આશાંજલિ (ભાગ-2) ~ વિવિધ કવિઓ દ્વારા ~ ૫ ગઝલ, ૨ સૉનેટ, ૧ મુક્તક
આશાંજલિ (ભાગ-2)
૧. આશા છે
નહીં ટકે આ વિષાદ, આશા છે.
છે અમર એ નિનાદ આશા છે!
છે ગઝલ, જ્યારે જ્યારે સાંભળીએ
લૂંટતી રહે છે દાદ- આશા છે!
ના હો સરખામણી કલાની કદી
ના કોઈ રહે વિવાદ-આશા છે!
ગાલે ખંજનમાં દુઃખ ડૂબાડી બધાં
દે ખુશીને એ સાદ- આશા છે!
ક્યાં વિદા થઈ? હજીયે હોઠે છે!
હૈયે પંચમની યાદ આશા છે!
જિંદગી યજ્ઞ કોઈ જાણે સતત
અંતે આપે પ્રસાદ, આશા છે!
~ પૃથા મહેતા-સોની
૨. લગાવમાં
બહેનો હતી એ બંને સગી પણ સ્વભાવમાં,
દેખાઈ આવતો ‘તો ફરક ત્યાં લગાવમાં.
મૂકવું પડ્યું હતું બધુ આશાને દાવમાં,
દુનિયા વિચારે શી રીતે જીવી એ ઘાવમાં.
દુઃખ, દર્દ કેટલા કીધા આશા એ બસ સહન,
લાગ્યું નથી છતાં કદી જીવી અભાવમાં.
અંગત જીવનમાં કેટલા પ્રશ્નો હતાં છતાં,
હાવી થવા દીધા નથી એણે તણાવમાં,
ખુદનું વજૂદ તો હતું લોકો છતાં કહે,
ઢંકાઈ ગઈ પ્રતિભા લતાના પ્રભાવમાં.
~ જીગ્નેશ ક્રિસ્ટી’ સંગત ‘
૩. સૉનેટ (વસંતતિલકા)
આ પત્ર-પત્ર કુસુમે સ્વર નાદ ગુંજે
તારા સ્વરો પવનમાં પ્રસરે નિકુંજે
તારા વિના સ્વરસુધા સરિતા સુકાઈ
આરાધિકા! સ્વર તણી વિનવું શું ગાઈ?
આજે મને નિરસ કાં મધુમાસ લાગે ?
છે કેશુડા વન-વને પણ શૂળ વાગે
હે કોકિલા ! હૃદય આજ અમારું ભારે
તારા વિના વનથલી બહુ અશ્રુ સારે
આશા રહે અમર એ ઉર ભાવ સ્થાપું
એ લાલિમા સ્વર તણી હૃદયે હું છાપું
કંઠે સદા વિલસતી તવ શારદા જ્યાં
વાગેશ્વરી તુજ વિના વસશે કહો ક્યાં ?
બ્રહ્માંડમાં ત્વરિત વૈકુઠ વાસ સ્થાપો!
આ જીવને શિવ મળે નવ પંથ આપો.
~ પ્રીતિ પુજારા
૪. આશાજી આવશે
મખમલી સ્વરમાં વ્યથા કોઈ વ્હાવશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
કોઈ આંખે મસ્તી જયારે છલકાવશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
શબ્દ જ્યાં દિલ ચીજ ક્યાં હૈ રેલાવશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
રંગીલા રે… રંગમાં કો’ રોળાવશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
યે મેરાં દિલ પ્યારકા.. કહી પુકારશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
ઓ મેરી સોના રે.. કહીને બોલાવશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
ના, અભી ના છોડ કર જા જયાં વાગશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
માળવે કોઈ મહેંદી રાતી વાવશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
વાંકી રે પાઘલડીનું ફુમતું શણગારશે,
યાદ ત્યારે સૌને આશાજી આવશે.
~ શૈલેષ પંડયા નિશેષ
૫. આશાતાઈ (સોનેટ)
સૌને કાજે જગ ચમનમાં તાઈ તો ખાસ ઊગ્યાં,
ઘેરી લીધાં નૃપ, ગરીબને છાંય દેવા એ ઝૂક્યાં.
ફાલ્યુ, ફૂલ્યુ જગ ચમનમાં સૂરના વારિ પીને,
ત્યારે આજે અગણિત ફળો ને કલા વિશ્વ આખે.
તાઈ છાંયે નિતનિત કરું કાવ્ય આરાધના હું,
હોંશે હોંશે અમરત સમી પ્રેરણામાં જ નાહુ.
એકાંતે હું નવરસ તણા નીર પીને ધરાઉ,
ત્યારે તાઈ ઉર શિર ધરી નીંદરે હું ભરાઉ.
જાણ્યું છે કે અહીં અમરતા સ્થૂલને ક્યાંય છે ના,
છાયા દેતા વદન પર તો દુઃખના ઘાવ ઝીલ્યા.
આ જોઈને ક્ષણિક સ્થિરતા ‘બ્રીચ કેન્ડી’ય રોવે,
નોંધારા આ જગવન મહીં ઊગશે ના સ્વરોએ.
ધાર્યું ન્હોતું કમનસીબમા બાર’ તારીખ થાયે,
તાઈ સા રે ગ મ પ ધ મહીં યાદ તો ખૂબ આવે.
~ રક્ષા શાહ
૬. હવે ક્યાં છે આશા
મીઠો સ્વર એ નટખટ, હવે ક્યાં છે આશા
એ ચુલબુલ ને મસ્તી , હવે ક્યાં છે આશા
ઊંચી કોર પાણી , દૂધે જે ભરી’તી
નથી વાવી મેંદી, હવે ક્યાં છે આશા
હવે ક્યાંથી પાટણના મોંઘા પટોળા
ખર્યુ કંકુ માડી, હવે ક્યાં છે આશા
ખસી પાઘડી વાંકી, ફૂમતું બિચારું
નથી ગમતો સૂરજ, હવે ક્યાં છે આશા
એ સોનાની વાટકડીમાં ઘોળ્યાં કેસર
એ દાદાની દીકરી, હવે ક્યાં છે આશા
હવે છાનું છપનું કશું ક્યાંય છે નહીં
પિયર પીપળો ગૂમ, હવે ક્યાં છે આશા
સીતા તોલે નહોતા કદી રામ તો પણ
ખમ્મા નંદજીના, હવે ક્યાં છે આશા
“નયા દૌર” “તુમસા નહીં દેખા”, તાઈ
પિયા અબ તો આજા, હવે ક્યાં છે આશા
દીદી સાથે ઝળક્યા, બની તાઈ ગૂંજ્યા
સૂરો સાતમાં ‘દમ’, હવે ક્યાં છે આશા
ચુરાયા થા તુમને કભી દિલ હમારા
ઈન આંખોકી મસ્તી , હવે ક્યાં છે આશા
સમાચાર છે પણ , હજુ દિલ પુકારે
અભી દિલ ભરા ના, હવે ક્યાં છે આશા
~ રાજેન્દ્ર આર શાહ ‘સ્વપ્નિલ’
૭. આશાજી
મધુરું ગાય જે કંઠે જીવે છે ગીત આશાજી
શબદને સૂર સાધીને હજું છે નીત આશાજી
જમાનામાં પ્રસિદ્ધિ મેળવી છે સાધના દ્વારા
સુણો તો લાગશે મનને સદાયે હીત આશાજી
મળે મહેફીલ ગીતોની ગઝલ ગૂંજી ઉઠે કેવી!
બનીને ગંગની ધારા વહે છે શીત આશાજી
મને મનમાં બધે આભાસ છે સાક્ષાત સૂરોમાં
રસળતી સૂર ધારામાં અનોખી રીત આશાજી
પ્રસરતી તાલ લય ને સૂરની આભા પ્રભા કેવી!
છવાઈ જાય મહેફીલે સ્વરોની પ્રિત આશાજી
~ ભરતસિંહ સોલંકી વાંસવા
૮. મુક્તક
તમે ‘આઓ હુઝૂર્ તુમકો’ થી મહેફિલો જમાવી છે.
અનોખી ગાયકીની એક નવી દુનિયા વસાવી છે.
અમારી લાડલી ‘તાઈ’ અમર થઇ ગૂંજશો કાયમ,
તમે સૌના હ્રદયમાં એક જગા સુંદર બનાવી છે.
~ અલ્પા વસા
***