મર્લિન (વાર્તા) ~ અમી ભાયાણી

(શબ્દો: ૩૭૭૮) 

આજે એ દિવસ યાદ આવે છે જ્યારે મર્લિને પહેલી વાર મને એનાં દુઃખાવા વિશે જણાવ્યું હતું, અને મારું દિલ એક ભારેખમ બોજથી વ્યથિત થઈ ઊઠે છે. કાશ! મર્લિનને આ વાતની જાણ થોડી વહેલી થઈ ગઈ હોત! કાશ! એણે મને કહ્યું એ જ દિવસે હું એને હૉસ્પિટલ લઈ ગઈ હોત! કાશ…

પણ હવે આમાંનું કંઈ પણ વિચારવા માટે ખૂબ મોડું થઈ ગયું છે. ખૂબ પ્રયત્નો છતાંય મારાં મનમાંથી એ દિવસોને ભૂંસી શકતી નથી.

અચાનક જ ઘેરાઈ આવતાં કાળાડિબાંગ વાદળોની જેમ એ કષ્ટદાયક સ્મૃતિઓ મારાં મનોઆકાશને ઘેરી વળે છે. અસહ્ય બોજથી ગોરંભાયેલું મન અશ્રુ વાટે વરસીને હળવું થવા માંગે છે. પણ, કોણ જાણે કેમ, આજે કેમેય કરીને આંસુઓ એ વ્યથાને માર્ગ આપવા તૈયાર નથી.

કોરીધાકોર આંખોમાં બળતરાની લાલાશ આવી ગઈ છે. સ્મૃતિઓની ભૂતાવળ કઠપૂતળીની જેમ માનસપટલ પર નાચી રહી છે. કાનોમાં મર્લિનનો અવાજ પડઘાઈ રહ્યો છે.

“મૅડમ, બે દિવસથી પાછો મારી કમરમાં ભયંકર દુઃખાવો થઈ રહ્યો છે. શું થયું હશે?”  જેના ચહેરા પર સદાય સ્મિત રમતું અને નિર્દોષ આંખોમાંથી હાસ્ય ટપકતું એવી મર્લિને રડમસ ચહેરે મારી સમક્ષ એની પીડા વ્યક્ત કરી.

“અરે, તને કેટલી વાર કહ્યું છે, મને મૅડમ નહીં, નીરજા કહીને બોલાવ. અને હા, તું દસ દિવસ યુરોપ ઑફિસના કામ માટે જઈ આવી તે થોડું ઓવર-એક્ઝરશન થયું હશે એટલે કમરમાં દુઃખાવો હશે.” મર્લિનની વાતને થોડી હળવાશથી લેતાં મેં કહ્યું. 

“ઓકે ડૉક! ઍઝ યુ સે…” કહેતી પરાણે હસતી હોય તેમ એ એની ડેસ્ક પર જઈ કામે વળગી. 

“આ છોકરી નહીં સુધરે, કાં તો મૅડમ કાં ડૉક… એનાં મોઢામાંથી નીરજા ક્યારેય નહીં નીકળે! મારાથી ફક્ત બે એક વરસ જ નાની છે તો પણ.” એવું વિચારતી કેબિનમાં જઈ હું મારાં લૅપટૉપમાં આવેલી ઢગલો મેલ્સનાં જવાબો આપવામાં વ્યસ્ત થઈ ગઈ.

કામમાંથી પરવારી દીવાલ પર લટકતી ઘડિયાળમાં જોયું તો સાંજના પાંચ વાગી ગયા હતા. ફટાફટ લૅપટૉપ બંધ કરી, ટેબલ પર ફેલાયેલો મારો અસબાબ ભેગો કરી ઑફિસ બૅગમાં ઠાલવ્યો અને ઝડપથી બહાર આવી.

“હજુ પાંચ મિનિટ મોડું થયું તો ઉબર મળવાનું અશક્ય! પછી જવું પડશે ઑટોમાં…” એવું વિચારતી  લિફ્ટમાં પ્રવેશી. મારી સાથે લિફ્ટમાં નીચે આવી રહેલા પ્યુન રમેશને પૂછ્યું, “આજે મર્લિનમૅમ નથી દેખાતાં? બૉસે કંઈક વધારાનું કામ સોંપી દીધું કે શું?”

“ના મૅડમ! મર્લિનમૅમ તો બપોરે બે વાગે જ તબિયત સારી નથી કહી ઘરે જતાં રહ્યાં’તા.” રમેશે જણાવ્યું.

હવે મને મર્લિનની ચિંતા થવા માંડી. એની ફરિયાદને સાવ ઠંડો પ્રતિભાવ આપ્યો એનો અફસોસ થયો. એ છોકરી નાની નાની વાતોમાં ફરિયાદ કરે એવી તો નથી જ. મારે એની વાતને જરા ગંભીરતાથી લેવી જોઈતી હતી. મને મારી જાત પર જરા ખીજ ચડી.

કંઈ નહીં, હવે કાલે ઑફિસમાં મળશે ત્યારે વાત! બીજા દિવસે ઑફિસ પહોંચી ત્યાં મર્લિન લિફ્ટમાં જ મળી ગઈ. “ગુડ મોર્નિંગ ડૉક!” મર્લિને હંમેશની જેમ સસ્મિત વદને મારું અભિવાદન કર્યું. પણ એ મને થોડી મુરઝાયેલી લાગી.

“મર્લિન, તારો કમરનો દુઃખાવો કેમ છે?” મારાં અવાજમાં થોડી ચિંતા ભળી.

“ગઈકાલે દુઃખાવો ખૂબ વધી ગયો હતો એટલે જલ્દી જ ઘરે જતી રહી. આજે થોડું સારું લાગે છે.” બોલતાં બોલતાં તેનો અવાજ રડમસ થઈ ગયો.

ગઈકાલની મારી ભૂલ સુધારતી હોઉં તેમ હું ઝડપથી બોલી, ”આજે સાંજે ઑફિસમાંથી અડધો કલાક વહેલાં નીકળીને આપણે સંજીવની હૉસ્પિટલમાં ડૉ. અગ્રવાલને બતાવી આવીએ. હું હમણાં જ અપૉઇન્ટમેન્ટ લઈ લઉં છું.”

મારી કેબિનમાં જઈને પહેલું કામ મેં ડૉ. અગ્રવાલની અપૉઇન્ટમેન્ટ લેવાનું કર્યું. સાંજે થોડાં વહેલાં નીકળીને અમે સંજીવની હૉસ્પિટલ પહોંચ્યાં. જોયું તો પેશન્ટની લાંબી લાઇન! નસીબજોગે ડૉ. અગ્રવાલનો આસિસ્ટન્ટ ડૉ. અમિત મને ઓળખતો હોવાને કારણે બાજુની કેબિનમાં લઈ જઈ એણે મર્લિનને તપાસી લીધી અને અમારો નંબર આવે ત્યાં સુધીમાં MRI અને બીજી કેટલીક ટેસ્ટ કરાવી આવવાનું કહ્યું.

MRIનું નામ પડતાં જ મર્લિન થોડી ગભરાઈ ગઈ. “ડૉક! કંઈ સિરિયસ તો નહીં હોય ને?” કમરનાં અસાધારણ દુઃખાવા માટે મોટાં ભાગે ડૉક્ટર્સ MRI કરાવવાનું કહેતાં હોય છે એટલે મને એમાં કંઈ અજુગતું ન લાગ્યું.

“અરે! કેમ આટલી ડરે છે? આ તો રૂટિન ચેક-અપ છે.” મેં તેનો ડર ઓછો કરવા અવાજમાં થોડી બેફિકરાઈ ઉમેરી.

એક-દોઢ કલાકમાં બધી ટેસ્ટ કરાવી અમે પાછાં આવ્યાં ત્યાં દસેક મિનિટમાં જ ડૉ. અગ્રવાલે અમને  કેબિનમાં બોલાવ્યાં. મોટાં ભાગની ટેસ્ટનાં રિપોર્ટ્સ એમના લૅપટૉપ પર ઑનલાઇન આવી ગયા હતા.

રિપોર્ટ્સ જોઈને એમના ચહેરાના બદલાતા ભાવ જોઈને મને પેટમાં ફાળ પડી. મારો ભય સાચો પાડતા હોય તેમ ગંભીર અવાજમાં ડૉક્ટરે કહ્યું, “સ્પાઇનમાં મેલીગ્નન્સી હોય તેવું લાગે છે. કેટલું સ્પ્રેડ થયું છે એ તો PET scan કરાવ્યા પછી જ કહી શકાય!”

હું સાવ બઘવાયેલી અવસ્થામાં ડૉક્ટર સામે જોઈ રહી. ઘણું બધું પૂછવું હતું પણ, કોઈકે જાણે ગળે ટૂંપો દઈ દીધો હોય તેમ હું કંઈ જ બોલી ન શકી. ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈ, મર્લિનનો હાથ ઝાલી, ઢસડાતા પગે બહાર આવી. મગજ સાવ સુન્ન થઈ ગયું. મર્લિનનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો હતો.

મન મક્કમ કરી, અવાજમાં સહજતા લાવવાનો પ્રયત્ન કરતાં મેં એને પૂછ્યું, ”અરે, આજે રાત્રે તો મિહિર અમેરિકાથી આવવાનો છેને? કેટલા વાગે છે એની ફ્લાઇટ?”

આંખમાંનાં આંસુ ખાળતાં એણે ટૂંકમાં પતાવ્યું, “બે વાગે.” પછી અચાનક જ હસતાં હસતાં પૂછ્યું, “ડૉક, હવે મારી પાસે કેટલા દિવસ બચ્યા છે?”

મારો લેવાઈ ગયેલો ચહેરો જોઈ તરત જ કહે, ”અરે ડૉક! મજાક કરું છું. તમારે તો હજુ ઘણાં વર્ષો મને સહન કરવાની છે. તમે રિટાયર થાવ ત્યાં સુધી.” તેની નિર્દોષ, ભૂરી આંખોમાં પીડા સાથે એક વિચિત્ર ચમક ભળેલી હતી.

મિહિરને બે વરસ પહેલાં અમેરિકાની એક મોટી કંપનીમાં જૉબ મળેલી. જીવનનાં સાડાસાત દાયકા વિતાવી ચૂકેલા પોતાના પપ્પાની જવાબદારી મૂકીને મર્લિન માટે પાંચ વર્ષનાં કબીરને લઈને અમેરિકા જવાનું કોઈ  રીતે શક્ય બનવાનું ન હતું. વળી, મિહિરને માટે પણ આવી તક વન્સ ઇન અ લાઇફટાઇમ જેવી હતી.

મર્લિનનાં ખૂબ આગ્રહને કારણે કચવાતા મને, દર છ મહિને એક વાર તો એ મર્લિન અને કબીરને મળવા મિહિર ઇન્ડિયા આવશે જ એવાં આશ્વાસન સાથે એણે આ નોકરી સ્વીકારી હતી. 

પણ, આ વખતે તો અહીં આવતાની સાથે જ, એનો હુંફાળો, સુરક્ષિત માળો એને વીંખાઈ જતો લાગ્યો. એની સલામત દુનિયા મર્લિનની બીમારીનાં વાવાઝોડામાં ધરાશયી થવાનો ભય એને ઘેરી વળ્યો.

PET scan નાં રિપોર્ટ્સ બહુ સારા નહોતા. કૅન્સર  શરીરનાં ઘણાં અવયવોમાં પ્રસરી ગયું હતું. ડૉ. અગ્રવાલે પૂછ્યું પણ હતું, ”આ પહેલાં ક્યારેય આવો દુઃખાવો નથી થયો? કદાચ તમે એને નજરઅંદાજ કર્યો હશે એમાં જ રોગ શરીરમાં આટલો પ્રસરી ગયો છે.”

હવે મને યાદ આવે છે કે મર્લિને આ પહેલાં પણ એની પીડા વિશે મને જણાવ્યું હતું પણ, મેં ક્યારેય એની આ ફરિયાદને બહુ ગંભીરતાથી લીધી નહોતી.

પછી તો, હૉસ્પિટલનાં આંટાફેરા અને દોડધામ, કીમોથેરાપી અને રેડિએશન… મર્લિનનાં કુટુંબમાં એનાં પપ્પા સિવાય નજીકનું કહેવાય એવું કોઈ જ નહિ. એક ભાઈ ખરો, પણ એ તો વર્ષોથી એના કુટુંબ સાથે દુબઈ જઈ વસ્યો હતો. વરસના વચલે દહાડે પોતાની ફરજ બજાવતો હોય તેમ પપ્પાના  ક્ષેમકુશળ પૂછવા ફોન કરતો.

મિહિરને પણ એક જ બહેન. એણે તો મિહિરના મર્લિન સાથે લગ્ન થયાં એ જ ઘડીથી એની સાથેનાં બધાં જ સંબંધો તોડી નાખ્યા હતા.

ડૉ. અગ્રવાલ જેવા હોનહાર, કુશળ ડૉક્ટરની દેખરેખ હેઠળ મર્લિનની સારવાર ચાલી રહી હતી. વળી, એમના કહેવા પ્રમાણે  કીમોથેરાપી પૂરી થયાં બાદ તરત જ સર્જરી કરાવી લઈએ તો મર્લિનનાં સાજા થઈ જવાનાં ચાન્સિસ ઘણાં હતાં.

હવે મિહિર અહીં જ હતો અને સંજીવની હૉસ્પિટલ પણ તેમના ઘરની ખૂબ નજીક હતી એટલે માત્ર એકાદ-બે વાર એ બંન્નેની સાથે હું હૉસ્પિટલ ગઈ અને પછી  મારાં ઑફિસનાં કામમાં એવી તો ખૂંપી ગઈ કે ખૂબ ઈચ્છા હોવાં છતાંય મર્લિનને મળવાનો સમય ન કાઢી શકી.

દર બે દિવસે મિહિરનો ફોન આવી જતો. મર્લિન સાથે પણ વાત થઈ જતી. એની કીમોની ટ્રીટમેન્ટ કેવી ચાલે છે એ જાણી લેતી. એટલામાં જ મારી ફરજ પૂરી થઈ એવું મનને કેવી રીતે મનાવી શકી એનો જવાબ આજે મારી પાસે નથી.

રવિવારની એક સાંજે મારું મનગમતું પુસ્તક વાંચતી, કડક કૉફીનાં ઘૂંટ ભરતી, હિંચકા પર  ઝૂલી રહી હતી. પશ્ચિમાકાશમાં ધીમે ધીમે નીચે ઉતરી રહેલા સૂરજે આકાશનાં કેન્વાસને સ્વર્ણ રક્તિમ રંગી દીધું હતું. કુદરતનો આ નઝારો હજુ તો મન ભરીને માણું  ત્યાં અચાનક જ મોબાઇલ પર મિહિરનું નામ ઝબક્યું.

અવાજમાં થોડી ઘણી ચિંતા સાથે એણે જણાવ્યું, ”મૅડમ, આવતી કાલે મર્લિનનું ઑપરેશન છે. પણ, ડૉ. અગ્રવાલે કહ્યું છે કે ખાસ ચિંતા કરવા જેવું નથી. એક મિનિટ, મર્લિનને આપું છું.” કહેતા જ એણે મર્લિનને ફોન પકડાવી દીધો.

મર્લિને ફોનમાં વિડિઓ ચાલુ કર્યો. “મૅમ, ગઈ કાલે મારો કીમોનો છેલ્લો રાઉન્ડ હતો. દરેક કીમોના રાઉન્ડ પછી ખૂબ તકલીફ થઈ. પણ જુઓને મારાં વાળ નથી ખરી ગયાં.” કહેતાં જ એણે પોતાના રેશમી, કાળા વાળની લટોને હાથેથી ઉલાળી. 

મિહિર એની સાથે હોવાથી એને ખૂબ સધિયારો મળ્યો હતો. એની બધી જ ચિંતા અને જવાબદારી મિહિરે પોતાને માથે લઈ લીધી હતી. બીજા જ દિવસે ઑપરેશન હોવાં છતાંય મર્લિન ખૂબ હળવીફૂલ અને તણાવમુક્ત લાગતી હતી. એને આમ હસતી જોઈ હું પણ ખુશ થઈ ગઈ.

બીજા દિવસે સવારે સાત વાગે ઑપરેશન પહેલાં જ હું એને મળવા પહોંચી જઈશ એવું કહીને ફોન મૂક્યો.

બારી બહારનું રક્તિમ આકાશ  કાળી શાહી ઢોળાઇ ગઈ હોય એમ કાળુંડીબાંગ થઈ ગયું હતું. થોડાંક અંતરે આવેલી એકાદ-બે  રૂપેરી કોરવાળી વાદળીઓ પવનની પાલખી પર સવાર થઈ, એ કાલિમાને  પડકારતી હોય તેમ ઉન્નત મસ્તકે પોતાના અસ્તિત્વની છડી પોકારી રહી હતી.

બીજા દિવસે સવારે બસમાં બેસી, હનુમાન ચાલીસાના જાપ કરતી હું હૉસ્પિટલ પહોંચી. હૉસ્પિટલનાં યુનિફોર્મમાં સજ્જ મર્લિન ઑપરેશન માટે એકદમ તૈયાર હતી. મને જોતાં જ એ ઉમળકાભેર હસી ઊઠી. હું એની નજીક ગઈ તો મને ભેટી પડી.

મારી આંખોમાં આંસુ જોઈ કહે, “અરે ડૉક! તમે બિલકુલ ચિંતા નહીં કરો. હું આમ જઈ, આમ પાછી આવીશ. વળી, મિહિર અને કબીરને રઝળતા મૂકીને હું ક્યાંય જવાની નથી. તમે મારાં માટે ગૉડને પ્રે કરશો ને?”

મર્લિનને ઑપરેશન થિએટર સુધી વળાવી હું અને મિહિર વેઇટિંગ લાઉન્જમાં આવીને બેઠાં. અમેરિકાથી આવતાની સાથે જ મિહિરને આ અણધારી સ્થિતિનો સામનો કરવો પડ્યો હોવાને કારણે એ સાવ હતપ્રભ થઈ ગયો હતો. એ આંખમાં આવી રહેલાં અશ્રુ ખાળવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો હતો. મેં એના ખભા પર હાથ મૂક્યો અને એ નાનાં બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

“મિહિર, આપણી મર્લિન તો ખૂબ બહાદુર છે. જોજેને, કૅન્સર જેવા મહારોગને પણ મ્હાત કરી થોડાં જ દિવસોમાં ફરી હસતી રમતી થઈ જશે. એણે વચન આપ્યું છે. એ તને અને કબીરને છોડીને ક્યાંય નહિ જાય.” મેં ખૂબ આત્મવિશ્વાસથી મિહિરને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

“થૅન્ક યુ સો મચ, ડૉક! પણ, અંદરથી ખૂબ ડર લાગે છે. તમારાં સિવાય અમારું કોઈ નથી. મર્લિનનાં ભાઈને ફોન કરીને એનાં ઑપરેશન વિશે જાણ કરી હતી પણ, અમને મળવાનું તો દૂર, એણે મર્લિનને એકેય વાર ફોન પણ નથી કર્યો.” આંખમાંનાં આંસુ લૂછતા મિહિરે ભાંગેલા સ્વરે જણાવ્યું અને આંખો બંધ કરી પ્રાર્થના કરતો હોય તેમ સાવ મૌન થઈ ગયો.

પાંચ-છ કલાકમાં ડૉક્ટર ઓ.ટી.માંથી બહાર આવ્યા. હું અને મિહિર દોડતાં જઈ પ્રશ્નાર્થ નજરે એમને જોઈ રહ્યાં. ચહેરા પર એક હળવાં સ્મિત સાથે એમણે જણાવ્યું કે સર્જરી ખૂબ મુશ્કેલ હતી પણ સફળ રહી. પંદરેક દિવસના આરામ બાદ મર્લિન ધીમે ધીમે પોતાની રોજિંદી દિનચર્યા શરૂ કરી શકશે.

મેં અને મિહિરે રાહતનો શ્વાસ લીધો. મિહિર તો લગભગ ડૉક્ટરના પગે જ પડી ગયો.

અમારાં સાનંદાશ્ચર્ય વચ્ચે, દસેક દિવસમાં તો મર્લિન લગભગ સાજી થઈ ગઈ અને ઘરમાં હરવા ફરવા લાગી. વચ્ચે એક દિવસ એનાં ઘરે એને મળવાં ગઈ ત્યારે તો એ ઉત્સાહથી છલકાઈ રહી હતી.

“ડૉક, તમે નકામી ચિંતા કરતાં હતાં. મેં નહોતું કહ્યું કે તમારે તો મને હજુ ઘણાં વર્ષો સહન કરવાની છે.”

એનો સુરખીભર્યો, ગુલાબી ચહેરો એનાં સુધરી રહેલાં સ્વાસ્થ્યની ચાડી ખાઈ રહ્યો હતો. હું એને વળગીને રડી પડી તો કહે, ”અરે ડૉક, તમે પણ શું રડો છો? તમને ખબર છે હું કેટલી નસીબદાર છું? ડૉ. અગ્રવાલનો આસિસ્ટન્ટ, ડૉ. શશાંક કેટલો હેન્ડસમ છે! 

હૉસ્પિટલમાંથી રજા આપતાને તો એણે મને ભેટીને જલ્દી સારાં થઈ જવાં માટે શુભેચ્છા પણ આપી.” કહેતાં જ આંખ મારીને  એ મીઠું હસી પડી. 

ઑપરેશનનાં વીસેક દિવસ પછી તો ઑફિસમાં ફોન કરીને એણે એનાં બૉસને જણાવી દીધું કે અઠવાડિયામાં ત્રણ દિવસ એ ઘરેથી કામ કરી શકે એટલી સાજી થઈ ગઈ છે અને બીજા જ દિવસથી એણે ઑફિસનું કામ ચાલુ કરી દીધું. અમે સૌ હવે સાવ નિશ્ચિંત થઈ ગયાં.

એક મોટું વાવાઝોડું આવ્યું અને અમારી શાંત દુનિયામાં થોડો ઝંઝાવાત સર્જી, અમને સહુને ડરાવીને, થોડુંઘણું નુકસાન પહોંચાડીને ચાલ્યું પણ ગયું. જીવનની ગાડી ફરી એક વાર પાટે ચડી. ધીમી ગતિએ સુખ પોતાનું સામ્રાજ્ય પુનઃ પ્રસ્થાપિત કરી રહ્યું હતું.

મિહિર રોજ સાંજે મને ફોન કરી મર્લિનનાં સુધરતાં જતાં સ્વાસ્થ્યનાં સમાચાર આપતો. મર્લિન સાથે પણ દિવસમાં એકાદ વાર વાત થઈ જતી. તે દિવસે સાંજે મિહિર સાથે વાત થઈ ત્યારે મર્લિનની તબિયત હવે એકદમ સુધારા પર છે અને તે હવે પંદરેક દિવસમાં અમેરિકા પાછો જશે એવું તેણે જણાવ્યું હતું.

પરંતુ, વાવાઝોડાં પછીની આ શાંતિ એક વધુ મોટા ઝંઝાવાત પહેલાંની ભેંકાર નિરવતા હતી એ કોણ જાણી શક્યું હતું?  અચાનક જ, એ રાત્રે અગિયારેક વાગે સૂવા માટેની તૈયારી કરી રહી હતી ત્યાં  મિહિરનો ફોન આવ્યો.

કંઈક અજુગતું બન્યું હોવાના અણસારથી હૃદય એક ધબકાર ચૂકી ગયું. સામા છેડેથી મિહિરનો ગભરાટભર્યો, ધ્રુજતો સ્વર સંભળાયો, ”મૅમ, મર્લિનનાં ડાબા હાથમાં નમનેસ લાગે છે. એ ડાબો હાથ હલાવી નથી શકતી. કંઈ સિરિયસ તો નહીં  હોય ને?”

આ સાંભળતાં વેંત મારો શ્વાસ અદ્ધર થઈ ગયો. મહામુશ્કેલીથી અવાજમાં સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું, ”અરે મિહિર, આમ નાની નાની વાતોમાં અપસેટ થઈને કેમ ચાલશે? પહેલાં તો તું એકદમ શાંત થઈ જા અને હું કહું છું તેમ કર. ડૉ. શશાંકને ફોન કર અને એ શું કહે છે તે મને તરત જણાવ.”

મિહિરને જરૂરી સૂચનાઓ આપી મેં ફોન મૂક્યો અને ધબ્બ દઈને પલંગ પર બેસી પડી. પાંચ મિનિટમાં ફરી તેનો ફોન આવ્યો એટલી વારમાં તો મનમાં સેંકડો વિચારો આવી ગયા. કંઈ કેટલીય અમંગળ શંકાઓથી મન ઘેરાઈ ગયું. 

“હૅલો ડૉક! ડૉ. શશાંક સાથે વાત થઈ ગઈ. એમણે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. રૂટિન ચેકઅપ માટે સવારે મર્લિનને હૉસ્પિટલ લઈ જવાની છે.” મિહિર થોડો સ્વસ્થ થયો હોય તેમ લાગતા મેં થોડી રાહત અનુભવી.

મર્લિન માટે પ્રાર્થના કરી, એને રેકી આપી પથારીમાં લંબાવ્યું. એમ આસાનીથી ઊંઘ આવે તેમ ન હતું. મન આશા-નિરાશા વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું હતું. આખી રાત અર્ધ તંદ્રાવસ્થામાં વીતી.

સવારના આંખો ખૂલતાંની સાથે જ ક્ષિતિજની પેલે પારથી ઊગી રહેલ સૂર્યની સોનેરી-લાલ કિનાર આંખોમાં સમાઈ ગઈ અને ફરી એક વાર આશાની જ્યોત પ્રજ્વલિત થઈ ઊઠી.

નિત્યકર્મો પતાવી, ફટાફટ ઑફિસમાં જવા માટે તૈયાર થઈ, સૌ પ્રથમ મિહિરને ફોન કર્યો. એ મર્લિનને લઈને હૉસ્પિટલ પહોંચી ગયો હતો. મર્લિનને MRI સ્કૅન માટે લઈ ગયા હતા.

મિહિર થોડો મજાકનાં મૂડમાં હતો. “ડૉક, આ તમારી ફ્રેન્ડ તો ખરી છે… હૉસ્પિટલ બેડમાં પડી પડી જમણી તરફ જ જોયા કરે. મારી તરફ ડોક ફેરવીને જુએ જ નહીં ને! એને પૂછ્યું કે કેમ સતત એ તરફ જુએ છે?

તો કહે, ’જો ને મિહિર, કેવો હેન્ડસમ ડૉક્ટર છે! પછી પાછો ક્યારે જોવા મળશે?’ જરા સમજાવો તમારી ફ્રેન્ડને… એક છોકરાની મા થઈ આવું વર્તન શોભે છે?” કહી ખડખડાટ હસવા લાગ્યો.

“મિહિર, જોજે ક્યાંક તને છોડીને એ પેલા ડૉક્ટર સાથે ભાગી ન જાય! ચાલ, ઑલ ધી બેસ્ટ! MRI થઈ જાય એટલે જણાવજે.” કહી હું ઉતાવળે ઑફિસ જવા નીકળી.

મિહિરની સાથે મેં ભલે મજાકનાં સૂરમાં વાત કરી પણ મર્લિને ડોક ડાબી તરફ ન ફેરવી એ સાંભળી હું જરા ડરી ગઈ હતી. મર્લિનને પક્ષઘાતનો હુમલો તો નહીં આવ્યો હોય? મારી આ અછડતી શંકા સાચી પડી રહી હતી.

ઑફિસ પહોંચી હજુ મારી ડેસ્ક પર જઈને  બેઠી ત્યાં ફરી મિહિરનો ફોન. “ડૉક, મર્લિનને MRI કરતી વખતે જ સ્ટ્રોક આવી ગયો. તમે પ્લીઝ જલ્દીથી હૉસ્પિટલ પહોંચો.” એના અવાજમાં રૂદન ભળેલું હતું. હું આવી હતી, તેવી તરત જ ઓફિસમાંથી નીકળી હૉસ્પિટલ પહોંચી.

મિહિર ઢસડાતા પગે મને ICU તરફ લઈ ગયો. ICUની કાચની બારીમાંથી અંદર નજર કરીને જોયું તો સફેદ ચાદર નીચે ઢંકાયેલો મર્લિનનો  દેહ દેખાયો. જાતજાતની નળીઓથી ઘેરાયેલા એનાં ચહેરા પરના ભાવો કળવાનું ખુબ મુશ્કેલ હતું.

મિહિરને આશ્વાસનના ઠાલા શબ્દો કહેવા માટે મારી જીભ ન ઉપડી. કોઈ અદૃશ્ય તાકાતથી ધકેલાતાં અમે વેઇટિંગ લાઉન્જમાં જઈ બેઠાં. 

અચાનક એક હૃદયદ્રાવક રુદનનો અવાજ આખાય ઓરડામાં પડઘાઈ રહ્યો. ચાલીસેક વર્ષની એક સ્ત્રીનો ભાઈ મૃત્યુ પામ્યો હતો. ત્યાં હાજર રહેલા દરેકની આંખો ભીંજાઈ ગઈ. એક માત્ર રુદનનાં અવાજ સિવાય વાતાવરણમાં એક ભારેખમ સન્નાટો છવાઈ ગયો હતો.

એ સ્ત્રીને એની સાથેનાં સગાંઓ ત્યાંથી બહાર લઈ ગયાં અને હવામાં શાંત સ્તબ્ધતાનો બોજ તોળાઈ રહ્યો. જાણે કંઈ જ સમજાતું ન હોય તેમ મિહિરની ચકળવકળ નજર ચારે દિશામાં ભમી રહી હતી.

મેં એને ખભેથી  હચમચાવ્યો ત્યારે એ જરા ભાનમાં આવ્યો. એને ખૂબ મુશ્કેલીથી ઘરે જઈ, થોડો આરામ કરી, ફ્રેશ થઈ રાત્રે પાછો આવવા માટે સમજાવી શકી. એક જીવતી લાશની જેમ એ કંઈ જ બોલ્યા વિના ઊભો થઈ ચાલવા માંડ્યો. મારે હવે ચ્યુઇંગમની જેમ લંબાતી જતી દરેક ક્ષણને પસાર થતી જોઈ રહેવા સિવાય કંઈ જ કરવાનું ન હતું.

મારી નજર સમક્ષ ઑફિસમાં મર્લિન સાથે ગાળેલો સમય એક ચિત્રપટની જેમ પસાર થઈ રહ્યો. આમ જોઈએ તો એ મારી કલીગ કરતાં વધુ શું હતી? અને છતાંય અમારાં બે ત્રણ વર્ષનાં સહવાસમાં એક સહકર્મચારીમાંથી એ ક્યારે એક અંતરંગ સખી બની ગઈ એ ખબર જ ન પડી.

મારી જિંદગીમાં એનું શું મહત્ત્વ છે એ સમજવા માટે શું એનું આટલાં બધાં માંદા પડી લગભગ મૃત્યુશૈયા સુધી પહોંચવું જરૂરી હતું? હું એનાં અસ્તિત્વ વિનાની મારી ઑફિસની  કલ્પના જ નહોતી કરી  શકતી.

ઑફિસમાં એની હાજરી ખુબ બોલકી હતી. પ્યુનથી લઈને તે કંપનીનાં CEO સુધીની દરેક વ્યક્તિ સાથે એ એક અદ્રશ્ય તાંતણાંથી જોડાયેલી હતી. ઑફિસમાં એનું હાસ્ય સતત ગુંજતું રહેતું.

મને મૂકીને આજ સુધી એણે ક્યારેય લંચ લીધું હોવાનું મને યાદ નથી. વળી, કબીરનું નામ તો એની જીભ પર સદાય રમતું રહેતું. દિવસમાં ચાર વાર એનાં વ્હાલા દીકરાને ફોન કર્યા સિવાય એણે ચેન પડતું નહીં. એની અંદર ધબકી રહેલું એક જીવન શું આમ જ બુઝાઇ જશે? બીજા કોઈ માટે નહીં તો કબીર માટે પણ એણે મૃત્યુ સાથેનો આ જંગ જીતવો જ રહ્યો. 

મર્લિનને મૃત્યુના મુખમાંથી કોઈ પણ રીતે પાછી વાળવાના પ્રયત્નમાં મારાં અધરો અસ્ફૂટપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કરી રહ્યા. અભાનપણે ચાલતી હું હૉસ્પિટલનાં વિશાળ કૉરીડોરમાં પહોંચી.

ફર્શથી લઈને તે છેક છત સુધી પહોંચતી એની ઊંચી, પારદર્શક કાચની દીવાલમાં પડી રહેલું મારું ઝાંખું પ્રતિબિંબ, બહાર આકાશને આંબી રહેલ વડના વિશાળ વૃક્ષો સાથે ભળી જઈ એક અનોખું ચિત્ર ઊભું કરી રહ્યું હતું. વૃક્ષો પાછળથી ઉદય પામી રહેલા ચંદ્રનો પીળો પ્રકાશ ધીમે ધીમે શ્વેત ચાંદનીમાં પરિવર્તિત થઈ રહ્યો હતો. એ ચિત્રમાં અચાનક એક આકૃતિ ઉભરાઈ આવી. પાછળ ફરીને જોયું તો મિહિર! 

હાલતી ચાલતી લાશમાં જાણે થોડો પ્રાણ પુરાયો હતો. “ડૉક, યુ પ્લીઝ ગો હોમ. આય એમ મચ બેટર નાઉ. તમે ચિંતા ન કરતાં. ગમે તેમ કરીને આપણે મર્લિનને પાછી લઈ આવશું.” મિહિરના અવાજમાં શ્રદ્ધાનો રણકો હતો. હું એને ભેટી પડી અને ક્યારનાં રોકી રાખેલાં મારાં અશ્રુઓનો બંધ તૂટી પડ્યો.

ઘરે જઈને હું ઘસઘસાટ સૂઈ ગઈ. મોડી સવારે જાગી ત્યારે જાણે વર્ષોનો થાક ઉતર્યો હોય તેવી તાજગી અનુભવી રહી હતી.

મિહિરને ફોન કર્યો ત્યારે એણે કહ્યું, ”ડૉક્ટર અગ્રવાલે આખરી નિર્ણય લેવાનું કહી દીધું છે. હવે કોઈ હોપ્સ નથી. મર્લિનને કેટલા દિવસ સપોર્ટ સિસ્ટમ પર રાખવી એ હવે મારે જ નક્કી કરવાનું છે.” એનો અવાજ સાવ સપાટ, ભાવવિહીન, એક યંત્રમાનવ બોલી રહ્યો હોય એવો હતો. સાંભળતાં વેંત મારી તાજગી હવામાં વરાળની માફક ઓગળી ગઈ. 

ડૉક્ટર અગ્રવાલને એક વાર એકલી મળીને, એમની સાથે વાત કરીને મર્લિનની શી હાલત છે એ જો જાણી શકું તો મિહિરને કંઈક સમજાવી શકાય એવું વિચારી ફોન પર એમની અપૉઇન્ટમેન્ટ લઈને તરત જ એમને મળવા માટે હૉસ્પિટલ પહોંચી ગઈ.

કોઈ પણ જાતની ગોળ ગોળ વાત ન કરતા એમણે સ્પષ્ટ  જ જણાવ્યું કે MRI કરતી વખતે જ મર્લિનને જીવલેણ સ્ટ્રોક આવી ગયો હતો અને હવે એનાં બચવાની કોઈ જ આશા નથી. માત્ર સપોર્ટ સિસ્ટમનાં આધાર પર એનાં શ્વાસ ટકી રહ્યા છે.

મેડિકલ સાયન્સની દૃષ્ટિએ તો મર્લિનની સર્જરી સફળ રહી હતી. તો પછી અચાનક આ બ્રેઇન સ્ટ્રોક? આ પ્રશ્નનો કોઈ જવાબ ડૉક્ટર પાસે ન હતો.

કદાચ ખૂબ ટૂંકા સમયગાળામાં કીમો, રેડિએશન, સર્જરી અને ભારેખમ દવાઓનો થયેલો મારો એનું નિર્બળ, નાજુક શરીર સહન નહીં કરી શક્યું હોય? ધીમી ગતિએ સ્વાસ્થ્ય પાછું મેળવી, સામાન્ય, રોજિંદા જીવનમાં પાછી ફરી રહેલી મર્લિન પર આ આફતનાં ઓળા ક્યાંથી ઉતરી આવ્યા હશે? આ સવાલ મને કાયમ સતાવતો રહેશે.

મારી પ્રાર્થના, રેકી, હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજયના જાપ બધાંની વ્યર્થતા એક પળમાં સમજાઈ ગઈ. મિહિરને કંઈક સમજાવવા જતાં પહેલાં મારે આ કઠોર સત્ય સ્વીકારવું પડે એમ હતું.

માંડ હિંમત ભેગી કરીને મિહિરને કડવી હકીકત સમજાવવા ગઈ ત્યાં મને જોતાંવેંત એ  બોલી ઉઠ્યો, ”ડૉક, હમણાં જ એક ખૂબ જ્ઞાની એવા એક જ્યોતિષીને મળીને આવી રહ્યો છું. મર્લિનનાં જન્માક્ષર એને બતાવ્યા તો એણે કહ્યું કે હજુ તો એની જિંદગીનાં ઘણાં વર્ષો બાકી છે.”  એના અવાજમાં નાનાં, નિર્દોષ બાળક જેવો ઉત્સાહ હતો.

એના એ ઉત્સાહમાં ભંગ પાડવાની મારી હિંમત ન થઈ. ડૂબતો માણસ જેમ તરણાનો સહારો લે તેમ મિહિર આશાનો એક નબળો તાંતણો ઝાલી દુઃખનો મહાસાગર પાર કરવા નીકળ્યો હતો.

હૉસ્પિટલનું બિલ ચડતું જતું હતું. પણ, ડૉલરમાં કમાતા મિહિરને એની ફિકર ન હતી. દસેક દિવસમાં તો મિહિર શહેરનાં  દરેક મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચમાં જઈ માથું ટેકવી, માનતા માની આવ્યો હતો. પરંતુ, અંદરથી ક્યાંક એને અણસાર આવી ગયો હતો કે આ બધા કઠોર વાસ્તવિકતાથી દૂર ભાગવાના વ્યર્થ પ્રયત્નો માત્ર હતા. ધીમે ધીમે એ પોતાની જાતને એક ભયાનક સત્યનો સામનો કરવા માટે તૈયાર કરી રહ્યો હતો. 

છેવટે, એ ક્ષણ આવી જ ગઈ જ્યારે મિહિરે એ અતિશય અઘરો, અણગમતો નિર્ણય લેવો પડ્યો. માત્ર યંત્રોનાં સહારે મર્લિનનાં શ્વાસ ટકાવી રાખી, એને આ દુનિયા સાથે લાંબા સમય સુધી જોડી રાખવી એ કોઈ કાળે શક્ય બનવાનું નથી. સત્ય ગમે તેટલું ભયાવહ હોય તો પણ સ્વીકારવું જ રહ્યું એ એને સમજાઈ ગયું હતું. 

એક મનહૂસ દિવસે, મારી અને મિહિરની હાજરીમાં જ મર્લિનનાં દેહમાંથી બધી નળીઓ અને યંત્રો કાઢી લેવાયાં. પ્રાણપંખેરુ ઊડી ગયેલો એનો નિશ્ચેષ્ટ દેહ ખૂબ દુર્બળ લાગી રહ્યો હતો. હવે હું મર્લિનનો ચહેરો સ્પષ્ટ જોઈ શકી.

આવી લાંબી, ગંભીર માંદગીમાંથી પસાર થઈ હોવાં છતાંય એનાં ચહેરા પર એક અનોખી આભા હતી. એનો ચહેરો ખૂબ શાંત અને સ્વસ્થ લાગી રહ્યો હતો.

“ડૉક, હજુ તો તમારે મને ઘણા વર્ષો સુધી સહન કરવાની છે…” મર્લિનનો અવાજ મારાં કાનોમાં ગુંજી રહ્યો.

કોઈ  વ્યક્તિ આમ થોડી જ પળોમાં, નજર સામે જ ’છે’ માંથી ’હતી’ થઈ જાય એ આઘાત જીરવવો કેટલો અસહ્ય છે એ જીવનમાં પહેલી વાર અનુભવ્યું.

મર્લિનનાં અંતિમ સંસ્કાર બાદ  દસેક દિવસ પછી હું મિહિરને મળવા એના ઘરે ગઈ હતી. થોડી ઘણી ઔપચારિક વાતો બાદ મર્લિનને યાદ કરતા મિહિર બોલ્યો, “ડૉક, મર્લિનનાં ફ્યુનરલમાં કેટલાં બધાં લોકો આવ્યાં હતાં ને? કોણ કહે છે કે લોહીનાં સંબંધો જ સાચા હોય છે? મને ખબર જ નહોતી કે તેણે આટલાં લોકોને પોતાનાં કરી લીધાં છે! હું જઈશ ત્યારે મારી આસપાસ કોઈ નહીં હોય.”

મિહિરની આંખોમાંથી વહી રહેલાં અશ્રુઓ એના ચહેરાને ભીંજવી રહ્યાં. એના ખોળામાં બેઠેલો કબીર એના આંસુ લૂછી એને વળગી પડતા કહે, “ડૅડા, હું છું ને!” 

અચાનક જ  જાણે પાગલપનનો દોરો પડ્યો હોય તેમ મિહિર મારી તરફ હાથ લંબાવી કહે, “ડૉક, મારા આ હાથોથી મેં મારી મર્લુનાં કૉફીન પર માટી નાખીને એને દફનાવી છે. પણ, તમને ખરેખર લાગે છે કે હવે એ આપણી વચ્ચે નથી?”

હું જરા આશ્ચર્યથી એને જોઈ રહી. “જુઓ આ રૉકિંગ ચેર… મર્લુ ચશ્મા ચઢાવી, એની પર ઝુલતી બુક વાંચી રહી છે. અરે, જુઓ! હવે કિચનમાં જઈ એ કબીર માટે કેક બેક કરી રહી છે. અને બાલ્કનીમાં પેલાં કુંડામાના ગુલાબનાં છોડ પરનું લાલ ગુલાબ છે ને? એમાંથી ડોકાઈને એ મારી સામે હસી રહી છે. એ ક્યાંય નથી ગઈ. એ અહીંયા જ છે. આ ઘરમાં… મારી આસપાસ!”

એની લવારી સાંભળવાનું મારાં માટે અસહ્ય થઈ પડ્યું. કાન પર હાથ દબાવી એક ચીસ પાડી મારે એને કહેવું હતું, “બસ કર મિહિર!” પણ, મારો અવાજ ગાળામાં જ રૂંધાઈ ગયો.

કબીરને બાય કહી હું ત્યાંથી ભાગી છૂટવા માંગતી હોઉં તેમ લગભગ દોડીને એના ઘરની બહાર નીકળી ગઈ. મિહિરનો એ વેદનામય ચહેરો અને કબીરની કોરીધાકોર આંખો દિવસો સુધી મારી નજર સમક્ષ તરવરતાં રહ્યાં.

વિના ચૂક્યે સમય એનું કામ કર્યે જાય છે. ખબર નથી, મર્લિનને ગયે કેટલા દિવસ વીતી ગયા. એને યાદ કર્યા વિનાનો મારો એક પણ દિવસ જતો નથી. પણ વહેતા જતા સમયની સાથે, સમુદ્રમાં આવતી ઓટની જેમ દુઃખો ઓસરતાં જાય છે અને એની મૈત્રીની સુખદ સ્મૃતિઓથી મન મહોરી ઉઠે છે. 

આજે સાંજે મિહિરનો ફોન આવ્યો અને ફરી એક વાર ભરતીનાં મોજાંઓની જેમ એ દુઃખદ  યાદો માનસપટલ પર ફરી વળી.

”ડૉક, આજે મર્લિનને ગયાને બે મહિના થયા… હું હજુ માની નથી શકતો કે હવે એ આપણી વચ્ચે નથી. થોડી વહેલી ખબર પડી હોત તો આપણે એને બચાવી શક્યા હોત?” બોલતા જ એનો અવાજ રૂંધાઈ ગયો. અને અચાનક જ કવિ શ્રી રવીન્દ્ર પારેખની ગઝલની પંક્તિઓ  મારાં સ્મરણપટ પર ઊભરી આવી:

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?

સાંત્વનાનાં ઠાલા શબ્દો શોધવાના મારાં આ પ્રયત્નને વ્યર્થ ઠેરવતો હોય તેમ તેણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

~ અમી ભાયાણી
amisalil@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 Comments

  1. સરળ , સઘન અને સતત પ્રવહનશીલ.
    લયબદ્ધ રીતે અને શબ્દો વેળફ્યા વગર વિષયવસ્તુ માં તરત પોરવી કાઢે તેવી શૈલી અને સાર્મથ્ય.
    સંપૂર્ણ પણે જકડી રાખે તેવા પ્રસંગ અને ભાવ નિરુપણ.
    વિચલિત થયા વિના સંદર્ભ પર કેન્દ્રિત કથા.
    કવિ રવિન્દ્ર પારેખ ની સુંદર પંક્તિ ને યોગ્ય પણે, યોગ્ય સમયે ટાંકી ને કથા ના સારાંશ નો સિક્કો માર્યો છે.
    ખુબ અભિનંદન 🌺👍

  2. ‘મર્લિન’ વાર્તામાં મારી પંક્તિઓ વાપરવા બદલ આભારી છું.
    રવીન્દ્ર પારેખ

    1. તમે એની નોંધ લીધી તે બદ્દલ ખૂબ આભાર! 🙏 તમારા કાવ્યની આ પંક્તિઓ મારી વાર્તા માટે મને એકદમ યોગ્ય તેમ જ બંધબેસતી લાગી.