મહેકી ઊઠી છે સુગંધોની મહેફિલ ~ મહેફિલ વિષયક શેર, મુક્તક, ગઝલ ~ કુલ ૧૭ કવિ
(મહેફિલ ભાગ: બીજો)
૧.
હું વિચારું છું, શું એવું થઈ શકે?
કોઈ સાથે હોય ના, ને તું મળે
લોક ટોળાં જ્યાં મળે મહેફિલ નથી
દિલ મળે દિલથી તો એ મહેફિલ બને
~ હિતેન્દ્ર પુરોહિત
૨.
મળે છે આજે મહેફિલમાં હજારોનાં અભિનંદન
તમે કીધી જે અવગણના, ઊડીને આંખે વળગે છે
~ રશ્મિ અગ્નિહોત્રી
૩.
એ જ તો તકલીફ છે આ યાદની મહેફિલમાં
લાખ કોશિશો છતાં હું એકલો પડતો નથી
~ રાજેન્દ્ર આર શાહ ‘સ્વપ્નિલ’
૪.
વિચારોની છે મહેફિલ, સાથમાં એકાંત છે
સહારો મૌનનો, સંગાથમાં એકાંત છે
ઉદાસી, શોક, ભય, દુઃખો ભલે હો આસપાસ
બધા છે દૂર, કારણ બાથમાં એકાંત છે
~ જિગીષા દેસાઈ
૫.

મળીશું શબ્દ સંગાથે, તમે ઘરને સજાવી દો
પરોણા આવશે આજે, તમે ઘરને સજાવી દો
કરી બેઠક બધા મિત્રો, નવા સંદર્ભ ચર્ચીશું
કરીશું મોજ સૌ સાથે, તમે ઘરને સજાવી દો
~ કમલેશ શુક્લ
૬.
તમે એકાંતમાં રાતો કહો તો કેટલી ગાળી?
અમે મહેફિલ વચાળે પણ ના માણી એક દીવાળી
વગર વાંકે મળી જે વેદના એ આવકારીને
ખુમારી સંગ એને પણ ગઝલમાં ખૂબ પંપાળી
~ પાયલ ઉનડકટ
૭.
સહારા ગણ્યા ત્યાં નિસાસા મળ્યા છે
અજાણ્યા મુકામે વિસામા મળ્યા છે
સભાઓ મળી વાહવાહી મળી ત્યાં
વળી છાને ખૂણે ઝુરાપા મળ્યા છે
~ હિમાદ્રી આચાર્ય દવે
૮.

રહે સાથ તું તો કમી ક્યાં રહે છે
છે સામીપ્ય તારું ઉમંગોની મહેફિલ
અહા! યાદ સઘળી છે જૂઈ, ચમેલી
મહેકી ઉઠી છે સુગંધોની મહેફિલ
~ કિલ્લોલ પંડ્યા
૯.
સ્કૂલ, છેલ્લી બેન્ચ, દોસ્તો, સાંજ ઢળતી, યાદ છે કે
કોઇ અંગત વાત કહેવા, હાંફ ચડતી, યાદ છે કે
રોજ મહેફિલની મજામાં, ભાન પણ ભૂલી જતાં’તાં
એક લૈલા, એક મજનૂ, આંખ હસતી, યાદ છે કે
~ રમેશ મારૂ “ખફા”
૧૦.

કહી દે શાયરી તું ચાર આજ મહેફિલમાં
મળ્યાં છે માંડ બધા યાર આજ મહેફિલમાં
જરાક સૂર અને તાલ સંગ ઝૂમીશું
હૃદયનો દૂર થશે ભાર આજ મહેફિલમાં
~ અંકિતા મારુ ‘જીનલ’
૧૧.
ઝડપથી જમાનો આ બદલાય છે
ગુગલ મીટ પર બેઠકો થાય છે
ના ઓળખ, ના પહેચાન, ના જાણ છે
છતાં પણ બધા મિત્ર થઈ જાય છે
~ મૃદુલ શુકલ
૧૨.
દૂરતા હોવા છતાં પણ દિલ મળે
આંખમાં જ્યાં આંખની ઝળહળ ભળે
સૂર, શબ્દો, લાગણી વહેતી રહે
સાથમાં તું હોય એ મહેફિલ મળે
~ ડૉ. ભૂમા વશી
૧૩.
માટીમાંથી સાદ ઉઠે છે
તારી ભીની યાદ ઉઠે છે
બે પાનાંના ડૂમા વચ્ચે
પીંછું થઈ સંવાદ ઉઠે છે
ખાલી ખાલી ભાસે મ્હેફિલ
ગમતું જણ એકા’દ ઉઠે છે
~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’
૧૪.
સત્તાનો છે સવાલ, કોઈ શું કરી શકે?
કરવી પડે બબાલ, કોઈ શું કરી શકે?
ધૃતરાષ્ટ્ર છે સભાપતિ વિચાર તો કરો
ત્યાં દ્રોપદીનાં હાલ કોઈ શું કરી શકે!
ચર્ચા બધી સભામાં ગરીબીની થાય પણ
ઈચ્છા વગર નિકાલ, કોઈ શું કરી શકે
~ અમિત ટેલર
૧૫.
કોણે કહ્યું કે ખાસ છું મહેફિલમાં હું નથી,
માટે જ હું ઉદાસ છું મહેફિલમાં હું નથી.
લાગે ગ્રહણ સભાને જવાથી જ જેના,
હું-એવી કોઈ અમાસ છું મહેફિલમાં હું નથી.
જેના વગર મુશાયરો ના થઈ શકે શરુ,
છું એ ગઝલને પ્રાસ છું, મહેફિલમાં હું નથી.
કેવી હશે એ મારા વગર જોવા માટે બસ-
હું એની આસપાસ છું, મહેફિલમાં હું નથી.
‘સંગત’ વગર જીવાશે નહિ એવું કહેતા ‘તા,
ભૂલી ગયા હું શ્વાસ છું? મહેફિલમાં હું નથી.
~ જીગ્નેશ ક્રિસ્ટી ‘સંગત’
૧૬.
અહીં હર મંદિરે ઈચ્છાઓ – આશાઓની મહેફિલ છે.
મઝારે મન્નતો, દોરા ને ધાગાઓની મહેફિલ છે.
જરા આવો પધારો, મંચ છે આ દિલ અમારું અહીં,
પ્રણયગીતો, કવિતાઓ ને ગાથાઓની મહેફિલ છે.
કરી છે ઊંઘ તો વેરણ, તમે જીવનમાં આવીને,
અમારી રાત ક્યાં છે રાત? સપનાંઓની મહેફિલ છે!
જીવન બસ દોડતું રહે છે અહીંથી તહીં તરસ લઈને,
ખુશી કેવી? જીવન રણમાં તો ઝંઝાઓની મહેફિલ છે !
તમે જેને જીવન કહો છો, તમાશો છે તમાશો એ,
અહીં શ્વાસે ને નિઃશ્વાસે તમાશાઓની મહેફિલ છે.
~ નીરજા
૧૭.
લો ફરી મહેફિલ સજાવી યાર સૌ બેસી ગયાં
હાથ લઈને ચાની પ્યાલી યાર સૌ બેસી ગયાં
સાવ આઘી જિંદગીની આધિ-વ્યાધિને કરી
મોજની ધૂણી ધખાવી યાર સૌ બેસી ગયાં
રોજ મળતા તોય જાણે લાગતું વર્ષો થયાં
બે ઘડી આંખો મિલાવી યાર સૌ બેસી ગયાં
ક્યાં વિષય છે ત્યાં જરૂરી વાત કે વહેવારમાં?
શબ્દની સરગમ વગાડી યાર સૌ બેસી ગયાં
હાસ્ય વાતેવાતમાં નિષ્પન્ન સહજ થાતું રહે
ભાવથી તાળી બજાવી યાર સૌ બેસી ગયાં
~ દિલીપ ધોળકિયા “શ્યામ”
*****
vahhhh…..khub saras….tmam mitrone abhinanadan…………
આનંદ. અભિનંદન.
વાહ