હા, જીર્ણોદ્ધાર કરવો છે, તમે મહેફિલ સજાવોને ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

(મહેફિલ: ભાગ-૧) 

નવું વર્ષ શરૂ થયું છે ત્યારે અપૂર્ણ સંકલ્પોના કારણો શોધી નવાં સંકલ્પો વાસ્તવિક ધરાતલ પર રહીને લેવાના છે. મિસાઈલની મારકક્ષમતા પચાસ કિલોમીટરની હોય તો એને અઢીસો કિલોમીટર દૂરનો ટાર્ગેટ ન અપાય. આપણી ક્ષમતા અને સપનાને બંધબેસે એવા સંકલ્પો સાકાર થવાની શક્યતા વધારે હોય છે.

5 reasons why you are having too many dreams; expert decodes | Health

ડિસેમ્બર ૨૦૦૯થી શરૂ થયેલી `અર્ઝ કિયા હૈ’ કટારનો સંકલ્પ અર્થસભર મહેફિલ સજાવવાનો રહ્યો છે તે આપ સૌના કારણે સાર્થક બન્યો છે. અમારા દિલમાં આપનું શું સ્થાન છે તે અંકિતા મારુ `જીનલ’ની પંક્તિમાં વાંચી શકશો…

તું સાથ છે તો જિંદગી મહેફિલ સમાન છે
મારી મુસાફરી બધી મંજિલ સમાન છે
સરખામણી કરી શકું તારી કોઈથી
તારા વિના જીવાય ના, તું દિલ સમાન છે

રાજ્યો કે રાષ્ટ્રોના વિકાસની સરખામણી આવકાર્ય છે પણ વ્યક્તિગત સરખામણી વિષાદ અને વિવાદ તરફ દોરી જાય છે. કેટલી સફળતા મળી અને કેટલી સંપત્તિ બનાવી એ બાબતે સરખામણી છેતરામણી છે.

Useless Comparisons — The Thiagi Group

હા, કેટલા પ્રયત્નો કર્યા એની ગણતરી જરૂર થવી જોઈએ. સરખામણી કરવાની બદલે સ્વમૂલ્યાંકન કરીએ તો વિકસવામાં વિશેષ મદદરૂપ થાય. માધવી ભટ્ટ આવું સર્જનાત્મક મૂલ્યાંકન કરે છે…

કશું ના અફર છે, કશું ના કરારી
અને બિંબ જેવી હયાતી તમારી
શબદને મળી છે રવાની તમારી
મહેફિલ તમારી, નઝમ પણ તમારી

હયાતી કસોટી કરવામાં પાવરધી છે. એ તાવે પણ છે અને સમજાવે પણ છે. એ તારે પણ છે અને તારતાર પણ કરી મૂકે છે. આપણે એને લાઈટલી લઈએ તો એ આપણને સ્માર્ટલી ફેંકી દે. હયાતી માત્ર પ્રાપ્તિ ને ઉપલબ્ધિથી નહીં, સંબંધો અને સંવેદનોથી પણ સમૃદ્ધ બનવી જોઈએ.

પાસબુકમાં લાખો રૂપિયાનું બૅલેન્સ હોય પણ કાળી રાતે પડખે ઊભો રહે એવું એકેય સ્વજન કે મિત્ર ન હોય તો એવી હયાતીને સફળ કહેવી કે નિષ્ફળ? રાજેન્દ્ર આર. શાહ `સ્વપ્નિલ’ પ્રિય દોસ્તની રાહ જુએ છે…

આજ તો બારી તરફ આકાશને તાકી રહ્યો
એક ઝાંખી આપશે ને તોય મહેફિલ થઈ જશે
દોસ્ત આવ્યો છે ઘરે વર્ષો પછી ભૂલો પડી
રાત બેઠક જામશે ને તોય મહેફિલ થઈ જશે

લિવિંગ રૂમ મહેફિલ (ક્રમાંક:૭), અમદાવાદ, તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૫,  સંયોજક: કેતન ભટ્ટ, સહઆયોજક: પ્રેમલ શાહ,

બેઠકોની પરંપરા ઓછી થતી જાય છે. સગાસંબંધીઓમાં પણ એકબીજાના ઘરે જવા-આવવાનું ચલણ ઓછું થયું છે. એક શહેરમાં હોવા છતાં વર્ષે – બે વર્ષે મેળાપ થાય છે એવું કહીએ તો મુંબઈ શહેરમાં કોઈને અજુગતું ન લાગે. ટેકનોલોજીના કારણે અંતર ઘટ્યું છે એ વાત સાચી પણ અંતર વચ્ચેનો તાલમેલ કેમ ઘટ્યો છે એ ચિંતનનો વિષય છે. મોબાઈલ પર કલાકોના કલાકો નિરર્થક રીલ્સ જોવાનો સમય બધા પાસે છે પણ પાંચ મિનિટેય સ્વજનને સાંભળવાનો સમય નથી.

Scrolling Reels may affect brain like alcohol addiction

અલ્પા વસા આ અનુસંધાનને જીવિત કરવાની વાત કરે છે…

ઊભા થઈ આમ ચાલ્યા ક્યાં? કહાની લઈને આવી છું
હવે બેસો જરી, વાતો મજાની લઈને આવી છું
ફરી પાછાં વિખૂટા ના થવાના ભાવ લઈ આજે
મિલનના માંડવે હું ફૂલદાની લઈને આવી છું

પૂરાં થયેલાં દરેક વર્ષ પાસે એની અનેક વાર્તાઓ હોય છે અને શરૂ થયેલું દરેક વર્ષ આશાઓ લઈને આવે છે. વાત સાહિત્યના સંદર્ભે કરીએ તો આપણી કવિતા, વાર્તા, નિબંધ અને ઈતર સર્જનાત્મક સાહિત્યને ટકાવવા માટે સંસ્થાઓએ જવાબદારી ઉપાડવી જરૂરી છે.

ટહુકો ફાઉન્ડેશન અને વિશ્વકોશ આયોજિત કાર્યક્રમ, અમદાવાદ, તા, ૨૭ ડિસેમ્બર ૨૦૨૫

મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા અને સ્ટેન્ડ અપ કૉમેડીથી આગળ પણ એક વિશ્વ છે જેને સાધવાની જરૂર છે. કવિ સંમેલન –  મુશાયર તથા કાવ્યસંગીતની બેઠક બાઅદબ અને બેજિજક થવા જોઈએ.

ભાષાની સમૃદ્ધિ માણવા અને સંવેદનની સમૃદ્ધિ વધારવા એ જરૂરી છે. ભલે નાનો તો નાનો પણ આ જ્ઞાનયજ્ઞ ચાલુ રહેવો જોઈએ. આ માટે ડૉ. ઈમ્તીયાઝ મોદી ‘મુસવ્વિર’ ભેગા થવાની વાત કરે છે…

શબ્દના સરનામે જામી એક મહેફિલ આગવી
સૂર પણ સાથે મળ્યા ને કાબિલે તારીફ બની
સ્નેહના સેતુ થકી હૈયા ઘણા ભેગા થયા
આરજૂ વર્ષો જૂની જાણે કપૂરી થઈ ગઈ

પ્રેક્ષકગણ (વિશ્વકોશ), કાર્યક્રમ: શબ્દની આંખે સૂરની પાંખે

લાસ્ટ લાઈન

વીણાનો તાર તૂટ્યો છે તમે મહેફિલ સજાવોને
અમે પણ લય ગુમાવ્યો છે તમે મહેફિલ સજાવોને

દરદનાં વસ્ત્રનો કાયમ પનો લાંબો રહ્યો માન્યું
હવે ટૂંકો થવાનો છે, તમે મહેફિલ સજાવોને

ઘણો ખાલીપણાનો ભાર લાગે શું કહું તમને?
એ હલકો થાય એવો છે તમે મહેફિલ સજાવોને

પીડા દીક્ષા જ લઇ લેશે, જો મહેફિલ એક-બે મળશે
ને મનસૂબો એ પાક્કો છે, તમે મહેફિલ સજાવોને

થયા જે મંદિરો સપનાના ખંડિત એ બધાનો પણ
હા, જીર્ણોદ્ધાર કરવો છે, તમે મહેફિલ સજાવોને

~ પ્રીતિ પુજારા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. ગુજરાતી ભાષાના સંવર્ધનમાં અવિરત સમર્પિત આપણું આંગણું ટીમ અને હિતેનભાઈને અઢળક અભિનંદન. ગુજરાતી ભાષાની ગદ્ય પદ્ય અન્ય દરેક વિધામાં અહીયા સાહિત્ય પીરસાય છે જે ખરેખર ખૂબ સરાહનીય છે.