બે કાવ્યો ~ હસમુખ કે. રાવલ, અમદાવાદ
૧. અર્બન એપાર્ટમેન્ટના આ દિવસો
ઘરના એ દિવસો
વંટોળની જેમ ઊડી ગયા.
લાંબી લાંબી શેરીઓ
રાતોરાત ઊંટ જેવી ઊંચી થઈ ગઈ
પ્લિન્થ જેવી પ્લિન્થ અગિયાર માળ
ઊંચી થઈ ગઈ
હવે
ફ્લેટનો બંધ દરવાજો
સૈનિકની અદાથી અડગ ઊભો રહી
અપડાઉન કરતી લિફ્ટની ચોકી કરે છે
નભાન્ધળી બારીઓની આંખોમાં
ચોવીસે કલાક
સામેનાં રસોડાં, બેડરૂમ ચીતરાયા કરે છે
ટીવી શ્વાનનો કાન આમળી
ખી ખી કરતા મોબાઈલને
નગર ભ્રમણની સજા ફટકારી
સોફા લાંબા પગે લંબાયા છે
થાકેલું રસોડું
ટૂંટિયું વાળી સિંકમાં સૂતું છે
દાળ શાકના ઓવનફેરા અટકી ગયા છે
કણસાતી કણક ફરી
ફ્રિજમાં ગોઠવાઈ ગઈ છે
રંગબેરંગી ફૂલોની ચાદર ઓઢી
ઊભેલા ટેબલ પર
હલ્દીરામ, બાલાજી
શહેનશાહની જેમ વિરાજમાન છે
છ છ ખુરશી ગરબાની મુદ્રામાં
ચોમેર ગોઠવાઈ છે
બેડ પર બ્લેન્કેટ આળોટે છે
ભણતાં ચોપડાં
બેડ નીચે સંતાયાં છે
બાથરૂમમાં વોશિગ મશીન
ઘરર ઘરર ઘૂમે છે
તો ઘૂ ઘૂ કરતું કબૂતર
ગેલેરીમાં માળો બાંધવાના
પેંતરા રચે છે.
બારણે બેલ વાગે છે
આંખો ચોળતું લૉક જાગી જાય છે.
‘આવી આવી
ચાવીની ચોકલેટ આવી’
પણ આ તો કુરિયર
મોબાઈલમાં OTP પૂછી
જાળીમાં પટકાય છે
ચકોર દરવાજાની કાચની આંખ
નીચે જતી લિફ્ટ
તાકી રહે છે.
૨. માધુરી મૈયાના ખાલી દિવસો
ધીમે ધીમે ધીમે
એક પછી એક પછી એક
ઘર ખાલી થઈ ગયું
ગળે ચંદનહાર લટકાવી
ઊભી છે મૂંગી મંતર દીવાલો
એસી, ઓવન, ગેસ, ગીજરના
આકરા ઉપવાસ ચાલે છે
એક માત્ર માધુરી મૈયાના
ઊંઘતા જાગતા પડછાયા
હરે ફરે છે
ચોવીસ કલાક
ઊઘાડવાસ ને
આવનજાવનથી
ટેવાયેલા દરવાજાનાં
બંધ બારણાં
ખૂબ અકળાયાં
અકળાયેલા દરવાજાએ
એક સવારે
મૌન તોડી
ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન
ધૂન મચાવી
ધૂન મચાવતો દરવાજો
માધુરી મૈયાને જગાડીને જંપ્યો
એણે જાગેલી મૈયાના
એક હાથમાં દૂધની થેલી
ને બીજા હાથમાં
બીગ બાસ્કેટ પકડાવી
દૂધ જોઈ
નરવસ કિચનમાં હિંમત આવી
તપેલી ડબાડબી ખખડાવતું એ
ચા ઉકાળવા લાગ્યું
ચાની ચૂસકી સાંભળી
આળસુ ગીજર પણ કામે વળગ્યું
હૂંફાળી ધારે
મૈયાને માથાબોળ નવડાવી
માથાબોળ નાહેલી મૈયાને જોઈ
પાલખામાં ઢબૂરેલો કાનો
કપડાં ઉતારી
તરભાણામાં ઝીલણ ઝીલવા ઉતર્યો
એ છબછબિયાં કર્યા કરે
બહાર નીકળે જ નહીં
‘મૂંઆને શરદી થશે’ની બીકે
મૈયાએ કાન પકડી
કાનાને બહાર કાઢ્યો
વાઘા પહેરાવી શણગાર્યો
તો નટખટ કાનાએ પણ
મૈયાના હોઠે
‘અધરં મધુરમ્’ તરતું મૂક્યું
બદલાતા રંગ જોતી
બંધ બારી પણ ફટાક ઉઘડી
બબુકડા સૂરજને ખોળામાં લઈ
રમવા લાગી
રમતાં રમતાં
આંબાના ટહુકાની વાછટ છાંટી
શ્વેતવસ્ત્રાવૃતા માધુરીને
ફરી ભીંજવવા લાગી
માધુરીને ભીંજાતી જોઈ
હીંચકો હસી પડ્યો.
હસતાં હસતાં એણે
મીઠા પાનની જીદ કરી
માધુરીએ પાન ધર્યું
હળવે હાલતા હીંચકાએ
એ પાન પાછું માધુરીને ધર્યું
માધુરીએ ખાવું પડ્યું
ખાલી ઘર
માધુરી મૈયાના ખાલી દિવસો ભરે છે
~ હસમુખ રાવલ