પુનર્મિલન (વાર્તા) ~ વર્ષા ભટ્ટ “વૃંદા”

બસ એક જોરદાર ધક્કા સાથે રોકાણી અને… પરસેવે રેબઝેબ એક યુવતી બસમાં ચડી.. અચાનક અવિનાશની નજર પડી અને તે ચોંકી ગયો! આરતી? અહીં?

શામળો વાન, પણ નમણી એવી આરતી પહેલાં કરતાં ઘણી અલગ લાગતી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી અને બસમાં ભીડ એટલી હતી કે, અવિનાશ હજુ કંઈ વિચારે કે આરતી સાથે વાત કરે ત્યાં જ આરતી બોરીવલી આવતાં ઉતરી ગઈ. અવિનાશ ઉદાસ થઈ ગયો.

બીજા દિવસે પણ એ જ સમય, એ જ બસ અને આરતી ફરીથી બસમાં ચડી…પણ અવિનાશ પાછળ હતો અને આજે પણ બસમાં એટલી જ ભીડ હતી. આજે પણ આરતી સાથે કોઈ વાતચીત ન થઈ.

બે દિવસ સતત આરતીને જોઈ પણ કોઈ વાતચીત ન થતાં, આજે તો અવિનાશ વહેલો આવી બસમાં પોતાની પાસે જ એક સીટ રોકી લીધી. આરતી બસમાં આવી તેની નજર ખાલી સીટ પર પડતાં ત્યાં બેઠી.. અવિનાશને જોઈ તે છોભીલી પડી ગઈ!

‘તમે?’

આજે અવિનાશને હાશ થઈ!

થોડીવાર તો બંને ચૂપ રહ્યાં. પછી અવિનાશ બોલ્યો: “તું.. સોરી તમે ઘણાં બદલાઈ ગયાં છો.”

“હા, સમય ભલભલાને બદલી નાખે.”

“એટલે? તમે ખુશ તો છોને?”

આરતી પાસે અવિનાશની વાતનો કોઈ જવાબ ન હતો. બસ એક આંસુ આંખમાંથી ટપકી પડ્યું.. એટલામાં બોરીવલી આવતાં આરતી બસમાંથી નીચે ઉતરી. અવિનાશ પણ તેની સાથે જ બસમાંથી ઊતરી ગયો.

“આરતી.. આરતી..”

આરતી ઉતાવળા પગલે ચાલવા લાગી. અવિનાશ તેની પાછળ ચાલતો હતો. પાસેના ગાર્ડનમાં બંને એક બેન્ચ પર બેઠાં અને અવિનાશે ફરીથી આરતીને પૂછ્યું:

“તમે ખુશ નથી?”

“અવિનાશ, મને માફ કરજો. તમને છોડીને મેં બહુ મોટી ભૂલ કરી હતી.”

“એટલે? આકાશ અને તમે હવે સાથે નથી રહેતાં?”

“ના, પણ અમારી એક ત્રણ વર્ષની દીકરી છે. ગરિમા..”

“ઓહ! પણ આ બધું કંઈ રીતે થયું..”

“મેં આકાશને પ્રેમ કરી મોટી ભૂલ કરી…, સમય જતાં મને મારી ભૂલનો પસ્તાવો થયો. હું હાલ  એક કંપનીમાં નોકરી કરું છું.”

અવિનાશને હવે તેનાં આંસુ લૂછવાનો તો હક ન હતો, પણ એટલું કહ્યું કે, “મારી કોઈ મદદની જરૂર હોય તો ચોક્કસ કહેજો..”

અવિનાશે તેનો મોબાઈલ નંબર આપ્યો અને બંને છૂટાં પડ્યાં.

આરતી તો ગઈ, પણ અવિનાશ તેના ભૂતકાળમાં સરી પડ્યો.

મહેસાણા જિલ્લાના નાના શહેર વિસનગરમાં અવિનાશ તેનાં માતાપિતા સાથે રહેતો હતો. પિતાને જમીન હોઈ તેઓ ખેતી કરતા પણ અવિનાશ બી.એડ. કરી સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.

અવિનાશના મામાએ અવિનાશ માટે એક છોકરી જોઈ, આરતી… વાને તો આરતી શામળી હતી પણ નમણી આરતીને જોઈ અવિનાશે તેને પહેલી નજરમાં જ લગ્ન માટે હા પાડી. ફક્ત એક જ વખત બંને વચ્ચે વાતચીત થઈ અને લગ્ન પણ થઈ ગયાં.

શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ આરતીને હંમેશા અવિનાશ પ્રત્યે ફરિયાદ રહેતી કે, તે ક્યારેય ફરવા નથી લઈ જતો.. વગેરે…

આરતીને હવે ઘર, ઘરનાં કામ બોજ લાગતાં હતાં. શોખીન આરતી રોજ ઓનલાઈન ઓર્ડર કરી નવાં નવાં કપડાં મંગાવતી. હવે તો ઘરનાં કામ પણ અવિનાશની મા જ કરતી, પોતે આંખો દિવસ બસ મોબાઈલ લઈને બેસી રહેતી.

રાત થતાં અવિનાશ સાથે પ્રેમ કરવાને બદલે તેની સાથે ઝગડો કરતી. તેને વેદિયો, કંજૂસ કહી ઉતારી પાડતી. અવિનાશ ઘણી વખત આરતીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરતો, પણ તે તો સાવ ઠંડો છે એવું કહી આરતી પડખું ફેરવીને સૂઈ જતી.

અવિનાશ ધીરજ રાખી જીવન જીવતો હતો. તે હમણાંથી જોતો હતો કે આરતી રાતે મોડે સુધી મોબાઈલમાં કોઈની સાથે વાત કરતી અને ચેટ કરતી. રોજના ક્રમ મુજબ અવિનાશ ઉઠ્યો અને જોયું તો આરતી ન હતી. તેણે ઘરમાં, આંગણામાં  જોયું, પણ આરતી ક્યાંય ન હતી. અચાનક તેની નજર ટેબલ પર પડી. એક ચિઠ્ઠી હતી. અવિનાશે એ ચિઠ્ઠી વાંચીને દિગ્મૂઢ થઈ ગયો!

“અવિનાશ, હું તમને અને આ ઘરને છોડી જાઉં છું. મેં મારા જીવનમાં જેવા પતિની કલ્પના કરી હતી તેમાંના એક ટકો પણ તમે નથી. મને આકાશ સાથે પ્રેમ થઈ ગયો છે અને હું તેની સાથે જીવન વિતાવવાની છું.

લિ. આરતી..”

અવિનાશના હાથમાંથી ચિઠ્ઠી નીચે પડી ગઈ. લગ્નને બે જ મહિના થયા હતા અને આરતી ઘર છોડીને જતી રહી.

બસ, પછી તો અવિનાશે ક્યારેય આરતીને શોધવાનો પ્રયત્ન ન કર્યો. મન ન હોવા છતાં થોડા જ સમયમાં  માતાપિતાની જિદથી અવિનાશે મમતા સાથે લગ્ન કર્યાં. સાદી, સીધી મમતાએ અવિનાશને ભરપૂર પ્રેમ આપ્યો. અવિનાશ આરતીને ભૂલી ગયો.

એક પછી એક પહેલાં માતા અને પછી પિતાનું અવસાન થયું પણ મમતાએ અવિનાશને સંભાળી લીધો. આખરે મમતા ગર્ભવતી બની અને બંને ખુશ થયાં. અવિનાશ મમતાની ઘણી સંભાળ રાખતો હતો, પણ કદાચ ઇશ્વરને તેની ખુશી મંજૂર નહીં હોય. એક દીકરાને જન્મ આપી મમતા અવિનાશ અને નાના બાળકને છોડી મૃત્યુ પામી..

આરતીના દગામાંથી છૂટી મમતા સાથે અવિનાશ ખુશ રહેતો હતો…. પણ મમતાની વિદાય સાથે નાના દીકરાની જવાબદારી પણ આવી પડી.. અવિનાશે એકલા હાથે નાના વેદની પરવરીશ કરી. આજે વેદ શાળાએ જાય છે. અચાનક ફેરિયાનો અવાજ આવતાં અવિનાશ ભૂતકાળમાંથી પાછો ફર્યો.

આરતીનો ચહેરો ફરી પાછો તેની આંખ સામે તરવરી રહ્યો…

બીજા દિવસે વેદની શાળામાં વાલી મિટિંગ હોવાથી અવિનાશ વેદને લઈને શાળાએ ગયો. તો  સામે આરતી અને નાની દીકરી દેખાઈ…

ગરિમા દોડીને વેદ પાસે આવી. “વેદ, આ મારી મમ્મી છે.”

“નમસ્તે, આન્ટી.. ગરિમા, આ મારા પપ્પા છે.”

“નમસ્તે અંકલ…”

ગરિમા અને વેદ દોડીને ગાર્ડનમાં હીંચકા ખાવા ગયાં.

“આરતી, તારી દીકરી તો સરસ   છે.”

“હા, અને વેદ પણ…”

બંને પાસેની બેન્ચ પર બેઠાં.

“આરતી, આકાશ કયાં છે?”

“એ હવે આ દુનિયામાં નથી.”

આરતીની વાત સાંભળી ઘડીભર અવિનાશ ચોંકી ગયો!

“શું થયું તેને?”

“તે દિવસે હું ઘર છોડીને ગઈ. આકાશ સાથે મારે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઈ. હું કલાકો તેની સાથે વાતો કરતી. આકાશ મારી સાથે પ્રેમથી મીઠી મીઠી વાતો કરતો. એક બે વખત અમે મળ્યાં પણ હતાં, તે મારા માટે મોંઘી ભેટ લાવતો હતો. બસ, આખરે હું ઘર છોડીને ગઈ અને આકાશ સાથે તેના ઘરે રહેવા લાગી. અમે મંદિરમાં લગ્ન કરી લીધાં.

હવે ધીમે ધીમે આકાશનો અસલી રંગ દેખાવા લાગ્યો. આકાશ એક મોલમાં મામૂલી નોકરી કરતો હતો. ક્યારેક દારૂ પીને આવે અને મારાં શરીરને પીંખી નાંખતો. શરૂઆતમાં હું તેને પ્રેમ માનતી, પણ સમય જતાં અમારી વચ્ચે ઝગડા થવા લાગ્યા. આકાશ તેની પૂરી કમાણી દારૂ પાછળ વાપરી નાખતો. મારી ઈચ્છા ન હોવા છતાં મારી સાથે જબરદસ્તી સેક્સ કરતો.

આખરે હું ગર્ભવતી થઈ. મને થયું હવે કદાચ આકાશ સુધરી જશે પણ એવું કંઈ ન થયું. ગરિમાનો જન્મ થયો. હજુ તો બે દિવસ જ થયા હતા અને આકાશ મારા શરીર પર તૂટી પડ્યો. હું કણસતી રહી, પ્રતિકાર કરતી રહી, પણ આખરે તે ન માન્યો. મેં જોરથી તેને ધક્કો માર્યો અને તે ગુસ્સામાં જતો રહ્યો. ખૂબ દારૂ પીધો અને એક ટ્રક સાથે અથડાતાં… તેનું મૃત્યુ થયું.. પછી હું ગરિમાને લઈને મુંબઈ  આવી અને નોકરી ચાલુ કરી.”

આરતીએ બે હાથ જોડીને અવિનાશની માફી માગી. એટલામાં ગરિમા અને વેદ આવ્યાં.

“પપ્પા, જોને આ ગરિમાએ મને માર્યું.”

“મમ્મી, જોને આ વેદે મને હીંચકા પરથી નીચે પાડી દીધી.”

બંને ઝગડતાં હતાં અને અવિનાશ અને આરતી એકબીજાની સામે જોવા લાગ્યાં..

આરતી અને અવિનાશ બંને હસવા લાગ્યાં. વળી, વેદ અને ગરિમા ફરી પાછાં રમવા ગયાં અને આરતીએ અવિનાશને કહ્યું :

“અવિનાશ, તમારી પત્નીનું નામ શું છે?”

આંખોમાં ઘેરી ઉદાસી સાથે અવિનાશ બોલ્યો :

“મમતા, પણ હવે તે આ દુનિયામાં નથી..”

“શું?”

“હા, તમારા ગયા પછી માની ઈચ્છાને માન આપીને મેં મમતા સાથે લગ્ન કર્યાં. મમતા ખૂબ સરળ અને હસમુખી હતી, પણ કદાચ ઇશ્વરને અમારું સુખ મંજુર નહીં હોય. વેદને જન્મ આપી મમતા આ દુનિયા છોડી અમને નોંધારાં મૂકી ચાલી ગઈ.”

“ઓહ! સો સોરી… જીવનમાં હમસફરનો સાથ એ ભાગ્ય પર આધાર રાખે છે. તમારા જેવા વ્યક્તિને હું ઓળખી ન શકી અને તેની સજા હું આજે ભોગવી રહી છું.”

“આરતી, તેનું નામ જ જીવન છે. કયાં, કોનો અને કેટલો સાથ મળશે એ બધું ભાગ્ય પર આધારિત છે.”

એટલામાં ગરિમા અને વેદ દોડતાં આવ્યાં અને ગરિમા બોલી :

“અંકલ, પ્લીઝ મને આઈસ્ક્રીમ ખાવો છે. મમા, તો ક્યારેય ખાવા જ નથી દેતી.”

“ગરિમા, તને શરદી થઈ છે, બેટા..”

અવિનાશે ગરિમાને પ્રેમથી તેડી લીધી અને બંનેને આઈસ્ક્રીમ અપાવ્યો. અવિનાશનો ગરિમા પ્રત્યેનો પ્રેમ જોઈ આરતીની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.

“ચાલો, વેદ હવે ઘરે જઈશું… આરતી હવે અમે જઈએ.”

“ના, પપ્પા મને હજુ ગરિમા સાથે રમવું છે.”

“હા, મમા મને પણ વેદ સાથે રમવું છે.”

બંને બાળકો જિદ કરતાં રહ્યાં. આખરે વેદ અને ગરિમાએ એકબીજાને બાય કહ્યું અને છૂટાં પડ્યાં.

રાત્રે અવિનાશ વેદને સુવાડતો હતો અને તેના વિચારોમાં બસ આરતી જ હતી. અચાનક વેદ બોલ્યો:

“પપ્પા, એક વાત કહું?”

“હા, બોલને બેટા..”

” પપ્પા, ગરિમા અને આન્ટી આપણી સાથે ન રહી શકે?”

વેદની વાત સાંભળી અવિનાશ મૂક બની ગયો. વેદને શું જવાબ આપવો એ સમજી શક્યો નહીં.

“બેટા, બહું મોડું થયું, હવે સૂઈ જા, નહીં તો કાલે સ્કૂલ જવાનું મોડું થશે.”

વેદ તો સૂઈ ગયો પણ વેદના એ સવાલે અવિનાશને વિચારતો કરી દીધો..

આરતી પણ ગરિમાને સુવાડી વિચારોમાં ખોવાઈ ગઈ.

“ઇશ્વરે પણ કેટલી ક્રૂર મજાક કરી છે. જેને છોડીને આવી એ ભૂતકાળ સામે છે.”

એક અઠવાડિયું વીતી ગયું… વેદ અને ગરિમા તો રોજ સ્કૂલમાં મળતાં, પણ આરતી અને અવિનાશ મળ્યાં ન હતાં. આજે ગરિમાનો જન્મદિવસ હતો, તેથી આરતીએ અવિનાશને ફોન કર્યો.

સ્ક્રીન પર આરતીનું નામ જોઈ અવિનાશના ચહેરા પર સ્મિત ઉભરી આવ્યું. અવિનાશ પણ રોજ આરતીને યાદ કરતો પણ ફોન ન કરતો..

“હેલ્લો, અવિનાશ આજે ગરિમાનો જન્મદિવસ છે, તો ગરિમા જિદ કરતી હતી કે, વેદ સાથે ફન વર્લ્ડ જવું છે. જો આપ અને વેદ સાંજે ફ્રી હોય તો આવો સાથે જઈએ અને ગરિમા પણ ખુશ થશે.”

“ઓકે, તો સાંજે મળીએ.”

ફોન મૂકી અવિનાશ ખુશ થઈ ગયો. ખબર નહીં પણ અવિનાશને આરતી સાથે સમય વિતાવવો, વાતો કરવી ગમતી હતી. ખરેખર, સમય વ્યક્તિને કેટલી બદલી નાખે છે.

આ બાજુ આરતીને પણ અવિનાશનો સાથ ગમતો હતો. જેને કથીર સમજી છોડીને ગઈ હતી, એ તો સો ટચનું સોનું હતો.

સાંજ થતાં જ અવિનાશ ગિફ્ટ શોપમાં ગયો અને ગરિમા માટે સરસ મજાની બાર્બી ડોલ લીધી. સાથે એક ચોકલેટ કેક પણ લીધી. ઘરે પહોંચીને તેણે વેદને તૈયાર કર્યો.

“પપ્પા, પણ આપણે ક્યાં જઈએ છીએ?”

“સરપ્રાઈઝ!”

અવિનાશ અને વેદ તૈયાર થઈ ફન વર્લ્ડ પહોંચી ગયા.

આરતીએ પણ આજે રજા રાખી હોવાથી ઘરે જ હતી. કબાટ ખોલીને લાઈટ પિંક કલરની સાડી તેણે હાથમાં લીધી. સાડી જોઈ તેને અવિનાશની યાદ આવી.

આરતી લગભગ ડ્રેસ જ પહેરતી પણ એક વખત તેણે પિંક કલરની સાડી પહેરી હતી અને ક્યારેય વખાણ ન કરતા  અવિનાશે કહ્યું હતું :

” વાહ! આજ તો તું બહુ સરસ લાગે છે. આરતી તું રોજ સાડી પહેરતી હોય તો..”

સાડીને હૃદયસરસી ચાંપીને આરતી મનમાં જ હસી પડી. ડ્રેસિંગ ટેબલ સામે બેસીને તેણે પોતાના રેશમી વાળને ખૂલ્લા જ રાખ્યા. હોઠ પર ગુલાબી લિપસ્ટિક કરી. શોખીન આરતી ઘણા સમયે આજે સરસ રીતે તૈયાર થઈ હતી.

“મમા, જો મેં પણ ફ્રોક પહેરી લીધું..”

સફેદ ફ્રોકમાં ગરિમા પરી જેવી લાગતી હતી. આરતીએ ગરિમાને તેડીને તેના ગાલ પર કિસ કરી, બર્થ ડે વિશ કરી. બંને ફન વર્લ્ડ જવા નીકળી ગયાં..

અવિનાશ અને વેદ તો વહેલા જ આવી ગયા હતા. સામેથી આરતી અને ગરિમાને જોઈ અવિનાશ ખુશ થયો. આરતીને પિંક સાડીમાં જોઈ તેને પણ હસવું આવ્યું.

“જન્મદિવસની શુભેચ્છા ગરિમા..”

“થેન્ક્યુ, અંકલ..”

“હેપી બર્થડે ગરિમા….”

“થેન્ક્સ, વેદ.”

“વાહ, આજે તો બર્થ ડે ગર્લ બિલકુલ પરી લાગે છે.”

વેદે ગરિમાને બાર્બી ડોલ ભેટ આપી, એ જોઈ ગરિમા તો ખુશ થઈ. પાસેના કેફેમાં જઈને  બધાં બેઠાં. અવિનાશે કેક આપી અને ગરિમાએ કેક કટ કરી. ગરિમાએ આરતીને, વેદને અને અવિનાશને કેક ખવડાવી. વેદને તો ભેટી પડી.

“કેક અને ડોલ માટે થેન્ક્સ અંકલ.. પણ હજુ પણ મને એક ભેટ જોઈએ છે?”

ગરિમાની વાત સાંભળી આરતી બોલી: “ગરિમા, આટલી ગિફ્ટ તો લાવ્યા, હવે બસ હો..”

“આરતી, એને ના ન કહે. આજે તેનો બર્થ ડે છે, જે માગશે એ મળશે.”

“અંકલ, તમે અને વેદ અમારી સાથે અમારા ઘરમાં રહેવા આવી જાઓને.”

ગરિમાની વાત સાંભળી આરતી અને અવિનાશ બંને એકબીજાની સામે જોવા લાગ્યાં.

“હા, મને પણ એમ થતું હતું કે, આન્ટી તમે અને ગરિમા.. આપણે બધાં સાથે રહીએ તો.. મને તો આખો દિવસ ગરિમા સાથે રમવા મળે..”

ગરિમા અને વેદની વાત સાંભળી આરતી અને અવિનાશ શું બોલવું એ સમજી શક્યાં નહીં. ત્યાંથી સૌ ગેમ ઝોનમાં ગયાં, વેદ અને ગરિમા તો ગેમ રમવામાં મસ્ત હતાં.

“આરતી, ગરિમાએ જે કહ્યું એ વિશે શું વિચારો છો?”

આરતી થોડીવાર તો કંઈ બોલી નહીં, તો અવિનાશને થયું કે, મેં બોલવામાં ઉતાવળ તો નથી કરીને!

એટલામાં એક મીઠા સ્મિત સાથે આરતી અવિનાશને ભેટી પડી. અવિનાશે પણ આરતીને આલિંગનમાં લેતાં ‘આભાર’ કહ્યું.

બંને બાળકો પાસે જઈને આરતી અને અવિનાશ પણ તેની સાથે રમત રમવા લાગ્યાં. રાત થતાં જ સૌ ઘરે જવા નીકળ્યાં. બંને બાળકો ખૂબ થાક્યાં હોઈ બંને કારમાં પાછળ બેઠાં અને આરતી અવિનાશ સાથે આગળ બેઠી. કારમાં સરસ મજાનું ગીત વાગતું હતું..

“જિંદગી કે સફર મેં ગુજર જાયેંગે, વો મકામ…. “

અવિનાશે આરતીના ઘર પાસે કાર ઊભી રાખી.

“અવિનાશ, આપણે આપણા ઘરે જઈશું?”

આરતી એટલું બોલી ને તેણે પોતાનું માથું, અવિનાશના ખભા પર ઢાળી દીધું…

~ વર્ષા ભટ્ટ “વૃંદા”
bhattvarsha175@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.