‘એક હતી અનુદી’ (વાર્તા) ~ મૂળ લેખકઃ અવધેશ શ્રીવાસ્તવ ~ ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
( શ્રી અવધેશ શ્રીવાસ્તવ એક જાણીતા હિન્દી સમકાલીન લેખક, વાર્તાકાર અને નિબંધકાર છે.તેઓ મુખ્યત્વે હિન્દી ભાષામાં વાર્તા, વિવેચન અને નિબંધ લખે છે.તેમણે કેટલાક વાર્તા સંગ્રહ અને લેખો પ્રકાશિત કર્યા છે, જેમકે आवाज, विमल मेहता सेकिंड, भ्रष्ट होता भविष्य, अपनी-अपनी दुनिया, चयनित कहानियाँ વગેરે.
તેમની વાર્તાઓ વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે.
અવધેશ શ્રીવાસ્તવે હંમેશા પોતાની વાર્તાઓમાં નીચલા–મધ્યવર્ગીય સમાજને પ્રાધાન્ય આપ્યું છે. આ સંગ્રહની પહેલી વાર્તા ‘એક હતી અનુ દી’ એવી બળવાખોર યુવતીની ગાથા છે, જે મજૂરો, દલિતો અને શોષિત વર્ગ માટે અવાજ ઊઠાવે છે.
તે સમયે પણ અને આજેય, અવધેશ શ્રીવાસ્તવ કોઈ લંબાચોડા વર્ણન વગર પોતાના આસપાસના પ્રશ્નો, વ્યવસ્થા અને પાત્રો પર સીધી કલમ ચલાવે છે. તેમની વાર્તાઓના નાયક–નાયિકાઓ આપણાં આજુબાજુ જ ઊભા હોય એવા લાગે છે.)
‘એક હતી અનુદી’ ~ (વાર્તા)
આજ સુધી ન બની હોય એવી ઘટના તે દિવસે બની. વાત એવી હતી કે, માસ્તરજીની અનુને જોવા એક છોકરો અને તેના માતાપિતા આવ્યાં હતાં. સુખી સાધન સંપન્ન પરિવારનો છોકરો હતો. ના ગમવાનું કોઈ કારણ નહોતું, છતાં એની સાથે લગ્ન માટે અનુદીદીએ ના પાડી દીધી.
સ્વાભાવિક છે, આવી અણધારી વાતથી છોકરો, તેનો પરિવાર જ નહીં માસ્તરજી પણ સ્તબ્ધ. ઘરમાં સન્નાટો પ્રસરેલો હતો. ખુરશી પર સાવ હતાશ થઈને બેઠેલા માસ્તરજીને જોઈને સમજાતું હતું કે એમનાં મનમાં કેવો આક્રોશ હશે, પણ અનુદીદી તો જાણે કશું અઘટિત બન્યું જ ન હોય એમ સાવ નિર્લેપ હતાં.
મારાં મનમાં પણ અનુદી પર થોડો ગુસ્સો તો હતો જ.
“વિવેક, તને પણ મારો નિર્ણય યોગ્ય નથી લાગ્યો, ખરું ને?” મારા ચહેરા પરની અકળામણ જોઈને અનુદી’એ પૂછ્યું.
“તમને જેમ ઠીક લાગે એમ નિર્ણય કરવાનો વાંધો નથી, પણ એ છોકરા સાથે આવી દલીલ કરીને એને ઉતારી પાડવાની જરૂર નહોતી. લગ્ન કર્યા વગર જીવનભર..…”
“હા વિવેક, લગ્ન જો એક વેપાર હશે તો આજીવન લગ્ન નહીં કરું.” મારી વાતને અધવચ્ચે જ અનુદી’એ કાપી નાખી.
“તું અહીં હોત તો તું પણ મારી વાત સાથે સંમત થાત. જો એ બાપુજીને એમ કહી શકે કે, તમારી દીકરી પી.એચ.ડી. છે, પણ મને એમ.બી.બી.એસ. છોકરીનો પચાસ હજાર કેશ સાથે લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે. છોકરીનાં ભણતરની જેને કિંમત જ ન હોય એની સાથે તો એવી જ રીતે વાત કરાય. જેવા દેવ એવી પૂજા.” અનુદી’ના અવાજમાં રોષ હતો.
“છોકરો પ્રોફેસર છે, થોડા સમયમાં વિદેશ જવાનો છે.”
“તો?” અનુદી’ની આંખમાં તીખારો પ્રગટ્યો.
“વિદેશ જવું એ એની લાયકાતનો પુરાવો કહેવાય?”
હું ચૂપ થઈ ગયો. જાણતો હતો કે, માસ્તરજીની જેમ અનુદીદી પણ ગાંધીજીથી માંડીને ગૌતમ બુદ્ધ, લેનિન અને માર્ક્સના વિચારોથી પ્રભાવિત હતાં. ખોખલા, રૂઢિચુસ્ત સમાજની વિચારધારા બદલવા કોઈકે તો ક્રાંતિ આણવી રહી, એવું માનતાં અનુદીદીનો મોટાભાગનો સમય શહેરની ઝૂંપડપટ્ટીમાં મજૂર, કામદાર જેવા શોષિતવર્ગની સમસ્યા ઉકેલવામાં, ઝૂંપડપટ્ટીની સ્ત્રીઓને સિલાઈકામ જેવા આર્થિક ટેકો થાય એવા કામ શિખવાડવામાં પસાર થતો.
એક દિવસ અનુદીદી મને મજૂરોની વસ્તીથી દૂર છેક છેવાડાની સફાઈ કામદારની વસ્તીમાં લઈ ગયાં.
“અરરર…કેવી જગ્યા…!’ ત્યાં પહોંચીને વિચિત્ર ગંધથી જાણે મારા શ્વાસ રૂંધાઈ જશે એવું મને લાગ્યું હતું. અનુદીદીએ નાની અમસ્તી ખોલીના બારણે ટકોરા માર્યા. બારણું ખોલીને એના યુવાન માલિકે અમને આવકાર આપ્યો. આશુતોષ એનું નામ.
જ્યાં ઊભા રહેવા મારું મન માનતું નહોતું ત્યાં પાથરેલી સાદડી પર અનુદીદી આરામથી બેસી ગયાં.
‘હંમ્મ્મ. એનો અર્થ, અનુદીની વાતો માત્ર દેખાડો નહોતી. એ સાચે જ જે માનતાં, જે કહેતાં એ કરતાં જ હશે, એની આજે ખાતરી થઈ.’
આશુતોષની ખોલીની દીવાલ પરનાં સર્ટિફિકેટ્સ અને ડીગ્રીથી એની બુદ્ધિમત્તાનો અંદાજ આવતો હતો. જોકે, વાતો વાતોમાં સમજાયું કે અનુદીદી સાથે પરિચય થયા પછી આશુતોષને મન આ ડીગ્રીઓ, સર્ટિફિકેટ્સનું કોઈ મૂલ્ય રહ્યું નહોતું. સરકારી નોકરીની ગુલામી કરતાં એણે ગુલામો જેવી હાલતમાં જીવતા લોકોના કલ્યાણ અર્થે જીવવાનું નક્કી કરી લીધું હતું.
આવા આશુતોષ જેવાં અનેક સંવેદનશીલ અને જાગૃત યુવક-યુવતીઓ હતાં જે અનુદીદીના દહેજ, બળાત્કાર વિરૂદ્ધ ક્રાંતિકારી વિચારો અને આમૂલ પરિવર્તન કાર્યમાં અનુદીદી સાથે સક્રિય રીતે જોડાયેલાં હતાં.
ઘણી વાર અસામાજિક તત્વો અને પોલીસકર્મીઓ સાથે મૂઠભેડ થઈ જતી, છતાં અનુદીદી ક્યારેય પાછાં નહોતાં પડ્યાં.
થોડા દિવસથી શરૂ થયેલી ‘ભારતીય કૉટન મિલ’ના કામદારોના હક માટેની હડતાલમાં એમણે કામદારોની પત્નીઓને પણ સાથ આપવા સમજાવી હતી. અખબારોમાં આ હડતાલ હેડલાઇન બની ગઈ. શહેરભરમાં આ ધરણાંની ચર્ચા ચકડોળે ચઢી. કોઈ અઘટિત ઘટના રોકવા પોલીસોનો જાપ્તો વધ્યો.
સ્વાભાવિક છે જે થવાનું હતું એ થયું જ. મજદૂર કામદારોને ગેરમાર્ગે દોરવા બદલ અનુદીદીની ધરપકડ થઈ. જે થયું એ જરાય સ્વાભાવિક કે સ્વીકાર્ય નહોતું. જે અઘટિત ઘટના રોકવાનાં અર્થે થયેલી અનુદીદીની ધરપકડ પછી જે અઘટિત સમાચાર આવ્યા એ સાવ અકલ્પ્ય હતા.
‘મિસ અનુજા ચૌધરીની પાંચ પોલીસોની ઘાતકી હત્યા માટે કોર્ટે ફરમાવી ફાંસીની સજા.’
‘મિસ અનુજા ચૌધરીએ સહાયતા કે માફી માંગવાનો કરેલો ઈન્કાર.’
શહેરભરમાં હાહાકાર મચી ગયો. અનુદીદીને કડક જાપ્તા હેઠળ પટનાની જેલમાં રાખવામાં આવ્યાં હતાં. ફાંસી પહેલાં એકવાર મળવાની અરજી મંજૂર થઈ. હું અને આશુતોષ માસ્તરજી અનુદીદીને મળવા પહોંચ્યા.
અનુદીદીને મળીએ તે પહેલાં જેલના સુપરિન્ટેન્ડન્ટે એક ફોર્મ પર માસ્તરજીની મંજૂરીની સહી લીધી. જેમાં લખ્યું હતું કે, મિસ અનુજા ચૌધરીની ફાંસી પછી એનો અંતિમ સંસ્કાર રાત્રે જ કરવો પડશે. લાશને શાંતિપૂર્વક લઈ જવાની રહેશે. આ સજાના વિરોધ અર્થે શહેરમાં કોઈ નારાબાજી નહીં થાય કે નહીં કોઈ જુલુસ કાઢવામાં આવે.
માત્ર પાંચ મિનિટ મળવાની પરવાનગી મળી હતી. કોટડીમાંથી બેડીઓથી જકડાયેલ દીદી આવ્યાં.
“મેં તમને બહુ પીડા આપી, નહીં?” માસ્તરજીને જોઈને એમની આંખમાં આંસું સરી પડ્યાં.
સળિયા વચ્ચે હાથ ખોસીને માસ્તરજીએ દીદીના વિખરાયેલા વાળવાળા માથાને નિર્દોષ બાળકને પંપાળતા હોય એમ પંપાળ્યું.
“મને ખબર હતી, વિવેક કે તું અહીં આવીશ, પણ કદાચ સમયમર્યાદાના લીધે વાત ન થાય એમ વિચારીને આ પત્ર લખી રાખ્યો હતો.” અનુદીદીએ હળવેથી મારા હાથમાં પત્ર સરકાવ્યો.
બહાર નીકળીને પત્ર વાંચ્યો.
‘પ્રિય વિવેક, તારી અનુદીદીએ એ પાંચ પોલીસકર્મીઓની હત્યા ન કરી હોત તો નક્કી એમનાં દ્વારા બળાત્કારનો ભોગ બની હોત. કોર્ટમાં આ વાત જાહેર કરત તો આંદોલનમાં જોડાયેલી મહિલાઓમાં ડર પેસી જાત. માફી માંગી હોત તો જીવન મળત, પણ ક્રાંતિ માટે આપેલું બલિદાન અન્ય માટે પ્રેરણા બની રહે. શોષણ કે ઉત્પીડનની વિરૂદ્ધ મૃત્યુનું મારા મનમાં ગૌરવ છે. મારી ફાંસીને તું પણ સહજ રીતે સ્વીકારી લેજે.
‘તું તો પાછો લેખક, પણ મહેરબાની કરીને ભાવનામાં આવીને મારા મૃત્યુને બલિદાનનો મુદ્દો બનાવીને અખબારમાં હેડલાઇન ન બનાવીશ. સિસ્ટમના સડાને રોકવાનાં ક્રાંતિકારી આંદોલનને વાર્તા, કવિતા કે લેખો પૂરતાં સીમિત ના બનાવી દેતો. ક્રાંતિને સાચા અર્થમાં સમજીને આચરણમાં મૂકજે. જાણું છું, તારા માસ્તરજીનું તો તું ધ્યાન રાખવાનો જ છું.,
‘તારી અનુદીદી.’
આખરે એ દિવસ આવી ગયો. ફાંસી પછી રાત્રે બે વાગ્યે દીદીનું મૃત શરીર અમને સોંપવામાં આવ્યું. અર્થી ઊઠી ત્યારે કેટલાય લોકો અમારી સાથે જોડાયાં.
પ્રશાસનના ઓર્ડરના લીધે અંતિમ સંસ્કાર સુધી હથિયારધારી પોલીસ પણ સામેલ હતા.
આંસુ ભરી આંખે હું જોઈ રહ્યો કે, ચિતાની જ્વાળાની સાક્ષીએ અનેક લોકો આ ક્રાંતિની મશાલ પ્રજ્જ્વલિત રાખવાની પ્રતિજ્ઞા લઈ રહ્યાં હતાં. આશુતોષ એનાં સર્ટિફિકેટ્સ અને ડીગ્રી દીદીની ચિતામાં હોમી રહ્યો હતો.
ચિતાની આગ ઠંડી પડતા હું માસ્તરજીનો હાથ પકડીને સ્મશાનઘાટના પગથિયાં ચઢ્યો ત્યારે પૂર્વમાં સૂર્યોદય થઈ રહ્યો હતો.
***
ક્રાંતિની મશાલ પ્રજ્જ્વલિત રાખવાની આવી નૈતિક હિંમત હવે ક્યાં જોવા મળે!
સરસ અનુવાદિત આલેખન.
એક સાચી ક્રાંતિકારી સ્ત્રીનું ચારિત્ર લેખન.. નારાબાજી કે ભાષણ નહીં પણ કર્મથી જનમાનસ પર અન્યાય વિરુદ્ધ લડવાની છાપ છોડી અનુદીદીએ.. સુંદર આલેખન
આભાર જયશ્રીબહેન.