મને તો પૂછો..! વાર્તા ~ નિમિષા મજમુંદાર, મહેસાણા
હવામાં મહેકતી વસંતની ફોરમને ઊંડા શ્વાસ સાથે ફેફસાંમાં ભરતી નિકિતા, બેધ્યાનપણે વાગતી પગની ઠેસે હિંચકાનાં આંદોલનો સાથે ઝૂલી રહી હતી. બપોરે બાર વાગતાંમાં તો બધું કામ પતી ગયું, ‘હવે શું?’ વિકરાળ પ્રશ્ન મોં ફાડીને સામે ઊભો હતો.
‘ઊંઘી જઉં’ વિચારીને ઊભી થઈ પણ ‘પછી રાતે ઊંઘ ન આવે તો? બાજુમાં મયંક નસકોરાં બોલાવતો ઘોરશે અને મારે રાની બિલાડાની જેમ ડોળા ફાડીને બેસી રહેવાનું!’
‘રાની બિલાડો નહિ.. માર્જાર..!’ ધીમેથી એક ઘેરો સ્વર કાનમાં ફૂંક મારીને સરકી ગયો.
‘ઓહ, એ સંબોધન..!’
હીંચકાને ધક્કો મારીને અંદર જવા જતી હતી કે સેલફોન રણકી ઊઠ્યો. સ્ક્રીન પર ‘તૂફાન મેલ’ ઝબક્યું.
“બોલ જાડી, અત્યારે તું ક્યાંથી નવરી પડી? આજે શોપિંગ કરવા નથી ગઈ?”
“અરે રા.. જ્જા..! શોપિંગને માર ગોલી! તું ઉછળી પડે એવા ન્યૂસ તને આપવાના છે. પિનાક અને પપ્પાજી ઓફિસ જાય એટલી તો રાહ જોવી પડેને! મને પૂછ તો ખરી શું ન્યૂસ છે..!” સામેથી તોરલનો ઉત્સાહના ધોધ જેવો અવાજ ગાજ્યો.
“જે હોય તે કહી દે એટલે તને શાંતિ થઈ જાય. માધવીને એના સાસુ સાથે ઝગડો થયો કે ગોપીની દીકરી ઘેરથી ભાગી ગઈ, તારી ગોસિપમાં બીજું હોય શું?”
“તું સાંભળ તો ખરી!” કહેતાં તોરલનો ઉછળતા ધોધ જેવો અવાજ એકદમ વહેતા ઝરણા જેવો શાંત બનીને કાનમાં ધીમેથી પ્રસર્યો, “એ આવ્યો છે..!”
એક ક્ષણ ભારેખમ ચૂપકિદી અને પછી સાવ કોરા અવાજમાં ”કોણ..?” ફેંકાયું.
“તું સમજી જ ગઈ છે, કોણ!”
નિકિતાના રિસ્પોન્સની રાહ જોયા વગર ફરી ઉછળી, “નિકિ, એ.. ચાર વર્ષે આવ્યો. બહુ સક્સેસફૂલ એન્ત્રપ્રેન્યોર બનીને આવ્યો છે. ઇન્ડિયન ગવર્મેન્ટનો યંગ એચિવરનો પ્રેસ્ટિજિયસ એવૉર્ડ જીત્યો છે. કાલે આપણી કૉલેજમાં એનું ભવ્ય સન્માન થવાનું છે. આ તો એની પણ કૉલેજને! યંગ જનરેશન માટે એનું લેક્ચર રાખ્યું છે ‘હાઉ ટુ બિકમ અ સક્સેસફૂલ એન્ત્રપ્રેન્યોર’. પપ્પાજીએ ગઈ કાલે રાતે જ કહ્યું. પપ્પાજી તો કોલેજમાં ટ્રસ્ટી છેને! આપણે સહુથી પહેલી રૉમાં બેસીને સાંભળીશું.”
“આપણે નહિ, તું સાંભળજે. મારે કાલે કામ છે!”
“રહેવા દે હવે. મનનો ઘોડો તો ચારે પગે ઉછળી રહ્યો હશે, આ ડહાપણ ડહોળવાની જરૂર નથી. તારા પ્રિ..ય નિલય..સર.. ને સાંભળવા-જોવા તલપાપડ હોઈશ! નખરાં નહિ કરવાનાં!”
નિકિની રાડ ફાટી, “હું અડતાલીસ વર્ષની, સુખી લગ્નજીવન જીવતી, એક કૉલેજમાં ભણતા દીકરાની મા છું. એ મારો કોઈ પ્રિય-બ્રિય નથી, સમજી?”
“એ બધી ખોખલી વાતો મારી પાસે નહિ કરવાની. તારો અડધો આત્મા મારામાં વસે છે, સમજી? મને ખબર છે કે તારો ગુસ્સો હજુ ઉતર્યો નથી પણ તારું કંઈ ચાલશે નહિ. ટુમોરો, બી રેડી એટ સિક્સ ઓ’ક્લોક, આઈ વીલ પીક યુ અપ. અને પ્લીઝ દેવીજી, જરા વ્યવસ્થિત તૈયાર થઈને આવજો. આપણે પહેલી વાર કૉમ્પ્યુટર ક્લાસમાં ગયાં ત્યારે જેમ મણિબેન થઈને આવી હતી એવી તો બિલકુલ નહિ.” ફોન કટ થઈ ગયો.
નિકિતા હાથમાં રહેલા ફોનને, કોઈ અજાણ્યા ચહેરાને જોતી હોય એમ જોઈ રહી અને પછી ઊઠીને સીધી અંદર બેડરૂમના બેડ પર જઈને પડી. ચત્તિપાટ પડી-પડી છતના ગોળ-ગોળ ફરતા પંખાને તાકી રહી.
‘પહેલી વાર.. કૉમ્પ્યુટર ક્લાસ! કેવડી હતી ત્યારે? બેતાલીસ કે તેતાલીસ?’ મન તાળો મેળવવા લાગ્યું, અર્ણવ બારમું પાસ કરીને કૉલેજમાં ગયો અને પોતે ભયાનક એકલતાથી પીડાવા લાગી હતી.
મયંક તો સવારે આઠથી રાતે આઠ ફેક્ટરીમાં હોય, આવી જમીને સૂઈ જાય અને રવિવારે એને ક્યાંય બહાર જવું ન હોય. એમ.એસ.સી. થયેલી નિકિતા, અર્ણવના આવ્યા પછી સ્વેચ્છાએ નોકરી છોડીને ઘરમાં બેસી ગઈ હતી. હવે એને નોકરી કોણ આપે? નોકરીની જરૂર પણ નહોતી.
મયંક આમ સ્વભાવનો સારો હતો પણ નિકિની લાગણીશીલતા અને એનો શુષ્ક સ્વભાવ કોઈ રીતે સંયોજાઈ શકતા નહોતા. નિકિનો પુસ્તકપ્રેમ એને વેવલાવેડા લાગતો, સંગીતનો શોખ એને સમયનો બગાડ લાગતો અને સાથે બેસીને વાતો કરવાને બદલે એ સમયનો ઉપયોગ વધારે કમાણી કરવા માટે વાપરવાનું એનું ધ્યેય રહેતું.
એક નદીના બે કિનારાને જોડી રાખતો અર્ણવ બહાર ગયો અને નિકિને નદીનો પટ પહોળો ને પહોળો થતો લાગતો હતો. એકલતાનો ભરડો એને પીસી રહ્યો હતો. ડિપ્રેશનના માર્યા એને રોજ સાંજે મયંક આવે એટલે બેફામ રુદનના એટેક આવવા લાગ્યા. મયંકે થાકીને નિકિને આમાંથી બહાર કાઢવાનું કામ એની જીગરજાન સખી તોરલને સોંપ્યું.
બેય કેજીથી કૉલેજ સુધી સાથે જ ભણ્યાં એટલે તોરલ નિકિની રગરગ ઓળખે. તોરલની નૉન-સ્ટોપ વાતો, શોપિંગના તાયફા, મૂવી, લેડિઝ ક્લબ, એ બધા ઉપાયોથી થોડી રાહત થઈ પણ નિકિનું ક્રિએટિવિટી માટેનું સતત ક્રેવિંગ, કંઈક નવું કરવા ઝંખતું મન, આ બધામાં ઠરતું નહિ.
એક દિવસ મયંક એક ફરફરિયું લઈને ઘેર આવ્યો, “નિકિ, મને આ કોઈકે આપ્યું. કોઈ નિલય કરીને એન્જિનિયર છે, તમારી જ કોલેજની એન્જિનિયરીંગ શાખામાંથી ભણેલો, થોડાં વર્ષો બેંગલોર નોકરી કરી અને હવે મા-બાપ ઘરડાં થયાં એટલે બધું છોડીને પાછો વડોદરા આવી ગયો.
એણે કોમ્યુટરના ક્લાસીસ ચાલુ કર્યા છે. બે વર્ષનો ગવર્મેન્ટ એપ્રુવ્ડ સર્ટિફિકેશન કૉર્સ અને ગૃહિણીઓ માટે ખાસ બપોરે બારથી બેની બૅચ. તને આમાં મજા આવશે. તોરલને પણ સાથે ઢસડી જજે. બે વર્ષ પછી તને ક્યાંક જોબ મળી જશે અને મન રોકાયેલું રહેશે.”
ક્લાસના પહેલા દિવસે ઘરનું બધું કામ પરવારીને જતાં સહેજ મોડું થયું એટલે નિકિ ઘરનાં જ કપડાંમાં, લાંબા વાળનો ગાંઠ અંબોડો વાળી, સ્કૂટર સ્ટાર્ટ કરતી ભાગી. ક્લાસમાં ગણીને બાર લેડિઝ હતી એમાં બે તો નિકિ અને તોરલ.
ક્લાસમાં એન્ટર થતાં જ એની નજર નિલય પર સ્થિર થઈ ગઈ. છ ફૂટ હાઈટ, ઘઉંવર્ણો વાન, વાંકડિયા વાળ, ગોલ્ડન ફ્રેમનાં ચશ્મા અને મરુન શર્ટ ને બૅજ પેન્ટમાં એ ડેશિંગ લાગતો હતો. એ ક્લાસમાં પ્રવેશી ત્યારે નિલય એના ઘેરા અવાજમાં કૉમ્પ્યુટરનું બેઝિક નૉલેજ આપી રહ્યો હતો.
નિલયની નજરમાં એની કોઈ નોંધ લેવાયા વગર એ ચૂપચાપ અંદર આવીને એક કૉમ્પ્યુટર સામે બેસી ગઈ. થોડી વારે નિલયે દરેકની જગ્યાએ જઈ પર્સનલી શીખવાડવાનું શરૂ કર્યું. નિકિ પાસે આવીને પણ એણે બેઝિક ઑપરેશન શીખવાડ્યું. જતાં-જતાં એક પળ અટકીને નિકિના કાનમાં ધીમેથી ગણગણતો ગયો, “કાલથી કિચનમાં કામ કરતાં ઍકઝોસ્ટ ચાલુ રાખજો!”
નિકિ સુન્ન થઈ ગઈ, ‘ઓહ, આ સમજે છે શું એના મનમાં!’
તોરલને કહ્યા વગર તો નિકિથી રહેવાય જ નહિ! તોરલ એની પાસે આવી, એને સૂંઘીને જોરથી હસી, “એની વાત તો સાચી છે. કાલથી ધ્યાન રાખજે. સાવ મણિબેન જેવી દોડી આવી, તે કોઈ પણ કહી જાય! બહુ મોંફાટ કહેવાય અને ડેરિંગ પણ.”
બીજા દિવસે નિકિએ બરાબર ધ્યાન રાખ્યું. છૂટાવાળ, પિંક ચૂડીદાર અને આંખ પર ગોગલ્સ સાથે એ ક્લાસમાં પ્રવેશી ત્યારે એ ટેબલ પર બેસીને લેક્ચર આપી રહ્યો હતો. નિકિની એન્ટ્રીની એણે કોઈ નોંધ જ ન લીધી અને બોલવાનું ચાલુ રાખ્યું.
થોડી વાર પછી જ્યારે નિકિની પાસે આવીને શીખવાડતો હતો ત્યારે પણ એકદમ શાંત હતો, ફક્ત જતાં-જતાં એ જ રીતે બોલતો ગયો, “આટલી સુંદર માર્જર જેવી આંખોને ગોગલ્સનું આવરણ! અં..હ્! નોટ ફૅર!”
નિકિ ઘા ખાઈ ગઈ ‘પાંચ હજાર ફી ન ભરી હોત તો ક્લાસમાં આવવાનું બંધ જ કરી દેત!’
તોરલને કીધું તો એ ખડખડાટ હસી, “માન ન માન પણ એ તારા પર લટ્ટુ થઈ ગયો છે.”
નિકિ ભડકી, “શું ગમે તેમ બોલે છે! હું એક જુવાન દીકરાની મા છું અને એ મારાથી ક્યાંય નાનો હશે! હું એને ખખડાવીશ, આ બધું ન ચલાવી લેવાય!”
“ભૂલમાં પણ એ ભૂલ ન કરતી. આમ તો તું એકલતાની મારી અડધી ડોશી થઈ જ ગઈ છે, રોમાન્સ તો તારા સપનાથી પણ દૂર રહે છે તો આ ફ્લર્ટીંગ ઍન્જોય કર. એ તો ક્લાસમાં પણ કેવી કેવી કોમેન્ટ્સ કરતો હોય છે! આ એનો સ્વભાવ જ છે અને તારે ક્યાં આગળ વધવું છે!
એની કોમેન્ટથી તને ફરી વ્યવસ્થિત રહેવાની ઈચ્છા તો થઈને! મારું માન, તારા ઠીંગરાઈ ગયેલા મનને ફરી સજીવન કર, ફરી કૉલેજના ટાઈમની બિન્દાસ નિકિ બનીને થોડું વધારે જીવી લે!”
નિકિએ ચૂપચાપ સાંભળી લીધું. પછી તો એ નિલય સાથે સાવ ખપ પૂરતી વાત કરતી, સાવ અતડી રહેતી પણ એને તો કોઈ અસર નહોતી. આમ તો એ નિકિની સામે પણ ન જોતો હોય પણ પાસે આવે ત્યારે મીઠું મલકાતો કંઈક ને કંઈક કોમેન્ટ કરતો જાય.
ઉપરથી પથ્થર જેવી જણાતી નિકિ અંદરથી એ કોમેન્ટની આતુરતાથી રાહ જોતી થઈ ગઈ, ‘આજે શું કહેશે? આવું બધાને કહેતો હશે કે ફક્ત..?’
નિકિના ચહેરા પર રંગત આવી ગઈ, ડ્રેસિંગ સેન્સમાં ધરખમ બદલાવ આવી ગયો, ઘરમાં ગીત ગણગણતી કામ કરતી રહેતી અને રોજ બાર વાગવાની આતુરતાથી રાહ જોતી.
તોરલ આ બધું જોતી અને પ્રિય સખીને ફરીથી જિંદગીમાં રસ લેતી જોઈને ખુશ થતી. એને મન ‘આવા સાવ નિર્દોષ તોફાનનો વાંધો પણ શું હોય?’
બે વર્ષ પૂરાં થવામાં બે મહિના બાકી હતા ને નિલયે ક્લાસમાં ડિકલેર કર્યું, “હું પરમેનન્ટ બેંગલોર શિફ્ટ થઉં છું. તમે લોકો ચિંતા ન કરશો, તમારે માટે એક ગોલ્ડ મેડાલિસ્ટ લેડી શોધી કાઢ્યાં છે. તમારી એક્ઝામ સુધી એ જ તમને મદદ કરશે. એમ તો હું પણ હજુ થોડા દિવસ છું.”
ક્લાસ છૂટ્યા પછી તોરલ વાત કરવાનો પ્રયત્ન કરતી રહી પણ નિકિ ‘મારે ઘરમાં ખૂબ કામ છે’ કહીને સ્કુટર સ્ટાર્ટ કરીને ત્યાંથી ભાગી છૂટી. ઘેર જઈને કામમાં જીવ ચોંટતો જ નહોતો. એને સમજ નહોતી પડતી કે આ સમાચારથી પોતાને આનંદ થયો કે દુ:ખ, રાહત થઈ કે ઉચાટ!
સાંજે મયંકે ફરિયાદ પણ કરી, “આજે રસોઈ કેમ સાવ બેસ્વાદ લાગે છે?” રાતે ચિત્રવિચિત્ર સપનાઓએ એની ઊંઘ વેરણ કરી મૂકી.
બીજા દિવસે ક્લાસનાં પગથિયાં ચઢતાં બેધ્યાન નિકિ લથડી, એનો પગ મચકોડાઈ ગયો. એ પગથિયાંમાં જ બેસી પડી. અસહ્ય દુ:ખાવાના માર્યાં આંખમાંથી બોર-બોર જેવડાં આંસું વહી રહ્યાં હતાં.
તોરલ દોડીને નિલયને બોલાવી લાવી. એક અક્ષર પણ બોલ્યા વગર એણે નિકિને હળવેથી ઊંચકી લીધી, તોરલને સાથે લઈ, કારમાં બેસાડી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે એક્સ-રે લઈ ફ્રેક્ચર નથી એવું નિદાન કરી પાટો બાંધીને પેઈન કીલર આપી દીધી. કારમાં નિકિને ઘેર મૂકવા આવતાં પણ એક અક્ષર બોલ્યો નહિ.
તોરલની મદદથી નિકિને અંદર મૂકીને જતાં જતાં બોલ્યો, “ટાઈમ પર મેડિસિન લઈ લેજો અને બરાબર આરામ થાય પછી જ ક્લાસમાં આવજો. એક્ઝામને હજુ બે મહિનાની વાર છે.”
જતાં જતાં પાછો વળીને, “અને હા, હવે હાઈ હિલ્સ બિલકુલ નહિ, સમજ્યાં?”
નિકિનું તનમન સાવ બેહાલ હતું. તોરલ બારણા સુધી મૂકવા ગઈ અને “થેન્ક યુ વેરી મચ, સર!” કહી ખૂબ આભાર માન્યો. પાછી આવીને તૂટી પડી, “તું સાવ આવી મેનરલેસ ક્યારથી થઈ ગઈ? એને થેન્ક યુ પણ ના કીધું? વેરી બૅડ નિકિ!”
“અં.. મને યાદ જ ના આવ્યું! ખૂબ પેઈન થાય છે! મારી કેવી દશા છે, તને શું ખ્યાલ આવે?”
“મને બરાબર ખબર છે. એટલું કહ્યું હોત તો એ તને ખાઈ ન જાત! એ તો હવે જતો રહેશે. કોણ તારા માટે આટલું કરવા નવરું છે? હા થોડો તોફાની સ્વભાવનો છે પણ કેટલો લાગણીવાળો છે! અને તું? સાવ નઘરોળ અને કોરી!”
“હા, હું કોરી છું. મારે એને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં રાખવો નથી, સમજી? હજુ તો થોડા દિવસ છેને? એનો જે ખર્ચો થયો હોય તે આપી દઈશું અને થેન્ક યુ કહી દઈશું, બસ? હવે છાલ છોડ!”
એ થોડા દિવસ પણ ન રહ્યો. નિકિ સાજી થઈને ક્લાસમાં આવી ત્યારે નવી મેડમ આવી ગઈ હતી. બે વર્ષ પૂરાં થયાં, સર્ટિફિકેટ આવી ગયું અને જીવન ફરી એ જ ઘટમાળમાં પરોવાઈ ગયું.
શાંત પાણીમાં તોરલે આજે પથરો નાખ્યો. નિકિ તોરલ સાથે એના ફંક્શનમાં ગઈ તો ખરી! ગઈ નહિ, જાણે તણાઈને ગઈ! પહેલી રૉમાં બેસીને એનો ઘેરો અવાજ સાંભળતી એ ટ્રાન્સમાં જતી રહી. તાળીઓના ગડગડાટે એનું ધ્યાન ભંગ થયું.
તોરલ હાથ પકડીને એને બૅક સ્ટેજમાં ખેંચી ગઈ. બધાની વચ્ચે ઘેરાયેલો એ ઊભો હતો. બધાના પ્રશ્નોના જવાબ આપતાં પણ એની આંખોએ એ બન્નેને જોઈ લીધાં, આંગળી ઊંચી કરીને રાહ જોવાની સાઈન કરી. બધું ટોળું વિખરાયું, એ નજીક આવ્યો. આંખો જમીન પર ખોડીને ઊભેલી નિકિને પૂછ્યું, ”કેમ છો? જૉબ કરો છે કે મારું આપેલું બધું જ્ઞાન કટાઈ ગયું?”
નિકિએ નકારમાં ડોકું ધુણાવ્યું. તોરલ બોલી, “સર, જૉબ તો અમે નથી કરતાં પણ હજુ પ્રેક્ટિસ ચાલુ જ છે. તમે કેમ છો?”
“બસ, જુઓ હું ફર્સ્ટ ક્લાસ. લાઈફ ઈઝ ગોઈંગ ઓન!”
“સર, ગોઈંગ ઓન? તમે તો રોકેટની સ્પીડે પ્રગતિ કરી! અમને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે.”
“થેન્ક યુ.”
“એક વાત ક્યારેય ન સમજાઈ. તમે અહીં પરમેનન્ટ સેટલ થવા આવ્યા હતાને! તો અચાનક જતા કેમ રહ્યા? તે પણ આટલો જલદી નિર્ણય લઈને? બેંગલોરમાં તો તમારી પ્રગતિ જ થઈ પણ તો પછી અહીં આવ્યા જ કેમ હતા?”
“આવ્યો હતો કાયમ રહેવા પણ મજબૂરીમાં વડોદરા છોડવું પડ્યું. કારણ જાણવા માગો છો? કારણ આ તમારી ફ્રેન્ડ છે!”
નિકિના અંતરમાં ભેદી વિસ્ફોટ થયો, ‘કારણ હું? કેવી રીતે? મેં શું કર્યું?’ એણે એની આંખમાં આંખ નાખીને જોયું, ‘ના, ત્યાં કોઈ તોફાન નહોતું, તટસ્થતા અને કાતિલ ઠંડક હતી!’
“મારો સ્વભાવ તોફાની છે. મને ક્લાસના પહેલા જ દિવસે આ ગમી ગયાં. એમાં ચોંકવાની બિલકુલ જરૂર નથી, પરણેલા માણસોને કોઈ બીજું ગમી જ ન શકે એવો કાયદો તો નથી! હું સાવ કેરેક્ટરલેસ માણસ નથી એ તો તમને પણ ખબર છે. મારાથી એમની સાથે વર્બલ મસ્તી થઈ જતી.
જાતને રોકવાનો ઘણો પ્રયત્ન કરતો પણ આ માર્જાર આંખો સામે આવતી અને જીભ પર કંટ્રોલ ખોઈ બેસતો. આમને મારા તોફાનો સખત ઈરિટેટ કરતાં એ મને ખબર છે પણ આઈ વોઝ હેલ્પલેસ. એમની પરિસ્થિતિ પણ સમજી શકતો હતો. આ કંઈ પશ્ચિમની ધરતી નથી. એક સીધી સાદી પરિણિત ભારતીય સ્ત્રી માટે આ સાવ “નૉ નૉ સિચ્યુએશન” હતી.
અહીં રહું તો ક્યાંક ને ક્યાંક ભેટો થયા વગર રહે નહિ અને હું એમને અજાણતાં હર્ટ કરી બેસું તો મારી જાતને ક્યારેય માફ ન કરી શકું. બસ, પછી આ એક જ રસ્તો સૂઝ્યો. તમે પૂછ્યું એટલે આજે કહ્યું બાકી એ વાત મારા મનમાં ઊંડે ધરબીને જીવતો હતો. ચાલો ત્યારે, આવજો.”
એ ઊંધો ફરીને ચાલવા લાગ્યો. નિકિને ચીસો પાડીને કહેવાની ઈચ્છા થઈ આવી, ‘કેમ? કેમ છેક હવે બોલ્યો? મને શું ગમે છે ને શું નહિ, એ તમે બધાં જાતે જ નક્કી કરશો? કોઈ મને તો પૂછો..!’
~ નિમિષા મજમુંદાર, મહેસાણા
nimishamajmundar@gmail.com