દિલીપ શ્રીમાળીની પાંચ સુંદર ગઝલો

દિલીપ શ્રીમાળી મુખ્યત્વે ગઝલો લખે છે, પરંતુ અછંદાસ પર પણ સારી હથોટી ધરાવે છે. તેમનાં વાણી, વ્યવહાર, વર્તન અને દેખાવ સાદા છે. પરંતુ તેમની કવિતામાં ભારોભાર ઊંડાણ છે. રોજબરોજની બોલચાલની ભાષામાં વપરાતા શબ્દો તે પોતાના કાવ્યસર્જનમાં ખપમાં લે છે. 'સત્તર સલાડા' જેવા શબ્દોને તે સહજતાથી પોતાની ગઝલની રદીફ બનાવી શકે છે. દિલીપને પૈસાની શોધના 'સત્તર સલાડા' થાય તો સ્વાભાવિક છે, કેમ કે તે ટૂંકા પગારમાં મોટું હૃદય રાખીને જીવનારો માણસ છે. ઓછો અભ્યાસ હોવા છતાં કવિતાનો મર્મ સમજીને તે રજૂ કરી શકે છે. લાંબા સમયથી લખતા આ કવિ લોકોની આંખોથી મોટેભાગે દૂર રહ્યા છે. આજે આપણું આંગણુંના વાચકો માટે તેમની સુંદર પાંચ કવિતાઓ અહીં રજૂ કરીએ છીએ. આશા છે સૌને ગમશે. - અનિલ ચાવડા
ગઝલ-1
આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું,
હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું.
વાગવાની પંખીને ઇચ્છા નથી મારી,
શું કરું, પથ્થર છું ને ગોફણની વચ્ચે છું.
માછલી દરિયો જ સમજીને તરે એમાં,
ક્યાં ખબર છે કાચના વાસણની વચ્ચે છું.
શ્વાસનું ટોળું મને લઈ જાય ઘરની બ્હાર,
હુંય શ્વાસોના રખડતા ધણની વચ્ચે છું.
આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.
– દિલીપ શ્રીમાળી
ગઝલ-2
આમ જાવું તેમ જાવું રોજના હત્તર હલાડા,
ને આ પૈસાની થયેલી શોધના હત્તર હલાડા.
દોરડું બાંધી તરસને હું તો કૂવામાં ઉતારું,
બ્હાર કાઢું ત્યાં તો કાંણી ડોલના હત્તર હલાડા.
ભૂખ એક જ રોટલાની હોય મારા પેટને,
હોય પાછા એક મુઠ્ઠી લોટના હત્તર હલાડા.
કેટલાં મીઠાં ને ખાટાં કેટલાં એ ચાખવાના,
છે પ્રતિજ્ઞા રામની ને બોરના હત્તર હલાડા.
લાખ ચોરાશી ય અવતારો પૂરા ક્યારે થવાના,
જીવને તો શું ખબર છે મોતના હત્તર હલાડા.
– દિલીપ શ્રીમાળી
ગઝલ-3
હવે મારી તબિયત ખૂબ સારી છે,
પીડાઓને મેં પટ્ટે પટ્ટે મારી છે.
તમારાં રૂપ વિશે હું શું કહું બોલો,
તમે તો ચાંદની ચિંતા વધારી છે.
હવે એને જરા સોજો ચડી ગ્યો છે,
મેં ઇચ્છાને ગરમ પાણીએ ઝારી છે.
તમારાં રૂપનું દર્શન કરાવીને,
અરીસાની તમે આંતરડી ઠારી છે.
તમોને ના ગમે એ વાત જુદી છે,
લખી મેં, મારા પડછાયે મઠારી છે.
– દિલીપ શ્રીમાળી
ગઝલ-4
જ્યાં તૂટ્યાં ચપ્પલ સફર સમજાઈ ગઈ,
જિંદગીની ચડઉતર સમજાઈ ગઈ.
સૂર્યનાં જ્યાં કિરણો સીધાં પડ્યાં,
ત્યાં જ તડકાની અસર સમજાઈ ગઈ.
ચીસ પાડીને ખર્યું જ્યાં પાંદડું,
વૃક્ષને પણ પાનખર સમજાઈ ગઈ.
વાત પથ્થર પર લખી સમજાઈ નહિ,
ફક્ત એના સ્મિત પર સમજાઈ ગઈ.
ઘર નહીં, મારી કબર બંધાય છે,
પથ્થરોની કરકસર સમજાઈ ગઈ.
– દિલીપ શ્રીમાળી
ગઝલ-5
જીવું અને મરું છું, ટૂંકા પગારમાં,
હું નોકરી કરું છું, ટૂંકા પગારમાં.
છે દિલ આમ તો દરિયા જેવડું છતાં,
થોડો જ વિસ્તરું છું ટૂંકા પગારમાં.
શ્રદ્ધા અતૂટ તારામાં છે મને પ્રભુ,
તારો દીવો ધરું છું ટૂંકા પગારમાં.
આંસુ દગો ઉદાસી ને દર્દ છે બધું,
સૌનું પૂરું કરું છું ટૂંકા પગારમાં.
જે સ્વપ્ન લોન ઉપર લીધાં હતા ‘દિલીપ’,
હપ્તા બધાં ભરું છું, ટૂંકા પગારમાં.
– દિલીપ શ્રીમાળી