સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 10 ~ નીરજા : તણખાની ટોપલીમાં સપનાં ~ ડૉ. ભારતી રાજીવ રાણે

ડૉ. નીરજાના ત્રીજા એપિસોડની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. સિન્થિયા ખુશ હતી. બધું એની ધરણાથી પણ વધારે સરસ રીતે ચાલી રહ્યું હતું. નીરજા પણ પોતાની વાત સ્વાભાવિકતાથી કરી રહી હતી, જેમાં પ્રેક્ષકોને રસ પડી રહ્યો હતો. એણે નીરજાને ફોન કર્યોઃ ‘બેસ્ટ આા્ફ લક, ડૉક, યુ આર ડુઈંગ એન ઑસમ જોબ! પ્રાઉડ ઑફ યુ, નીરજા મૅમ!’

‘સિન્થિયા આમાં મારું કશુંય નથી. ડોરોથી માટેનો આપણો સ્નેહ આ બધું કરાવે છે. મે ગૉડ બ્લેસ હર પાયસ સોલ! મારે તો હજી ધણું કરવાનું બાકી છે, સિન્થિયા..’

નીરજાના ત્રીજા એપિસોડ વખતે સિન્થિયાના સ્ટુડિયોમાં શ્રોતાઓ હાજર હતા. આ વખતે છેલ્લે પ્રશ્નોત્તરી થવાની હતી. દર વખતની જેમ સિન્થિયા સ્ટેઇજ ઉપર પોતાની જગ્યાએ ગોઠવાઈ અને પછી સેટની મધ્યમાં મૂકેલા મોટા સ્ક્રીન ઉપર ડૉ. નીરજા દેખાયાં અને કેમેરા એમના ઉપર કેન્દ્રિત.
*
‘નમસ્કાર મિત્રો! તો આપણે મારા એક ઇન્સ્પાયરિંગ કેસની વાત કરી રહ્યાં હતાં. ડોરોથીના ઘરે જે કાંઈ બન્યું તેની વાત મેં તમને કરી, એ પછીના દસેક દિવસો સુધી સાઈકિયાટ્રીનું કોઈ કામ ન થઈ શક્યું.

અનેક મેડિકલ ટેસ્ટને અંતે પણ માનસિક આઘાત સિવાય બીજું કાંઈ નિદાન ન મળ્યું. ફિઝિશિયનના કેસપેપરમાં લખેલું હતું: નર્વસ બ્રેકડાઉન. બસ, ત્યાંથી જ મારી ફરજ શરૂ થતી હતી. મારે એનું કારણ શોધવાનું હતું.

હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી ડોરોથીના ટ્રસ્ટીઓએ કરેલી વ્યવસ્થા મુજબ તેને મેમરી કેર હોમમાં ફેરવવામાં આવી, અને તેની સારવારનો ચાર્જ મને સોંપવામાં આવ્યો. નિદાન, સારવાર, રેહેબિલિટેશન તથા રિસર્ચ માટે મારે અઠવાડિયામાં ત્રણ દિવસ, દરેક દિવસે બે કલાક તેની સાથે ગાળવાના હતા.

મેં જોયું કે, હોમમાં તેને વિશેષ સગવડો આપવામાં આવી હતી. તેનો રૂમ વિશાળ હતો અને એમાં તેમનાં પુસ્તકોને તથા અન્ય વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી હતી. રૂમમાં પલંગ પાસે બગીચા તરફ ખૂલતી મોટી બારી હતી, જેમાંથી વૃક્ષો, ફૂલો અને આકાશ સરસ દેખાતાં હતાં.

મેમરી કેર હોમથી હું પરિચિત હતી. થિસિસ લખતી વખતે મેં કલાકો ને કલાકો ત્યાં ગાળ્યા હતા. થોડા વરસો પહેલાં ત્યાં જ મેં ઓછેવત્તે અંશે સ્મરણશક્તિ ગુમાવી બેઠેલાં લોકોના ચહેરા તથા મન વાંચવા તનતોડ પ્રયત્ન કરેલો. થિસીસ તો ખૂબ વખણાયો, પણ મનમાં ખટકો રહી ગયેલો કે, હજી મારી શોધ અધૂરી છે, એટલે ડોરોથી માટે હોમના વાતાવરણમાં ફરી પ્રવેશતાં મને બહુ સારું લાગ્યું.

પહેલાં તો મેં ડોરોથીની પૂર્વ સારવારની માહિતી ભેગી કરવા માંડી. પ્રો. સૅમની ખ્યાતિને કારણે અન્ય હૉસ્પિટલો પાસેથી જૂના રેકોર્ડ મેળવવામાં તકલીફ ન પડી, પણ તેના સામાજિક જીવન વિશે હું કાંઈ જાણી ન શકી.

ટ્રસ્ટીઓના નામ ખાનગી રાખવામાં આવેલા. પ્રૉ. સૅમ સિવાય કોઈએ પણ એમનો સંપર્ક કરવાનો નહોતો. વળી પ્રૉ. સૅમની ખાસ સૂચના હતી કે, મારે એની અંગત વાતોમાં પડ્યા વગર મારું કામ પાર પાડવાનું છે.

સામાજિક બૅકગ્રાઉન્ડ વગર તથા દરદી સાથેના સંવાદ વગર માનસશાસ્ત્રની દ્રષ્ટિએ રોગને સમજવો અઘરો હતો, પણ અઘરા કામ સોંપવાની પ્રો. સૅમની આદત અને તેમણે આપેલ પડકારોને ઝીલવાનો મારો ઉત્સાહ બંને જાણે ચરમસીમા પર હતા.

સ્મૃતિલોપની શરૂઆત થઈ અને રોગ વધતો ગયો, એ સમયે જે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી, એની કેઇસ હિસ્ટ્રીમાં લખેલું હતું કેઃ

આ મેન્ટલ બ્લૉક જેવી તકલીફની શરૂઆત ફોનના સ્ક્રીનથી થઈ. શરૂઆતમાં ડોરોથીને સેલફોનની રિંગથી ત્રાસ થવા લાગ્યો. ફોનમાં રિંગ વાગે ત્યારે એ ફોન ઉપાડવા માગતી ન હોય તેમ બેસી રહેતી.

એક વખત બહુ રિંગ વાગી ને ન છૂટકે એણે ફોન હાથમાં લીધો, પણ આશ્ચર્યની વાત કે, એને હેન્ડસેટનો સ્ક્રીન કોરો દેખાયો! ફોન એના હાથમાંથી સરી પડ્યો, અને ત્યારથી ફરી ક્યારેય એ સેલફોન વાપરી ન શકી. ત્યાર બાદ લેપટોપના અને ડેસ્કટોપના સ્ક્રીન સાથે પણ એવું જ બનવા લાગ્યું. કોમ્પ્યૂટર સામે આવે ને એનું મગજ કોરું-ધાકોર થઈ જાય!

ફોન અને કોમ્પ્યૂટર વાપરવા અસમર્થ બનતાં ઑફિસમાં કામ કરવું મુશ્કેલ બનવા લાગ્યું. એ બરાબર લખી-વાંચી શકતી હતી, પણ કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવાના આવે તો એને મેન્ટલ બ્લૉક આવી જતો. એને કાગળ કોરો લાગવા લાગતો. ચેકબૂક પણ કોરી દેખાતી થઈ ગઈ.

એ ડિજીટલ અને વહીવટી માહિતી પ્રૉસેસ કરી શકતી નહોતી. આવી બધી બાબતો સાથે કામ પાડવા અસમર્થ બનતી ગઈ, ત્યારથી એ ઑફિસે જવા પણ અસમર્થ બની ગઈ.

મેડિકલ રેકોર્ડમાં નોંધ હતી કે, પૂછપરછમાં ડોરોથી પૂરતો સહકાર આપી શકતી નહોતી. હિસ્ટ્રીનો ઘણોખરો ભાગ એની સાથે આવેલ વ્યક્તિઓના બયાન ઉપરથી લખવામાં આવેલ  છે.

હું જેમજેમ ડોરોથી સાથે સમય પસાર કરતી ગઈ, તેમતેમ મને લાગવા લાગ્યું કે, એની માનસિક અવસ્થા મારા અત્યાર સુધીના તમામ અનુભવ તથા જ્ઞાન સામે મોટો પ્રશ્નાર્થ બનીને ઊભી રહેવાની છે. એની સાથે અર્થપૂર્ણ સંવાદ સધાતો નહોતો, ડોરોથીની માનસિક અવસ્થાને કારણે એ શક્ય બને તેમ પણ નહોતું લાગતું.

દર વખતે હું એને મળું ત્યારે મારી ઓળખાણ આપું, પણ બીજી વખત સુધી એ મને યાદ રાખી શકતી નહોતી. પોતાનાં રોજીંદા કામ એ સુઘડતાથી કરી શકતી. ઔપચારિક અભિવાદનનો પ્રતિભાવ તો આપતી, પણ એના ભૂતકાળ વિશે કે પછી એના પોતાના વિશે કાંઈ પૂછું તો એ મૂંગી રહી કોરા ધાકોર ચહેરે મારી સામે તાકી રહેતી.

દર વખતે હું એનું બારણું ખખડાવું ત્યારે પ્રશ્નાર્થભરી આંખે પૂછતી, ‘કોનું કામ છે તમારે?’

હું મારી ઓળખાણ આપું ત્યારે એમ જ કહે કે, ‘તમને મળીને આનંદ થયો. શું આપણે આ પહેલાં મળ્યાં છીએ? શું હું તમને ઓળખું છું?

હું કહું, ‘હા, છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે નિયમિત મળીએ છીએ.’

ત્યારે દર વખતે એના જવાબમાં એ કહેતી, ‘ઓહ! એમ, મહિનાઓથી? કેટલા મહિનાઓથી હું છું અહીં?’

એને સમજી શકવાનો એક જ ઉપાય હતોઃ એનું સાહિત્ય વાંચવાનો. હું એને કહેતી કે, તારા પુસ્તકો વાંચવા આપશે? તને વાંધો ન હોય તો અહીં બેસીને વાંચું? તેનાં પુસ્તકો વાંચતી ગઈ, તેમતેમ હું તેની પ્રસંશક બનતી ગઈ.

પ્રકાશિત પુસ્તકો વાંચ્યા પછી મેં અપ્રકાશિત લખાણો માગ્યાં. મને નવાઈ લાગી કે, બીજું ઘણું ન સમજી શકતી ડોરોથી પુસ્તકો બાબતની મારી વાત તરત સમજી જતી. એક પછી એક તમામ હસ્તલિખિત અપ્રકાશિત લખાણો તેણે મને કાઢી આપ્યાં! હું એ વાંચતી ગઈ, ત્યારે મને થયું કે, આ તો કાચું સોનું છે. આ અણમોલ શબ્દો પ્રકાશિત થવા જ જોઈએ.

ખરું પૂછો તો ડોરોથીના સંપર્કમાં આવ્યા પછી મારો સાહિત્યપ્રેમ ફરી જાગી ઊઠ્યો હતો. ડૉક્ટરી વ્યવસાયની ભાગદોડમાં વિસરાઈ ગયેલ જીવનના એક અંશને જાણે હું ફરી પામી હતી. મને થયું કે, એને ફરી લખતી કરી શકું તો એનાં માનસિક સંચલનોનો કાંઈક અણસાર મેળવી શકું.

થોડા સમયમાં મારી નિયમિત મુલાકાતોથી એ ટેવાઈ ગઈ કે નહીં એ તો ખબર નથી, પણ હું ચોક્કસ ટેવાઈ ગઈ હતી. હતી. મારા પ્રત્યે એનું વર્તન સામાન્ય રહેતું. ભલે એને મારું નામ કે પૂર્વાપર સંબંધ યાદ ન રહે, પણ મારી હાજરીનો વિરોધ એણે ક્યારેય કર્યો નહીં.

હું કલ્પના કરતી કે, એણે મારી હાજરીને સ્વીકારી લીધી છે, અને કોઈક આછી પરિચિતતાનો અદૃશ્ય તંતુ અમારી વચ્ચે સંધાઈ રહ્યો છે. એના વિશે તો શું કહું? પણ મારા પક્ષે એ વાત તદ્દન સાચી હતી.

હું એને બાગમાં ફરાવા લઈ જતી ને કહેતી,

‘આ વૃક્ષો ઉપર પાનખરનાં રંગો તો જો! ઉનાળો પૂરો થયો ને હવે ગુલાબી ઠંડીનો ચમકારો ધીરેધીરે ઘેરો લાલ થઈને વૃક્ષોને પાંદડે જઈ બેઠો છે! ચાલ આપણે એના ઉપર કવિતા કરીએ.’ પછી હું કાગળ અને પેન એના હાથમાં આપીને દૂર સરકી જતી, તો ક્યારેક એ બોલવા લાગે, તે હું મારા ફોનમાં ટેપ કરી લેતી.

ક્યારેક સમીસાંજે ધરતી ઉપર પથરાતા પડછાયાને બતાવીને હું એને કહેતી,

‘આ છાંયડા જો, આકાશની રતાશ એના ઉપર ઊતરી આવતી હોય, એવું નથી લાગતું? કહે તો, શું છે આ રતાશ? વીતેલી કોઈ પળ? કોઈનું સ્મરણ? કે વિદાય લેતા સૂર્યનો વિષાદ? અનુભવી જો આ રતાશને અને ઊતાર એને તારી કવિતામાં!’

વરસાદી દિવસોમાં અમે વાદળ તરફ તાકવાની રમત રમતાં. એક વાદળ તરફ ધ્યાન કેદ્રિત કરવાનું અને એ શાનાં જેવું લાગે છે, એ કહેવાનું.

‘મેં કહ્યું, ‘જો પેલો કાળો હાથી દેખાય!’

તો એ કહેવા લાગી, ‘પેલું સૂરજ પાસેનું વાદળું જોયું? તણખાની ટોપલી જાણે!’

‘ઓ હો! તણખાની ટોપલી? કેવી સરસ કલ્પના! શું ભર્ય઼ું છે એ તણખાની ટોપલીમાં?’

‘સપનાં ભરેલાં છે એમાં!’

‘અરે વાહ! હજીય છે એમાં સપનાં? દેખાય છે તને?

‘ના ટોપલી તો ખાલી છે. કોઈ લઈ ગયું હશે.. સપનાં!’ એના ઉદાસ થઈ ગયેલા ચહેરા ઉપર વાત પૂરી થતી. અમારી વાતોનો એકેએક શબ્દ હું સાઉન્ડ-રેકોર્ડ કરતી. પછી એમાંથી સાહિત્યિક તણખા હું કૉમ્પ્યૂટરમાં સાચવતી જતી હતી.

એ દિવસે આકાશમાં વાદળો ઘરાવા લાગ્યાં હતાં. ડોરોથી પલંગ પર લાંબી થઈને બારીમાંથી આકાશ તરફ એકીટશે જોઈ રહી હતી. વાદળછાયા દિવસોમાં અનેક વાર મેં એને આ રીતે આકાશ તરફ તાકીને બેસી રહેલી જોઈ હતી. હું બાજુમાં ખુરશી ખેંચીને બેસી ગઈ. શું જુવે છે ડોરેથી? મેં હળવેથી પૂછયું.

મારા આશ્ચર્ય વચ્ચે એ કહેવા લાગી કે, તે વાદળોમાં એક સરસ સ્ટોરીવાળી ફિલમ જોઈ રહી છે! આકાર બદલતા વાદળોએ તેની કલ્પનાશક્તિને ઉત્તેજિત કરી હતી. મારા માટે આ ખૂબ સારા સમાચાર હતા. પછી તો વારંવાર હું એની સાથે એક રમત માંડતી. અનેક આકારો રચતા ને પવનના સપાટે દોડી જતાં સફેદ, ભૂખરાં, કાળાં વાદળોના આકારો પરથી એક વારતા કહેવાની રમત.

રોજ હું એણે આગલે દિવસે કહેલી વાત ટૂંકમાં કહેતી અને વારતાને આગળ વધારવા પૂછતી કે, કહે જોઉં, વાદળો આગળ શું કહે છે? એ જે કાંઈ બોલતી તે હું વોઈસ રેકોર્ડરમાં ટેપ કરી દેતી, પછી ઘરે આવીને વૉઈસ ટૂ ટેક્સ્ટ ટૂલની મદદથી એને કૉમ્પ્યૂટર પર લઈ લેતી.

બોલેલું લખવામાં કૉમ્પ્યૂટરે કરેલી ભૂલો સુધારવામાં મારો સારો એવો સમય જતો, પણ ડોરોથી પ્રત્યેની મારી ભાવના એટલી તીવ્ર બની ગઈ હતી કે, સમય કે શક્તિની ગણતરી કર્યા વગર હું આ કામ કર્યે જતી હતી.

એક દિવસ સૂર્યની ઉપર છવાવા મથતા સફેદ વાદળની તેજલ કોર બતાવતાં મેં કહ્યું, જો ડોરોથી, આ વાદળ સળગી ઊઠ્યું છે, પ્રિયતમાના વિરહમાં. એને આગળ વધતું રોકવા સૂરજે પોતાના અશ્વને છોડી મૂક્યો છે.. હવે તું કહે, શું કરશે સૂરજનો અશ્વ અને શું થશે આ વાદળનું?

મારા આશ્ચર્ય વચ્ચે ડોરોથીએ વારતાને આગળ ચલાવી. મેં નોંધ્યું કે, દુન્યવી સંબંધો તથા ચીલાચાલુ વાતો તરફ ઉદાસીન રહેતી ડોરોથી મનના ભાવોને અજબ રીતે વ્યક્ત કરી શકતી હતી. હું એ ભાવોને સિમ્બોલાઈઝ કરીને એની ચેતનાને જાગૃત કરવા પ્રયત્ન કરતી રહી.

એની સ્મૃતિ તો હું પાછી આણી ન શકી, પણ એની પાસે અસંખ્ય કાવ્યો તથા સંવેદનોસભર નિબંધિકાઓ સર્જાવી શકી. એક વાર મેં એને પૂછયું, આ બારીમાંથી બહાર જે કાંઈ દેખાય છે, એના વિશે કાંઈક કહેશે? જવાબમાં તે બોલીઃ

‘હું બારીમાં બેસીને કુદરતને વાંચું છું.
મોસમો મારી આંખ સામે પાનાં પલટતી રહે છે,
ને હું કુદરતને વાંચ્યા કરું છું.

બારી બહાર મેદાનમાં જામેલી
બરફની પરતો ઉપર સૂરજ
હૂંફાળા ગ્રીષ્મનું આમંત્રણ લખી જાય છે.

હું ખુલ્લા પગે ચાલી નીકળું છું.
કિરણોની પગદંડીએ ચાલતી હું
ક્ષિતિજના સીમાડા સુધી પહોંચું છું,
ત્યાં મોસમ પાનું બદલી કાઢે છે
ને હું ભૂલી પડી જાઉં છું.

ગ્રીષ્મને પેલે પાર ભટકતી-ભટકતી હું
ક્યારે પાનખરમાં પહોંચી જાઉં છું, ખબર પડતી નથી.
આ પગદંડીઓ મને છેતરતી હશે?
કે પછી મોસમનું એ છળ હશે?

જીવવાની એ શરત છે કે, મારે કદી થાકવાનું નથી.
અને થાકવું ન હોય, તો બોજ તો ઊતારવો જ પડે.

ક્યારની લઈને ફરું છું એ બોજ ઊતારવા
મારાં બધાં રંગીન પર્ણો પાનખરને અર્પણ કરીને હું સાવ હળવી બની જાઉં છું
અને રાહ જોઉં છું એ સમયની,
જ્યારે મોસમ છેલ્લું પાનું પલટાવીને
મને ઢબૂરી દે, હિમઘરની નિતાંત હૂંફાળી સુરક્ષિતતામાં!’

પ્રૉ. સૅમે મેળવી આપેલી ટ્રસ્ટીઓની સંમતિથી મેં એની કૃતિઓ ઉત્તમ સામયિકોમાં મોકલવા માંડી. મોકલતી તો ડોરોથીના નામે, પણ નીચે મારું સરનામું અને ફોન નંબર લખતી.

કૃતિ ગમી જતાં સામયિકના તંત્રીઓના ફોન આવવા લાગ્યા. આમ બને ત્યારે હું વિનયપૂર્વક ડોરોથીની હાલત વિશે જણાવતી અને વિનંતી કરતી કે, મૌખિક રીતે આપેલ અભિપ્રાય તેઓ લખીને મોકલે, જેથી જ્યારે આ કૃતિઓનું પુસ્તક પ્રકાશિત થાય, તેમાં એમના અભિપ્રાયો છાપી શકાય. પછી એનું સાહિત્ય છાપવા માટે મેં પ્રકાશકો શોધવા માંડયા. એનાં જૂનાં પુસ્તકોના પ્રકાશકોનો પણ મેં સંપર્ક કર્યો.

આટલા સમયમાં ડોરોથીની હાલત વિશે સાહિત્યસર્કલમાં ઘણાંને ખબર પડવા લાગી હતી, એટલે સહાનુભૂતિની એક લહેર ચાલી. એનાં પુસ્તકો પ્રગટ થયાં. એ તમામ બેસ્ટસેલર થયાં. ડિજીટલ આવૃત્તિઓ પણ ખૂબ વેંચાઈ. એનાં સરસ અવલોકનો પણ અનેક જગ્યાએ છપાયાં.

કડકમાં કડક વિવેચકોએ પણ એના સર્જન ઉપર પ્રસંશાના પુષ્પો વેર્યાં. હું ખૂબ ખુશ હતી. મારા પ્રયત્નોને ઉત્સાહપૂર્ણ વેગ મળ્યો. મને થયું કે, એનું કામ હજી વધારે આગળ જવું જોઈએ. જ્યારેજ્યારે એનું પુસ્તક પ્રકાશિત થાય, ત્યારે પ્રકાશક પાસેથી ત્રીસેક નકલો મેળવીને હું એવી વ્યક્તિઓને મોકલતી જેના થકી આંતરરાષ્ટ્રીય સ્તરે એનું કામ પહોંચે.

એમ કરતાં એક વખત સમાચાર આવ્યા કે, એનું નામ અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અવૉર્ડ માટે નૉમિનેટ થયું છે, ત્યારે મારા આનંદની કોઈ સીમા ન રહી.

મને એ દિવસ બરાબર યાદ છે. હું ડોરોથી સાથે બેઠી હતી ત્યારે અચાનક ફોન આવેલો. હાર્દિક અભિનંદન ડોરોથી, તમે ઈતિહાસ સર્જી રહ્યાં છો. અવૉર્ડ કમિટી તમારા નામે આ અવૉર્ડ જાહેર કરતાં અત્યંત ગૌરવ અનુભવે છે.

આનંદથી ઊછળી ઉઠેલા મારા હૈયાને કાબૂમાં રાખતાં મેં જવાબ આપેલો કે, માફ કરજો, હું ડોરોથી નહીં, તેની ડૉક્ટર બોલી રહી છું. આપને કદાચ ખબર જ હશે, ડોરોથી સ્મૃતિલોપની દર્દી છે અને આપની વાત સમજી શકે કે પ્રતિભાવ આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી. એ મારી પાસે જ બેઠી છે. આપ વિડિયો કોલ કરી શકો તો એને જોઈ શકશો તથા રૂબરૂ જ શુભ સમાચાર સંભળાવી શકશો. તરત વિડિયોકોલ આવેલો.

સમાચાર સાંભળીને ડોરોથી નિશ્ચલ રહી. સામાન્ય રીતે સ્મૃતિલોપના દરદી આવા સંજોગોમાં એમ પૂછી શકે કે, પારિતોષિક? કયું પારિતોષિક? મને મળ્યું? શા માટે?.. પણ એવું કાંઈ ડોરોથી બોલી નહીં. માત્ર એક સૌમ્ય સ્મિત એના ચહેરા પર રમતું રહ્યું.

સામે છેડેથી બોલતી વ્યક્તિને એણે કાંઈ ન કહ્યું, અને કોલ પૂરો થયો. હું એને ભેટીને નાચી, પછી હોમના રિસેપ્શન પર ખુશખબર આપવા દોડી. ઘડીવારમાં તો ચારેકોર ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. પત્રકારોની મુલાકાતો, અગણિત ફોનકોલ્સ અને સાહિત્યસર્જનના પ્રતિભાવ માટે મેં બનાવેલી ડોરોથીની ઈ-મેઈલ આઈ.ડી. પર તો સંદેશાનો વરસાદ થયો જાણે!

થોડા સમય પછી અવૉર્ડ ફંક્શનની તારીખ નક્કી થઈ. અવૉર્ડ આપનાર સંસ્થા, ડોરોથીની સારવાર કરનારી અમારી હૉસ્પિટલ, તથા ડોરોથીના ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે અવૉર્ડ લેવા ડોરોથી સાથે મારે જવું. પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ ડોરોથી તરફથી મારે જ આપવા. મને એની આચારસંહિતા સમજાવવામાં આવી.

ડોરોથી માટે હું ખુશ હતી. ડોરોથીની સારવારમાં થોડી સફળતા મળી રહી હતી, પણ એનું પાક્કૂં નિદાન હું કરી શકતી નહોતી. હું કોઈક નિષ્કર્ષ પર આવું, ત્યાં તો એવી કોઈ હકીકત સામે આવે કે, જાણીતા રોગોની ફ્રેમમાં એનો કેસ ફીટ ન થાય. એની બિમારીને બરાબર સમજી શકવાની મથામણમાં અનેક પુસ્તકો, જર્નલ્સ, રિસર્ચ પેપર્સ વગેરેનો મારો અભ્યાસ ચાલુ જ હતો.

એ તમામ પરથી માત્ર એટલું સમજાતું હતું કે ડોરોથીની સર્જનાત્મક શક્તિનાં અનેક પાસાં એના સ્મૃતિલોપના સ્તર સાથે મેળ ખાતા નહોતાં. રોજીંદા જીવનમાં સંવાદ સાધવાની અનિચ્છા, રોજબરોજ બનતી ઘટનાઓ તરફની અલિપ્તતા, ભૂતકાળની કોઈ પણ વાત કરવાની અનિચ્છા છતાં એનાં સર્જનમાં છલકાતી તાજગી અને હૃદયસ્પર્શિતા મારા વિજ્ઞાનના જ્ઞાનને હંફાવી રહી હતી.
*
તે દિવસે ડૉ. નીરજા સાથે પ્રશ્નોત્તરી ગોઠવવામાં આવેલી. પ્રેક્ષકોમાં દેશભરના સાહિત્યપ્રેમી તબીબોને બોલાવવામાં આવેલા. તેમાં સ્ત્રી-તબીબોની સંખ્યા ધ્યાન ખેંચે તેટલી વધારે હતી. પ્રશ્ન પણ એક સ્ત્રી-તબીબ તરફથી જ આવ્યો.

‘ડૉ. નીરજા, તમારું ડોરોથી મૅમ તરફનું આટલું બધું ડેડિકેશન આશ્ચર્ય પમાડે તેવું છે. તમારી પોતાની પ્રેક્ટિસ હશે અને ફેમિલી પણ હશે. એ બધા વચ્ચેથી આટલો બધો સમય અને શક્તિ તમે એમના માટે ખરચ્યા તે માનવામાં ન આવે તેવી વાત છે. આવું કરવા પાછળની પ્રેરણા, કે પછી આય મે કોલ ઈટ એ ડ્રાઈવિંગ ફોર્સ શો હતો?’

જવાબ આપતાં પહેલાં એક પ્રકારની અવઢવનો ભાવ નીરજાના ચહેરા પર દેખાયો. પણ એ તો એક જ ક્ષણ. બીજી જ ક્ષણે કોઈ છૂપા નિશ્ચયના ભાવ સાથે તેણે પોતાની વાત શરૂ કરી.

‘વૅલ, જે કાંઈ થયું તે સહજ જ થયું, એમ કહીશ તો એ મેં આચરેલો મોટામાં મોટો દંભ હશે. આજે આ પ્રશ્નનો જાહેર જવાબ હું સચ્ચાઈપૂર્વક આપીશ. અને એ માટે મારે મારી અંગત જિંદગીની વાત કરવી પડશે, જે મેં ક્યારેય કોઈને કહી નથી.

‘મારાં લગ્ન થયાં ત્યારે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન બાકી હતું. લગ્ન પછી મને આગળ ભણવા દેવામાં આવી, તે એ જમાનામાં બહુ મોટી વાત હતી. મારી પ્રોફેશનલ ફરજોમાં પણ મારા કુટુંબનો સહકાર સારો રહ્યો. હું મારી તમામ કૌટુંબિક ફરજો ખૂબ શ્રમ લઈને પણ સારી રીતે બજાવતી.

મને સાહિત્યમાં ઊંડો રસ હતો. હું લખતી અને મને ઈનામો પણ મળતાં. પણ એ લેવા હું ક્યારેય જઈ ન શકતી. કારણો ઘણાં હતાં. દેખીતી રીતે અનિવાર્ય લાગતાં, પણ પછી સમજાતું કે એ તમામ નિવારી શકાય તેવાં હતાં.

કડવી વાસ્તવિકતા એ હતી કે, એ કારણો ક્યારેય નિવારી ન શકાયાં. ત્યારે મને લાગતું કે, એ માટે હું પોતે જ જવાબદાર હતી. જાતે ઓઢી લીધેલી ફરજોના બોજ નીચે હું સતત દબાયેલી રહી. સૌની સગવડ સાચવવાની અને સૌનું મન રાખવાની સર્વોપરિતા સ્વીકારી ચૂકેલી મારી મનોદશાએ મને મારાં પોતાનાં સુખદુઃખ પ્રત્યે સંવેદનહીન બનાવી દીધી હતી.

પછી હું અમેરિકા આવી. અહીંના વ્યક્તિસ્વાતંત્ર્યને ઓળખ્યા પછી સમજાયું કે, પતિ અને કુટુંબ ઉદાર વિચારોવાળાં હોવા છતાં, હું એવા સમાજ વચ્ચે રહેતી હતી, જ્યાં સ્ત્રીની ઉપલબ્ધિઓનું કોઈ મહત્ત્વ નહોતું. ખૂબ મહેનત કરીને મેં હાંસલ કરેલ બધું જ ત્યાં નગણ્ય હતું.

હું સમજતી હતી કે, મારું આત્મસન્માન કોઈની કદરદાનીનું ઓશિયાળું નથી, પણ મનેય સન્માન સ્વીકારીને પરિતૃપ્ત થવાનું ગમી શકે, મહેનત કરીને મેળવેલ સફળતા અને સ્વીકૃતિની લાઈમ-લાઈટ નીચે એકાદ ક્ષણ ઊભા રહેવું ગમી શકે, તેવું કોઈએ વિચાર્ય઼ું જ નહીં! કારણ એટલું જ કે હું સ્ત્રી હતી, અને સમર્પણભાવથી અને ત્યાગવૃત્તિથી છલોછલ હતી.

આનાથી ચોથા ભાગનું પણ કોઈ પુરુષ મેળવે તો ગામ ગજવી મૂકે, પણ હું તો ખૂણે બેસીને શ્રમ કરનાર મૌનધારી શ્રમિક માત્ર હતી!

માટે જ જ્યારે હું ડોરોથીને જાણતી થઈ, એનું સાહિત્ય વાંચ્યું, એની લાચારીને સમજતી થઈ, ત્યારે મેં મનમાં ગાંઠ વાળી કે, ડોરોથી સાથે હું અન્યાય નહીં થવા દઉં. એ જે ડિઝર્વ કરે છે, તે હું તેને અપાવીને જ રહીશ. હું એને લાઇમલાઈટમાં લઈ જઈશ. સમારંભ ભલે દુનિયાને કોઈ પણ ખૂણે હોય, ઈનામ લેવા તો હું એને ચોક્કસ લઈ જઈશ! અને મને એ કહેતાં આનંદ થાય છે કે, વિશ્વનું મોટામાં મોટું પારિતોષિક લેવા હું તેને લઈ જઈ શકી. એટલા જ મોટા આનંદની વાત એ હતી કે, ત્યાં મારી મુલાકાત સિન્થિયા સાથે થઈ.’

તાલીઓના ગડગડાટ સાથે ડૉ. નીરજાની વાત પૂરી થઈ. ઓડિયન્સમાં બેઠેલી સ્ત્રી-તબીબોની આંખો ભીની થઈ, કેમ કે, એ તમામને નીરજાની વાતમાં પોતાના જીવનનું પ્રતિબિંબ દેખાયું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.