“ખમ્મા” (ગઝલ) ~ તાજા કલામને સલામ (૨૩) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: શબનમ ખોજા ~ આસ્વાદઃ સપના વિજાપુરા
“…ખમ્મા…!”
કે ખમ્મા નજરની ભલામણને ખમ્મા,
ઝરે આંખથી એ રસાયણને ખમ્મા.
છે તારા સ્મરણની અસર કેવી નોખી!
જીવાડે છે એવા આ મારણને ખમ્મા.
સહજ થઈ સમજની ગલી છોડી દીધી,
પછી મેં કહ્યું મારી સમજણને ખમ્મા!
લખું છું, ભૂંસું છું, ફરીથી મથું છું
ગઝલ જે કરાવે મથામણને ખમ્મા.
~ શબનમ ખોજા
~ આસ્વાદઃ સપના વિજાપુરા
કચ્છ મુન્દ્રામાં જન્મેલી તેમજ ત્યાંની નિવાસી યુવા કવયિત્રી શબનમ મુર્તુજા ખોજાએ મુન્દ્રા -કચ્છમાં જ અભ્યાસ કર્યો છે. તેમણે PTC, MA, B.ED (eng.)માં કર્યું છે. તેઓ ગઝલ, ગીત, અછાંદસ, રેખાચિત્ર વિગેરેને આવરી લે છે.
એમને ગઝલ લખવામાં વધારે રસ છે. એમણે ઘણાં માતબર કવિઓ સાથે મોટા મોટા શહેરોમાં કવિસંમેલનમાં કાવ્યપાઠ કરેલ છે. એમની ગઝલ પ્રકાશિત થઈ હોય એવા સામયિક: નવનીત સમર્પણ, શબ્દસર, કવિલોક, તમન્ના, ફેસ ટૂ ફેસ, ફીલિંગ્સ, પંખ ઈ મેગેઝિન વગેરે.. તે ઉપરાંત કચ્છમિત્ર, દિવ્ય ભાસ્કર, ધી મેસેજ જેવા સમાચારપત્રોની નામી કોલમમાં એમની ગઝલનો આસ્વાદ તેમજ પરિચય પ્રકાશિત થયેલા છે.
એમને 26 જાન્યુઆરી, 2020 સાવરકુંડલા મધ્યે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા પ્રાયોજિત સાહિત્ય અને શિક્ષણ પર્વ અંતર્ગત કવિ શ્રી રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ – 2019 પરમ આદરણીય પૂ. મોરારીબાપુના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આવી પ્રતિભા ધરાવતાં કવયિત્રી શબનમ ખોજા આપણને ચોટદાર ગઝલ આપે છે. કાઠિયાવાડી અથવા રાજસ્થાની શબ્દ છે ‘ખમ્મા”. આ શબ્દ ઘણી વાર વાપરવામાં આવે છે.
જ્યારે દરબાર બેઠાં હોય અને કોઈની પ્રશંસા કરવાની હોય તો પણ બોલાય છે. અને ક્યારેક આશ્વાસન આપવા માટે આ શબ્દ વપરાય છે. અને ક્યારેક ગ્રીટિંગ્સ માટે વપરાય છે. માફ કરી દેવા માટે પણ વપરાય છે. ક્ષેમકુશળ રહો , સલામત રહો, દુઃખથી દૂર રહો! કવયિત્રી શબનમે રદીફ તરીકે ખમ્મા લઈને ઘણી વાતોને ખમ્મા કરી છે। ચાલો જોઈએ દરેક શેર શું કહેવા માગે છે.
કે ખમ્મા નજરની ભલામણને ખમ્મા,
ઝરે આંખથી એ રસાયણને ખમ્મા.
મત્લાના શેરમાં નજરથી થતા ઈશારા કે પછી આંખથી થતી ભલામણ ને ખમ્મા। ઘણી વાતો છાનીછૂપી થતી હોય છે, એ ઇશારાને સલામ અથવા ખમ્મા। ઘણીવાર જબાનથી બોલવાની જરૂર પડતી નથી આંખના ઇશારાથી સલામ થાય છે. આંખથી ઠપકો પણ અપાય અને આંખથી ભલામણ પણ થાય અને આંખથી પ્રેમ પણ થાય. આંખમાંથી જે આંસુ ઝરે છે એ પણ પ્રેમને કારણે ઝરે છે. જે નજર પ્રેમ આપે છે એજ નજર આંસુ આપે તો આંસુને પણ ખમ્મા!
છે તારા સ્મરણની અસર કેવી નોખી !
જીવાડે છે એવા આ મારણને ખમ્મા.
બીજા શેર માટે ગાલિબનો શેર યાદ આવે છે કે “મહોબત મેં નહિ ફર્ક જીને ઔર મરને કા, ઉસી કો દેખકે જીતે હૈ જિસ કાફિર પે દમ નિકલે!” હા સ્મરણની પણ કેવી અસર હોય છે, જેની યાદમાં મરતાં હોઈએ એજ મારણ જીવાડે છે. સ્મરણની અસર કેવી નોખી છે! તારી યાદમાં જીવવું અને મરવું બંને બરાબર છે. પણ તારી યાદમાં જે જીવાડે છે એ મારણને ખમ્મા! તું જ જીવાડે છે અને તું જ મારે છે!
સહજ થઈ સમજની ગલી છોડી દીધી,
પછી મેં કહ્યું મારી સમજણને ખમ્મા !
પ્રેમમાં વળી સમજણનું શું કામ? સમજ ની ગલી છોડી સમજણને ઘણી ખમ્મા કરી. પ્રેમમાં જો સમજણથી કામ લો તો પ્રેમ છૂટી જાય છે. તેથી સહજતાથી સમજની ગલી છોડી દીધી, પછી મેં કહ્યું કે મારી એ સમજણને ખમ્મા! કાં તો પ્રેમ અને કાં તો સમજણ! એક મ્યાનમાં બે તલવાર ના રહે! પ્રેમ ખાતર સમજણને છોડી તેથી એ સમજણને ખમ્મા! હાં એવી સમજણ ને તો ખમ્મા જ હોય ને?
લખું છું, ભૂંસું છું, ફરીથી મથું છું
ગઝલ જે કરાવે મથામણને ખમ્મા.
મક્તાનો શેર ખૂબ સુંદર થયો છે, દરેક કવિની મથામણ બતાવી છે. લખું છું ,ભૂંસુ છું અને મથું છું, ગઝલ લખવા થતી મથામણને ખમ્મા!!
ગઝલ લખવા માટે કેટલી મથામણ કરવી પડે છે! જેનાથી સુધી વાત પહોંચાડવી હોય તે ભાવ આવ્યો કે નહિ? રદીફ અને કાફિયા બરાબર છે કે નહિ! બે પંક્તિમાં મારી વાત મુક્કમલ થઇ કે નહીં! આવું ઘણું બધું ગઝલ લખવા માટે વિચારવું પડે છે! રાત રાતભર જાગીને મથામણ કરવી પડે છે ! આવી મથામણ પણ કવયિત્રીને વહાલી છે! એ મથામણ ને પણ ખમ્મા! વાહ કવિયત્રી મોટા મોટા દિવંગત કવિઓને વિચારતા કરી મૂકે એવી ગઝલ!!
***
વાહ વાહ।