પડછાયો (વાર્તા) ~ જિગીષા દેસાઈ
પોતાના પપ્પાની પ્રતિકૃતિ જેવી સુનિતા હાંફળીફાંફળી રીક્ષામાંથી ઉતરી. હૉસ્પિટલનું નામ વાંચતા જ ઊંડો શ્વાસ લઈ… એ જ શ્વાસોની ઉછાળા મારતી ગતિ સાથે તાલ મેળવતી સુનિતા હૉસ્પિટલના પગથિયાં ચડી રહી હતી.
જેમ જેમ દાદર ચડતી હતી તેમ તેમ મનનાં ભવા તંગ થઈ રહ્યા હતા. રાજધાનીની ગતિએ વિચારો દોડી રહ્યા હતા. ગામના કોઈ વડીલનો ફોન આવ્યો હતો. હાય-વે પર મમ્મી-પપ્પાનો એક્સિડન્ટ થયો છે ને સુનિતા સડક થઈ ગઈ.
આજે તો સુનિતા બહુ ખુશ હતી. મમ્મી-પપ્પા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા. ઉમંગની વાંસળી વાગે ને હરખના સૂર રેલાય તેવી મનોસ્થિતિ.
આનંદના સમાચારની રાહ જોતી સુનિતાનો ફોન રણક્યો ને એના શરીરમાંથી ધ્રજારીનું લખલખું પસાર થઈ ગયું. હાંફળીફાંફળી થતી ઊભી થઈને ઘરની બહાર નીકળી ત્યારે જાણે હ્રદય પર પથ્થર પડ્યાંનો ભાર ખમી લથડિયાં ખાતી હતી. મનની બેચેની વિસ્તરતી જતી હતી. શું થયું હશે? બહુ વાગ્યું તો નહીં હોયને?
મનના વલયોમાં સુનિતા ફસાતી જતી હતી. હતાશાએ ભરડો લેવા માંડ્યો હતો. કેવી રીતે રીક્ષા ઊભી રાખીને એમાં બેઠી તેનું પણ ભાન રહ્યું ન હતું. જા જાતની અમંગળ પરિસ્થિતિઓની ભેંકાર આકૃતિઓ એક પછી એક માનસપટ પર ઉપસતી જતી હતી. અજંપાની હેડકીઓ કેમે કરીને બંધ થતી ન હતી. ત્યાં તો અચાનક બ્રેક લાગી રીક્ષાની… સાથોસાથ સુનિતાના મનમાં ઉઠતા ભયાનક વિચારોને પણ…
રીક્ષામાંથી ઉતરી સુનિતા પગથિયા ચડતી હતી ને “ધન્વંતરિ”નું નામ વાંચ્યું ને મનના અજંપાને ટૂંકાવતી હૉસ્પિટલમાં પહોંચી. ગામના લોકોને જોતા જ સુનિતા બેબાકળી થઈ ગઈ.
એની આંખોથી પૂછાયેલા સવાલના જવાબ આપવા ગામના ભાણાકાકા એની નજીક આવ્યા. એેને માથે હાથ ફેરવીને કહ્યું કે આ બાકડા પર શાંતિથી બેસ. સુનિતાને પાણી આપ્યું પણ એના ગળામાંથી ઉતરતું નહોતું. મમ્મી-પપ્પાને જોવા એ તલસી રહી હતી. ત્યાં હૉસ્પિટલનું નામ સાર્થક કરતા હોય તેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે સવિતાબહેનને સારું છે હવે ઘરે લઈ જઈ શકો છો.
આ સાંભળતા જ સુનિતાએ ધન્વંતરિ દેવનો આભાર માન્યો છતાં પણ એ જેનો પડછાયો હતી તેવા તેના પ્રિય પપ્પાને એની નજર સતત શોધી રહી હતી.
થોડીવારમાં ભાણાકાકા સવિતાબહેનની ડિસ્ચાર્જની બધી વિધિ પતાવીને સવિતાબહેનને લઈને સુનિતા પાસે આવ્યા અને કહ્યું કે મમ્મીને લઈને ગામ જાઓ અમે આવીએ છીએ. સાથે જ નજરપારખુ ભાણાકાકાએ કહ્યું કે પપ્પાને લઈને ગાડી નીકળી ગઈ છે.
પપ્પાને, પોતાના પડછાયાને જોવા અધીરી થયેલી સુનિતાને કંઈક અમંગળ થયાનો ભાસ થઈ રહ્યો હતો. પપ્પાને જોવાની તાલાવેલીમાં કંઈપણ બોલ્યા વિના “ધન્વંતરિ”માંથી મમ્મીનો હાથ પકડી નીકળી તો ખરી, પણ હવે છૂપા અજંપાએ અજાણ્યા ખાલીપાનું સ્થાન લેવા માંડ્યું હતું.
મમ્મીને મૂંગા ને દેખીતા મારને કારણે અશક્તિ લાગી રહી હતી અને ભૂખ પણ લાગી હતી; તેથી રસ્તામાંથી મમ્મી-પપ્પા સારું પાઉંવડાં લીધા. પપ્પા અને પાઉંવડાંના અનેક કિસ્સાઓ યાદ કરતી સુનિતા વિસ્તરતા જતાં ખાલીપાને લઈ ઘરે પહોંચી. એકઠાં થયેલા આખા ગામના લોકોને ચીરતાં સુનિતા અને સવિતા પોતાના ઘર પાસે પહોંચે છે. સુનિતા મૂર્છા ખાઈ નીચે પડે છે….
પપ્પાની હાલત જોઈને પોક મૂકીને રડતી સુનિતાના ડૂમા પણ હવામાં વિસ્તરી જતા લાગ્યા. પપ્પાને “છાંયડા” હૉસ્પિટલની ICU માં એડમિટ કર્યા હતા.
ડૉ.પરિમલ, જે “છાંયડો” હૉસ્પિટલના સિનિયર ડૉક્ટર હતા. ગરીબ મધ્યમ કુટુંબ હોવાને લીધે પૈસાની ચિંતા હતી પણ, ડૉ. પરિમલે તેઓને ધરપત આપી કે ઓછામાં ઓછા ખર્ચે સારવાર કરીશું. કેસ બહુ પેચીદો હતો, બચવાની શક્ચતા પાંચ ટકા જેટલી જ હતી. સુનિતાને તો બસ, એના પપ્પાને સાજા કરવા હતા તેથી તેણી ડૉક્ટર તથા તેના સ્ટાફને કોઈપણ હિસાબે બચાવવા કાકલૂદી કરતી હતી.
X-Ray, MRI, Citiscan, Blood tests…..
ડૉક્ટર્સ… સ્ટાફની દોડાડોડી જોઈને સુનિતાની ગભરામણ વધતી જતી હતી. ડૉક્ટર્સને જ સાક્ષાત ભગવાન માની પપ્પાને માટે સતત પ્રાર્થના કરતી સુનિતા હિંમત હારી રહી હતી. પપ્પાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા ને બહારની લાલ લાઈટ ચાલુ થતાંની સાથે જ સુનિતાના ચિત્તમાં એક પછી એક આવનારી પરિસ્થિતિઓની પંગત ઉઠ-બેસ કરતી રહી..
લાલ બત્તી બંધ થઈ. ડૉક્ટર્સનું મુખ જોઈ ચીસો પાડી રહી હતી. એની ચીસો હવામાં જ શાંત પડી ગઈ. કોઈ સાંભળતું ન હોવાના અહેસાસે એ ચકકર ખાઈને પડી.
સુનિતા…સુનિતા….
ઉઠ….જો તો…
આંખ ખોલ સુનિતા…..
એના મુખ પર કોઈ ટપલી મારીને એને ઉઠાડી રહ્યું હતું. એ તંદ્રામાંથી જાગી. ફાટેલી આંખે આમ-તેમ નજર ફેરવતી સુનિતા પોતાના પડછાયા સમા પપ્પાને જોઈને ચીમટી ખણી સત્યતાની ખાતરી કરી પપ્પાને વળગી પડી.
પડછાયાનો સ્થિરભાવ એટલે “છાંયડો” વિચારતી સુનિતા પોતાનું સપનું ભૂલી પડછાયા સમા પપ્પા સાથે વાતે વળગી.
~ જિગીષા દેસાઈ
jigsamdes@icloud.com
ઓહહ.. એકદમ હૃદયસ્પર્શી વાર્તા… 🌹🌹🌹