|

‘મન’ ~ બે રચના ~ શ્વેતા ત્રિવેદી તલાટી

1. મન (ગઝલ)

તનમાં સુંદર એક સંગ્રહસ્થાન છે;
કંઈક લાગણીઓનું મન ઉદ્યાન છે.

કાર્ય એક, ચિંતન-વિચારોનું મનન;
વ્યસ્ત મનવાનું અગમ વિજ્ઞાન છે.

એની દરિયાથી કરું સરખામણી?
મનમાં પણ થોડાં-ઘણાં તોફાન છે.

કેવું અદભુત વ્યાપ્ત યાદોનું નગર!
યાદના સ્વાગતમાં મન યજમાન છે.

ઈન્દ્રિયોના ઈન્દ્રના વશમાં ઘણું;
મનની લગભગ રાજા જેવી શાન છે.

એ જો ઠેકાણે ન હો તો કહેવું શું?
જિંદગીથી મનનું બહુ સંધાન છે.

આધુનિક રોબોટ કે ગેઝેટ શું?
મન છે તો એમાં ભરેલું જ્ઞાન છે.

મન વિષય ‘શ્વેતા’ છે વિસ્તૃત એટલો!
મન વગર ઉત્તમ મૂરત ઈન્સાન છે?

 2. મન (સંસ્કૃત છંદ – શિખરિણી)

વિચારીએ ના હો, મન અગર તો, આ જીવન શું?

બની સૌ રોબોટો, મન વગરના, શ્વાસ  ભરશું!

વિચારો સૌ ક્યાંથી, જનમ લઈને, કાર્ય કરશે?
ન ઊર્મિઓ કોઈ, સમજણ કશી, જ્ઞાન મળશે?

ન આંસુઓ આવી, દુઃખ વિરહને, વ્યક્ત કરશે,
સુખોથી ના કોઈ, મુખ મલકશે, હાસ્ય રમશે.

કહેવું શું કોને, સમજ પડશે? મૂંઝવણ એ,
અને સંવાદોમાં, ગડબડ થશે, શબ્દ દડશે.

વળી સૌ દ્રશ્યોને, પ્રતિત કરશે, નેત્ર સરખા?
અરે! વસ્તુઓને, નયન, કર તું ઓળખ કદા!

દિશાઓ-રસ્તા હો, પણ કદમને લક્ષ્ય મળશે?
અને અજ્ઞાનીઓ, જગતભરમાં, ધ્વાંત કરશે.

ન કો’ શાખાઓમાં, ભણતર થકી, જીવન હશે,
ન ધંધા-વેપારો, ગણતર વળી, બુદ્ધિ લળશે.

હશે નેત્રો સૂનાં, વગર સપને, ઘ્યેય હરશે.
સંબંધોયે ક્યાંથી, જનમ લઈને, શ્વાસ ભરશે.

મનુષ્યોને ક્યાંથી, પરિચય થશે, પ્રકૃતિ તણો,
કઈ રીતે પામે, અનુભવ બધાં, સંસ્કૃતિ તણો.

મહત્તા તેથીસ્તો, ન  અવગણવી, એક મનની,
બધાં અંગોની છે, અનુપમ મને, સ્વસ્થ જનની.

~ શ્વેતા ત્રિવેદી તલાટી

shwetatalati16@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.