પાંચ ગઝલ ~ કુણાલ શાહ, અમદાવાદ

કવિ કુણાલ શાહનો અવાજ નોખો-અનોખો છે. તેમનાં કાવ્યોમાં ક્યાંક બળવો છે, ક્યાંક ખુમારી. તેમની કલમ ફૂટપાથ પર સૂતેલા તારલા જોઈ શકે છે, તો વળી કંતાનમાં લપેટાતા કોઈના સંતાનને પણ વર્ણવી શકે છે. 

શહેરની ગલીકૂંચીઓમાં રઝળતાં વ્યક્તિત્વો, ઑફિસોમાં અટવાતા ચહેરા, વતન છોડીને બે ટંકનું પેટિયું રળવા હિજરત કરતા માણસો તેમની કવિતાનો વિષય બને છે. 

તેમની ગઝલના અનેક શેર પાસે આવીને ઊભા રહી જવું પડે છે, અને નવાઈની વાત એ છે કે ત્યાં ઊભા રહીને પણ ઊભા નથી રહી શકાતું, તે શેરમાં વર્ણવાયેલા કોઈ પાત્ર સાથે, કોઈ ઘટના સાથે, કોઈ સંવેદન સાથે ચાલ્યા જવાય છે. 

શ્રમ અધિકારી તરીકે ગુજરાત સરકારમાં કામ કરતા આ કવિની કલમથી શ્રમિકોની પીડા ડોકાય છે. કદાચ તેમની ફરજના ભાગરૂપે તેમણે આવાં વ્યક્તિત્વોને વારંવાર જોવાનું બન્યું હશે, તેમની વ્યથાને નજીકથી અનુભવવાનું થયું હશે, એટલા માટે જ તેમની કલમ તળિયાના માણસની પીડાને ટોચ પર લઈ આવે છે.  

અમદાવાદના રહેવાસી આ કવિનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયેલો. પિતાનું નામ કમલભાઈ. તેઓ ક્યારે ગુજરાતમાં સ્થાયી થયા તેની મને ખબર નથી, પણ તેના લીધે ગુજરાતી ભાષાને એક સુંદર કવિ મળ્યો તેમાં કોઈ બેમત નથી. 

ગુજરાતના જાણીતા સાહિત્યિક સામયિકો કવિલોક, કુમાર, વગેરેમાં તેમની રચનાઓ છપાઈ ચૂકી છે. જાહેર મંચ પર પણ અનેક વાર કાવ્યપાઠ કરી ચૂક્યા છે. સાયન્સના વિદ્યાર્થી છે, અને એલએલબી પણ કર્યું છે. વિદ્યાર્થીકાળમાં તેમની અંદર એક ક્રાંતિકારી વ્યક્તિ વસતો હતો, જેણે ઘણા બળવાઓ પણ કરેલા. કદાચ એ જ અધૂરા બળવા કવિતામાં ડોકાયા કરે છે. 

આ કવિને નિરાંતે અને ઝીણી નજરે વાંચવા જેવો છે. અહીં તેમની પાંચ ગઝલો સિલેક્ટ કરીને રજૂ કરું છું, આશા છે સૌને ગમશે.

- અનિલ ચાવડા

ગઝલ-1

રાત થીજીને સડક થઈ જાય છે,
બલ્બમાંથી ચાંદની રેલાય છે.

થાકની બે કોથળી પીધા પછી,
રોજ પડછાયા લથડીયા ખાય છે.

તારલા ફૂટપાથ પર આડા પડ્યા,
વાહનોના હોર્ન લોરી ગાય છે.

ગોદડીથી પણ નરમ આકાશ છે,
ખપ પડે ને ફટ કરી ઓઢાય છે.

શું અકસ્માતે ચમત્કારો કર્યાં!
કંઈક બેઘર સ્વર્ગવાસી થાય છે.

ગઝલ-2

યાર તારણહાર જેવું કંઈ નથી,
વિશ્વમાં આધાર જેવું કંઇ નથી.

એમના પણ ક્યાંક ઠેકાણા મળ્યાં,
જેમને ઘરબાર જેવું કંઈ નથી.

નોખી સૌની કલ્પનાઓ હદ વિશે,
આમ તો હદપાર જેવું કંઈ નથી.

બે કિનારા એટલા નજદીક છે,
કે હવે મજધાર જેવું કંઈ નથી.

આવવાના હોત તો આવી જતે,
હાલ તો અણસાર જેવું કંઈ નથી.

ગઝલ-3

સાચું કહેતા આટલો શાને ડરે છે,
માફ કરવું છે અલગ, તું છાવરે છે.

એક ગોઝારી ખબર પાછી ફરે છે,
ખારવણનો પ્રેમ દરિયા પર તરે છે.

એક નાનકડી પરીની આંખ સામે,
વિસ્મયો બ્રહ્માંડના પાણી ભરે છે.

આજ પણ કેન્ટીનનું એ જૂનું ટેબલ,
આપણાં સંબંધની વાતો કરે છે.

‘ઘરનું ઘર’ એ યોજનાના બેનરોને,
કંઈક લોકો છત તરીકે વાપરે છે.

ગઝલ-4

શું સ્હેજ નમતું જોખવું આખો નમી ગયો,
તારે થવું’તું સાંજ તો હું આથમી ગયો.

આ સાંભળ્યું ત્યારે શિયાળો કમકમી ગયો,
કે શહેરમાં પારાથી નીચે આદમી ગયો.

વિસ્તારમાં કરફ્યૂ હતો એના જનમ વખત,
એથી અમનનું નામ પડતાં સમસમી ગયો.

ઘટના બની ત્યારે હતો જે આસમાન પર,
થોડો સમય આગળ વધ્યો ઉભરો શમી ગયો.

ના છાપ એના આંગળાની ક્યાંય પણ મળી,
પાછળ રહીને જે રમત આખી રમી ગયો.

ગઝલ-5

ફ્લેટના સપના કરાવે કરકસર
પોળ પડખા ફેરવે છે રાતભર

શેરી આખી એકદમ સૂમસામ છે
બારીને લાગી છે પડદાની નજર

હદ વટાવી ગઈ ટણી ફૂટપાથની
એમ વર્તે હોય જાણે કે નગર

પોસ્ટરોની જેમ ચોંટાડ્યા કરી,
રોજ સજ્જનતા નવી ચહેરા ઉપર.

ઠાઠડી પણ કાઢવી પડતી ઊભી,
ગીચતા થઈ ગઈ છે હાવી લાશ પર.

ભૂખ કેરોસિનનો ભરચક કેરબો,
ક્યાં સુધી રહેશે જગત સળગ્યા વગર.

~ કુણાલ શાહ, અમદાવાદ 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.