|

“The Last Leaf” story ~ O. Henry ~ જિજીવિષા: અપરાજિતા વેલનું અંતિમ પર્ણ ~  રૂપાંતરણ: રાજેન્દ્ર આર શાહ ‘સ્વપ્નિલ’, વડોદરા 

વડોદરાના શાંત પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક જૂની સોસાયટીના બીજા માળના ફ્લેટમાં બે યુવા ચિત્રકાર સખીઓ રહેતી — સુરભિ અને જ્યોતિ.

શિયાળાની પાનખર ઋતુ શરૂ થઈ ચૂકી હતી. સોસાયટીના કમ્પાઉન્ડની દિવાલ પર ચડેલી અપરાજિતાની વેલ બારીની સપાટીએ આવી પહોંચી હતી. થોડા દિવસોથી પવનના સુસવાટા સાથે તેના પાંદડાં એક પછી એક ખરતાં હતાં.

એ જ દિવસોમાં જ્યોતિ ગંભીર ન્યુમોનિયાથી પથારીવશ થઈ ગઈ. તે દિવસભર બારીની બહાર નિઃશબ્દ એ જ વેલને જોતાં જોતાં રહેતી.

સુરભિએ વાતોથી, ચિત્રકામથી અને થોડા હાસ્યસભર ટુચકાઓથી જ્યોતિનું દિલ બહેલાવવા ઘણી કોશિશ કરી, પણ જ્યોતિનું મન જાણે અંદરથી હારી ગયું હતું. અને એક દિવસ તેણે બારીની બહાર અપરાજિતાની વેલ પર નજર ખોડીને ધીમેથી ગણતરી શરૂ કરી.

“બાર… અગિયાર… દસ…”

સુરભિ ચોંકી ગઈ. બારીની સપાટીએ આવી પહોંચેલીઅપરાજિતાની વેલ પર હવે ગણતરીનાં જ પાંદડાં બચ્યાં હતાં. અને જ્યોતિ એને સાંયોગિક રીતે પોતાની આવરદા સાથે સાંકળી રહી હતી!

જ્યોતિએ સાવ ધીમે પણ દૃઢ અવાજે કહ્યું: “જ્યારે અપરાજિતાનું છેલ્લું પાન પડશે, ત્યારે હું પણ જતી રહીશ.”

સુરભિના હૃદયમાં ભયની લહેર દોડી ગઈ. એને થયું: મારે કોઈ પણ રીતે જયોતિના મનમાંથી આ ભય અને નિરાશા હાંકી કાઢવી જ છે!’

એ તરત જ નીચેના ફ્લેટમાં જવા દાદર ઉતરી ગઈ. નીચેના ફ્લેટમાં એક વૃદ્ધ ચિત્રકાર રહેતા — હરિપ્રસાદજી. પાંસઠેક વર્ષની ઉંમરે પણ તેમની આંખોમાં એક જ સ્વપ્ન જીવતું હતું:

‘એક એવી કૃતિ સર્જવી કે જે અમર બની જાય.’

વર્ષો વીતી ગયા, પણ એ મહાકૃતિ હજી સુધી જન્મી નહોતી.

સુરભિએ તેમની પાસે જઈને જ્યોતિની હાલત કહી. હરિપ્રસાદજીની આંખોમાં કરુણા ઊભરી આવી. તેમણે કશું કહ્યું નહીં, માત્ર ગંભીરતાથી બારીની બહાર પવનમાં થરથરતી‌ અપરાજિતાની વેલ તરફ જોયું.

તે રાત્રે હેમંતનો સૂકો પવન અને માવઠાનો ઝરમર વરસાદ બન્ને મળીને તોફાન રચી રહ્યા હતા. વેલ પર હવે ફક્ત એક જ પાન ટકેલું હતું. અને એ ભીષણ સુસવાટાભરી રાત પણ વીતી.

સવારે જ્યારે સુરભિએ ધીમેથી પડદા ખોલ્યા, ત્યારે બંનેની નજર બારી બહાર ગઈ—અને સ્થિર થઈ ગઈ. આશ્ચર્ય!

આટલી ભયંકર રાત પછી પણ અપરાજિતાનું છેલ્લું પાન હજી દીવાલ પર અડગ ટકેલું હતું. લીલું, મજબૂત, જાણે જીવનનો જ સંદેશ આપતું હતું!

જ્યોતિ લાંબા સમય સુધી તેને જોતી જ રહી ગઈ! આ શો ચમત્કાર! તેના મનમાં પહેલી વાર આશાનું કિરણ જાગ્યું: “જો આ અપરાજિતાનું પાન આટલા પવન સામે ટકી શકે, તો હું કેમ નહીં?”

તે દિવસથી, તે જ ક્ષણથી તેની અંદર જીવવાની ઇચ્છા ફરી પ્રગટવા લાગી. તે સૂપ પીવા લાગી, વાળ સરખા કર્યા, અરીસામાં પોતાને જોયું અને ઘણા દિવસો પછી પ્રથમ વાર હળવેથી સ્મિત કર્યું.

ડૉક્ટરે સુરભિને કહ્યું: “હવે જોખમ ટળી ગયું છે. તેની જીવવાની ઇચ્છા પાછી આવી છે.”

બીજા દિવસે સુરભિ ધીમેથી જ્યોતિનો હાથ પકડીને બેઠી. તેના સ્વરમાં કરુણ શાંતિ હતી: મારે તને એક વાત કહેવી છે… આપણા નીચેના માળના પડોશી હરિપ્રસાદજી હવે આ દુનિયામાં નથી. ગઈ રાત્રે તેઓ સીડી, ટોર્ચ અને રંગોની પેટી લઈને વરસાદમાં નીકળી પડ્યા હતા.

જ્યારે અપરાજિતાનુ઼ં સાચું છેલ્લું પાન પડી ગયું, ત્યારે તેમણે દિવાલ પર અપરાજિતાનું એક એવું જીવંત પાન દોરી દીધું કે પવન પણ તેને હલાવી ન શકે.

એ જ હતી તેમની આખા જીવનની રાહ જોતી મહાકૃતિ. એક ચિત્ર, જેણે માત્ર દીવાલને નહીં, પણ જ્યોતિના મનમાં જીવવાની જ્યોત ફરી પ્રગટાવી.

હરિપ્રસાદજીનું શરીર ન્યુમોનિયાથી હારી ગયું, પણ તેમની કલાએ એક જીવન બચાવી લીધું હતું. અપરાજિતાનું તે અડગ પાન માત્ર રંગોની કલાથી દોરાયેલું ન હતું; તે આશા, મિત્રતા અને બલિદાનનું અવિનાશી પ્રતિક હતું.

કલાની શ્રેષ્ઠતા કોઈની સંવેદનાની સાક્ષી થઈ માનવજીવનની કરૂણાને આત્મસાત કરવામાં રહેલી છે.
***

(O. Henryની આ વાર્તા આમ તો બે સખીઓની વાત કરે છે. પણ સૂક્ષ્મ નજરે જોઈએ તો એ બે સખીઓ છે: જીજીવિષા અને કલા. બીજી સખી કલા એ જિજીવિષાની ભીતર રહેલી આરતને ઓળખે છે અને એને જીવંત કરવા માટે પોતાની વ્યક્તિગત પરવા કર્યા વિના એને જીવનનું task સમજી, મચી પડે છે. સાચી કલા સંવેદનશીલ હૃદયમાં વસે છે. કલા બીજાના જીવનમાં કશુંક શુભત્વ સર્જવા વપરાય એ એની ચરમ સિદ્ધિ છે.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.