મનોરંજન 24/7 – વાર્તા ~ લીના કાપડિયા
મિહિતા પતિની રાહ જોઈ રહી હતી. બૅગમાં છેલ્લી મિનિટે મૂકવાની વસ્તુઓ મૂકી રહી હતી. ટી.વી.માં બાસ્કેટબોલની મેચ આવી રહી હતી . ખૂબ જ મોટા અને ઉત્તેજિત અવાજમાં કોમેન્ટ્રી આવી રહી હતી. મિહિતાએ ચેનલ બદલી. ક્યાંક ગોળીબાર થઇ રહ્યો હતો એ સમાચાર આવી રહ્યાં હતાં. અમેરિકામાં ડેટ્રોઈટ શહેરમાં એ સામાન્ય વાત હતી. ન્યુઝ આપનાર એવી જ ઉત્તેજનાપૂર્વક સમાચાર આપી રહી હતી જેવી રીતે મૅચના સમાચાર આપી રહી હતી. મિહિતાએ અણગમાથી ટી.વી.બંધ કર્યું.
થોડા સમય પછી એ ડેટ્રોઈટ થી ન્યૂ યોર્કના વિમાનમાં બેઠી હતી. જવું એને કાશ્મીર હતું. યાત્રા લાંબી હતી પણ એણે કરવી હતી. મિહિર માટે. પોતાના ભાઈ માટે. મિહિરે કહ્યું હતું કે દીદી, કાશ્મીર જોવા જેવી જગ્યા છે.
પ્લેનમાં બેઠાં એને મિહિરનો વિચાર આવ્યો. એનું પોસ્ટિંગ જ્યાં થતું ત્યાંનું વર્ણન એ અચૂક લખતો. એક વાર લખ્યું હતું,” દીદી, ઈન્ડો ચીન બૉર્ડર પર છુ. અહીં સુધી તું આવી નહીં શકે. સામાન્ય પ્રજા માટે આ સ્થળ પ્રતિબંધિત છે પરંતુ તું સિક્કિમ જરૂર જજે. ગેંગટોક ખૂબ સુંદર જગ્યા છે. તને ગમશે. પર્વતો પરથી ઝરણાઓ વહે છે અને એની ઉપરથી અમારી જીપ ચાલી રહી છે. વાદળાઓ હાથમાં આવે છે. હું નાથુ લા પાસ પાસે એક બુદ્ધ મંદિરમાં છું. સામે તિબેટ દેખાય છે. મંદિરનો લાઈબ્રેરિયન તિબેટીયન છે. એને સામે જ પોતાનો દેશ દેખાઈ રહ્યો છે અને એ આંગળી કરીને કહે છે કે પેલો મારો દેશ છે, પરંતુ હું ત્યાં જઈ શકતો નથી. ત્યારે મને હું લશ્કરમાં છું એનું સ્વાભિમાન થાય છે. આપણો દેશ કોઈ પચાવી પાડે એનું દુઃખ મને એની આંખોમાં દેખાય છે અને મારા અસ્તિત્વનું હેતુ વધારે મજબૂત થાય છે.”
મિહિતાએ જવાબ આપ્યો હતો. “મિહિર, તું કુદરતની એટલી નજીક છે તો ક્યારેક કુદરતને માણવાનો સમય કાઢ. પર્વતની ટોચ ઉપર એકલો બેસ અને સામે વહેતા ઝરણાને વિચાર વિહીન દશામાં નીરખ. એ વહેતું પાણી અને તું અને તારું ખાલી મન. થોડી ક્ષણો આમ માણ. સમય આમ જ વહી જવા દે અને દિવસ દરમિયાન જ્યારે જ્યારે શાંતિની જરૂર પડે અને થોડી ક્ષણો તારી પાસે હોય ત્યારે આંખ બંધ કરીને એ સમયમાં પાછો પહોંચી જા.”
મિહિર હસ્યો હતો. લખ્યું હતું, “દીદી સામે દુશ્મન છે. એના પર નજર રાખુ કે બધું ભુલીને ઝરણાંઓને વહેતા જોઉ? નાનપણથી જ તું સંવેદનશીલ છે!!”
પછી એક દિવસ સમાચાર આવ્યા હતાં. ગોળીઓએ મિહિરને છુંદી નાંખ્યો હતો. એ વધુ રડી ન હતી. શહીદને તો સલામી હોય. આંસુઓ નહીં. મિહિરને જ્યારે રાષ્ટ્રીય સલામી આપવામાં આવી અને માનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે એ જઈ શકી ન હતી કારણ એની તબિયત ખૂબ ખરાબ હતી પરંતુ પિતા ગયા હતા.
માતા તો હતી નહીં. મિહિરે લગ્ન કર્યા ન હતા એ સારું જ થયું. પિતા પણ પછી તો પરધામ સિધાવ્યા એટલે મિહિર ને યાદ કરતી એ એકલી જ આ દુનિયામાં બચી હતી અને આજે એ મિહિરને એ જગ્યા પર સલામી આપવા જઈ રહી હતી જ્યાંથી એણે દુનિયાને છેલ્લી વાર જોઈ હતી.
કાશ્મીર…. એ જગા.. મિહિરનો છેલ્લો વ્હોટ’સ એપ્પ કાશ્મીરથી હતો. એણે લખ્યું હતું પહલગામ જરૂર જજે. લીદર નદીને કિનારે બેસજે. ખૂબ ચોખ્ખી, પારદર્શક નદી છે. સામે પીંજલ પર્વતોની હારમાળા છે. તને તરત ધ્યાન લાગી જશે. હું જે જોઈ રહ્યો છું તે છે રાજકારણ, ષડયંત્ર અને કાન ફાડી નાખે એવા ગોળીઓના અવાજો.
મિહિતાથી આંખો બંધ થઈ ગઈ.
શ્રીનગર એરપોર્ટ થી બહાર નીકળીને જોયું કે દરેક એક કે બે કિલોમીટરના અંતરે આર્મીની જીપ હતી જેમાં એક જવાન ભરી બંદૂકે ઊભો રહીને આસપાસ નજર રાખતો હતો. મિહિતાને આટલી મોટી સંખ્યામાં સૈન્યની હાજરીનો અંદાજ ન હતો.
કેટલો ફરક હતો એના અને એના ભાઈના જીવન વચ્ચે…..! બીજા દિવસથી એણે ટૂર શરૂ કરી. એક નાના ટેમ્પોમાં આઠ જણા હતા. બસ પસાર થઈ રહી હતી. એક જગ્યાએ એણે જોયું કે ત્રણ-ચાર સૈનિકો એક સાથે ઉભા હતા. એક સૈનિક વળીને એનો ચપ્પલ મોચીને બતાવી રહ્યો હતો અને બાકીના ત્રણ એની આસપાસ નજર રાખીને સજાગ રીતે અટેન્શનમાં ઊભા હતા. કેટલો તણાવ એમના મોઢા પર હતો. મોચી પાસે ચપ્પલનું સમારકામ કરાવવાનું સામાન્ય કામ પણ આટલો માનસિક તાણ આપે!! આવી વાતો તો મિહિર ક્યારેય જણાવતો નહીં. મિહિતાએ નજર ફેરવી દીધી.
પહલગામમાં ટૂરિસ્ટની બસ જોઈને પાછળ ઘોડાવાળાઓ દોડ્યા. યાત્રીઓ ગભરાઈ ગયા. “શું થયું?” કોઈએ ગભરાઈને પૂછ્યું.
“કાંઈ નહીં. ઘોડાવાળાઓ છે. આ લોકો તો પાગલ છે અને એમને સ્વતંત્ર કાશ્મીર જોઇએ છે,” ગાઈડે કહ્યું. ડ્રાઈવર સ્થાનિક હતો
નીચે ઊતર્યા ત્યારે મિહિતાએ ગાઈડને કહ્યું, “આપણે અહીં કાશ્મીરની સુંદરતા જોવા આવ્યા છીએ. ડ્રાઈવર સ્થાનિક માણસ છે. એની સામે તું પાગલ જેવા શબ્દો વાપરી રહ્યો છે. એની લાગણીનો પણ ખ્યાલ રાખવો જોઈએ. અને હા, હું ક્યારની જોઈ રહી છું તું ટેરરરીઝમને ટુરિઝમ બનાવી રહ્યો છે. અહીં યાત્રીઓના બસ પર હુમલો થયો હતો. ત્યાં બે દિવસ પહેલા ગોળીબાર થયો હતો.”
“મેડમ, મારું તો કામ છે લોકોને મનોરંજન પૂરું પાડવાનું.” ગાઈડે કહ્યું અને આગળ ચાલી ગયો.
મિહિતાની લાગણી ઘવાઈ. આ મનોરંજન હતું? મનને સમજાવ્યું. ભાવુક બનવું અત્યારે પરવડે એમ હતું નહીં. સંયમ મેળવવાનું નક્કી કર્યું
એક ટાવર પાસે ટેમ્પો ઊભો રહ્યો. ગાઈડે કહ્યું, “આ બિલ્ડીંગમાં ત્રણ વરસ પહેલા હુમલો થયો હતો. બહાર સૈનિકો હતા અને અંદર ત્રાસવાદીઓ. તમે જોઈ શકો છો કેટલા છેદ છે આ બિલ્ડિંગમાં. એ બધી બંદૂકની નિશાની છે. પાંચ સૈનિકો અને બધા ત્રાસવાદીઓ મૃત્યુ પામ્યા હતાં.”
ગાઈડના અવાજમાં આવેશ હતો. યાત્રીઓમાં પણ ઉત્તેજના ફેલાઈ ગઈ. સૌએ પોતાનો ફોન ફોટાઓ પાડવા હાથમાં લીધો. એક બ્લોગર હતો. એણે ઉત્તેજિત અવાજે વિડીયો બનાવવાનું શરું કર્યું. મિહિતા છેલ્લી ધીરેથી નીચે ઉતરી. જોરથી રુદન બહાર નીકળી ગયું.
એને ખબર ન પડી કે એ શા માટે રડી રહી હતી. આ જગ્યાએ એના ભાઈએ છેલ્લા શ્વાસ લીધા હતાં એટલે, કે માનવજીવનનું મૂલ્ય,ગંભીરતા, સંવેદનશીલતા એ બધું ઉત્તેજિત આવેશ નીચે દબાઈ જતું હતું એટલે? પણ, મિહિતાને શાંતિથી રડવાનો મોકો મળ્યો નહીં. સૌ યાત્રીઓના ફોન એના તરફ ફરી ગયા હતા.
*********