ચાર કાવ્યો ~ લતા હિરાણી

૧. ફરીફરીને ગમીએ

ફરીફરીને ગમીએ, સાજન ફરીફરીને ગમીએ
હું તારામાં, તું મારામાં, ચાલ ફરી અવતરીએ
સાજન ફરીફરીને ગમીએ..

ખળભળ જળમાં થયા કરે,
એ પરપોટા, ના વસ્તર
કદીક વહ્યા જે આંસુ કાલે,
પવને ઉડતા કસ્તર
ભીતર અઢળક ભરીયું તારું મારું, ઘૂંટડા ભરીએ
સાજન ફરીફરીને ગમીએ…

ધોધ ભર્યા છે અંદર આપણ,
શાને એ વેડફીએ ?
વાવ્યો ‘તો તેં સ્પર્શ જે કાલે,
લઈને આજે ઉગીએ
સુગંધ દિલની તળિયે ?
ના રે, રોમે રોમે ફળીયે
સાજન ફરીફરીને ગમીએ…

હોય કદી, જે આજે ગમતું,
કાલે એ ખોવાતું
આજકાલના તડકે છાંયે,
જીવન રેલ્યે જાતું
સઘળું બાહર, ભીતર મધ્ધમ,
સુરમાં વહેતા રહીએ
સાજન ફરીફરીને ગમીએ…

૨. એક નાનક્ડું ઘર

એક નાનકડું ઘર
જ્યારે
વિસ્તરીને થઈ જાય રણ
પછી પાનખરની પાંખો
શોષી જ લે
પાંદડાની ભીનાશ
અને ફૂલોની કુમાશ
પડછાયો થાકે
સાથ આપી આપી
અંતે હું ટીંગાડી દઉં
ખાલીખમ ખીંટી પર
મને…..           

૩. ને અવાજોના દીવાઓ

આકાશ સંકોચાતું જાય છે
ને દિવાલો સૂની પડી છે
બારી બારણાંને
ગુપ્ચુપ વસાતાં જોઈ રહું છું..
મારા જ પડછાયા પાછળ
રઝળપાટ કરીને
થાકી જવાયું છે
ભૂતકાળને હવે જોડી શકાતો નથી
ને અવાજોના દીવાઓ
એક પછી એક
ઓલવાતા જાય છે….          

૪. તડકો

કદી કોઇ વાતે અમસ્તો અછડતો

ન’તો આસપાસે ફરકતો ય તડકો

જરી ઘાવ અમથા જ ખોલે વલોવે

અને રોજ પીડા ખડકતો જ તડકો.

હતા પાસ એને ધક્કાઓ દઈને

પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો

પછી છાંયડા કાજ ઘમસાણ માંડ્યુ

ઠરે કેમ, બાળે એ બળતો જ તડકો

હવેલી અજબની, શી રોનક ગજબની

અહમનો અડે જો અકડતો જ તડકો

બને શૂન્યતાનું એ ખંડેર કેવું

કે પથરાય ચોગમ ગરજતો જ તડકો.

સફરના મિજાજે, ઉંમરના પડાવે

હતો દર વળાંકે વળગતોય તડકો

ઢળ્યો જ્યારે છાંયો, સીમાડો કળાયો

જણાયો પછી તો સરકતો જ તડકો.         
“કદી કોઈ વાતે —–

આ રચનામાં વાત તડકાની છે પણ એ અમસ્તો અછડતો’ ‘આસપાસે ફરકતો’ ‘પીડા ખડકતો’ ‘સ્વયંનો સળગતો’ ’બાળે એ બળતો’ ‘અડે જો અડકતો’ ‘ચોગમ ગ૨જતો’ ‘વળાંકે વળગતો’ વગેરે રૂપો લઈને આવ્યો છે. એનું ‘અમસ્તો’ વગેરે વિશેષણતત્ત્વો સાથે અને ‘કોઈ વાત’ વગેરે નામતત્ત્વો સાથે જે જોડાણ થયું છે તેથી એ રૂપોના સંકેતાર્થો વિકસ્યા છે.

દાખલા તરીકે, વિચારો કે ‘કદી કોઈ વાતે અમસ્તો અછડતો / ન’તો આસપાસે ફરકતો ય તડકો’ એટલે શું? દાખલા તરીકે, ‘હતા પાસ એને ધક્કાઓ દઇને / પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો’ અર્થવિસ્તાર કરી જુઓ. દાખલા તરીકે, “અહમ્- નો અડે જો અકડતો જ તડકો / બને શૂન્યતાનું એ ખંડેર કેવું’, વિચારી જુઓ. દાખલા તરીકે, સફરના મિજાજે, ઉંમરના પડાવે / હતો દર વળાંકે વળગતો ય તડકો’, કલ્પી જુઓ. વગેરે.

આ રચના એ વાતનું ઉદાહરણ છે કે છાન્દસ રચનાઓ પણ કાવ્યત્વસાધક નીવડી શકે છે.

~ સુમન શાહ

(વિદ્વાન સાહિત્યકાર શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ : (સાહિત્યિક સંરસન 3) – અને “કવિલોક” સપ્ટે.ઑક્ટો. 2018 ના સૌજન્યથી સાભાર)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 Comments

  1. આભારી છું જયશ્રીબેન, હિતેનભાઈ અને ટીમ.
    આ કાવ્યો વાંચનારા તમામ મિત્રોનો પણ આભાર.
    લતા હિરાણી

  2. હોય કદી, જે આજે ગમતું,
    કાલે એ ખોવાતું
    આજકાલના તડકે છાંયે,
    જીવન રેલ્યે જાતું. saras.