પડદો ~ વાર્તા ~ યામિની વ્યાસ

“આ તારા પડદા બહુ હેરાન કરે છે, રેવતી. હમણાં ચા ઢોળાઈ જાત.”

“ધ્યાન, તું જ ધ્યાન રાખીને ચાલતો હોય તો? પાછો મારા પડદાનો વાંક કાઢે છે.”

“ને આ પડદા જાડાય કેટલા છે!”

“તો જ બધું ઢંકાયને, મમ્મી કહેતાં, પડદો તો એક બારણાની ગરજ સારે. ને તારી જ ઓટોગ્રાફ બુકમાં સરસ વાક્ય વાંચેલું કે, અભિમાનની બારી ખોલી નાખો પણ સ્વાભિમાનનો પડદો રાખો.” ધ્યાને રેવતીને વધુ બોલતી અટકાવી, “બસ બસ, પડદાના લાભાલાભ પર તારું વક્તવ્ય ગોઠવીશું બસ. પણ એમાં ઘૂઘરીઓ કેમ ટાંકી? એ પણ વાગ્યા કરે છે.”

“ઘૂઘરીઓ તો વાગવા માટે જ હોય, મારા રાજ્જા.”

“એમ નહીં, જો પગ પર વાગી.”

“ઓહો… એમ, માય ડેલિકેટ ડાર્લિંગ!” મજાક કરતાં કરતાં રેવતીએ ઘૂઘરીના તાલ સાથે ધ્યાનને પડદા પાછળ ખેંચ્યો.

“ચાલ છોડ, બેંકમાં જવાનું મોડું થશે, વળી આજે પહેલો દિવસ છે.”

“એમ? તો પ્રોમિસ કર, તું જલદી આવશે તો જ જવા દઉં.” રેવતી બંનેની ફરતે પડદો વિટાળતી લટકો કરીને બોલી.


“હા મારી મા, પણ આ પડદાની માયાજાળમાંથી મને કાઢ. મારા ઈસ્ત્રીવાળા કપડાં બગડી જશે.”

“ઓકે, બસ? ધ્યાન મહેતા!” કહી એણે ધ્યાનના હોઠ પાસે ગાલ ધરી દીધો.

“ફરી મને મોડું કરાવવાનું વાતાવરણ ઊભું ન કર.” હળવેથી એને ચૂમી એ બેંકમાં જવા ઊપડ્યો.

ત્રણેક દિવસ પહેલાં ધ્યાન અને રેવતી આ ગામમાં આવ્યાં હતાં. નાનકડું ગામ હતું. બેંકની નવી જ શાખા ખૂલી હતી. મેનેજમેન્ટ માટે ખૂબ કાબેલ એવા ધ્યાનને અહીં મોકલવામાં આવ્યો હતો. શહેર છોડીને અહીં આવવાની ઈચ્છા તો નહોતી પણ ઉપરી અધિકારીએ ખાસ એને પસંદ કર્યો હતો અને બધું સેટ થઈ જાય તો દોઢબે વર્ષમાં ફરી આજ જગ્યાએ બદલી કરી આપશે એવી ખાતરી આપી હતી. આઠમા ધોરણમાં ભણતી એકની એક દીકરી ફ્લોરિનાની સ્કૂલ અને ક્લાસ સચવાઈ જાય એટલે તેને ઘરે જ દાદાદાદી પાસે મૂકી તેઓ અહીં આવ્યાં હતાં.

આ ખૂબ નાનકડું પણ પ્રાકૃતિક સૌંદર્યથી ફાટફાટ થતું સુંદર ગામ હતું. થોડાં પાકાં મકાનો ને થોડાં કાચાં મકાનો ને છુટ્ટાછવાયા ઝૂંપડાં. ધીમે ધીમે બંને ગ્રામ્ય વાતાવરણમાં સેટ થતાં ગયાં. ધ્યાન-રેવતીને ઘર મળ્યું હતું એ પણ નાનકડું ને નિરાળું હતું. મોટાની જરૂરેય નહોતી. રેવતી ઘર સજાવવાની શોખીન હતી. એણે ઓછી ચીજવસ્તુઓથી સુંદર ગોઠવણી કરી હતી.

ધ્યાન બેંકમાંથી ઘરે આવે એટલે ફ્રેશ થઈ તેઓ ચાલવા નીકળી જતાં ને રેવતી ત્યાંથી નાના પથ્થર, સૂકી ડાળીઓ, પાંદડાં વગેરે લઈ આવતી ને ઉપર આકર્ષક પેઇન્ટિંગ કરી કલાત્મક નમૂના તૈયાર કરતી. આવા શોખને કારણે તેનો સમય પણ સરસ પસાર થતો.

એક દિવસ ઓટલા પર હિંચકે બેસીને ભરતકામ કરતી હતી અને એક બહેન આવી. કાળી પાતળી કાયા, તેલવાળો ચોટલો ને એના છેડે ફૂમતું, ચાંદલો ને સેંથી પૂરેલી, આંખોમાં ચમક ને પીળી સાડી કાછડો મારીને પહેરી હતી.

“બેન, તમે જ અમના રેવા આઇવા ટે રેવતીબેન? મને નાકે રે’ટા સરલાબેને કામવારી બાઈ હારું વાટ કઈરી, મને કામે રાખવાના કે?”

“અચ્છા, ઓહો… સરલાબેન? હા, કાલે જ એમની સાથે ઓળખાણ થઈ. જો, આમ તો અમે બે જ જણ છીએ. ચાલ, પહેલાં તારું નામ કહે ને કેટલા રૂપિયા લેશે એ કહે.”

“મારું નામ રેવલી ને પૈહા તમુ જે આપહો ટે. મેં તો વધારે ની લેમ. તમે ભનેલાગનેલા વધારે હમજો એ પરમાને”

રેવતીને એની વાત કરવાની રીત ગમી ગઈ, એનામાં રસ પડ્યો. “ઓહો એમ? વાતો તો મીઠી કરે છે, સારું ચાલ, પણ રેવલી નહીં, હું તને રેવા કહીશ.”

“એ જ ઉતું, પન કોઈ એમ બોલાવતું જ ની મલે.”

રેવતીએ એને કામ પર રાખી. ખૂબ ઓછા રૂપિયામાં એ તૈયાર હતી પણ રેવતીએ સારા એવા નક્કી કર્યાં. બીજે દિવસથી આવવા લાગી અને સમયસર ને સરસ કામ કરી જતી. રેવતી એની ઝડપ જોઈને નવાઈ પામતી. કોઈ લાંબી વાતો નહીં. બસ કામ પતાવ્યું કે તરત એના પાતળા પગે દોટ મૂકી જ હોય.

“ક્યા બાત, આહા, બેડરૂમ તો મહેકે છેને!” ધ્યાને આવતાવેંત નોંધ લીધી.

“નવી બ્લૂ બેડશીટ પેઇન્ટ કરી જો, તો થયું રૂમ સજાવી જ દઉં ને ફ્લાવરવાઝમાં તને ગમતા મોગરા મહેકે છે.”


“આહા, પણ તને જોઈને તો ફૂલો પણ એની સૌંદર્યની મર્યાદામાં રહેવા પ્રયત્ન કરે છે.”

“ઓહોહો, બહુ ખીલ્યાને કંઈ! છોડો… ચા બનાવી લાઉં.”

“પણ ફૂલો ક્યાંથી લાવી? એ તો કહે.”

“રેવા પાસે મંગાવ્યા.”

“અચ્છા, હવે સમજાયું તારી હળવાશનું કારણ. તને રેવા મળી ગઈ એ ખૂબ સારું થયું, પણ આવે તો છેને રેગ્યુલર? મેં તો એને જોઈ પણ નથી.”

“હા, ખૂબ સરસ કામ કરે છે, તેય ચુપચાપ, ઓછા પગારમાં, આપણા શહેરમાં તો રૂપિયાયે કેટલા લે છે, બાપ! તું હોય તો એને થોડો સંકોચ થાય એટલે પહેલે જ દિવસે પૂછી લીધું હતું, “સાબ, કિવારે જાય?”

“લે, મારા જવાની પણ વાટ જોવાતી હોય? રવિવારે તો દર્શન થશેને તમારી રેવાજીના? પણ ચાલ, હમણાં તો તું ચા બનાવ પછી રૂમની સજાવટની મજા માણીએ.”

આ હળવાશ, સમયની મોકળાશ, અહીંના ગ્રામ્ય વાતાવરણની મહેક અને બંનેને મળેલું ગમતીલું એકાંત રોમાન્સના રંગને ઓર રમ્ય બનાવતું. વળી, નમણી લહેરખી આવતી ને રેવતીએ લગાડેલ પડદા પરની ઘૂઘરી રણઝણી ઊઠતી, સાથે બંનેના હૈયા પણ.

બંનેને અહીં ગમી ગયું હતું છતાં દીકરી ફ્લોરિનાની ખૂબ યાદ આવતી. એ યાદ થોડા જ સમયમાં ખુશીમાં ફેરવાઈ. ફ્લોરિનાને મીની વેકેશન પડવાનું હતું ને ત્રણેય અહીં આવવાના હતાં. દસેક દિવસની વાર હતી. રેવતી તો હમણાંથી જ તૈયારીમાં લાગી ગઈ. રેવાની મદદ લઈ વધુ સફાઈ ને સજાવટમાં વ્યસ્ત થઈ. રેવાનું કામ ખૂબ સરસ ચોખ્ખું પણ એ રજા ઘણી પાડતી.

“બેન, કાલે મેં ની આવા”

“કેમ?”

“રરવા જવાની. મારી નરનની ડાઈડોહી મરી ગેઈ તાં.”

“સારું, સરલાબેન સાચું જ કહેતાં હતાં કે કામ બહુ સારું પણ ખાડા બહુ પાડશે.”

“ની બેન કપરાં-વાહણ લાખી મેલજો. મેં બીજે ડાડે આઈને કરી ડેવા.” રેવતી રજા આપી દેતી. એને કોઈ વાર દયા પણ આવતી. એને થતું કે, ‘આ લોકોનું કેવું જીવન! કોઈ મનોરંજન નહીં, બસ પેટ માટે કામ. ઉંમર પણ લગભગ મારા જેવડી જ હશે. ફ્લોરિના જેવડી છોકરી ને એનાથી નાનો છોકરો. વર તો છૂટક મજૂરીએ જાય. બચતેય શું હોય?’

રેવા તો કોઈ દિવસ કંઈ કહેતી નહીં પણ રેવતી જ એને પૂછી પૂછીને વાત કરાવતી. “છોકરાં ભણવા જાય છે?”

“હવારે નિહાળે જટા છે ને આવીને પોયરી ચૂલો હો હલગાવે.” એના ધીમા નીકળતા શબ્દો એના ઝડપી કામ સાથે તાલમેલ નહોતા ખાતા. પણ જ્યારે રેવતી ફ્લોરિના માટે રૂમની સજાવટ કરી પડદો બદલતી હતી ત્યારે રેવા તરત જ બોલી, “બેન, આ તમુને કામ ની ઓય તો મને આલી મેલોને? પૈહા જે થાય ટે મેં આલી દેવા.”

રેવતીને નવાઈ લાગી. એ અટકી. મનોમન વિચારવા લાગી, ‘આ પડદાનું એ શું કરશે? આના પર તો મેં કેટલી મહેનતથી ફ્લોરિના માટે ઢીંગલી ભરી હતી! પણ ફલોરિનાએ તો ફોનમાં કહી દીધું, ‘હવે હું મોટી થઈ ગઈ, મમ્મી. તારી ફ્લોરિના મારે માટે મસ્ત ફ્લોરલ ડિઝાઇનના પડદા બનાવજે પ્લીઝ.’ તો હવે આ પડદો ક્યાં લગાડીશ?’

એ રેવા તરફ ફરી, ભરેલી ઢીંગલી પર હાથ ફેરવતા “સારું લઈ જા, પૈસા નથી જોઈતા પણ સાચવજે. મેં બહુ મહેનતથી એના પર આ ઢીંગલી ભરી છે.” રેવલી તો હરખાતી પડદો લઈ ગઈ. એક નાની ચીજથી પણ એ ખૂબ રાજી હતી.

પછી તો ફ્લોરિના ને સાસુસસરા પણ આવી ગયાં. બધાંને ખૂબ મજા પડી. ઘરનો ખૂણેખૂણો જીવંત થઈ ઊઠ્યો. સમયને પાંખો ફૂટી. ઘડીકવારમાં વેકેશન પૂરું થયું. તેઓ પાછાં ગયાં. જોકે, ત્યારે એકે દિવસ રેવલીએ ‘રરવા જવાની’ રજા નહોતી પાડી. તેઓ ગયાં એટલે ફરી થોડા દિવસ ઘર સૂનું લાગ્યું. પણ એ દિવસોને યાદ કરી ધ્યાન અને રેવતી ખુશ થતાં.

આજે હાફ ડે હતો એટલે ધ્યાન વહેલો ઘરે આવ્યો. “કેમ,આજે મૂડમાં નથી? તું ખુશ ન હોય ને તો ઘર પણ કેવું ઉદાસ લાગે, રેવતી?”

“સાચી વાત, કાલથી ઘરની સફાઈ જ નથી થઈ. રેવા આમ તો રજા નથી પાડતી, ખાલી રડવા જવાની છે, આમ કહીને જ જાય છે. આજે તો હું જ રડવા જેવી થઈ ગઈ છું. હું આજે સરલાબેનને પૂછી જ આવું.”

“ના, હું આવતો હતો ત્યાં જ સરલાબેનના હસબન્ડ મળ્યા, તેઓ આખું ફેમિલી શિરડી દર્શન કરવાં ગયું છે. કંઈ નહીં, રાહ જો, રેવા કાલે આવી જશે.”

બીજે દિવસે રેવા ન દેખાઈ એટલે રેવતીને ગુસ્સો આવ્યો, “ધ્યાન, તું બેંક પર જવા નીકળે તો મને લેતો જજે. આ બાજુ ઝૂંપડપટ્ટી જેવું છે. એ લગભગ ત્યાં જ રહે છે. નાની જગ્યા છે એટલે મળી જશે. જોઉં તો ખરી.”

ધ્યાન ઈચ્છતો નહોતો કે, રેવતી રેવાને શોધવા ઝૂંપડપટ્ટી જાય પણ રેવતીની ઈચ્છા હતી એટલે ત્યાં ઉતારી. પૂછતાં કોઈએ તરત જ ઘર બતાવ્યું. સામે જ હતું. રેવાને જોતાં જ રેવતી વરસી પડી, “રડવા જવાનું બહાનું કાઢીને તું કેટલી રજા પાડે છે! ને આ વખતે તો સાવ કહ્યા વગર… ને આ! આ મારા પડદાની દશા તો જો…” બોલતાં તો રેવતી બોલી ગઈ, પણ રેવાનું મોઢું જોઈને અટકી.

“બેન, મારો ઘરઆળો જ પરમ દી મરી ગિયો. બધ્ઢાં મારે ઘેર રરવા આવલા.”

“ઓહ, કેવી રીતે?” રેવતીની આંખો પણ અફસોસ સાથે ભીંજાઈ.

“અરે બેન, મેં હું કેંવ? રોજ રાટે દારૂ પીને ભટકતો ફરે, કેથે પડી ગિયો ઓહે તે માથું ફૂટી ગિયું. એમ હો દરોજ  મોડી રાટે આવે એને ભાન તો ઓય ની. કેટલું ધિયાન રાખું? હગ્ગી પોઇરીને હો હાચવવી પરે. મૂઆની નજર ની પડે ઇટલે ચાદર ટીંગારી ડેટી. તે હો ફાટી ગેઈ, ટારે ટો આ તમારો પરદો માંગી લાવલી. તે ઊંધો ટીંગાઇડો. મૂઓ તો પરદાની રૂપારી ઢીંગલી જોઈને હો તંઈ પોંચી જાય. મૂઆની પસી ની બોલવું જોય પન મેં હું કરું?” એણે પડદો ફેરવીને બતાવ્યો એની પાછળ એની રૂપાળી ઢીંગલી એવી જ સચવાયેલી હતી.

******************

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.