વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે (ભાગ-૧) ~ શેર, મુક્તક, ગઝલ અને અન્ય કૃતિ ~ ૨૨ કવિઓ દ્વારા
આપણું આગણું સંચાલિત ગઝલ ગ્રૂપના ૨૨ શિબિરાર્થી મિત્રોની કલમે.. વિશેષ પેશકશ.
૧.
ક્યારનો વાંચી ગયો પુસ્તક બધાં સંબંધનું,
માત્ર પ્રકરણ એમનું મન પર છવાયું છે સતત.
~ અતુલ દવે, વડોદરા
૨.
ફરી જાહોજલાલી કંઈક એ રીતે વધારી છે,
હવે મેં પુસ્તકો માટેની અલમારી વસાવી છે.
~ વિદ્યા ગજ્જર ‘વિદ્યા’, રાજકોટ
૩.
કૈ કેટલા દિવસથી વળગી હતી ઉદાસી,
પુસ્તક મળી ગયું તો, રાહત મળી ગઈ છે.
~ ડૉ. સેજલ દેસાઈ, સુરત
૪.
એક ખૂણે બેઠું બેઠું ક્યારનું ડોક્યા કરે છે,
એક પુસ્તક ટેરવાંનાં સ્પર્શને શોધ્યા કરે છે.
હુંય કોઈના પ્રણયનું ફૂલ છાતીએ લગાવું,
ડીજિટલ યુગમાંય પુસ્તક સ્વપ્નને સેવ્યા કરે છે.
~ કૈલાશ પરમાર ‘અજનબી’
૫.
વાંચવાની હો ધગશ ને હાથમાં પુસ્તક મળે.
ક્યાં સમયનું ભાન થાયે રાતમાં પુસ્તક મળે.
ગ્રંથની સંભાળને ગ્રંથાલયો જો સાચવ્યા.
‘દિવ્ય’ ત્યાં તકલીફ થાતી રાખમાં પુસ્તક મળે.
~ દિવ્યા દેઢિયા ‘દિવ્ય’, મુંબઈ
૬.
આંખમાં ઊંઘ બેહિસાબ મળે.
ત્યાં સવાલોનો ના જવાબ મળે.
પાછલી પાટલીએ બેસે જે,
એની કોરી સદા કિતાબ મળે.
~ અલ્પા વસા, મુંબઈ
૭.
ગહન વળી સુખદ ઘણું ઢળી શકો તમે અગર
ઉપાસના બને પ્રબળ કરી શકો તમે અગર
શબદ ભલે મળે નહીં કમાલ તોય થઈ શકે
કિતાબ એક મૌનની લખી શકો તમે અગર
~ મલ્લિકા મુખર્જી, અમદાવાદ
૮.
કિતાબ જૂની જરાક ખોલી, ગુલાબ મળતા તમે મળ્યા છો,
નજરની સામે ફર્યા એ દિવસો, મને તો લાગ્યું તમે વળ્યા છો.
સુગંધ કેફી હજી જણાતી, કમાલ એનો તમે જુઓ તો!
ખરું કહું તો કિતાબ રૂપે, તમે જ મારી તરફ ઢળ્યા છો.
~ રમેશ મારૂ “ખફા”
૯.
લખ્યાં છે પુસ્તકો જેણે જીવન આખું ખપાવીને,
ખપાવ્યું આયખું એવા ઘણાં પુસ્તક મેં વાંચીને.
વિકારી ધૂળના ઢગલા થયા હાવી મગજ પર જે,
હટાવી એ શકાશે પુસ્તકો થોડા વસાવીને.
ઘરેઘરમાં મહાભારત અને ગીતા મળે જોવા,
કદી પણ વાંચતાં જોયા નથી એને ઉઘાડીને.
વધુ આશા તમે શું રાખશો એ બાળકો પાસે?
વડીલો શીખવે ઇતિહાસ ચલચિત્રો બતાવીને.
અનેકાનેક ઉત્તમ પુસ્તકો ઉપલબ્ધ છે ‘સૂરજ’,
કર્યો ઉપકાર સૌ પર ખુદનું પુસ્તક ના છપાવીને.
~ સૂરજ કુરિયા, ગાંધીધામ
૧૦.
યાદ તારી ભરાઈ પુસ્તકમાં,
વાત એવી છપાઈ પુસ્તકમાં.
વાંચ પુસ્તકની જેમ મારું મન,
દિલની વાતો વણાઈ પુસ્તકમાં.
ના કબૂલાત પ્રેમની કોઈ,
તોય ગઝલો લખાઈ પુસ્તકમાં.
ક્યાં ખબર તારા દિલમાં શું છે, પણ,
મેં કરી છે સગાઈ પુસ્તકમાં.
લખજે કોઈ ગઝલ તું મારા પર,
બસ ન કરતો ઠગાઈ પુસ્તકમાં.
~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’, અમદાવાદ
૧૧.
ભાગ્ય વંચાઈ ગયું એ બાળકોનું ત્યારથી,
ધૂળ બાઝેલી નિહાળી પુસ્તકો પર જ્યારથી.
ફેર ક્યાં બિલકુલ પડે છે દંડ તેમજ મારથી!
ભાગ્યનું પાનું ફરે – શિક્ષણ અને સંસ્કારથી.
હું નથી આખું જીવન-વૃત્તાંત સૌનું વાંચતો,
પણ, બધાંને જાણી લઉં વર્તન અને વ્યવહારથી.
માવતર જે, પુત્રીને આભૂષણો ના દઈ શકે,
એય શણગારી શકે ભણતર તણા શૃંગારથી..
અંધશ્રદ્ધા, વહેમ ને અજ્ઞાનથી તો વેડફાય,
પણ, જીવન જીવાય સરખું, પુસ્તકોના સારથી.
છે બધાં શસ્ત્રો નકામાં, બુદ્ધિની સામે, ભલાં!
વિશ્વ આખું થાય કબ્જે, જ્ઞાનના હથિયારથી.
જ્ઞાન, ભક્તિ, કર્મનું ગાંડીવ લઈ અર્જુન લડ્યો,
તો, રીઝ્રાયો સો ટકા ‘નિઃસ્વાર્થ’ એનો સારથિ.
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’, અમદાવાદ
૧૨. લેપટોપ v/s પુસ્તક
આ લેપટોપમાં ખરાં ફૂલો મૂકી શકાય કે?
ત્યાં પીંછું મોરનું મૂકી,સ્મરણ થઈ શકાય કે?
પ્રણયની ચોકલેટની,નિશાની લઈ શકાય કે?
એ જોતાં જોતાં વૃધ્ધથી યુવાન થઈ શકાય કે?
મને જરા કહો કે ત્યાં સુગંધ લઈ શકાય કે?
કો’ પાસવર્ડ વિના વારસામાં દઈ શકાય કે?
હું હીંચકે, અગાશીમાં, કે બારીએ લઈ ફરું,
ન ચાર્જ એને હું કરું, ખુદ ચાર્જ થઈ શકાય કે?
લઈને એને છાતી પર, સપનમાં જઈ શકાય કે?
ત્યાં વાંચતાં કશું વળી, જરા રડી શકાય કે?
ન જોઈએ મને કશું, ન લેપટોપ – ટેબલેટ,
એ સ્ક્રીનમાંનો શબ્દ થઈ ખુદને મળી શકાય કે?
~ રશ્મિ અગ્નિહોત્રી, અમદાવાદ
૧૩.
હા.. શબ્દો કેરાં બિછાને બેઠાં છીએ,
કોઈ દિલના ખૂણે છાને બેઠાં છીએ
કોરી કિતાબ સમી છે આંખોની વારતા,
જો વાંચો તો પાને પાને બેઠાં છીએ.
કા કા કરતો મનને ફળિયે બેઠો જ્યા કાગ
પ્રતિક્ષાના દિવાનખાને બેઠા છીએ.
ફૂલો, ઝાકળ, ટ્હુકા ‘ને વગડો વેચીને,
શ્ચાસોની ભાડે, દુકાને બેઠા છીએ.
કાં શોધે માળા, તિલક, પૂજામાં કાયમ,
નિશેષ અમે શિશુની મુસ્કાને બેઠા છીએ.
~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’, જામનગર
૧૪.
રસ્તો ન જીવનનો મળે ત્યારે હું પુસ્તક વાંચું છું.
ને માવતર જો સાંભરે ત્યારે હું પુસ્તક વાંચું છું.
ઘૂઘવાય દરિયો ચોતરફ તોડી લહર ને કાંઠાઓ,
જો સ્થિર મનને ડ્હોળવે ત્યારે હું પુસ્તક વાંચું છું.
ચોપાસ હો ઘંટારવો ને મંદિરોની ગૂંબજે,
સંધ્યા, ઉષા રંગો ભરે ત્યારે હું પુસ્તક વાંચું છું.
મિત્રોએ દીધા ભેટમાં ટેબલ ખૂણે આપી જગા,
એકાંત જ્યારે બડબડે ત્યારે હું પુસ્તક વાંચું છું.
જીવન તણા સંગ્રામમાં ઘાયલ થયેલ લાગણી,
અસ્થિમા પોલાણો કરે ત્યારે હું પુસ્તક વાંચું છું !
સોંપી પ્રભુને સૌ જફા ખુદમાં રહું મસ્તાન પણ,
ઘટમાળ જો ખેંચે મને ત્યારે હું પુસ્તક વાંચું છું !
અમરત અને છું ઝેર હું, છું જન્મ હું, છું મૃત્યુ હું,
જેના જવાબો નાં જડે ત્યારે હું પુસ્તક વાંચું છું.
~ નિશિ સોલંકી, કેનેડા
૧૫.
સર્વના વિચારને સદ્ધર કરે છે પુસ્તકો,
સદ્ગુણોને કેળવી ઘડતર કરે છે પુસ્તકો !
હોય વાંચનની શિબિરો સ્કૂલ કે કૉલેજમાં,
ચોતરફ આનંદનો અવસર કરે છે પુસ્તકો !
જ્ઞાનનો સુંદર ખજાનો, એ પ્રથમ ખુલ્લો મૂકે,
લૂંટવા સૌને પછી તત્પર કરે છે પુસ્તકો !
દૃષ્ટિ આપે છે નવી, ખોલે દિશાઓ પણ નવી,
હોય લીધી પ્રેરણા, નવતર કરે છે પુસ્તકો .
બાળપણથી ખૂબ સારા વાંચવા એને મળે,
બાળકોમાં મૂલ્યનું જડતર કરે છે પુસ્તકો !
~ જિજ્ઞા ત્રિવેદી, ભાવનગર (૧)
૧૬.
ઊડવા આકાશ આપે, પાંખ આપે પુસ્તકો,
સ્વપ્નને સાકાર કરવા સાથ આપે પુસ્તકો !
હો નિરાશા શ્વાસમાં, કોઈ દિશા સૂઝે નહીં,
એ ક્ષણે ચાલ્યા ચરણને હામ આપે પુસ્તકો !
સાથ છોડે સગપણો સઘળા અને હો શૂન્યતા,
એ જ વખતે મિત્ર માફક કામ આપે પુસ્તકો !
દૃષ્ટિ આપીને નવી ઘડતર કરે છે કોઈ ને –
બુદ્ધની માફક જીવનમાં જ્ઞાન આપે પુસ્તકો !
જિંદગીથી જે કદી હારી ગયા હો સર્વથા
જીવવા એને સદા આધાર આપે પુસ્તકો !
~ જિજ્ઞા ત્રિવેદી, ભાવનગર (૨)
૧૭.
પુસ્તકોની જેમ સૌનું મન તમે વાંચી શકો?
થઈને ભાવક , સર્જકોનું મન તમે વાંચી શકો.
કેટલું છે દર્દ એ લખનારનું સમજાય , જો
અશ્રુભીના કાગળોનું મન તમે વાંચી શકો!
કોને ભીંજવવું ને કોને રાખવુંં છે કોરુંકટ!
કહી શકો, જો વાદળોનું મન તમે વાંચી શકો.
લીટીઓ વચ્ચેની જગ્યામાં કંઇ દેખાય છે?
તો પછી સૌ લેખકોનું મન તમે વાંચી શકો!
કોઈ સુકું પણ સુગંધિત ફૂલ તમને જ્યાં મળે,
એ જ પાને આશિકોનું મન તમે વાંચી શકો!
~ નીરજા પારેખ, સુરત (૧)
૧૮.
એની પાસે બધાં જવાબ હશે,
હાથમાં જેના એક કિતાબ હશે.
જ્ઞાનનાં ખીલતાં ગુલાબ હશે,
પુસ્તકોની જ્યાં ફૂલછાબ હશે.
વાંચી પુસ્તક જે ઊછરે છે અહીં,
જિંદગી એની લાજવાબ હશે.
જેના સંગી હો પુસ્તકો એનો,
નોખો મોભો , અલગ રુઆબ હશે!
પુસ્તકો આપશે ખુશીઓ જે,
‘નીરજા ‘ એ તો બેહિસાબ હશે.
~ નીરજા પારેખ, સુરત (૨)
૧૯.
એકાદ જયારે કામનું પુસ્તક મળી જશે,
તો માન એટલું કે, બધાં હક મળી જશે.
એવું નથી જીવનમાં અચાનક મળી જશે,
પણ વાંચતાં રહેજો, કદીક તક મળી જશે.
પુસ્તક છે જ્ઞાનનો ભર્યો ભંડાર, વાંચજે,
આખું જગત પછી તને હસ્તક મળી જશે.
લખવાનું બંધ કરશે ન કોઈ,ને વાંચવુંય,
સાહિત્ય માટે હર જગા વાહક મળી જશે.
આખી ગઝલ લખાય નહી તો ફિકર ન કર,
કોશિશ તું કર કદાચ ત્યાં મુક્તક મળી જશે.
~ જીગ્નેશ ક્રિસ્ટી ‘સંગત’, પેટલાદ
૨૦.
જિંદગીમાં નેમ કેવળ જોઈએ.
પુસ્તકોની ચાહના બસ જોઈએ.
એ ઉજાળે સાવ કાળી રાતને,
ટાળવાને દીવડાં શું જોઈએ?
શબ્દ બોલે રાતનાં સૂનકારે તો,
સાંભળી હોંકાર દેવો જોઈએ.
સ્પર્શને સમજે, હસાવે, શીખવે,
હાથ પાનાં ફેરવેલા જોઈએ.
વિશ્વ આખું એક ખૂણેથી ફરો.
આ પ્રવાસે પાંખ પણ ક્યાં જોઈએ.
મૌન પણ સંગાથ દેતું હર પળે,
શબ્દને બીજા સહારા જોઈએ?
સંપત્તિમાં હોય થોડા પુસ્તકો,
તાજ તખ્તો મહેલ પણ ક્યાં જોઈએ?
ખૂરશી, ટેબલ અને કપ ચાયનો,
હાથમાં બસ, પ્રિય પુસ્તક જોઈએ.
કોઈ ઉમદા મિત્ર જેવા પુસ્તકો,
જીવવા માટે વધુ શું જોઈએ?
~ પીયૂષ ભટ્ટ, અમદાવાદ
૨૧.
આ જગત તો ફોન પાછળ ઘેલું છે,
ચોપડીના મુખ ઉપર તો રેણુ* છે,
બાળને શીખવાડી ના બારાખડી,
કેટલા મા બાપ પર આ દેણું છે!
પુસ્તકો માટે ઘરે જગ્યા નથી
ને નકામી ચીજ વસ્તુ નેવું છે.
ટેરવાનો સ્પર્શે ચાહે બે ઘડી,
બીજું શું આ પુસ્તકોનું કહેવું છે.
એમ લાગે જોઈ પુસ્તક હાથમાં,
કૃષ્ણના હાથોમાં જાણે વેણું છે.
*(રેણુ = ધૂળ)
~ અંકિતા મારુ ‘જીનલ’, મુંબઈ
૨૨.
પાના વચ્ચે એક દુનિયા શોધું છું
શબ્દદેહે કોઈ ઘટના શોધું છું
વાંચતા ક્યારેક ખોવાઈ જવાય
ચોપડી નામે હું કન્યા શોધું છું
જે અધૂરા માસે જન્મેલું છે કાવ્ય
એવા બાળકની હું પીડા શોધું છું
એના શબ્દોને ઉકેલીને પછી
મારી પોતાની પ્રતિભા શોધું છું
કીડો પુસ્તકનો છું,દુનિયા છે અલગ
મારા સરખી કો’ પ્રતિમા શોધું છું
રોજ પુસ્તકોમાં નવું વાંચું અને
એમાં હું જૂની તમન્ના શોધું છું.
ક્યાંક હુલ્લડ, ક્યાંક યુદ્ધો ફાટે છે
આગ વચ્ચે,બે’ક દરિયા શોધું છું.
~ ભારતી વોરા ‘સ્વરા’, આંબલા
૨૩.
ગુણી મિત્રને શું આપીશું?
શુભ પ્રસંગે શું આપીશું?
દેખા દેખી ફ્લાવર બુકે?
પૈસા એમાં વ્યર્થ જ ડૂબે!
મોંઘા ફૂલો કરમાઈને
જાવાના કચરાપેટીમાં
બુક મજાની શોધી કાઢો
જીવનમૂલ્યો રમતા રાખો
ભેટ એવી જે મનને સ્પર્શે
વાંચી વાંચી અંતર હર્ષે।
જીવનભર એ સાથે રહેશે
જ્ઞાનદીપ પ્રગટાવી દેશે
ફૂલ પાંખડી કરમાવાની
પૃષ્ઠો રહેશે કાયમ સાથી
સુવાસિત મૂલ્યોને આપો
બુકે છોડો, બુક જ આપો,
વિચારે અજવાળાં સ્થાપો
બુકે છોડો, બુક જ આપો,
~ રાજેન્દ્ર આર શાહ ‘ સ્વપ્નિલ’, વડોદરા
૨૪.
વિચારો આપશે પુસ્તક;
મગજને તાવશે પુસ્તક.
થશે વિહવળ જરા પણ મન;
સહારે આવશે પુસ્તક.
સમાવી ફૂલને ભીતર;
બધું મહેકાવશે પુસ્તક.
સ્વયં પર ધૂળ જામે તો;
નિસાસો નાખશે પુસ્તક.
જો પસ્તી ભેગી કરશો તો;
મનોમન ભાંડશે પુસ્તક.
મળે ગમતું જો શીર્ષક તો;
ગળે વળગાડશે પુસ્તક.
મૂકી માથે અગર નાચો;
તો સંગે નાચશે પુસ્તક.
હશે કંઈ ગડમથલ મનમાં;
દિશા સૂઝાડશે પુસ્તક.
ફકત પાનાં ન પલટો તો;
ઘણું સમજાવશે પુસ્તક.
ગહનતા શબ્દની પામી;
અરથ પંપાળશે પુસ્તક.
ફકત સ્પર્શી જુઓ એને;
ખુશી બતલાવશે પુસ્તક
~ દેવેન્દ્ર જોશી, મુંબઈ
(ભાગ-૨ , રવિવારે ગુજરાતી મિડ-ડેની કટારમાં)