રૂપા (વાર્તા) ~ મૂળ લેખિકા: સુભદ્રાકુમારી ચૌહાણ ~ અનુવાદ: નીલા સંઘવી
કસમયે ઘંટડી વાગવાને કારણે સૌ બેચેન થઈ ગયા. મેટ્રન જેલ બંધ કરીને ગઈ તેને હજી અડધો કલાક પણ નહોતો થયો. તો તરત આ ઘંટડી કેમ વાગી? જેલ-જીવનથી ગભરાયેલી બહેનોને વિચાર આવ્યો, “કદાચ એમની જ મુક્તિનું ફરમાન આવ્યુ હોય.”
જેના મુલાકાતી ઘણાં દિવસથી આવ્યા ન હતા એમણે અનુમાન કર્યું કે કદાચ તેમને કોઈ મળવા આવ્યું હોય. જેને કોઈ ચીજ-વસ્તુની પ્રતીક્ષા હતી એમણે માન્યું કે, એમનો સામાન જ આવ્યો હશે.
મારી ત્રણ વર્ષની દીકરી મમતા દોડતી આવી અને મારા ગળે વળગીને બોલી, “મા, ઊઠ જો ઘંટડી વાગી છે, દરવાજો ખુલશે, આજે તો આપણે પણ છૂટવાના છીએ.”
હું તો બરાબર જાણતી હતી કે તેની આશા કેટલી નિરાધાર છે છતાં એનું મન રાખવા માટે તેની સાથે દરવાજા તરફ ચાલવા લાગી. સ્ત્રી મુકાદમ જલદી જલદી પોતાની સાડીનો છેડો સંભાળતી આવી, તાળું ખોલીને એણે દરવાજો ખોલી દીધો.
આસિસ્ટન્ટ જેલરની સાથે એક ચોવીસ-પચીસ વર્ષની સ્ત્રી અંદર આવીને એક બાજુ ઊભી રહી ગઈ. તેના સ્વચ્છ વસ્ત્રો અને ગંભીર મુખમુદ્રાને કારણે ઘણી બહેનોએ અનુમાન કર્યુ કે આ પણ કદાચ રાજદ્વારી કેદી છે.
જેલરે સ્ત્રી મુકાદમને બોલાવી અને એને ધીરે ધીરે સમજાવીને ચાલ્યો ગયો. સ્ત્રી મુકાદમ તાળું વાસીને અંદર આવી. પોતાના હાથની લાકડી તે નવી આવેલી સ્ત્રીને મારતા મારતા બોલી, “ચાલ, હરામજાદી! બાળકને મારી જ નાખવું હતું તો એને પેદા કેમ કર્યુ?”
મારને કારણે તે સ્ત્રી ડરી ગઈ હતી તો પણ સ્ત્રી મુકાદમની આગળ-આગળ જલદી-જલદી ચાલવા લાગી. કદાચ વધુ માર ન પડે એવા ડરથી. પરંતુ સ્ત્રી મુકાદમને આટલાથી સંતોષ થોડો થાય? તેણે તો વધારે જોરથી મારતા મારતા અશ્લીલ ગાળો દેતા દેતા કહ્યું, “આંખ કાઢે છે રંડી!” અને પછી પોતાના હાથ નીચેની કર્મચારીને કહ્યું, “સાંભળ બાઈ, આ રાંડની ચામડી ઉતરડી લે અને ગુનેગારની ઓરડીમાં પૂરી દે.”
હવે મારાથી સહન થતું ન હતું. મેં કહ્યું, “એ મુકાદમ, મેટ્રન આવું કરે તો કરે પણ તું બાળબચ્ચાંવાળી સ્ત્રી છે, તું કાંઈ જાણ્યા કર્યા વગર કોઈ પર હાથ કેમ ઉપાડે છે?”
સ્ત્રી મુકાદમનો અવાજ એ જ સમયે બદલાઈ ગયો. એણે મને જોઈ હોત તો કદાચ આટલી નિર્દયતાથી ન મારત. તે બોલી, “તમે નથી જાણતા બહેન, આ બાઈ ખૂની છે, પોતાના બાળકની તેણે હત્યા કરી છે.”
મેં કહ્યું, “તેના અપરાધની સજા તો કાયદાથી નાનકડી સજાથી ફાંસી સુધીની હોઈ શકે. તારું કામ તો તેને તારી દેખરેખમાં બંધ રાખવાનું જ છે. તું એ જ કર. સજા આપવાનું કામ જેનું છે તેના પર છોડી દે.”
તેને ગુનેગારની કોટડીમાં બંધ કરી દેવામાં આવી. સૌ પોતપોતાના કામમાં લાગી ગયા પણ હું એ બાઈને ભૂલી ન શકી. હું ગુનેગારની કોટડી તરફ ગઈ. લાકડાનો દરવાજો ખુલ્લો હતો. તે સળિયાવાળા દરવાજામાં કેદ હતી.
હું અંદર આંગણમાં ગઈ તો જોયું, એ હજુ એમ જ બેઠી હતી. રોટલી અને દાળને હાથ પણ લગાડ્યો ન હતો. મેં એને પૂછ્યું, “તેં ખાધું કેમ નહીં? ખાઈ લે.”
એણે મારી તરફ જોયું. એની આંખમાં આંસુ ધસી આવ્યા. મારું હ્રદય પણ ભરાઈ ગયું. મેં કહ્યું, “તું રડ નહીં. તું રડીશ તો હું પણ તારી સાથે રડી પડીશ. ખાઈ લે પછી મને જણાવ કે તને શા માટે પકડીને અહીં લઈ આવ્યા છે? ખરેખર તે… પણ વિશ્વાસ નથી થતો કે કોઈ માતા પોતાના બાળકની હત્યા કરી શકે?”
હવે તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડી. રડતાં રડતાં બોલી, “કોઈ મા મારે કે ન મારે મેં તો મારી બાળકીને મારી નાખી છે બહેન. આ વાત સાચી છે.”
“કેવી રીતે?” મેં આશ્ચર્યસહ પૂછ્યું.
“કેવી રીતે મારી, શું કહું … અને તે ફરી જોરજોરથી રડવા લાગી. હું એની પાસે ઘણીવાર ઊભી રહી, ઘણીવાર એને ખાવા માટે કીધું. પણ એણે ન તો ખાધું કે ન કીધું કે તેણે પોતાના બાળકને કેવી રીતે અને શા માટે મારી નાખ્યુ?
મેં વિચાર્યુ એની પાસેથી ચાલી જાઉં તો કદાચ એ ખાઈ લે અને આરામ પણ કરી લે. હું મારા ઓટલા પર આવીને લાંબી થઈ ગઈ અને થોડીવાર સુધી એમ જ પડી રહી. એકાએક દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખુલ્યો. મેં જોયું કે બે સ્ત્રીઓ રૂપાને ક્યાંક લઈ જઈ રહી છે. પાસે જ ઊભેલી બંદિનીને પૂછ્યું, “રૂપાને ક્યાં લઈ જાય છે આ લોકો?”
તે ધીમા સ્વરે બોલી, “ખૂની બાઈ છે, માટે ફાંસીના વોર્ડમાં લઈ જાય છે”. રૂપા ચાલી ગઈ. પણ હું તેનું રુદન, તેની વિષાદભરી આંખો, તેનો ચહેરો ભૂલી શકતી ન હતી. મન કહેતું હતું કે તે હત્યારણ નથી. પણ મારી નજર સામે જ તે ફાંસી વોર્ડમાં ગઈ, હત્યાના અપરાધમાં પકડાઈને આવી પછી અવિશ્વાસનો સવાલ જ ક્યાં હતો?
ધીરે ધીરે હું રૂપાને ભૂલી ગઈ હતી. એક દિવસ વર્તમાનપત્રમાં આવેલા એક સમાચારે રૂપાની યાદ તાજી કરી દીધી. સમાચાર હતા… ગામમાં રૂપા નામની સ્ત્રી પોતાની છ વર્ષની બાળકીને લઈને કૂવામાં કૂદી પડી… ખબર પડતાં જ ગામના લોકો ભેગાં થઈ ગયા અને મા-દીકરીને કૂવામાંથી બહાર કાઢ્યા.
બાળકી તો મૃત્યુ પામી હતી પણ રૂપાને કોઈ નુકસાન થયું ન હતું. રૂપાને બાળકીની હત્યા કરવાના અપરાધમાં પકડીને જબલપુર સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવી.
બાળકીને લઈને એ કૂવામાં શા માટે પડી એ કારણ જાણી શકાયું નથી. મેં છાપું વાંચ્યું અને સમજી ગઈ કે આ હત્યારણ રૂપા છે.
મારી હાજરીમાં જ બે મહિના પછી એક દિવસ જનમટીપની સજા ભોગવવા રૂપા ફરીથી જેલમાં આવી ગઈ. દયાળુ મેજિસ્ટ્રેટે તેને ફાંસીની સજા ન આપતા આજન્મ કારાવાસની સજા આપી હતી. રૂપા જેલમાં બધી સ્ત્રીઓ સાથે કામ કરતી, પણ તેના ચહેરા પર વિષાદ છવાયેલો રહેતો હતો.
એક દિવસ હું બિમાર પડી. રૂપાને મારી સેવા-સુશ્રુષા માટે મોકલવામાં આવી. હું લગભગ બે મહિના બિમાર રહી. હૉસ્પિટલમાં હું મારી દીકરી મમતા સાથે રહેતી હતી. રૂપા રાતદિવસ મારી સાથે રહેતી હતી. મારી મમતાને એ બહુ પ્રેમ કરવા લાગી હતી. મમતા પણ એને થોડીવાર માટે પણ છોડતી ન હતી.
આશ્ચર્ય તો એ વાતનું હતું કે મમતા સ્પષ્ટ બોલી શકતી ન હતી પણ રૂપા એની બધી જ વાત સમજી શકતી હતી. એક દિવસ કોઈએ મમતાને અસ્પષ્ટ બોલવાને કારણે ચિડવી હતી તેથી તે ઉદાસ થઈને સૂઈ ગઈ હતી. એની ચિંતામાં મને ઊંઘ આવતી ન હતી.
જેલમાં એક બીજું બાળક પણ હતું. તેને જેલવાસી બહેનો બહુ જ પ્રેમથી રાખતી હતી, એની સાથે રમતી, વાતો કરતી, પણ મમતા સ્પષ્ટ બોલી શકતી ન હોવાને કારણે એની સાથે કોઈ બોલતુ નહીં. ત્યાં સુધી કે રમવા માટે સરસ સરસ રમકડાં, ફળ, મિઠાઈ બધું જ એ બાળકને આપવામાં આવતું અને મમતા ઊભી ઊભી ટગર ટગર જોયા કરતી.
એક દિવસ રડતી રડતી દોડીને મારી પાસે આવીને કહ્યું, “મા, ભાભીએ બાબાને ચિત્રની ચોપડી આપી છે, મિઠાઈ આપી છે. મા, મારા માટે પણ ચિત્રની ચોપડી મંગાવી દો.”
જેલમાં હું એ ચીજવસ્તુ એ જ સમયે કેવી રીતે મંગાવીને આપી શકું? મારે કોઈ વસ્તુ જોઈતી હોય તો ઓછામાં ઓછા પંદર દિવસ પહેલાં કહું ત્યારે જ મળતી.
આવી વાતો ઘણીવાર થયા કરતી હતી અને એ કારણસર હું બહુ જ દુઃખી રહેતી હતી. તે દિવસે પણ એવું જ કોઈ કારણ હતું અને મને ઊંઘ આવતી ન હતી.
રૂપા મારી પાસે આવી અને બોલી, “બહેન, હાથપગ દબાવી દઉં? તમને ઊંઘ નથી આવતી.”
મેં બહુ રોકી છતાં રૂપા મારા પગ દબાવવા લાગી. મેં તેનો હાથ પકડીને મારી પાસે બેસાડી અને કહ્યું, “રૂપા તું મને આજે એ જણાવ કે તું તારી દીકરીને લઈને કૂવામાં કેમ પડી હતી?”
તે બેસી ગઈ. તેના ચહેરા પરનો વિષાદ વધુ ઘેરો થઈ ગયો. બોલી, “બહેન, મારી ગોપા આવી જ હતી, જેવી તમારી મમતા છે. તમે તો મુંબઈ જઇને સેંકડો રૂપિયા ખર્ચ કરીને મમતાનું મોઢું ઠીક કરાવી લીધું, પણ મારી પાસે રૂપિયા ક્યાંથી આવવાના હતા?
ગોપાનો બાપ કહેતો હતો, ‘બહુ બધાં રૂપિયા કમાઈને આપણી ગોપાને મુંબઇ લઈ જઈને ઑપરેશન કરાવી દઈશું પછી બધું ઠીક થઈ જશે.’
અને એટલા માટે બહુ બધાં રૂપિયા કમાવવા માટે તે લશ્કરમાં ભરતી થઇ ગયો અને યુદ્ધ કરવા ચાલી ગયો. ત્યારથી એના કોઈ ખબર મળ્યા નથી. અહીં હું એકલી અને નાનકડી ગોપા. જ્યાં મહેનત-મજૂરી કરવા જતી ત્યાં બાળકો અને ક્યારેક મોટેરા પણ ગોપાના અસ્પષ્ટ ઉચ્ચારોને કારણે ચિડવતા હતા. છોકરી ચિડાતી. આખો દિવસ રડતી. હું એનું મોઢું બંધ કરવાની કોશિશ કરતી. મહેનત-મજૂરી વગર ગુજરાન ન ચાલતું. અને જ્યાં જતી ત્યાં આવું જ થતું.
જે દિવસે હું કૂવામાં કૂદી હતી એના આગલા દિવસે હું એક જગ્યાએ મજૂરી માટે ગઈ હતી. ઉપર હું કાંઈ કામ કરી રહી હતી અને ત્યાં જ દાદરાના પગથિયા પર ગોપા એક છોકરી સાથે બેઠી હતી. નીચે મહોલ્લાના દસ બાર છોકરા-છોકરીઓ તેને ચીડવી રહ્યા હતા.
ગોપા ક્યારેક આને તો ક્યારેક પેલાને મારવા દોડતી હતી પણ એ દસ-બાર હતાં અને ગોપા એકલી હતી. મેં જોયું. મને બહુ ગુસ્સો આવી ગયો. ગોપાને મેં તેડી લીધી. એની બાજુમાં ઊભેલો જે છોકરો તેનો ચોટલો ખેંચી રહ્યો હતો તેને મેં હળવેથી પીઠ ઉપર ધબ્બો માર્યો.
બસ પછી એ જ વાતને કારણે એ લોકો સાથે બોલાચાલી થઈ ગઈ. હવે મને કામ મળતું પણ બંધ થઈ ગયું હતું. પૈસાની તંગી પડવા લાગી. અહીં બાળકો ગોપાને વધારે ચિડવીને હેરાન કરવા લાગ્યા. વિચાર્યુ હજુ નાની છે, ઓછું સમજે છે જ્યારે મોટી થશે ત્યારે ગોપાને કેટલું ખરાબ લાગશે, મારી ગોપા દુઃખી થઈ જશે અને જો હું મરી ગઈ તો?
બહેન, મારા મર્યા પછી ગોપાની જે દુર્દશા થશે તે વિચારીને હું પાગલ થઈ ગઈ. અને એ દુર્દશા સુધી ગોપા ન પહોંચે એટલે…”
આગળ તે કાંઈ બોલી ન શકી. બાજુમાં જ સૂતેલી મમતાને મેં વધુ પાસે ખેંચીને છાતીસરસી ચાંપી દીધી? મારું પ્રતિબિંબ જાણે મારી સાથે વાત કરતું હતું.
***