સૌંદર્ય સાંજનું (લલિત નિબંધ) ~ કામિની મહેતા
એપ્રિલ મહિનો, ગ્રીષ્મ ઋતુનું આગમન અને ઊઘડતી સાંજ.. એક વિરલ સંયોજન સર્જે છે આકાશમાં. વિવિધ રંગોના સમિશ્રણથી આભમાં અદભુત રંગોળી સર્જાય છે. મીટ માંડીને બસ જોયા જ કરીએ. પછી એ આકાશ મુંબઈનું હોય કે લોનાવાલાનું. બસ જરૂર છે અવકાશ અને અવલોકનની.
મુંબઈનું ભાગતું-દોડતું જીવન, ઊંચી ગગનચુંબી ઇમારતોની હાજરી આકાશ-દર્શનમાં વિલન જરૂર બને છે, પણ આકાશની આભા તો એવી જ તેજસ્વી હોય છે.
સંધ્યા આવે ને સૂરજ પોતાનો તમામ દમામ સંકેલી પશ્ચિમ દિશા તરફ કૂચ કરી ગયો હોય પણ તેની પાછળ આકાશમાં અદભુત સૌંદર્ય છોડતો જાય છે. જાણે કહેતો ના હોય.. હું આથમું છું, પણ મારી ગેરહાજરીમાં પ્રકૃતિનું સૌંદર્ય યથાવત છે. કાલે પાછો આવીશ નવી આશા અને ઉલ્લાસ સાથે ઉજાસ અને પ્રકાશ રેલાવવા.
દરેક સમયે પ્રકૃતિ નવીન છે. ‘ક્ષણે ક્ષણે નવમ નવમ’ અરુણોદયનું સૌંદર્ય અલગ છે તો પ્રખર તપતા સૂરજની તેજસ્વિતા અલગ છે. એવી જ અનોખી છે સાંજની આભા. અરે.. તારે મઢેલી રાતના સૌંદર્યનું તો કહેવું શું.

ચંદ્રની હાજરી હોય કે ન હોય, રાત્રિની હૂંફ તો એવી જ હોય છે. થાકેલા જનજીવનને પોતાની નિશ્રામાં પોઢાડે છે.
મને સહુથી વધારે ગમે સૌંદર્ય સાંજનું. આખા દિવસના થાકથી પરવારી નિરાંતની ક્ષણો માણવી હોય તો સાંજના આકાશદર્શન કરવું બહુ ગમે. પંખીઓ દિવસભરની દોડાદોડીથી થાકી એમના માળામાં જંપી ગયા હોય, બાળકોનો બગીચામાં કલશોર કરતો અવાજ ધીમો પડે, શ્રમથી થાકેલા શ્રમિકજનો પોતાના ગંતવ્ય તરફ ગતિ કરે. જનજીવન ધીમું પડી ગયું હોય ત્યારે થાક ઉતારવા આકાશ તરફ જોવાની મજા અલગ છે.
આભ અવનવા રંગોથી રંગાયું હોય જાણે કોઈ ચિત્રકારે પોતાની પીંછીના કમાલથી આભમાં ચિત્રકામ કર્યું હોય. રંગોની છટા ને સંયોજન તો આંખને આશ્ચર્ય પમાડે તેવું હોય છે! પાછું આજે જે સૌંદર્ય માણ્યું હોય તે બીજે દિવસે ન હોય! ત્યારે પાછું કઈક નવું, અવનવું દ્રશ્યમાન થાય.
કેસરી, લાલ કે નારંગી રંગોની રંગોળી રચાઈ હોય. એ રંગો પછી ધીરે ધીરે ખરતા જાય છે. ધીમે પગલે આવેલી અવનિ પોતાના પાલવથી આખાય આકાશને સમેટી લે.
સાંજનો સમય દીવાબત્તીનો કહેવાય. ઘણા ઘરોમાં હજુ આ પ્રથા જળવાયેલી છે. તુલસીક્યારે દીવો પ્રગટાવી પછી જ ઘરમાં લાઇટ કરવાનો એક શિરસ્તો છે.
![]()
પહેલા જ્યારે વીજળીના ગોળા નહોતા ત્યારે ઘરોમાં ફાનસની ચીમની સાફ કરી વાટ અને તેલ પૂરી તૈયાર કરવામાં આવતા. જેથી રાતનું સ્વાગત કરી શકાય. અંધારામાં અટવાવું ના પડે.
આવું જ રૂપકડું સૌંદર્ય જીવનસંધ્યાનું છે. જીવનની જવાબદારીઓથી મુક્ત થયેલો જીવ હવે બે ઘડી વિશ્રામ ઝંખે છે. તેને ખેવના છે નિરાંતની. શરીર પણ થોડું થાક્યું છે. જુવાનીનું બળ ઓછું થયું છે. મનના ઊછળતા ઘોડાઓની દોડ પણ ધીમી પડી છે.
જીવનમાં એક પ્રકારનો ઠહરાવ આવી જાય છે. આવા સમયે જ જીવનનું ખરું સૌંદર્ય ખીલે છે. જીવનની જવાબદારીઓ પૂરી કરવામાં પોતાના શોખના વિષયો પાછળ છૂટી ગયા હતા, તે પોતાના મનગમતા કાર્યોને કરવાનો હવે સમય મળે છે. સમયના અભાવમાં પોતાના બાળકોનું બાળપણ માણવાનું રહી ગયું. પણ હવે સમય છે, તો પોતાના સંતાનોના બાળકોનું બાળપણ માણવાનું છે.
![]()
આ જ શ્રેષ્ઠ સમય છે જીવનને સમજવાનો. હવે પછીની જે યાત્રા છે તે યાત્રાની પૂર્વ તૈયારીનો. મિત્રો સાથે ગોષ્ઠી કરવાનો કે પ્રકૃતિના સાંનિધ્યને માણવાનો. સમયને અભાવે રહી ગયેલી પર્યટનની ઇચ્છાઓ પૂરી કરી જીવનને સભર કરવાનો. નિવૃતિમાં પ્રવૃતિને માણવાનો.

મનની અંદર રહેલા કષાયો આ અવસ્થામાં માણસને ભયભીત કરે છે. અત્યાર સુધી બહાર તરફ ગતિ હતી. હવે પોતાની સાથે રહેવાનો સમય આવ્યો કે આંતરિક કમજોરીઓ ઘેરી વળે છે. આજીવિકાનો ડર, માનહાનિનો ડર, પ્રિયજન વિયોગનો ડર, પંગુતાનો ભય તો મહાભયંકર મૃત્યુનો ભય… ભયના વમળમાં મનુષ્ય અટવાય છે અને આ અવસ્થાને માણી શકતો નથી. માટે જ ભગવદગીતામાં પ્રથમ દૈવી ગુણ ‘અભય’ને કહ્યો છે..
અભયમ્ સત્વ સંશુદ્ધિ (16/1)
પણ જીવનનો દૃષ્ટિકોણ જરા બદલીએ તો આ વિકારો પજવતા નથી. દ્રષ્ટિ બદલાય એટલે જીવન જોવાનો અભિગમ બદલાય. કશું જ શાશ્વત નથી તો લાલસા કોની રાખવી કે તૃષ્ણા કોના માટે કરવી.
ખોટા મોહ અને મમતાની સાંકળમાંથી જો પોતાને મુકત કરી શકીએ તો જીવનસંધ્યાને બરાબર માણી શકાય. બીજા માટે મંગલની કામના કરવી તે જ મનની પરમ શાંતિનો શ્રેષ્ઠ ઉપાય છે.

આપણે માનીએ છીએ કે સંસારે આપણને બાંધી રાખ્યા છે, પણ હકીકતમાં તો આપણે જ મનમાં સંસારને સંઘરી રાખ્યો છે. સૂર્ય જેમ પોતાના કિરણોને સંકેલી અસ્તાચલ તરફ ગતિ કરે છે, તેમ પોતાની સર્વ ઇચ્છાઓ, આસક્તિઓને સંકેલી લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. તેમાં જ મનની શાંતિ છે, પરમ સુખ છે.
ગરીબ હોય કે તવંગર, કુદરતી સૌંદર્ય સહુને સુલભ છે. એના ઉપયોગ અને ઉપભોગ માટે સમયની અનુકૂળતા, મનની તૈયારી અને નિરાંત જોઈએ. રક્તવર્ણું આકાશ, પવનની લહેરખીથી ડોલતા વૃક્ષો, નદી કે સાગર તટની ભવ્યતા, ઝરણાંનું સંગીત, પક્ષીઓનો કલરવ, ફૂલોની મહેક એ બધાને માણવાનો, જોવાનો સમય ચૂકી જવા જેવો નથી.

મનુષ્યજીવન સાર્થક કરવું હોય તો જીવનસંધ્યાનું સૌન્દર્ય જરૂરથી માણવું.
લીલુડી ધરતી ને લીલુડાં પાન,
મારી અંદર કશુક લીલું ખીલ્યું છે.
ચકલીની ચી ચી ને કોયલના ટહુકા,
મારી અંદરનો કોઈ સૂર ખૂલ્યો છે.
આથમતા સૂરજના રક્તિમ કિરણોથી
ગગને જાણે સિંદૂરી કટોરો ઢળ્યો છે.
શ્વેત શ્યામ દોડતા વાદળની કોરમાં,
કોણે આ સિંદૂરી રંગ પૂર્યો છે!
(સ્વરચિત)
~ કામિની મહેતા
mitrakaminimehta@gmail.com