રંગછાંટણાના તહેવારમાં ફક્ત બહારના નહીં, અંદરના રંગોને પણ ઊજવો ~ લેખ ~ અનિલ ચાવડા

ધુળેટીના રંગો આપણને યાદ અપાવે છે કે જીવન એક કેન્વાસ છે. રોજિંદો રઝળપાટ, સમયની ઊડતી ધૂળ, મનમાં જમા થયેલી નારાજગીઓ, અણગમતી ઘટનાઓ, છૂપા વસવસાઓ — આ બધું જ રંગીન જિંદગી પર કસ્તરની જેમ ઊડીને આવ્યા કરે છે, જિંદગીને ઝાંખી કર્યા કરે છે. આપણા મનના મુંઝારાઓ પોતાનું બેરંગપણું ઢોળીને જિંદગીને રંગ વિનાની બનાવવા મથ્યા કરે છે. ધુળેટી આપણને એ રંગો અને ઉમંગો પાછા આપવાનું કામ કરે છે.

રંગના છાંટણા માત્ર એક તહેવાર નથી, કોઈના કપડાં કે મોઢું ખરાબ કરવાની તક પણ નથી. રંગો તો એક અભિવ્યક્તિનો અવસર છે. જ્યારે આપણા ગાલ પર ગુલાલ લગાવાય, ત્યારે ત્યાં ફક્ત રંગ નથી લાગતો, સંવેદન લાગે છે. એક વ્યવહારની આપલે થાય છે. જે શબ્દો ન કરી શકે એવો સંવાદ સધાય છે. આ મૌન સંવાદનો પણ એક રંગ હોય છે, જે રંગાયા હોય તે જાણે!

રંગોમાં એક અજાણી ભાષા હોય છે. લાલ રંગ કહે છે, હું જીવંત છું, ઉર્જાસભર છું. પીળો કહે છે, હું આશા છું, ઉષ્મા છું. લીલો કહે છે, હું હરિયાળી છું, નવી શરૂઆત છું, વૃદ્ધિ છું. વાદળી કહે છે, હું શાંતિ છું, આકાશનું ઊંડાણ છું. ગુલાબી કહે છે, હું મમતા છું, નિર્મળ પ્રેમ છું. અને જ્યારે આ બધાં રંગો એકબીજામાં ભળી જાય છે, ત્યારે એક અદભુત સમન્વય સર્જાય છે — જેમ જીવનના વિવિધ અનુભવો ભળીને આપણું વ્યક્તિત્વ ઘડે છે. આ રંગછાંટણાના તહેવારમાં ફક્ત બહારના નહીં, અંદરના રંગોને પણ ઊજવો. મનના ધૂળિયા ખૂણાઓમાં આશાભર્યો પીળો પ્રકાશ કરો. અંધકારમાં ડૂબેલા આયખાને ખુલ્લા આકાશનો વાદળી રંગ આપો. કોઈકના સૂકાઈ ગયેલા એકલવાયા દિવસો પર તમારી હાજરીની હરિયાળી રેડી તેને લીલાછમ કરી દો. કરમાઈને કાળા પડી ગયેલા સંબંધો પર ગુલાબી સ્નેહ છાંટો. 

ધુળેટી એ સમાનતાનો ઉત્સવ પણ છે. આ દિવસે ગરીબ-ધનિક, નાના-મોટા, જુદી જાત-ધર્મ… આ બધાં ભેદ જાણે થોડા સમય માટે ઓગળી જાય છે. રંગો ચહેરા પર પડે ત્યારે ઓળખાણ ધૂંધળી બની જાય છે. કઈ વ્યક્તિ કોણ છે એ મહત્વનું નથી રહેતું; બધાં એક રંગમાં ભળી જાય છે. આ એક દિવસનો સમાનતાનો અનુભવ આપણને શીખવે છે કે મૂળમાં આપણે સૌ માનવી છીએ, એક જ ધરતીના સંતાન.


પ્રેમ પણ રંગ જેવો છે, અદૃશ્ય હોવા છતાં સ્પષ્ટ અનુભવાય છે. જેમ રંગની એક નાની છાંટ આખો ચહેરો નિખારી દે છે, તેમ પ્રેમનો એક નાનો સ્પર્શ આખું જીવન બદલી શકે છે. પ્રેમ ક્યારેક ગુલાલ જેવો હળવો હોય છે, પવન સાથે ઊડીને સ્મિત વેરે છે. ક્યારેક એ પાણીના રંગ જેવો હોય છે. અચાનક ભીંજવી દે, પણ એ ભીનાશમાં એક અનોખી મીઠાશ હોય છે. પ્રેમ અને રંગ બંનેનું સ્વરૂપ એકસરખું છે, એને કેદ કરી શકાય નહીં. જો તમે રંગને હાથમાં મજબૂતીથી પકડી રાખો, તો એ સરકી જાય છે. પ્રેમને પણ જો અધિકારથી જકડી રાખશો, તો એ મરી જાય છે. બંનેને સ્વતંત્ર રાખશો તો એ તમારા જીવનને અજવાળાથી ભરી દેશે.
ઘણા લોકો રંગોથી ડરે છે. કપડાં ખરાબ થઈ જશે, ચહેરો બગડી જશે. પણ જીવનમાં જે ખરાબ થવાનો ડર રાખે છે, એ ક્યારેય સાચો આનંદ માણી શકતો નથી. રંગો આપણને શીખવે છે કે થોડું ગંદુ થવું પણ જરૂરી છે. થોડું બેકાબૂ થવું, થોડું નિર્દોષ થવું, થોડું બાળક બનવું. જીવન ક્યારેય એકરંગી નથી. ક્યારેક ખુશીનો લાલ, ક્યારેક દુઃખનો કાળો, ક્યારેક આશાનો લીલો, ક્યારેક નિરાશાનો ધૂળિયો. આ બધું ભળીને જ જીવનની પૂરી છબી બને છે. જો જીવનમાં ફક્ત સફેદ રંગ જ હોય, તો એ નિર્જીવ લાગે. જો ફક્ત કાળો જ હોય, તો એ પણ નિરાશાજનક લાગે. બધા રંગોનો સમન્વય એ જ જીવન છે.

– અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.