સાંપ્રત સમાજની સમસ્યા ~ (૧) ~ *ચાલો, હવે પછી કોની લાગણી દુભાવાની છે???* –વિશાલ ભાદાણી
(આ લઘુલેખ મને મારી મિત્ર ઉષા દલાલે ઈમેલમાં મોકલ્યો. આભાર, ઉષા. ત્યારે થયું કે નક્કી કોઈક આવો વૈચારિક લેખ જે આજના સમાજને ઊંડાણથી સ્પર્શતો હોય એને આપણાં વાચકો સાથે શેર કરવો જોઈએ,)
બાળપણમાં આપણામાંના કેટલાક એક મસ્ત રમત રમતા. કોઈ આપણને મારે અને એ હાથને વાગે તો આપણે એમ કહેતા કે “લે..લે..લે..તેં તો મારાં હાથને માર્યું છે, મને ક્યાં માર્યું છે?? લે..લે..લે…!” અને ખુશ થતા. આવી સમજણ બાળપણમાં હતી કે “હું” અને “મારો હાથ” એ બે અલગ વસ્તુઓ છીએ. ને અત્યારે? એક નવો દાર્શનિક રોગ લાગ્યો છે!
દર થોડા દિવસે સમાચાર આવે છે કે કોઈના એક નિવેદનથી કોઈ સમાજ/જૂથની “લાગણી દુભાઈ ગઈ.” પછી માફીની માંગ, ટીવી પર ચર્ચાઓ, સોશિયલ મીડિયા પર આક્રોશ અને અંતે જાહેર માફી. સૌથી રસપ્રદ વાત એ છે કે જે લાગણીઓ થોડા કલાકો પહેલાં અસહ્ય રીતે ઘવાઈ ગઈ હતી, તે એક “સોરી” સાંભળતાં જ જાણે સંપૂર્ણ સાજી થઈ જાય છે! વળી, માફી માંગનાર પણ અંતરના અવાજથી પ્રેરાઈને માફી માંગે છે કે પછી વિવાદ પૂરો કરવા એ વિચારવા જેવું નથી લાગતું? પરિણામે વિચારવિમર્શની જગ્યાએ ભાવનાત્મક પ્રતિક્રિયાઓનું બજાર ઉભું થાય છે.
આ ઉન્નત સંસ્કૃતિનું લક્ષણ નથી પણ સંસ્કૃતિના ક્ષયનું લક્ષણ છે. જે સમાજ ક્યારેક બ્રહ્માંડ, ચેતના, ધર્મ, સત્ય અને મુક્તિ જેવા પ્રશ્નોમાં પોતાની બુદ્ધિ ખર્ચતો હતો, તે જો હવે ક્ષુલ્લક વિવાદોમાં પોતાની ઊર્જા વેડફવા લાગે, તો એ માત્ર સામાજિક સમસ્યા નથી પણ એક સભ્યતા તરીકેની આપણને લાગેલા લૂણાની નિશાની છે.
પ્રશ્ન એ નથી કે કોઈ અપમાન કરે તો ચુપચાપ સહન કરી લેવાનું? ના. પ્રશ્ન એ છે કે શું આપણું સમગ્ર અસ્તિત્વ એટલું બટકણું બની ગયું છે કે દરેક મતભેદ આપણને ઘાયલ કરી દે? હજારો વર્ષોથી આધ્યાત્મિક પરંપરાએ તો મનુષ્યને શરીર, જાતિ, સંપ્રદાય અને અહંકારથી ઉપર ઊઠીને પરમ સત્ય સાથે પોતાની ઓળખ સ્થાપિત કરવાનું શીખવ્યું હતું. જે પોતાને આત્મા તરીકે ઓળખે છે, તેને શબ્દો સહેલાઈથી હચમચાવી શકતા નથી. તો પછી આ ગંગા ઊલટી કેમ વહે છે…?
દુર્ભાગ્યે, આપણે અતિશય “હું-પણાં”ના યુગમાં જીવીએ છીએ. આધુનિક રાજકીય અને સામાજિક ચિંતનમાં “મારા અધિકારો” (Rights) કેન્દ્રસ્થાને છે, જ્યારે ભારતીય દર્શનો “મારો ધર્મ-મારી ફરજો” (Duties) પર આધારિત છે. અધિકારોની ચિંતા જરૂરી છે, પરંતુ જ્યારે આખું જીવન માત્ર “મારી લાગણી”, “મારું સન્માન” અને “મારા અધિકારો”ની આસપાસ કેન્દ્રિત થઈ જાય, ત્યારે મનુષ્ય અજાણતાં પોતાના અહંકારને જ પોષવા લાગે છે.
આપણી પરંપરાઓએ એવું શીખવ્યું છે કે પોતાના મનને એટલું વિશાળ બનાવીએ કે નાના-મોટા અપમાનો આપણી મૂળ શાંતિને ચલિત ન શકે. ગંગામાં નાના કાંકરા પડે તો ગંગા શું તેનો માર્ગ બદલે??
જેને પોતાના અહંની જાળવણીમાં રસ હોય, તે દરેક શબ્દમાં અપમાન શોધશે; અને જેને આત્મસાક્ષાત્કારની દિશામાં ચાલવું હોય, તે દરેક ઘટનામાં આત્મચિંતન શોધશે.
જ્યાં જ્ઞાન વધે છે, ત્યાં દુઃખી થવાના કારણો ઘટે છે; અને જ્યાં અહંકાર વધે છે, ત્યાં દુઃખી થવાના ઉદ્યોગમાં તેજી આવે છે.
હું = મારી બટકણી લાગણીઓ નહીં.
હું = મારી સતત વિસ્તરતી પ્રજ્ઞા અને સમાવેશી સંવદેનશીલતા.
જેની લાગણી ક્યારેય કોઈનાય નિવેદનથી ખંડિત થઈ હોય એવા તમામ લોકો માટે ગંગાસતીએ એ વખતે કહેલું,
“મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ!
જાણી લીયો જીવ કેરી જાત જી”
કેમ લાગે છે?
*[ખાસ નોંધ: આ લેખથી કોઈની લાગણી દુભાઈ હોય તો “સોરી”
]*
(ડૉ. વિશાલ ભાદાણીના ફોરવર્ડેડ લેખના સૌજન્યથી, સાભાર.)