પ્લીઝ ડૉક્ટર (હાસ્યકથા) ~ સુષમા શેઠ
પોતાના એકના એક વહાલસોયા તનને સાબુથી ચોળીચોળીને નહાતી વખતે સાવ અચાનક આંખમાં સાબુ ગયો એટલે ટેમ્પરરી અંધ બની ગયેલા તનસુખલાલને બાથરૂમની ફરસ પર રેલાયેલા સાબુનાં ફીણ ન દેખાયા અને તેમાં પગ લપસી જતાં તેઓ ઓમ ધબાય નમ: થઈ એવા ચત્તાપાટ પડ્યા કે મોઢામાંથી “રમાઆઆ…” એવી બાથરૂમભેદી રાડ ભેગી ચીસ નીકળી ગઈ.
સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ પણ તનસુખલાલને બાથરૂમમાં પડ્યા બાદ પત્ની રમાગૌરી સાંભરી. જો પહેલાં સાંભરી હોત તો આમ પોતાની પડતી થાત નહીં.
શ્રીમાનની રાડ સાંભળીને શ્રીમતી તનસુખલાલ એટલે કે રમાગૌરીના હાથમાંથી કાચનું વાસણ છટક્યું અને માંહે પડેલો મહાસુખ માણતો શ્રીખંડ કાચની ખણણણ બોલતી કરચો સાથે ખંડખંડ થઈ આખા ખંડમાં ઠેરઠેર છાંટણા કરવા ઉતાવળો થઈ વેરાયો. એ નીરખી રમાને રડવું આવી ગયું. એની આંખમાં આંસું ઉભરાણા.
“બાથરૂમમાંથી આમ બૂમો સું પાડતા હસો હેં? હરખું નાતાં’ય નથ આવડતું? તમારી બૂમાબૂમથી તે લે મારો સીખંડ ઢોળાઈ ગયો.” રમાને ઢળી પડેલા તનસુખલાલ કરતાંય ઢોળાઈને ચત્તાપાટ થઈ ગયેલા મહામહેનતે બનાવેલા શ્રીખંડની વધુ ચિંતા હતી.
બાથરૂમનું દ્દૃશ્ય જોઈ તેના મોઢામાંથી વછૂટેલા “હાય હાય”ના આલાપે આખા ઘરને ધ્રૂજાવી નાખ્યું. ”લે તમને કેટલી વાર કીધું કે ન્હાતી વખતે માધુરી ને હેમા માલિની ને રેખાના વિચાર નો કરતા. પછી હાબુ ક્યાં ચોળ્યો ને ક્યાં નૈ એય ભૂલી જાવ સો.”
બબડતી રમાએ શ્રીખંડ બનાવવાની મહેનત પાણીઢોળ થવાથી બાથરૂમની લપસણી ફરસ પર ગુસ્સામાં ને ગુસ્સામાં બે ત્રણ બાલદી ભરીને પાણી રેડ્યું અને બાળકો આ છોભીલો નજારો નીરખે તે પહેલાં તેણે તનસુખલાલને ટુવાલમાં લપેટી હાથ પકડીને બેઠા કર્યા.
જોકે હાથમાંથી છટકેલો કાચના વાડકામાંનો કેસર, પિસ્તા, બદામનો ડ્રાયફ્રુટ શ્રીખંડ મોઢા સુધી પહોંચવાનો નહોતો એ વિચારે તેની આંખમાંથી બદામ જેવડાં આંસુ ટપકીને સાબુના ફીણ સાથે ભળી ગયાં.
રમાએ બાળકોની મદદ વડે તનસુખલાલને મહામહેનતે ઊભા કરી પથારીમાં પટકીને લાંબા સુવડાવી દીધા. ડોક્ટર સુધી લાંબા થવાની તનસુખલાલની અદમ્ય ઈચ્છાને તેણે ઊગતી જ ડામી દીધી.
“દાગતરની મોંઘી દવાઓ કરતાં હું કરું ઈ ઈલાજ અકસીર હોય. હંધુય ઘરમેળે પતી જાય. ગઈ ફેરે તમને સરદી થઈ ગઈ’તી ત્યારે દરરોજે તુલસી સૂંઠનો કાઢો બનાવી પાયેલો. પછી મહિના દિ’માં તો લે સરદી કેવી જડમૂળથી મટાડી દીધી’તી.”
“રમા, એ કાઢો પી-પીને તો મને ઝાડા થઈ ગયેલા અને આખા શરીરે અળાઈ ફૂટી નીકળેલી. આહહ… બરડો દુઃખે છેએએએએ. આમ ઘરમેળે બધું પતાવવામાં તું ક્યાંક મને જ પતાવી દઈશ.” તનસુખલાલે ચિત્કાર કર્યો.
“હળદરનો લેપ કરી ઓલું વરસોથી ખાનામાં નકામું પડી રહ્યું સે ઈ બેલાડોના પલાસટર લગાવી દઊં, હાસ્સ! આજે ઈ કામ આવસે. જ્યારે ખાનું ખોલું અને પલાસ્ટર પડેલું જોઉં ત્યારે મને ચિંતા થાય કે ઈ વપરાસે ક્યારે? જો જો ને, તમે હાંજે તો આમ દોડતા થૈ જાસો. મારી બા પણ એવું જ કરતી.” કહી એ હળદર લેવા દોડી.
વહાલા પરમ પૂજ્ય સાસુમાના અખતરા અપનાવવાની તનસુખલાલની લગીરેય ઈચ્છા નહોતી પરંતુ દુ:ખતા બરડાને લીધે મુખેથી ઊંહકારા સિવાય ધર્મપત્ની સમક્ષ બીજું કશું જ બહાર નીકળવાની હિંમત ન કરી શક્યું.
“જરીક બામ ચોળી પોટલીમાં લવિંગ હાયરે લહણની કળીઓ બાંધી ગોટો વાળી પાછળ બયડે અને આગળ દૂંટીએ શેક કરી આલજે. આમ ચપટી વગાડતાને હારું થૈ જાહે.” રમાને તેની શાણી અનુભવી બાએ વળી એક પર એક ફ્રી જેવી બીજી મફત સલાહ ફોન પર આપી.
“બા, તને હરખું હંભળાતું નથ. ઈ હેઠે પડી ગ્યા છે. પેટમાં ગેસ નથી ચઈડો. એને હાજા કરવા જાતાં કાંક ગોટો નો વળી જાય.”
“પડ્યા પડ્યા ખાવાનું પચે નહીં એટલે પછી ગેસેય થઈ જાય. મારું માન, પેલ્લેથી ઉપચાર કરી દેવો હારો. તારા બાપુજી કે’તા, પાણી પેલ્લાં પાળ બાંધી દેવી.”
એવામાં પાડોશણ જયાબહેન પરાણે ટચુકડી સફેદ હોમિયોપથીની ગોળીઓ પકડાવી ગયા, “મનેય આવું જ થયેલું ત્યારે આ ઝીણીઝીણી ગોળીઓ કામ આઇવી. તનસુખલાલ, તમને મારા સમ, આ ગળવી જ પડશે.” અને પ્રિય પાડોશણના આવા પ્રેમસભર આગ્રહને તનસુખલાલ ટાળી ન શક્યા. વહાલી પાડોશણે સ્વહસ્તે ગળા પર ચપટી ભરી લીધેલા સોગન નામે સમ સામે એ ગમ ખાઈ ગયા.
દિવસમાં પાંચ વાર જુદી જુદી દર્દશામક ગોળીઓ ગળ્યા બાદ પેટમાં એવો ગોટો વળ્યો કે પોતાનું પેટ દબાવી રાખતા તનસુખલાલ આગળપાછળ એમ બંને બાજુએથી દબાઈને ચપટા થઈ ગયા. પીડાગ્રસ્ત મોઢું તો કોઈને બતાવાય તેવું નહોતું રહ્યું પરંતુ બાથરૂમ સુધીનું હલનચલન પણ પહાડ ચડવા જેવું આકરું બન્યું ત્યારે એમણે ડોક્ટરને પોતાના દુખિયારા મુખના દર્શન આપવાનું નક્કી કરી જ નાખ્યું.
રમાગૌરીના મામાશ્રીએ ભાણીને ચિંતિત સ્વરે કહ્યું, “પછવાડેની ગાદીનો મણકો ખસી ગયો હશે. ઝટ દાક્તરને બતાવો નકર ઓડનું ચોડ થૈ જાશે. તારી મામી એમાં ને એમાં ઉકલી ગઈ.”
“તનસુખને નાનપણમાં સાએટીકા હતું.” ડાહીફોઈ ઘરે ખબર કાઢવા દોડતા આવેલા. તેઓ તનસુખલાલનો પાછલો ભવ્ય ઈતિહાસ સંભળાવે તે પહેલાં ત્રસ્ત તનસુખલાલે મોટેથી નસકોરાં સંભળાવ્યા. “બયડે સરસવનું તેલ સહેજ કકડાવીને પછી ચોપડજે રમા.” કહી ડાહીફોઈ પોતાની ફોઈબા તરીકેની ફરજ બજાવી ડાહ્યાડમરા થઈ સ્વગૃહે રવાના થયા.
ચોથે દિવસે પણ રમાએ કરેલાં ડઝનેક ઉપાયો કારગત ન નીવડતાં, એટલે છેવટે ડોક્ટર શ્રી. નીરસભાઈ બાટલીવાલાને ત્યાં જવું જ પડ્યું. આમ તો ડોક્ટરનું નામ રોસેશ હતું પણ કોણ જાણે કેમ એઓશ્રી નીરસભાઈ તરીકે વધુ ફેમસ હતા.
ડોક્ટર પાસે સહકુટુંબ પહોંચેલા તનસુખલાલ હજુ કંઈ બોલે તે પહેલાં, “બદામ પીસ્તા કેસરવારો સીખંડ ઢોળાઈ ગયો બોલો! એની મંઈ કાચની ઝીણીઝીણી કરચો પેસી ગૈ ઈ કેમની નીકરે?” રમાનું એ વાક્ય સાંભળી ડોક્ટરના સતત ખવાતા બગાસા પર બ્રેક લાગી.
શ્રીખંડનું નામ સાંભળી તેમના કાન ગળ્યા ગળ્યા થઈ ગયા. એમને એમ કે તગડી ફી સાથે તગડો ડ્રાયફ્રુટ શ્રીખંડ પણ આવવાનો હશે. શું બોલવું તે એમને ન સમજાયું. કડવી દવાઓ લખી આપતા ડોક્ટરને પોતાને સ્વીટ ટુથ હતું એટલે કે ગળ્યું ખૂબ ભાવતું.
તનસુખલાલને સહકુટુંબ પધારેલા જોઈ ડોક્ટરે ચશ્મા પાછળની આંખો ઝીણી કરી મુદ્દાનો સવાલ કર્યો, “પેશન્ટ કોણ છે?”
તનસુખલાલનું માંદલું “હુંઊંઊંઊં.” સાંભળ્યા પછી, “બોલો. શું થયું છે?” પોતાના નામ જેવો જ નીરસ સવાલ દિવસમાં ત્રીસ વાર રટતા ડોક્ટરે આંખો ચોળતાં પૂછ્યો.
“આહહહ… લપસી ગયો હતો. ઊંહહહ…” વાક્યાલાપમાં ઊંહકારાનો તાલ આપતા તનસુખલાલ બેસુરું ગીત ગણગણતા હોય તેવા દબાયેલા સાદે બોલ્યા.
“કેમ કરતા?” ઈલાજ કરતાં પહેલાં ડોક્ટરે ડોક્ટરધર્મ અનુસાર રોગનું મૂળ જાણવાની કોશિશ કરી. પછી ભલે ને એ ન પકડાય.
“મારા ઈને તો જ્યાં ને ત્યાં લપહવાની ટેવ સે. પેલ્લા મારું વજન માપી દ્યોને તો મારે હું ખાવું ને હું નૈ ઈ ખબર પડે.” રમાએ તનસુખલાલના ગાયનમાં પલટો આણ્યો. તેને એમ કે એય ડોક્ટરના દવાખાને ધક્કો ખાવાનો લાભ લઈ લે. કદાચ ડૉક્ટરની ફીમાં ‘એક પર એક ફ્રી’ની સ્કીમ હોય!
“એક ટીંપુંય ઓછું થયું નથ. ગયે વખતે હેંશી હતું ને મારું સિત્તેર એટલે હું તારાથી આઘો રવ છું. મારા માથે પડી છો તે હવે ઉપર ન પડતી. આમેય તારાથી દબાઈને રહું છું. બતાવવા મને આઈવા તે જરા વાર તું મૂંગી રે તો હું કાંઈ બોલું. હા તો શાયેબ, કહો હું સું બોલું?” તનસુખલાલ પીડાથી કરાંજતા બોલ્યા. અચાનક તેમનો સ્વર આલાપ કરતો અટક્યો તે સાંભળી ડોક્ટરને ધક્કો લાગ્યો.
“લે, એક મીલીટ લાગે વજન જોતા તે તમને નો ગઈમું? મારી તો તમને કદર જ નથીઈઈઈ.” કહી રમાએ ઠૂઠવો મૂક્યો પછી સાડીના છેડાથી નાક નસીક્યું.
બંનેનું વાક્-યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી બગાસાં ખાતા ડોક્ટરે એક ખતરનાક ઝોકું ખાઈ લીધું. પછી ઝબકીને જાગૃત થયેલા ડોક્ટર પેશન્ટને ચોફેરથી તપાસવા ઊભા થયા, “કપડા કાઢી અંદર પાટિયા પર ઊંધી જાઓ.”
“એટલે પેલ્લાં કાઢું કે પેલ્લાં ઊંધું?” તનસુખલાલનો એ સવાલ ડોક્ટર સમજ્યા નહીં.
“જેમ કીધું તેમ કરો.”
“પસ્સી આ બકુડીનેય સરદીની દવા આલી દેજો. બાકી ઉકાળો, નાઝ, બોમ, સૂંઠ હરદરવારું પોણી, હંધુંય કરી ઝોયું. આમનેય પલાસટર, લેપ, પછવાડે ચોળી ચોળીને મલમ ઘઈસુ પણ ફેર નો પઈડો સાય્યેબ.” બીચારી રમા બોલતી હતી પરંતુ એ સાંભળવાથી બચી ગયેલા ડોક્ટરના કાનમાં હાજર તે હથિયાર સમું સ્ટેથોસ્કોપ ભરાવેલું હતું.
રમા ઊવાચ: “મું એમને દરરોજ્જે સફરજન અડકાડું સું કેમકે ઓલું કીયે સે ને કે એક એપલ અ ડે ઈ કીપ દાકતર હવે.” બકુડીને ભણાવતી વખતે રમાએ બરોબર વાંચેલું તે શાણપણ તેણે ડોક્ટર સમક્ષ પ્રકાશ્યું, “તોય તમારી પાંહે આવવું પઈડુ.”
ડોક્ટરે તનસુખલાલની છાતી પરથી ભૂંગળું હટાવી નકારમાં ડોકું હલાવતાં મોટેથી “હેં?” પૂછ્યું. ત્યારે મોબાઈલમાં ગેમ રમી રહેલો રમાનો સુપુત્ર-રત્ન ચીંટુ જોરથી બોલ્યો, “આઉટ.”
એ સાંભળી રમાએ બહાર સુધી સંભળાય તેમ ફરી વાર મોટેથી ઠૂઠવો મૂક્યો. “હેં?” કહી સાડીના છેડાથી જોરથી નાક નસીક્યું. “મારા ઈ આમ હાવ આઉટ? હવે મારું સું થાસે?”
રમાનું આક્રંદ સાંભળી નવાસવા ડોક્ટરના દવાખાનામાં બહાર પોતાના વારાની રાહ જોઈ બેઠેલા માંડ માંડ જૂના થયેલા ચાર પાંચ પેશન્ટો આઉટ થઈ ગયા એટલે કે એવા ઉચાળા ભરી ગયા કે કોઈની નજરે ચઢવા ન પામ્યા. રાજુભાઈ ઉર્ફ નારાજભાઈ કંપાઉન્ડરે અંદર ધસી જઈ ચીંટુને એક ધોલ મારી દીધી, ”માંડ આઈવા’તા ઈ ભાગી ગ્યા. હવે મારા પગારનું શું થશે?”
“ઓ બા…” કહી ચીંટુએ ભેંકડો તાણ્યો. તેને લઈ રમા કંપાઉન્ડર સામે ભવાં તાણી બાંયો ચડાવતી બહાર નીકળી.
“ડોક્ટર શાયેબ, આમ તો રોજ્જે ટીવી હામ્મે યોગ, કસરત કરું છું. તેમાં જ્યારે રમાનો ઘાંટો સંભળાય કે હાલો ચા ઠંડી થાય છે બીજી વાર ગરમ નૈ કરું ત્યારે શીર્ષાસન ઊંધું થઈ જાય અને પ્રાણાયામમાં યમ દેખાય. બાકી તબિયતનું બવ ધ્યાન રાખું છું હોં શાયેબ; પણ આ સાલું ન થાવાનું થૈ ગ્યું. રમાડી મારી પર જાતજાતના અખતરા કરે છે. તેલ કકડાવીને બયડે ચોપડાય?” પૂછતા તનસુખલાલને તનમાં સુખની ઊણપ વરતાઈ. એમનું તન અને સુખ અને લાલ બધુંય છૂટું પડી ગયું.
“તમારા બ્લડમાં તેલની નહીં, વિટામિનની ઊણપ છે. હું લખી આપું તે બધા ટેસ્ટ કરાવી લાવો. એક્સ-રે પાડવા પડશે. ત્યાં સુધી આ લખું છું તે બધી દવાઓ ચાલુ કરી દો. ટેસ્ટમાં કાંઈ ન નીકળે તો એમ.આર.આઈ. કરવું પડશે. કમરનો મણકો કદાચ ખસી ગયો હશે તો સર્જરી કરવી પડે તેવી તૈયારી રાખજો. કદાચ માઈનર ક્રેક હોઈ શકે.” ડો.નીરસભાઈ બાટલીવાલાએ રસપૂર્વક કહ્યું. તેમને પોતાને મળતા મેજર કટમાં વિશેષ રસ હતો.
“ખરચો?” તરડાયેલા તનસુખલાલના ક્રેક થયેલા ગળામાંથી એક જ માઈનર શબ્દ નીકળી શક્યો તે સાંભળી આખું વાક્ય સમજી ગયા હોય તેમ ડોક્ટર બોલ્યા, “બહુ બહુ તો દોઢ-બે લાખ.”
“હેં?” કહી તનસુખલાલે લપસી ન પડાય માટે ખુરશીનો હાથો પકડી લીધો. અચાનક તેમના ગળામાંથી “ઓહ… આહ…ઊંહ…આઉચ…” જેવા વિચિત્ર અવાજો સમૂહમાં બહાર ફેંકવા માંડ્યા.
“મારાથી જાતે ન્હાઈ શકાય? ખોરાકમાં સું લેવાય? મારાથી શીખંડ ખવાય? રાત્રે સીધા સપાટ સૂવાનું કે આડા થઈને? આ તમે લખી એ ગોળીઓ ક્યાં સુધી લેવાની?”
પૂછવાનું કંઈ બાકી ન રહી જાય તેમ ગળગળા સાદે એક છેલ્લો સવાલ પૂછી, ડોક્ટર નવડાવી નાખે અને ફરી લપસી પડાય તે પહેલાં તેમને તપાસવાની ફી ચૂકવી દઈ બહાર રાજુ કંપાઉન્ડર એટલે કે નારાજભાઈ સાથે ઝગડી રહેલી રમાને રીતસર ખેંચીને તેઓ દવાખાનાના ઝાંપા બહાર ચાલવા માંડ્યા.
તેવામાં જ કોઈ પેશન્ટે કેળું ખાઈને ફેંકેલી છાલ પર તેમનો પગ પડ્યો અને તનસુખલાલનું તન ત્યાં ધબ્બ કરતાં લપસ્યું.
“હાય હાય પાછા લપસી પડ્યા? લે તમે જ્યાં ને ત્યાં લપસી પડો.” હાયકારા કાઢતી રમાએ ગગનભેદી નાદ સુણાવ્યો.
અચાનક બેઠા થઈ, ટટ્ટાર ઊભા થઈ ગયેલા તનસુખલાલ બોલ્યા, “અરે! મારી કમરનો ખસી ગયેલો મણકો પાછો યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયો લાગે છે. હાલ ઘરભેગા થઈ જાઈંયે. હંધુંય બરોબર છે. એકેય ઉપચારની જરુર નથી. દોઢ લાખ બચ્યા. રમા, આજે તો હું તને શીખંડ ખવડાવું, હાલ.”
“હવે આ ચીંટુડાનો હાથ ઝાલી રાખો તો પાછા પડી નો જાવ.” રમા બોલી. મોબાઈલમાં ક્રિકેટનો સ્કોર જોતા ચીંટુએ ચિત્કાર કર્યો, “સિક્સર”
“એલા એય, મણકો તો ગયો. કાનનો પડદો સલામત રહેવા દે.”
“મને હમના ને હમના સીખંડ ખાવો છે.” પગ પછાડીને બોલતી બુકુડીને એવી જોરથી છીંક આવી કે તેના મોઢામાંથી ઊડીને રસ્તા પર પડેલા શરદીના ગળફામાં તનસુખલાલનો પગ પડતો માંડ માંડ બચ્યો.
“પાછા લપસી નો પડતા ભઈશા’બ.” તનસુખલાલના અદ્ધર રહી ગયેલા એક પગને જોઈ રમા તાડુકી.
એવામાં બાજુમાંથી એક સુંદર લલના મીઠું મધુર હાસ્ય વેરતી પસાર થઈ ગઈ. અપલક નેત્રે તેના કમનીય વળાંકો નીરખી રહેલા તનસુખલાલ સહેજ વાંકા વળ્યા અને સંતુલન ગુમાવી બેઠા. અને પછી પાછા… ધબ્બાક!
‘તે લે તમે ફરીથીને પાછા લપસી પૈડા? હરખુ આમ હામ્મુ દેખીને ચાલતાંય જોર પડે છઅ? હાલો ઘેરે, એવો ઈલાજ કરી દંવ કે આમ હોટીની માફક હીધ્ધા દોર થઈ જાસો.” રમાએ ઘાંટો પાડ્યો.
પછી વર બૈરી વચ્ચે મંડાયેલ મહાભારતની રામાયણ સમજી જાવને; હવે આ નવી મોકાણનું લપસિંદર કાં કરવું?
~ સુષમા શેઠ