દેવકી ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ પ્રતિભા રાય ~ અનુવાદઃ ડૉ. રેણુકા શ્રીરામ સોની
જંગલને રસ્તેથી એક સ્ત્રી હાટમાંથી પાછી જઈ રહી છે. તેનું નામ છે ઝૂમૂટી. પહાડી રસ્તો છે. તેણે છાતીએ ખૂબ જ સાવચેતીથી કોઈ કોઈ વસ્તુ વળગાડેલી રાખી છે, નાનું ધાવણું છોકરું જ લાગે.
ત્રણ નાળાં, એક નદી પસાર કરો અને પંદર માઈલ ચાલો ત્યારે તેનું ગામ આવે. બે દિવસ પહેલા તે પોતાના ગામથી ચાલીને ‘ખડીયાલ’ હાટમાં ગઈ હતી. ગઈ ત્યારે તેની છાતીએ પાંચ મહિનાનું બચ્ચુ વળગાડેલું હતું.
હાટમાં જે વેચવાનું હતું તે કામ પતાવી, ઝડપથીના મોટા મોટા પગલાં ભરતી પોતાના ગામ પાછી જઈ રહી હતી. હાટમાં શું વેચ્યું ને શું કિંમત આવી તે કશાનો વિચાર કરતી નથી. તેના મનમાં તો બસ એક જ ધૂન છે, જલદી પોતાની ઝૂંપડીએ પહોંચું. ભૂખ્યા માંદા પોતાના ઘરવાળા ઘનાના પેટમાં અન્નનો દાણો નાખું, પોતે પણ ઘૂંટડો રાબ પી આરામ કરે.
ઘનો તો ક્યારનો ભૂખ અને રોગથી કંટાળી ગામ છોડી જીદ કરતો હતો. ક્યારનો કહેતો હતો; “ ચાલ ગામ છોડી જતા રહીએ, આ ગામમાં કામ નથી, ખાવાનું નથી, ઈન્દ્ર દેવતાની દયા નથી, ફસલ નથી. પૂર, દુકાળ, રોગ, મૃત્યુ આ ગામનો પીછો નથી છોડતા, ચાલ ક્યાંક જતાં રહીએ.”
ઝૂમૂટી માની નહીં. તેના ખોળામાં ધાવણું છોકરુ હતું અને બીજું પેટમાં. ઘર છોડી જવું ક્યાં? આ ગામમાં બીજું કંઈ નહીં પણ બાપદાદાની જમીન પર તૂટેલી ફૂટેલી ઝૂંપડી અને માથું છુપાવવા એક છાપરું તો છે.
સામે ચોમાસું ઊભું છે. વરસાદ વાવાઝોડા આવશે. જનમભૂમિના મૂળિયાં ઝાલીને બેસી રહીશું તો કાલે કામ મળી રહેશે, ભાત મળશે (ઓડિશામાં લોકોનો મુખ્ય ખોરાક ભાત છે ), હંમેશની જેમ જિંદગી જીવાશે. ઘનો ઝૂમૂટીની વાત માનીને રહી પડ્યો. તેના જેવા બીજા ઘણાં પોતપોતાના બાપદાદાની જગ્યાએ પડી રહ્યા છે. ગમે તેવા કપરા દુકાળમાં પણ ક્યાંય ગયા નથી.
આ નાના ગામમાં કુંભાર, ભરવાડ અને માછીમારોના કેટલાક ઘરો દરેક વર્ષે, દુકાળ ભૂખમરો, રોગ, જીવન, મૃત્યુ જોડે લડે છે. ગામમાં કૂવો,-તળાવ નથી, સ્કુલ, દવાખાનું. દુકાન બજાર કંઈ નથી. દૂરના નાળામાંથી ડહોળું પાણી લાવી લોકો રાંધે, ઢોરને પીવડાવે, પોતાની તરસ છીપાવે.
દર વરસે કેટલાય લોકો દુકાળમાં મરી જાય, ખોવાઈ જાય. પહેલે જે ગામમાં લોકો માતા નહોતા, ત્યાં આજે માંડ અઢીસો જેટલાં માંદલા માણસો છે.
ઘનો અને ઝૂમૂટી બીજાના ખેતરમાં કામ કરે. એમને મજુરીમાં હાંડી, માટલાં મળે. તે હાંડી, માટલાં વેચી પૈસા લાવે. એમાંથી માંડમાંડ એક ટંક ખાવા પામે, બીજી વેળા ભૂખ્યા રહે. એમ કરી આજ સુધી જીવતાં રહ્યાં છે.
ઝૂમૂટી સતર વરસથી ઘનાને પરણીને આવી છે. આઠ છોકરાં જણ્યા છે. એમાં એક પણ તેની પાસે રહ્યો નથી. મોટો દીકરો પાસે હોત તો તે આજે પંદર વરસનો હોત. બે વરસ પહેલા મલકમાં દુકાળ પડ્યો. ગામમાંથી ઘણાં લોકો મધ્યપ્રદેશ અને પંજાબ મજૂરી કરવા જતા રહ્યા. ત્યારે કોઈની સાથે મોતી પણ જતો રહ્યો. પાછો આવ્યો નહીં, એના કોઈ ખબર પણ આવ્યા નહીં.
ગામ છોડી જે જાય તે કદી પાછો આવે નહીં. ગામ આમ દર વરસે ખાલી થતું જાય. મોતી પાછો આવ્યો નહીં એ સારું થયું. તે જીવે છે કે મરી ગયો છે, ઝૂમૂટી જાણતી નથી. તો પણ ‘મારો મોતી જીવે છે’ એ વિચારે આટલા દુઃખમાં પણ તે ખુશ થાય. માની છાતી ભરાય. જ્યાં રહે ત્યાં ખુશ રહે. આનાથી મોટો દિલાસો ઝૂમૂટી જેવી લાચાર મા’ માટે શું હોઈ શકે ?”
મોતી પછી જેટલાં જન્મ્યાં, આવતાની સાથે જતા રહ્યા. કોઈ એક વર્ષથી વધારે જીવ્યું નહીં. છ, છ, ભાઈ બહેનને મરતા જોઈ મોતી પણ હેબતાઈ ગયો હતો, ડરી ગયો હતો. પણ ઘના ગહરાને કોઈ દુઃખ ન હતું. પોતાના હાથે મરેલું છોકરું ફાટેલા ગાભામાં વીંટાળી સ્મશાનમાં નાખી આવે. નાળામાં ડૂબકી મારી ઘેર આવી ભાત ખાય, કામે જાય.
મોટા દીકરા મોતીની પીઠ થપથપાવી હિંમત બંધાવે, “મરવાથી શું બીવાનું? એમાં કઈ નવાઈ છે? અરે! બધાં કંઈ જીવતા નથી. ઝાડ પરના ઘણાં કાચા ફળ ખરી જાય છે કે નહીં? માણસનું જીવન પણ એવું છે.”
ઝૂમૂટી વધારે નહીં, પણ એક બે દિવસ રોકકળ કરે. ઘનો ધણીપણું દેખાડતો કહે; “કાગનો વાઘ કેમ કરે છે? આ ગામમાં કોના ઘેર પાંચ સાત છોકરાં નથી મરતાં? તારી એકલીના મરતા હોય એમ કામ-ધંધો છોડીને રોવા બેઠી છે! જા, કામે જા. એ લોકો તારા નથી એમ વિચારી એમને ભૂલી જા.”
ઝૂમૂટી મન મનાવી લે. ઘનાની વાત પણ સાચી છે. કોઈ શાપિત ‘દેવ-જીવ’ તેના પેટે જન્મ્યો હશે શાપમુક્ત થઈ પાછો સરગમાં જતો રહ્યો હશે, આ જંગલી ગામમાં ભૂખ, ગરીબી અને રોગમાં સબડવા કેમ પડી રહે? જે જતો રહે, તે દેવતા – તેને ભૂખ-દુઃખની ખબર ન હોય. જે જીવતો રહે તે માણસ; કારણ એ દુઃખ, ભૂખ ને શોકમાં સબડે. દુઃખનો પહાડ ઓળંગી, તે જીવનની વહેણમાં આગળ વધવાનો કેટલો સુંદર સરળ પોતીકો દિલાસો!
દરેક વખતે છોકરું જન્મે ત્યારે ઝૂમૂટી વિચારે, આના પર ભગવાનની કૃપા દૃષ્ટિ પડશે. પણ મોટા છોકરા પછી, મા બોલવા સુધી કોઈ છોકરું જીવતું રહે નહીં. છેલ્લા કેટલાં વરસોથી આ બાજુના ગામોમાં કંસાસુર દુકાળ ટાપીને બેઠો છે. છોકરાં ગળી જાય છે.
આ વરસના દુકાળે તો ખાલી છોકરાં નહીં, મોટા માણસો, ડોસાંડગરા, ઢોરઢાખરને પણ છોડ્યા નથી. સો જેટલાં લોકો ગામ છોડી દૂર શહેરોમાં મજૂરી કરવા જતા રહ્યા. ગામમાં જે દસ બાર ઘર પહોંચતા-પામતાં છે, એમના ઘરે પણ એક ટંક જમવાનું, બીજી વેળા ભૂખ્યા રહેવાનું થાય છે.
બિયારણ રાખ્યું હતું, એ પણ ખાઈ જવાનો વખત આવ્યો. ખેતી વાડી, ગાય બળદ, વાસણ કુસણ, ઘેટાં બકરાં બધું વેચીસાટી ખલાસ થઈ ગયાં. વેચીને ખાવા માટે એક વાસણ પણ વધ્યું નથી. જંગલના કંદ મૂળ ખાઈ કેટલો વખત જીવાય? ઝેરી કંદ પણ બાફી, પાણી નીચોવી, પેટની ભૂખ ઠારવા ખાધાં. હવે જંગલમાં કંદ પણ નથી રહ્યા. હવે થડની છાલ, ડાળ, પાંદડા બાફીને ખાઈ પ્રાણ ટકાવી રહ્યા છે.
ઝૂમૂટી ગહરા અને ઘના ગહરા પાસે મિલકતમાં પોતાના ચાર હાથ સિવાય કંઈ નથી. ખેતરમાં પાક નથી, ગામમાં કામ નથી. કામ ન હોય તો ભાત નથી. ભાત વગર કામના હાથ પણ કામના રહ્યા નથી.
જે થોડાં હાડપિંજર જેવા માણસો ગામમાં જીવે છે, એમાંથી જુવાન કોણ, ઘરડું કોણ ખબર નથી પડતી. ખાલી ઊંચાઈ પરથી કોણ મોટું, કોણ નાનું છે એટલી ખબર પડે. બધાંની આંખો ઊંડી ઉતરેલી, હાડપિંજર જેવા શરીર, અને ખાડા પડેલા ગાલ. ખોરાક નહીં મળવાથી છોકરાંઓના વાળ પણ ડોસાઓની જેમ ભૂખરા પડી ગયા છે.
ઝાકળના મારથી આંબા પરથી મોરવા ખરી પડે, એમ મા’ ના ખોળામાંથી છોકરાં ટપ ટપ ખરી પડે છે. ઝૂમૂટીએ પણ બચ્ચાના જીવવાની આશા છોડી દીધી છે. પોતાના પેટમાં નાખવા અન્નનો દાણો નથી, ત્યારે છોકરા માટે છાતીમાં ધાવણ ક્યાંથી આવે? પાંદડા ખાઈ એનું અને ધનાનું ગાડું તો થોડાં દિવસ ગબડી જશે, પણ છોકરું કેવી રીતે જીવશે?
છોકરાને છાતીએ વળગાડી ઝૂમૂટી હાટમાં જવા નીકળી. ઘનાએ પૂછ્યું, “વાડીમાં તો કંઈ નથી, ભીંડા, મરઘી, ઇંડા, વાસણ, શું જોઈને જવા નીકળી છે ?” તારામાં શક્તિ નથી- ભૂખા પેટે નદી, નાળા ઓળંગી પંદર માઈલ ચાલતી જઈશ, વચ્ચે ક્યાંય મરી ન જાય. અને નસીબ જોગે જો “ખડીયાળ’ હાટ પહોંચી પણ જઈશ, તારું મોં જોઈને કોણ તને ચોખા કે પૈસા આપશે?”
ઝૂમૂટી ઉદાસ થઈ બોલી, “હું જીવું કે પછી મરી જઉં એ વાત પછી, વિચારું છું, આ છોકરાને કેવી રીતે જીવાડીશ? આ ગામમાં તો કંસાસુર દુકાળ ટાંપીને બેઠો છે, મારા છોકરાને ખાઈ જશે. ઘણાં લોકો હાટમાં જાય છે. હું પણ જઉં. જોઉં, કોઈ રસ્તો મળી જાય તો..”
પછી કંઈ કહું કહું કરતી ઝૂમૂટી રડવા જેવી થઈ ગઈ. ઝૂમૂટીની થીગડાંવાળી સાડી જોઈ ઘનાએ કહ્યું, “ભૂખની લાયમાં તે લાજશરમ પણ વેચી દીધી છે કે શું? આમ નાગીપૂગી હાટમાં જઈશ?”
ઝૂમૂટી ગુસ્સા, દુઃખ, નિરાશામાં બોલી, “લાજ શરમની તો કંઈ નહીં, ભૂખની લહાયમાં કોઈક દિવસ મારું પોતાનું માંસ ખાઈ જઈશ. ખાલી એટલું જ બાકી રહ્યું છે. હાટમાં મારું હાડપિંજર જેવું શરીર જોવાની કોને પડી છે? જોઉં ત્યાં એકાદ નવી સાડી મળી જાય તો….”
ઝૂમૂટી છોકરાને છાતીએ વળગાડી હાટમાં જવા નીકળી. ઘનાએ કહ્યું, “તારે જવું હોય તો જા, પણ મને જરી ઠીક થશે એટલે હું ‘રાયપુર’ જતો રહીશ, આ તને કહી દીધું. તારી વાત હવે નથી માનવાનો. રિક્ષા ચલાવીશ કે પછી મજૂરી કરીશ, મુઠ્ઠી ભાત ખાવા તો મળશે.”
ઝૂમૂટીએ કહ્યું, “જો ગયો તો તને આ છોકરાના સમ છે. હું હાટમાંથી કંઈક તો લાવીશ. રિક્ષા ચલાવાની તારી કંઈ ઉમર છે? તારામાં એટલી તાકાત છે ?”
ઘનો ચિડાયો, “મને છોકરાના સમ કેમ આપે છે? દુકાળ તો બધાં છોકરાં ખાઈ ગયો. આ એક બચ્યો છે, જો, હાટ સુધી પહોંચે છે કે નહીં –“
“આ કાળમુખો માણસ, હંમેશા અશુભ બોલતો હોય, આવ્યો મોટો…..! દિવસ રાત ધમકી આપે છે, ગામ છોડી જતો રહીશ, જાણે કે એ મોટો અમને ખવડાવીને તૂટી પડે છે….!” ઝૂમૂટી રડી પડી.
ઘનાએ દીકરાને વહાલ કર્યું. “જા હવે, છોકરાને સાચવીને લઈ જજે. તું પણ સંભાળજે.”
ઝૂમૂટી છોકરાને છાતીએ વળગાડી જંગલ રસ્તે માંડ માંડ ચાલતી હતી. એક નશામાં નદી, નાળા ઓળંગી જતી હતી. જેમજેમ આગળ વધતી હતી તેમ તેમ એનો સંકલ્પ વધારે ને વધારે દૃઢ થતો હતો. પોતે જીવશે, ઘનો જીવશે, પોતાનો દીકરો પણ જીવશે.
જીવવા માટે તો માણસ જનમતો હોય છે. વાસુદેવ, દીકરાને કંસથી બચાવવા, વરસતા વરસાદમાં નદી ઓળંગી ગોકુળ ચાલ્યા હતા. માતા દેવકીએ પણ છાતી પર પથ્થર મૂકી, કૃષ્ણને વાસુદેવને સોંપી દીધો હતો. દીકરો જ્યાં રહે ત્યાં સુખેથી રહે. ઝૂમૂટીના મનમાં પણ આ હતું. ગમે તેમ કરી તેનો છોકરો જીવે.
ઝૂમટીએ ફાટેલા ચીંથરામાં દીકરાને ખુબ કાળજીથી વીંટાળી, છાતીએ વળગાડયો હતો. છોકરો તેની સુકાયેલી છાતીને ચોંટીને પડ્યો છે. વચ્ચે વચ્ચે તેને શંકા થાય છે કે આ જીવે છે કે નહીં. છોકરું અશક્તિના લીધે ધાવણ ચૂસી નથી શકતું- અને શકે તો પણ તેની છાતીમાં દીકરા માટે ટીપું ધાવણ નથી.
વરસાદ કે વાવાઝોડાની પરવા કર્યા વગર તે આગળ ને આગળ ચાલતી હતી. તેના નબળા પગમાં આટલી શક્તિ કોણ જાણે ક્યાંથી આવી?
‘ખાડીયાળ’ હાટમાં એણે ઘણીવાર હાંડી, માટલાં વેચ્યા છે. ક્યારેક વાડીના શાકભાજી, ઇંડા, કુકડા વેચ્યા છે. પણ આજે જે વેચવા જઈ રહી છે તે સાત જન્મારે પણ વેચવાનો વારો ન આવે. આ વાતની દુનિયાને ખબર ન પડે. જો ખબર પડશે, તો દુનિયા કહેશે, ઝૂમૂટી મા છે કે રાક્ષસી? પણ તેનું દુઃખ કોણ સમજવાનું છે?
તેના ગામમાંથી કેટલાય માણસો હાટમાં વેચાયા છે. યુવાન પત્નીને પતિએ વેચી છે, જુવાન દીકરીને બાપે વેચી છે. દીકરી, દીકરા, પત્નીને છોડી પતિ જતો રહ્યો છે. તેના ગામની રમાનો વર ક્યાંક જતો રહ્યો.
ઘરમાં જુવાન છોકરી, વળી ખોળામાં નાનો દીકરો. સાથે ડગુંમગું ચાલતી બીજી એક છોકરી. રમાએ વધારે પૈસા મળે એટલે નાની છોકરીના બદલે મોટી છોકરી વેચી. જે પૈસા મળ્યા એમાં મા-છોકરાં ત્રણ જણના થોડાં દિવસો નીકળી જશે.
ગામની ફાનસપુંજીએ પોતાની લગન લાયક નણંદને સો રૂપિયામાં વેચી છે. પોતાને જો દીકરી હોત તો તે પણ દીકરાને બદલે દીકરીને વેચત. પોતે જે કરવાની છે, એમાં કોઈ પાપ નથી. આમ કરવાથી પોતે પણ જીવી જશે, છોકરું પણ જીવશે.
આજકાલ તો વધારે છોકરાં પોષી ન શકે એટલે ઘણી મા ગર્ભપાત કરાવતી હોય છે. એમાં તો કંઈ જીવ હત્યાનું પાપ લાગતું નથી. દેશનું ભલું થાય છે. પોતે કંઈ જીવ હત્યા નથી કરવાની- છોકરાને જીવતો રાખવા આ રસ્તો લીધો છે.
આખે રસ્તે ઝૂમૂટી પોતાના મનને સમજાવતી રહી. પોતે જે કરવા જઈ રહી છે, એ કંઈ ખોટું નથી, તે પ્રમાણિત કરવાનો પ્રયત્ન કરતી રહી. છોકરાના મડદાને ઝાડીમાં નાખી દેવા કરતાં, ‘જશોદા મા’ના હાથમાં સોંપી દેવો સારો, એમ વાંરવાર પોતાને દિલાસો આપતી રહી.
‘ખડીયાળ’ હાટમાં એક શેઠ કેટલાય દિવસથી એક અનાથ બચ્ચું શોધી રહ્યા છે. તેમને છોકરાંછૈયા નથી. હાટમાંથી પાછા ફરતાં ગામ લોકો પાસેથી ઝૂમટીએ આ સાંભળ્યું છે. હજુ સુધી તેમને કોઈ મળ્યું નથી. તેમને દીકરો જોઈએ છે,
ઝૂમટીને જીવવું છે. એ આશાએ જ તે હાટમાં આવી છે. થોડા મહિના પછી તે ફરી મા બનશે. મા બનવું તેના માટે કોઈ નવાઈ નથી. પણ મા શબ્દ સાંભળવા સુધી છોકરાને જીવાડી રાખવું અઘરું છે. તે મનોમન હિમત ભેગી કરતી હતી.
તેનું કામ સહેલાઈથી થઈ ગયું. શેઠાણીના હાથમાં સોંપતી વખતે તેના પેટમાં એકવાર પીડ ઉપડી. અંદરનું બચ્ચુ જાણે કહી રહ્યું હતું, “મા મને પણ આ રીતે દૂર કરી દઈશ.”
શેઠાણીએ સહાનુભૂતિભર્યા સ્વરે કહ્યું, “ચિંતા કરતી નહીં. આજથી આ મારો દીકરો છે.” છોકરાને વહાલ કરતાં શેઠાણી ઝડપથી અંદર લઈ ગયા. પોતાના છોકરાને ક્યાંક ઝૂમટીની નજર ન લાગે!
શેઠે એક જાડા પોતની સાડી અને એંસી રૂપિયા ઝૂમૂટીને આપ્યા. એકીસાથે આટલા બધાં રૂપિયા તેના હાથમાં કદી આવ્યા ન હતા. તો પણ તેને થયું, બૈરું જાણી શેઠે તેને ઠગી લીધી.
ગાય, બળદ. બકરી, ઘેટાં, કેટલાં બધાં રૂપિયામાં વેચાય છે. કુકુડાનો ભાવ પણ ચાળીસ રૂપિયા થઈ ગયો છે. અને આ તો વળી માણસ, એમાં પાછો છોકરો, તેની કિંમત એક સાડી અને એંસી રૂપિયા! શેઠ સાથે છોકરાનો ભાવતાલ કરવાનું ઝૂમટીને મન થયું નહીં. ને બીક લાગી શેઠ જો છોકરો પાછો આપી દેશે તો, રસ્તામાં ઝાડીમાં છોકરો નાખી દેવો પડશે.
ઝૂમૂટીને અવઢવમાં જોઈ શેઠે કહ્યું, “છોકરું સાવ માંદલું છે, દવાદારુના પૈસા પણ જોઇશે ને? એ માટે પણ થોડા પૈસા મારે રાખવા પડે ને?”
છોકરાની દવા કરાવાની વાત સાંભળી ઝૂમટી વ્યાકુળ થઈ ગઈ. “ના, ના, શેઠ, મારે આટલાં ઘણાં છે. તમે મારા દીકરાની દવા બરાબર કરાવશો અને પેટ ભરીને ખાવા આપશો. બસ, આટલું કહી દો એટલે હું નિશ્ચિંત બનીને પાછી જઉં.”
અંદરથી શેઠાણીનો અવાજ આવ્યો, “મારા છોકરાની બાબતમાં તારે માથું મારવાની જરૂર નથી. જા, જા, જતી રહે. વરસાદ, તોફાનમાં તારે હજુ લાંબો રસ્તો કાપવાનો છે. દીકરાને હવે યાદ કરતી નહીં, નહિતર એનું ભલું નહીં થાય. અને સાંભળ, હવે આ બાજુ ફરકતી નહીં.”
ઝૂમૂટી પાછી ફરી. ફરી એક વાર દીકરાનું મોં જોવાનું મન થયું, પણ કહેવાની હિંમત ચાલી નહીં. હવે એના પર તેનો કોઈ હક નથી. શેઠાણી પણ એને જલદી વિદાય કરવા માંગતી હતી, એ વાત તે સમજી ગઈ. બિચારીને ડર લાગતો હશે, તે ક્યાંક પાછુ માંગી ન લે…!
મોં ફેરવી ચાલી આવતી હતી ત્યાં છોકરાંનો રડવાનો અવાજ સંભળાયો. આખા રસ્તે તે અવાજ તેના કાનમાં પડઘાતો રહ્યો. તે પોતે પણ રોતી રહી. છોકરો ચોક્કસ તેને શોધતો હશે. ઝૂમટીની આંખોમાંથી પણ આંસુ સુકાતાં નથી.
વાટ ખૂટતી નથી કે પછી પોતાના પગ આગળ વધતા નથી, ખબર નથી પડતી. પેટમાં પણ સખત દુખે છે. શેઠાણીની ઈર્ષા થાય છે. શેઠ પાસે ખાવા ધાન છે, એટલે શેઠાણી પ્રસવ પીડા સહ્યા વગર આજે છોકરાંની મા છે. ત્યારે પોતે ગરીબ છે, એટલે સાત સાત છોકરાંને લોહી સીંચી, પ્રસવ પીડા સહી જનમ આપ્યો તો પણ ખોળો ખાલી રહ્યો…!
બીજી ક્ષણે તેને ગર્વ થયો, પોતાના ગર્ભમાં આઠમું સંતાન ઉછરે છે. તે ફરી મા બનશે. આ આઠમાં ગર્ભમાંથી જે જનમશે તે ચોક્કસ “દેવી જીવ” હશે. ભૂખ, દુકાળ, ગરીબી રૂપી કંસનો નાશ કરશે.
તેના જનમ પછી તેમના ગામમાં દુકાળ નહીં પડે- કોઈને ભૂખના માર્યાં પોતાના બૈરી છોકરાં નહીં વેચવા પડે. તેનું પોતાનું દુઃખ દૂર થશે, ગામમાં ભાત, લૂગડાં મળી રહેશે. હવે આ છોકરું કેવી રીતે જીવાડવું, એની કલ્પનામાં તે પોતાનું છોકરું વેચી નાખ્યાનું દુઃખ ભૂલી ગઈ.
હવે ગમે તેવો ભૂખમરો આવે, પોતે ભલે મરી જાય, આ બચ્ચાને કોઈ કાળે વેચશે નહીં. તેનો પેટનો દુખાવો વધ્યો. પગ ધ્રુજવા લાગ્યા. પ્રસવની પીડા તે સમજી ગઈ. જમીન પર ચત્તીપાટ સૂઈ ગઈ. આંખે અંધારા આવવા લાગ્યાં.
બે હાથે સહેજ ઉપસેલા પેટ પર હાથ ફેરવતી મનોમન બોલી_ “ના, ના, આવું ન થવું જોઈએ. બચ્ચા, તુ કેમ આવવાની ઉતાવળ કરે છે? હજુ પણ ગામમાં કંસ દુકાળ રાહ જોઈને બેઠો છે – તારો આવવાની હજી વાર છે….!”
ઝૂમૂટી પીડાથી નહીં, પણ આશંકાથી આખેઆખી ધ્રુજી ગઈ. થાકથી તેની આંખો મીંચાઈ ગઈ. તેને આશા જન્મી કે કોઈ પણ ક્ષણે બચ્ચાનું રુદન સંભળાશે.
પણ એવું થયું નહીં. નવજાત શિશુનું રુદન સંભળાયુ નહીં. થાક ભૂલી તે સફાળી બેઠી થઈ ગઈ. તેના પગ નીચે લોહીની ધાર વહી. એમાં નિર્જીવ માંસનો લોચો પડેલો. જાણે કહે છે, “માનવ શિશુનો જનમ માતાના ખોળામાં રમવા માટે છે, એંસી રૂપિયા અને એક સાડીના બદલે વેચવા માટે નથી. જે પૃથ્વીમાં માનવ શિશુની કિંમત, શાકભાજી, ગાય, બળદ, ઘેટાં બકરી કરતાં ઓછી હોય, તે પૃથ્વી પર મારે નથી રહેવું.”
‘દેવ શિશુ’ની ગહન વાત ઝૂમૂટીની સમજણથી બહાર હતી. કરુણ, વિહ્વળ નજરે માંસના લોચા તરફ એક નજર નાખી તેણે લોહીથી ખરડાયેલા બન્ને પગ ખસેડયા.
પાલવમાં બંધાયેલા એસી રૂપિયા અને સાડી છાતીએ જકડી ધીમે ધીમે ઊભી થઈ. હવે તે એક એક ડગલું ભરતી ચાલી. શરીર સાવ ઢીલું થઈ ગયું હતું. તેણે વિચાર્યું, તેના આઠમા ગર્ભના સંતાનની જેમ આ સંસારમાં બધું મિથ્યા છે- ખાલી ભાત, લૂગડાં અને જીવતાં રહેવું એ જ સત્ય છે…..!
***
લેખિકા પરિચય – પ્રતિભા રાય
જન્મ – ૧૯૪૩, સ્થળ – બલીકુદા, જી. જગતસિંહપુર. લેખિકા એક સમર્થ અને સફળ વાર્તાકાર નવલકથાકાર, નિબંધ લેખન, પ્રવાસ વર્ણન લેખન, બાળ સાહિત્યકાર.
નોંધપાત્ર કૃતિઓ- “ગંગ શિઉળી,” “ઘાસ ઓ આકાશ”, “અબ્યક્ત”, “ભગબાનર બેશ”, “મોક્ષ” વગેરે વાર્તા સંગ્રહ. નવલકથામાં “શિળાપદ્મ”, અને “યાજ્ઞસેની” વિશેષ છે. “યાજ્ઞસેની”નો ગુજરાતીમાં અનુવાદ જયાબહેન મહેતાએ કર્યો છે. આ કૃતિ પર આધારિત નૃત્ય નાટિકા,”દ્રૌપદી” બોલીવુડ અભિનેત્રી હેમા માલિનીએ અભિનીત કરી છે.
સન્માન અને પુરસ્કાર- જ્ઞાનપીઠ (૨૦૧૧) મૂર્તિ દેવી સ્નમ્માન ( ૧૯૯૧, ‘યાજ્ઞસેની’), ઓરિસ્સા સાહિત્ય અકાદમી, કેન્દ્ર સાહિત્ય અકાદમી, સારળા સંમ્માન, પદ્મશ્રી વગેરે.
***