“અંગૂઠો બતાવી અલોપ” ~ અનિલ જોશીની યાદમાં ~ નીલે ગગન કે તલે ~ મધુ રાય
અનિલ જોશીની યાદમાં
ઓકે, ઓલરાઇટ, હજાર ડગલાં ચાલી લીધું, કોફી પીધી, બલકે બે વાર કોફી પી લીધી, કારણ વગર ટીવીને ખોલબંધ કીધું ને ફોન ઉપર કોઈ નવા સમાચાર વાંચવાના ચાળા કીધા, ને વોટસેપ-ફોટસેપના મૂંડા પલાળી જોયા, એક પાગલ અપેક્ષામાં કે કોકનો ખીખી કરતો મેસેજ આવસે કે ના, ના, મૂરખા, ઈ તો કોકે એપ્રિલને બદલે ફેબ્રુઆરી ફૂલની સિક જોક કરેલી.
ને કદાચ આજુ ખેલે અનિલે બીજો ફોટો મોકલેલ છે ફેસબુક ઉપર, બે અંગૂઠા “ઓલ ગુડ”ની સાઇનમાં ઊંચા કરીને. પણ ઈ બધા ખોટેખોટાં ત્રાગાં છે કુદરત સામેનાં, જાણે એ વાત ન સ્વીકારું તો એ વાત હકીકત નહીં બને, બનતીબનતી સ્ટેચ્યુ થઈ જશે, ગોડ્ડેમિટ્ટ.
ઓકે, ફાઇન, મારા સ્નેહી, બંધુ, મિત્ર, સખા ને સહયાત્રી અનિલ જોશીનો સ્વર્ગવાસ થયો (૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫). અનિલ બડો શોહરત ભરેલો રંગીલો પોએટ બી હતો ઈ તો પ્લસ, પ્લસ નફામાં.
પચાસ સાઇઠ વરસ પહેલાં આદિલે કેસૂડાંના વાર્ષિક અંક માટે ‘રે મઠ’ની કવિતાઓનો એક ગુચ્છ મોકલેલો કલકત્તા. એમાં અનિલ જોશી નામે કવિની કવિતા હતી, ‘સાપ!’ તે પ્રથમ પરિચય.
પછી અમદાવાદ, મુંબઈમાં બેચાર વાર પ્રત્યક્ષ મિલન અને અચાનક અનિલ જોશી આવી પૂગેલા ‘બર્તાનિયા’ની રાજધાની બ્લડી લંડનમાં. ત્યાં અનિલે પોતાનો બ્રાન્ડનેઇમ સિગનેચર સ્નેહનો સૂંડલો વરસાવી કહેલું કે; ‘મધિયા તારો એક પોગરામ કરવો છે, તું કહે તો લંડનમાં ને તું કહે તો મુંબઈમાં.’
આપણે કહ્યું મુંબઈમાં, ને જોશી સાહેબે તે સમયે બૃહન્મુંબઈ સરકારની જાદુછડી ફેરવીને ફટાફટ એરેન્જ કરેલી એક સભા, અને વાહ, અવિનાશભાઈ સાથે ગોઠવેલો પ્રીતિભોજ!
અનિલ સાથે, અને એનાં પાડોશી પન્નાબેન અધ્વર્યુ સાથે, સુવર્ણાને ફોન ઉપર વારંવાર વાતો થતી. પછીથી ખબર પડી કે સુવર્ણાના અને અનિલના પરિવારોને પેઢીઓનો નાતો હતો, અને સુવર્ણા તથા તેની બહેનો અનિલને રાખડી બાંધતી!
દરમિયાન અનિલને અને મને બંનેને અશરફનો જન્મદિન ઉજવવા મધુમતીએ શિકાગો નિમંત્રેલા અને કોઈ ડ્રેસવાલાને ત્યાંથી ભાડે લાવેલાં અચકન ને સાફા ને સુરવાલ ઠઠેડી અમે અશરફના જન્મદિનના જશનમાં મહાલેલા.
તે પછી મેં અનિલને મારે ત્યાં જર્સી સિટી ઉપર પણ બોલાવેલો રહેવા ને જલસા કરવા. તે પછી અનિલ ઇમેઇલમાં ને વોટસેપમાં મને અતિપ્રિય ફાફડા, લાલ પોપટિયા મરચાંનાં અથાણાં, તાંદળજાની ભાજી, વાલની દાળ… બધી વાનગીઓના ફોટા મોકલી ચિડવતો, કે ‘આવ આવ, મુંબઈ આવ તો તને મજા કરાવું.’

અને પછી હું મુંબઈ આવેલો દર વર્ષની જેમ, અને કાંદિવલીમાં મારી એક ખોલી હતી તેમાં ઊતરવાનો હતો. પણ અનિલે તે આઠ માહિના બંધ રહેલી ખોલીમાં સીધા જવાને બદલે પહેલાં એરપોર્ટથી ડાયરેક્લી તેના ઘરે ગોરેગાંવ આવવા સૂચવેલું,

ત્યાંથી નાહીધોઈને અમે બધાં તને કાંદિવલી મૂકી જઈશું. પણ ગોરેગાંવ ઊતરતાં વેંત જાણે સંકેતે, ને રચનાએ ને ભારતીબહેને અને અલબત્ત અનિલે ગિરફ્તાર કરી દીધેલો.
‘મધુઅંકલ હવે મુંબઈ છે એટલા દિવસ આંહી જ રહેશે’- એવો એક્ઝિક્યુટિવ ઓર્ડર સંકેતે આપી દીધો.
અનિલને ડાક્ટરે પલંગ ઉપર સૂવાની મનાઈ કરેલી તેથી તે દીવાનખાનામાં જમીન ઉપર પથારી કરીને સૂતો ને હું બેડરૂમમાં.
કોઈવાર સંકેતના ફ્રેન્ડઝો રાત રોકાઈ ગયા હોય તો એ બધા સંકેતના રોયલ બેડરૂમમાં સૂવાને બદલે દીવાનખાનામાં સોફા ઉપર, ભોંય ઉપર, ગેલેરીમાં અનિલના રૂમમાં કોને ખબર કઈ રીતે રાતે વાતો કરતા-કરતા રાત ગુજારી દેતા ને હું ઘસઘસાટ ઊંઘતો સંકેતના બેડરૂમમાં!
દરમિયાન સંકેતે બેંગલોરમાં ગોડનોવઝ જબરજસ્ત કોઈ કંપની ઊભી કરી ને અનિલ વારંવાર તેના ફોટા મોકલતો,
તેના વિશે પોરસથી વાત કરતો. પણ કોઈ ડંફાસ નહીં, જસ્ટ ધ ફેક્ટસ. અને અનિલના પરિવાર તરફથી પણ મને સતત એવું જ હેત મળતું રહ્યું જેવું મારાં ભાંડુઓ તરફથી મને સાંપડે છે.
તે પછી બીજા વર્ષે હું પાછો આવ્યો ને આ વર્ષે કોઈ ખિટપિટ વિના સીધા ગોરેગાંવ ચાલ્યા આવવાનો ફતવો બહાર પડી ચૂકેલો. અને બસ, તે પછી તો અમે શ્રીલંકા ફરવા ગયા ને અનિલે હનુમાનજીની દેરીની વાનરસેના પાસે ને સીતામાતાના મંદિર પાસે ને રસ્તે મૂકેલા અવનવાં શિલ્પો પાસે મેળામાં ઘેલા થયેલા બાળકની જેમ ફોટા પડાવ્યા,
શ્રીલંકાના હાથીઓની હાથીશાળામાં કુદરતને જોતાંજોતાં અનિલને મજા કરતો મહાલતો જોવામાં એક પોએટ્રી વરતાતી મને. અને પાછા આવીને અનિલે મારા ‘મમતા’ વાર્તામાસિકમાં વાર્તાઓ લખી, જેમાં આપણને કલ્પના ન આવે તેવી રમૂજની ખૂબીઓ ગોઠવેલી કવિરાજાએ! જે ખૂબીઓ ઉપરથી ફિલમ બનાવવાના રાઇટ્સ લીધેલા ભાઈ પ્રકાશ કાપડિયાએ!
મારા અમેરિકા પાછા આવ્યા બાદ વારેવારે અનિલ ફોન કરતો. સૌથી પહેલાં મારી તબિયતના સમાચાર, પછી હવાપાણી, પછી ખાવાપીવાની વાત. અને કોઈવાર મારા લખવા બાબત બે સૂચન.

દરમિયાન ફેસબુક ઉપર સતત તેની નોંધો, અન્યાય સામેના તેના ચિત્કાર, કોને ખબર કયા ઇરિટ્રિયાના કે મેસોપોટેમિયાના કવિઓની કવિતાનો રસાસ્વાદ, એન્ડ ઓનેનોનેનોન! સાચા સહોદરની સહજતાથી અનિલે મને સાચવેલો….લોર્ડ, અહીં ‘સાચવેલો,’ પાસ્ટ ટેન્સ, લખતાં આંગળી ધ્રૂજી છે, પણ જે છે તે છે, ને જે છે તે સૌની વિધિલિપિ છે. યસ, લાઇક બરફનાં પંખી અપન સબ કોઈ. નો આર્ગયુમેન્ટ!
અનિલિયા ગાંડા, આમ અચાનક સૌને અંગૂઠો બતાવીને અલોપ થઈ જવાનું? જય મહાકાલ!

~ મધુ રાય
ફેબ. 27, 2025
madhu.thaker@gmail.com
(લેખ: 27 ફેબ., 2025, સાભાર: દિવ્ય ભાસ્કર)