એવા તે કિયા ભવના પાપ ~ લતા હિરાણી
“ભાર તું દે કાં હિમાલય જેવડો?
સાંજ છે ને માર લાગે બેવડો!”
આજે વિશ્વટપાલદિવસ હતો. પંડ્યાસાહેબ લાકડીના ટેકે શેરીના નાકે જઈને બાંકડે બેઠા. ‘ટપાલના દિવસો પૂરા થાય છે ને તાર તો હવે રહ્યા જ નહીં!’ વિચારની સાથે જ નાનકડું ગામ આંબલા, એની કંકુડોશી એમની આંખ સામે તરવરી ઊઠ્યા અને ટીન્યાએ માંડીને કહેલી આખી વાત….
“એલા ટીન્યા, આજે મને હું થ્યું છ? નકરો જીવ વલોવાય છ….”
“ખઈ લો મા, હરખું થૈ જાશે”
‘હાચું કીધું’ હળવે હળવે ડોશી રાંધણીયામાં ગયા ને રોટલો ટીપીને તાવડીમાં નાખ્યો પણ અભાગિયો જીવ, દીકરાના વિચારે ચડ્યો એમાં તાવડીમાં શેકાતા રોટલાનું ધ્યાન ન રહ્યું. બળીને કોલસો થયો ને ધુમાડી નાકમાં ગઈ ત્યારે ખબર પડી! “પરભુ, આજ મારી અગિયારસ.”
કંકુ પાસે સુખના નામે એની પાસે લાડકો, લાકડી ને લૂખોસુકો રોટલો જ હતાં. લાડકો એનો દીકરો. નામ તો મજાનું રાખ્યું હતું, ઉમેશ! પણ એકનો એક દીકરો દઈને પતિ પરલોક સીધાવ્યા પછી ઉમેશ કંકુનો અને આખા ફળિયાનો ‘લાડકો’ જ થઈ ગયો હતો.
કંકુનું મન પાછું સડસડાટ કરતું ભૂતકાળમાં પહોંચી ગયું. પતિની પૂરી જાણપિછાણ થાય એ પહેલાં રન્નાદેએ એને ખોળાનો ખૂંદનારો દઈ દીધો, સુખ કે સૌભાગ્યની સમજણ પડે એ પહેલાં કુદરતે ધણીના રૂંવાડે-રૂંવાડે રોગ ભરી દીધો. માંદો ધણી ઘોડિયામાં સૂતેલા દીકરાને જોતો ત્યારે લવારે ચડી જતો. “મારા એવા તે કિયા ભવના પાપ કે…. દીકરો આંખ સામે હાથપગ ઉલાળે ને મારા હાથ-પગ હલવાનીયે ના પાડે! અરેરે..” ને પછી દીકરાથીયે નાનો થઈને ડૂસકે ચડી જતો.
કંકુડોશીના કરમનો એ કાળમુખો ‘દિ કે જ્યારે ખાટલાવશ ધણી આંગળીને ઈશારે ને ભાંગ્યાતૂટ્યા વેણથી કંઈક કહેવા મથી રહ્યો હતો. દેરાણીએ એને હલબલાવી ન હોત તો એને કાળો વસવસો રહી જાત, પતિના છેલ્લા બોલ પણ ન સાંભળી શકવાનો…. “દી….ક ..રાને બૌ ભણાવજે….” માંડ આટલું બોલતાં જ કણસતો જીવ ઓલવાઈ ગયો હતો.
વિધવા કંકુ અકાળે ઘરડી થઈ ગઈ હતી. ગીરવે મૂકેલ ખેતરમાં મજૂરી કરી રોટલો કાઢવો અને છૈયાને ઉછેરવો. આટલું કરતાં કરતાં તો આથમેલા અવતારે લાકડી પકડી લીધી. ગામની નિશાળમાં ભણતો પતંગિયા જેવો દીકરો ધીમે ધીમે માના હાથપગ બનતો ગયો. અંતે એ દિવસ પણ આવી ગયો કે કંકુની સામે બે વિકલ્પ રહ્યા. લાડકો હવે માની લાકડી થઈને ધૂળીયા ગામમાં પોદરા ને પથરા વચ્ચે અટવાતો રહે કે પછી બાપનું નામ ઉજાળવા શહેરનો રસ્તો પકડે!
કંકુના વિચારોનું ચક્ર ફરી-ફરીને પાછું પતિની અંતિમ ઈચ્છાની ધરી પર આવીને સ્થિર થઈ જતું. માએ દીકરાનો રસ્તો ખુલ્લો કરી દીધો. દીકરાએ માને હિમ્મત આપી, “શહેરમાં ટ્યુશન મળે ને નાનુંમોટું કામ પણ મળી રહે. ચિંંતા ન કર મા, મારો ખરચો હું કાઢી લઇશ. એકવાર કંઈક બની જાઉં પછી આપણે મા-દીકરો બેય લીલાલહેર કરશું. બાપાનું ખેતરેય છોડાવી લેશું.” શહેરથી છાશવારે દીકરાના કાગળ આવતા. કંકુ ક્યારેક બીજા ભણેલાઓની પાસે જઈને હિસાબ જાણી લેતી કે ઘરની બારસાખ પર ચોંટી રહેલા એના પતિના જીવને સદગતિ થવાને કેટલી વાર છે!
તે દિ’ એનું મન ક્યાંય નહોતું લાગતું એટલે કંકુને થયું “ચાલ મંદિરે જાઉં. દર્શન કરીશ એટલે બધું ઠીકાઠીક.” હજી ફળિયાની બહાર પગ મૂકે ત્યાં તો ટપાલી “માજી, તમારો તાર …” કરતોક આવી ઊભો. અંગુઠો કે સહી લેવાની સરકારી જબરદસ્તી ન હોત તો એ કંકુના હાથમાં તારનું ફરફરિયું પકડાવીને ભાગત. કંકુને ખબર નહોતી પડતી કે આ તારમાં ક્યો કરંટ છે? હરખનો કે ચિંતાનો? હા, કરંટ જરૂર હતો, નહીંતર ટપાલ આવે, તાર નહીં. સવારથી વળગેલી બેચેની આ ફરફરિયા સાથે અજાણતાં જ જોડાઈ ગઈ અને આ કવેળાના કરંટે કંકુના પગને થાંભલા બનાવી દીધા. “ભઈલા, અંગુઠો તો દીધો પણ હવે મારી આંગળિયું ધ્રુજે છે. વાંચીને કૈક ફોડ તો પાડ, તારમાં શું છે?”
ટપાલીએ વાંચવાના ચશ્મા ખિસ્સામાં મૂકી તારના અક્ષર ઉકેલવા પ્રયત્ન કર્યો ને પછી મણનું માથું ધૂણાવી દીધું. “માજી, મારું ભણતર ઓછું પડે છે. આ અંગ્રેજીમાં શું લખ્યું છે કાંઈ ખબર નથી પડતી.”
કંકુને એનું અભણપણું જીંદગીભર ન નડયું પણ આજે આ વેંત એકની ચબરખીના ચાર શબ્દો સામે એ ઓશિયાળું થઈ ઊભું રહ્યું! લાકડી કાંઈક જમીન સાથે ને કાંઈક પગ સાથે ઠપકારી. જડ થઈ ગયેલા પગમાં થોડું ચેતન આવતાં જ કંકુએ જાણે દોટ મૂકી, મુખીના ઘર તરફ. મુખીના ભણેલા દીકરાએ અભણ બાપાના કાનમાં તાર વાંચ્યો ને મોઢું ફેરવતા કહી દીધું, ‘માડી મને નહીં આવડે!’
‘હવે બીજા આવા અધકચરા જણ પાસે જવા કરતાં તો પોસ્ટમાસ્તર સાહેબ પાસે જવું સારું.’ આ તારના અક્ષર ન ઉકેલાય ત્યાં સુધી કંકુનું આખું અસ્તિત્વ ગૂંચવાડે ચડ્યું હતું. અણજાણ ભાષાના અણજાણ અક્ષરો એકબાજુ કંકુની તાકાત હરી લેતા હતાં તો બીજી બાજુ એને ઢળી પડતાંય રોકતા હતાં. સથવારો આખી શેરીનો હતો. “જનમ ધરીને કોઈનું ભૂંડું નથી કર્યું … ઉપરવાળો સૌ સારા વાનાં કરશે.” કંકુ મનમાં ને મનમાં હિંમતનું પોટલું વાળીને નીકળી.
પોસ્ટઓફિસના પંડ્યાસાહેબે સવાર હોય કે સાંજ, જીવતા માણસોથી એમણે ઘડિયાળને કદી મોટી ગણી નહોતી. દૂરથી કંકુ ને પાછળ એના પડોશીઓનું ટોળું આવતું જોઈને એ કામમાં ગૂંથાઈ ગયા. એમની મૂડી હતી, ખિસ્સાના ખૂણેખાંચરે સચવાઈ રહેતો સરકારી પગાર અને દિવસ આથમે ફરજ પૂરી કર્યાનો સંતોષ! એટલે મોટા અધિકારીના આગમન ટાણેય આ અધિકારીની ગરદન ટટ્ટાર રહેતી, પણ કંકુને જોતાં જ ગરદન સાવ નમી પડી. ટેબલ પર પડેલા ફાઈલોના ઢગલામાં એ દબાઈ શકી હોત તો જરૂર દબાઈ જાત.
કંકુએ મૂંગામંતર તાર ધરી દીધો. ‘ઝટ વાંચી આપો’ એવું એનું ધ્રૂજતું આખું શરીર કહેતું હતું. પંડ્યા સાહેબ આખું ટોળું જોઈને એ પામી ગયા કે હવે ગામના ભણતરનો આ છેડો છે. તાર હાથમાં લીધો. નોકરીમાંથી પાણીચું મળ્યાનો કાગળ હોત તો પણ એ આમ ન ધ્રૂજયા હોત! આ તો રાવણબાણ હતું! “માડી, હવે મને તારો દીકરો જાણ. આખા ગામના દીકરા તારા જ દીકરા છે. લાડકો…… “ ને કંકુ લવારે ચડી, “એવા તે કિયા ભવના પાપ….
પંડ્યાસાહેબે લાકડી ઠોકી ને બાંકડેથી ઊભા થયા….
**************************************************