ત્રણ ગઝલ ~ અંકિત મહેતા, વડોદરા

અંકિત મહેતા મૂળ વડોદરાનિવાસી છે. એન્જિનિયરિંગના અભ્યાસ બાદ હાલમાં તેઓ ‘મહેતા એન્જિનિયર્સ’ નામે એન્જિનિયરિંગ કંપની ચલાવી રહ્યા છે. મશીનો સાથે કામ પાર પાડતા આ કવિનું શાબ્દિક એન્જિનિયરિંગ પણ જોવા જેવું છે. આજે તેમની ત્રણ ગઝલો માણીએ. ~ અનિલ ચાવડા 

1. મને એ ખબર પડી

ચહેરો આ વાંચતા જ મને એ ખબર પડી,
છો આપ વારતા જ મને એ ખબર પડી.

આવી ગયા છો આપ બગીચામાં ક્યારના;
ફૂલોને સૂંઘતા જ મને એ ખબર પડી.

હોતાં નથી ગુલાબ બધાના નસીબમાં;
બાવળને દેખતા જ મને એ ખબર પડી.

પીધા વગર રહે છે નશામાં ઘણાંય કેમ?
તારી ગલી જતા જ મને એ ખબર પડી.

રસ્તાની સાથ સાથ હું મંજિલ ભુલી ગયો;
સૂરજને ડૂબતાજ મને એ ખબર પડી.

‘અંકિત’ થયો છું હું જ તમારા રુધિરમાં;
મહેંદી નિહાળતા જ મને એ ખબર પડી.

2. તારા ચાકડે

કેવા કેવા તું ઘડે છે ઘાટ તારા ચાકડે.
થાય માટીને ઘણો ખચકાટ તારા ચાકડે

કોઈ પણ મીરાં કે નરસિંહ અવતરે છે ક્યાં હવે!
એમ લાગે છે કે લાગ્યો કાટ તારા ચાકડે.

દર્દ, બેચેની, નિસાસા એ બધું ભેગું કરી;
રોજ ભરતો હોય છે તું હાટ તારા ચાકડે

તું ભલે ખોબો ભરીને વાપરે છે સ્વાર્થને;
એક ટીપું લાગણી તો છાંટ તારા ચાકડે.

ચાખવા ધીરજનું ફળ બેસી રહ્યો ‘અંકિત’ અને
આ સમયની છે ઝડપ પુરપાટ તારા ચાકડે.

3. મિત્રો એ બાળપણના

રસ્તો ભૂલી ગયા છે, મિત્રો એ બાળપણના;
અળગા બની ગયા છે, મિત્રો એ બાળપણના.

કેરી ઘણીય પાડી આંબે ચઢી ને સાથે;
કામે ચઢી ગયા છે, મિત્રો એ બાળપણના.

રમતા હતા કિનારે રેતીનાં ઘર બનાવી ;
સાગર તરી ગયા છે, મિત્રો એ બાળપણના.

રંગો ભરેલ સપનાં, સાથે મળીને જોતા ;
સપનાં બની ગયા છે, મિત્રો એ બાળપણના.

‘અંકિત’ હતા જે કાયમ મારી નજરની સામે;
થપ્પો રમી ગયા છે, મિત્રો એ બાળપણના.

~ અંકિત મહેતા, વડોદરા 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.