સંબંધનો ચતુષ્કોણ (વાર્તા) ~ આરતી રાજપોપટ 

‘આજ મેરે યાર કી શાદી હૈ… બેન્ડવાજા પર વાગતી ધૂન અને આતશબાજીના ધીમે-ધીમે નજીક સંભળાતા જતા અવાજોમાં, ડિમ્પલના હૈયાના વધતા જતા ધબકારા પણ ભળી રહ્યા હતાં.

અરીસા સામે બેઠેલી ડિમ્પલ દુલ્હનના શૃંગારને આખરી ઓપ આપી રહી હતી. નવોઢાનો સૂર્ખ લાલ પોશાક, કપાળે ઝગમગતો લાલચટ્ટક ચાંદલો અને પરવાળા જેવા હોઠ પર ઓપતી સુરેખ લિપસ્ટિક!

સુસજ્જ રૂપે જાતને નીરખી રહેલી ડિમ્પલના ચહેરા પર સંતોષની આછી રેખા ઉપસી. પળભર એ એકટક પોતાનો ચહેરો જોઈ રહી. જાણે, શોધી રહી હતી કે મેકઅપ અને ઘરેણાંના આ અપ્રતિમ શણગાર નીચે હજુ કોઈ અસંતોષ કે અણગમાંની રેખા છુપાઈને નથી બેઠી ને!

ના, બાહ્ય શૃંગાર સાથે તે મનથી પણ સંપૂર્ણ સજ્જ હતી. તેના મુખ પર સંતોષનું એક સ્મિત રેલાયું. બહાર સામૈયાની વિધિ પતી એવી જ સખીઓ તેને વરમાળા માટે લઈ જવા આવી.

ફાઈવસ્ટાર હોટેલના, તાજાં ફૂલોથી સજેલા પ્રવેશદ્વાર પર ઊભેલા કમલની નજર ડિમ્પલને જોવા વ્યાકુળ હતી. સ્ત્રીવૃંદ સાથે આવતી ડિમ્પલને એ અનિમેષ નજરે જોઈ રહ્યો. ડિમ્પલે ત્રાંસી નજરે આ જોયું.

“કમલ વરરાજાના વેશમાં કેવો શોભી રહ્યો છે.” એનું હૃદય વધુ જોરથી ધડક્યું.

ધીમી ચાલે એ ત્યાં પહોંચી. બંનેએ એજબીજને વરમાળા પહેરાવી એ સાથે જ તાળીઓ અને સિટીઓથી માહોલ ગુંજી ઉઠ્યો. અત્યાર સુધી કમલને જોવામાં ખોવાયેલી ડિમ્પલનું ધ્યાન અચાનક કમલની પાછળ ઉભેલા એક શખ્સ પર ગયું અને જોરજોરથી ધડકતું એનું હૃદય એક ધબકારો જ ચૂકી ગયું.

“અરે, આ શું? કરણ અહીં? એ અહીં શું કરી રહ્યો છે?”

“અડધો કલાક પછી હસ્તમેળાપ અને ફેરાની વિધિ શરૂ થશે..” પંડિતજીના શબ્દોને અસ્પષ્ટપણે સાંભળતી કરણની હાજરીથી સ્તબ્ધ ડિમ્પલ ધીમે પગલે પોતાના રૂમ તરફ વળી.

અતીતના સાગરનું એક મોજું આવી વર્તમાનના કિનારે અફડાઈને ગયું અને નજર સામે અસંખ્ય ઘટનાઓ ફેલાવી ગયું.

એ વખતે ડિમ્પલ પુના જોબ કરતી એ વિશાળ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઘણી કંપનીની ઓફિસો આવેલી હતી. ત્યાં બીજી કોઈ કંપનીમાં જોબ કરતા કરણની સાથે એની મુલાકાત થઈ પછી બંનેની ઓળખાણ થઈ અને મિત્રો બન્યા.

દિલ્હીની ડિમ્પલ અને ચંદીગઢનો કરણ. પરિવારથી દૂર રહેતા, કોઈની હૂંફ અને સાથ ઝંખતા બેઉને એકબીજાની કંપની ગમવા લાગી. પણ, એનો અર્થ એવો નહોતો કે એકબીજાના પ્રેમમાં હતા.

ઉંમરની પચીસી વટાવી ગયેલા બે યુવાઓની સમજણ અને પુખ્તતા ભરી મિત્રતા હતી. જેમાં બને એકબીજાનો સાથ માણતા. સમય આપતા. જરૂર પડ્યે મિત્રતાની મર્યાદામાં રહી સલાહ સૂચન પણ કરતા.

“એ શનિ-રવિની મસ્તી, ડિસ્કો, ડિનર, મિત્રો સાથે મોડી રાત સુધીની પાર્ટીઓ, વન ડે પિકનિક… કેવા એ દિવસો!”

એમજ એમની મિત્રતાને ખાસો સમય થઈ ગયો. એ વખતે કોઈ કામસર કરણ દસ દિવસ માટે ઘરે ગયો હતો. ત્યારે ડિમ્પલને એકલતા ખલવા લાગી હતી. ને, એને પહેલીવાર એવું લાગ્યું કે એ કરણને ચાહવા લાગી છે કદાચ!

આ વિચાર સાથે જ એની આખી દુનિયા બદલાઈ ગઈ હતી. એના રોમરોમમાં એક અનેરો ઉત્સાહ, તાજગી ભરાઈ ગયા. એ આતુરતાથી કરણના આવવાની રાહ જોવા લાગી. હૃદયની લાગણીઓ ઊછળી ઊછળીને કહેવા લાગી હતી કે જલ્દી કરણ આવે ને જલ્દીથી દિલની વાત એને જણાવું!

મનમાં શંકા પણ હતી, શું એ પણ મને ચાહતો હશે? અત્યારે થોડો સમય એકબીજાથી દૂર થતાં એનામાં પણ આવી કોઈ ભાવના પ્રબળ થઈ હશે?`

ડિમ્પલ માટે હવે એક-એક દિવસ શું એક-એક પળ કાઢવી મુશ્કેલ હતી. કોઈ અજબ નશો, એક ગાંડપણ સવાર થયું હતું એના મન પર! એને સમજાતું નહોતું કે એને અચાનક આ શું થઈ ગયું છે.

કરણ ત્યાં કામમાં બીઝી હોઈ વધુ વાત પણ નહોતી થતી. માત્ર ઔપચારિક મેસેજ થતા. આમ ને આમ દસના બાર દિવસ થઈ ગયા છતાં કરણ ન આવ્યો. એનાથી રહેવાયું નહીં, ‘આજે તો વાત કરી પૂછું જ કે, ક્યારે આવે છે. અને તરત ફોન જોડ્યો.

“ઓહ હાય ડિમ્પી,  હું તને આજે કૉલ કરવાનો જ હતો. ટેલિપથી થઈ ગઈ કે શું? હા..હા..હા. યુ નો? એક ન્યૂઝ છે જે તારી સાથે શેર કરવા હું ખૂબ આતુર હતો.”

ડિમ્પલનું હૃદય જોરથી ધડક્યું.

“મેં જોબ છોડી દીધી છે અને હું કેનેડા જાઉં છું! મારા મામા પાસે. “

“ઓહ”

“ડિમ્પલ તું જાણે છેને કે વિદેશ જઈ સેટલ થવાનું મારું નાનપણનું સ્વપ્ન હતું. જે પૂરું થવા જઈ રહ્યું છે.”

કરણની વાતો સાંભળી હતપ્રભ થઈ ગયેલી ડિમ્પલને થોડી વાર શું બોલવું એ સૂઝયું જ નહીં.

સામેથી કરણનો અવાજ ફરી ગુંજયો, “હેય, ક્યાં ખોવાઈ ગઈ? ન્યૂઝ સાંભળી તું ખુશ ન થઈ?”

ત્યારે માંડ, જરા ગળું ખંખેરી એ બોલી શકી, “અરે વાહ, કૉંગ્રચ્યુલેશન્સ.. ઑફકોર્સ હું ખૂબ ખુશ છું તારા માટે. પણ, તું એકવાર અહીં તો આવે છેને? કે, મને મળવા પણ નહીં આવે?” એનું ગળું ભરાઈ આવ્યું.

“અરે ના ડિમ્પલ, હવે ત્યાં આવવાનો જરાપણ ટાઈમ નથી મારી પાસે. મારે એક વિકમાં તો નીકળવાનું છે. બધું અચાનક જ નક્કી થઈ ગોઠવાઈ ગયું. અને ત્યાં મામાની તબિયત પણ સારી નથી એથી જવાનું થોડું અરજન્ટ કર્યું. ગુડ બાય ડિયર.. હું ફરી ઇન્ડિયા આવું ત્યારે આપણે ચોક્કસ મળીશું.”

એનું મન હજુ માનવા તૈયાર નહોતું. એથી એક છેલ્લો પ્રયત્ન કરી પોતાના મનની વાત જણાવી દીધી.

“કરણ, હું તને કંઈક કહેવા માગું છું. આઈ.. આઈ લવ યુ કરણ! આ ક્યારે અને કે રીતે થયું એ હું નથી જાણતી. પણ તારા ગયા પછી, તારા વગરનો એ ખાલી સમય.. અને મને આ અહેસાસ થયો. એકવાર આવી ને મળી ન શકે?”

પણ કરણે એક શબ્દ “સોરી” સાથે જીવનમાં એનું એમ્બિશન, સપનાં એના માટે ખૂબ મહત્વના છે. વગેરે… વગેરે જેવા કારણો આગળ ધરી એના મનમાં ડિમ્પલ માટે એવો કોઈ જ ભાવ નથી એવું મભમ રીતે જણાવી દીધું.

કરણના વર્તનથી એ ખૂબ નારાજ થઈ, એના પર ગુસ્સે થઈ, વાતની વચ્ચે કૉલ ડિસ્કનેક્ટ કરી એ કેટલું રડી હતી. કરણ સામે ફોન કરતો રહ્યો પણ એણે વાત જ ન કરી. એ પછી બંને વચ્ચેની દોસ્તી વચ્ચે અંતર પડી ગયું.

“ડિમ્પલ.. ચાલ જીજુના રૂમમાં. ફોટો સેશન માટે ફોટોગ્રાફર તને બોલાવે છે.” સહેલીના અવાજે એ ઝબકીને વર્તમાનમાં પાછી ફરી. ડિમ્પલના મન પર વિચારોના તરંગોએ કબ્જો જમાવેલો હતો.

“કરણ, અહીં ક્યાંથી? એ કમલને કેવી રીતે ઓળખે છે?” સામે કરણના મનમાં પણ વિચારોનો  વંટોળિયો ફૂંકાયલો હતો એ વાતથી સાવ અજાણ હતી એ..

કમલ અને કરણ બેઠા હતા એ રૂમમાં ડિમ્પલ આવી. એના આવતાં જ કમલે બંનેની ઓળખાણ કરાવી.

“કરણ, આ ડિમ્પલ. અને ડિમ્પલ આ છે મારો એકનો એક ભત્રીજો કરણ! અરે કરણ આ તારી તો કાકી થાય ને! હા..હા” બંનેના હાવભાવ અને મનઃસ્થિતિથી અજાણ કમલ બોલી ઉઠ્યો.

“ડિમ્પી યુ નો, હું અને કરણ લગભગ સરખી ઉંમરના હોવાથી કાકા-ભત્રીજા કરતા મિત્રો વધુ છીએ.”

કમલની વાત સાંભળી ડિમ્પલને આછું આછું યાદ આવ્યું, એ વખતે ક્યારેક વાતવાતમાં કરણ તેના કાકાનો ઉલ્લેખ કરતો. અને એક બેવાર એને મળવા બેંગલોર પણ ગયેલો.

એ જ વખતે એક આઠેક વર્ષનો ગોરો ગલગોટા જેવો બાળક અંદર આવ્યો. “મમ્મા હું પણ ફોટા પડાવીશ” બાળક અંદર આવી, ડિમ્પલને વળગી એની કાલીધેલી ભાષામાં બોલ્યો. કરણે પ્રશ્નાર્થ નજરે કમલ સામે જોયું.

“ઓહ સોરી કરણ, આની ઓળખાણ કરાવું. આ છે યશ. ડિમ્પલનો અને મારો દીકરો. ખૂબ મીઠડો, અમારો લાડલો.. આજા બેટા, પાપા અને મમ્મા એમના પ્રિન્સ સાથે જરૂર ફોટા પડાવશે” કહેતા કમલે એને બાથમાં ભરી લીધો.

“પાપા, આ અંકલ કોણ છે?”

“બેટા એ તારા અંકલ.. ઓહ અંકલ નહીં, હી ઈઝ યોર બ્રધર!”

“હાય બિગ બ્રધર!”

“હેય યંગ મેન..”

થોડી વારમાં તો એ મીઠડો છોકરો કરણના હૃદયમાં વસી ગયો.

ફોટો સેશન પછી લગ્નની વિધિ સંપન્ન થઈ. એ દરમ્યાન કરણ અને યશની દોસ્તી થઈ ગઈ.

પણ રહીરહીને કરણના મનતરંગે વિચારોના અનેક પરપોટા આકાર લઈ શમી જતા હતાં.

“કમલ અને ડિમ્પલનો દીકરો? એ લોકો કેટલા વખતથી જાણતાં હશે એકબીજાને? આટલા વર્ષોથી લગ્ન કેમ નહીં કર્યા હોય?” એને કશું જ સમજાતું નહોતું.

કરણ અને ડિમ્પલ માટે બહુ અજબ પરિસ્થિતિ હતી અત્યારે. બને અતીત અને વર્તમાન વચ્ચે સતત ઝોલા ખાતા હતા. લગ્નની વિધિ પતી પછી બધા ફરી વરરાજાના રૂમમાં આવ્યા.

“યાર કરણ મારું એક કામ કરી દેને, આ તારી નવીનવેલી કાકીને એકલી મૂકી મારે થોડી વાર માટે બહાર જવું પડે એવું છે. મારા બિઝનેસ ડેલિગેટ્સ હમણાં નીકળી રહ્યા છે. હું જરા એમને મળીને આવી જાઉં. ડિમ્પલ થાકી ગઈ હશે ભલે અહીં આરામ કરે. બસ થોડીવાર તું એને કંપની આપ.” કહી ત્યાંથી સરકી ગયો.

બંને એકલા પડ્યા. થોડીવાર શું બોલવું કોઈને સૂઝ્યું નહીં. આખરે કરણે મૌન તોડયું.

“હાય ડિમ્પલ કેમ છે તું? અહીં આ રીતે આપણે આવા રિલેશનમાં મળીશું એવી તો કલ્પના પણ નહોતી.

“હું મજામાં છું. તું કેમ છે? હાલ ક્યાં છે, કેનેડા જ કે પછી બીજે ક્યાંય?”

“હું પણ મજામાં છું. કેનેડા જ છું. કમલે હક્કથી અને મિત્રદાવે લગ્નમાં આવવા ખૂબ આગ્રહ કરેલો. છેલ્લી ઘડીએ નક્કી થયું અને ગઈકાલે જ સરપ્રાઈઝ આપતો પહોંચી ગયો.”

“તારો પરિવાર આઈ મીન તારી પત્ની, બાળકો? એ કોઈ નથી આવ્યું?”

“મેં હજુ લગ્ન નથી કર્યા. અને મમ્મી પપ્પા તો કેનેડા ગયો એ પછી ત્રણેક વર્ષમાં જ વારાફરતી દુનિયા છોડી ચાલી ગયા. બહેન લગ્ન કરી યુકે સેટલ છે. બસ હું ભલો મારુ કામ ભલું. તું કહે તું અને કમલ ક્યાં અને કેવી રીતે મળી ગયા? ઓહ સોરી, સોરી.. આ બધું પૂછવાનો મને કોઈ હક્ક નથી માફ કરજે.”

“ઇટ્સ ઓકે કરણ. લાંબી વાત છે. એ વખતે ગુસ્સામાં આવી તારી સાથે સબંધ સાવ કાપી નાખ્યો. ખૂબ અપસેટ હતી. શું કરું કશી સમજ નહોતી પડતી અને એક નવી જ વાત સામે આવી.

તારા ગયા પછી થોડા વખતમાં જ મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું..! તને યાદ હશે જ કે, આપણે આપણી મિત્રતામાં, યુવાનીના એ દિવસોમાં મદહોશ, બિન્દાસ્ત, આપણને ખુલ્લા વિચારોવાળા માનતા. એકબીજાની બીજી બધી જરૂરિયાત સાથે સ્વેચ્છાએ, જરૂર મુજબ ફિઝિકલ રિલેશનશિપ પણ ક્યારેક શેર કરતા..” કહી કરણની સામે સૂચક નજરે જોયું.

“હા કરણ, યશ તારો પુત્ર, આઈ મીન તારા ને મારા એ રિલેશનનું પરિણામ છે. કોઈ તૈયારી વગર જ્યારે પ્રેગ્નન્સિની ખબર પડી એ વખતે હું સ્તબ્ધ અને સુન્ન! હવે શું કરું? તારી સાથે તો ક્યાંય સંપર્ક કરી શકું એમ નહોતી.

ખૂબ વિચાર્યું. મનમાં અનેક તોફાનો ઉઠ્યા. એ બધા સામે બાથ ભીડી મેં નિર્ણય કર્યો સિંગલ મધર બનવાનો! એ વખતે તો હજુ તારા પ્રેમમાં પાગલ હતી. અને જાણે જોગણ બનવા જ તૈયાર.

મેં મારા મમ્મીને ખુલ્લા દિલે મારા મનની વાત કરી. પહેલા થોડો વિરોધ કર્યો મમ્મીએ. પછી મારી દ્રઢતા સામે એ ઝૂકી અને માની ગઈ. મન થોડું સ્વસ્થ થયું. પુના પરથી મન ઊઠી ગયેલું એટલે અહીં જોબ ટ્રાન્સફર લીધું. પપ્પાના ગયા પછી મમ્મી એકલી પડી. મને પણ આવી સ્થિતિમાં એની જરૂર હતી. એ અહીં મારી સાથે રહેવા આવી ગઈ. યશનો જન્મ થયો.

મનમાં તારી યાદો હતી અકબંધ. જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ તારી તરફનો ગુસ્સો, ફરિયાદ બધું ઓગળતું, ઓસરતું ગયું. એક વાત સમજાઈ કે આપણા સબંધમાં કોઈ કમિટમેન્ટ હતું જ નહીં. કે, એ વખતે નહોતી તારા કે મારા મનમાં એવી કશી ભાવના. તો તને હું દોષી કે જવાબદાર કેવી રીતે માની શકું?

તું તારી જગ્યાએ સાચો હતો. હું જ ભાવનાઓમાં તણાઈ ગઈ હતી. ખેર, પછી મારા મનમાં તારા પ્રત્યે કશો જ ભાવ બાકી રહ્યો નહોતો. ના પ્રેમ, ના નફરત, ના ફરિયાદ કે કોઈ માગણી. વર્ષો વીતતા ગયા. મમ્મી જીવનમાં ઠરીઠામ થવાનું કહેતી ક્યારેક.. હું મારા દીકરા સાથે ખુશ હતી. ખબર નહીં કેમ પણ સબંધના કોઈ પણ બદલાવથી હવે ડરતી.

એવામાં એકવાર કમલ સાથે મુલાકાત થઈ. તારા પછી એનામાં એક સાચો મિત્ર હું જોઈ શકી. એવામાં મમ્મી પણ મારી પાસે લાઈફ સેટલ કરવાનું વચન લઈ ચાલી ગઈ. મારી ને કમલની મિત્રતા ગાઢ બની પણ સંબંધની એક મર્યાદા સાથે.

એક દિવસ કમલે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો! અને ફરી પેલો ભય મનને ઘેરી વળ્યો. પણ, બીજી તરફ મને કમલનો સ્નેહાળ સ્વભાવ, એની નિખાલસતા, પરિપક્વતા ગમતા. એના માટે ખૂબ માન હતું. કોઈ પણ પુખ્ત સ્ત્રીને એની સાથે જીવનસફર ખેડવી ગમે.

મારું મન તૈયાર હતું. મેં કોઈ વાયદો કર્યા પહેલા યશ વિશે, યશના જન્મ માટે સહભાગી મિત્રનું નામ લીધા વગર અક્ષરશ: વાત તેને કહી. એને કોઈ જ વાંધો નહોતો. ફક્ત યશ સાથે બોન્ડિંગ વધારવા એણે થોડો સમય માગ્યો.

એ પછી અમે ત્રણેય દર વિકેન્ડમાં મળતા. આમ, યશ પણ તેની સાથે એકદમ હળીમળી ગયો. અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે મને પણ ક્યાં જાણ હતી કરણ, કે કુદરત ફરી આપણને જીવનના આ વળાંક પર આ રીતે આ અનોખા સંબંધે મેળવશે!”

બે મિનિટ સ્તબ્ધ મૌન છવાયેલું રહ્યું.

“સ્ટ્રેઇન જ ને ડિમ્પલ. તે મને તારી લાઈફમાં ટોટલ બ્લોક કરી દીધેલ. પણ હું તારી મિત્રતા ખોવા નહોતો માગતો તેથી મારું કેનેડા જવાનું થોડું મુલતવી થતા હું તને મળવા દોડી આવેલો. પણ તું ત્યાં નહોતી! હું ભારે હૈયે પાછો ફર્યો અને કેનેડા ચાલ્યો ગયો. પણ ત્યાં કામની વ્યસ્તતા વચ્ચે પણ તું યાદ આવી જતી. તારી દોસ્તી, સાથે વિતાવેલા એ દિવસો ખૂબ મિસ કરતો. ત્યારે એકલતા ખાવા દોડતી.

ધીમે ધીમે મને પણ લાગવા માંડેલું કે મારા દિલમાં પણ તારા માટે એક ખાસ જગ્યા છે જ અને એને જ કદાચ પ્રેમ કહેતા હશે. પછી હું જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે તને શોધી. પણ.. ખેર, તારી આવનારી લાઈફમાં તને ખૂબ ખુશી મળે. ઓલ ધ બેસ્ટ.”

આમ કહી ઉઠી બહાર જવા લાગ્યો ત્યાં કમલ અંદર આવ્યો.

“હેય ભતીજે, મારી વાઈફને બોર તો નથી થવા દીધી ને..” કહી હસી પડ્યો.

લંચ, રિસેપ્શન એક પછી એક કાર્યક્રમો ચાલતા રહ્યા. રાત ઝળાહળા થઈ ઊઠી. આજની રાત. એમની વેડિંગ નાઇટ હતી. ડિમ્પલ મીઠી મૂંઝવણ અનુભવી રહી હતી. યશનું શુ કરું?

જીવનસાથી બનતા જ પત્નીને પૂર્ણપણે પામવાની અધીરાઈ કમલની આંખોમાં એણે સ્પષ્ટ જોઈ હતી. ડિમ્પલની આ મૂંઝવણ કરણ પારખી ગયો.

સવારથી જ પોતાની સાથે એકદમ ફ્રેન્ડલી થઈ ગયેલા યશ પાસે જઈ એને ઊંચકી લીધો.

“યશ બેટા, આજે મારી પાસે, આ તારા બિગ બ્રધર સાથે સૂઈશ? આપણે ‘હી મેન’નું મુવી જોઈશું. સ્ટોરી સાંભળીશું. ધમાચકડી કરીશું. મજા પડશે. ચાલીશ ને?”

“ઓકે દોસ્ત. મમ્મી હું જાઉં ને દોસ્ત સાથે?”

ડિમ્પલ આભારવશ નજરે એને જોઈ રહી.

રાતે કમલની બાહોમાં ઓગળતી ડિમ્પલ, અને બીજી તરફ યશના માથે હાથ ફેરવી વ્હાલ વરસાવતા કરણના મનના ભાવોને પન્ના નાયકની આ પંક્તિઓ ઝીલી રહી હતી.

“આપણે તો છીએ પુસ્તકના સામસામા બે પૃષ્ઠો, સંયુક્ત પણ અલગ અલગ. માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી!”

સવારે કુદરતની શાહી વગરની કલમથી આલેખાયેલી, સબંધના ચતુષ્કોણની એ અજબ દાસ્તાંને હૃદયમાં ધરબી, બધાની હુંફાળી વિદાય લઈ, કરણ હંમેશ માટે કેનેડા જવા નીકળી ગયો.

~ આરતી રાજપોપટ
aarti.rajpopat@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ખૂબ લાગણી સભર વાર્તા.. લેણદેણ ક્યાં જોડાઈ હોય છે એ કોઈને ખબર નથી હોતી..