ચાર ગઝલ ~ જૈમિન ઠક્કર ‘પથિક’, વડોદરા
કવિ જૈમિન ઠક્કર 'પથિક' વડોદરામાં રહે છે. તેમનાં બે ગઝલસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે - 1. ચાલને રોકાઈએ, 2. હવાનો પર્યાય. તેમણે અન્ય કવિઓ સાથે મળીને સંંયુક્ત કાવ્યસંગ્રહો પણ આપ્યા છે, જેમ કે- વડોદરાની કાવ્યસંપદા','શબ્દશ્રી','પરિયાણ'. તેમની ગઝલો સાહિત્યના પ્રતિષ્ઠિત સામયિકો ધબક, અખંડ આનંદ, શબ્દસર, ઓળખ વગેરેમાં પ્રકાશિત થઈ ચૂકી છે. સરળતા તેમની ગઝલનો પ્રાણ છે. વાચકને સાદી ભાષામાં વાત કરીને ખબર પણ ન પડે તેમ ગંભીર વાત મૂકી દે છે. આજે તેમની ચાર ગઝલો માણીએ. ~ અનિલ ચાવડા
ગઝલ-1
આપણું મન આપણાથી જ્યારે પણ પર થાય છે;
કોણ જાણે જીવનું શેમાં રૂપાંતર થાય છે!
શ્વાસની સામે તમે ઉચ્છવાસ તો આપો છોને!
કોઈ પણ વ્યવહાર દુનિયામાં પરસ્પર થાય છે.
સહેજ મહેનતનો પસીનો પાડીને થાઓ સફળ;
એ પછી જીવન તો આપોઆપ અત્તર થાય છે.
આપ મોટા છો?, અહમ્ એનો ન કરશો સહેજ પણ;
જો સરિતા ખુદને ત્યાગે તો સમંદર થાય છે.
આયનાને ક્રોધથી તોડી જુઓ, પડશે ખબર;
એ જ ટુકડામાં સ્વયંના બિંબ સત્તર થાય છે.
શોધવાથી ના મળે કોઈ નિવારણ ને પછી;
એમ બનતું હોય છે, ખુદ ‘પ્રશ્ન’‘ઉત્તર’ થાય છે.
કોઈની પણ લાગણી સાથે રમત રમશો ‘પથિક’;
થાય છે, કોમળ હૃદય પણ ત્યારે પથ્થર થાય છે.
ગઝલ-2
કોણે કીધું, મકાન બદલ્યું છે!
એ જ ઘરમાં મેં સ્થાન બદલ્યું છે.
જ્યારે જ્યારે કમાન બદલી મેં;
સૌને લાગ્યું, નિશાન બદલ્યું છે!
મારી કાબેલિયત નિહાળીને;
ભાગ્યએ પણ વિધાન બદલ્યું છે.
મોભ ઘરનો રહ્યો નહીં એથી;
દ્વારે પણ માનપાન બદલ્યું છે!
જોઈ આબોહવાનાં વર્તનને;
નાવિકે જો સુકાન બદલ્યું છે!
મોંઘવારી વધી ‘પથિક’ એવી;
સ્વપ્નએ આસમાન બદલ્યું છે.
ગઝલ-3
આંખોમાં સપનાંઓ વાવી દઉં તો કેવું!
એ રીતે દિલને બહેલાવી દઉં તો કેવું!
દર્પણ સામે જાત સહજ રાખીને આજે;
ખુદ સાથે ખુદને સરખાવી દઉં તો કેવું!
‘રસ્તો આ નહિ પણ એ છે’ એવું કહી કહીને;
ઇચ્છાઓને પણ હંફાવી દઉં તો કેવું!
મહેનત કરશો તો સાથ નસીબનો પણ મળશે;
આવું ખુદને હું સમજાવી દઉં તો કેવું!
જીવન પર ચર્ચાઓ થાય જરા એ પહેલાં;
નિર્ણય મારો હું સંભળાવી દઉં તો કેવું!
મોટી મોટી વાતો કરવાવાળાંને તો;
દર્શન દુનિયાનાં જ કરાવી દઉં તો કેવું!
કોઈ હરીફ મારો છે તો એ કેવળ હું છું;
એ મોડ ‘પથિક’, ખુદનો લાવી દઉં તો કેવું!
ગઝલ-4
રૂપ તારું, રંગ તારો, વાત બસ તારી હતી;
આજની બેઠક એ કારણ સાવ અલગારી હતી.
હું મને ગમતાં ગગનને જોઈ લેતો’તો કદી;
એવી પણ ક્યારેક મારી પાસે એક બારી હતી!
કેટલા આવ્યા વળાંકો ને મને ક્યાં લઈ ગયા,
તારાં ફળિયાની ગલી મેં તો સીધી ધારી હતી.
એને મારી સરભરા ઓછી પડી, લાગ્યું મને;
મેં નહીંતર દિલ દઈને સાંજ શણગારી હતી.
જેમ જીવાડ્યો મને તેં, એમ હું જીવ્યો છતાં;
જિંદગીને મેં ય મારી રીતે કંડારી હતી!
આમ તો સારું થયું કે તું સમય પર આવી ગઈ;
સૂર્ય ઊગ્યો, સ્વપ્ન તૂટવાની જ તૈયારી હતી.
સાંભળીને ખુશ થયુંને દિલ તમારું, ઓ ‘પથિક’;
વારતા નહોતી એ, કિંતુ જિંદગી મારી હતી.
~ જૈમિન ઠક્કર ‘પથિક’
