલમનનું નામ જોડવા વિનંતી કરી.  મારા જ્ઞાન તેમજ અનુભવમાં તેમનું પ્રદાન ઘણું મોટું હતું. આ પ્રમાણે આ સેન્ટરનું નામ શાહ-શૂલમન  સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેક્નોલોજી રાખ્યું.

દસ વર્ષ નડિયાદમાં ગાળ્યા તેમાં ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું, જેમ કે;
૧. ભારતમાં ઉતાવળથી કશું જ ના થાય. તમારે ખુબજ ધીરજ રાખવી પડે.
૨. હજુ દયા જેવી વસ્તુ છે. માણસાઈ જેવી વસ્તુ છે.
૩. વિદ્યાર્થીઓ શિક્ષકોનું માન રાખે છે.
૪. ગાય , બકરી, ગધેડા, અને કુતરા હજુ રસ્તા ઉપર છુટા રખડે છે.
૫. લોકો દોડાદોડી કરે છે પણ કામ એકદમ ધીમું થાય છે. એફીસીયંસીમાં કોઈ માનતું જ નથી.

ડી.ડી.યુનિવર્સીટીમાં દસ વર્ષમાં નીચેના પ્રોજેક્ટો પૂરા કર્યા.
૧. દસ વિદ્યાર્થીઓને પી.એચ.ડી નુ સંશોધન કરાવ્યું. 8 ફેકલટીને સરફેસ સાયન્સ અને નેનોટેચાનોલોજીમાં માહિતગાર કર્યા.
૨. 45 થી વધુ રિસર્ચ પેપરો ઈન્ટરનેશનલ જર્નલોમાં પબ્લિશ કર્યા.
૩. એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજી તેમાં 16 જાણીતા પરદેશી વૈજ્ઞાનિકોને આમંત્રણ આપી બોલાવેલા.
૪. પાંચ કરોડ રૂપિયાના સરફેસ સાયન્સ અને નેનોટેક્નોલોજીના મશીનો વળી લેબ તૈયાર કરી.
૫. સંશોધનના પ્રોજેક્ટો દ્વારા લગભગ 15 કંપનીઓને અમે મદદ કરી.

2011માં કપડવંજની મ્યુનિસિપાલિટીએ જે રસ્તો મારી પોળ પાસેથી પસાર થાય છે તેનું નામ ડો. દિનેશ ઓ. શાહ માર્ગ આપવાનું નક્કી કર્યું.  તે સમયે ડો. રોબર્ટ પૃધોમ જે પ્રિન્સટન યુનિવર્સીટીમાં કેમિકલ એન્જીનીયરીંગના પ્રખ્યાત પ્રોફેસર છે, તે નડિયાદમાં અમારા સેન્ટરમાં એક સપ્તાહ માટે લેક્ચર આપવા આવેલા. તો રવિવારે આ રોડનું ઉદ્ઘાટન હતું. તો મેં તેમને પૂછ્યું કે તમારે મારી સાથે આવવું છે અને તમે મારું ગામ કપડવંજ પણ જોઈ શકશો.  તેઓ કપડવંજ આવવા સમ્મત થયા એટલે એમની સાથે કારમાં  હું કપડવંજ ગયો.  ત્યાં રામજી મંદિર પાસે બેન્ડ વાજા વાગી રહ્યાં હતાં અને મોટા ટોળામાં નાના મોટા માણસો ઊભા હતાં.

અમે પહોંચ્યા એટલે શોભાયાત્રા શરુ થઈ અને આખા ગામમાં ફર્યા પછી લાયન્સક્લબના હૉલમાં બધા ભેગા થયા.  ભારતની સુપ્રીમ કોર્ટના માજી ન્યાયાધીશ ગીરીશભાઈ નાણાવટી પ્રમુખ સ્થાને હતા.  શોભાયાત્રામાં લોકો પોતાની બારીઓમાંથી તેમ જ અટારીઓમાંથી ફૂલો અમારા ઉપર નાખતા હતા.  પ્રોફેસર પૃધોમના હાથે આ રોડનું ઉદ્ઘાટન થયું. ત્યારે તેઓએ કહ્યું હતું; “દિનેશ, આ ગામના લોકો તમને બહુ પ્રેમ કરે છે. આવું સન્માન પ્રોફેસરોનું અમેરિકામાં થાય તો કેવું સારું?”
******
એક વાર અચાનક ભાઈબીજના દિવસે ખૂબ માંદો પડી ગયો.  મને 12 ઉલટી, તાવ વગેરે થઈ ગયું.  મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અમારા વાઈસ ચાન્સેલર મને મળવા આવી ગયા. અમેરિકાથી મારા દીકરો અને દીકરી જે બંને ડોક્ટરો છે, તે ફોન કરી શું શું ટેસ્ટ કર્યાં  તે પૂછે અને આ હોસ્પિટલમાં તેવા ટેસ્ટ કરવાના સાધનો જ નહોતા. ત્યાં માત્ર દર્દીને પૂછવાનું કે ગઈ કાલ કરતા આજે વધારે સારું લાગે છે? અને દર્દી હા કહે તો સમજી લેવાનું કે દર્દી સારો થતો જાય છે.  સાજો થયા બાદ હું મારા એપાર્ટમેન્ટમાં રહેવા ગયો. પણ મારામાં ઊભા થવાની તાકાત નહોતી. તો મારા બે વિદ્યાર્થીઓએ મારી સાથે રહેવાનું નક્કી કર્યું.  એક હિન્દુ હતો અને એક મુસલમાન હતો. બંનેએ મારી દિલથી ચાકરી કરી.  દરરોજ સવારે મને માલીશ કરી આપે. દૂધમાં ખજૂર નાખી, ઉકાળીને મને નાસ્તામાં આપે.  માબાપની ચાકરી કરે, તેટલા પ્રેમથી મારી સારવાર કરી. આ અનુભવ જિંદગીમાં ના ભુલાય તેવો હતો.  એકવાર મેં કહ્યું કે હું ફ્લોરિડામાં આ રીતે માંદો પડયો હોત તો મારા કોઈ પણ વિદ્યાર્થીઓએ મારી આવી ચાકરી ના કરી હોત. તો બંનેએ મને હસતા હસતા જવાબ આપ્યો કે; “આવી ચાકરી અમે બીજા કોઈ પ્રોફેસરની ના કરીએ.  અમને ખબર છે કે તમે અહીં વગર પગારે  કામ કરો છો. તમારું કુટુંબ આખું અમેરિકામાં છે.  છતાં ભારતનું ઋણ ચૂકવવા તમે અહીં રાતદિવસ કામ કરો છો એટલે અમે તમારી સેવા કરીએ છીએ.” આ વિદ્યાર્થીઓ મારી કદર કરે છે તે જાણી સંતોષ થયો.

ભારતના નિવાસ દરમ્યાન મને પ્રેસિડન્ટ કલામે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્ર્યો.  તેમની સાથે લગભગ 45 મિનિટનો વાર્તાલાપ થયો.  તેમણે પોતાની લખેલી કવિતા મને ભેટમાં આપી અને મેં મારી લખેલી કવિતા “વિવિધતામાં એકતા” તે તેમને ભેટમાં આપી.  તે સમયે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. તેમણે  મને તેમના બંગલામાં મળવા બોલાવેલો. તેમને નેનોટેકનોલોજી તેમજ સરફેસ સાયન્સનો ઈન્ડસ્ટ્રીમાં શું ઉપયોગ છે તે જાણવું હતું.  ત્યાર પછી એક સપ્તાહમાં અમને સાડા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી મળી.

એપ્રિલ 2017 માં યુ.એસ.એ. પાછો ફર્યો ત્યારે મારા દીકરા અને દીકરીએ કહ્યું કે પપ્પા તમે ભારતની દસ વર્ષ સેવા કરી છે હવે ના જાવ તો સારું. તમે ત્યાં માંદા  પડો ત્યારે અમે ત્યાં આવી ના શકીએ ત્યારે અમારી હાલત બહુ જ ખરાબ થાય છે.  તો હવે તમે ફોન અને ઈમેઈલથી જેટલી થાય તેટલી સેવા કરો.  છેલ્લા ચાર વર્ષથી ભારત નથી ગયો.  મારા સહાધ્યાયીઓ તેમજ વિદ્યાર્થીઓ મને ખૂબ યાદ કરે છે.  છેલ્લા દોઢ વર્ષથી કોવિદ-19 નો વાવર ચાલ્યો એટલે ફ્લાઈટો બંધ થઈ ગયેલી. અવારનવાર મારા ફેકલ્ટી સાથીઓની સાથે ફોનથી વાતો કરું છું અને દર મહિને એક સામુહિક ઈમેઇલ બધા વિદ્યાર્થીઓને લખું છું.  ડી.ડી.યુ. નો દસ વર્ષનો મારો પ્રોજેક્ટ એ મારા પોસ્ટરિટાયર્મેન્ટનો સૌથી સારો ઉપયોગ હતો.  આ પ્રોજેક્ટે મને કંઈક નવું કરવાની તક આપી.  આ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને નવી રિસર્ચ કરવાના સાધનો આપ્યા. જેમ રામ લંકાનો સેતુ બનાવતા હતા ત્યારે એક ખિસકોલી રેતીમાં આળોટી પાણીમાં રેતી નાખી આવતી હતી જેથી સેતુ પૂરો થાય.  તે રીતે ભારતની પ્રગતિમાં મારી પણ થોડી રેતી  મૂકી આવ્યો છું.  મને ભારતનું ઋણ  ચુકાવ્યાનો સંતોષ છે અને ઘણાં નવા સ્વજનો બનાવ્યાનો આનંદ છે.

ભારતથી પાછા ફર્યા બાદ હું  બાળકો ત્યાંને થોડો થોડો સમય ગાળતો . આ રીતે પૌત્ર અને પૌત્રીઓ સાથે વાતો કરવાની મજા માણતો . એક વાર બધા પૌત્ર પૌત્રીઓ ભેગા થયા ત્યારે મેં એક સવાલ પૂછ્યો.  માનો કે મારે જીંદગીમાં માત્ર એકજ મુવી જોવાની હોય તો હું કઈ મુવી જોવાનું પસંદ કરું?  મેં એક કાગળમાં મારી પસંદગી લખી મારા ખીસામાં મૂકી દીધી.  પછી મારા છ પૌત્ર પૌત્રીઓને કહ્યું તમારી ધારણા પ્રમાણે હું કઈ મુવી જોવાનું પસંદ કરું તે લખો અને જાહેરમાં બોલો. કોઈકે ટેન કમાન્ડમેન્ટ્સ, કોઈકે લોરેન્સ ઓફ એરેબિયા, કોઈકે ડો. ઝિવાગો આવા નામ લખેલા.  મારા સૌથી નાના પૌત્રે એની ચીઠીમાં “ગાંધી” મુવી નામ લખેલું. બધાએ કહ્યું કે બતાવો તમે તમારી ચીઠીમાં શું લખ્યું છે.  મેં મારી ચીઠી કાઢી બધાને બતાવી તો તેમાં “ગાંધી” મુવી લખેલું હતું. મેં પૌત્ર કેવલને (બિજલનો દીકરો)  સો ડોલરનું  ઇનામ દાદાની સાચી પસંદગી ની ધારણા માટે આપ્યું. એ મારી પસંદગી બરાબર સમજી શક્યો હતો.

હું જયારે પ્રેરકની ત્યાં સમય ગાળતો હતો ત્યારે તેનો સૌથી નાનો દીકરો અવન મારી સાથે ચાલવા આવતો.  કાયમ મને કહે કે દાદા, યુ ટેલ મી એ સ્ટોરી !  દરરોજ મને નવી નવી સ્ટોરી કહેવાનો આગ્રહ રાખતો.  હું મારી નાનપણમાં સાંભળેલી વાર્તાઓ તેને કહેતો.  કાગડો  ને શિયાળની વાર્તા જેમાં ફુલણજી કાગડો ગાવા માટે મોં ખોલે છે અને પુરી જમીન ઉપર પડે છે અને શિયાળ પુરી લઈ ખાઈ જાય છે તેવી વાર્તાઓ કહેતો.  મેં એને સૂચન કર્યું કે તું આ વાર્તાઓ તારી ભાષામાં લખી પબ્લિશ કર. તો એણે આ વાર્તાઓ અંગ્રેજીમાં ટાઈપ કરી અને દરેક વાર્તાને અનુરૂપ કલર ચિત્ર દોરી ખુબ સુંદર બુકલેટ બનાવી. એમેઝોન.કોમ નામની કંપનીએ આ બુક છાપી અને વેચાણ કર્યું.  ચોપડીનો નફો અવનને ચેકથી મોકલાવી આપ્યો.  આ નફો તેણે નોર્થ સાઉથ ફાઉન્ડેશન નામની સંસ્થાને જે ભારતમાં બાળકોના શિક્ષણમાં ફાળો આપે છે તેને દાન માં આપી દીધો. ચોપડીનું શીર્ષક હતું “વોકિંગ વિથ માય દાદા”.

મારી બંને પૌત્રીઓને ગરબાનો ખૂબ જ શોખ છે.  તેઓ એક પ્રખાત “મિકી આંટી”ના હાથ નીચે તાલીમ લેવા જાય છે.  તેમની ટીમ અનેક વાર નેશનલ લેવલ ઉપર પહેલા યા બીજા નંબરે આવી છે.  એ લોકોને ગરબા કરતા જોઉં છું ત્યારે મને સુવર્ણા યાદ આવે છે.  સુવર્ણા શરૂઆતથી અંત સુધી ગરબા કરતી.  હું ઘણીવાર મજાકમાં પૂછતો કે તને થાક નથી લાગતો ? તો એ હસીને જવાબ આપ કે હકીકતમાં મારો થાક ગરબાથી ઉતરી જાય છે.  મારી પૌત્રીઓ પણ ગરબાથી થાકતી નથી. નાની પૌત્રી જાનકી જુદીજુદી વાનગીઓ બનાવવાની ખૂબ શોખીન છે.  તેને ટીવી ઉપર સસોઈ કરવાના તેમજ જુદી જુદી વાનગીઓ બનાવવાના શો બહુ ગમે છે.  સુવર્ણના જુદી જુદી વાનગીઓ બનાવવાના જીન જાનકીમાં આવ્યા છે.

અવનથી મોટો પૌત્ર આકેશનો એક પ્રસંગ ખૂબ યાદગાર છે.  એણે એકવાર સાંભળેલું કે સુહાગફોઈએ એક વર્ષ માટે ચોક્લેટવાળી કોઈ પણ વસ્તુ ના ખાવાની બાધા લીધેલી.  જયારે લો કોલેજમાં એડમિશન મળ્યું ત્યારે જ ચોકલેટ ખાવાની શરૂઆત કરી.  તો આકાશે બાધા લીધી કે હું એક ગોલ  સોકરની રમતમાં ના કરું ત્યાં સુધી ચોકલેટની કોઈ વાનગી નહિ ખાઉં. ત્રણ મહિનાની ઋતુ પુરી થવા આવી પણ આકેશ એક પણ ગોલ  બનાવી ના શક્યો.  હવે છેલ્લી ગેમ અમે બધાં જોવા ગયા અને એને બેસ્ટ ઓફ લક  કહ્યું. છેલ્લી પાંચ મિનિટ રહી હતી. અમને એમ થતું કે એ ગોલ  નહિ કરે તો આખું વર્ષ રાહ જોવી પડશે. વર્ષ પછી બીજી સીઝન શરુ થાય. અમે બધાં ભગવાનને પ્રાર્થના કરતા કે આકેશને ગોલ  બનાવવામાં સફળતા મળે.  અચાનક તાળીઓના ગડગડાટ વચ્ચે આકેશે એક ગોલ બોલને કિક  મારીને બનાવ્યો. ગેમ પછી બધાં એને એક આઈસ્ક્રીમ સ્ટોરમાં લઈ ગયા અને ચોકલેટ આઈસ્ક્રીમ વિથ ચોકલેટનો ભૂકો ઉપર પાથરી મોટો કપ એના માટે લીધો. એણે ખૂબ આનંદ અને સંતોષથી આઈસક્રીમ ખાધો.  આ રીતે મારા પૌત્ર અને પૌત્રીઓમાં ભારતીય સંસ્કારો “ટીચ બાય એક્ઝામ્પલ” થી  આવ્યા છે.

2016માં એક સપ્તાહની રજા લઈ જૂન મહિનાના અંતમાં પ્રેરક, સલિના, તેમજ અંજય, આકેશ અને અવન  બોસ્ટનથી ગેઈન્સવીલ આવ્યા. મોટી ટ્રક ભાડે કરી ઘર ખાલી કરવા માંડ્યું.  હરેકૃષ્ણ મંદિરવાળા તેમજ બધા ભારતીય વિદ્યાર્થીઓને કહેલું કે મારા ઘરમાંથી જે વસ્તુઓ ગમતી હોય તે લઈ જાય.  તો વાસણ, કપડાં, તેમજ ઘરના નાના ફર્નિચરો વગેરે એ લોકો લઈ ગયા. બાકીનો 17,000 પાઉન્ડ વજનનો સામાન, કાગળો વગેરે ગાર્બેજમાં ફેંકી દીધા. અહીં ગાર્બેજ ડમ્પમાં કચરો નાખવાના પૈસા વજન પ્રમાણે આપવાના હોય છે. તે લોકો ટ્રકનું વજન દાખલ થાવ ત્યારે કરે અને બહાર નીકળો ત્યારે કરે આથી કેટલો સમાન તમે ત્યાં નાખી દીધો તે ખબર પડે. તે પ્રમાણે તમારે ડોલર આપવાના.

મેં શાંતિ નિકેતન નામના રિટાયરમેન્ટ કોલોનીમાં બે બેડરૂમનો કોન્ડોમિનિયમ ખરીદ્યો હતો. અહીં 55 વર્ષ થી મોટી ઉંમરના ઈન્ડિયન અમેરિકન મારા જેવી વ્યક્તિઓ રહે છે.  બિલકુલ મીની-ઈન્ડિયા જેવું લાગે.  ગુજરાતી, મરાઠી, બંગાળી, મદ્રાસી, પંજાબી એમ  દરેક પ્રાંતના લોકો છે. અહીં 120 કોન્ડોમિનિયમ છે. દરેક માં બે બેડરૂમ, બે બાથરૂમ, કિચન, લિવિંગ રૂમ તેમજ એક કાર સમાય તેવું ગરાજ તેમજ રેફ્રિજરેટર, સ્ટવ, વોશર અને ડ્રાયર પણ હોય.  આ જગાએ મારે રસોઈ કરવાનો તેમજ વાસણ ધોવાનો સમય બચી ગયો.  અમેરિકામાં એને ડાઉન સાઈઝીંગ કહે છે.  એક વ્યક્તિ માટે મારુ જૂનું મકાન બહુ મોટું હતું.  તેમ જ તેને મેન્ટેન કરવું બહુ ભારે હતું. આ બધા કારણોથી મેં ગેઇન્સવિલનું ઘર વેચી અહીં શાંતિ નિકેતનમાં રહેવા આવવાનો વિચાર કર્યો. આ જગ્યા ગેઇન્સ્વીલથી દોઢ કલાકના ડ્રાઈવિંગ અથવા 88 માઈલ દૂર છે.  ચાર દિવસમાં પ્રેરક અને ત્રણ પૌત્રોએ  ભેગા મળી 32 વર્ષથી સજાવેલું ઘર ખાલી કરી મારા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ ત્રણ દિવસમાં મારો બે રૂમનો ફ્લેટ સજાવી દીધો.  બધા કુટુંબીજનોના ફોટા લટકાવી દીધા. ટીવી લગાવી દીધો.  પછી કહે કે; “પપ્પા, અમારી સાથે બોસ્ટન ચાલો અને સમર પત્યા પછી અહીં રહેવા આવજો.”  એમને એવું લાગ્યું હશે કે જૂનું ઘર ખાલી કરી અહીં રહેવાનું પપ્પાને બહુ કપરું લાગશે.  મને આનંદ અને  સંતોષ એ વાતનો છે કે મારા બંને બાળકો બીજાની લાગણીઓ સમજી શકે છે.

2018માં કોન્ડોમિનિયમ બોર્ડની ચૂંટણી થઈ તેમાં મને પ્રેસિડન્ટ બનાવ્યો. મારો ચેરમેન તરીકેનો અનુભવ તેમજ ઈન્ડિયાનો અનુભવ ખૂબ કામ લાગ્યો.  મારા સમય દરમ્યાન કોમન પ્રોપર્ટી  બિલ્ડરના નામ ઉપરથી કોન્ડોમિનિયમના નામે વકીલની સલાહ લઈ કરી દીધી.  આ બહુ મહત્વનું કામ હતું.  રસોડુ  અને ડાઈનિંગ હોલ પણ અમે સંભાળી લીધા. બધાને સંપીને રાખવા એ એક મોટી ચેલેન્જ હતી. કારોબારીના બીજા ચાર મેમ્બરોના સહકારથી બધી મુસીબતોમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા.

31 માર્ચ 2018ના દિવસે મારી 80મી વર્ષગાંઠ હતી . મેં સુવર્ણા પોએટ્રી ફેસ્ટિવલ કરવા યુનિવર્સીટી ઓફ ફ્લોરીડાને એક લાખ ડોલરની પુરાંત આપી હતી.  એની આવકમાંથી દર આંતરે વર્ષે અમે સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ યોજીએ છીએ.  મારા સહાઘ્યાયીઓએ માર્ચ 31 ના શનિ-રવિ આ પોએટ્રી ફેસ્ટિવલ ગોઠવ્યો.  ભારતથી અમે બે કવિઓને, ભાગ્યેશ જ્હા અને હિતેન આનંદપરાને બોલાવેલા.  તેમજ અમેરિકામાં વસતા દસ કવિઓને આમંત્રિત કરેલા. શનિવારે બપોરે એક કલાક મારા  લખેલા ગીતોને રજુ કરવાના હતા. મારુ કવિતા વાંચન યુટ્યુબ ઉપર મૂકેલું છે. દોઢ દિવસનો પ્રોગ્રામ હતો તેમજ શનિવારે રાત્રે સંગીત અને સર્ટિફિકેટનો પ્રોગ્રામ હતો.  સૌ કવિતાના ધોધમાં તરબોળ થઈ ગયેલા.  સાંજના સંગીતના પ્રોગ્રામ માટે મારા સ્નેહી ડો. સુમંતભાઈ તેમજ ડો. સ્નેહલતાબેને શ્રી કર્ણીકભાઈને વડોદરાથી ખાસ મારા લખેલા ગીતો ગાવા બોલાવેલા.  કર્ણીકભાઈએ અત્યાર સુધીમાં મારા ગીતોની છ સીડી બનાવી છે.  પ્રોગ્રામ દરમ્યાન ડો. વસુધાબેન નારાયણે મને પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ યુનિવર્સીટી ઓફ ફ્લોરિડા પ્રેસિડેન્ટ તરફથી આપ્યો.   અમારા પ્રોવોસ્ટે  મને પ્રીએમીનન્સ એવોર્ડ મોકલેલો.  કર્ણીકભાઈ મારી કવિતાઓ ગુજરાતની શાળાઓની  ટેક્સ્ટબુકમાં મુકવામાં આવી છે તે ચોપડીઓ મને આપવા લઈ આવેલા.  તે  દિવસે સાંજે હું વાદળ નંબર 9 ઉપર હતો.

એક દિવસ બીજલ અને પ્રેરક સાથે વાત કરતા બંનેએ  કહ્યું કે પપ્પા, તમારે જે ડોનેશન કરવા હોય તે તમે જાતે કરી લો. અમને ભારતની કયી સંસ્થાઓ મદદ કરવા લાયક છે તેની ખબર નહિ પડે.  તો મેં મારી બચતના ત્રણ ભાગ પાડ્યા. એક ભાગ બિજલનો, એક ભાગ પ્રેરકનો અને એક ભાગ સામાજિક કલ્યાણ માટે.  તે ઉપરાંત છ પૌત્રો અને પૌત્રીઓ માટે બે લાખ ડોલર દરેકના કોલેજના ખર્ચ માટે દરેકના નામે બાજુ એ મૂકી દીધા.  જે રકમ વધે તે તેમના બાળકોના કોલેજના  અભ્યાસ માટે વાપરે.  આપણા ઘરમાં એજ્યુકેશનને ખુબ અગત્યનું માનવામાં આવે છે. ભવિષ્યની પેઢી પણ હાયર એજ્યુકેશનને અગત્યનું સમજે એવું હું ઈચ્છું છું. સામાજિક કલ્યાણમાટે અત્યાર સુધીમાં નીચેના પ્રોજેક્ટ કર્યા  છે અને ઈશ્વર હજુ બીજા સારા કામો કરાવે તેવી પ્રભુ પ્રાર્થના.

૧. મારી કપડવંજની શાળાને નવું વિજ્ઞાનભવન બનાવવા મોટું દાન આપ્યું. તેમાં ત્રણ આધુનિક કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી લેબોરેટરી હશે. તેમજ ઇન્ટરનેટ ઉપર આવતા કોઈ પણ પ્રયોગો સ્ક્રીન ઉપર બતાવી શકાય તેવી સગવડ દરેક લેબોરેટરી માં હશે.
૨. ગાંધીનગરની આઈ. આઈ .ટી. માં ડો. દિનેશ ઓ. શાહ ચેર પ્રોફેસર માટે દાન આપ્યું.
૩. કપડવંજમાં વિકલાંગ શાળામાં હીયરીંગ ક્લિનિક માટે ડોનેશન આપ્યું.
૪. નડિયાદમાં આનંદ આશ્રમ બનાવવાં સ્વામી મુદિત નંદજીને દાન આપ્યું.
૫. કપડવંજમાં પાંચ વર્ષમાટે દાંતનો કેમ્પ કર્યો જેમાં આયુર્વેદની જલંધર બંધ પદ્ધતિ વાપરી બ્લડલેસ અને પેઈનલેસ દાંત કાઢી આપતાં.
૬. ઘણા વિદ્યાર્થીઓને તેમજ ફેકલ્ટીને નડિયાદ સેન્ટરમાંથી પરદેશ કોન્ફરન્સ માં હાજરી આપવા તેમજ તેમનું સંશોધન રજુ કરવા મોકલ્યા.
૭. કપડવંજ માં બારમા ધોરણમાં પ્રથમ નંબર આવનારને દર વર્ષે એવોર્ડ આપ્યા.

આવા નાના મોટા દાન ભવિષ્યમાં ચાલુ રાખવાની શુભકામના છે. મારી “કોડિયા” ઉપર લખેલી એક કવિતા મારા જીવનની છબિ રજુ કરે છે.

કોડિયું

ભીની રે માટી ચડાવી ચાકડે  મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો લઈ દોરી મુજને કાપ્યો રે …..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

કોકે મૂકી એક વાટ  લાંબીને કોકે તેલ ભરી છલકાવ્યો રે
કોક રૂપાળા હાથે મુજને ઊંચે ગોખ ચડાવ્યો રે …………..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

સુરજ ડૂબ્યો અંધાર છવાયા કોકે મુને પ્રગટાવ્યો રે
દૂર ન થાય અંધારા જગના મેં ગોખલો એક ઉજાળ્યો રે ……મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

તેલ ખુટયું  ને વાટ ખૂટી મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા મેં સાર જીવનનો જાણ્યો રે …..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

મને આશ્ચર્ય એ વાતનું છે કે મારી જીવન વાર્તા બાવીસ પાનામાં પુરી થઈ ગઈ….! કવિતાની બે લીટીમાં મારે કહેવું હોય તો નીચેની બે લીટી લખું.

“જિંદગી ચાલતાં લાગ્યું કે બહુ લાંબી યાત્રા હતી.
હકીકતમાં તો ફક્ત બાવીસ પાનની વાર્તા હતી”

*********
અસ્તુ!!!

 

 

 

 

 

 

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.