બાણગંગા: જ્યાં પથ્થર બોલે છે ને પાણી સાંભળે છે (લેખ) ~ યોગેશ શાહ
(સાભાર: જન્મભૂમિ: શનિવાર: તા: ૨૭/૧૨/૨૦૨૫)
બાણગંગા એ મુંબઈનું કદાચ એવું એકમાત્ર સૌથી જૂનુંપુરાણું સ્થળ છે જેના મૂળ સ્વરૂપમાં બહુ ફેરફાર નથી થયો. ટાપુઓની નગરી મુંબઈનું સૌથી પુરાણું અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું હિન્દુઓનું ધાર્મિક સ્થળ હોવા છતાં લોક-સ્મૃતિમાંથી જાણે અદ્રશ્ય થઈ ગયું છે. એનો ઈતિહાસ તમને ૮૦૦ વર્ષ પૂર્વે લઈ જાય છે.
૧૨મી સદીથી એનું અસ્તિત્વ હોવા છતાંય, ચારેય તરફ વિકસતા અને ઝડપથી ધસમસતા મુંબઈમાં એ લોકનજરથી જાણે અલોપ થઈને બેઠેલું છે. સાત ટાપુઓના મુંબઈમાં રસ્તાઓની અને રેલવેની જાળ પથરાઈ પહેલાંથી બાણગંગાનો પરિસર સાધુ-સમી શાંત મુદ્રામાં બેઠેલો છે.
અહીં જાણે પથ્થરો જ બોલે છે અને પાણી જ સાંભળે છે. પ્રાર્થના કરો તો જાણે પાણીમાં વમળો ઊઠે. સમય એવો થંભી ગયો છે. અહીંના શિવમંદિરને કારણે જ આખા એરિયાને વાલકેશ્વર નામ મળ્યું છે.
ધાર્મિક/પૌરાણિક મહત્ત્વ
બાણગંગાનો ઉલ્લેખ પ્રાચીન પુરાણોમાં પણ મળે છે. જનસામાન્ય માટે આ તીર્થસ્થાન છે. કારણ સ્કંદપુરાણના સહ્યાદ્રી ખંડમાં ભગવાન પરશુરામ સાથે અહીંનો ઈતિહાસ જોડાયેલો છે.
પૃથ્વીને નક્ષત્રી કર્યા પછી તપસ્યા માટે મહેન્દ્રગિરી પર્વત પર જતાં પહેલાં એમણે સહ્યાદ્રી પર્વતના સમુદ્ર તરફના પ્રદેશને સાત ભાગોમાં વહેંચી દીધો. અને જ્યોતિર્લિંગની અહીં સ્થાપના કરી. જ્યોતિર્લિંગ પાસેની જમીનમાં બાણ મારી પાણીનો કુંડ તૈયાર કર્યો શિવલિંગના અભિષેક માટે.
આ પાણી ગંગા નદીમાંથી જ આવે છે એવી માન્યતાથી કે આ પાણી ગંગા જેટલું પવિત્ર છે એવી શ્રદ્ધાથી આ તળાવ બાણગંગા તરીકે પરાપૂર્વથી ઓળખાય છે.
આ સ્થાનની પ્રાચીનતા અને પવિત્રતા દર્શાવતી એક લોકકથા એને રામાયણકાળ સુધી લઈ જાય છે. એ કથા મુજબ રામ ભગવાન અને ભ્રાતા લક્ષ્મણ, માતા સીતાની શોધમાં નીકળ્યા હતા ત્યારે અહીં રોકાયા હતાં. અને શિવલિંગ બનાવી પૂજા કરી હતી.
વાલકેશ્વર માહાત્મ્યમાં પણ રામ ભગવાનને લગતી થોડી જુદી કથા છે. કથાઓ બદલાતી રહે છે, પણ માહાત્મ્ય બદલાતું નથી. લોકોની આસ્થા જળવાઈ રહે છે.
અહીંના મૂળ રહેવાસીઓ આને પાતાળગંગા પણ કહે છે. એમની કથા મુજબ ભગવાન રામને અહીં તરસ લાગી પણ મીઠું પાણી ક્યાંય ન હતું. ચારે તરફ ખારો સમુદ્ર જ હતો. તેથી તેમણે પાતાળમાં બાણ મારી ગંગાને ઉત્પન્ન કરી. માટે પાતાળગંગા નામ.
શ્રી કે. રઘુનાથજીના પુસ્તક “ધ હિંદુ ટેમ્પલ્સ ઓફ બોમ્બે” (૧૯૦૦) મુજબ વાલકેશ્વર મંદિરની દક્ષિણ- પશ્ચિમે સાવિત્રીતીર્થ નામનું બીજું એક તળાવ પણ હતું, જેના સ્થાનને શોધવાની જરૂર છે. વિવિધ કથાઓ આ સ્થાનની પવિત્રતાની પુષ્ટિ કરે છે.
એક સામાન્ય માન્યતા એવી છે કે આ તળાવનું જળ મોક્ષદાયક છે. તેથી આજે પણ મૃત વ્યક્તિના અસ્થિ અહીં પધરાવી, બ્રાહ્મણ પાસે ક્રિયાકાંડ-પૂજા કરાવવામાં આવે છે.

કહે છે કે મૂળ બ્રાહ્મણોના વંશજો પરાપૂર્વથી અહીં રહે છે.
અહીં તમને મૃતકોની યાદમાં ઊભા કરેલા પાળિયા પણ દેખાશે. એમના વંશજો જે-તે તિથીએ આવી પૂજા કરે છે. બાણગંગાની આસપાસ પથરાયેલાં નાનાં-મોટાં મંદિરો આખા પરિસરને પવિત્રતા બક્ષે છે.
ઐતિહાસિક મહત્વ
બાણગંગાનો ઈતિહાસ તમને સિલહારા રાજવંશ (૮મીથી ૧૩મી સદી) સુધી લઈ જાય છે. સિલહારા મૂળ તો દક્ષિણના રાષ્ટ્રકૂટ રાજવંશના રાજાઓના જાગીરદારો હતા. પણ આગળ જતાં ઉત્તર કોંકણ, દક્ષિણ કોંકણ અને કોલ્હાપુર એમ ત્રણ ભાગમાં પ્રદેશની વહેંચણી કરી સ્વતંત્ર રાજ કરવા લાગ્યા.
![]()
ઉત્તર કોંકણના રાજાના એક પ્રધાન લક્ષ્મણ પ્રભુએ ઈ.સ. ૧૧૨૭માં આ તળાવ બંધાવ્યું હતું, એવો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. ત્યાર પછી છેક ૧૭૧૫માં રામાજી કમાઠી નામના શ્રીમંત વેપારીએ આ તળાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
વચ્ચેના લગભગ છ સદી સુધીના સમયગાળામાં આ પ્રદેશ ગુજરાતના રાજા ભીમદેવ, ગુજરાતના જ મુસ્લિમ સુલતાન તેમજ પોર્ટુગીઝો અને અંગ્રેજોની સત્તા હેઠળ રહ્યો. મસ્જિદો, ચર્ચો બંધાયા. મંદિરો પર આક્રમણો થયા. પછીથી પારસી, જૈન ધર્મના સ્થાનકો પણ બંધાયા.

તે પહેલાં આ આખો પ્રદેશ જંગલી પ્રાણીઓ અને વૃક્ષોથી ઘેરાયેલો હતો. ચોરડાકુઓનો ભય રહેતો હતો. તેથી અહીં વસ્તી પાંખી હતી. કહેવાય છે કે આ પ્રદેશને વિકસાવવા અંગ્રેજોએ તેમના નોકરો અને બીજા શ્રીમંત વસાહતીઓને કેટલોક ભાગ ભેટમાં આપી દીધો હતો.
૧૭૨૮ના બોમ્બે ગવર્મેન્ટ રેકોર્ડ મુજબ આખો પર્વતીય પ્રદેશ વાર્ષિક રૂપિયા ૧૩૦ના ભાડા પેટે આપી દેવાયો હતો. અને છેક ૧૮૪૭માં એનું ભાડું વધારીને રૂપિયા ૨૦૦ કરવામાં આવ્યું, જેનો પણ વિરોધ થયો હતો. કારણ અહીં જે અનાજ, શાકભાજી વગેરે ઊગતાં હતાં તેમાંથી થતી વાર્ષિક આવક રૂપિયા ૨૦૦ થી ૩૦૦ માત્ર હતી.
અંગ્રેજ સરકાર પાસેથી જમીન લઈ શેણવી અથવા ગૌડ સારસ્વત બ્રાહ્મણોએ અહીં ૪૦ ઘરોથી ગામ વસાવ્યું. માટે આજ સુધી આ પ્રદેશની માલિકી પરંપરાગત રીતે એમની છે એમ તેઓ ગણે છે. સરકાર સાથે ગજગ્રાહ ચાલુ છે.
મલબારના દરિયા કિનારાના કોળી લોકો સૈકાઓથી અહીં આવતા. તેમના નામ પરથી અંગ્રેજોએ મલબાર હિલ નામ આપ્યું હતું.
અહીં છેક છેવાડે દરિયા કિનારે મલબારી કોળીઓના મતે એક મોટો પવિત્ર જાદુઈ પથ્થર હતો, જેમાં કુદરતી રીતે મોટી ફાંટ કે તિરાડ પડી હતી. તેઓ એ તિરાડમાંથી પસાર થઈ દરિયા તરફ નીકળતા. એનાથી પાપમુક્ત થવાય છે એવું માનતા. તેઓ આ પથ્થરને ઘણો શુકનવંતો ગણતા. એને શ્રીગુંડી કહેતા.
કહેવાય છે કે એક યુદ્ધ દરમિયાન મરાઠા સરદાર કાન્હોજી આંગ્રે પણ છુપા વેશે એક રાતે અહીંયા આવી આ શ્રીગુંડીમાંથી પસાર થયા હતા. “ધ હિન્દુ પેન્થીઓન” (૧૮૧૦)માં મેજર એડવર્ડ મુરે આ શ્રીગુંડીમાંથી પસાર થવાની ક્રિયાનું વિગતે વર્ણન કર્યું છે. અને લખ્યું છે કે આ ઘણી જોખમી ક્રિયા હતી.

સાંસ્કૃતિક મહત્વ
મૂળ સિલહારા રાજવંશે હિન્દુ અને જૈન ધર્મની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધારી હતી. પોર્ટુગીઝોના હાથમાં લાંબો સમય રહેવાથી આ પ્રદેશના બાંધકામોમાં તેમની અસર દેખાય છે.
મુસ્લિમોના આક્રમણને કારણે મંદિરો ઢાંકી દેવામાં આવ્યાના, મૂર્તિઓ છુપાવી દેવાના કિસ્સાઓ બન્યા હતા. મંદિરો અને મૂર્તિઓને તોડી પાડી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર થતો.
પોર્ટુગીઝો દ્વારા જબરજસ્તી ધર્માંતરના દાખલા બન્યા હતા. પણ અંગ્રેજોએ ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ ન’તો કર્યો. એમનો ઉદ્દેશ વેપાર-વ્યવસાયનો હોવાથી હિન્દુ ઉપરાંત પારસી અને મુસ્લિમોને પણ વસાવવામાં આવ્યા. અને એમની ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપર કોઈ પ્રતિબંધ ન હતો.
બ્રાહ્મણોએ બાણગંગા તળાવની ચોતરફ દીપસ્તંભોની રચના કરી.

એ વખતે પરિસરમાં ઘર કરતાં મંદિરો વધુ હતાં. વાર્ષિક ઉજવણીઓ થતી. યુવાનો સરકારી ખાતામાં કામ કરતા કે વેપારીઓને ત્યાં નોકરી કરતા. વૃદ્ધો વેદાભ્યાસ કરતા અને પુરોહિત તરીકે પૂજાપાઠ-હવન કરાવતા.
ગવર્નર ઑફ બૉમ્બે (૧૮૪૮થી ૧૮૫૩) લૉર્ડ ફોકલેન્ડના પત્ની એમીલીયાના પુસ્તકમાં જણાવ્યા મુજબ મલબાર હિલમાં યુરોપિયનોના અને દેશી શ્રીમંતોના સુંદર બંગલાઓ અને બગીચાઓ હતાં. ગવર્નરનો બંગલો છેવાડે હતો. પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી આવતા ઠંડા પવન અને સમુદ્રના મોજાંઓના મધુર અવાજથી ગરમીના દિવસોમાં પણ વાતાવરણ ખૂશનુમા રહેતું.
તેમણે વિવિધ મંદિરો, મઠોનો પણ ઉલ્લેખ કર્યો છે. સાધુઓના મઠો અને ધર્મશાળાઓ તો આજે પણ છે. જી. એન. માડગાંવકરે “મુંબઈચે વર્ણન” (૧૮૬૩)માં જણાવ્યા મુજબ મહાશિવરાત્રી અને કાર્તિકી પૂર્ણિમાએ મેળા ભરાતા હતા. એ પરંપરા આજે પણ ચાલુ છે.

વર્તમાન પરિસ્થિતિ
બાણગંગા ફેસ્ટિવલનું આયોજન નિયમિત રીતે ૧૯૯૨ સુધી થતું હતું.

પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ જેવા દિગ્ગજ ગાયકો, સંગીતકારો આવતા. બાણગંગા તળાવના પાણીના મધ્ય સુધી જતા મંચ પર બેસી રાગ છેડતા ત્યારે ચાંદ-તારા પણ જાણે થંભી જતા. પગથિયા પર બેસીને સંગીતપ્રેમીઓ મોડી રાત સુધી ઠંડા પવનની લહેરખીમાં બંધ આંખે સૂરાવલિઓ માણતાં.
હવે આવા ફેસ્ટિવલ નથી થતાં પણ દિવાળીમાં રંગોળી અને દીપમાળા કરવામાં આવે છે.
કાર્તિકી પૂર્ણિમા ઉજવવામાં આવે છે. તે દિવસે હરિદ્વારની પ્રખ્યાત ગંગાઆરતીની જેમ જ અહીં પણ આરતી કરવામાં આવે છે. એ નજારો જોવા જેવો હોય છે.
ચારે તરફના મંદિરોમાં ભગવાનના વાલકેશ્વર ઉપરાંત ગણપતિ, હનુમાનજી, રામેશ્વર, લક્ષ્મીનારાયણ, વિઠોબા, જબરેશ્વર મહાદેવ,બાલાજી વગેરે મંદિરોથી આ તીર્થક્ષેત્રનો પ્રવાસ મુંબઈમાં ઘરબેઠે પુણ્ય સંચિત કરવાનો મોકો આપે છે.
અત્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. નીચે છેક ચોપાટી દરિયાતટથી ઉપર બાણગંગા સુધીનો રસ્તો બાંધવાની સરકારી યોજના છે. એક વાર સમય કાઢી મુલાકાત લેવા જેવી તો ખરી જ.

~ યોગેશ શાહ, મુંબઈ
+91 93232 71180
ખૂબ વિસ્તૃત માહિતીસભર લેખ.. મુંબઈમાં જન્મેલા લોકોને પણ આમાંની ઘણી માહિતી ખબર નહીં હોય. સુંદર શૈલી
Nice history of Mumbai Malabar Hill.