|

ઉનાળો (લલિત નિબંધ) ~ શીતલ દેસાઈ

બળબળતી લૂની લહેર બારીમાંથી ઘરમાં ધસી આવે છે. બારી બંધ કરવા ઉઠું ત્યાં તો નજરે પડે છે મસ્તીથી ડોલતાં મખમલી ગુલમહોર પર… અને અચાનક જ નજર સામે ખીલી ઉઠે છે- કેટલાંક મનમાં ઢબુરાયેલા દ્રશ્યોની વણઝાર. આજથી વર્ષો પહેલાનાં દ્રશ્યો હજી પણ એવાં ને એવાં જ તાજાં ઝગમગે છે.

બાળપણમાં આવી જ કોઈ બળબળતી બપોરે ગુલમહોરની છાંય મળી હતી અને તેની કૂણી કૂણી રાજા-રાણી (પાંદડીઓ)ને વીણીને ખાધાની વાત તો કેમ વિસરાય? તેનો સ્વાદ જાણે જીભનાં ટેરવાં પર આજે પણ અકબંધ છે.

એ.સી.ની બલા કોણ તે ત્યારે ખબર ન હતી. ફ્રીઝ નામનાં ધોળાં કબાટનું નામ ન હતું સાંભળ્યું. તેથી ૧૦-૧૧ વાગ્યે અમે છોકરાઓ કારખાનાંમાંથી બરફ લેવા ઉપડીએ. ઘરથી ભલેને થોડું દૂર જાવું પડે-ગુલમહોર તો ઊભા જ છે ને રસ્તામાં!

અને હા, કાપડની થેલીમાં રાખેલાં બરફને રસ્તામાં આવતાં થાંભલા સાથે જોરથી અફ્ળાવવાનો અને પછી તરત જ થેલીમાં હાથ નાખવાનો. રૂપાનો સુંવાળો ચળકતો ખજાનો જાણે હાથ લાગ્યો. પછી બરફનાં  ટુકડા કાઢી સીધા મુખકમળમાં પધરાવવાના.

ગલોફામાં બરફ સાથે બોબડું બોલતાં વાતો કરતી ટોળી આગળ ચાલે. ઘર પાછા પહોંચતા ભલેને ભવ થાય. આ બંદાઓને ન નડે તડકો, ન નડે લૂ કે ન નડે ગરમી.

તપતા ઉનાળાનું મીઠું અનુસંધાન રહ્યું છે- રસઝરતી કેસર સાથે. ઉનાળો એટલે ગરમીની મોસમ? ના, ઉનાળો એટલે મઘમઘતી કેરીની મોસમ. કેસરની સુગંધ નાકને જ નહિ, દિલ અને દિમાગને તરબતર કરી મૂકે છે. પાજ નંખાય અને ઘર આખું મહેકે.

રોજ સવારે ઘાસ ઊંચું કરી એક એક કેરી પાકી છે કે નહિ તે તપાસવાની મજા જ જુદી. પછી દરેક કેરીને બાજુ ફેરવીને મૂકી દેવાની. અને નાની સોનેરી દેશી કેરીની વાત તો શું કરવી! પિતાજી ખાસ પસંદ કરીને કેરી લઈ આવે. મોટા ટબમાં તેને કલાક પલળાય. પછી એક હાથ ડીંટા પર રાખી અંદર ગોટલો ફરે પણ કેરી ફાટે નહિ તેમ બડી કુશળતાથી ઘોળવી પડે.

દેશી કેરી મોઢેથી અવાજ કરતાં ચૂસવાનો અને ચાટવાનો જલસો પડી જાય. અને આ કેરી ઓર મીઠી લાગે.. ઘોળાતી કેરીમાં પિતાના હાથનું વાત્સલ્ય ભળે તેથી જ વળી! તો ક્યારેક રસ-લેચી અને ફજેતો ઝાપટીને બપોરે ઘડીક આડા પડીએ ત્યાં તો આંખ ઘેરાવા માંડે.

આસપાસ ક્યાંક માનાં પગલાનો થોડોક રવ થાય, અને આંખ ખુલે ન ખુલે અને પોપચાં ફરી ઢળી જાય. અને સપનામાં પરીરાણી દોડી આવે. સાથે પાંખાળો ઘોડો તો ખરો જ.અ ને પેલો રૂપકડો રાજકુમાર પણ ખરો… અરે આ બંને ચહેરા તો જાણીતા લાગે છે આપણા ભેરુ તો નહિ!

વેકેશન એટલે મોજ-મસ્તી જ. કાકા-મામાના છોકરાઓ જોડે ધીંગામસ્તી કરવાની. આ બધાં ભાઈબહેનો અને સગાં ભાઈબહેનો જુદા ગણાય, તેવું ગણિત તો વડીલોનાં મગજમાં જ ન હતું તો અમારા નાનાં મગજમાં ક્યાંથી આવે?

કોઈ તમારે ત્યાં આવે, તમે કોઈને ત્યાં જાવ- એમ આખું વેકેશન શટલ ગાડીની જેમ બધાં ફર્યા કરીએ. બપોરે તડકામાં તો મોટા લોકો અમને ઘરમાં પૂરી રાખે અને ધમકીઓ પણ આપે: ‘સૂઈ જાવ નહિતર….’ તેમની બીકે (તે સમયે બાળકો માત્ર પિતા જ નહિ કાકા-મામા કે કોઈ પણ વડીલથી બીતા.)

બહાર રમવા તો જવાય નહિ. એટલે બધાં એક રૂમમાં ભરાઇએ. અડધા સૂવા માંડે, અડધા વાર્તા કરે કે રસોડામાંથી વસ્તુ છુપાવીને લઈ આવી ઘર-ઘર રમે અને બાકીનાને જગાડી મૂકે.

સહેજ તડકો ઢળ્યો નથી કે કપડાં બદલી સહુ બહાર જવા તૈયાર થઈ જાય. બે ઘોડાગાડી કરવી પડે. તેમાં બધું ચિલ્લર ધકામુક્કી કરતું ગોઠવાય. જોડે પાણીનો જગ અને ફરસા નાસ્તાનાં  ડબ્બા હોય. તો પણ પાછા બધાં તો બે ગાડીમાં પણ ક્યારેક સમાય નહિ એટલે એક-બે ‘મોટા’ (ચૌદ-પંદર વર્ષનાં) ભાઈઓ વળી સાઈકલ કાઢે. તે વળી કોઈ ટેણીયાને સાઈકલ પર બેસાડી લઇ જાય તો તે સહુનું ઈર્ષા પાત્ર બની રહે. પણ તે ખુદ તો ધન્ય ધન્ય બની જાય.

જોકે જ્યાં સુધી ગાડીમાં થોડીક પણ જગ્યા હોય, નાનાં છોકરાને ખોળામાં બેસાડી શકાતા હોય ત્યાં સુધી સાઈકલ લેવાય નહિ. અરે વડીલને પૂછ્યા વિના સાઈકલનું નામ પણ ન લેવાય. પછી બધો રસાલો કોઈ બગીચામાં કે ડેમ કે તળાવનાં કિનારે ઉપડે.

બે-ચાર કલાક આંબલી-પીપળી રમવામાં કે લપસિયા ખાવામાં ક્યાં નીકળી જાય તે ખબર ન પડે. પરસેવાથી ભીના શરીરે અને ધૂળથી મેલા થયેલાં કપડે સહુ પાછા ફરે. નાહી-ધોઈને જમવા માટે તૈયાર થઇ જાય.

મા-કાકી-મામી કે ફોઈનાં હાથ મોટા ટીંબામાંની કણકમાંથી ક્યાંય સુધી થેપલાં વણ્યા કરે અને ગરમ થેપલાં ચપોચપ છુંદા અને મેથિયા સાથે ઉપડતાં જાય. કોઈ વાર તો વણવા માટે તે બધાને વારા પણ કરવાં પડે. પેલી બગીચામાં ખાધેલી ફરસી પૂરી કે ગાંઠિયા ક્યાં અદ્રશ્ય થઇ ગયાં તે તો કોણ જાણે!

સૂરજ મહારાજ જેવાં એમને ઘેર પહોચે કે આ ટોળી અગાશી પર ચડી જાય. અગાશીમાં ખૂબ પાણી છાંટી દેવાનું. પાણી છાંટતા જ જમીન એક આછો શ્વાસ લે અને એક ધુમાડા જેવી પાતળી સેર ઉપર ઉઠે. થોડીક જ વારમાં અગાશી કોરી પડી જાય. પછી તેમાં પથારી કરવાની હોય. લગભગ આખી અગાશી પાથરણાથી ભરાઈ જાય. વ્યવસ્થિત રીતે ઓઢવાનાં અને ઓશિકા મૂકી નીચે આવી જવાનું.

સહુ પરવારી જાય પછી બધા સૂવા માટે અગાશી પર જાય. ઠંડી થયેલી પથારીમાં પડ્યા પડ્યા આકાશમાં દેખાતાં તારાઓને જોયા કરવાના. ના, ખાલી જોવાનાં જ નહી, ઓળખવાનાં પણ ખરા. ધ્રુવનાં  તારાનું નામ કેમ પડ્યું અને સપ્તર્ષિનું ઝૂમખું એટલે કયું એવી અલક-મલકની વાતો ચાલે.

થાળી જેવડાં ચાંદામામાની અંદર બેઠેલી ડોશી જોતાં જોતાં ફરફરાટ વહેતાં પવનની પાંખે આવીને નીંદરડી ચુપચાપ હળવેકથી પોપચે બેસી જાય!

બચપણ વટાવ્યા પછી કિશોરાવસ્થામાં પણ ઉનાળો એવો જ રહ્યો. માત્ર ગુલપાંદડી જોતા કોઈ ખાઈ જાય તો? તેથી શરમ આવે. એટલે એ ચોરીછુપીથી ખવાતી થઈ. લાં…બી બપોર એક ઝોકું ખવાઈ ગયાં પછી પુસ્તકોની સ્વપ્ન-સૃષ્ટિમાં સરી પડી. કઈકેટલીય બપોર ર. વ.દેસાઈ, મેઘાણી કે મુનશીનાં સંગે વીતી ગઈ. અને વળી ચાર્લ્સ એન્ડ મેરી લેમ્બની નજરે અને કલમે શેક્સપિયર માણવામાં કેટલો સમય પસાર થયો તેનું કોઈ ભાન જ નથી રહ્યું.

રાતનાં આકાશ સાથેનું તારા-મૈત્રક એવું ને એવું જ રહ્યું. ખાલી ચંદ્રની અંદર રહેલાં માણસનો ચહેરો બદલાયો. પહેલાં ચાંદાની અંદર રેંટિયો કાંતતી ડોશી દેખાતી હતી. હવે અવકાશયાત્રા ખેડતો સાહસવીર ચંદ્ર પર પહોંચી ગયો છે અને આપણા તરફ હાથ હલાવતો હોય તેમ લાગતું હતું.

પૂનમની અને અમાસની રાતની એ જ અગાશી સાક્ષી બની રહી. અમાસની રાતનાં કાળાડિબાંગ આકાશમાં તો ક્યારેય નહી જોયેલા તારાઓ પણ જાણે મહેફિલ માણવા આવી ચડતા હોય તેમ લાગતું. પણ બીજી જ રાતથી એ બધાં તારલાઓ ક્યાંક સરવા માંડતા હતાં. અને એ સરતાં તરલિયાઓએ જિંદગીમાં ક્યારે, કેમ, કેવી રીતે, કેટલી રાતો, દિવસો અને વર્ષોનો વધારો કર્યો છે તેની સરત જ ન રહી.

અને આજે ઉનાળો કાળઝાળ લાગે છે, બારીમાંથી આવતી એકાદ લહેર પણ આકરી લાગે છે, ‘આ વર્ષની ગરમી  તો ભૈસાબ તોબા’ એમ બોલતી વખતે પેલાં બારી બહારનાં  ગુલમહોર પર ઝૂલતી  સ્મરણની છાંય પર નજર પડે છે અને એક અમથા વિચારની લહેરખી મનમાં ઉઠે છે:

“શું ઉનાળો એટલો બધો કાળઝાળ છે ખરો? ખરેખર?”

~ શીતલ દેસાઈ
sadesaivp@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.