સાવ આવું થોડી હોય? ~ સ્નેહા પટેલ ‘અક્ષિતારક’

મિત્ર રાજનની યાદમાં…

કોલેજના દિવસોમાં એ મારો તોફાની ભાઈબંધ હતો. બેફિકર હાસ્ય, બેધડક મજાકો અને ઘણી વખત હદ ઓળંગી જાય એવી હરકતો —એની અમુક જંગલી મજાકો પર મારે એની સાથે ઘણી વખત ઝઘડા પણ થતા.

ત્યારે લાગતું કે આ માણસનો સ્વભાવ ક્યારેય બદલાશે જ નહીં. પણ,  સાવ આવું થોડી હોય? માણસ આખું જીવન એક જ સ્વભાવ લઈને જીવે?  કહેવાય છે કે સમય બધાને પોતાની રીતે ઘડે જ છે. સમય ખરેખર એને પણ ઘડતો ગયો.

વર્ષો વીત્યાં, રસ્તા બદલાયા, મિત્રો છૂટા પડ્યા. કોઈ કામ પાછળ દોડ્યું, કોઈ પરિવાર પાછળ અટકી ગયું. એ પરણી ગયો, કામ-ધંધામાં સરસ સેટ થયો. પછી જ્યારે-ત્યારે મળવાનું થતું.

દરેક મુલાકાતે એની અંદર મને એક નવો જ રાજન દેખાતો. સાનંદાશ્ચર્ય સાથે મેં એને બેલગામ ઘોડામાંથી જવાબદાર માણસ બનતો જોયો. બાપ બન્યા પછી તો એની આંખોમાં એક અલગ જ નરમાઈ ઉતરી આવી હતી.

મિત્ર તરીકે પણ હવે એ માન રાખતો હતો—બોલવામાં, સાંભળવામાં, મૌનમાં પણ સમજદાર દેખાયો. મનમાં થતું, માણસ બદલાય છે; સાવ આવું થોડી હોય કે માણસ હંમેશાં તોફાની જ રહે?

હજી હમણાં જ તો એક એ લગ્નમાં મળ્યો હતો. હસતો, તંદુરસ્ત, જીવંત માણસ અને પછી અચાનક… એક સામાન્ય દિવસ, એક સામાન્ય રસ્તો, એક સામાન્ય વળાંક અને સ્કૂટર લપસ્યું …પરિણામ બ્રેઇન હેમરેજ.

શું થયું એની હકીકત હજી પૂરેપૂરી ખબર નથી, પણ પરિણામ તો સામે આવીને ઊભું રહી ગયું છે. એ ત્યાં જ ચાલ્યો ગયો. આ કોઈ ઉંમર છે ભલા માણસ મરવાની? આ કોઈ રીત છે જવાની? બે ઘડીમાં… સાવ આમ ’હતો’માંથી ’ના હતો’? સાવ આવું થોડી હોય?

મન હકીકત હજી સ્વીકારતું નથી. શબ્દો ગળે અટકી જાય છે. આંખમાંથી તરત આંસુ વહેતા નથી. આ કંઈક વિચિત્ર ખાલીપો છે જે ધીમે ધીમે અંદર ઉતરે છે. જે માણસ હજી હમણાં સુધી સામે હતો, એ અચાનક ભૂતકાળ બની જાય—સાવ આવું થોડી હોય? જીવન સાવ સહજ રીતે માણસને આમ ઉઠાવીને લઈ જાય?

સ્મશાનની રાખ યાદ અપાવે છે કે જીવન કેટલું ક્ષણભંગુર છે. અહીં તોફાન અને શાંતિ, સફળતા અને સંઘર્ષ, યુવાન અને વૃદ્ધ—બધું સમાન થઈ જાય છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જ બધું છે અને એક ક્ષણ પછી કશું જ નથી.

ત્યાં ઊભા રહીએ ત્યારે એક જ પ્રશ્ન મનમાં ઘૂમે—સાવ આવું થોડી હોય કે બધું જ એક શ્વાસ પર આવીને આમ જ સાવ અચાનક અટકી જાય?

કદાચ જીવન આપણને વારંવાર ચેતવે છે, પણ આપણે સાંભળતા નથી. સંબંધોને સમય આપવાનું રહી જાય છે, મળવાનું કાલ પર ઠેલાઈ જાય છે. આજે મળેલો માણસ કાલે યાદ બની શકે—સાવ આવું થોડી હોય? છતાં, આવું જ થતું રહે છે.

અને પછી બચી રહે છે માત્ર સ્મૃતિઓ,  એક અચૂક વેદના અને થોડા પ્રશ્નો…

સાવ આવું થોડી હોય?
મૃત્યુ એક ક્ષણમાં સાબિત કરી દે છે કે પ્રશ્નો ફાલતુ છે.

સાવ આવું થોડી હોય?
અને ત્યાં જ જીવન આપણાથી મોં ફેરવી લે છે.

સાવ આવું થોડી હોય?
હા—આ જ છે જીવનનો અંતિમ  ઉત્તર.

સાવ આવું થોડી હોય?
આ પ્રશ્ન જીવતો રહે છે, માણસ નથી રહેતો.

સાવ આવું થોડી હોય?
એવું પૂછતા પૂછતા માણસને સમજાય છે કે જીવનને પ્રશ્ન પૂછવા શક્ય જ નથી.

સાવ આવું થોડી હોય?
પણ સ્મશાન શીખવે છે કે અહીં “આવું” અને “એવું” બધું એકસરખું છે.

સાવ આવું થોડી હોય?
જીવન હસીને ચાલ્યુ જાય છે, અને પ્રશ્નો આપણાં હાથમાં છોડી જાય છે.

~ સ્નેહા પટેલ, અક્ષિતારક
૬ જાન્યુઆરી, ૨૦૨૬

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.