ચાર ગઝલો ~ રઈશ મનીઆર
1. છલોછલ રહે છે……!
વહે છે નદી, તેથી નિર્મલ રહે છે
અમસ્તી અમસ્તી છલોછલ રહે છે
કરે જેઓ યાત્રાઓ મંગળ પહોંચવા
પૂછો એને, ‘હૈયામાં મંગલ રહે છે?’
શિશુવયની વ્યાખ્યા સમેટાતી ચાલી
હવે ક્યાં સુધી બાળ નિશ્છલ રહે છે!
આ બેચેન આંખોનું કારણ ન પૂછો.
નજર જેણે આપી, એ ઓઝલ રહે છે
સમસ્યાને ઝંઝોડો, ને હચમચાવો
સમસ્યાની આગોશમાં હલ રહે છે
મળ્યું શાણપણ આખરે એટલું કે
સ્વીકારું છું, મારામાં પાગલ રહે છે
સભાઓ ગજાવે છે શાયર એ સાચું
લખે કૈંક ત્યારે એ એકલ રહે છે
– રઈશ મનીઆર
2. સાર ન કાઢો
બુદ્ધિની બહુ ધાર ન કાઢો
વાતે વાતે સાર ન કાઢો
સોયનો ખપ છે જ્યાં કેવળ, ત્યાં
શૂરવીરો! તલવાર ન કાઢો
સમદર છો? મોતી દેખાડો!
જ્યાં-ત્યાં કેવળ ખાર ન કાઢો
રસ્તો સામે સાવ નવો છે
જૂના નક્શા બહાર ન કાઢો
શિરથી મુગટ છિનવી લો ચાહે
તળિયેથી આધાર ન કાઢો
આંસુ થઈને ધૂળમાં મળશે!
મનનાં મોતી બહાર ન કાઢો
તરવૈયો નહીં, મરજીવો છું
સીધો સામે પાર ન કાઢો
શું કરશો સંસારથી નીકળી?
મનથી જો સંસાર ન કાઢો
– રઈશ મનીઆર
3. કતાર ચાલે નહીં
પ્રભુ! રહે જો તું મંદિરની બહાર! ચાલે નહીં?
પછી, પૂજારી તણો કારભાર ચાલે નહીં!
કહે ન કેમ, તું મુલ્લાં ને પંડિતોને કદી?
અનુભૂતિના વિષયમાં પ્રચાર ચાલે નહીં
કતારમાં હું ઊભો છું, તો એનું દુ:ખ ક્યાં છે?
છે દુ:ખ એ વાતનું, આગળ કતાર ચાલે નહીં
નજર તો દોડીને મંઝિલને અડકી આવે છે
ચરણ આ થોભી ગયા છે, ધરાર ચાલે નહીં
મિલનની શક્યતા ટાળ્યા કરું છું તેથી કદાચ,
જો ખોઈ બેસું હું આ ઈંતેજાર, ચાલે નહીં
વિચાર ચાલે નહીં, દોડે.. એક વર્તુળમાં
એ એક ડગલું ય મનની બહાર ચાલે નહીં
અમુક બિમારીઓ તારે જ નાથવી પડશે
ત્યાં અન્ય કોઈનીયે સારવાર ચાલે નહીં
કહે છે સંતો, આ સંસાર છે અસાર છતાં
નયન કે જીભને કંઈ પણ અસાર ચાલે નહીં
તું શ્વાસ સામે તરત ઉચ્છવાસ ચૂકવી દે
આ રોકડી છે રમત, અહીં ઉધાર ચાલે નહીં
– રઈશ મનીઆર
4. ફૂરસદ શોધી લે….!
છોડ રઝળવું, પદ શોધી લે
એ જ તને શાયદ શોધી લે!
એને કોહીનૂર સમજજે
સદીઓમાંથી સદ શોધી લે
કાવ્ય કોઈ, તો કાવડિયા કોઈ
સૌ સૌની સંપદ શોધી લે
એ સંતાયો પળની વચ્ચે
તું તારી ફૂરસદ શોધી લે
ખોદજે ખાડો માપ પ્રમાણે
ઈચ્છાઓનું કદ શોધી લે
દિલ્લી જા, તો ગાલિબને મળ
સુરત છે? નર્મદ શોધી લે
એ પેલો ત્યાં ઉપર બેઠો
કાગળ લખ, કાસદ શોધી લે
તારું તેજ કળા છે તારી
દુનિયા છે, સુદ-વદ શોધી લે
– રઈશ મનીઆર