વાલિયો (વાર્તા) ~ માના વ્યાસ, મુંબઈ

‘કેમ છો કિરીટભાઈ, મજામાં?’ ભાઈ ઘણાં દિવસે દેખાયા!.

‘હા ભાઈ મજામાં છું, તમે કેમ છો અરુણભાઈ? ‘

બસ, આ બેંકમાં જરા કામ હતું. સારું થયું તમે મળી ગયા, નહીંતર આજે તમને મળવા આવત. હું અને વાઇફ આવતા મહિનાથી હવે ઓલ્ડ એજ હોમમાં રહેવા જઇએ છીએ.’

‘એમ? ક્યાં?’ કિરીટભાઈ નવાઈ પામી બોલ્યા.

‘મુંબઇ સુરત રોડ પર.’

‘કેમ અચાનક?

‘કિરીટભાઈ, મારે અહીં બે બેડરૂમનો ફ્લેટ છે. એમાં અમે બે, છોકરો વહુ ને બે ગ્રાંડ ચિલ્ડ્રન. રોજેરોજની મગજમારી.

જગ્યાની સંકડાશ તો ચલાવી લેવાય પણ મનની સંકડાશ ખૂબ સાલે હં. મારો દીકરો બિચારો પિસાઈ જાય. અને કિરીટભાઈ આ વૃદ્ધાશ્રમ ‘સાંજ સથવારો’ ખૂબ સરસ છે. એકદમ શાંત અને કુદરતની નજીક, ચોખ્ખા વાતાવરણમાં આવેલો છે.

હોલ, બેડરૂમ સાવ નાનું કિચન. પણ રાંધવાની કડાકૂટ જ નહીં. પાંચ મિનિટ દૂર મોટો ડાઈનિંગ હોલ. સવારે ચા-નાસ્તો, લંચ. બપોરે ચા-નાસ્તો અને સાત વાગે ડિનર. મેડિકલ વ્યવસ્થા. રમતગમત બધું છે. હું તો કહું છું તમે પણ નામ લખાવી દો બસ હવે ચાર-પાંચ જગ્યા જ ખાલી છે.’

‘ના ના અમે હવે છ મહિના અમેરિકા દીકરીને ત્યાં અને છ મહિના કેનેડા દીકરાને ત્યાં  જઇએ છીએ. છોકરાઓ ક્યારનાં બોલાવે છે: ‘પપ્પા મમ્મી હવે બસ. બધું છોડી અમારી સાથે આવી જાવ. આમેય દિકરીને પાંચ મહિનાની બેબી છે એને સાચવવા તો બોલાવતી જ હતી. અમે અમારો ફ્લેટ એક રૂમમાં સામાન મુકી ભાડે આપી દીધો છે.’

‘કિરીટભાઈ, માફ કરજો પણ ન ગમે તો શું કરશો,? ત્યાં સેટ થવું અઘરું છે.’

‘હવે છોકરાઓનાં આગ્રહ સામે નિર્ણય લેવાઈ ગયો.’ કિરીટભાઈ હસતા હસતા બોલ્યા.

આમ કિરીટભાઈ અને ઊર્મિલાબેને અમેરિકા રહેવા જવાનું નક્કી કરી લીધું. કેલિફોર્નિયાનાં મિલિપિટાસ ટાઉનમાં દીકરી શૈલજાનું સરસ હાઉસ હતું. નીચે મોટો હોલ, સાથે મોટું કિચન, નીચે પપ્પા મમ્મી માટે રૂમ, ઉપલા માળે ત્રણ બેડરૂમ. બેકયાર્ડ અને બેઝમેન્ટ.

ઊતરતા શિયાળાની એક સાંજે કિરીટભાઈ અને પત્ની છાયાબેન સેન હોજે એરપોર્ટ પર લગભગ વીસ કલાકની મુસાફરી પછી પહોંચ્યાં ત્યારે તનમન થાકથી ચૂરચૂર થઈ ગયેલાં. નાની બેબીને કારણે શૈલજા એરપોર્ટ પર નહોતી આવી શકી, પણ જમાઈ રીતેશ લેવા આવી ગયો હતો.

ઘરે પહોંચતા જ એમનાં સ્વાગત માટે શૈલજાએ ‘વેલકમ નાના-નાની’નું તોરણ, ફુગ્ગા  અને કેન્ડલ વગેરે સજાવટ કરેલી હતી. ‘બેબીને તો હમણાં તેડી શકાય નહીં. પહેલા બંનેએ નાહી ધોઈને હાથ સ્ટરીલાઇઝ કરવા, પછી જ પાસે આવજો – એમ સૂચના અપાઈ ગઈ  હતી. હરખઘેલાં કિરીટભાઈ અને ઊર્મિલાબેને હરખ પર સંયમ રાખવો પડ્યો.

પાંચ મહિનાની બેબી માટે આખો અલગ રૂમ હતો. રૂમની વચ્ચે મોટું ક્રીબ મૂકેલું હતું, જેમાં બેબી સલામત રહે અને આરામથી સૂઈ શકે. ક્રીબને પણ ફુગ્ગા અને ફોટાથી શણગારેલું હતું.

પાશ્ચાત્ય દેશોમાં નાનપણથી બાળકને માતાપિતા અલગ રુમમાં સૂવાની ટેવ પાડતાં હોય છે. રૂમમાં એક મોટો કબાટ બેબીનાં કપડાં અને વસ્તુ મૂકવા તથા દીવાલ પર સર્વેલન્સ કેમેરા મૂકેલો હતો. કેમેરાથી રૂમમાં બેબીની દરેક હિલચાલ મોબાઈલ પર જોઈ શકાય એવી વ્યવસ્થા હતી.

નાના-નાનીએ બેબી, જેનું નામ માહી રાખ્યું હતું એને વ્હાલથી રમાડી.

‘શૈલુ આની રાશિ તો જુદી હતીને? અમે આત્મજા નામ સૂચવેલું તો માહી નામ કેમ રાખ્યું?

‘મમ્મી, અહીં બધાં જોડાક્ષરવાળાં નામ બોલી ન શકે. પછી એનું ટુંકું નામ કરી નાખે.  હાર્દિકનું હેરી અને સૌમ્યાનું સેમ થઈ જાય. મારું નામ શૈલજા છે, પણ ઓફિસમાં બધાં શેલ કરી બોલાવે છે. માટે નાનું નામ રાખવું સારું.’

‘શૈલજા, માહી હજી ઘણી નાની છે. એકલા ડરી ન જાય? એને તારા બેડની બાજુમાં ઘોડિયા જેવું કરી ન સૂવડાવાય?’

‘ના પપ્પા, અહીં બાળકને પહેલેથી જુદાં જ સૂવડાવે. થોડું ઘણું રડે તો પણ અંદર જવાનું નહીં. એમ એ સ્વાવલંબી બને. અહીં તો બધાં ડિલિવરી પછી તરત કામ પર ચડી જાય અને બાળકને ડે કેરમાં મૂકી આવે. છેક સાંજે લેવા જવાનું. પણ તમે આવ્યાં છો તો મારે એ ચિંતા નથી.’

થોડાં દિવસ શૈલજા ઘરે હતી એટલે કિરીટભાઈ અને ઊર્મિલાબેનને મજા આવી. શનિ-રવિ પાસે આવેલા મોટા મોલ અને ગાર્ડનમાં ફરવા ગયાં. એકબે સગાંને ત્યાં મળવા ગયાં એટલે સમય નીકળી ગયો.

હવે શૈલજા ફરીથી ઓફિસ જવા માંડી. સવારે સાત વાગે એ અને પતિ રીતેશ લંચ માટે રાત્રે વધેલું જમવાનું અને સલાડ લઇ નીકળી જાય. સવારે નાસ્તો કે બપોરે જમવાનું બને જ નહીં. સાંજે ચાર વાગ્યા સુધીમાં બંને પાછાં આવી જાય.

આવીને બંને સાથે રસોઈ બનાવે. છ વાગે જમી લેવાનું. સાંજના વાસણ અને પ્લેટફોર્મ રીતેશ સાફ કરે પછી ટીવી પર ન્યૂસ કે પ્રોગ્રામ જોઈ નવ વાગ્યે સૂઈ જવાનું. હવે માહી આવી એટલે વધુ સમય એની પાછળ જતો હતો.

‘પપ્પા તમે જમવાનું જાતે પીરસી લો, અને પીવાનું પાણી પણ જાતે લઈ લો. જુઓને રીતેશ પણ જાતે લઈ લે છે.’

‘પપ્પા રોજ રોજ દાળભાત રોટલી શાક બનાવવામાં સમય જાય. મમ્મીને પણ થાક લાગે ને…’

ધીમે ધીમે કિરીટભાઈ વર્ષોની આદત બદલી નવા વાતાવરણને અનુરૂપ થવા મથવા લાગ્યા. ઊર્મિલાબેન રસોઈને બદલે વધુ સમય માહી સાથે વિતાવતા. વળી એમને હોંશે હોંશે પાસ્તા, ટાકોઝ ખાતા જોઈને કિરીટભાઈ અચંબિત થઈ જતા.

ઊર્મિલાબેનને અમેરિકા એકદમ ફાવી ગયું હતું. પરણ્યા ત્યારથી સંયુક્ત કુટુંબમાં રહેવાનું હતું. ધીમે ધીમે બધાં છુટા પડ્યાં પછી સાસુજી પંદર વર્ષ બિમાર રહ્યાં. કિરીટભાઈ ધંધાર્થે અવારનવાર બહારગામ ગયા હોય એટલે ઊર્મિલાબેન પર ઘરની ઘણી જવાબદારી રહેતી.

કિરીટભાઈને છોકરાં ક્યારે મોટાં થઈ ગયાં એ ખબર ન પડી. દીકરી અમેરિકા અને દીકરો કેનેડા ગયા પછી પતિ પત્ની એકલાં પડ્યાં પણ ત્યાં સુધીમાં સંસારના યજ્ઞનો અગ્નિ સાવ મંદ પડી જઈ ઉપર વળેલી રાખ નીચે લપાઈ ગયો હતો. સપ્તપદીનાં સાત પગલાં એનાં વચનો જીવનની ભાગદોડમાં ક્યાંય ભુંસાઈ ગયેલાં.

વાતવાતમાં શૈલજા ‘મારી મમ્મીએ ખૂબ સહન કર્યું છે.’ એમ કહેતી સંભળાતી.

‘મમ્મી બસ, હવે તારી કોઈ જવાબદારી બાકી નથી. તું હવે તારી રીતે જીવ.’ – કહેતી ત્યારે ઊર્મિલાબેનનાં ચહેરા પર અનેરો સંતોષ છવાઈ જતો.

કિરીટભાઈ વિચારે ચડી જતા. ફક્ત ઊર્મિલાએ ભોગ આપ્યો છે? મેં નહીં? ઓર્ડર લેવા બહારગામ જવું પડતું, રિઝર્વેશન ન મળે તો ઊભા ઊભા મુસાફરી કરી છે. ઓર્ડર લેવા કેટલા ધક્કા ખાવા પડ્યાં છે. ભાઈને ભણાવી સેટ કર્યો છે. એમ જ તમારાં ઉચ્ચ શિક્ષણ માટે પૈસા ભેગા થયા હશે?

પણ એ બોલી શકતા નહીં. પહેલા મા સામે પણ નહોતું બોલાતું. નાના ભાઈ પ્રત્યેનો માનો પક્ષપાત એ સમજતાં, પણ ગમ ખાઈ જતા. શરુઆતનાં વર્ષોમાં કદાચ પત્ની પાસે વધુ અપેક્ષા રાખી હશે પણ એ તો સ્વભાવિક જ છે ને. બધી સહાનુભૂતિ મા તરફ જ કેમ?

બેક યાર્ડમાં ડૂબતા સૂરજને જોતા આરામ ખુરશીમાં બેસી કિરીટભાઈ અત્યાર સુધીનાં જીવનનો સરવાળો બાદબાકી કર્યા કરતા.

ઊર્મિલાબેન ઘણું ખરું માહીની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેતા. હવે એમણે આજે રસોઈમાં શું બનાવવું એ એમણે નક્કી કરવાનું નહોતું. આજે કામવાળી બાઈ નથી આવી કે શાક, ફળફૂલ, દૂધ લાવવાની મગજમારી કરવાની નથી.

ઘરની સફાઈથી માંડીને નાની બેબીના ડાયપર બદલવામાં જમાઈને શૈલજાની મદદ કરતો જોઈ એમનું હૈયું ઠરતું હતું.

ચાર મહિના પછી કિરીટભાઈ દીકરા નીરજને ત્યાં જવા ઉતાવળા થઈ ગયા પરંતુ નીરજે એક મહિના પછી ‘આવજો’ કહી આવનાર દિવસોની ઝાંખી કરાવી દીધી.

કેનેડાનાં સેંટ કેથેરીન ટાઉનમાં નીરજનું સુંદર હાઉસ હતું. નાયગ્રા ફોલથી ફક્ત ત્રીસ મિનિટ દૂર. આમ પણ રળિયામણા કેનેડાને પ્રકૃતિએ ખોબલે ખોબલે સુંદરતા અર્પી છે. થોડા દિવસ તો આસપાસના વિસ્તારોમાં હરવા ફરવામાં નીકળી ગયા.

નીરજની પત્ની ક્રીના કેનેડામાં જ મોટી થઈ હતી. એ જે પ્રમાણે ઉછરી હતી તે પ્રમાણે ઘર ચલાવતી હતી. એક જ વાર અઠવાડિયું ચાલે એવા દાળ, ભાત, શાક વગેરે બનાવી લેવાનાં પછી એને બેઝમેન્ટમાં આવેલા મોટા ફ્રીઝમાં મૂકી દેવાનાં. જ્યારે જોઈએ ત્યારે થોડા થોડાં કાઢી ફરીથી ગરમ કરી ઉપયોગમાં લેવાનાં.

કિરીટભાઈએ સૂચવ્યું કે ઊર્મિલાબેન છે ત્યાં સુધી તાજી રસોઈ બનાવશે. પણ ન તો ઊર્મિલાબેને ઉમળકો બતાવ્યો કે ન તો ક્રીનાને વાત ગમી. એના પ્રમાણે કિરીટભાઈ અને ઊર્મિલાબેન મહેમાન હતાં અને મહેમાનની જેમ રહે એ જ સારું.

ઊર્મિલાબેન પાસે ક્રીનાને કહેવા ઘણી વાતો હતી. કેવા એ નીરજને ડ્રોઈંગ ક્લાસમાં અને ટેનિસ ક્લાસમાં લઈ \ જતાં. સ્કૂલમાં દરેક ઓપન હાઉસમાં ટીચર નીરજના કેટલાં વખાણ કરતી વગેરે.

નીરજ અને શૈલજાને પોતે મહાભારત અને રામાયણની બધી વાર્તા કહેતાં એટલે છોકરાંઓને સ્કૂલમાં વાર્ષિક પ્રોગ્રામમાં હંમેશા ભાગ લેવા મળતો. નીરજ જ્યારે અર્જુન બનેલો ત્યારે કેટલો પ્રભાવશાળી લાગતો હતો એ સાંભળી નીરજ ભાવાવેશમાં મમ્મીને ભેટી પડ્યો.

ક્રીના અહોભાવથી બધું સાંભળતી. કિરીટભાઈને હિસાબકિતાબ યાદ હતાં પણ વાર્તા કહેતા આવડતી નહોતી. કિરીટભાઈને કહેવું હતું કે નીરજ માટે મોંઘા ટેનિસના ક્લાસની ફી ભરવા અણગમતા ક્લાયન્ટ પાસે ઓર્ડર લેવા ગયા હતા.. પણ દરેક વખતની જેમ ચૂપ જ રહ્યા.

કેનેડામાં હવે ઠંડીનાં દિવસો શરૂ થઈગયા હતા. ગરમ જાડા ધાબળા તળે પણ કિરીટભાઈને ઠંડી લાગતી એટલે હીટર ચાલુ કરવા કહેતા. નીરજને બીલની ચિંતા રહેતી કારણ કે ખરી ઠંડી અને બરફ પડવાની તો હજી વાર હતી.

શૈલજાએ એક દિવસ ફોન કરી માહીને સાચવવા ઊર્મિલાબેનને પરત આવી જવા કહ્યું, પરંતુ સાથે એ પણ કહ્યું કે પપ્પાને કેનેડા રોકાઈ જવું હોય તો રોકાઈ જાય.

ઊર્મિલાબેન જતાં રહ્યાં. અચાનક કિરીટભાઈને પોતાનાં અસ્તિત્વ વિશે પ્રશ્ન થયો. પોતે થઈ ગયા જાણે પીંછા ખરી ગયેલો મોર.. જેની પાસે ઢેલ પણ સારી લાગે. રેતી સરી જાય એમ હાથમાંથી યુવાનીનાં વર્ષો વીતી ગયાં. હવે હથેળી ખાલી થઈ ગઈ.

કોઈને એમની જરૂર નથી. જ્યારે રોજ રાત્રે ઊર્મિલાબેન છોકરાઓને વાર્તા કહેતાં ત્યારે પોતે સવારે વહેલા ઊઠી ટ્રેન પકડી શકે તે માટે કાન પર તકિયો નાખી સૂઈ જતા. હવે વાર્તામાંથી જાણે એમના પાત્ર પાસે બોલવા સંવાદ જ બચ્યા નહોતા.

એક એક ટેભો દઈને સીવેલા પહેરણનું કપડું જ ફસકી પડે એવી લાગણી થઈ આવી. ભરપૂર વરસી ગયેલું વાદળ જળહીન થઈ પવનથી આમતેમ ઢસડાયા કરે એમ જ.

ફરી દીકરી શૈલજાને ત્યાં જવાનું થયું. જે કામ સોંપાય તે કરવાનું, બને ત્યાં સુધી ચૂપચાપ બેસી મોબાઈલમાં સમય પસાર કરવાનો, ટીવી પર ઇંડિયાના સમાચાર જોવાના અને ઊર્મિલાબેનને જ્યારે જોવું હોય ત્યારે ટીવી પ્રોગ્રામ મૂકી આપવાનો કારણકે બેબી સૂઈ જાય ત્યારે જ ઊર્મિલાબેન ટીવી જોઈ શકે.

એક દિવસ કિરીટભાઈએ ઊર્મિલાબેનને ક્હ્યું, ‘આપણે પાછા ઇંડિયા જતા રહીએ. મને હવે અહીં ગમતું નથી.’

‘પણ મને ગમે છે.’ ઊર્મિલાબેન ધીમે પણ સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલ્યાં. ‘હું તો હવે અહીં રહેવાય એટલું રહીશ. મારે પાછા  ઇંડિયા નથી જવું.’

કિરીટભાઈ સમસમી ગયા. કિરીટભાઈને ખાતરી હતી કે શૈલજા કહેશે, ‘પપ્પા તમે જાવ, મમ્મી અહીં રહેશે.’

વાલિયો તો લૂંટારો હતો. લોકોને રંજાડી પરિવાર પોષતો હતો પણ પોતે તો પ્રમાણિકતાથી પરિવાર પોષ્યો છે. તો પછી..!

બેકયાર્ડની આરામખુરશીમાં બેસી ડૂબતા સૂરજને પકડી રાખતા હોય એમ કિરીટભાઈએ ફોન લગાડ્યો.

‘અરુણભાઈ, સાંજ સથવારો વૃદ્ધાશ્રમમાં મારે‌ માટે જગ્યા બૂક કરોને..’

~ માના વ્યાસ (સ્પંદના), મુંબઈ
mana.vyas64@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.