મેરે દિલ કી ઘડી ~ નીલે ગગન કે તલે ~ મધુ રાય
આપણે જેના વડે જગતનો વહેવાર ચાલવીએ છીએ તે “ભાષા”ઓ અંગે નિકોલ વિલેન્યુવે નામે એક પત્રકાર બ્રધર નેટ ઉપર કેટલીક લવલી બ્રધરલી વાતો જણાવે છે. જેમ કે ભગવાનની જેમ ‘સમય’ યાને મહાકાલ યાને ટાઇમનું પણ ‘યે યથા તામ પ્રપદ્યન્તે’ તે જ રીતે સમય તેને સાંપડે છે.
આપણે જે ભાષાઓ બોલીએ છીએ તે માત્ર આપણી વાતચીતનું જ સાધન નથી, આપણે સમગ્ર વિશ્વ-બ્રહ્માણ્ડને કેવી રીતે જોઈએ સમજીએ છીએ તેનો આધાર પણ આપણે જે ભાષા બોલીએ તેના ઉપર છે.
જેમકે જે ભાષાની લિપિનું રૂખ કે દિશા ઉપર ટાઇમ વિશે આપણે કેવી રીતે વિચારીએ છીએ તેના ઉપર થઈ શકે છે. ભારતીય ભાષાઓ, તેમ જ અંગ્રેજી જેવી યુરોપીયન ભાષાઓ ડાબેથી જમણે લખાય છે, અત: આપણે જીવનથી મૃત્યુ સુધીની સપાટ સમયરેખાને ડાબેથી જમણે કલ્પીએ છીએ: ભવિષ્યને “આગળ” અને ભૂતકાળને “પાછળ” જોઈએ છીએ.
કિંતુ એન્ડીઝની સ્થાનિક આયમારા ભાષા બોલનારાં ભૂતકાળને “આગળ” માને છે, કારણ કે ભૂતકાળ જાણીતો છે, દૃશ્યમાન છે, જ્યારે અદૃશ્ય, અણધાર્યા ભવિષ્યને તેઓ “પાછળ” ગણે છે.
ભારતમાં ઉત્તરેની સંસ્કૃત કુળની ને દક્ષિણે દ્રવિડ કુળની ભાષાઓ પરસ્પરથી પૃથક અને સ્વતંત્ર વાણીઓ છે. ચીનમાં એક જ ચિત્રલિપિથી લખાતી ભાષા છે, જેનો મિજાજ બારબાર ગાઉએ બદલાતો જાય છે, વિધવિધ સ્વરૂપે તે નખરાળી ચંચળ નારની જેમ ભંગિમાઓ બદલે છે ને તેનાં બે મુખ્ય સ્વરૂપો છે મેન્ડરીન અને કેન્ટોનીઝ.
એટલે ચીનમાં પણ ચીનની ચિત્રલિપિ ઉપરથી નીચે લખાય છે, તેથી તેમાં સમયને ઊભી લીટીમાં કલ્પાયો છે. તેમાં ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ “ઉપર” અને ભવિષ્યની ઘટનાઓનો ઉલ્લેખ “નીચે” તરીકે કરાય છે, આવતું અઠવાડિયું “નીચે”નું અઠવાડિયું” કહેવાય છે.
દુનિયામાં એક યા બીજા સ્વરૂપે ઇંગ્લિશ ભાષા સૌથી વધુ લોકો ભાષે છે. અને સૌથી વધુ લોકોની માતૃભાષા મેન્ડરીન ચાઇનીઝ ઈઝ. યહૂદીઓની હિબ્રૂ, યિદ્દીશ, આરબોની અરબી, ઈરાનની ફારસી વગેરે ભાષાઓ પણ જમણેથી ડાબે લખાય છે, કિન્તુ વિલેન્યુવેના લેખમાં તે બાબત કોઈ વિગત નથી.
વિશ્વમાં જાણીતી ભાષાઓની અંદાજિત સંખ્યા 6,900. દર વર્ષે 100 વર્ષે એક દિવસની લંબાઈમાં 1.7 મિલિસેકન્ડ ઉમેરાય છે. એક સેકન્ડનો હજારમો ભાગ એટલે મિલિસેકન્ડ. વિશ્વની સૌથી મોટી ઘડિયાળનો વ્યાસ 141 ફુટ યાને ૪૩ મીટર છે.
લેખમાં એક મહા જાજરમાન ને ઝગમઝગટ ભરેલી ઘડિયાળ વિશે એક રસીલી વાત પણ છે.
Marie Antoinette – Life Span – 1755 – 1793
Queen of France from 1774 to 1792
1783માં, ફ્રાન્સની રાણી મેરી એન્ટોનેટ માટે એક અદભુત ઘડિયાળ તૈયાર કરવાનું ફરમાન તે સમયના અગ્રણી સ્વિસ ઘડિયાળ નિર્માતા અબ્રાહમ-લુઇસ બ્રેગુએટને કરાયું હતું. તે બનાવવામાં કેલો ખર્ચ થાય અને કેટલો સમય લાગે તેની કોઈ પરવા ન કરવા કહેવાયું હતું.
એ તૈયાર થયું ત્યારે આપોઆપ લોકોએ તેને “ધ ક્વીન” મહારાણી નામ આપેલું. કેમકે તે મહાબલી, મહા વૈભવી ને મહા શૃંગારી શાહંશાહની પ્રિયતમાને છાજે એવું, આંખને આંજી નાખે એવું ભવ્ય હતું.
એમાં પિત્તળને બદલે સોનું વપરાયેલું, અને તેમાં અનંત સમયમાપન કેલેન્ડર, ધાતુના થર્મોમીટર અને નીલમ જડિત સુશોભનો વિલસતાં હતાં. તે ઘટિકાયંત્રના નિર્માણમાં 44 વર્ષ લાગ્યાં જે દરમિયાન તેનો ઓર્ડર આપનાર મહારાણી એન્ટોનેટને 1793 માં મૃત્યદંડની સજા થઈ હતી અને તેના મૂળ કારીગર બ્રેગુએટ પોતે 1823 માં મૃત્યુ પામ્યા હતા. બ્રેગુએટના પુત્રે સન 1827માં તે અનન્ય કૃતિ પૂર્ણ કરેલી.
L.A. Mayer Museum for Islamic Art
આ ઘડિયાળ ફરતીફરતી ઇઝરાયેલના નગર યરૂશાલેમના “મેયર મ્યુઝિયમ ફોર ઇસ્લામિક આર્ટ” પ્રદર્શિત કરવામાં આવેલું પણ અચાનક સન 1983માં તે ચોરયું અને દાયકાઓ સુધી અદૃશ્ય અને લાપતા હતું. આખરે 2006 માં તે ચોરના મૃત્યુ બાદ તેની પત્નીએ તે મ્યુઝિયમને પરત કરેલું.
આપણે સમયને સ્થળની માફક એક લાંબા મહામર્ગ તરીકે સોચીએ છીએ. પહેલાં એક સ્થળેથી બીજા સ્થળે જવાતું કે જોવાતું નહીં પણ હવે તે ચપટીમાં થાય છે. તેમ મહામુનિ આઇન્સ્ટાઇનના કહેવા મુજબ મનુષ્ય એક દિવસ યુગવિમાનમાં બેસીને યુગયુગાન્તરોમાં ચક્કર મારી શકશે ને કાબે અર્જુનને કઈ રીતે લૂટીઓ તે, તથા પોતાની સાતમી પેઢીએ સોનાના પારણામાં સૂતેલ પ્રપ્રપ્રપ્રપ્રપપ્રપૌત્રને પોઢેલો જઈ શકશે.
આઈન્સ્ટાઈનના થિયરી ઓફ રિલેટિવિટી યાને સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ, પ્રકાશની ઝડપે મુસાફરી કરવાથી પૃથ્વી પર રહેતી વ્યક્તિ ઘરડી થઈ જાય પણ તેની તુલનામાં પ્રકાશની ઝડપે મુસાફરી કરતો યુગ–પ્રવાસી લાલ ગલગોટા જેવો ફુલજુવાન ને માનણગારો રહેશે.
બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી ને સચવાયેલી એક “ડૂમ્સડે” યાને પ્રલયની આગાહી કરતી ઘડિયાળ વિશ્વમાં માનવસર્જિત અવિચારી હરકતોથી ઊભી થતી પ્રલયંકર આપત્તિની શક્યતાનું પ્રતીક છે. આ ઘડિયાળને વિશ્વની ઘટનાઓના આધારે સતત ગોઠવવામાં આવે છે, જેમાં મધ્યરાત્રિ સંસ્કૃતિના અંતનું પ્રતિનિધિત્વ કરે છે. જય કલ્કિ અવતાર!
****