ડુગડુગી (વાર્તા) ~ સુષમા શેઠ, વડોદરા
અંજલિ ખાંડવાળા વાર્તાસ્પર્ધામાં વિજેતા નીવડેલી વાર્તા
(શબ્દો: ૨૨૯૨)
પશ્ચિમે ઢળતો સોનેરી સૂર્ય પોતાનું રેશમી અજવાળું અવની પર પાથરી રહ્યો હતો તે વખતે વાતાવરણને ચીરતો અવાજ અર્પિતાને કાને અથડાયો. ડુગડુગ ડુગડુગ… ડુગડુગીમાંથી રેલાઈને આવતા ધ્વનીતરંગો મનોમસ્તિષ્ક પર વશીકરણ કરતા હોય તેવું એણે અનુભવ્યું. ભીતર કશુંક ડહોળાયું.
એ સફાળી બેઠી થઈ. એને થયું, વિચલિત કરતો એ અવાજ એને સાદ પાડીને બોલાવી રહ્યો છે. કોઈ ખેંચી રહ્યું હોય તેમ મુગ્ધપણે ખેંચાઈને એ ઘરની બહાર નીકળી ચાલવા માંડી.
ઊંચા ઊભેલા અડીખમ મકાનોની વચ્ચેથી ચાલી જતી સુસ્ત નાનકડી ગલી પસાર કરાય ત્યાં સામે જ ઉછળતો અફાટ દરિયો અને ખારા દરિયાના ઉછળતા મોજાંઓમાં ભીંજાવા તત્પર લાંબો રેતીનો પટ. અલબેલી ડુગડુગીના અવાજથી દોરાઈને અર્પિતા છેક અહીં આવી ગઈ.
મદારીનો ખેલ ચાલી રહ્યો હતો. તમાશો જોવા ઉમટેલા ટોળાનું ધ્યાન આકર્ષિત કરવા ડુગડુગી વગાડતો મદારી વાંદરીને નચાવતો હતો અને વાંદરી ડુગડુગીના તાલે નાચતી હતી.
પાળેલી વાંદરીના ઠાઠ તો જુઓ! પગમાં ઝાંઝરી, માથે જૂની જરકસી ટોપી, કધોણું રેશમી પોલકું અને ભડક લાલ રંગની ઘેરદાર ઘાઘરી પહેરાવેલી વાંદરીના લટકામટકા નીરખતી અનેક નાની મોટી અહોભાવ અને વિસ્મય આંજેલી આંખોનું ધ્યાન એની લાચાર આંખો તરફ નહોતું જ. ધ્યાન આપવાની જરૂરેય નહોતી. જોવાનો હતો માત્ર એ ખેલ. પૈસા ફેંકો, તમાશા દેખો.
પણ અર્પિતાએ કંઈક અજાયબ જોયું. પેલી ડુગડુગી એના હાથમાં હતી. સામે વાંદરી નાચતી હતી? ના; ધીમેધીમે વાંદરીનો ચહેરો માણસ જેવો બની ગયો. અદ્દલ એના બાપ વિશ્વનાથ જેવો!
ડુગડુગી વગાડી એ પોતાના બાપને નચાવતી હતી. ડુગડુગીનો ધ્વનિ એના અંતરના નાદ સાથે એકરૂપ થઈ ગયો. ભીતરથી એક ધક્કો વાગ્યો અને ઊંડે ધરબી રાખેલી હતાશા ખંખેરીને એ હસવા લાગી. ખડખડાટ. વરાળ ભરેલું પ્રેશરકૂકર ફાટી પડે એ પહેલાં સીટી વાગી; એવી જ ઊની જેવી જોનારાઓ અર્પિતાને જોઈને વગાડતા હતા.
અર્પિતા ધબ્બ કરતી નીચે રેતીમાં બેસી પડી. હાથમાં આવી પડેલી ડુગડુગી સામે એણે જોયા કર્યું. એ વગાડતાં એણે આનંદની કિકિયારીઓ પાડી. ફરી વગાડી. ડુગ ડુગ ડુગ. પછી મુઠ્ઠીમાં રેતી ભરીને ચારે તરફ ઉલાળી. આનંદનો ઉભરો આવ્યો. લોકો એને તાકતા રહ્યા. એ ફીણફીણ થતાં મોજાંઓને તાકી રહી હતી. મુઠ્ઠીમાં ન પકડાય કે ન જકડાય એવાં વીતેલા કાળ જેવાં પાણી ધસી આવીને પગ પખાળી પાછા વહી જતા હતાં.
જાદુઈ ડુગડુગી વાગતી રહી. ભીતર, બહાર, આસપાસ, ચોપાસ. અર્પિતા પોતાનામાં જ મસ્ત. ખોવાઈ ગયેલો ખજાનો શોધવો હતો. બચપણનો એક ટુકડો પામી લેવા મથતી હોય તેમ એણે ભીની રેતી ઉલેચવા માંડી. રેતીમાં ઊંડો ખાડો ખોદ્યો.
મન-ચક્ષુઓએ જોયું, એ સહેલીઓ સાથે પકડદાવ રમી રહી છે. આંધળોપાટો અને પાંચીકા. શાળાના વર્ગમાં બેસીને અભ્યાસ કરતી વખતે હાથ ઊંચો કરી મેડમને પ્રશ્નો પૂછી રહી છે. પેલી રૂપલી જોડે અંચઈ, કિટ્ટા અને બુચ્ચા. રિસેસમાં જમની સાથે ચણીબોર અને ગોરસ આમલીની મોજ. એને ખટમીઠો બરફગોળો ચૂસતી નાનકડી અર્પિતા દેખાઈ.
આંખો મીંચી ત્યાં તો નાનકડું સુખ દોડતું આવ્યું. એ ટુકડો પકડી લેવા એણે સમયની ગર્તામાં ઊંડે સુધી હાથ નાખ્યો. હાથમાં અફસોસ સિવાય કંઈ જ આવતું નહોતું. ચોંટેલી રેતી ધીમેધીમે સરી પડી. એણે હાથ બહાર કાઢી ખંખેરી નાખ્યા. અચાનક લોકોના ટોળાએ ધસી આવીને ખાડા પર રેતી પાથરી દીધી. એણે પોતાની ઉપર, લોકો પર રેતી ફેંકી.
“પાગલ” કોઈ બોલ્યું. અર્પિતાએ આંગળી વડે રેતી પર લખ્યું, “આય એમ ટે લે ન્ટે ડ”
સર્વત્ર આછા અંધારાની ચાદર પથરાઈ. અજવાળું ઓસરતું ગયું. એ ઊભી થઈ ગઈ. પણ આ શું? હાથમાંથી ડુગડુગી છટકી પડી અને સામે સરકી ગઈ. સામે બેઠેલા મદારીએ તે ઝડપી લીધી. ફરી શરૂ થયો મદારીનો બીજો ખેલ. એને દેખાયું, મદારી ઢાંકીને રાખેલી ટોપલી ખોલે છે. બીન વગાડે છે. સામે સાપ ડોલે છે. એય ડોલી રહી છે.
એણે પોતાની આંખો ચોળી. મદારીના વેશમાં પપ્પા બીન વગાડતા હતા! એ ડોલી રહી હતી. નાચી રહી હતી. ટોપલીમાં બંધ હતો અંતરમનમાં ઉઝરડા પાડતો ડંખતો ભૂતકાળ. પેન્ડોરા’ઝ બોક્સની જેમ અચાનક ટોપલી ખૂલી. એક પછી એક ફૂંફાડા મારતા સાપ બહાર નીકળતા ગયા. સાવ અન્યમનસ્કપણે એણે જોયા જ કર્યું. કેટલાય સર્પ એને ઘેરી વળ્યા હતા.
એણે ડોકું હલાવ્યું. સળવળતો ભૂતકાળ મોઢું ફાડીને સામે આવ્યો, “તું પાસ્સી ઊભી રૈ ગૈ? હાલ પગ ઉપાડ. મોડું થાય સે.”
વિશ્વનાથને ખાંસી આવી. બીડીનો ઊંડો કશ ખેંચી લઈ એણે ઠૂંઠું એક તરફ ફંગોળ્યું પછી અર્પિતાનો હાથ ખેંચી રીતસર એને ઘસડી, “ઓલું હું કેય ઈ ઓડિસનમાં મોડા થાસું તો કાઢી મૂકસે. તારી હાટું આટલી મેનત કયરી ઈ બધ્ધી ફોગટ.”
અર્પિતા પોતાના પિતા પાછળ ઘસડાઈ.
“પપ્પા, મને બવ ભૂખ લાઈગી છે.” દૂબળી પાતળી અર્પિતાને એ બધું સાંભળવા કરતાં પોતાને ભૂખ લાગી છે એ કહેવામાં વધુ રસ હતો.
“ગગી, એકવાર ઈ લોકો તારો ડેન્સ જોઈ લ્યે પસે પેટ ભરીને જમજે હોં. ભરેલા પેટે હરખું ડેન્સ નો થાય. ઝટ હાલ્ય હવે. લે આ પોણી પી લ્યે.”
સામે ધરેલો પાણીનો ગ્લાસ અર્પિતા ગળા હેઠળ ઉતારી ગઈ. ગટાક્ ગટાક્. બીજી બધી વાતોની જેમ જ. બાપ સામે એકેય હરફ નહોતો ઉચ્ચારવાનો. એ કહે તેમ કરવાનું હતું. નહીંતર, “આ હોટી ઝોઈ કે?”
અર્પિતા ડાહી હતી. સમજુ હતી. કહ્યાગરી તો નાનપણથી જ હતી. આંખોમાં ખૂંચતી સોટી એને ડરાવતી હતી, પપ્પાની જેમ જ. ડાહી દીકરી જીદ ન કરે.
“ગગી, અંકલને ઓલી કવિતા ગાઈ બતાવ જોઉં, નાની મારી આંખ, એ જોતી કાંક કાંક…” હા, એ તો કેવી અજબ જેવી વાત હતી કે જે શીખવાય તે અર્પિતા પઢેલા પોપટની જેમ બોલી જતી.
અર્પિતા ટીવીમાં જોઈ જોઈને પેલી હિરોઈનો કરે એવાં જ ડાન્સની નકલ કરી બતાવતી. માબાપ એને જોઈ રહેતા અને એ નિર્દોષપણે એમની મોટી મોટી આંખો જોઈ રહેતી. પછી તો કડક શિસ્ત વચ્ચે ધમધોકાર પ્રેક્ટિસ ચાલી. ભૂલ ન પડવી જોવે. ભૂલ પડી કે ગાલે પપ્પાનો તમાચો પડ્યો જ સમજો.
“મારી બેનપણીઓ પાંચીકા રમે છે. હુંયે તે રમવા જાઉં ને?” નાનકડી આંખોમાં આશા ડોકાઈ.
“ના.” જડબેસલાક એકાક્ષરી ના. અર્પિતાની આસપાસ “ના” “ના” “ના”ની કાંટાળી વાડ ફૂટી નીકળતી જેને ઓળંગવી અઘરી હતી.
“પપ્પા, બવ ભૂખ લાઈગી છે.”
“આગરવારો ઈસ્ટેપ કરી બતાવ પસ્સી ખાવાનું આલેસે. ના, અત્તારે રમવા નથ જાવાનું. આજે ઈસકુલમાંયે નો જાતી, પેલ્લાં ધોરણમાં વરી હુંયે મોટું ભણાઈ દેવાના હેં? પેલ્લાં આ ડેન્સ હરખો કરી બતાવ. ઝો હરખું ઝોઈ લ્યે. હાથ સાતી પર મૂકીન આંખ્યું ઓમ પટપટ કરવાની. હમઝાયું?”
અર્પિતાને નહોતું જ સમજાતું. બાપની ચિંતાઓ અભેરાઈએ ચઢાવીને એ પૂછી બેસતી, “ઓલી સંગીતા છેને? ઈ કેતી’તી, એના પપ્પા રોજ્જે ઈની હારે સાપસીડી રમે.”
બાપે આદરેલી રમતમાં એણે સીડીઓ ચડવાની હતી. પગલું ચૂકે તો સાપ કરડે.
“આ ઇસ્ટેપ હરખો નથ થાતો. ધિયાન કાંછ તારું?” ફૂંફાડા મારતો બરછટ અવાજ જાણે ડસવા તૈયાર જ હતો. અર્પિતાએ ધ્યાનભંગ નહોતું થવાનું. સ્ટેપ બરાબર કરવાના હતા.
કારણ? કારણ એ વિશિષ્ટ હતી. સાધારણ નહીં; ખાસ હતી. કોઈકે કહેલું તેમ, પ્રતિભાશાળી હતી. “વેરી ટેલેન્ટેડ” શબ્દ વારંવાર સાંભળીને હવે કાનમાં ઘૂંટાઈને ત્યાંથી સીધો મગજમાં કોતરાઈ ગયેલો. એણે વિશ્વનાથને પૂછેલું, “હેં પપ્પા, ટેલેન્ટેડ એટલે?”
“એટલે…” વિશ્વનાથ ગૂંચવાયો હતો. પછી આવડે તેવો જવાબ આપ્યો, “એટલે તું મસ્ત ડેન્સ કરસ ઈ હંધાયને બતાવાનું. તું ટીવીમાં દેખાએસ. ચેટલાય લોક તને જોસે. કદાચને ફિલ્લમમાંય કોમ મલી જાહે. પસ્સે આપણને બવ બધા રૂપિયા મલે હોં.” પછી તો દીકરી માટે લેવાતું અભિમાન અભરખામાં પરિણમ્યું.
નજર સામે દેખાતી ટોપલી બંધ થઈ. ફરી વાર ખૂલી. આસપાસનું ભાન ભૂલીને નાગિનની જેમ નાચતી અર્પિતા મોટેથી ગાવા માંડી, “મૈં નાગિન તૂં સપેરા.” લોકોને મન આ નવું કૌતુક.
મદારી બીન વગાડે. એ નચાવે તેમ નાચવાનું. અર્પિતાની માનો જીવ કોચવાતો પણ વિશ્વનાથ મક્કમ હતો, “ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સૉના ઑડિસન હાટું આને લૈ જાંવ. મારી સોડી કોઈનાથીયે કમ નથી હોં.”
પાંપણ પર પતંગિયું આવીને બેઠું. ભારે થયેલાં પોપચાં ઢળી પડ્યા. અર્પિતાએ આંખો મીંચી દીધી. ટોપલીમાંથી બીજો સાપ નીકળ્યો. કાળો કાળો. અંગ મરડીને બેઠા થયેલા ભૂતકાળ જેવો. એને દેખાયું,
બાપદીકરી લોકલ બસમાં અથડાતાકૂટાતા નિયત સ્થળે પહોંચ્યા હતા. મોટા મોટા બેનરો અને લાંબી લાંબી લાઈનો. આટલે સુધી લાંબા થયા બાદ બીજા હરિફોને ઓળંગી જવાનું હતું. જે ઘોડા પર દાવ લગાવ્યો હોય એણે રેસમાં જીતવાનું જ હોય.
વિશ્વનાથે સાથે આણેલાં વસ્ત્રો દીકરીને પહેરી લેવા કહ્યું. ભાડેથી લાવેલા ચણિયા ચોળી પહેરી એણે હોઠ પર આવડે એવી લિપસ્ટિક ચોપડી. માએ કપાળે ચાંદલો અને આંખમાં આંજણ આંજી આપેલું. ફિલ્મના ગીતમાં હિરોઈને કરેલો એવો જ મેકઅપ કરતાં એ શીખી ગયેલી એ તેણે ચહેરા પર આવડે તેવો ચોપડ્યો.
છેક બે કલાકે એનો વારો આવ્યો ત્યાં સુધી, “પપ્પા, પગ દુ:ખે છે. પપ્પા, મને ભૂખ લાઈગી છે. પપ્પા, ઊંઘ આવે છે.” એવું રટણ ચાલુ હતું પણ પપ્પાની મોટી ભૂખ સામે એનો પાતળો અવાજ કચડાઈ ગયો. મદારી લયબદ્ધપણે બીન વગાડી રહ્યો હતો.
નાના મારા હાથ એ તો તાળી પાડે સાથ… અર્પિતા નાચી. સરસ નાચી. સુંદર અંગમરોડ અને ફિલ્મમાં હિરોના પ્રેમમાં હતી ત્યારે હિરોઈને જેવાં હાવભાવ અને ચેનચાળા બતાવેલાં એની જ સાંગોપાંગ નકલ કરી. જોનારા સૌ આફરીન પોકારી ગયા. પ્રસંશાભરી કેટલીયે આંખો એને ટીકી ટીકીને જોઈ રહી હતી.
લાઈટોથી ઝગમગતા વિશાળ સ્ટેજ પર એનું નૃત્ય પૂરૂં થતાં જ તાળીઓના ગડગડાટે એના કૃશ શરીરમાં જોશનો સંચાર કરી દીધો. ત્રણેય નિર્ણાયકો ઊભા થઈ ગયેલા. હવે તો સેમિ-ફાઈનલ રાઉન્ડમાંથી ફાઈનલ રાઉન્ડમાં એણે કૂદકો માર્યો હતો.
“છોકરી, તારી ઉંમર શું છે?”
“સાત જ વર્ષની છે બોલો.”
“ગજ્જબના લટકામટકા કરે છે આ ટેણકી અને અંગમરોડ જાણે રબરની ઢીંગલી. એના ચહેરાના હાવભાવ જોયા? અસ્સલ માધુરી જેવા. મોઢું કેવું મચકોડ્યું અને આંખનો ઉલાળો. એક દો તીન…” દર્શકોની આંખો પહોળી થઈ ગઈ. મોઢા ખુલ્લા રહી ગયાં. અનેક કીકીઓમાં છપાઈ ગયું હતું એક જ પ્રતિબિંબ. અર્પિતાનું.
પગ મારાં નાના એ ચાલે છાનામાના એ તો કેવી અજબ જેવી વાત… પણ અર્પિતાનું ડાન્સ પર્ફોમન્સ પત્યું અને દુ:ખતા પગ આગળ ન ચાલ્યા. ભૂખના ચક્કર આવ્યાં અને એ સ્ટેજ પર ઢગલો થઈ પડી ગઈ. વિશ્વનાથ દોડ્યો, બધાં ઊભા થઈ ગયાં. સહાયકોએ, “કોઈ ડોક્ટર હાજર છે?” એવી બૂમો પાડી.
વિશ્વનાથે એના ચહેરા પર પાણી છાંટ્યું. સાથે આણેલા બિસ્કિટ એને ખવડાવ્યા. સોનાના ઈંડા આપતી મરઘીને મૂર્છામાં સરી પડતી બચાવી લેવાઈ.
“બચ્ચી કા ખયાલ રખીએગા.” કહી સંચાલકો છૂટા પડ્યા. ખયાલ તો રખાતો જ હતો ને. એ ટેલેન્ટેડ હતી. એણે બેસ્ટ ડાન્સરનો જંગ જીતવાનો હતો.
અર્જુનની માફક ફક્ત પક્ષીની આંખ પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું; બીજા કશા પર નજર ન પડવી જોઈએ; બીજું બધું ભૂલી જવાનું. શશશશ… ચૂપ. અવાજ નહીં. આ સોટી જોઈ છે? નાની મારી આંખ એ જોતી કાંક કાંક…
અર્પિતાની મા જોયા કરતી પણ એને ચૂં કે ચાં કરવાનો હક નહોતો. વિશ્વનાથે ગાઈ વગાડીને કહેલું, “કાંક ઝોઈતું હોય તો કાંક ગુમાવવુંય પડે. હુંય તે એની વાંહે લાગેલો છઉં. ઈ તો ભોગ આપવો પડે. આપણી અરપિના નામના ડંકા વાગસે. ઘરે ટંકસાળ પડસે તારઅ તને થાસે કે હું હાચો છઉં.”
વાત ક્યાં ખોટી હતી? નિર્ણાયકો પોકારીને કહેતા, “લક્ષ સિદ્ધ કરવા એક ધ્યેયે મંડી પડનાર જ સફળતા હાંસલ કરે છે.” નાના મારાં કાન એ સાંભળે દઈ ધ્યાન. આ તો કેવી અજબ જેવી વાત…
અર્પિતાને કાને ડુગડુગીનું ડુગડુગ સંભળાયું. એણે જોયું, ડુગડુગી વાગી એટલે વાંદરી નાચી. ન નાચે તો ખાવાનું ન મળે. નાચે તો જ પૈસા મળે. સૌ એનો ખેલ જોઈ તાળી પાડે. એની લાચાર આંખો કોઈ ન જુએ. આજે ફરી આમ અચાનક હાથમાં ડુગડુગી આવી. અર્પિતા આકાશમાં ઉડવા માંડી. વાંદરી પપ્પામાં પરિવર્તીત થઈ ગઈ. એ હસવા લાગી. પપ્પાને એ નચાવતી હતી.
“આજ મૈં જવાન હો ગઈ હૂં.” ટોપલીમાંથી નીકળ્યા નવાં નવાં ગીત. નવાં સ્ટેપ્સ. મેકઅપ. નકલ. લટકા અને મટકા. સ્પર્ધા. રાતદિવસ પ્રેક્ટિસ. એક જ ધ્યેય. બેસ્ટ ડાન્સર. લોકોની વાહવાહી. તાળીઓનો ગડગડાટ. હા, એ સાથે જ દોડી આવેલી કડકડતી નોટોની સુગંધ. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું.
અર્પિતાએ “બેસ્ટ ડાન્સર ઑફ ધ યર”નો ખિતાબ જીત્યો. આનંદ આનંદ. અજબ જેવી વાત નહોતી. એ તો મળવાનો જ હતો.
વિશ્વનાથની મહેનત લેખે લાગી. અર્પિતા જાણે હવામાં ઊંચકાઈ. ઉપર ને ઉપર. પછી તો જ્યાં જાય ત્યાં માગણી થતી, “પેલો હેમા માલિનીવાળો કરી બતાવ.” એમાં માધુરી, કરિશ્મા, વૈંજતી માલા, આશા પારેખ, હેલન અને બિન્દુ પણ ભળી ગયા.
ડુગડુગ ડુગડુગ. ડુગડુગ ડુગડુગ. પગમાં ઝાંઝરી હતી કે સાંકળ? છમ્મ છમ્મ છમ્મ સાથે ખણખણ ખણખણ. અર્પિતા આગળ વધી ગઈ. ભણતર પાછળ રહી ગયું. ભણીને શું કાંદા કાઢવાના? અર્પિતા તો ટેલેન્ટેડ.
“હેં? સોડી, એ તું હું બોઇલી? ડેન્સ નહીં કરું? ચ્યમ? બહુ ચરબી ત્ચઇઢી સે? નખરાં કરેછ? જાજો અવાજ કઈરો નેએએએ તો ખાલ ઉધેડી નાખેસ.” ફૂઉઉઉ… સાપે ફૂંફાડો માર્યો.
ચળકતા કૂકરની ભીતર વરાળ ભેગી થતી રહી. સીટીઓ વાગતી રહી. પૈસા ફેંકાતા ગયા. ઉસેડાતા ગયા. ગરીબડી ખોલીમાંથી થ્રી બીએચકેવાળું મોભાદાર ઘર અને ફિલ્મોમાં આઈટમ સોન્ગ પર નૃત્ય થતા ગયાં.
અર્પિતા વિશ્વનાથ માંજરેકર પ્રખ્યાત આઈટમ ગર્લની ડિમાન્ડ વધતી ગઈ. ફિલ્મ હિટ થાય કે ન થાય, અર્પિતાનું આઈટમ સોન્ગ બેશક હિટ થાય. વિશ્વનાથ એને લઈને સેટ પર પહોંચી જતો. સાથે ને સાથે રહે. બરાબર યાદ હતું, જજસરે કહેલું, “બચ્ચી કા ખયાલ રખના.”
કાચી કળી જેવી બચ્ચી પૂર્ણપણે ખીલી ગઈ હતી. કોઈ સૂંઘી જાય તો? કોઈ તોડી જાય તો? માળીનો કડક ચોકીપહેરો રહેતો. એ નાની હતી ત્યારથી મગજમાં ગૂંચળુ વળીને પડેલો એક જ ખયાલ. એનો જ ખયાલ.
નામ દામ સુખ સાહેબી બધું જ મળ્યું. ડુગ ડુગ ડુગ ડુગ… ડુગડુગી બોલાવી રહી હતી. એ દોડીને દરિયા કિનારે ગઈ. ભીની રેતીમાં ખાડો ખોદવા માંડી. કદાચ ખાબોચિયા જેટલો બાપનો સ્નેહ કે વાત્સલ્ય મળી જાય!
છેક અંદર દેખાયું, એ એની સહેલીઓ સાથે ઘરઘત્તા રમે છે, ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં છબછબિયાં કરે છે, ઢીંગલા-ઢીંગલીના લગન કરાવે છે. કેવો આનંદ… કેવું નાનકડું સુખ! અર્પિતા હસું હસું.
ત્યાં તો ફરી પપ્પા આવ્યા. એને હાથ પકડીને બેઠી કરી. ખાડા પર રેતી નાખી ખાડો પૂરી દીધો, “ઘેલાં કાઢ મા.” અર્પિતા પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ. આજુબાજુ નજર કરી. ચકળવકળ આંખે ચારેકોર કશુંક શોધતી રહી. પછી મોટેથી ભેંકડો તાણ્યો, ”ખોવાઈ ગયુંઉઉઉં.”
પપ્પાએ એકવાર પૂછેલું, ‘અરપી, બોલ તને બડ્ડેમાં હું લાઈ આલું? આઝ તો તું જે માંગે ઈ આલું.’
”પપ્પા, આપી શકશો મને મારું બચપણ?” પૂછતાં અવાજ તરડાઈ ગયો. બે ઉદાસ આંખોમાં ન સમજાય તેવી તરસ હતી. દરિયો પાણીથી છલોછલ પણ એક ખોબોય પી ન શકાય. સૂસવાટા સંભળાયા બાદ સન્નાટો પથરાઈ ગયેલો.
અર્પિતાની આંખોમાંથી બોર જેવડી ખારાશ ટપકી. એણે હાથ લંબાવ્યો. આહ! ફરી ડુગડુગી હાથ લાગી. એણે આંખો મીંચી દીધી. યુવાન ચહેરા પર તેજ પથરાયું. એ નાની બાળકીની જેમ ખીલખિલાટ હસી પડી. હાશ!
હવે એણે અનેક સાપ ભરેલી ટોપલી સજ્જડ બંધ કરી દીધેલી. કડવો ભૂતકાળ ભૂલીને ખોદેલા ઊંડા ખાડામાંથી એણે પોતાનું બચપણ ઉલેચવા માંડ્યું. ભીતર નજર કરી. જેની તીવ્ર ઝંખના હતી એ મેળવી લેવું હતું. એમ કંઈ મન ઓછું માને? એ ફરી એકવાર નાનકડી નિર્દોષ બાળકી બની ગઈ. એણે કૂદકા માર્યા. નિર્રથક દોડાદોડી કરી. પાણીમાં છબછબિયાં કર્યાં.
ડુગડુગી વાગતી રહી, ડુગ ડુગ ડુગ… પછી તો જ્યારે જ્યારે એ ધ્વનિતરંગો બોઝિલ હવામાં વહેતા થાય ત્યારે અર્પિતા બંધ ટોપલીની ઉપર ઊભી રહીને ચિત્તભ્રમ દશામાં નાચી ઉઠતી સાવ નાનકડી બાળકીની જેમ.
ઘડીક હસતી તો ઘડીક રડતી અર્પિતાને જોઈ વિશ્વનાથ ગભરાયો. કોઈકના કહેવાથી મનોચિકિત્સક પાસે દોડી ગયો.
“આને પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય. જુઓ, સમજાવું.” ડૉક્ટર સમજાવતા ગયા. વિશ્વનાથ તદ્દન અવાક્!
ચકળવકળ આંખે શૂન્યને તાકતી અર્પિતા ગાવા લાગી, ‘નાચ મેરી જાન, ફટાફટ…’ પછી વિચિત્ર રીતે હસી પડી; ખડખડાટ.
“અંકલ અંકલ, હું મારી ફ્રેન્ડ સાથે સ્નેક એન્ડ લેડર રમવા જાઉં? જુઓને પપ્પા મને નથી જવા દેતા.”
“મારી હામ્મું આમ જોયા નો કર. અરપિ, જા.” આગળ શું કહેવું એ વિશ્વનાથને સૂઝ્યું નહીં. શર્ટની બાંયથી એણે ભીની આંખો લૂંછવાનો નિર્રથક પ્રયત્ન કર્યો.
નિર્દોષ બાળકી જેવી ચેષ્ટાઓ કરતી પગ હલાવતી અર્પિતા ડૉક્ટરને પૂછી રહી હતી, “કહો ને અંકલ, કયો ડાન્સ કરી બતાવું?”
~ સુષમા શેઠ
sushmaksheth24@gmail.com
ભાવસભર જુદા જ કથાબીજવાળી વાર્તા
વાહ ખૂબ સરસ…
ક્યાંક ક્યાંક વ્યાકરણની અને વાક્ય રચનાની ચલાવી લેવાય તેવી ભૂલો છે.
લેખિકા દોર ચૂક્યા નથી. ડુગ ડુગી દ્વારા ધાર્યું નિશાન પાર પાડ્યું છે.
અભિનંદન અઢળક.
ડુગ ડુગી વાર્તા માટે સુષ્મા શેઠને ખૂબ ખૂબ અભિનંદન 👏🇮🇳🎉ખૂબ હૃદયસ્પર્શી varta
અત્યંત સુંદર વાર્તા