લૂંટાયો છું બહુ વિશ્વાસ રાખી ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
માર્ચ એન્ડિંગ પતી ગયું છે પણ સમસ્યાઓનું એન્ડિંગ ક્યાંય દેખાતું નથી. ટ્રમ્પે ઈરાન પર થોપેલું યુદ્ધ આખા વિશ્વને અકળાવી ગયું. દુશ્મન ગમે એટલો નાનો હોય પણ મુત્સદી્ વ્યૂહરચના મોટા માથાને પણ હંફાવી શકે.
યુદ્ધને કારણે સર્જાતો વિનાશ વિકાસને ખોરવી નાખે છે. યુદ્ધમાં સંકળાયા નથી તોય ભારતના જીડીપીને ફટકો પડી શકે છે. ભરત વિંઝુડા વાસ્તવિકતા બયાં કરે છે…
આ સમયને ઝેર પાઈને મર્યાં
શ્વાસ જેવા શ્વાસ ખાઈને મર્યાં
બહાર જીવ્યા હસતું મુખ રાખી અમે
ને ભીતરથી હીજરાઈને મર્યાં
ઈરાનનાં જે વિનાશ સર્જાયો છે એની તસવીરો જોવા નથી મળતી છતાં એક બ્રિટિશ પત્રકારના આકલન મુજબ ઈરાનને ત્રણ દાયકા સુધી કળ નહીં વળે.

બચત ગમે એટલી હોય એ વપરાઈ-વપરાઈને આખરે તો ખૂટવાની. જો નવું સંપત્તિ-સર્જન ન થાય તો તિજોરીનું તળિયું દેખાઈ જાય. બેઘર બનેલા લોકોએ એકડે એકથી જિંદગીની શરૂઆત કરવી પડે. એમાં પણ બાળકોની હાલત બદતર થઈ જાય. શિક્ષણ વ્યવસ્થા પર અસર પડતાં એમનું ભવિષ્ય દાવ પર મુકાઈ જાય. ભગવતીકુમાર શર્મા લખે છે…
માંડ જીવતી રાખી છે મેં આ ક્ષણ અંગત
કેમ જિવાડી, તેનું પાછું કારણ અંગત
સહિયારા સંબંધોનો એક ટાપુ જુદો
વાસ્તવમાં તો હું પણ અંગત, તું પણ અંગત
પરિવારના સંબંધોમાં ખારાશ પરિવારજનોનું જીવન દોહ્યલું બનાવે પણ બે રાષ્ટ્ર વચ્ચેના સંબંધોની ખારાશથી લાખો લોકો પ્રભાવિત થાય. માર્ચ મહિનાનું જીએસટી કલેક્શન ઉમદા રહ્યું છે પણ ઈરાન યુદ્ધને કારણે ભારતના ઉદ્યોગોને જે ફટકો પડ્યો છે તેના આંકડા એપ્રિલ-મે મહિનામાં ખબર પડશે.
![]()
શેરબજાર તૂટ્યું, સોના-ચાંદીના ભાવ તૂટ્યા, નિકાસ તૂટી. હવે માણસ ન તૂટે તો સારું. કરસનદાસ લુહાર કહે છે એ રીતે જાતને સાચવવી અઘરું કામ છે…
આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને
આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને
અકબંધ કેવી રીતે રાખી શકું મને હું?
જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને
અનેક સમસ્યાઓ વચ્ચે આપણે જાતને અકબંધ રાખવાની હોય છે. આર્થિક સમસ્યાને કારણે સ્વમાન હેઠે મુકવાનો વારો આવે ત્યારે અરીસા સામે ઊભા રહેવું મુશ્કેલ બને. એક તરફ ગરીબ બાળકો પાસે ફી ભરવાના પૈસા નથી તો બીજી તરફ ડેસ્ટિનેશન વેડિંગમાં કરાડો રૂપિયા ખર્ચાતા હોય છે.

ખર્ચાય ત્યાં સુધી નહીં વાંધો નહીં પણ ક્યારેક લિટરલી વેડફાતા હોય છે. એનો સુનિયોજિત ઉપયોગ કોઈના ભલા માટે થઈ શકે એવી આશા રાખીએ. આ સમાજ એકબીજાને કારણે ચાલે છે. કૈલાસ પંડિત એને સ્વીકારે છે…
ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે
સાચા હૃદયથી કરેલી દુવામાં દૈવી શક્તિ હોય છે. આપણે બીજા માટે કશું કરી ન શકીએ તો કાંઈ નહીં કમ સે કમ સાચા હૃદયથી પ્રાર્થના તો કરી જ શકીએ. વિવિધ પ્રકારની હિલિંગ પદ્ધતિમાં નિર્મળતા અને શ્રદ્ધા જ કારગત નીવડતી જોવા મળે છે.

મકરંદ મુસળે પરમ શક્તિને પ્રણામ કરી જીવનમાં કયો અભિગમ રાખવો જોઈએ એનો નિર્દેશ કરે છે…
ધરતી, ગગન ને દરિયો, શું શું ઉકેલવાનું?
ઈશ્વરની ચોપડી છે કોરું છે પાનેપાનું
બીજો ઉપાય ક્યાં છે થાશે જે છે થવાનું
સારાને યાદ રાખી, બાકી ભૂલી જવાનું
કોઈની ભૂલ આપણે જલદીથી ભૂલતા નથી. કોઈની ખામી ગણાવવાનું કહેવાય તો ટપ દઈને ચાર-પાંચ તો ગણાવી જ દઈએ. કોઈની પ્રશંસા કરવાનું કહેવાય તો આપણી જીભ પર તાળું લાગી જાય. આપણે આપણી જાતને શ્રેષ્ઠ માનીએ છીએ. હકીકત એ છે કે આપણાથી બે ડગલાં પાછળ પણ કોઈ છે અને આપણાથી બે ડગલાં આગળ પણ કોઈ છે. નીરજ મહેતા ભીતર ઝાંકવાનું કહે છે…
ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર
વાંસળી દિલથી વગાડી હોત ભીતર
તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
એક બારી તો ઉઘાડી હોત ભીતર
લાસ્ટ લાઈન
નિરંતર સત્યનો આભાસ રાખી
લૂંટાયો છું બહુ વિશ્વાસ રાખી
ભુલાશે કઈ રીતે અંધાર આવો?
ઉછીના એક-બે અજવાસ રાખી
પરખવાની બહુ કોશિશ ન કરશો
ફરું છું હું અલગ લેબાસ રાખી
વધુ ઉજ્જડ, વધુ ઉજ્જડ થવાશે
નજરમાં કાયમી વનવાસ રાખી
કહાની સાવ હું ભૂલી ગયો છું
હૃદયમાં એક-બે અહેસાસ રાખી
ભળી શકતો નથી ક્યાંયે પછી હું
ઘડીભર આપનો સહવાસ રાખી
વચન આપ્યું નથી એવું પરંતુ
જીવી લેશું `અગન’ ઉલ્લાસ રાખી
~ અગન રાજ્યગુરુ
~ ગઝલસંગ્રહઃ આયના સામે