આશાંજલિ (ભાગ-1) ~ ખાલી હાથ શામ આયી હૈ ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
આશાંજલિ (ભાગ-1)
કેટલીક પ્રતિભા એવી હોય છે જે પોતાના કામથી આખા રાષ્ટ્ર પર છવાઈ જાય. ફિલ્મ ગાયકી ક્ષેત્રે લતા મંગેશકરના ગયા પછી એક મોટો ફટકો પડ્યો આશા ભોંસલોના જવાથી.

આજે આ કટાર માટે લખાયેલી પંક્તિઓ દ્વારા આશાંજલિ અર્પણ કરીએ. કિરણ જોગીદાસ `રોશન’ લખે છે…
મધૂરા કંઠથી નાખે શબદમાં જાન આશાજી
સિનેમાને મળ્યું એ કીમતી સન્માન આશાજી
દરદમાં કે હરખમાં સાંભરે છે જેમના ગીતો
અમારી લાગણીનું ગૂંજતું એક ગાન આશાજી
આશા ભોંસલે નામ પડે એટલે કેટકેટલાં ગીતો સ્મરણપટ પર ઊભરી આવે. આપણે લોકપ્રિય નહીં પણ કો’કપ્રિય કહી શકાય એવા ગીતો યાદ કરીએ. `કાદંબરી’ ફિલ્મમાં અમૃતા પ્રીતમે લખેલું અને ઉસ્તાદ વિલાયત ખાં સાહેબે સ્વરબદ્ધ કરેલું ભારોભાર કવિતાથી નીતરતું ગીત આશાજીએ ગાયેલું: અંબર કી ઈક પાક સુરાહી, બાદલ કા ઈક જામ ઉઠાકર.
આ ગીતમાં ગિટાર પ્રખ્યાત ગાયક ભૂપિન્દરજીએ વગાડી હતી. હિંદી ફિલ્મોમાં નાયિકાની પ્રશંસા કરતાં અઢળક ગીતો મળે છે, પણ નાયકની પ્રશંસા કરતાં ગીતો ગોતવા બેસીએ તો આંગળીના વેઢા પણ વધારે લાગે. આવું એક ગીત આશાજીએ ગાયેલું: આંખો સે જો ઉતરી હૈ દિલ મેં.
કવયિત્રી નીરજા એમને દિલથી યાદ કરે છે…
આપના ગીતો થકી આશા જરા બંધાય છે
બસ, જીવન જીવી જવાશે એમ દિલમાં થાય છે
આપને હું શબ્દોમાં બાંધું તો બાંધું શી રીતે?
નામ પડતાં આપનું, સૂરો બધે રેલાય છે
ઘણી હિંદી ફિલ્મોમાં આપણને સમૃદ્ધ સંગીત પ્રાપ્ત થયું છે. `ઉમરાવ જાન’ ફિલ્મના ગીતોમાં ખય્યામ સાહેબની બંદિશ અને આશાજીના કંઠનો જાદુ અમર થઈ ગયો.
ઓ. પી. નય્યરની અલગ સંગીતશૈલીને આશાએ પોતાના કંઠથી બહેલાવી.
આર. ડી. બર્મન સાથે અનેક પ્રયોગાત્મક ગીતો ગાયાં. રાકેશ ઠાકર `તરંગ’ બર્મનદાને પણ યાદ કરે છે…
સફર સૂર સાથી ને જીવન કિનારો
મળ્યો સાથ આશાને બર્મન સહારો
સદા તાઈ આશા લગની લગાડી
રહ્યો ગુર્જરી નાતો, ને ફાલ્યો દુલારો
આર. ડી. બર્મન સાથે આશાજીએ જબરદસ્ત લોકપ્રિયની સાથે જાજરમાન ઑફબીટ ગીતો આપ્યા. `મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..’
ઈજાજત ફિલ્મના આ ગીત માટે ગુલઝારને શ્રેષ્ઠ ગીતકાર અને આશા ભોંસલેને શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ ફિલ્મનું અન્ય ગીત `કતરા કતરા મિલતી હૈ, કતરા કતા જિને દો’ પણ લાજવાબ રહ્યું.
ડૉ. ભૂમા વશી આશાજીની વર્સેટાઈલ ગાન-પ્રતિભાને બિરદાવે છે…
સ્વરઝરણ અલ્લડ અનોખા ને સહજ સરતાં રહ્યાં
નૃત્ય કરતાં ઘૂઘરાઓ વાત કંઇ કરતાં રહ્યાં
એ નજાકત, એ અદાઓ, ને મધુરો કંઠ ક્યાં?
યાદ આશાને કરીને આંસુઓ ઝરતાં રહ્યાં
ગીતોમાં અલ્લડપણું લાવવામાં આશાજી માહેર હતા. કેબરે ગીતોનો જમાનો હતો ત્યારે એમના અવાજમાં ગવાતાં ગીતો વાતાવરણને માદકતાથી ભરી દેતા.
રેડિયો પર કેટલાક ગીત સાંભળીએ ત્યારે નાયિકાનું સૌંદર્ય રેડિયોમાંથી બહાર નીકળવા તલપાપડ થતું હોય એવું લાગે. પદમા ખન્ના પર ફિલ્માવવામાં આવેલું સોદાગર ફિલ્મનું એક ગીત આવું જ હતું: સજના હૈ મુજે સજના કે લિયે.
અતુલ દવે અવિનાશ વ્યાસના પ્રખ્યાત ગીતનો સંદર્ભ મુક્તકમાં વણી કહે છે…
જરા દિલમાં જગા દઈ દે, બડો અહેસાન થઇ જાશે
ખબર ક્યાં જીવ ક્યારે સ્વર્ગનું મહેમાન થઈ જાશે?
પછી કાયમ તને રહેશે એ પસ્તાવો કર્યું મોડું
વળી તારું જગત આખું તરત વેરાન થઈ જાશે
આશા ભોંસલેના જીવનમાં સફળતા પાછળ દર્દ છુપાયેલું હતું. માત્ર સોળ વર્ષની ઉંમરે ત્રીસ વર્ષના ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કરી લીધા. આ એમના દુઃખદાયક વર્ષો હતા.

પતિની ધાકને કારણે તેમની સ્વતંત્રતા છીનવાઈ ગયેલી. આર્થિક લાચારીને કારણે કામ માટે આમતેમ ભટકવું પડ્યું. પરિવાર સાથે સંબંધ તૂટી ગયો. મોટી બહેન લતાની પ્રતિભાને ઓળંગીને પોતાનો અલગ ચીલો ચાતરવાનું કામ મુશ્કેલ હતું છતાં એમણે પાર પાડ્યું. જિજ્ઞેશ ક્રિસ્ટી `સંગત’ સંઘર્ષ અને સફળતાને સાંકળી લે છે…
દુઃખ, દર્દ કેટલા કીધા આશાએ બસ સહન
લાગ્યું નથી છતાં કદી જીવી અભાવમાં
અંગત જીવનમાં કેટલા પ્રશ્નો હતાં છતાં
હાવી થવા દીધા નથી એણે તણાવમાં
લાસ્ટ લાઈન
સૌથી અનોખી રીતમાં આશા જીવંત છે
ક્લાસિક ગણાતાં ગીતમાં આશા જીવંત છે
કંઇકેટલાય ગાયકો ભૂંસાયા કાળમાં
પણ, જન હૃદયની ભીંતમાં આશા જીવંત છે
મોંઘું પટોળું છેલો જો પાટણથી લાવી દે
રમણીનાં મીઠાં સ્મિતમાં આશા જીવંત છે
કહેશે નહીં નહીં, અભી તો થોડા ઇન્તઝાર
આ પ્રેમનાં ગણિતમાં આશા જીવંત છે
ફળિયામાં પગ નહીં મૂકું છોને કહે પ્રિયા
નારાજગીની રીતમાં આશા જીવંત છે
~ મિતુલ કોઠારી