મોક્ષ ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ પ્રતિભા રાય ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની
એક જ છત નીચે, એક પુરુષ અને એક સ્ત્રી સુખ- દુખ, ભૂખ – ગરીબીના ભાગીદાર બની ચાળીસ ચાળીસ વરસ સાથે રહ્યા. સ્પર્શ કરવાની વાત તો જવા દો, એક બીજાનું મોં પણ જોયું નથી કે એક બીજા જોડે બોલ્યા નથી.
નુરી દાસે સુશીનું મોં પહેલી વાર પિસ્તાળીસ વરસે સ્મશાનમાં ચિતા પર જોયું. તેમના એકના એક કુલાંગાર દીકરા ‘સતિયા’ એ (જે જુઠ્ઠો તરીકે પ્રખ્યાત ) સુશીને અગ્નિદાહ આપ્યો.
નુરીદાસને સુશીનું મોં સાવ ઝાંખું દેખાયું. કારણ કે તેમને હવે અડસઠ થયા. આંખે ઝાંખપ વળી છે. અઠાવન વરસની સુશીના મોં પર બપોરના તડકાની રેખા પડેલી હતી, સતિયાએ મુખાગ્નિ આપવા સળગતું લાકડું પણ ધરેલું હતું, તો પણ પિસ્તાળીસ વરસ પહેલા એનું મોં કેવું દેખાતું હશે, તેની કલ્પના તેઓ કરી શક્યા નહીં. સમાજની પ્રથા પ્રમાણે તે એનું મરેલું મોં પણ જોઈ ના શકે.
અગ્નિદાહ કર્યા પછી ઘેર આવીને એમને ખૂબ એકલું લાગ્યું. ઘર જાણે ખાવા દોડતું હોય એમ એ આંગણામાં જઈ શક્યા નહીં, જ્યાં પિસ્તાળીસ વરસથી સુશીને હરતી- ફરતી જોતા હતાં. જે વરંડામાં સુશીના હાથ બે ટંક જમવાનું પીરસતા હતા, એ ઓટલા પર બેસી શક્યા નહીં. થાકીને પાછળની વાડીમાં કલમી આંબા નીચે જઈ બેઠા. એમને થયું કે સુશી જોડે એવો કયો સંબંધ હતો કે એ મરી ગઈ પછી ઘર ખાવા દોડે છે ?
સુશીના પગ જુવે કે તરત નુરીદાસ બીજી બાજુ જતા રહેતા એના ભાતની ( ઓરિસ્સામાં મુખ્ય ખોરાક ભાત છે ) થાળીવાળા હાથ લંબાય, ત્યારે તેઓ સંકોચાઈ જતા. નુરીદાસ ઊંધા ફરીને વાત કરતાં, ત્યારે એ કામ કરતાં કરતાં જવાબ આપતી. ક્યારે શું જોઈએ છે, એ એને ખબર, એટલે એમને કંઈ કહેવાની જરૂર પડતી નહીં. તે વખતોવખત એમને જોઈતી વસ્તુ બધી ધરી દેતી. સવારે ગોળવાળી લાલ ચા, સેકેલા પોંઆ, પછી ચાર પાન. એ પછી નુરીદાસ વાડીમાં જતા. એ પહેલાં એ કોદાળી, પાવડો, ખુરપી, દાતરડું, ડોલ વગેરે જે જે વસ્તુની જરૂર હોય તે પોતાની સમજ પ્રમાણે વાડીમાં મૂકી દેતી. વાડીમાં કામ કરતાં કરતાં સુશીનો શાકના વઘારનો અવાજ કાને પડે એટલે હવે સૂરજ માથે આવ્યો અને નાવાની વેળા થઈ એવું તે સમજી જાય.
વાડીમાંથી ઘરમાં આવે કે તેલની બાટલી તૈયાર હોય. શરીરે તેલ લગાવી વાડીમાં આવેલી પોખરમાં (નાનું તળાવ) ડૂબકી મારી આવે. પછી બારણાં પાસેના ઓટલા પર આસન અને પૂજાની કોથળી તૈયાર હોય. નુરીદાસ પદ્માસનમાં બેસી, કપાળે ટીલાં-ટપકાં કરે. બાજુઓ પર અને છાતી પર તિલકની લીટી તાણે. પછી પૂજા પાઠ શરુ કરે. જપ, તપ, પ્રણામ કરે. પ્રણામ કરી માથું ઊંચું કરે ત્યાં જમવાની થાળી તૈયાર હોય. ડાહ્યા છોકરાની જેમ ખાવા બેસે. મીઠું ઓછું-વધારે, તીખું, મોળું, સ્વાદવાળું કે સ્વાદ વગરનું, જે હોય તે ખાઈ લે. સુશી પણ પૂછે નહીં, ભાવ્યું કે નહીં ? પણ નુરીદાસ બીજી વાર ભાત લે એટલે એ સમજી જાય કે એમને ભાવ્યું છે.

સુશી નુરીદાસ માટે ખુબ ધ્યાનથી રાંધે. બિચારા સંજોગોને આધીન, મોંએ થી એક શબ્દ બોલતા નથી, નહીંતર એમને પણ ભૂખ લગતી હશે, ગુસ્સો આવતો હશે, ક્યારેક માથે પિત્ત ચઢી જતું હશે, પણ પુરુષ માણસ થઈને કેટલો સયમથી વર્તે છે, એ એકલી સુશી જાણે.
નુરીદાસ ભલેને સુશીનું મોં જોઈ ના શકે, પણ એણે તો લાજમાંથી એમનું મોં જોયું હશે. યુવાન હતા ત્યારે જેવા હતા, અત્યારે પણ એવા જ છે. ખાલી ત્યારે યુવાન હતા, હવે ઘરડા થયા છે. થોડા વાંકા વળી ગયા છે. પણ મહેનતુ એટલે ખડતલ ખરા, ભલેને ગરીબ રહ્યા.
ખેતી નથી એટલે ધાન વેચાતું લાવવું પડે. મિલકતમાં ખાલી એક વાડી.
એમાં બે ત્રણ આંબા, સરગવો, કેળ અને ફણસનું ઝાડ, ઋતુ પ્રમાણે શાકભાજી વાવી, હાટમાં વેચી ઘર ચલાવે. કેરી ગાળામાં આવક સારી થાય. આંબાની જાત સારી એટલે એમના આંબાની કેરીની હાટમાં ખુબ માંગ. એટલે બધી વેચાઈ જાય.
એકલી વાડી પર ત્રણ પ્રાણી નભે. વાડીમાં નાની એવી પોખર. એમાં નહાવા ધોવાનું થાય. તેનું પાણી વાડીની સિંચાઈમાં કામ લાગે. ઉનાળામાં પોખર સુકાઈ જાય ત્યારે ચૂઓ ખોદી કામ ચલાવે. નુરીદાસની પોખરમાં માછલી ખુબ, પણ એમના માટે નક્કામી. પોતે વૈષ્ણવ એટલે માંસ-માછલી ખાય નહીં. અડોસપડોસવાળાને માછલી પકડવા દે પણ વાડીમાંથી એક મરચી તોડવા દે નહીં.
ઉનાળો એમના માટે આકરો. વાડીમાં શાકભાજી થાય નહીં એટલે શું વેચીને ચોખા લાવે ?
એમની આવકનું બીજું એક સાધન પણ ખરું. પહેલા એ શોખ હતો. પણ પછી ત્રણ ત્રણ પેટનું પૂરું કરવા એમણે એ ધંધા તરીકે અપનાવ્યો. આવક પણ સાવ ઓછી નહીં, ચાલી જાય. એ ક્રિયાકાંડ, અને મૃદંગ વગાડી ભજનકીર્ત્તન કરી ઉનાળાના ચાર મહિના કાઢી નાખે. કીર્તન કરીને તેઓ ચોખા, પાકા કેળા, નાળિયર, ઉખુડા (ડાંગરની ધાણીના લાડુ ), પૌંઆ, મીઠાઈ, પૈસા, કપડાં, ગમછો વગરે લાવે.

નુરીદાસને કીર્તન કરવું ખુબ ગમે. રોજ સાંજે વરંડામાં બેસી જમવાનું થાય ત્યાં સુધી ધીમા સ્વરે ટુન ટુન મૃદંગ વગાડે. ક્યારેક ક્યારેક અડધી રાતે પણ એમના ઘર બાજુથી મૃદંગનો અવાજ સંભળાય. અડધી રાતે ભૂખા પેટે મૃદંગ જોર જોરથી ટુન ટુન વગાડે. તે પેટની ભૂખ ભોજન અને મનની ભૂખ ભજન મારે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે…હરે રામ હરે રામ, રામ રામ હરે હરે…
સુશી આખો દિવસ કામમાં રચીપચી રહે. છાણ વાસીદું કરે, છાણા થાપે, ઘરમાં લીંપણ કરે, ઘર અને વાડી વાળે-ઝૂડે, બળતણ વીણે, વાસણ ઘસે..બધું ખાલી પેટની ભૂખ માટે નહીં, મનની ભૂખ તેના પગ તળે માટી ગોબર સાથે અને ગુંદાઈ જાય, બળતણ જોડે ચુલ્લામાં બળી રાખ થઈ જાય.
યુવાનીમાં સુશી સુંદર હતી. તેનું મોં નુરીદાસે કદી જોયું નહીં. ખાલી પીરસતી વખતે ક્યારેક તેના ત્રોફાવેલા બે હાથ નજરે ચડે. લાજના ઘૂમટામાંથી ચૂંક પહેરેલું નાકનું ટેરવું દેખાય. આટલા વખતમાં નુરીદાસ ઘરમાં હોય ત્યારે એના માથેથી લૂગડું ખસતા કોઈએ કદી જોયું નથી અને ખસ્યું હોય તો પણ નુરીદાસની નજર લપસી હોવાનું કોઈએ જોયું નથી. બન્ને એક બીજાથી ચઢે એવાં સયંત, સમાજના નીતિનિયમ અને મૂલ્યબોધને જકડી રાખનારા તપસ્વી જોઈ લો.
સુશીથી બે વરસ નાનીબહેન, શશી, દીકરાને જન્મ આપી પિયરમાં જ ગુજરી ગઈ. એ અહીં પિયરમાં જ રહેતી. તેનો પતિ નુરીદાસ ઘર જમાઈ હતો. નુરીદાસ પોતે પાંચ ભાઈઓ હતા. એટલે તેના નિઃસંતાન મામાએ તેને ખોળે લીધો. એ પછી મામીને ત્રણ દીકરા થયા. એટલે ઘરમાં એમનું માન રહ્યું નહીં. હવે નુરીદાસ યુવાન થયા. આ બાજુ બાપા મરી ગયા પછી ચાર ભાઈઓ સંપતિ વહેંચી જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતા. હવે કયા મોઢે પોતે પાછા જઈ ભાઈઓ પાસે ભાગ માંગે. પોતાને પણ માન-સ્વમાન હોય કે નહીં ?
ત્યારે સુશીના બાપા, નાની દીકરી શશી માટે ઘર જમાઈ શોધતા હતા. સુશી ત્યારે બાળવિધવા બની ઘેર હતી. શશીને દીકરો થશે, તો નાનાનું પિંડ દાન કરશે, કુળનું નામ રહેશે, એવી આશા. નુરીદાસ ઘર જમાઈ બની સાસરે આવ્યા. મામાને તો આટલું જ જોઈતું હતું. નહિતર પોતાના દીકરાઓની મિલકતમાં ભાગ પડાવત.
શશી સુવાવડમાં મરી ગઈ, ત્યાં સુધી બધું બરાબર હતું. દોહિત્રાનું મોં જોઈ નાના પણ ગુજરી ગયા. સુશીમાસીએ નાના, બાળ સતિયાને પાંખમાં લીધો. હવે ઘરમાં ત્રણ જણા રહ્યા, ઓગણત્રીસ વરસના નુરીદાસ, મા વિનાનો દીકરો સતિયો ને અઢાર વરસની બાળવિધવા સુશી.
નુરીદાસ જો ઘર જમાઈ ન હોત, અને સુશી એમની પાટલાસાસુ (મોટી સાળી) ન હોત અને નાની સાળી હોત તો, એમણે બીજા લગન કર્યા હોત. સુશી તો શશી કરતાં માત્ર બે વરસ જ મોટી અને નુરીદાસથી અગિયાર વરસ નાની હતી, તોયે પાટલાસાસુ અને નાનીબહેનના વરનો સબંધ ખૂબ પવિત્ર ગણાય, આથી બેઉ કદી એ લક્ષ્મણરેખા ઓળંગતા નહિ.
નાનીબહેન શશીના મરી ગયા પછી સુશીએ બાજુવાળા કાકી જોડે જમાઈ નુરીદાસને કહેવડાવ્યું કે; “જમાઈની જો ઈચ્છા હોય તો પોતાના ઘરે પાછા જઈ લગન કરે, ઘર માંડે. પણ સતિયો અહીં માસી પાસે રહેશે. સાવકી મા નો પડછાયો એના પર નહીં પડવા દઉં. નુરીદાસ અહીં એને મળવા ગમે ત્યારે આવી શકે છે. પણ અહીંથી લઈ જવાનું નામ ભૂલેચૂકે પણ ન લે.”
શશીની યાદ ગળે વળગાડી બાકીની જીંદગી બ્રહ્મચર્ય પાળવાની નુરીદાસને જરી પણ ઈચ્છા ન હતી. પણ પરિસ્થિતિ એવી હતી કે તે ન આ ઘાટના કે ન પેલા ઘાટના. મામાના ઘરે પાછો કેવી રીતે જાય ? પોતાનું માન સન્માન પાછું યાદ આવી ગયું. એ સિવાય સુશી પાટલાસાસુ ખરી, પણ તેમના કરતાં અગિયાર વરસ નાની, વળી બાળ વિધવા; સતિયો પણ સાવ નાનો. બંન્નેને નોધારા છોડી, બીજું ઘર માંડવા જવું એ ઠીક નહીં.
નુરીદાસે પણ કહેવડાવી દીધું, “સસરાની મિલકતનો મને લોભ નથી, પણ દીકરાનો લોભ ખરો. ખબરદાર બીજા લગનનું કોઈએ નામ લીધું છે તો.“
તે દિવસે સાંજે નુરીદાસે ભીંત પરની ખીલીમાંથી મૃદંગ કાઢ્યું. સસરાને ત્યાં આવ્યા, ત્યારે સાથે આ મૃદંગ એકલું લાવ્યા હતા. મામાને ત્યાં હતા, ત્યારે એમની જોડે મઠમાં જઈ કીર્તન કરતા. અહીં આવ્યાને બે વરસ થયા, એક પણ વાર મૃદંગને હાથ નહોતો લગાડ્યો. અહીં આવ્યા પછી જાણે વગાડવાનું ભૂલી ગયા હતા.
સતિયાએ માને તો જોઈ નથી, પણ બધાં કહે છે માસી, મા કરતાં પણ વધારે પ્રેમ કરે છે. સતિયાને બાપા જરી પણ ગમે નહી. કારણ એ એને હંમેશા કહે, “જનમતાની સાથે માને ભરખી ગયો.” સતિયો પણ બાપને કહે, “બૈરી ખાઉ.” ખાલી સતિયો નહીં, અડોસપડોસના લોકો પણ આમ કહેતા. કારણ સોળ વરસની જુવાન છોકરી સુવાવડમાં આમ મરી જાય ? સતિયાની માના મર્યા પછી નુરીદાસના જન્માક્ષર જોઈ ઘણાં જ્યોતિષોએ કહ્યું, નુરીદાસના નસીબમાં જ બૈરીનું સુખ નથી.
એમનું ઘર અંગ્રેજોના વખતથી સ્થપાયેલી એક પ્રખ્યાત સ્કૂલને અડીને હતું. નુરીદાસને એમ કે છોકરો હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થઈ સરકારી નોકરી કરશે. પોતાની જેમ આંબા પર અને દાનમાં આવેલા ચોખા પર નહીં નભે.
પણ કોણ જાણે કેમ સતિયો ભણવાનો ચોર નીકળ્યો. ખાલી એટલું જ નહીં, બાપાની ‘હા’ તો તેની ‘ના’. બાપા જોડે જરીયે બને નહીં. દિવસો સુધી સ્કૂલે જાય નહીં, રખડ્યા કરે. માસ્તરની ફરિયાદ આવે, એટલે નુરીદાસ એના હાથ પગ બાંધી પૂરી દે. “જયાં સુધી નિયમિત સ્કૂલે નહીં જાય ત્યાં સુધી ત્યાં સુધી ખાવાનું નહીં મળે. ખબરદાર છે, કોઈએ એને છોડ્યો છે તો.”
માસીને દયા આવે. નુરીદાસ બહાર જાય એટલે ઓરડો ખોલી તેને છોડી દે. વહાલ કરી ખવડાવે. નુરીદાસ ઘેર આવે ત્યારે સતિયો ડાહ્યો ડમરો થઈ ચોપડી હાથમાં લઈ બેઠો હોય. નુરીદાસ કંઈ બોલે નહીં, એમને ખબર જ હોય, આવું થશે.
મહિનામાં દસ વાર આ નાટક થાય. સતિયો દરેક ક્લાસમાં બે ત્રણ વરસ કાઢે. સુશી આમાં છોકરાનો નહીં માસ્તરનો વાંક કાઢે. “તોફાની છોકરાને માસ્તર ન સુધારી શકે, એ કેવો માસ્તર ?”
નુરીદાસ સતિયાનો વાંક કાઢે, સુશી ઘેર બેસીને માસ્તરનો અને સતિયો વળી બાપાનો વાંક કાઢે. એનો બાપ એની માને ભરખી ગયો એવું એના મનમાં સજ્જડપણે ઘૂસી ગયું હતું. એ બાબતે એને એટલો બધો ગુસ્સો કે તે આમ પોતાનો ગુસ્સો ઉતારે. એ બરાબર ભણે તો ચોક્કસ પાસ થાય. પણ એમ કરવાથી એના બાપા ખુશ થાય. બાપાને દુઃખી કરવાનો જ એનો હેતુ હોય. એટલે એ જાણીને નાપાસ થાય. સતિયાની ચિંતામાં નુરીદાસ અને સુશીમાસીની જુવાની શી રીતે વીતી ગઈ, કોઈનેય એની ખબર ના રહી.
એક દિવસ સતર વરસનો સતિયો ઘર છોડી શહેરમાં જતો રહ્યો. નસીબ જોગે તેને ત્યાં નાનીમોટી નોકરી પણ મળી ગઈ. હવે ઘરમાં બે માણસ રહ્યા. નુરીદાસ અને સુશી. હવે સતિયાની ચિંતા રહી નહીં. ખાલી પોતાની ચિંતા. સુશી સાજી માંદી રહે. નુરીદાસ હજુ પણ ખડતલ માણસ, કોઈ રોગ નથી. બસ, ખાલી પેટની ચિંતા. કદાચ હોય તો પણ બહાર દેખાય નહીં, સંભળાય નહીં, એમના મૃદંગના અવાજમાં દબાઈ જાય. સુશીના લાજના ઘુમટામાં ઢંકાઈ જાય.
ગામમાં એમની વૈષ્ણવ શેરી, તેની બાજુમાં આવેલી ગોવાળ શેરી, ધોબી શેર, મહાંતિ શેરી – બધે જ કંઈને કંઈ ચાલતું હોય, જાતજાતની વાતો થતી હોય. દિયર- ભાભી, જેઠ- ભાઈની વહુ, સાળી – બનેવી, બાળ વિધવા કાકી અને કુટુંબી, ભત્રીજો … છી છી, રામ રામ ! વળી શેઠની નોકરાણી અને નોકર અને મહાંતિ ઘરની વહુ અને વેઠિયો, અરે અરે ! દેશ અને સમાજનું સત્યાનાશ વળી ગયું !!
શહેરના લોકો નાટક, સિનેમા થીયેટરમાંથી મનોરંજન મેળવે. ગામડામાં તો આ બધું ક્યાં મળે ? જયારે ગામડાંના લોકો હાડકાં તોડી નાખે એવી મજુરી પછી નિંદા કુથલી, પારકી પંચાતમાંથી આનંદ મેળવે. નાની અમથી વાતનો રાઈનો પહાડ કરે.
પણ નુરીદાસનું ઘર આમાંથી અપવાદ છે. સતિયો હતો ત્યારે લોકો એની વાતો કરતા, પણ એ જ્યારથી ગામ છોડી ગયો છે, પરણીને ઘર માંડીને રહ્યો છે, ત્યારથી આ ઘર ત્યજાયેલા મંદિરની જેમ સુનું છે. કોઈ આ બાજુ નજર પણ નાખતું નથી.
સંસારનો ભાર વંઢોરતા વંઢોરતા ધીમે ધીમે નુરીદાસ ઘરડા થયા, સુશી પણ ઘરડી થઈ. કીર્તન કરતાં અને વાડીમાં કાળી મજૂરી કરતાં, એમને શ્વાસનો રોગ થયો. સુશીનો સંધિવા વધતો ગયો, પગ સુજીને થાંભલા થઈ જતા.
બેઉને જરૂર, પણ બે માંથી કોઈ એક બીજાની સેવા કરી શકે નહીં. નુરીદાસને શ્વાસ ઉપડે ત્યારે સુશી લાચારીથી જોઈ રહે. સુશીને વાનું દરદ ઉપડે ત્યારે નુરીદાસ ઓટલા પર બેસી જાય, મૃદંગ પર ટુન, ટુન કરે. ક્યારેક એમના મનમાં પણ મૃદંગ વાગે ટુન ટુન…આનો શું ઉપાય?
સ્ત્રી-પુરુષ વચ્ચેના સબંધનો આવો નિયમ કોણે બનાવ્યો કે એક મરવા પડે ત્યારે પણ બીજો એના મોં માં પાણીનું ટીપું પણ આપે તો પાપ લાગે ! સાળી જોડે અનૈતિક સબંધથી ગર્ભ રહે, તો એ પાપ માફ, પણ સાળીની સમવયસ્ક પાટલાસાસુના દુખતા પગ પર હાથ ફેરવવો એ માફ નહીં ! ખરી છે આ દુનિયા! આવા ઊલટાસૂલટા વિચારો કરતાં નુરીદાસ મૃદંગ પર ધમ ધમ તાલ આપવા લાગતા.
જેમ જેમ બન્નેની ઉમર વધતી ગઈ, રૂપ રંગ આથમતા ગયા, એમ એમ બન્ને વચ્ચેનો સબંધ ગાઢ બનતો ગયો. એકના દુઃખદર્દથી બીજો દુઃખી થાય. સામસામે એક બીજા જોડે વાત ના કરે પણ બીજા પાસે એકબીજાને ‘ડોસા ને ડોસી’ કહે.
બૈરાઓ પાસે સુશી કહે, “ડોસા શ્વાસથી પીડાય છે, વાંસે હાથ ફેરવવા કોઈ નથી. દીકરા માટે થઈને સસરાને ત્યાં પડી રહ્યો. પણ દીકરો-વહુ એની સામે જોતા નથી. હું છું ત્યાં સુધી લંગડાતી લંગડાતી પણ મુઠ્ઠી રાંધી દઈશ, એ પછી આ ડોસાનું કોણ ? ડોસો પણ ઓછો નથી. દીકરાને એક કાગળ નથી લખતો કે આવી જા, મનમાં તો ઘણો હિજરાય છે. ગમે તેમ પોતાનું લોહી તો ખરું ને ! હું બધું જાણું ને !”
તો વળી પુરુષોમાં નુરીદાસ કહેતા હોય- “વા થી ડોસી ખુબ પીડાય છે. દર મહિને આઠ-દસ દિવસ તાવ આવે. મોંમાં પાણીનું ટીપું આપવાવાળું કોઈ નહીં…! બિચારી ભાણિયાને માથી પણ વધારે પ્રેમ કરતી હતી. પણ આ છોકરાએ એને મા નહીં, પણ માસી જ ગણી. જુઓ, હવે એને મુખાગ્નિ દેવા આવે છે કે નહીં ? ડોસીની આટલી છેલ્લી ઈચ્છા છે, ભલેને એ મોઢેથી બોલે નહીં, પણ હું જાણું ને !”
સુશી જે બોલી નથી, એ વાતની નુરીદાસને શી રીતે ખબર પડી ? નુરીદાસ જે બોલ્યા નથી એ વાતની સુશીને શી રીતે ખબર પડી ? આ સવાલ કોઈ પૂછે નહીં. માણસ માણસ વચ્ચે ક્યારેક એવાં સબંધ હોય છે જેનું કોઈ નામ નથી.
છેલ્લે, જયારે ડોસી પથારીમાં પડી કે તરત નુરીદાસે, જીદ છોડી સતિયાને કાગળ લખ્યોઃ
“ચિરંજીવી દીકરા સત્યાનંદ.
તારી માસી પથારીવસ છે. ભલે એ બોલે નહીં, પણ એની ઈચ્છા તારું મોં જોઈને જવાની છે. વળી તું એને મુખાગ્નિ નહીં આપે તો એનો મોક્ષ નહીં થાય, એવું એ માને છે…
એ પછી પણ તારે જો ન આવવું હોય તો ના આવીશ, પણ આ પત્ર મળતાંની સાથે તાર ગણીને બેઠો હોય ત્યાંથી ઊઠીને તરત આવવા છેલ્લી વિનંતી છે.
ઇતિ.
તમારો શુભેચ્છક
નુરીદાસ.”
સતિયાને ખ્યાલ આવી ગયો કે બાપાએ જીદ નથી છોડી, પણ માસી માટે થઈને જ કાગળ લખ્યો છે. એટલે તારા બાપા એવું નથી લખ્યું. તો પણ સતિયો, બૈરીછોકરાંને લઈને તરત દોડી આવ્યો, બાપાના લખવાથી નહીં, પણ માસીના મોક્ષ માટે. સાથે બિસ્કીટ, મીઠાઈ, ફળ બધું લાવ્યો હતો, પણ માસી અવાચક હતી. છેલ્લા શ્વાસ ગણતી હતી. તેની આંખો અધખુલ્લી હતી. કદાચ એને ખ્યાલ આવી ગયો હશે કે સતિયો દોડીને આવ્યો છે. વહેલી સવારે એના પ્રાણ ઊડી ગયા.
તે દિવસે અગ્નિદાહ પછી સ્મશાનેથી પાછા આવી નુરીદાસ અંધારામાં ઓટલા પર બેસી, આંખો મીંચી અતિ કોમળ મધુર સ્વરે ટુન ટુન મૃદંગ વગાડતા ઉદાસ સ્વરે ગાતા હતા, “ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે – હરે રામ હરે રામ રામ રામ હરે હરે…”
અંદરથી વહુની પોક સંભળાતી હતી, “માસી, અમને છોડીને ક્યા જતા રહ્યાં…” પ્રેતાત્માની તુષ્ટી માટે આ પ્રથા છે…
સતિયો ચુલા પાસે બેસી નાના છોકરાની જેમ “માસી માસી“ કરતો પોકે પોકે રડતો હતો. કોણ જાણે, આમ કરવાથી શું એની માસીના આત્માને મુક્તિ મળી જશે?
પાટલાસાસુના મૃત્યુના શોકમાં આખી રાત નુરીદાસનું મૃદંગ ટુન ટુન વાગતું રહ્યું, નુરીદાસના ટેરવાંમાંથી લોહી ટપકતું હતું.
*******